મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)નો પ્રેમભાવ

૧૯૦૧ના વર્ષમાં અમે ત્રણેય જયરામવાટીમાં શ્રીમા પાસેથી ભગવાં ધારણ કરીને કાશી આવ્યા. ત્યારે અદ્વૈત આશ્રમમાં પૂજ્ય મહાપુરુષ મહારાજ, ચંદ્ર મહારાજ, પરબત અને એક બીજા બ્રહ્મચારી ત્યાં હતા. ચંદ્ર મહારાજ આશ્રમના મેનેજર હતા. બજારમાંથી ખરીદી તેઓ કરતા. એમનો અત્યારનો ઓરડો એ વખતે રસોડું હતું. તેની પાછળના હોલમાં મહાપુરુષ મહારાજ રહેતા. અત્યારે એનો ઉપયોગ દુર્ગાપૂજા વખતે ભંડારઘર તરીકે થાય છે. અમે એની બાજુના ઓરડામાં રહેતા. પછીથી એનો ઉપયોગ પુસ્તકાલય તરીકે થવા લાગ્યો. અત્યારના ભંડારઘરમાં એ સમયે શ્રી શ્રીઠાકુરની પૂજા થતી. મહાપુરુષ મહારાજ પોતે જ શ્રી ઠાકુરની પૂજા કરતા. એ વખતે એમની પૂજામાં (શશી મહારાજ – સ્વામી રામકૃષ્ણાનંદજીની પૂજામાં બધાં વિધિવિધાનોની જેમ) વધારે વિધિવિધાનો ન હતાં. એમની પૂજામાં ધ્યાન, પ્રાર્થના અને પૂજાઅર્ચના રહેતાં. એમને પૂજા કરતાં જોઈને કોઈ પણનું મન શ્રીઠાકુરમય બની જતું.

આશ્રમનું નામ હતું – શ્રીરામકૃષ્ણ અદ્વૈત આશ્રમ. શ્રીઠાકુર જ એમને માટે દ્વૈત-અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત – એ બધું હતા. છ વર્ષ સુધી મહાપુરુષ મહારાજ આ એક જ સ્થાને રહ્યા. તેઓ આશ્રમ છોડીને ક્યાંય બહાર ન જતા. હરવા-ફરવાનું પણ આશ્રમના પ્રાંગણમાં જ થતું. એક ભાવમાં જ તેઓ રહેતા. સાધન-ભજનમાં ડૂબ્યા રહેતા. એમનો વર્ણ ચળકતો રતાશપડતો, ચહેરો સુંદર સુડોળ અને શરીરે મહાકાય હતા. એમનું વ્યક્તિત્વ ઘણું ધીર-ગંભીર હતું, દૂરથી સૌ એક જાતનો ભય પણ અનુભવતા અને નજીક જવાની હિંમત ન કરતા. 

બગીચા સાથેની ખૂબ મોટી ખજાનચીવાડી ૧૦ રૂપિયાના ભાડે લીધી હતી. ચોરના ભયથી મોટો દરવાજો બંધ જ રહેતો. પરસાળ સારા પ્રમાણમાં નીચી હતી. બે-ત્રણ ઓરડા જ ખુલ્લા રહેતા. બાકી બીજા ઓરડા રામલીલાના માલસામાનથી ભરેલા રહેતા અને બંધ રહેતા. 

અમે ત્રણેયે એક માસ સુધી આશ્રમમાં પ્રસાદ મેળવ્યો હતો. પછી અમે અન્નક્ષેત્રમાંથી ભીક્ષા માગી લાવતા. આની વ્યવસ્થા પણ મહાપુરુષ મહારાજે જ કરી હતી. તેઓ મને પહેલેથી જ ખૂબ ચાહતા. આશ્રમમાં ત્યારે ઘણો અભાવ રહેતો, સ્થાયી કહી શકાય એવું કંઈ ન હતું; છતાં પણ વચ્ચે વચ્ચે મહાપુરુષ મહારાજ કહેતા: ‘જિતેન, ભિક્ષાન્ન ખાઈને તારું શરીર ઘણું નબળું બની ગયું છે. તમે થોડા દિવસ આશ્રમમાં જ પ્રસાદ લો.’ વિશેષભોગ કે પ્રસાદ હોય તો તેઓ મારા માટે રાખી મૂકતા; તેઓ આટલું બધું મારું જતન કરતા. બધા ધ્યાન-જપ કરે છે કે નહિ એની ખૂબ કાળજી રાખતા. તેઓ પોતે પણ ખૂબ ધ્યાન-જપ કરતા, સવારના ૩ વાગ્યાથી પોતાની પથારીમાંથી ઊઠીને ધ્યાનમાં બેસી જતા. અમારા મનમાં એ વખતે તીવ્ર વૈરાગ્ય-ભાવના હતી, એમનું બધું જોઈને અમે પણ એવું જ આચરણ કરતા. એ સમયે આશ્રમનું વાતાવરણ ઘણું શાંત હતું. કોઈ મોટે અવાજે વાત પણ ન કરતું, તેઓ પોતે પણ ઊંચા અવાજે વાત ન કરતા. બધો સમય જાણે કે ધ્યાનમાં જ ડૂબેલા રહેતા. વાતચીત બહુ ઓછી કરતા. લોકો પણ પ્રમાણમાં બહુ ઓછા આવતા.

પછી દક્ષિણભારતમાં અને માયાવતીમાં મેં ઘણો સમય ગાળ્યો હોવાથી મહાપુરુષ મહારાજ સાથે વારંવાર સંપર્ક ન રહેતો. શ્રી શ્રીમા શારદાદેવીના લીલાસંવરણ પછીના થોડા દિવસ બાદ એકવાર હું માયાવતીથી બેલૂર મઠ આવ્યો. ત્યારે રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) પણ ત્યાં હતા. હું મોટે ભાગે એમની પાસે જ રહેતો. તેઓ જ્યારે ફરવા જતા ત્યારે હું એમની સાથે જતો. નાની મોટી સેવાચાકરી પણ કરતો. આમ, જેટલું બને તેટલું વધારે એમની પાસે રહેવાનો પ્રયત્ન કરતો. આને લીધે મહાપુરુષ મહારાજ સાથે વધારે રહી શકાતું નહિ. હું મહાપુરુષ મહારાજ પાસે ન જઉં તો એમને દુ:ખ થતું. એકવાર એમને પ્રણામ કરીને હું ઊભો થયો ત્યારે એમણે થોડા વ્યંગ સાથે કહ્યું: ‘જિતેનને તો આજકાલ જોઈ શકાતો નથી.’ મેં કહ્યું: ‘રાજા મહારાજની થોડી સેવા કરવાનો સુયોગ મળ્યો છે તો એને છોડવાની ઇચ્છા નથી થતી.’ આ સાંભળીને તેઓ ખૂબ ખુશી થયા અને કહ્યું: ‘સારું, ઘણું સારું. હા, મહારાજની સેવા કરો છો; ઘણું સારું. એમની સેવા એટલે મહાભાગ્યની વાત! મહારાજ અને શ્રીઠાકુર કંઈ ભિન્ન છે? એમની ખૂબ સેવા કરજો.’ આમ બોલતાં બોલતાં પોતે ઊભા થયા બહાર આવ્યા અને કબાટ ખોલીને મારા હાથમાં સંદેશ-મીઠાઈ આપીને કહ્યું: ‘ખાઓ, ખાઓ. માયાવતીમાં તમને સંદેશ મળે નહિ.’ પોતે જ પાણી લાવ્યા. એમનો ગહન સ્નેહભાવ જોઈને મારી આંખોમાં આંસું આવી ગયાં.

પછીના સમયમાં રાંચી આશ્રમમાંથી બેલૂર મઠમાં વચ્ચે વચ્ચે આવતો. તેઓ એ વખતે ઘણો આદરસત્કાર દાખવતા અને ખાવાપીવાની વિશેષ વ્યવસ્થા કરતા. મોરાબાદી આશ્રમ પર વિશેષ પ્રેમ હતો. આશ્રમ માટે અનેક વસ્તુઓ અને અમારા માટે સારાં કાપડવસ્ત્રો આપતા. શ્રી શ્રીમાએ અમને કાશીમાં તેમની પાસે મોકલ્યા હતા એટલે જ એમ લાગે છે કે તેઓ મારા પ્રત્યે એટલો બધો સ્નેહભાવ રાખતા. અમારા પૂર્ણ કલ્યાણ માટેની એમની ચિંતાનો અંત ન હતો.

શરત્‌ મહારાજના અદર્શન પછી (લીલાસંવરણ પછી) મહાપુરુષ મહારાજ જાણે કે એકાધારે શ્રીઠાકુર અને શ્રીમા બની ગયાં હતાં. સાધુ અને ભક્તો બધા પર એમનાં કેટલાં બધાં પ્રેમ અને કૃપા વરસતાં રહેતાં! પોતાના અંત સમયે તો જે કોઈ આવતા તેમને તેઓ દીક્ષા આપતા, કોઈનેય પાછા ન વાળતા. પ્રતિપળ શ્રીઠાકુરના ભાવમાં મગ્ન રહેતા. એમના મુખેથી દિવ્યવાણી સરતી. તેઓ જે કંઈ પણ કહેતા એ પ્રમાણે થતું.

અમારું એ સદ્‌ભાગ્ય હતું કે આવા મહાપુરુષોનો સંગલાભ અમને મળ્યો. એમના સ્નેહપ્રેમ અને આશીર્વાદ મેળવ્યા છે. મહારાજ (રાજા મહારાજ – સ્વામી બ્રહ્માનંદ)ના લીલાસંવરણ પછી મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) અધ્યક્ષ બન્યા અને દિન પ્રતિ દિન ઠાકુરમય બનતા ગયા. એમની તો કેટલી દયા! કેટલી કૃપા અને કેટલા સ્નેહપ્રેમ હતા! એ વખતે એમનામાં શ્રી શ્રીઠાકુરની શક્તિનો વિશેષ પ્રકાશ થયો હતો. તેઓ કહેતા: ‘શ્રીઠાકુર જ મારી ભીતર વિરાજીને બધાનું કલ્યાણ કરે છે.’ ૧૯૨૪ના વર્ષમાં તેઓ મદ્રાસ આવ્યા હતા. એ વખતે એમની સાથે નિલગિરિપર્વત અને બેંગલોર આશ્રમમાં કેટલાક માસ ગાળ્યા હતા, એમના એક સચિવ રૂપે દિનરાત એમની પાસે જ રહેતો. આજેય એમના પ્રેમની ગહનતાનો અનુભવ કરું છું. દરરોજ તેઓ મારું સ્વાસ્થ્ય કેમ છે એ વિશે પૂછપરછ કરતા. કોઈ પણ પ્રકારની અસુવિધા ન રહે એ માટે સેવકો દ્વારા વ્યવસ્થા કરાવતા.

એ સમયે મેં એમનું આકર્ષણ જોયું-જાણ્યું છે. તેઓ અમને લઈને કુનુરે-પહાડ પર એક નિર્જન અને એકાંત કુટિરમાં હવાફેર કરવા ગયા. મહાપુરુષ મહારાજને જ નજર સમક્ષ રાખીને દક્ષિણ ભારતના કેટલાય રાજારાણી અને ઉચ્ચસ્થાને વિરાજેલ વ્યક્તિઓ, રાજકર્મચારીઓ ત્યાં આવવા લાગ્યા; કેવી આશ્ચર્યની વાત છે! કેટલાય લોકો આવીને મંત્રદીક્ષા માટે વિનંતી કરતા. તેઓ કોઈનેય પાછા ન વાળતા. એ વખતે એમનામાં એવી દિવ્ય શક્તિઓનો પ્રકાશ જોવા મળતો કે જે કોઈ એમને એકવાર જોતા કે એમની સાથે બે-ચાર વાતો કરતાં જ મુગ્ધ થઈ જતા. કેવી ગહન અંતર્દૃષ્ટિ! તેઓ બધાનાં મનની વાતો જાણી શકતા.

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.