વેદાંત ફિલસૂફી આશાવાદી પણ નથી તેમ નિરાશાવાદી પણ નથી. આ બન્ને વિચારસરણીઓને તે રજૂ કરે છે, અને પરિસ્થિતિને તે જેવી છે તેવી સ્વીકારે છે. તે સ્વીકારે છે કે જગત સારા તેમ જ નરસાનું, સુખ અને દુ:ખનું મિશ્રણ છે, અને માણસ જો એકને વધારવા જાય તો બીજાનું પ્રમાણ પણ ફરજિયાત વધવાનું. તદ્દન સારું કે તદ્દન ખરાબ જગત થઈ શકે જ નહીં, કેમ કે તે કલ્પના જ વિરોધાભાસી છે. આ પૃથક્કરણને પરિણામે એક મહાન રહસ્ય એ તરી આવે છે કે સારું અને નરસું આ બે તત્ત્વો તદ્દન ભિન્ન અને સ્વતંત્ર તત્ત્વો નથી. એક જ ઘટના, કે જે આજે સારી લાગે, તે આવતી કાલે ખરાબ પણ લાગે. જે અગ્નિ બાળકને દઝાડે છે તે જ અગ્નિ ભૂખ્યા માણસ માટે સ્વાદિષ્ટ રસોઈ તૈયાર કરે છે. જે જ્ઞાનતંતુઓ દુ:ખનો અનુભવ કરાવે છે તે જ જ્ઞાનતંતુઓ સુખનો પણ અનુભવ કરાવે છે. તેથી દુ:ખનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે સુખનો પણ અંત લાવવો; બીજો કોઈ માર્ગ નથી. મૃત્યુને અટકાવવું હોય તો આપણે જીવનને અટકાવવું પડશે. મૃત્યુ વગરનું જીવન અને દુ:ખ વિનાનું સુખ એ વિરોધાભાસ છે; બેમાંથી એકલું એક હયાતી ધરાવી શકે જ નહીં, કેમ કે તે બન્ને એક જ વસ્તુની ભિન્નભિન્ન અભિવ્યક્તિઓ માત્ર છે. આપણી માન્યતા એવી છે કે આપણે સુખી થઈશું. પણ એક સમય એવો આવશે કે જ્યારે આપણે આ વિચારને હસી કાઢીશું. હવે, જો સત્ય આવું હોય તો આપણે ઉકેલ વિનાના વિરોધાભાસમાં આવી પડીએ છીએ- કે તે અસ્તિ પણ નથી, નાસ્તિ પણ નથી, તે સુખ પણ નથી, દુ:ખ પણ નથી; માત્ર તેમનું મિશ્રણ છે. તો પછી વેદાન્તનો, બધા ધર્મોનો અને તત્ત્વદર્શનનો ઉપયોગ શો છે? અને ખાસ કરીને તો સારું કામ કરવાનો અર્થ શો છે? જો એ ખરું હોય કે તમે નરસું કર્યા સિવાય સારું કરી ન શકો, અને જ્યારે જ્યારે તમે સુખ પેદા કરવાનો પ્રયાસ કરો ત્યારે હંમેશાં દુ:ખ આવતું જ હોય, તો લોકો તમને પૂછશે: ‘ભલું કરવાનો અર્થ શો છે?’ તેનો જવાબ એ છે કે સૌથી પહેલાં આપણે દુ:ખ ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે આપણી જાતને સુખી કરવાનો તે જ એકમાત્ર રસ્તો છે. બુદ્ધિમાન લોકોને તે સત્ય જરા વહેલું જડે છે, મંદ બુદ્ધિના લોકોને તે જરાક મોડું સમજાય છે; તે શોધ કરવામાં મંદ બુદ્ધિના લોકોને ભારે કિંમત ચૂકવવી પડે છે, જ્યારે તીવ્ર બુદ્ધિના લોકોને ઓછી કિંમત ચૂકવવી પડે છે. જ્યાં સુધી આપણે સ્વપ્નમાંથી જાગીને માટીનાં પૂતળાં બનાવવાનું ન છોડીએ ત્યાં સુધી, ઇષ્ટ અને અનિષ્ટ રૂપી આ બંને બળો આ વિશ્વને આપણા માટે જીવતું રાખશે. આપણે એ પાઠ શીખવો જ પડશે; અને તે શીખતાં આપણને અતિશય લાંબો સમય લાગશે. એક સમય એવો આવશે કે જ્યારે માનવીને પીછે હઠ કરવી પડશે; અને આ પીછેહઠ એટલે ત્યાગ. ધર્મનો એ જ ખરેખરો આરંભ છે. હાલના જમાનામાં ત્યાગની વાત કરવી પણ મુશ્કેલ છે. અમેરિકામાં મારા વિશે એમ કહેવાતું કે જે ભૂમિ છેલ્લાં પાંચ હજાર વર્ષ થયાં મરી અને દટાઈ ગઈ હતી, તે ભૂમિમાંથી હું આવતો હતો, અને તેથી હું ત્યાગની વાત કરતો હતો; કદાચ અંગ્રેજ ફિલસૂફ પણ આમ કહે છે. છતાં ધર્મનો એ એક જ માર્ગ છે. ત્યાગ કરો, છોડી દો, ઈશુએ શું કહ્યું હતું? ‘જે કોઈ મારી ખાતર પોતાની જિંદગી ગુમાવશે તે તે મેળવશે.’ પૂર્ણતાએ પહોંચવાના એકમાત્ર માર્ગ તરીકે તેણે ફરી ફરીને ત્યાગનો જ ઉપદેશ આપ્યો હતો. એક સમય એવો આવે છે કે જ્યારે મન આ લાંબા અને કંટાળાજનક સ્વપ્નમાંથી જાગે છે, મનને ત્યારે સમજાય છે કે ભોગ દ્વારા ભોગની ઇચ્છા કદી શમતી નથી, ઊલટું જેમ અગ્નિમાં ઘી હોમવાથી તે વધુ પ્રજ્વલિત થાય છે, તેમ ભોગ દ્વારા ભોગની તૃષ્ણા વધતી જ જાય છે.’

— સ્વામી વિવેકાનંદ

Total Views: 236

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.