માને ઘેર આવેલા પોલીસ અધિકારી

જયરામવાટી પર પોલીસની નજર રહેવા અંગેની આ ઘટના બની તેના થોડાક મહિના પહેલાં ઘટેલી એક ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. બંગાળમાં રાજનૈતિક દળોની ભાંગફોડિયા પ્રવૃત્તિઓમાં વધારો થતો જતો હતો અને સ્ત્રીઓ પણ એમાં સાથ આપી રહેલી હતી; એ હકીકતની જોડે જયરામવાટી ઉપરની પોલીસની ચાંપતી નજરનો કોઈ સંબંધ હતો કે નહિ તેની તો ખબર નથી, પરંતુ એ દિવસોમાં જયરામવાટી અને કોઆલપાડામાં કોણ આવે છે, એ અંગેની ઝીણી ઝીણી ખબર મેળવવાને માટે પોલીસ ખબરદાર રહેતી એમાં તો શંકા નથી. પોલીસ ખાતામાં ‘માતાજીનો આશ્રમ’ને નામે ઓળખાતા માને ઘેર થોડા વખતથી રોજ રાત્રે ચોકીદાર આવીને અતિથિ ભક્તોની ઓળખાણ-પિછાણ, નામ-સરનામા, ‘ક્યાંથી આવ્યાં છે’, ‘ક્યાં જવાનાં છે’ વગેરે વિગતો નોંધી લઈને જતાં અને સમયસર થાણે આપી આવતા. આ જ ગાળામાં ચોવીસે કલાક પહેરો ભરવાને માટે ચોકીદારની ઉપર એક થાનેદારને પણ નીમવામાં આવેલો અને રાતદહાડો ‘કોણ આવે છે જાય છે’ એની ભાળ રાખવામાં આવતી હતી. રાજકીય ચળવળ સાથે સંપર્ક ધરાવનારા માના ઘણા સંતાનો આના પહેલાં સવારે આવીને સાંજ પડતાં પહેલાં જ દર્શન વગેરે કરીને ચાલ્યા જતા, તેથી ચોકીદારને ચોપડે એનું નામ ચડતું નહિ. પણ હવે તો રાતે દહાડે બધે વખતે ‘કોણ આવે છે, કોણ જાય છે’ ના ખબર લેવા માટે ચોકીદાર અને થાનેદારની ઘડી ઘડી થતી અવરજવર અને પૂછપરછ હેરાન પરેશાન કરી નાખતી હતી. ફક્ત એટલું જ નહિ, પણ એ બધાં આગંતુકોને ઘેર અને જન્મસ્થળે પણ ત્યાં ત્યાંની પોલીસ મારફત તરતપાસ ચાલતી અને ક્યારેક ક્યારેક અજબગજબના કલ્પનાના તુક્કાની મદદ વડે એવી તો બધી વાતો ઘડી કાઢવામાં આવતી કે, નાહકની અશાંતિ ઉપજતી.

જયરામવાટી આવનારાંઓમાંના મોટાભાગના લોકો કોઆલપાડા થઈને આવજા કરતા. કોઆલપાડાના માના આશ્રમના બેઠક ખાનામાં પણ બરાબર આવી જ જાતના પોલીસ પહેરાની ગોઠવણ કરવામાં આવી હતી. કામારપુકુરથી ત્રણ ચાર માઈલ ઉગમણી દિશાએ આવેલા નવાસન નામના ગામમાં સ્થાનિક ભક્તોના પ્રયાસોથી એક નાનકડો આશ્રમ સ્થપાયેલો. આરામબાગ – ચાંપાડાંગાવાળા રસ્તે થઈને જયરામવાટી અવરજવર કરનારાં ભક્તો એ આશ્રમે વિસામો ખાતા. પૂર્વબંગાળના એકાદ-બે યુવાન સાધુઓ પણ ક્યારેક ક્યારેક ત્યાં રહેતા. એ ઠેકાણાં ઉપર પણ પોલીસની તીક્ષ્ણ દૃષ્ટિ રહેતી અને પછી પોલીસની હેરાનગતીને કારણે જ આશ્રમ બંધ થઈ ગયો. પોલીસ માના ઘર ઉપર તીક્ષ્ણ દૃષ્ટિ તો રાખતી પણ કદીયે કોઈ જાતનો ઉપદ્રવ કે અત્યાચાર કર્યો નથી. પણ તે છતાં સહુનાં મનમાં અશાંતિ અને આશંકા પેદા કરેલાં એમાં તો સંદેહ નથી.

જયરામવાટી ગામ બાંકુડા જિલ્લામાં આવેલું છે. ત્યાંના પોલીસ ખાતાના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની જોડે બાંકુડા નિવાસી માના સંતાન શ્રી વિભૂતિબાબુને ઓળખાણ-પિછાણ હતી. વિભૂતિબાબુ નિશાળમાં માસ્તરનું કામ કરતા. ઘણુંખરું દરેક શનિવારે શાળા પૂરી કરીને બાંકુડાથી ટ્રેનમાં ગડબેતા આવીને ત્યાંથી આઠ-નવ કોશ પગે ચાલીને માને ઘેર આવતા અને રવિવારે બપોર પછી કે પછી સોમવારે વહેલી સવારે પાછા જતા. માના ઉપર એમને વિશેષ ભક્તિ હતી. મા પણ એમને ઘણો સ્નેહ કરતાં. માની સેવા કરવા માટે તેમ જ માના ઘરનાં કામકાજ કરવાને વિભૂતિબાબુ હંમેશાં તૈયાર રહેતા અને તકલીફ ઉઠાવીને પણ આગ્રહપૂર્વક તમામ કામ ઉકેલી નાંખવાના પ્રયત્નો કરતા. ‘માતાજીના આશ્રમ’ ઉપર પોલીસની સારી નજર રહે એ ઉદ્દેશ્યથી વિભૂતિબાબુએ એકવાર ડી.એસ.પી.ને જયરામવાટી લઈ આવીને માનાં દર્શન કરાવવાની વ્યવસ્થા કરી હતી. જગદ્વાત્રી પૂજાના બે ચાર દિવસ પછી પોલીસ અધિકારી શિરોમણિપુરના પોલીસ થાણે આવ્યા હતા. ત્યાંથી પાલખી કરીને માને ઘેર આવ્યા. એ વખતે માના બીજા કેટલાક સંતાનો પણ ત્યાં હાજર રહેલા. યથાયોગ્ય આદર સન્માન કરીને એમને બેસાડ્યા. ઘરબાર જોઈ કરીને તેઓ વિભૂતિબાબુની સંગાથે માનાં દર્શન કરવાને માટે અંદર ગયા. માના ઓરડાની જોડેની ઓસરીમાં એમના નાસ્તાપાણીની ગોઠવણ કરવામાં આવી હતી. ત્યાં જઈને એમણે માનાં દર્શન કર્યાં. નાસ્તોપાણી લીધાં અને મા જોડે વાતચીત કરી એ બધું જોવા સાંભળવાનો મોકો અમને મળેલો નહિ. થોડીકવાર પછી ત્યાંથી ઊઠીને ઘરની અંદરના ચોકમાં આવીને ઊભા. મા પણ ત્યાં આવીને એમની સામે ઊભાં હતાં. તેઓ વિદાય લઈ રહ્યા હતા. એ વખતે માની જોડેની એમની વાતચીતના બે ચાર શબ્દોથી સમજાયું કે પોલીસની સખ્તાઈ અને તરતપાસ અંગે એની વચ્ચે વાતચીત થયેલી છે. પોલીસ અધિકારીએ હસતે મોઢે માને પોલીસે રાતદહાડો ખોજખબર કાઢવા અંગે પૂછ્યું. ‘આ બધાંથી તમને બીક તો નથી લાગતીને?’ તમામ કામમાં પહેલ કરનારા વિભૂતિબાબુએ તરત જવાબ વાળ્યો, ‘બીક શું કામ લાગે? કોની બીક?’ ચારે બાજુએ ઘણા લોકો ઊભેલા, સહુ ચૂપચાપ જોઈ રહ્યા. પોલીસ સાહેબ માના મોઢા ભણી જોઈ રહ્યા છે. મા એમના મોં ભણી નજર કરીને સ્નેહભીના સૂરે, બરાબર એક નાનકડી છોકરી જેમ એના પિતા જોડે લાડ કરતી બોલે, એવા મીઠા અવાજે બોલ્યાં, ‘હા, બાબા! બીક તો મને લાગે છે.’ પત્થર દિલ, ખુમારીભર્યા પોલીસ અધિકારીની હૃદયવીણાના તાર એ સ્વર લહરીના સ્પર્શે ઝણઝણી ઊઠ્યા. એમણે પણ, જાણે કે એક બાપ પરગામ જતી વેળાએ લાડકી દીકરીને દિલાસો દઈને! વિદાય લેતા હોય એવી રીતે, સુંવાળે સ્વરે હિંમત બંધાવતા બોલ્યા, ‘કોઈ પણ જાતનો ડર રાખવાની જરૂર નથી. હું બધું ઠીક કરીને જઈશ.’ અને શ્રીમાની તરફ નજર નાંખીને પ્રસન્ન ચિત્તે પાલખી પર ચડીને તેઓ રવાના થયા. મા પણ એટલી ઘડી દયામણી નજરે દીકરીની જેમ જ જોતાં રહ્યાં. એ પોલીસ અધિકારીના અંતરના કઠણ પડને ભેદીને માની મીઠી વાણી અને દૃષ્ટિ ત્યાં કશી સ્થાયી રેખા આંકવા પામેલી કે નહિ તેની તો ખબર નથી પણ તે વખતે તો એ અલૌકિક ‘દીકરી’ની સ્નેહપ્રીતિ એમના હૃદયને સ્નિગ્ધ અને શીતળ કરી ગયેલી તે નક્કી.

જયરામવાટી પર પોલીસની સતર્ક દૃષ્ટિ હરહંમેશ ચાલુ જ રહેલી, છતાં એ પોલીસ અધિકારીની ચેષ્ટાથી હો કે પછી બીજા કોઈ કારણે હો, પણ માતાજી અને એમનાં સેવક સેવિકાઓ, સાથીઓ, કુટુંબીઓ કોઈને પણ કોઈ જાતના ઝમેલામાં પડવાનું થયું નહોતું, જો કે માના સંતાનો તેમ જ એમનાં સગાંવહાલાંઓમાંથી કોઈ કોઈ જણ સરકાર વિરોધી રાજકીય ચળવળ સાથે સંકળાયેલા તો હતા જ. એ દિવસોમાં પોલીસે ઠેકઠેકાણે જે જાતનો અકથ્ય જુલમ ગુજાર્યો છે. એમાંનો જરાક જેટલો પણ માના ઘર ઉપર થયો હોત તો શું થાત એનો વિચારમાત્ર કરતાં દિલ ધડકી ઊઠે છે.

અદીક્ષિત ભક્તો ઉપર માની કૃપા

મા ફક્ત પોતામાં દીક્ષિત શિષ્ય શિષ્યાઓ ઉપર અપાર સ્નેહકૃપા દાખવતાં હતાં એવું નહોતું. એમની પાસે ‘મા’ બોલીને જે કોઈ ગયું છે તે એમનો સ્નેહ પામીને ધન્ય બન્યું છે. એટલે સુધી કે, ‘મા’ બોલ્યા વિના બીજા કોઈ કારણવશાત્‌ પણ જેમને એમની દૃષ્ટિ સંમુખે જઈ પહોંચવાનો સુયોગ સૌભાગ્યવશ સાંપડ્યો છે, તેમણે પણ એમની અહૈતુકી કરુણા તથા અપાર માતૃસ્નેહનું આસ્વાદન કરીને હૈયાં ટાઢાં કર્યાં છે. અને આ જીવનમાં એ સ્મૃતિ ચિત્તપટ ઉપર એકસરખી ઉજ્જવળ કદાચ નહિ રહે તો પણ લોપાવાની તો નથી જ. જ્યારે જ્યારે ત્રિતાપ અસહ્ય જ્વાળાથી દઝાડશે ત્યારે એ જ છૂપાઈ રહેલા ઉત્સમાંથી શાંતિવારિની સરવાણીઓ ફૂટી નીકળીને હૃદયને શીતળ કરશે. જે ભાગ્યશાળી હશે એમનો પરલોકનો સંગાથ પણ એ જ મુખ છબી નિભાવશે. પેલા બધા પોલીસ વેશધારીઓનાં જનમ જનમનાં ઘણાં પુણ્ય હશે, એમાં કશી શંકા નથી.

(ક્રમશ:)

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.