માઉન્ટ આબુમાં ત્રણ માસ

(૨૮ એપ્રિલ થી ૨૪ જુલાઈ સુધી – અનુમાનિત સમય)

અજમેર ભ્રમણ તથા પુષ્કર દર્શન કર્યા પછી સ્વામીજી માઉન્ટ આબુ તરફ ચાલી નીકળ્યા. ગ્રીષ્મનો સમય એમનાથી સહન થતો ન હતો. એટલે ગરમીથી રાહત મળે એ પણ એમનો અહીં આવવાનો એક મુખ્ય ઉદ્દેશ હતો. અહીં એમણે સતત આશરે પોણા ત્રણ મહિના સુધી નિવાસ કર્યો હતો. એ સમય દરમિયાન એમણે કેટલીયેવાર પોતાના રહેવાનું સ્થાન બદલ્યું હતું. પ્રાપ્ય તથ્યો પરથી એવું લાગે છે કે પ્રારંભમાં તેઓ વેક્સીનેશન ઓફિસર – ટીકા અધિકારીના પ્રધાનલિપિકશ્રી મુરારીલાલને ત્યાં રોકાયા હતા. ત્યાર પછી તેઓ સંભવત: છાલેસરના ઠાકુર મુકુંદસિંહની સાથે રહેવા ગયા હતા. અહીં એમની હરવિલાસ સારડા સાથે મુલાકાત થઈ હતી. આ ઉપરાંત એમણે ચંપા નામની નિર્જન ગુફામાં એકાકી અવસ્થામાં રહીને ધ્યાન-સાધનામાં પોતાનું મન લગાડી દીધું હતું અને ત્યાર પછી કિશનગઢના મુસલમાન વકીલ મુનશી ફૈઝ અલીની વિનંતીથી કિશનગઢની કોઠીમાં રહેવા ગયા. અહીંથી તેઓ ખેતડીના નરેશ અજિતસિંહને મળવા જતા.

એપ્રિલના અંતિમ સપ્તાહમાં તેઓ માઉન્ટ આબુ પહોંચ્યા અને બે-એક દિવસ પછી જ ૩૦ એપ્રિલે એમણે પોતાના અલવરના શિષ્ય લાલા ગોવિંદ સહાય વિજયવર્ગીયને એક પત્ર લખ્યો. આ પત્ર સ્વામીજીની જીવન કથાઓ તથા ગ્રંથાવલિમાં આંશિક રૂપે મળે છે. એનું પરિવર્ધિત રૂપ અલવર વિશેની ચર્ચામાં આપવામાં આવ્યું હતું. એમાં મહત્ત્વની વાત આ છે : ‘… આ આબુ સ્થાન અત્યંત સુંદર છે. પરંતુ અહીંનું પાણી પીવા માટે ઘણું ખરાબ છે. હું અહીં વેક્સીનેશન ઓફિસર – ટીકા અધિકારીના મુખ્યલિપિકશ્રીયુત્‌ મુરારીલાલના ઘરે રહું છું. તેઓ તમારા ડો. બાબુના વિશેષ મિત્ર છે અને એ કારણે એમણે મને અનેક સુવિધાઓ સાથે રાખ્યો છે.’ માઉન્ટ આબુથી લખેલા સ્વામીજીના ઉક્ત પત્રથી એટલું જાણવા મળે છે કે તેમણે ત્યાં પહોંચીને સર્વપ્રથમ અલવરના ડો. ગુરુચરણ લશ્કરના મિત્ર તથા ત્યાંના વેક્સિનેશન ઓફિસરના પ્રમુખલિપિક શ્રી મુરારીલાલના ઘરમાં નિવાસ કર્યો હતો. સંભવ છે કે ડો. લશ્કરે જ સ્વામીજીને પોતાના મિત્રના નામે પરિચય પત્ર આપ્યો હશે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ તથ્યનો બીજે ક્યાંય પણ ઉલ્લેખ થયો નથી.

આબુથી અલવરના લાલા ગોવિંદસહાયને નામે લખેલો એક બીજો પત્ર પણ મળે છે. એના પર તારીખ-વાર નથી. એવું લાગે છે કે આ પત્ર પછીથી લખાયો હશે. ઉપર્યુક્ત બંને પત્રોમાં સ્વામીજીએ અલવરના પોતાના બધા શિષ્યો તથા મિત્રોના કુશળ સમાચાર પૂછ્યા છે અને વિશેષ પરિશ્રમ સાથે સંસ્કૃત ભાષા શીખવાની હિમાયત પણ કરી છે. ગોવિંદ સહાયને સ્વામીજીએ શિવપૂજાનો ઉપદેશ આપ્યો છે અને હરબક્ષને પ્રાણાયામની વિધિ બતાવી છે. સાથે આમ લખ્યું છે : ‘ધર્મનું રહસ્ય આચરણથી જાણી શકાય છે, વ્યર્થ મતવાદો દ્વારા નહિ. સત્યનિષ્ઠ બનવું અને સદ્‌વર્તન કરવું એમાં જ બધો ધર્મ રહેલો છે.’

માઉન્ટ આબુનો પરિચય

માઉન્ટ આબુ અજમેરથી ૧૪૫ કી.મી. તથા આબુ રોડ સ્ટેશનથી ૨૫ કી.મી. દૂર આવેલ છે. અરવલ્લીની પર્વતમાળામાં લગભગ ૫૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલ ૧૪ માઈલ લાંબા અને ૨૦૪ વર્ગમાઈલમાં ફેલાયેલ માઉન્ટ આબુ એટલે કે અર્બુદાચલ ભારતનું એક અત્યંત સુરમ્ય પર્વતીય સ્થાન છે. આબુ હજારો વર્ષોથી રાજસ્થાનની સાંસ્કૃતિક પ્રેરણાનું કેન્દ્ર રહ્યું છે. અહીંના પ્રાચીન પ્રાકૃત તથા ડિંગલ સાહિત્યમાં મુખ્યત: અહીંના રાજાઓની વીરતા, ઉદારતા અને દાનશીલતાનું વર્ણન આવે છે.

અહીંના વિશાળ નખી તળાવ વિશે એક કિંવદન્તિ છે. આ સરોવર દેવતાઓએ પોતાના હાથે નખોથી કોતરીને બનાવ્યું હતું. એટલે એનું નામ નખી સરોવર પડ્યું છે. કાળાંતરે અપભ્રંશ થઈને એને ‘નક્કી’ સરોવર એવું નામ મળ્યું. અહીંથી સનસેટ પોંઈટ – સૂર્યાસ્તદર્શન સ્થળનું પ્રાકૃતિક દૃશ્ય અત્યંત મનોરમ્ય છે. સૂર્યાસ્તના સમયે અહીં સૂર્યનાં કિરણોમાંથી વિખરાયેલા સાત-રંગોવાળું અવિસ્મરણીય દૃશ્ય જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે.

હિંદુઓ તથા જૈનો એ બંનેની દૃષ્ટિએ આ એક તીર્થસ્થાન છે. અહીંના વશિષ્ઠ આશ્રમમાં અરુંધતીની મૂર્તિઓ છે. એના ગોમુખમાંથી પાણી ઝરે છે. નવ માઈલ દૂર આવેલ ગુરુશિખરથી આસપાસની ઘણી મનોહર દૃષ્યાવલિ જોવા મળે છે. અહીંના એક મંદિરની બહાર ૬૦૦ વર્ષ જૂનો એક ઘંટ છે. ૬ માઈલ દૂર અચલગઢમાં અચલેશ્વર મહાદેવનું મંદિર છે. દેલવાળામાં આરસમાં મઢેલા જૈનમંદિર પોતાની કલાકારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. અહીંના પાંચ મંદિરોના નામ આ પ્રમાણે છે: વિમલ વસહિ, લૂણ વસહિ, પિત્ત લહર, ચૌમુખી કરતલ વસહિ અને વર્ધમાન સ્વામીનું મંદિર.

વિમલ વસહિ – દેલવાડાની પશ્ચિમે આવેલ છે અને એમાં પાશ્વનાથની મૂર્તિ છે. આ મંદિરના નિર્માતા વિમલ શાહ ચાલુક્ય રાજા ભીમદેવ (પ્રથમ)ના સેનાધિપતિ હતા. આ મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૦૩૧માં ૧૮ કરોડ અને ૫૩ લાખ રૂપિયાના ખર્ચે થયું હતું. એનું નિર્માણ પૂર્ણ કરવા માટે ૧૨૦૦ મજૂરો તથા ૧૫૦૦ શિલ્પકારીગરોએ ૧૪ વર્ષ સુધી કામ કર્યું હતું. લગભગ ૧૪ માઈલ દૂર આવેલ આરાસૂર પર્વત પરથી હાથીઓની પીઠ પર આરસના પત્થર લાવવામાં આવતા. જો કે આ મંદિર જૈન મંદિર છે તેમ છતાં પણ એક મૂર્તિમાં શ્રીકૃષ્ણ દ્વારા થયેલ કાલીયદમનનું દૃશ્ય પણ છે. એક બીજી મૂર્તિમાં લક્ષ્મીજી શેષશય્યા પર સૂતેલા વિષ્ણુના પગ દબાવી રહ્યાં છે. એક અન્ય પટ્ટ પર હિરણ્યકશ્યપનો વધ પણ બતાવવામાં આવ્યો છે. આ મંદિરની ઉત્કૃષ્ટતાનું વર્ણન કરતાં કર્નલ ટોડે આમ લખ્યું છે : ‘આ મંદિર હિંદુસ્તાનભરમાં સર્વોત્તમ છે અને તાજમહાલ સિવાય કોઈ બીજી ઈમારત સાથે તેની તુલના થઈ ન શકે.’ સુપ્રસિદ્ધ ઇતિહાસકાર પંડિત ગૌરીશંકર હિરાચંદ ઓઝાએ કહ્યું છે: ‘કારીગરીમાં આ મંદિરની સમતા કરનારું કોઈ મંદિર ભારતમાં નથી.’

લૂણવસહિ – દેલવાડાનું આ બીજું કલાપૂર્ણ મંદિર છે. તેના ગર્ભગૃહમાં નેમિનાથની પ્રતિમા છે. મહામાત્ય વાસ્તુપાલ તથા તેમના નાના ભાઈ તેજપાલે ઈ.સ. ૧૨૨૦માં રૂપિયા ૧૨ કરોડ ૫૩ લાખના ખર્ચે એનું નિર્માણ કરાવ્યું હતું. આ બંને ભાઈઓ મોટા શૂરવીર, પુણ્યાત્મા તથા ઉદાર હતા. મંદિરનું નામ નાનાભાઈના પુત્ર લૂણસિંહના નામે રાખ્યું છે. આ મંદિરમાં પણ બીજી જૈન પ્રતિમાઓની સાથે ક્યાંક કૃષ્ણ જન્મનું દૃશ્ય વર્ણવાયું છે તો ક્યાંક હંસવાહિની દેવી પણ જોવા મળે છે. વળી ક્યાંક સમુદ્રમાં વિવિધ જીવ ક્રિડા કરી રહ્યા છે એ દૃશ્ય જોવા મળે છે.

આ બંને મંદિરોમાં એવી તો વિલક્ષણ જાળીઓ, પૂતળીઓ, વેલબુટ્ટા અને નક્શીકામ છે કે દર્શકો જોતાંવેંત આશ્ચર્યમુગ્ધ બની જાય છે. મંદિરોમાં એક ઈંચ જેટલી પણ ખાલી જગ્યા છોડી નથી. આરસની જાળીઓ અને ઝાલરો એટલી ચોક્કસાઈપૂર્વક કોતરવામાં આવી છે કે જોનારને એવું જ લાગે કે જાણે વણાટકામ કરેલી ઝાલરો જ પત્થર બની ગઈ છે. એની છતોના સૌંદર્યની તો વાત જ શી કરવી! એમાં કોતરકામથી રચેલી નૃત્યની ભાવભંગિમાયુક્ત પૂતળીઓ તથા સંગીતમંડળીઓ સિવાય વચ્ચે આરસનું એક વૃક્ષ પણ લટકી રહ્યું છે. આ વૃક્ષના પ્રત્યેક પર્ણમાં શિલ્પકલા સાકાર બની ગઈ છે. બંને મંદિરોનું સ્વરૂપ અત્યંત ભવ્ય છે.

પિત્ત લહર – પિત્ત લહર નામના આ ત્રીજા મંદિરનું નિર્માણ ભીમાશાહે ઈ.સ.૧૪૪૮માં કરાવ્યું હતું. આ મંદિરમાં પંચધાતુની બનેલી ઋષભદેવની ૧૦૮ મણની અત્યંત સુંદર મૂર્તિ છે. મંદિર સુંદર શિલ્પકલાથી ભર્યું છે. 

ખરતર વસહિ – આ ચોથા મંદિરમાં ભગવાન આદિનાથની ચતુર્મુખી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિર ત્રણ માળનું છે. એની ઊંચાઈને કારણે એ દૂરથી જ દેખાય છે.

વર્ધમાન મંદિર – આ પાંચમું મંદિર ૧૪મી સદી પછીનું મંદિર છે.

સ્વામીજીની જૂની જીવનકથામાં આવું લખાણ છે: ‘સ્વામીજીને જૈનધર્મ વિશે ઘણી જિજ્ઞાસા હતી. એટલે તેઓ કેટલાય દિવસો સુધી આ મંદિરોના મહિમાનું નિરીક્ષણ કરતાં કરતાં થોડા સમય માટે જાણે કે તેઓ પોતે પણ એક જૈન બની ગયા હતા. સાથે ને સાથે એમનું દેશપ્રેમી હૃદય શિલ્પકળાના આવા અદ્‌ભુત ઉદાહરણ પણ ભારતે નિર્માણ કર્યા છે એવું વિચારીને ગર્વથી અભિભૂત થઈ ગયું હતું. જ્યારે તેઓ મંદિરોમાં ન ફરતાં હોય ત્યારે માઉન્ટ આબુના રત્નરૂપ એવા સરોવરને કિનારે ટહેલતા જોવા મળતા. એ સરોવરને કિનારે પ્રાર્થનાની મુદ્રામાં એક સંન્યાસિની શિલા(નનરોક) અને સરોવરમાં કુદકો મારવા તત્પર એક દેડકો (ટોડરોક) વગેરેના વિચિત્ર આકારવાળી શિલાઓ પણ છે. આ સમગ્ર સ્થાન એમને દેવોના ઉદ્યાન (નંદનવન) જેવું લાગતું હતું.

માઉન્ટ આબુમાં સ્વામીજીની દિનચર્યા

બીજાં સ્થળોની જેમ આબુમાં પણ અનેક લોકો સ્વામીજીના ગુણોથી આકર્ષાઈને એમના મિત્ર કે ભક્ત બની ગયા હતા. તે બધાં દરરોજ સંધ્યા સમયે એમની સાથે ફરવા નીકળતા. એક દિવસ એ લોકો ‘બેલીજ વાક’ નામના માર્ગ પર ટહેલતાં ટહેલતાં એ પર્વતના સવિશેષ મનોહર અને રમણીય સ્થાનો વિશે પરસ્પર ચર્ચા કરી રહ્યા હતા. પર્વતની નીચે જ આબુનું સરોવર ફેલાયેલું હતું. સ્વામીજીએ પોતાના મિત્રો સાથે ‘વાક’ નો એ માર્ગ છોડી દીધો અને તેનાથી થોડા ઉપર જઈને શિલાખંડો પર બેસીને ગીત ગાવા લાગ્યા. કલાકો સુધી આ ગીતગાન ચાલતું રહ્યું. આ બાજુએ કેટલાક અંગ્રેજો પણ એ સમયે ફરવા નીકળ્યા હતા. એ બધા આ સંગીતની મધુરિમાથી આકર્ષાઈને એ ગાયકના દર્શન કરવા રસ્તા પર રાહ જોતા ઊભા રહ્યા. અંતે ગાયક નીચે આવ્યા. આવતા વેંત જ એ લોકોએ એમના સુમધુર સ્વર અને ભાવગાંભીર્યની ખૂબ પ્રશંસા કરી.

ઠાકુર મુકુંદસિંહના નિવાસસ્થાને

સ્વામીજીએ આ વખતે માઉન્ટ આબુમાં કેટલાક મહિના સુધી નિવાસ કર્યો હતો. સંભવત: ૨૮ એપ્રિલ થી ૧૪ જુલાઈ સુધી એમ મળીને કુલ પોણા ત્રણ મહિના તેઓ અહીં રહ્યા હતા. એમના આ રોકાણ દરમિયાન તેમણે સંભવત: કેટલીયેવાર પોતાના નિવાસસ્થાન બદલ્યા હશે. વચ્ચે એમણે ઠાકુર મુકુંદસિંહના ઘરે નિવાસ કર્યો હતો. શ્રી હરવિલાસ સારડાએ એ કાળની ઘટનાઓનું ચિત્રણ કર્યું છે. ખેતડી રાજ્યના વાકયાત રજિસ્ટરમાં ૨૪ જૂન, ૧૮૯૧ના દિવસે આબુમાં રાજા અજિતસિંહના બંગલામાં મહારાજ, સ્વામીજી, ઠાકુર મુકુંદસિંહ તથા હરવિલાસ સારડાના પરસ્પરમાં થયેલા વાર્તાલાપનો ઉલ્લેખ છે. સ્વામીજીના આબુ નિવાસ સાથે સંબંધિત કેટલીક વધુ જાણકારી શ્રી હરવિલાસ સારડા (૧૮૬૭ થી ૧૯૫૫)ની સ્મૃતિકથામાં જોવા મળે છે. એમનો જીવનપરિચય હવે પછી ‘સ્વામીજીનું પુન: અજમેર આગમન’ એ વિશેના લેખમાં આપીશું. સ્વામીજી વિશેના એમનાં સંસ્મરણો સૌ પ્રથમ આપણને અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ૧૯૪૬ના ફેબ્રુઆરીના અંકમાંથી મળે છે. એ ઉપરાંત ૧૯૫૧માં પ્રકાશિત પોતાના ‘રિકલેક્શન્સ એન્ડ રેમિનન્સિસ’ – ‘સ્મૃતિઓ અને સંસ્મરણો’ નામના પુસ્તકમાં પોતાની રોજનીશીના આધારે એમણે સ્વામીજી વિશેની પોતાની સ્મૃતિઓને લિપિબદ્ધ કરી છે. અહીં એ બંને સ્રોતોમાંથી એમનાં તત્કાલીન સ્મરણોનું સંકલન તથા એનો અનુવાદ આપીએ છીએ. શ્રી સારડા લખે છે:

‘પોતાના એક મિત્ર છાલેસરના ઠાકુર મુકુંદસિંહ ઉનાળાના ગરમીના દિવસોનું સુપ્રસિદ્ધ પુણ્યતીર્થ આબુ પર્વત જોવા ગયા. ઠાકુર મુકુંદસિંહ ગરમીની ઋતુ વીતાવવા માટે આબુમાં જઈને નિવાસ કરતા હતા. ત્યાં પહોંચીને મેં જોયું કે સ્વામી વિવેકાનંદ પણ ઠાકુર મુકુંદસિંહ સાથે રહે છે. ઠાકુર મુકુંદસિંહ એક આર્યસમાજી તથા દયાનંદ સરસ્વતીના અનુયાયી હતા. આબુમાં મારા મિત્રના નિવાસે હું સ્વામી વિવેકાનંદ સાથે લગભગ દસ દિવસ રહ્યો હતો. એ વખતે હું ૨૧ વર્ષનો હતો અને સ્વામીજીના વ્યક્તિત્વથી હું ઘણો પ્રભાવિત પણ થયો હતો. એમની આંખો ઘણી મોટી હતી અને ધાર્મિક તેમજ દાર્શનિક જેવા વિષયો પર તેઓ અવિરત વહેતા ધારાપ્રવાહની જેમ બોલતા હતા. તેઓ ઘણા મોટા વિદ્વાન હતા અને એમની વાતો ઘણી જ આનંદદાયી રહેતી.

દિવસમાં અને સાંજે આબુના સનસેટપોંઈટ તથા અનાદ્ર પોંઈટ સુધી પગે ચાલીને જતી વખતે અમે ઘણા લાંબા સમય સુધી વાર્તાલાપ કરતા. પહેલા દિવસની રાતે ભોજન પછી ઠાકુર સાહેબના અનુરોધથી સ્વામીજીએ એક ભજન ગાયું. અત્યંત મધુર સ્વરે અને કંઠે એમનું ગાયન સાંભળીને મેં ઘણો આનંદ અનુભવ્યો. હું એમના ગાન પર મુગ્ધ બની ગયો હતો અને દરરોજ એમની પાસે એક કે બે ગીત સંભળાવવા આગ્રહ અને વિનંતી કરતો. એમના સંગીતમય કંઠ તથા આત્મીયતાપૂર્ણ વ્યવહારે મારા મનમાં અમીટ પ્રભાવ પાડ્યો હતો. ક્યારેક ક્યારેક અમે લોકો વેદાંત પર ચર્ચા કરતા. મને પણ આ વિષયનું થોડું જ્ઞાન હતું. સ્વામીજીના વેદાંત વિશેના વિચાર મને ઘણા રુચિકર લાગ્યા. હું પ્રત્યેક વિષય પરના એમના વિચારોને સ્વીકારતો, કારણ કે એ બધા વિચારો દેશભક્તિભાવથી પરિપૂર્ણ રહેતા. માતૃભૂમિ તથા હિંદુસંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ એ વિચારોમાં ઠાંસી ઠાંસીને ભર્યો હતો. એમના સાંનિધ્યમાં વીતાવેલા દિવસો મારા જીવનના સર્વાધિક આનંદમય દિવસોમાં ગણવા જેવા છે. એમના વ્યક્તિત્વની સ્વાધીનતાએ મને વિશેષ રૂપે પ્રભાવિત કર્યો હતો.’

૧૯૨૭માં પ્રકાશિત પંડિત જાબરમલ શર્માની ‘ખેતડી નરેશ અને વિવેકાનંદ’ પૃ.૨ પ્રમાણે એ સમયે સ્વામીજી ઠાકુર મુકુંદસિંહને ત્યાં રોકાયા હતા.

ઠાકુર મુકુંદસિંહ એક પરિચય

ઠાકુર મુકુંદસિંહ અલીગઢની પાસે છાલેસરમાં રહેતા એક પ્રસિદ્ધ આર્યસમાજી હતા. આર્યસમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની જીવનકથામાં પણ શ્રીઠાકુર સાહેબનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૯૨૭માં પ્રકાશિત ‘ખેતડી નરેશ અને વિવેકાનંદ’ નામના પોતાના પુસ્તકમાં પંડિત જાબરમલ શર્મા આમ લખે છે : ‘સ્વામી વિવેકાનંદજી પર એમની શ્રદ્ધા દૃઢ બની ગઈ હતી. સ્વામીજી પણ એમનાથી ઘણા ખુશ હતા. આર્યસમાજના સિદ્ધાંતગ્રંથ ‘સત્યાર્થપ્રકાશ’માં ‘ન તસ્ય પ્રતિમા અસ્તિ’ આ વાક્ય દ્વારા મૂર્તિપૂજાનું ખંડન કરવામાં આવ્યું છે. ઠાકુર મુકુંદસિંહજી હઠાગ્રહી ન હતા. તેઓ વિચારશીલ વ્યક્તિ હતા. ધાર્મિક આલોચનાની ચર્ચામાં ઠાકુર સાહેબે પ્રસંગવશ આમ કહ્યું હતું: ‘આ ખંડન દ્વારા જ મૂર્તિપૂજાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, કારણ કે જે વસ્તુ હોય છે એનું જ ખંડન કરવામાં આવે છે.’ એમની આ વિચાર શક્તિ અને નિષ્પક્ષતાની સ્વામીજી પ્રશંસા કરતા હતા. સ્વામીજીની વિદ્વત્તાનો પણ ઠાકુર મુકુંદસિંહ પર ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો અને તેઓ એમના ભક્ત બની ગયા હતા.’

ચંપાગુફામાં તપસ્યા

સંભવત: કેટલાક સમય બાદ સ્વામીજી એકાંતમાં સાધના કરવાના હેતુથી ચંપા નામની એક નિર્જન ગુફામાં જઈને રહેવા લાગ્યા. (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી જપાનંદજીએ ૧૯૩૨થી લગભગ ૨૫ વર્ષ સુધી દર વર્ષે ઉનાળામાં આ ગુફામાં નિવાસ કર્યો હતો અને સ્વામીજીના પરિભ્રમણ દરમિયાન એમણે આ ગુફામાં કરેલા નિવાસની સ્મૃતિમાં ૨ ઓક્ટોબર, ૧૯૬૯ના દિવસે એક શિલાલેખ પણ લગાડ્યો હતો.) એમની સાથે સામાનમાં માત્ર બે ધાબળા એક કમંડળ અને માત્ર થોડાં પુસ્તકો હતાં. એક દિવસ એક દેશી રજવાડાના મુસલમાન વકીલ એ રસ્તેથી પસાર થતા હતા તે સમયે સ્વામીજીને જોઈને એમના પ્રત્યે આકર્ષાયા હતા. બે-ચાર મિનિટની વાતચીતથી જ વકીલ સાહેબ સમજી ગયા કે આ સંન્યાસીનું જ્ઞાન અગાધ છે. આ આકર્ષણને કારણે તેઓ સ્વામીજીનાં દર્શન કરવા લગભગ અહીં આવતા રહેતા. એક દિવસ એમણે સ્વામીજીની કંઈક સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સ્વામીજીએ કહ્યું: ‘જુઓ, વકીલ સાહેબ! વર્ષાઋતુ આવી છે અને ગુફામાં દરવાજો નથી. જો ઇચ્છા હોય તો બે બારણાં બનાવી દઈ શકો છો.’ આ વાત પર સહમત થતાં વકીલ સાહેબે કહ્યું: ‘આ ગુફા ઘણી ખરાબ પરિસ્થિતિમાં છે આપ અનુમતિ આપો તો એક વાત કહું; હું અહીં એક સુંદર બંગલામાં એકલો જ રહું છું. જો આપ કૃપા કરીને ત્યાં આવવા રાજી થશો તો હું ધન્ય બનીશ.’ સ્વામીજીના સહમત થયા પછી એમણે કહ્યું: ‘પણ હું છું મુસલમાન. એટલું ચોક્કસ કે હું આપને માટે અલગ ભોજનની વ્યવસ્થા કરીશ.’ આ વાત ધ્યાનમાં રાખીને સ્વામીજી એ બંગલામાં ગયા. આના પરથી એટલું સ્પષ્ટ રૂપે સાબિત થાય છે કે સ્વામીજીનો સ્વભાવ કેટલો ઉદાર હતો. તેમજ લોકનિંદા વગેરેના ભયથી તેઓ કેટલા બધા પર હતા. આ મુસલમાન સજ્જનના ઘરે રહેવાને લીધે જ સ્વામીજીના જીવનમાં એક વધુ મહત્ત્વપૂર્ણ સંબંધનો સૂત્રપાત થયો. આ સૂત્રથી જ ખેતડીના નરેશ સાથે એમનો પરિચય થયો.

વકીલ સાહેબ અને એમના ભાઈ-ભાંડુઓને લઈને આબુ પર્વત પર સ્વામીજીના અનુગામીઓનો એક સારો એવો વર્ગ જામી ગયો. આ જ રીતે કોટાના વકીલ શ્રીયુત્‌ મહારાવ તથા કોટાના મંત્રી ઠાકુર ફતેહસિંહજી સાથે પણ એમને પરિચય થયો.

મુનશી ફૈઝ અલી ખાન

સ્વામીજીની અંગ્રેજી જીવનકથા તેમજ ‘યુગનાયક વિવેકાનંદ’ના ગ્રંથમાં લખ્યું છે કે આબુમાં તેઓ એક નિર્જન ગુફામાં રહ્યા હતા અને ત્યાર પછી એક દેશી રજવાડાના મુસલમાન વકીલના બંગલે રહેવા આવ્યા હતા. પરંતુ એ રજવાડાનું નામ આપ્યું નથી. સ્વામીજીની જૂની બંગાળી જીવન કથા તથા સત્યેન્દ્રનાથ મજુમદારે લખેલ ‘વિવેકાનંદ ચરિત’માં લખ્યું છે કે કોટાના મુસલમાન વકીલને ત્યાં સ્વામીજી રોકાયા હતા.

પંડિત જાબરમલ શર્મા દર્શાવે છે કે વસ્તુત: મુનશી ફૈઝ અલી જ આબુમાં અંગ્રેજી પોલિટિકલ એજન્ટની પાસે કિશનગઢ રિયાસતના વકીલ હતા. એમના બંગલામાં સ્વામીજીના નિવાસની પ્રમાણભૂતતા એક બીજા સૂત્રમાંથી પણ મળે છે. કિશનગઢના ‘વિવેકાનંદ આશ્રમ’માં સ્વામીજીની સ્મૃતિમાં નિર્માણ થયેલ એક ખંડનું ઉદ્‌ઘાટન કરવાના અવસરે ૧૧ એપ્રિલ, ૧૯૮૨ના દિવસે ડો. ફૈયાઝ અલી ખાને (એમ.એ. પી.એચ.ડી.) આમ કહ્યું હતું : ‘બે શબ્દ હું આ આશ્રમ સાથેના મારા સંબંધ વિશે કહું છું. એનું બીજ મારા સ્વર્ગસ્થ મુનશી મોહમ્મદ ફૈજ અલી ખાન સાહેબના સ્વામી વિવેકાનંદજી સાથેના આબુમાં થયેલા સંપર્કથી વવાયું હતું. સ્વામીજી મારા પિતાના નિવાસસ્થાન કિશનગઢ વકાલત હાઉસ, માઉન્ટ આબુમાં રહેતા અને ત્યાંથી જ તેઓ ખેતડીના મહારાજના સંપર્ક-સંબંધમાં આવ્યા. આ જ કારણે હું મારી જાતને ધન્ય માનું છું.

આબુમાં સ્વામીજી ક્યાં ક્યાં રહ્યા હતા?

આ રીતે આપણને જોવા મળે છે કે સ્વામીજી પોતાના માઉન્ટ આબુના નિવાસ દરમિયાન આ સ્થળોએ રહ્યા હતા: (૧) એમના પોતાના પત્ર પ્રમાણે સર્વપ્રથમ તેઓ મુરારીલાલ સાથે રહ્યા હતા. એ ઉપરાંત (૨) હરવિલાસ સારડાની ડાયરી તથા પંડિત જાબરમલ શર્માના વિવરણો પ્રમાણે છાલેસરના ઠાકુર મુકુંદસિંહને ત્યાં રહ્યા હતા. (૩) એક દેશી રજવાડા કિશનગઢના એક મુસલમાન વકીલ ફૈઝ અલીના બંગલે રહ્યા હતા.

(ક્રમશ:)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.