૧૮૯૧-૯૨ના તેમના ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગુજરાતના વિદ્વાનો અને સાક્ષરરત્નો તેમજ રાજ્યપ્રબંધકોને મળ્યા હતા અને એ બધાની સાથે તેમણે પ્રજાકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ, ભારતની આધ્યાત્મિકતા, પ્રાચીન સંસ્કૃતિનો અમર વારસો અને તત્કાલીન ભારતની અનેકવિધ સમસ્યાઓ અને એના ઉકેલ વિશે ઘણી વિગતે ચર્ચા કરી હતી; એની વાત આપણે અગાઉના સંપાદકીયમાં કરી ગયા છીએ. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવ પાસેથી મળેલ આધ્યાત્મિક વારસો, તેમની પોતાની સાધના તેમજ પોતાના સતત અને અથાક ભારત-પરિભ્રમણમાંથી ભારત વિશેના નજરે જોયેલા અને જાણેલા સત્યોમાંથી એમને થયેલ અનન્ય અનુભવ; આ બધાંને સાથે લઈને અને તેનો સુભગ સમન્વય કરીને તેઓ ૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભારતના એક પ્રતિનિધિ રૂપે ભાગ લેવા ગયા. આ વિશ્વધર્મ પરિષદમાં સ્વદેશભક્ત-સંન્યાસી સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાં ભારતના આધ્યાત્મિક સંદેશનો ડંકો વગાડી દીધો.

૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદે ભાગ લીધો હતો અને ભારતના આ અનન્ય આધ્યાત્મિક વારસાની અને સર્વધર્મ-સમન્વયની વાત કરીને બધા વક્તાઓ અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ધર્મપરિષદના પ્રમુખ ચાર્લ્સ સી. બોની અને મંત્રીશ્રી જ્હોન હેનરી બરોઝે જૈનધર્મના પ્રતિનિધિ રૂપે તત્કાલીન જૈનધર્મના શ્રાવક આત્મારામજી મહારાજ – આચાર્યશ્રી વિજયચંદ્ર સૂરીજીને આમંત્રણ આપ્યું હતું. જૈનાચાર પ્રમાણે વિદેશયાત્રા ન થઈ શકે એટલે જૈનધર્મ વિશે એક નિબંધ મોકલવાનું એમણે નક્કી કર્યું. વિશ્વધર્મ પરિષદે પ્રતિનિધિ મોકલવા આગ્રહ કર્યો એટલે આત્મારામજી મહારાજે જૈનધર્મના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદ ગાંધીને મોકલ્યા હતા. સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધી બંને એકબીજાના સન્મિત્ર અને પ્રશંસક બની ગયા હતા. સ્વામીજી શ્રી વીરચંદ ગાંધીને ‘મારા વહાલા ગાંધી’ એવા સંબોધન સાથે પત્રો લખતા. પોતાના દેશવાસીઓના ઈર્ષ્યાળુ સ્વભાવનો ભોગ બનતા અને મુશ્કેલીમાં મુકાતા ત્યારે આ બંને એકબીજાને સહાયરૂપ થવા પ્રયત્ન કરતા. શ્રી વીરચંદ ગાંધી અમેરિકા વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા ગયા ત્યારે એ વખતના રૂઢિચુસ્ત જૈન અગ્રણીઓએ એમને જ્ઞાતિ બહાર મૂકી દીધા હતા. એ વખતે સ્વામીજીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી અને એમનો બચાવ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સ્વામીજીએ નવેમ્બર, ૧૮૯૪માં જૂનાગઢના દીવાનશ્રી હરિદાસ વિહારી દેસાઈને લખેલા પત્રમાં આવો ઉલ્લેખ આવે છે: ‘.. અહીં વીરચંદ ગાંધી નામના એક જૈન સદ્‌ગૃહસ્થ છે. એમને તમો મુંબઈમાં સારી રીતે જાણતા હતા. આ દેશની ભયંકર ઠંડીમાં પણ તેઓ શાકાહારી વસ્તુ સિવાય બીજું કંઈ ક્યારેય લેતા નથી. તેઓ મનપ્રાણથી પોતાના દેશબંધુઓ અને ધર્મનો બચાવ કરવા સતત મથતા રહે છે. આ દેશના (અમેરિકાના) લોકોને એમના જેવા લોકો ખૂબ ગમે છે. પરંતુ એમને વિદેશ મોકલનાર લોકો શું કરી રહ્યા છે? એ તો એમને નાત બહાર મૂકવાની વાત કરે છે!’

વીરચંદ ગાંધીએ પણ અમેરિકાના તત્કાલીન લોકપ્રિય સામયિક ‘એરેના’માં લખ્યું હતું કે ભારતના એક સુખ્યાત વક્તા (સ્વામી વિવેકાનંદ)ના પ્રવચનને સાંભળીને મોટા ભાગના શ્રોતાઓ હોલ ઓફ કોલંબસનો સભાખંડ છોડીને મુખ્ય દરવાજાભણી ચાલ્યા જતા અને બીજા વક્તાઓના નિરસ પ્રવચનો સાંભળવા રોકાતા નહિ; એટલે વિશ્વધર્મ પરિષદના પ્રારંભથી જ ભારતના સુખ્યાત વક્તાનો આ સભામાં લોકોને ખેંચી લાવનાર અને જકડી રાખનાર વ્યક્તિ તરીકે ઉપયોગ કરાતો. આ રીતે ખ્રિસ્તી પાદરીઓ અને બીજાઓના લાંબાલચ અને શુષ્ક દર્શનનિબંધોના નિરસ વાચનને આખો દિવસ સહિષ્ણુતાથી સાંભળીને છેલ્લે સુધી છેલ્લા વક્તાના પ્રવચનના અંત સુધી શ્રોતાઓ બેસી રહેતા. આ બધા શ્રોતાઓને છેલ્લા વક્તા(સ્વામી વિવેકાનંદ)ના પ્રવચનમાં જ રસ પડતો.’ વિશ્વધર્મ પરિષદમાં અવારનવાર સભાના સંચાલકો નિરસ સંભાષણો કે નિબંધના વાચનોથી કંટાળીને ચાલ્યા ન જાય એટલા માટે સ્વામી વિવેકાનંદ સમારંભનું સમાપ્તિ સંભાષણ આપશે એવી જાહેરાત કરવામાં આવતી. આને લીધે એમના પંદર મિનિટના સંભાષણને સાંભળવા લોકો સભાખંડમાં કલાકો સુધી રાહ જોઈને બેસી રહેતા.

સ્વામીજી સાથે જૈનધર્મના એક પ્રતિનિધિ રૂપે ગયેલા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનો જન્મ ભાવનગર પાસેના મહુવામાં ૧૮૬૪ના ઓગસ્ટની ૨૫મી તારીખે થયો હતો. તેમના પિતા રાઘવજી અને માતા માનબાઈ વિશા શ્રીમાળી શ્રાવક વણિક હતા.

ગુજરાતી શિક્ષણ મહુવામાં લઈને અંગ્રેજી શિક્ષણ માટે વીરચંદ ગાંધી પોતાના માતપિતા સાથે ભાવનગરમાં આવ્યા. ૧૮૮૦માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પ્રથમનંબરે પાસ કરી અને ‘સર જશવંતસિંહજી સ્કલોરશિપ’ મેળવી હતી. ત્યાર પછી ઉચ્ચ અભ્યાસાર્થે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા અને કુટુંબ સાથે મુંબઈમાં રહેવા લાગ્યા. ૧૮૮૪માં બી.એ.ની પરીક્ષામાં સફળ થયા. ૨૦ વર્ષની વયે તેઓ જૈન સમાજમાં પ્રથમ સ્નાતક બન્યા હતા. ઉપર્યુક્ત સ્કોલરશિપ ઉપરાંત બીજી સરકારી સ્કોલરશિપ પણ એમણે આ અભ્યાસ દરમિયાન મેળવી હતી. ૧૮૮૫માં માત્ર ૨૧ વર્ષની ઉંમરે ‘જૈન એસોસિયેશન ઓફ ઈંડિયા’ના માનદ મંત્રી બન્યા. એમણે તત્કાલીન ગવર્નર લોર્ડ રેને મળીને કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ વોટસનની સહાયથી પાલિતાણાની યાત્રામાં લેવાતો મુંડકાવેરો માફ કરાવ્યો હતો. ૧૮૮૫માં મેસર્સ લીટલ, સ્મિથ, ફ્રેઅર, નિકલસનની સરકારી સોલિસિટરની પેઢીમાં આર્ટિકલ ક્લાર્ક તરીકે કામ કર્યું હતું. ૧૮૯૧માં જૈનોના પવિત્ર પર્વત સમેત શિખર પર મિ. બેડમ નામના અંગ્રેજે ચરબીનું કારખાનું નાખ્યું. એની સામે થયેલા કેસની અપીલમાં મદદ કરવા મિ. વીરચંદ કોલકાતા ગયા. ત્યાં તેમણે બંગાળી ભાષાનો પણ અભ્યાસ કર્યો. એમની મહેનતથી જૈન લોકો આ કેસ જીતી ગયા અને વીરચંદ ગાંધીની કીર્તિ પ્રસરી. 

૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં આપણે આગળ જોયું તેમ તેમણે ભાગ લીધો હતો. ૧૮૯૩ના ઓગસ્ટમાં મુંબઈથી નીકળીને તેઓ અમેરિકા ગયા હતા. તેમણે ત્યાં ‘જૈનધર્મનાં તત્ત્વો’ વિશે ઉત્તમ ભાષણ આપ્યું હતું. એમની વક્તૃત્વ શક્તિથી ખૂશ થઈને ડો. બેરોઝે પોતાનું મકાન એમને રહેવા માટે આપ્યું. વીરચંદ ગાંધીએ ૨ વર્ષ સુધી અમેરિકામાં રહીને શિકાગો-બોસ્ટન-વોશિંગ્ટન-ન્યૂયોર્ક-રોચેસ્ટર-ક્લિવલેન્ડ-કેસાડેના-બટેવિયા-લિલિડેલ-બ્રુકલીન-શેરોન-રોક્સબરી-એવન્સ્ટન અને આઈલેન્ડ પાર્ક જેવા મોટા નગરોમાં જુદાં જુદાં સ્થળે ૫૦૦ થી વધુ ભાષણો આપ્યાં હતાં. કોઈ કોઈ વ્યાખ્યાન વખતે દસ હજાર જેટલા શ્રોતાઓ રહ્યા હતા. એમને સાંભળવા માટે વિશેષ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વોશિંગ્ટન શહેરમાં તેમણે ‘ગાંધી ફિલોસોફિકલ સોસાયટી’માં એક વ્યાખ્યાન આપેલું. ૧૮૯૩થી ૧૮૯૫ સુધીમાં અમેરિકાનાં ઉપર્યુક્ત શહેરોમાં એમણે પ્રવચનો આપ્યાં હતાં. ‘સ્કૂલ ઓફ ઓરિએન્ટલ ફિલોસોફી’ની સ્થાપના દ્વારા હિંદુ, બૌદ્ધ, જૈનધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાનો આપ્યાં હતાં. શિકાગોમાં ‘એન અનનોન લાઈફ ઓફ જિસસ ક્રાઈસ્ટ’ નામનું પોતાનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. લંડનમાં લોર્ડ રેના પ્રમુખ સ્થાને યોજાયેલ જાહેર સભામાં ‘ભારતીય તત્ત્વજ્ઞાન’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. ૧૮૯૫માં સ્વદેશ આવ્યા પછી આર્યસમાજ અને બુદ્ધિવર્ધક સભાના ઉપક્રમે પ્રવચનો આપ્યાં હતાં અને ‘હેમચંદ્રાચાર્ય વર્ગ’ની સ્થાપના કરી હતી. એમનાં કેટલાંક વ્યાખ્યાનો ‘જૈન ફિલોસોફી’, ‘કર્મ ફિલોસોફી’ અને ‘યોગ ફિલોસોફી’ નામના પુસ્તકમાં ગ્રંથસ્થ થયાં છે.

સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મ પરિષદમાં મોટી સફળતા તો મેળવી પણ એની સાથે એમને ખ્રિસ્તી મિશનરીઓનો કોપ પણ વહોરી લેવો પડ્યો. વર્તમાન પત્રો, સામયિકોમાં આ મિશનરીઓ દ્વારા ઘણાં નિંદાત્મક લખાણો પણ પ્રસિદ્ધ થયાં; પણ સ્વામીજીએ જરાય નમતું ન જોખ્યું. એવી જ રીતે વીરચંદ ગાંધીને પણ આવાં નિંદાત્મક લખાણો અને પ્રહારોનો સામનો કરવો પડ્યો હતો. ૧૮૯૪ના નવેમ્બર માસમાં ન્યૂયોર્ક શહેરમાં ‘નાઈન્ટીન્થ સેન્ચ્યુરી’ નામની ક્લબમાં એમણે ‘હિંદુસ્તાનના મિશનરીઓ ફતેહ પામ્યા છે કેમ’ એ વિષય પર એક વ્યાખ્યાન આપ્યું હતું. એમાં એમણે જણાવ્યું હતું કે હિંદુઓની નીતિરીતિ તથા રિવાજો શ્રેષ્ઠ છે અને મિશનરીઓ માત્ર નીચલી કોમને વટાવવા સિવાય બીજું વધારે કરી શકશે નહિ એમ પણ પુરવાર કર્યું હતું. એ પ્રસંગે ખ્રિસ્તીઓ તરફથી હિંદમાં ૩૩ વર્ષ સુધી રહેલા કોલકાતાના બિશપ થોબર્ને શ્રી વીરચંદ ગાંધીની સામે તકરારમાં ભાગ લીધો હતો. પરંતુ શ્રી વીરચંદ ગાંધીના વિચારને પસંદ કરવાનો તથા સભાની ખુશાલી જાહેર કરવાનો પત્ર તે સભાના પ્રમુખે બીજે જ દિવસે લખી જણાવ્યો હતો. (મહાજન મંડળ, પૃ.૧૧૬૭, લે. મગનલાલ ન. પટેલ)

અમેરિકાની પ્રજા સમક્ષ સ્વામી વિવેકાનંદની જ ભાષામાં એમણે એક વખત પ્રવચન આપતાં કહ્યું હતું: ‘આ વિશ્વ જિસસનું છે – ઈસાઈ જગતનો આ નારો છે; આ બધું શું છે? આનો અર્થ શું છે? એ કોણ ઈશુ છે, જેના નામ પર તમે વિશ્વવિજય મેળવવા ઇચ્છો છો? શું એ અત્યાચારના ઈશુ છે? શું એ અન્યાયના ઈશુ છે? શું સર્વ અધિકારોના નિષેધના ઈશુ છે? જો એવા ઈશુના નામ પર એવા ઝંડાના આધાર પર તમે અમને જીતવા માગશો તો અમે પરાજિત નહિ થઈએ. પરંતુ જો તમે અમારી પાસે શિક્ષા, ભાતૃભાવ, વિશ્વપ્રેમ ઈશુના નામ પર આપશો તો અમે તમારું સ્વાગત કરીશું. એવા જિસસને અમે જાણીએ છીએ અને અમને એનો ભય નથી!’ (‘જ્યોતિર્ધરની જીવનગાથા’ લે. પન્નાલાલ ર. શાહ, પૃ.૨૩)

વીરચંદ ગાંધીએ જૈનધર્મના દર્શનશાસ્ત્ર વિશે એવી સુસંબદ્ધ વાતો કરી કે જેથી ઘણા સમાચાર પત્રોએ એમનું આખું આખું વ્યાખ્યાન પ્રસિદ્ધ કર્યું હતું. જૈનધર્મના જટિલ તત્ત્વોની પરિભાષાને અસરકારક અને સહજ રીતે તેઓ સમજાવી શકતા. તાર્કિક રીતે પોતાના વિધાનોની રજૂઆત કરવામાં અને તેની સ્પષ્ટતા કરવામાં તેઓ બાહોશ હતા. તેઓ માનતા કે ભારતીય દર્શનશાસ્ત્રને સમજવા માટે સંસ્કૃત કે પ્રાકૃત ભાષાના અભ્યાસ ઉપરાંત ભારતની પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિને તેના સુયોગ્ય પરિપ્રેક્ષ્યમાં અનુભવવી જોઈએ અને એને આત્મસાત્‌ પણ કરવી જોઈએ. તેઓ જૈન તત્ત્વદર્શનની ચર્ચા કરતી વખતે ભારતના સનાતન હિંદુ ધર્મના ઘણા ઉદાત્ત પાસાઓની પણ ચર્ચા કરતા. ટૂંકમાં કહીએ તો તેઓ હંમેશાં એક ભારતીય બનીને જ પોતાનું વક્તવ્ય આપતા.

તેઓ આ બધું સહજતાથી કરી શક્યા એનું મૂળ કારણ તેઓ સંસ્કૃતના સારા અભ્યાસુ હતા. સાથે ને સાથે ભારતની ગુજરાતી, મરાઠી, હિંદી, બંગાળી, વગેરે ઉપરાંત ફ્રેંચ અને અંગ્રેજી જેવી ૧૪ જેટલી ભાષાઓ જાણતા હતા. એમની બીજી વિશેષતા એ હતી કે તેઓ જર્મની આદિ દેશોમાં ભારતીય પ્રાચીન વિદ્યાના અભ્યાસીઓના લખાણો પૂરા ધ્યાનથી વાચતા અને પોતાનાં ભાષણોની તૈયારીમાં એનો ઘટતો ઉપયોગ પણ કરતા. આને લીધે એમના વ્યાખ્યાનો તટસ્થ અને પ્રમાણિક ગણાતા.

બીજા ધર્મોની ટિકાનિંદા ન કરવાં એ એમના વ્યાખ્યાનોની વિશેષતા હતી. સંકુચિત સાંપ્રદાયિકતા કે ગ્રહ-પૂર્વગ્રહથી એમનાં વક્તવ્યો પર હતાં. એમનાં વ્યાખ્યાનોમાં સ્વાભાવિક સંવેદનાઓ, પ્રખર અભ્યાસશીલતા અને પૂરતા ખંત અને ઉત્કટતા જોવા મળતાં. ભારતીય સંસ્કૃતિના આગવાં અને વિલક્ષણ તત્ત્વોને રજૂ કરવામાં અને એમાં અમેરિકાના સમાજને કેળવવામાં એમનાં વ્યાખ્યાનો ઘણાં સહાયક નીવડ્યા હતાં.

સ્વામી વિવેકાનંદની જેમ જ શ્રી વીરચંદ ગાંધી કરુણામૂર્તિ હતા. દેશબાંધવોની મુશ્કેલીઓને અને દુ:ખોને દૂર કરવા પોતાની રીતે તેમણે પ્રયાસો પણ કર્યા હતા. ૧૮૯૬-૯૭માં ભારતમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. સ્વામીજીની પ્રેરણાથી એમના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજીએ બંગાળના મુશિર્દાબાદમાં દુષ્કાળ પીડિતો માટે એક મહા સેવાયજ્ઞ આરંભ્યો. ૧૮૯૬માં પોતાનાં પત્ની સાથે વીરચંદ ગાંધી અમેરિકા ગયા હતા. શિકાગોની જનતાને સી.સી. બોની સાથે મળીને કરેલી અપીલના પ્રતિભાવ રૂપે રાહત સામગ્રી આવવા લાગી. એક અન્ન ભરેલું વહાણ સાન્ફ્રાંસિસ્કોથી કોલકાતા દરીયાઈ માર્ગે મોકલવામાં આવ્યું. ચાલીસ હજાર રૂપિયા રોકડા પણ રાહતકાર્ય માટે મોકલવામાં આવ્યા હતા. ૧૮૯૯ની ‘આંતર રાષ્ટ્રિય વાણિજ્ય પરિષદ’માં વીરચંદ ગાંધીને સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એમણે ઈંગ્લેન્ડમાં ‘ફિલોસોફિકલ સોસાયટી’ નામની સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા દ્વારા એમણે જૈનધર્મ, હિંદુયોગ અને બૌદ્ધ તત્ત્વજ્ઞાન વિશેના તુલનાત્મક જ્ઞાનના વર્ગો ચલાવ્યા હતા. એમણે શિકાગોમાં ‘સોસાયટી ફોર ધી એજ્યુકેશન ઓફ વિમેન ઓફ ઈંડિયા’ નામની સંસ્થા સ્થાપી. એમના મંત્રીપદે એમનાં શિષ્યા મિસિસ હાવર્ડ હતાં. તે જમાનામાં સ્ત્રીઓનું સ્થાન ઘરની દિવાલો વચ્ચે સીમિત હતું. એ વખતે સ્ત્રી કેળવણીની વાત કરવી એ કોઈ સહજસરળ બાબત ન હતી. ઉપર્યુક્ત સંસ્થાના પ્રયત્નોથી ભારતની ત્રણ બહેનોને અમેરિકામાં અભ્યાસાર્થે મોકલી શક્યા અને એમનાં રહેઠાણ અને વિદ્યા-અભ્યાસની વયવસ્થા પણ કરી શક્યા હતા. ભારતની નારીઓ સુશિક્ષિત બનીને ભાવિ સાવિત્રી, મૈત્રેયી, ગાર્ગી અને દમયંતી બને તેવો એમનો ઉદાત્ત હેતુ હતો. આ ઉપરાંત ભારતમાં જૈન કોલેજની સ્થાપના થાય એવી એમની ઇચ્છા હતી. એ રીતે કેળવણીમાં પણ એમણે ઘણું મોટું પ્રદાન કર્યું હતું. 

શ્રી વીરચંદ ગાંધી એક સાહિત્યકાર પણ હતા. એમનાં લખાણોમાં વ્યંજના અને તત્ત્વજ્ઞાન જોવા મળે છે. એમણે લખેલા પત્રો, જૈનદર્શન વિશેના લેખો તેમજ હિંદુધર્મના ઉદાત્ત લેખો, વગેરે વિદ્વદ્‌ભોગ્ય સાહિત્ય કહેવાય. એમના સાહિત્યનો, એમની કાવ્યશક્તિનો આપણે સાચો પરિચય મેળવીએ તે પહેલાં નાની ઉંમરમાં જ એમનું અવસાન થતાં આપણે એક સાચા સાહિત્યકારને ગુમાવ્યો એમ કહી શકીએ.

ત્રીજી વખત તેઓ વિદેશ યાત્રાએ ગયા પણ નાદુરસ્ત તબિયતને લીધે જુલાઈ ૧૯૦૧માં પાછા ફર્યા. એમની તબિયતમાં સુધારો ન થયો છતાં પણ પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી એટલે કે ૩૭ વર્ષની વય સુધી સતત કાર્યરત રહ્યા. ૧૯૦૧ના ઓગસ્ટ માસની ૭મી તારીખે મુંબઈમાં આ મહાન આત્માનું અવસાન થયું. સ્વામી વિવેકાનંદની જેમ અલ્પાયુમાં અનેક મહાકાર્યો કરી જનાર આ વીરચંદ ગાંધી અર્વાચીન ભારતના ઘડવૈયાઓ પૈકીના એક હતા.

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.