માઉન્ટ આબુથી ખેતડી પાછા ફરવું

ટિપ્પણી – ૨૪ જુલાઈ, ૧૮૯૧ના રોજ શ્રીમાન્‌ રાજા સાહેબ આબુથી ૧૧.૧૫ વાગ્યે હાથગાડીમાં રવાના થઈને ખારચી સ્ટેશનથી ટ્રેઈનમાં બેઠા. ટ્રેઈન અજમેર થઈને ૨૫ જુલાઈના સવારે ૫ વાગ્યે જયપુર પહોંચી. ઠાકુર હરિસિંહજી, મુનશી જગમોહનલાલજી, લાલા જમનાલાલજી વકીલ, લાલ શિવબક્ષજી, પનેસિંહજી વકીલ, સીકરના પંડિત લક્ષ્મીનારાયણજી અને ગોપાલસહાયજીએ હાજર રહીને મળ્યા. ૫.૩૦ વાગ્યે ઉતારા છાવણી પર પધાર્યા.

જયપુરના ‘ખેતડી હાઉસ’માં
૨૬ જુલાઈ, ૧૮૯૧, રવિવાર, જયપુર

૭ વાગ્યે ઊઠ્યાં. ચિરુટ પીધી. હાથ-મોં ધોયાં. ૮.૩૦ વાગ્યે ઉત્તરના મહેલમાં વિરાજ્યા. લોકો સાથે તથા સ્વામી વિવેકાનંદ સાથે વાતો થતી રહી. ૧૦ વાગ્યે સ્નાન કરીને ભોજન કર્યું.

૨૭ જુલાઈ, ૧૮૯૧, સોમવાર, જયપુર

લોકો સાથે વાતચીત થતી રહી. ઠાકુર હરિસિંહજી, સીકરના શિવબક્ષજી અને સ્વામી વિવેકાનંદ પણ હતા. ૧૦ વાગ્યે ભોજન લીધું. ૧૦.૩૦ વાગ્યે સૂતા.

૨૯ જુલાઈ, ૧૮૯૧, બુધવાર, જયપુર

દરવાજાની ઉપરના મહેલમાં બેસીને શતરંજ રમ્યા.. સ્વામી વિવેકાનંદ સાથે વાતચીત થતી રહી.

૨ ઓગસ્ટ, ૧૮૯૧, રવિવાર, જયપુર

સાંજના હવા ખાવા નીકળ્યા. ૭ વાગ્યે પાછા ફર્યા. નારાયણસિંહજી, માદરસિંહજી, સ્વામીજી વગેરે સાથે વાતો થતી રહી.

જયપુરથી ખેતડીની મુસાફરી

૩ ઓગસ્ટ, ૧૮૯૧ની સાંજના સમયે જયપુરથી રેલવેમાં બેઠા. ૧ ને ૪ મિનિટે રેલગાડી ખૈરથલ પહોંચી. સ્ટેશને બાંકોટીના ઠાકુર હરનાથસિંહજી અને જોરાવરસિંહજી ખેતડીથી સવારીગાડી લઈને હાજર હતા. રાતે ત્યાં જ આરામ કર્યો.

૪ ઓગસ્ટ, ૧૮૯૧ના રોજ ૧૦ વાગ્યે કોટ પહોંચીને ત્યાં મુકામ કર્યો. અને ૫ ઓગસ્ટના રોજ રવાના થઈને ૭ ઓગસ્ટની સવારે ૭.૩૦ વાગ્યે ખેતડી પહોંચ્યા.

સ્વામીજીના જીવનમાં ખેતડીનું સ્થાન

સ્વામી વિવેકાનંદના જીવનમાં ખેતડી રાજ્ય તથા તેમના રાજા-મહારાજા અજીતસિંહનો ઘણો ઘનિષ્ઠ સંબંધ જોડાયેલો છે અને આ સંબંધ આજીવન અતૂટ રહ્યો. સ્વામીજીએ પોતે જ ૧૧ ઓક્ટોબર, ૧૮૯૭ના રોજ મુનશી જગમોહનલાલને નામે એક પત્રમાં આમ લખ્યું હતું: ‘કેટલીક વ્યક્તિઓનો જન્મ કોઈ વિશેષ કાળમાં એક સાથે મળીને કોઈ વિશેષ કાર્ય કરવા માટે થતો હોય છે. અજિતસિંહ અને હું એ બંને એવા આત્મા છે કે જેમણે માનવ સમાજના શુભ કલ્યાણ માટે એક મહાન કાર્યમાં પરસ્પર સહયોગ કરવા માટે જન્મ લીધો છે. હું એમને ચાહ્યા વગર ન રહી શક્યો અને તેઓ પણ મારી સાથે પ્રેમનો નાતો રાખ્યા વગર ન રહી શક્યા. આ પૂર્વજન્મનો જ સંબંધ છે. અમે બંને એકબીજાના સહાયક અને પરિપૂરક છીએ.’ (‘સ્વામી વિવેકાનંદ, એ ફરગોટન ચેપ્ટર ઓફ હિઝ લાઈફ’ લે. વેણીપ્રસાદ શર્મા, પૃ.૧૦૮)

૨૨ નવેમ્બર, ૧૮૯૭ના રોજ લખ્યું છે : ‘આ જીવનમાં હું આપને જ પોતાનો એક માત્ર મિત્ર ગણું છું.’ વળી ૧૭ ડિસેમ્બર, ૧૮૯૭ના રોજ ખેતડીમાં જ એક વ્યાખ્યાન દરમિયાન સ્વામીજીએ કહ્યું હતું : ‘ભારતના કલ્યાણ માટે મેં જે કંઈ થોડુંઘણું કર્યું છે, તે જો રાજાજી સાથે મારી મુલાકાત ન થઈ હોત તો ન કરી શકત.’ (‘સ્વામી વિવેકાનંદ કંપ્લીટ વર્ક્સ’ વો.૯, પૃ.૧૦૮)

સ્વામીજીના જીવનના આ પર્વને સમજવા આ રાજ્ય તથા એના રાજવંશનો થોડો પરિચય મેળવવો આવશ્યક છે. મુખ્યત: આ વર્ણન પંડિત જાબરમલ્લ શર્મા દ્વારા લખાયેલ ગ્રંથોમાંથી સંકલિત કર્યો છે.

ખેતડીનો શેખાવત રાજવંશ

રાજપૂતાનાની સૌથી મહત્ત્વપૂર્ણ જયપુરની રિયાસતનું ૧૧મી સદીથી જ કછવાહા રાજપૂતોનું શાસન ચાલતું હતું. ૧૮મી શતાબ્દીમાં જયપુર નગરની સ્થાપના પહેલાંના સમય સુધી એ આમેર રિયાસતના નામથી જાણીતું હતું. એનો ઉત્તર પશ્ચિમીભાગ શેખાવાટી કહેવાય છે. પહેલાં તે આમેર રાજવંશની જ એક શાખા જેવા શેખાવત રાજપૂતોને અધીન હતું. આમેરના ૧૩મા રાજા ઉદયકરણ (૧૩૬૬-૧૩૮૮)ના ત્રણ પુત્રોમાંથી વચેટ પુત્રનું નામ બાલાજી હતું. એમના જ પૌત્ર શેખાજીના નામે આ વંશ શેખાવત અને એ ક્ષેત્ર શેખાવાટી કહેવાયું. શેખાજીએ પોતાના બાહુબળથી ૩૬૦ ગામો પર અધિકાર મેળવીને એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. પ્રારંભમાં એમની રાજધાની જયપુરથી ૨૪ માઈલ ઉત્તરે આવેલા અમરસરમાં હતી. ૧૮મી સદીના આરંભમાં જયપુરના સવાઈ રાજા જયસિંહ પોતાના પ્રભુત્વનો વિસ્તાર કરી રહ્યા હતા અને શેખાવત સરદારોમાં ઝુનઝુનુના શાર્દૂલસિંહ અને સિકરના શિવસિંહજી પણ પોતાની શક્તિ વધારી રહ્યા હતા. પછીથી એ બંને જયપુરના પોતાના વંશના વરિષ્ઠ ભ્રાતાની અધીનતા સ્વીકારવા લાચાર બન્યા હતા.

ઝુનઝુનુમાં શેખાવત વંશનું રાજ્ય સ્થાપનારા શાર્દૂલસિંહજીના પૌત્ર ભોપાલસિંહ જશરાપુરના ઠાકુરશ્રી નિર્વાણ ઠાકુરની પુત્રી સાથે લગ્ન કરવા ત્યાં ગયા. એમણે પોતાના સાસરિયાથી લગભગ દસ કી.મી. દૂર પહાડીઓથી ઘેરાયેલ એક લીલુંછમ સ્થાન જોયું અને એને ઘોડાચરાવવા માટે સુયોગ્ય સ્થળ સમજીને એ સ્થળ પોતાના સસરા પાસેથી માગી લીધું. એ દિવસોમાં એ સ્થળ ‘ખેતસિંહની ઢાની’ કહેવાતું હતું. ૧૭૫૫માં ભોપાલસિંહે હાલના ખેતડીને વસાવવાનું શરૂ કર્યું. બે વર્ષની અંદર જ ૨૩૩૭ ફૂટ ઊંચી એક ટેકરી પર પોતાનો કિલ્લો બનાવીને તેઓ પોતાની રાજધાની અહીં લાવ્યા. ૧૭૭૧માં એમના મોટાભાઈ વાઘસિંહે અને એના પછી ૧૮૦૦માં વાઘસિંહના પુત્ર અભયસિંહ રાજા બન્યા. અભયસિંહના પુત્ર બખ્તાવરસિંહે કેવળ ત્રણ વર્ષ (૧૮૨૬-૨૯) સુધી જ રાજ્ય કર્યું. એમના પુત્ર શિવનાથસિંહે ૧૮૪૩ સુધી; એમના પુત્ર ફતેહસિંહે ૧૮૭૦ સુધી અને એમના દત્તક પુત્ર અજિતસિંહે ૧૯૦૧ સુધી રાજ્ય કર્યું. શેખાવત કુળના આ રાજા અજિતસિંહ જ સ્વામી વિવેકાનંદના શિષ્ય બન્યા અને આજીવન એક અભિન્ન મિત્ર પણ બની રહ્યા. (પંડિત જાબરમલ્લ શર્મા કૃત ‘રાજસ્થાન ઔર નેહરૂ પરિવાર’ પૃ.૩૧-૩૫ અને ‘ખેતડી કા ઇતિહાસ’, કોલકાતા, પૃ.૩૫-૧૦૩)

ખેતડી રાજ્યનો પરિચય

ખેતડી સંસ્થાન જયપુર રિયાસતને ખંડણી ભરનારું એક ઠેકાણું હતું. એના બે ભાગ હતા – શેખાવાટી અને તોરાવાટી. શેખાવાટીવાળો ભાગ ખેતડી નરેશના પૂર્વજોએ પોતાના બાહુબળથી મેળવ્યો હતો. અને તોરાવાટી (કોટપુતલી)વાળો ભાગ અંગ્રેજો પાસેથી પુરસ્કાર રૂપે મેળવ્યો હતો. આ સંસ્થાનની કુલ વાર્ષિક આવક લગભગ ૧૦ લાખ રૂપિયા હતી. એમાંથી ૭૫ હજાર રૂપિયા જયપુરની રિયાસતને ખંડણી રૂપે મોકલાતા. જયપુર દરબારમાં ખેતડી નરેશને આદર-સન્માન મળતાં.

ખેતડી સંસ્થાનનું ક્ષેત્રફળ ૯૦૩ ચો.માઈલ હતું. એની આશરે ૧૬૮ ચો.માઈલ ભૂમિ પર્વત આચ્છાદિત તથા ખાઈઓવાળો હતો. તેમાં ૭ નગર અને ૨૬૬ ગામડાં હતાં. એમાંથી બે નગર અને ત્રણ ગામડાં પર બીજા શેખાવત સરદારોનો પણ ભાગ હતો. ખેતડી નગર સિવાય મુખ્ય કસબાનાં નામ આ પ્રમાણે છે – ઝુનઝુનુ, ચિરાવા, કોટ, જસરાપુર, બગડ, ચૂડી, સિંહાના, અજિતગઢ, સલામપુર અને બબાઈ. સિકર, અલવર, પટિયાલા તથા લુહારુની સીમા ખેતડી સાથે મળતી.

ખેતડીના ઉચ્ચતમ પહાડી વિસ્તાર પર ભોપાલગઢનો કિલ્લો તથા મહેલ બનાવ્યા હતા. બાઘોરનો પ્રાચીન દૂર્ગ પણ ટેકરીઓમાં આવેલ છે. એનો કિલ્લો ૨૫ માઈલના ઘેરાવામાં ફેલાયેલો છે. ત્યાં બૌદ્ધકાલીન મૂર્તિઓ પણ મળી આવી છે. ખેતડીની પાસે જ ટેકરીઓમાં પ્રાચીનકાળથી જ તાંબાનું ખોદકામ થતું. ૧૯૧૧ની વસતી ગણતરી અનુસાર એમને અધીન લગભગ સતર હજાર ઘરોમાં એક લાખ ચોત્રીસ હજાર લોકો રહેતા. રાજા અજિતસિંહે પોતાના પિતા દ્વારા એક સામાન્ય ગામઠી શાળાને હાઈસ્કૂલનું રૂપ આપ્યું. જયપુર મંડળમાં આ હાઈસ્કૂલ પ્રથમ હાઈસ્કૂલ હતી. પાછળથી એનું નામ ‘જયસિંહ હાઈસ્કૂલ’ પડ્યું. (‘ખેતડી કા ઇતિહાસ’, કોલકાતા, પૃ.૧-૧૬)

ખેતડી નગરનું વિવરણ

આજે ખેતડી નગરમાં ઘણું મોટું પરિવર્તન થઈ ગયું છે, પરંતુ જ્યારે સ્વામીજી ખેતડી ગયા હતા તે સમયે એ નગર કેવું હશે એનું વર્ણન ૧૯૨૭માં પ્રકાશિત ઉપર્યુક્ત પુસ્તકના આધારે આવું છે : ‘આ નગર જયપુરથી લગભગ ૧૪૪ કી.મી. ઉત્તરમાં પર્વતોની વચ્ચે સુંદર અને સુરક્ષિત સ્થાને વસેલું છે. પર્વત ઉપર ભૂપાલગઢનો કિલ્લો તેમજ રાજમહેલ છે. ખેતડી નગરથી ઉપર કિલ્લા સુધી જવા માટે પથ્થરવાળી સડક છે. કિલ્લામાં વૃક્ષો, છોડ, તથા લોકોની વસતી પણ ખરી. વિશાળ દીવાનખાનાના ઉપરના માળે ફૂલગોખ ફતહવિલાસ અને છબિનિવાસ છે. દીવાનખાનાની સામે એક મોટું વિશાળ પ્રાંગણ અને એની વચ્ચે એક ફૂવારો શોભે છે. દીવાનખાનાની પૂર્વમાં રાજમહેલ, દક્ષિણમાં વિસ્તીર્ણ મેદાન અને તેની ચારે તરફ સરકારી મકાનો અને તબેલા વગેરે છે. અહીં કોઠી જયનિવાસ, સુખમહલ, જયસિંહ હાઈસ્કૂલ, અજિત હોસ્પિટલ, અજિતનિવાસ ઉદ્યાન, અજિત સાગર બંધ અને ઠાકુર સોભાગસિંહજીનો બંધ વગેરે જોવા લાયક છે. અહીં ચૂડાવતજી, રાણાવતજી અને ભટિયાનીજીનાં વિશાળ મંદિરો સાથે ખેતડીનાં દર્શનીય સ્થળોની સૂચિમાં શેઠ પન્નાલાલજી શાહના તળાવનું નામ પણ જોડાવું જોઈએ. પન્નાલાલજીએ ૧૮૭૦માં લગભગ એક લાખ રૂપિયા ખર્ચીને ઉપર્યુક્ત સરોવર બંધાવ્યું હતું. એની ચારે તરફ ઊંચી દીવાલો, સ્ત્રીઓ તથા પુરુષો માટે અલગ અલગ મજબૂત ઘાટ, હરવા ફરવા માટે ચારે તરફ પાકી ફર્શ અને રહેવા માટે બાર બારણાં તથા ત્રણ બારણાંવાળા ઓરડા છે. રાજા અજિતસિંહે ચૌદ હજાર રૂપિયા ખર્ચીને પર્વતીય વોંકળામાંથી આ તળાવ સુધી પાણી લાવવા માટે એક નહેર પણ બનાવી હતી. ૧૮૯૭માં ત્યાંના મહેલોમાં ગેસની દીવાબત્તી લગાડવામાં આવી હતી. (‘ખેતડી કા ઇતિહાસ’, કોલકાતા, પૃ.૧૭-૧૮)

રાજા અજિતસિંહ – એક પરિચય

ખેતડી રાજ્યના સંસ્થાપક ભોપાલસિંહના ભાઈ પહાડસિંહના અલસીસરના સરદાર વિશાળસિંહને છત્રસિંહ, બનેસિંહ અને ગણપતસિંહ નામના ત્રણ પુત્ર હતા. ખેતડી નરેશ રાજા અજિતસિંહનો જન્મ આ છત્રસિંહના પુત્ર રૂપે ૧૮૬૧ની ૧૬મી ઓક્ટોબરે થયો હતો. પોતે છ વર્ષના હતા ત્યારથી જ તેઓ પોતાનાં માતપિતાને ગુમાવી બેઠા. રાજા ફતેહસિંહે પહેલેથી જ એમને પોતાના ઉત્તરાધિકારી રૂપે પસંદ કરી લીધા હતા. અત: એમના સ્વર્ગવાસ પછી નવ વર્ષની ઉંમરે ૧૫ ડિસેમ્બર, ૧૮૭૦ના રોજ અજિતસિંહને ખેતડીની રાજગાદી પર બેસાડવામાં આવ્યા. પંડિત નંદલાલ નેહરૂ અગાઉનાં દસ વર્ષથી ખેતડીના દીવાન હતા. પંડિત નંદલાલના નાના ભાઈ મોતીલાલ નેહરૂ રાજાજીના સમવયસ્ક હતા. એ દિવસોમાં એમની વચ્ચે મિત્રતા રચાઈ અને એ આજીવન ટકી રહી. પછીથી જ્યારે મોતિલાલ અલાહાબાદના ઉચ્ચ ન્યાયાલયમાં કાયદાના વિશેષજ્ઞ રૂપે કાર્ય કરવા લાગ્યા એ સમયના ખેતડી નરેશ અજિતસિંહના નામે લખેલા અનેક પત્ર મળે છે. (‘રાજસ્થાન અને નેહરૂ પરિવાર’, પૃ.૭૩-૭૮)

રાજાજીની નાની ઉંમર દરમિયાન રાજ્યકારભાર ચલાવવા માટે જયપુરના એક આદેશ પ્રમાણે એક પ્રબંધ સમિતિ રચાઈ હતી. વિભાગોની સંરચના આવી હતી – ઠાકુર સોભાગસિંહ લાડખાની (શાસન પ્રમુખ), મુનશી હરબક્ષજી (મહેસૂલના પ્રભારી), મુનશી હરનારાયણજી (ફોજદારી અને દીવાની અદાલત), ધાભાઈ શિવબક્ષજી (લશ્કર અને કિલ્લા કોટ રક્ષક), શ્રી રામલાલજી (કલ-કારખાના).

પરંતુ આ સભ્યોમાં તાલમેલ ન હોવાને કારણે અરસ-પરસ ઝઘડા થવા લાગ્યા. એટલે ઠાકુર સોભાગસિંહજીને સેવાનિવૃત્ત થવું પડ્યું. જયપુર સ્ટેટ કાઉન્સિલના આદેશથી મુનશી કન્હૈયાલાલજી ભાર્ગવ રાજમુનસરીમ તરીકે નિમણૂક મેળવીને ખેતડી આવ્યા. જયપુર નરેશ સવાઈ રામસિંહે પોતે જ અજિતસિંહના સંરક્ષકની જવાબદારી લીધી. પંડિત ગોપીનાથજીને રાજા અજિતસિંહના શિક્ષણનો કાર્યભાર સોંપાયો. પછીથી એમને જયપુરની નોબલ્સ સ્કૂલમાં દાખલ કર્યા. યોગ્ય શિક્ષણ પૂરું થયા પછી વિક્રમ સંવત ૧૯૩૨, ઈ.સ. ૧૮૭૫માં આઉવાના ઠાકુર દેવીસિંહ ચંપાવતની પુત્રી સાથે એમનાં લગ્ન થયાં. વિ.સં. ૧૯૩૭, ઈ.સ. ૧૮૮૦માં પૂર્ણ રૂપે શાસનાધિકાર મેળવ્યો. એ સમયે રાજ્ય પર લગભગ ૧૧ લાખનું કરજ હતું. રાજાજીએ આગલાં છ વર્ષ દરમિયાન એને વ્યાજ સહિત ચૂકવી દીધું. જયપુરાધિશ રામસિંહનો એમના પર વિશેષ પ્રેમભાવ હતો. પરંતુ એ જ વર્ષે એટલે કે ૧૮૮૦માં એમનો સ્વર્ગવાસ થયા પછી એમના દત્તક પુત્ર સવાઈ માધવસિંહ ગાદીએ બેઠા. તેના પછી અજિતસિંહે ખેતડી પાછા ફરીને પોતાના રાજ્યની વ્યવસ્થામાં પૂર્ણ સમય વિતાવ્યો. પોતાના વિદ્યાગુરુ પંડિત ગોપીનાથજીને એમણે પહેલાં તો તેજૂરી તથા લશ્કરનો વિભાગ સોંપ્યો. ત્યાર પછી તે રાજસભાના મુખ્ય સભ્ય બન્યા. એ ઉપરાંત એ દિવસોમાં ઠાકુર રામબક્ષ, ઠાકુર હરિસિંહ લાડખાની, શાહ અર્જુનદાસ, મુનશી જગમોહનલાલ, શાહ વ્રજલાલ, લાલા શોભાલાલ, પંડિત ભૈરૂનાથ કશ્મિરી, નવાબ ઈસેખાઁ, મીર મહમ્મદ શફી અને મુનશી જમીર અલી, વગેરેએ એમની રાજસભાના સદસ્ય તેમજ વિભિન્ન વિભાગોના અધિકારી રૂપે પોતાની સેવાઓ આપી હતી. પંડિત કન્હૈયાલાલ રાજાજીના અંગત સચિવ તથા ઇજનેરી વિભાગના પ્રભારી હતા. રાજાજીના અંગત સહાયકોમાં પંડિત લક્ષ્મીનારાયણ, ચૌધરી નારાયણદાસ, ગંગાસહાય, માસ્ટર રામલાલ, લાલા વસંતીલાલ કાયસ્થ, વગેરે ઉલ્લેખનીય છે. પંડિત શંકરલાલ શર્મા શિક્ષણ વિભાગના, પંડિત ચિરંજીલાલ પોલિસ વિભાગના અને પંડિત અંબાદત્ત મિશ્ર પુણ્ય વિભાગના વ્યવસ્થાપક હતા. 

રાજાજીએ ખેતડી રાજ્યમાં શિક્ષણ ખાતાની સ્થાપના કરીને ત્યાંની સાધારણ પાઠશાળાને હાઈસ્કૂલનું રૂપ આપ્યું. આ હાઈસ્કૂલ જયપુર મંડળની પ્રથમ હાઈસ્કૂલ બની. તદુપરાંત એમણે સંસ્કૃત પાઠશાળા અને કેટલાય સ્થળે પ્રાથમિક શાળાઓ પણ ચાલુ કરી. ખેતડી તથા કોટપુતલીમાં હોસ્પિટલોની સ્થાપના પણ કરી. રાજાજી ઘણા મિલનસાર સ્વભાવના હતા અને બધાને ખૂલે દિલે મળતા. અતિથિ સત્કારનો સારો પ્રબંધ હતો અને ખેતડીમાં આવનાર બધા વિદ્વાન તથા સાધુસંન્યાસીઓ સુયોગ્ય આદર-સત્કાર પામતા. ૧૮૯૯માં એ વિસ્તારમાં પડેલા ભયંકર દુષ્કાળ દરમિયાન એમણે પોતાની હાથખર્ચીના પૈસા પણ બચાવીને ગરીબોને મદદ કરી અને લોકોને રોટીરોજી દેવા માટે અનેક કાર્ય શરૂ કર્યાં.

એમણે એક જ લગ્ન કર્યાં હતાં, બે પુત્રીઓ અને એક પુત્ર હતાં. રાજકુમારી સૂર્યકુમારીનો જન્મ વિ.સ. ૧૯૩૯, ઈ.સ. ૧૮૮૨માં; ચંદ્રકુમારીનો જન્મ વિ.સ. ૧૯૪૫, ઈ.સ. ૧૮૮૮માં અને રાજકુમાર જયસિંહનો જન્મ વિ.સ. ૧૯૪૯, ઈ.સ. ૧૮૯૩માં થયો હતો.

ખેતડીની નજીક આવેલ અજિતનિવાસ ઉદ્યાન, અજિત સાગર બંધ અને અજિત સમંદ બંધ – આજે પણ એમની કીર્તિધ્વજા ફરકાવી રહ્યા છે. એમણે અનેક સુંદર ઉદ્યાન પણ બનાવ્યાં હતાં. એમના સમયમાં ખેતડીની આવક લગભગ પાંચ લાખ રૂપિયાની હતી અને એનો મોટો ભાગ જનકલ્યાણનાં કાર્યોમાં જ ખરચાતો. વિદ્વાનો, કવિઓ, સંગીતજ્ઞોની એમના દરબારમાં મોટી પ્રતિષ્ઠા હતી. તેઓ પોતે પણ કાવ્યરચના તથા વીણાવાદન કરતા. રાજાજીએ અનેક સુંદર કાવ્યો લખ્યાં છે. એમાંથી એક અહીં પ્રસ્તુત છે:

ધન્ય હમારો ભાગ,
જગ મેં ધન્ય હમારો ભાગ.
યે તે દિવસ નીંદ મેં બીતે,
અબ આયો હૂઁ જાગ.. જગ મેં..
ઉતપતિ નાસ જગત કો લખિ કૈ,
ગયી વિષય કી લાગ.
ચાહ તજી મન સારી યા તૈં,
રહ્યો ન તન કો રાગ .. જગ મેં..
જ્ઞાનામૃત બરસ્યો હૈ તા સોં
બુઝી ભેદ કી આગ.
ધન્ય ઈશ ગુરુદેવ લખે મૈં
મેટ્યો મન કો દાગ .. જગ મેં..
ગીતા કો ઉપદેશ સુનત હી
જલ ગયો જ્ઞાન-ચિરાગ.
મોહ-તિમિર કો નાસ ભયો હૈં
દરસ્યો આનઁદ બાગ .. જગ મેં..
જ્ઞાન લહે નર દેવ દેવ હૈ
નાતર હૈ સુર-છાગ.
‘અજીત’ જ્ઞાન કી નાવ બનાવૈ
લખિ ભવ-સિંધુ અથાગ .. જગ મેં..
(પંડિત જાબરમલ્લ શર્મા કૃત ‘આદર્શ નરેશ’ પૃ.૮૩)

રાજા અજિતસિંહની દિનચર્યા

ખેતડીમાં રહેતી વખતે રાજા અજિતસિંહજીની દરરોજની દિનચર્યાનું વિવરણ ‘આદર્શ નરેશ’ પૃ.૩૬૫ પરથી અહીં આપ્યું છે. એનાથી વાક્યાત (આવનજાવન) રજિસ્ટરની નોંધને સમજવામાં સુવિધા થશે :

‘પ્રાત:કાળ પથારી છોડીને શૌચાદિમાંથી નિવૃત્ત થઈને દીવાનખાનાની છત પર દક્ષિણ તરફના ‘સાઈવાન’માં આરામખુરશી પર બેસીને અશ્વશાળાના ઘોડાની ફિરત-ઘોડદોડ, ‘પલટનતિલંગાન’ લશ્કરી કવાયત અને ‘રિસાલાખાસ’ ખાસ રસાલાની કવાયત (જેને માટે આજ્ઞા થતી)નું નિરીક્ષણ કરતા. જો ક્યાંય કોઈ પણ પ્રકારની ખામી નજરે ચડતી કે કોઈ પણ પ્રકારની નવીનતા લાવવી ઇચ્છનીય જણાતી તો એ માટે જરૂરી આદેશ પણ આપવામાં આવતા.

આ સમયાંતરમાં સલામ કરનારા લોકો ઉપસ્થિત થતા અને એમની સલામ ઝીલતા. ત્યાર પછી સાત-સાડાસાત વાગ્યે ટપાલ આવતાં બધા પત્રો પોતે જ વાંચતા. એના સંબંધે યોગ્ય આજ્ઞાસૂચન કર્યા પછી છાપાં વાચતા-સાંભળતા. શ્રીમાનની સ્પષ્ટ આજ્ઞા હતી કે જે કોઈને પણ પોતાના અભાવ, અભિયોગ કે દુ:ખદર્દનું નિવેદન કરવું હોય તે અશ્વશાળાની છત પર પોતાનો નિવેદનપત્ર લઈને હાજર થઈ જાય. આ આજ્ઞા પ્રમાણે ૯.૩૦ વાગ્યે હાજર રહેલા વિનંતી કરનારાઓના વિનંતીપત્ર મીર મુનશી (અંગત સચિવ) પાસેથી સાંભળીને એના વિશે હુકમ કે આજ્ઞા કરતા. ત્યાર પછી ૧૧ વાગ્યે ભોજન લેતા અને ૧૨ થી ૨ વાગ્યા સુધી રાજકાર્ય સંબંધી કાગળ, પત્ર, તુમાર વગેરે મીર મુનશી પાસેથી સાંભળતા અને પોતાના મંત્રીઓ સાથે પરામર્શ કરી લેતા. ૨ થી ૪ વાગ્યા સુધી એકાંતમાં પુસ્તકોનું અવલોકન અને સંગીતનો અભ્યાસ કરતા.

૪ વાગ્યા પછી નિત્યકામથી પરવારીને શ્રીમાન્‌ બગી કે ઘોડા પર સવાર થઈને અજિત-નિવાસ-બાગ પધારતા. ત્યાં ટેનિસની રમત રમાતી. સાંજે પાછા પધારીને દીવાનખાનાની છત પર કે ઓરડામાં ઉપસ્થિત અભિવાદન (સલામ) કરનારાનું અભિવાદન સ્વીકારતા અને ગાયક મંડળીનું ગાન સાંભળતા. 

૭ વાગ્યાની આસપાસ લગભગ ‘છબિ નિવાસ’માં અથવા છત પર વિરાજીને પંડિત મંડળી સાથે ધર્મ તથા શાસ્ત્ર વિષયક વિચાર કરતા. ૯ વાગ્યે થાળ આવતાં ભોજન કરી લેતા અને પછી શયન. દિનચર્યાનો આ ઉપરછલ્લો હિસાબ હતો. એમાં આવશ્યકતા પ્રમાણે કંઈક આગળ-પાછળ કે વળી ક્યારેક થોડું વધતું-ઘટતું થતું.

શ્રીમાન્‌ની આજ્ઞા હતી કે શ્રાવણીપૂર્ણિમાના રોજ શાહ પન્નાલાલજીના તળાવ કે અજીત-સમંદ-બંધ પર ત્રણેય વર્ણના લોકો ઉપસ્થિત થઈને ધર્મ સભાના આદેશ પ્રમાણે સભાના સભ્યો સહિત શ્રીમાન્‌ની ઉપસ્થિતિમાં યથાવિધિ ઉપાકર્મ કરવાં. ઉપાકર્મ પછી બ્રાહ્મણ મંડળીને આદરપૂર્વક ભોજન અપાતું… પ્રતિદિન ભોજન પહેલાં શ્રીમાન્‌ ભગવાનનું ચરણામૃત લેતા અને ગાયોને રોટી, કબૂતરોને ચણ, વાંદરાને શેકેલા ચણા અને ભિક્ષુકોને અન્ન અપાતાં.

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.