રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂર રાહતકાર્ય

આપ સૌ જાણો છો કે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પોતાની સ્થાપનાના વર્ષથી એટલે કે ૧૯૨૭ થી થયેલી ગુજરાતના રાહતસેવાકાર્યમાં ધરતીકંપ, દુષ્કાળ, વાવાઝોડાં, પૂર વગેરે કુદરતી આપત્તિના સમયે અસરગ્રસ્ત ભાંડુઓની વહારે પોતાનું અનન્ય પ્રદાન આપતું રહ્યું છે.

હાલમાં ગુજરાતમાં આવેલા પ્રલયકારી પૂર અને અતિવૃષ્ટિએ ઘણી મોટી તારાજી સર્જી છે. દક્ષિણ ગુજરાતનાં પૂરપીડિત વિસ્તારોમાં તા. ૩૦ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી આણંદ જિલ્લાના ૨૧ ગામડાંના ૧૧૬૦૦ લાભાર્થીઓને ફૂડપેકેટ્‌સ, રાંધેલા અનાજનું વિતરણ સેવાકાર્ય હાથ ધર્યું હતું. બીજા તબક્કામાં સૂરત અને વડોદરાના કલેક્ટર-કમિશ્નર કચેરીની વિનંતી પ્રમાણે ૮ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ સુધીમાં ૧૬૨૨૫ ફૂડપેકેટ્‌સ, ૧૭૨૫૦ પાણીના પાઉચ, રાજકોટ જિલ્લા કલેક્ટર અને આશ્રમના સ્વયં સેવકો અને સંન્યાસીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા હતા.

ફેમિલિ-કિટની વસ્તુઓ (૫ કિ. લોટ, ૪ કિ. ખીચડી, ૧ કિ.ખાંડ, સો ગ્રામ ચા, ૧ કિ.મીઠું, મીણબત્તી-બાકસ, ૫૦૦ ગ્રામ તેલ, હળદર-મરચું-ધાણાજીરૂ – સો-સો ગ્રામ, સાડી, ચાદર, સાબુ, ધાબળો) સાથેની રૂપિયા ૬૦૦ /-ની કિંમતની ૧૦૦૦ કીટ હાલ રવાના થઈ ગઈ છે. આવી ૧૦૦૦૦ બીજી કીટ અસરગ્રસ્ત વિસ્તારોના પૂરગ્રસ્ત લોકોને પહોંચાડાશે. આ સેવાકાર્ય હજુ વધુ ને વધુ વિસ્તારોમાં વિસ્તારાશે.

રાજ્યની કે દેશની આવી કુદરતી આપત્તિના સમયે અમારા રાહતકાર્યમાં અટલ વિશ્વાસ મૂકીને અમને સદૈવ સહાય કરનાર ઉદારદિલના દાનવીરો અને જાહેર સેવાભાવી ટ્રસ્ટ્‌સના ટ્રસ્ટીશ્રીઓ તથા ભાવિકજનોને આ ભગીરથસેવાકાર્ય માટે પોતાનો ઉદાર હાથ લંબાવવા નમ્ર વિનંતી. દાનની રકમ રોકડ / ચેક કે ડ્રાફ્‌ટ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ, પીન – ૩૬૦ ૦૦૧’ એ સરનામે અને ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ’ના નામે મોકલવા અમારી વિનંતી છે. દાનનો સાભાર સ્વીકાર કરીને તેની પહોંચ આપવામાં આવશે. સંસ્થાને અપાયેલા દાનની રકમ આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કપાતને પાત્ર છે.

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા પૂર રાહતકાર્ય

એકસો વર્ષ પહેલાંથી શરૂ થયેલ પરંપરા મુજબ રામકૃષ્ણ મિશન દ્વારા તાજેતરમાં વડોદરા અને સૂરત જિલ્લામાં અતિવૃષ્ટિથી આવેલા પૂરના પાણીમાં ફસાયેલા અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવા માટે પૂર રાહતકાર્ય ૮ ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યું છે.

ગાંઠિયા, બુંદી, બિસ્કીટ, વગેરેના સૂકા નાસ્તાના ૩૨,૨૩૫ પેકેટ (૪૪૦ આશરે ગ્રામ) અને પાણીના ૨૬,૫૦૦ પાઉચ સૂરતના વહિવટી ખાતાને અસરગ્રસ્તોમાં હેલિકોપ્ટરની સહાયથી વિતરણ કરવા માટે આપવામાં આવ્યા છે. આવા સૂકા નાસ્તાના ૨૨૦૦ પેકેટ વડોદરા જિલ્લાના કલાસી, આકોરા, જેતલપુર વગેરે ગામડાંમાં આપવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના કલાસી, વીરપુર, મેરાદ, હંસપુર, કોઠવાડા, મહમદપુરા, સુલતાનપુરા અને ઠેકરીયા મુબારક વગેરે ગામડાંમાં ખાદ્યસામગ્રીની ૧૨૦૦ કીટના વિતરણની તૈયારી થઈ ગઈ છે.

રામકૃષ્ણ મિશન દ્વારા બહુ જ મોટા પાયે સૂરત ક્ષેત્રમાં રાહત-કાર્ય શરૂ થશે. અસરગ્રસ્તોને રાહત સહાય પહોંચાડવા માટે સમાજના સર્વે વર્ગના નાગરિકોને અને સેવાભાવી સંસ્થાઓને ઉદાર હાથે દાન માટે સહૃદય અપીલ કરવામાં આવે છે. દાનની રકમ આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કપાતને પાત્ર છે. ચેક/ડ્રાફ્‌ટ ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા’ના નામે અને ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, દિલારા બંગલો, સરકીટ હાઉસ સામે, આર.સી.દત્ત રોડ, અલકાપુરી, વડોદરા – ૩૯૦ ૦૦૭’ એ સરનામે મોકલવા વિનંતી.

જૂનાગઢ કેન્દ્ર

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પ્રમાણે કાર્ય કરતી સંસ્થા સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર જૂનાગઢ દ્વારા નવનિર્મિત શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરનું શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજ તથા અન્ય સંન્યાસીગણ, જૂનાગઢના ભક્તજનોની ઉપસ્થિતિમાં જગન્નાથ રથયાત્રાના પવિત્ર દિવસે મહાપૂજા કરીને શ્રી શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની છબિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ મહાનગર પાલિકાના નવનિર્મિત ભવન જે જૂનું મકાન દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈનું નિવાસસ્થાન ફરાસખાના તરીકે ઓળખવામાં આવતું હતું. મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરાવીને આ બિલ્ડીંગને ‘સ્વામી વિવેકાનંદ ભવન’ એવું નવું નામ આપવામાં આવ્યું છે. બિલ્ડીંગનું ઉદ્‌ઘાટન ગુજરાતના મા. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા. ૧૫-૭-૨૦૦૬ના દિવસે કરવામાં આવ્યું હતું.

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.