ખેતડીમાં ત્રણ માસ
વાકયાત (રોજનીશી) રજિસ્ટરનું વિવરણ

સ્વામીજીના ખેતડીના નિવાસ દરમિયાન લખાયેલ દરબારની વાકયાત રજિસ્ટરમાં ક્યાંક ક્યાંક સ્વામીજીના નામનો ઉલ્લેખ મળે છે. એ પ્રસંગો આ પ્રમાણે છે.

૯ ઓગસ્ટ, ૧૮૯૧, રવિવાર, ખેતડી

૭ વાગ્યે ઊઠ્યા. ખેતડીના મહારાજા હાથ-મોં ધોયાં. સલામ કરવા આવેલાની સલામ ઝીલી. આબૂમાં જે વાઘનો શિકાર કર્યો હતો એની ચામડી હાજર કરવામાં આવી. સામાન્ય સ્નાનવિધિ પતાવીને ભોજન લીધું. મુસાહબ-દરબારી લોકો આવી ગયા અને પોતપોતાની વાતો કહીને એ લોકો ૧૧ વાગ્યે ચાલ્યા ગયા.

સ્વામી વિવેકાનંદજી આબૂથી સાથે આવ્યા હતા. તેઓ આવ્યા. અંગ્રેજીમાં વાતચીત થતી રહી. બે વાગ્યે સ્વામીજી ચાલ્યા ગયા અને પોતે આરામ કર્યો. ત્રણ વાગ્યે ઊઠ્યા. હજામત કરાવરાવી. હાથ-મોં ધોઈને છત્રીમાં આવીને વિરાજ્યા. વરસાદ આવી ગયો. પછી વરસાદ બંધ થતાં બગીમાં સવાર થઈને ‘અજિત નિવાસ’ પધાર્યા. લોન ટેનિસ રમ્યા. સૂર્યાસ્ત થતાં બેસીને.. સ્વામી વિવેકાનંદ સાથે વાતો થઈ. ૭ વાગ્યે પાછા ફરીને દીવાનખાનાની છત પર બેઠા.

૧૩ ઓગસ્ટ, ૧૮૯૧, ગુરુવાર, ખેતડી

૭.૪૫ વાગ્યે સલામ કરનારાને સલામ કરી. સ્વામી વિવેકાનંદજી આવ્યા. એમની સાથે વાતો થઈ. માઈક્રોસ્કોપ – સૂક્ષ્મદર્શક યંત્ર ઈંગ્લેન્ડથી રિપેર થઈને આવી ગયું હતું. એની ચકાસણી કરતા રહ્યા.

૧૫ ઓગસ્ટ, ૧૮૯૧, શનિવાર, ખેતડી

માઈક્રોસ્કોપ જોતા રહ્યા. ૯ વાગ્યે સ્વામી વિવેકાનંદ પણ આવી ગયા. પુસ્તકો વિશે ચર્ચા અને હાર્મોનિયમ પર સંગીત ગવાયું. ૧૧ વાગે ભોજન આવી ગયું. સ્વામીજીને પણ પાસે બેસાડીને જમાડ્યા. 

વાકયાત રજિસ્ટરની અત્યાર સુધીની પ્રવિષ્ટિઓથી એવું જાણવા મળે છે કે માઉન્ટ આબૂથી આવ્યા પછીથી અત્યાર સુધી રાજા સાહેબ અને સ્વામીજીનું દિવાનખાનું એને સંલગ્ન રાજાના મહેલમાં જ રહ્યું હતું. પરંતુ ત્યાર પછીની પ્રવિષ્ટિઓમાં જોવા મળે છે કે ૧૫ ઓગસ્ટ પછી કોઈ એક દિવસે રાજા સાહેબ પન્ના તળાવની એક બાજુએ આવેલ રઘુનાથજીના મંદિરની સાથે સંલગ્ન મહેલમાં જઈને રહેવા લાગ્યા અને સ્વામીજીને ક્યાંક નજીકમાં જ ઊતરવાની વયવસ્થા કરી દીધી.

૧૯ ઓગસ્ટ, ૧૮૯૧, બુધવાર, ખેતડી (મંદિર)

… પછી શ્રી હજુર મંદિરના મહેલમાં પધારીને ગાલીચા પર બેઠા. સ્વામી વિવેકાનંદ, પંડિત લક્ષ્મી નારાયણજી અને પંડિત નારાયણ દાસજી સાથે શાસ્ત્ર વિશે વાતો થતી રહી.

૨૦ ઓગસ્ટ, ૧૮૯૧, ગુરુવાર, ખેતડી (તળાવ)

૭ વાગ્યે પધારીને કિલ્લામાં બેઠા. ટપાલના પત્રો જોયા. ચીરૂટ પીધી. હાથ-મોં ધોઈને મંદિરના મહેલમાં પધાર્યા. સલામી કરનારાની સલામ લીધી. માઈક્રૉસ્કોપ જોતા રહ્યા. સ્વામી વિવેકાનંદજી સાથે વાતો થતી રહી. મુનશી જમીર અલીજી આવ્યા. એક પુસ્તક જોતા રહ્યા. થોડીવાર પછી તેઓ ચાલ્યા ગયા. ૧૦ વાગ્યે પંડિત ગોપીનાથજી આવ્યા. ૪ મિનિટ રોકાઈને ચાલ્યા ગયા. શાહ અર્જુનદાસજી શોભાલાલજી આવ્યા. સલામ કરીને ચાલ્યા ગયા. (મહારાજાએ) સ્નાન અને થોડું ઘણું અગ્નિહોત્ર આદિ નિત્યકર્મ પૂરું કર્યું. ઠાકુર રામબક્ષજી આવ્યા અને પોતાની વાતો રજૂ કરીને ચાલ્યા ગયા. ભોજન લીધું. પલંગ પર લંબાવ્યું અને સ્વામી વિવેકાનંદજી સાથે શાસ્ત્ર વિશે વાતો કરતા રહ્યા. 

૨૨ ઓગસ્ટ, ૧૮૯૧, શનિવાર, ખેતડી (તળાવ):

ગંગા સહાયજીએ હાજર થઈને એક કલાક સુધી હાથ ખર્ચીની વિગતો રજૂ કરી. સ્વામી વિવેકાનંદજી આવી ગયા. એમની સાથે શાસ્ત્ર વિશે વાતો થતી રહી અને પુસ્તક વાંચતા રહ્યા. 

૨૪ ઓગસ્ટ, ૧૮૯૧, સોમવાર, ખેતડી (તળાવ)

અહીં આવીને બાગમાં સ્વામી વિવેકાનંદજીના નિવાસે પધારીને એમની સાથે વાતો કરી. (રાતના) ૮ વાગ્યે વળી પાછા તળાવ પર પાછા ફરીને ભીતર પધાર્યા.

૨૫ ઓગસ્ટ, ૧૮૯૧, મંગળવાર, ખેતડી (તળાવ)

સ્વામી વિવેકાનંદજી આવ્યા. એમની સાથે વાતો કરતાં કરતાં માઈક્રૉસ્કોપ જોતા રહ્યા.

૨૬ ઓગસ્ટ, ૧૮૯૧, બુધવાર, ખેતડી (તળાવ)

૨ વાગ્યે સ્વામી વિવેકાનંદજી આવ્યા. એમની સાથે વાતો થતી રહી. ૫.૩૦ વાગ્યે અજિતનિવાસ પધાર્યા.

૩૦ ઓગસ્ટ, ૧૮૯૧, રવિવાર, ખેતડી (તળાવ)

વીણા વગાડી સ્વામી વિવેકાનંદજી આવ્યા. એમની સાથે વાતો થતી રહી. પુસ્તક વાંચ્યું.

૩૧ ઓગસ્ટ, ૧૮૯૧, સોમવાર, ખેતડી (તળાવ)

સ્વામી વિવેકાનંદજી આવ્યા. એમની સાથે વાતો થતી રહી અને પુસ્તક વાંચતા રહ્યા.

૧ સપ્ટેમ્બર, ૧૮૯૧, મંગળવાર, ખેતડી (તળાવ)

સ્વામી વિવેકાનંદજી આવ્યા. એમની સાથે વાતો થતી રહી અને પુસ્તક વાંચતા રહ્યા.

૧૩ સપ્ટેમ્બર, ૧૮૯૧, રવિવાર, ખેતડી (તળાવ)

ઉપરની છત્રીમાં બેઠા. સ્વામી વિવેકાનંદજી, પંજાબી સાંઈ અને જગમોહન લાલજીની પરસ્પર ચર્ચા થતી રહી. એ સાંભળતા રહ્યા. ૯ વાગ્યે ભીતર પધાર્યા.

૧૬ સપ્ટેમ્બર, ૧૮૯૧, બુધવાર, ખેતડી (તળાવ)

૧૨ વાગ્યે સ્વામી વિવેકાનંદજી આવી ગયા. એમની સાથે વાતો થતી રહી.

૨૦ સપ્ટેમ્બર, ૧૮૯૧, રવિવાર, ખેતડી (તળાવ)

૧૨ વાગ્યે મુસાહબ (દરબારીઓ) ચાલ્યા ગયા. પુસ્તક વાંચતા રહ્યા. સ્વામી વિવેકાનંદજી આવ્યા એટલે વચ્ચે વચ્ચે એમની સાથે વાત થતી રહી.

૨૨ સપ્ટેમ્બર, ૧૮૯૧, મંગળવાર, ખેતડી (તળાવ)

૨ વાગ્યે શ્રાદ્ધ સંપન્ન થઈ ગયા પછી ભોજન લીધું. ત્યાર પછી પુસ્તક વાંચતા રહ્યા. સ્વામી વિવેકાનંદજી આવ્યા એટલે એમની સાથે વાતો થતી રહી.

૨૩ સપ્ટેમ્બર, ૧૮૯૧, બુધવાર, ખેતડી (તળાવ)

સ્વામી વિવેકાનંદજી આવ્યા. એમની સાથે વાતચીત થઈ અને પુસ્તક વાંચતા રહ્યા.

૨૭ સપ્ટેમ્બર, ૧૮૯૧, રવિવાર, ખેતડી (અજિત સાગર બંધ)

૨.૩૦ વાગ્યે સ્વામી વિવેકાનંદજી આવ્યા. એમની સાથે વાતો થતી રહી.

૨૯ સપ્ટેમ્બર, ૧૮૯૧, મંગળવાર, ખેતડી (તળાવ)

શ્રાદ્ધ થયા પછી ૧૧ વાગ્યે ભોજન લીધું. પલંગ પર લંબાવ્યું. પુસ્તક વાંચતા રહ્યા અને સ્વામીજી સાથે વાતો કરતા રહ્યા.

૩૦ સપ્ટેમ્બર, ૧૮૯૧, બુધવાર, ખેતડી (તળાવ)

૧૧ વાગ્યે બહાર નીકળીને મંદિરના મહેલમાં પલંગ પર લંબાવ્યું. પુસ્તક વાંચતા રહ્યા અને સ્વામીજી સાથે વાતો કરતા રહ્યા.

૧ ઓક્ટો., ૧૮૯૧, ગુરુવાર, ખેતડી (તળાવ)

અજિત નિવાસ પધાર્યા. લોન ટેનિસની રમત રમાઈ. સંધ્યા સમયે અગ્નિહોત્ર કરીને તળાવ પર આવ્યા. ઉપરની છત્રીમાં વિરાજ્યા. સ્વામીજી સાથે વાતો થઈ.

૪ ઓક્ટો., ૧૮૯૧, રવિવાર, ખેતડી (તળાવ)

સવારે ૪ વાગ્યે બહાર આવ્યા. હાથ-મોં ધોઈને ૪.૩૦ વાગ્યે ઘોડા પર સવાર થઈને જીણમાતાના દર્શન માટે રવાના થયા. જીણમાતાનું સ્થાન રિંગસથી સીકર જતી સડક પર સીકરથી ૧૦ કી.મી. પૂર્વે ડાબા હાથ તરફ વળવાથી રાનોલી (ગૌરીઓ) ગામથી ૫ કી.મી. દૂર છે. ‘જીણ’ શબ્દ ‘જયંતી’ નો અપભ્રંશ છે. દેવી ચૌહાણ રજપૂતોની કુળદેવી છે. મૂર્તિ અષ્ટભૂજા છે. મંદિરનો સભા મંડપ ૧૦મી શતાબ્દિ પહેલાંનો છે. મંડપના સ્તંભ પર લેખ કોતરાયેલા છે. શિલાલેખ પણ મળે છે. એમાં વિ.સં. ૧૦૨૯ થી ૧૧૬૨નો લેખ સર્વાધિક પ્રાચીન તથા મહત્ત્વપૂર્ણ છે. પ્રતિવર્ષ બંને નવરાત્રીના સમયે અહીં મેળો ભરાય છે. યાત્રીઓ માટે ધર્મશાળાઓ છે. દેવાલયની છત તથા દિવાલો પર બૌદ્ધ તેમજ તાંત્રિક મૂર્તિઓ કોતરવામાં આવી છે. રાજા અજિતસિંહ નવરાત્રીના અવસરે સ્વામીજીને સાથે લઈને દેવીનાં દર્શન કરવા ગયા હતા. (સ્વામી પૂજ્યાનંદજીના સૌજન્યથી પ્રાપ્ત હકીકત)

લગભગ ૮.૩૦ વાગ્યે ગઢે પહોંચ્યા. ત્યાં ડુંગરમાં શિવજીના મકાનમાં એક ગોસ્વામી તપસ્યા કરતા હતા. એમની પ્રશંસા સાંભળી હતી એટલે એમનાં દર્શન કરવા ગયા. ઘોડા પર સવાર થઈને ધર્મશાળામાં ગયા અને ત્યાં રોકાયા. ત્યાં ખુરશી પર બેઠા. સ્વામી વિવેકાનંદજી સાથે એમની વાતો થતી રહી. ૬ વાગ્યા પછી ૮ માઈલ દૂર સિગનૌરમાં પ્રવેશ્યા.

નોંધ : ૫ ઓક્ટોબરના રોજ સિગનૌરથી રવાના થઈને બાજોર થઈને સીકર પહોંચ્યા. ૬ ઓક્ટોબરના રોજ સીકરના રાવરાજા માધોસિંહ સાથે ૬ વાગ્યે જીણમાતાના સ્થાન પર પહોંચીને એમનાં દર્શન કર્યાં અને ૯.૧૩ વાગ્યે સવારી વળી પાછી સીકરગઢ પહોંચી ગઈ. ૧૦ ઓક્ટોબરના રોજ સીકરથી રવાના થઈને ૧૧મી ઓક્ટોબરે પાછા ખેતડી પહોંચ્યા.

૧૨ ઓક્ટો., ૧૮૯૧, સોમવાર (દશેરા), ખેતડી

નોંધ : દશેરાના ઉપલક્ષ્યમાં પૂજા, સવારી તથા દરબારના વિસ્તૃત વિવરણ પછી ભોજનમાં સામેલ થનારની યાદી છે. એમાં સ્વામીજીનું નામ પણ છે.

૨૧ ઓક્ટો., ૧૮૯૧, બુધવાર, ખેતડી

રાજમાતા સાહેબ ઉદાવતજીનું શ્રાદ્ધ હતું. જોરજીને એ શ્રાદ્ધને પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. તેઓ ૧ વાગ્યા સુધી શ્રાદ્ધ કરાવી ચૂક્યા હતા, ત્યાર પછી ભોજન આવ્યું. મુશરફ ખાઁ આવ્યા. એમની વીણા વાગતી રહી, ૪ વાગે હાથ-મોં ધોઈને નીચે આવ્યા. આંબળાના ઝાડ નીચેના ચબૂતરા પર બેઠા. નટોનો ખેલ થયો, એ જોયું. ૬ વાગ્યે એ ખેલ પૂરો થયા પછી હકીમજીના બાગ સુધી ટહેલવા ગયા. પાછા આવીને સ્વામી વિવેકાનંદજીના નિવાસે પધાર્યા અને બેઠા. વાતચીત કરતા રહ્યા. ૧૦.૩૦ વાગ્યે ત્યાંથી ઊઠીને ભીતર ગયા.

૨૨ ઓક્ટો., ૧૮૯૧, ગુરુવાર, ખેતડી

૮ વાગ્યે બહાર પધાર્યા. હાથ-મોં ધોયા. સલામ કરનારાએ આવીને સલામ કરી. સ્નાન કરીને ભોજન લીધું. છબિ નિવાસમાં વિરાજીને વીણા વગાડી. પુસ્તક વાંચ્યું. ૪ વાગે હાથ-મોં ધોઈને નીચે ઊતર્યા. ધોડી પર સવાર થઈને ઢાળિયા રસ્તા પરથી બંધ પર પહોંચ્યા. બંધના આ છેડા પરથી નાવમાં બેસીને બંધમાં સહેલગાહ કરતાં બીજે છેડે પહોંચ્યા. ૮ વાગ્યે નાવમાંથી ઊતરીને બંગલામાં પધાર્યા. બંગલાની છત પર (સાધુ) સીમલનાથજી સાથે કલાકેક વાત ચાલી. ત્યાર પછી વિવેકાનંદજી સાથે વાતો થતી રહી.

૨૩ ઓક્ટો., ૧૮૯૧, શુક્રવાર, ખેતડી (બંધ)

પુસ્તક વાંચ્યું. ૩ વાગ્યે સ્વામીજી તથા અન્ય લોકો સાથે વાતો થતી રહી.

૨૪ ઓક્ટો., ૧૮૯૧, શનિવાર, ખેતડી

૯.૨૫ વાગ્યે ખેતડી પહોંચ્યા. ૧૦ વાગ્યે હાથ-મોં ધોઈને અજીતનિવાસમાં પધાર્યા. ૭ વાગ્યે પાછા આવ્યા. ઓસરીમાં બેઠા. ઠાકુર રામબક્ષજી તથા પંડિત ગોપીનાથજી સાથે એકાંતમાં વાતો કરી. ત્યાર પછી શોભાલાલજી, જગમોહનજી તથા સ્વામીજી સાથે વાતો થતી રહી. ૧૦ વાગ્યે ભીતર ચાલ્યા ગયા.

૨૬ ઓક્ટો., ૧૮૯૧, સોમવાર, ખેતડી

૧૦ વાગ્યે ભોજન લીધું. પુસ્તક વાંચતા રહ્યા. ૨ વાગ્યે સ્વામીજી આવ્યા. એમની સાથે વાતો થતી રહી.

૨૭ ઓક્ટો., ૧૮૯૧, મંગળવાર, ખેતડી (તળાવ)

૧૦ વાગ્યે સ્નાન તથા નિત્યકર્મ પછી છબિ નિવાસમાં વિરાજ્યા. પુસ્તક વાંચતા રહ્યા. ૧૧ વાગ્યે ભોજન લીધું. જગમોહનજીએ આવીને કાગળિયા દેખાડ્યા. ૧૨ વાગ્યે મુસાહબ-દરબારીઓ હાજર થયા. રાજના કામકાજ વિશે ચર્ચા થતી રહી. ૨ વાગ્યે તે લોકો ચાલ્યા ગયા. સ્વામી વિવેકાનંદજી આવ્યા એટલે એમની સાથે વાતો થતી રહી. 

ખેતડીમાં તેઓ ક્યાં રહ્યા હતા?

ખેતડીમાં સ્વામીજી કુલ ત્રણ વાર આવ્યા હતા. પહેલીવાર તેઓ ત્યાં ૧૮૯૧ના ઓગસ્ટથી ઓક્ટોબર માસ સુધી રહ્યા; બીજી વાર ૧૮૯૩માં પુત્રોત્સવ પ્રસંગે પધાર્યા તથા ૨૧ મે થી ૧૦ એપ્રિલ સુધી ત્યાં રહ્યા. અને ત્રીજીવાર ૧૮૯૭માં ૧૨ થી ૨૧ ડિસેમ્બર સુધી એમણે ખેતડીમાં નિવાસ કર્યો હતો.

પ્રથમવાર : સ્વામીજી જ્યારે પહેલીવાર ખેતડી આવ્યા તે દરમિયાન (૯ ઓગસ્ટ થી ૨૯ ઓક્ટોબર, ૧૮૯૧)ના સમયગાળામાં લગભગ – ઓગસ્ટના ૨૩ + સપ્ટેમ્બરના ૩૦ + ઓક્ટોબરના ૨૯ એમ મળીને – કુલ ૮૨ દિવસ રહ્યા હતા. પરંતુ વાકયાત રજિસ્ટરમાં એમની કુલ મળીને ૨૯ પ્રવિષ્ટિઓ મળે છે. જે જે દિવસે સ્વામીજી રાજાને મળ્યા એ દિવસે એમનું નામ રજિસ્ટરમાં લખેલું છે. બાકીના દિવસોમાં સંભવ છે કે તેઓ કોઈ બીજે સ્થળે ગયા હોય કે પછી પોતાના નિવાસમાં જ એ દિવસો વીતાવ્યા હોય. વળી તેઓ પંડિત નારાયણ દાસજીની પાસે જઈને વ્યાકરણ પણ વાંચતા અને ક્યારેક ક્યારેક ખેતડીના સામાન્ય જનોને પણ મળવા જતા.

વાકયાત રજિસ્ટરમાં લિપિબદ્ધ કુલ ૨૯ પ્રવિષ્ટિઓમાંથી ૮ ખેતડીની છે, ૧૮ તળાવની છે અને ૧ મંદિરની તેમજ બે અજિતસાગર બંધની છે. એમાંથી ૯ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધી દીવાનખાનાની છત, સુખમહલ તથા ત્યાંની છત્રી વગેરેનો ઉલ્લેખ છે. એવું લાગે છે કે માઉન્ટ આબુથી આવ્યા બાદ મહારાજા લગભગ એક સપ્તાહ દીવાનખાના સાથે જોડાયેલ મહેલમાં રહ્યા હતા અને સ્વામીજી સંભવ છે કે થોડા દિવસ ત્યાં જ એમની જ પાસે દીવાનખાનામાં ક્યાંક કે તેની પાસે જ આવેલ બાવડી મંદિરમાં રહ્યા હોય. એનું કારણ એ છે કે પછીથી સ્વામી અખંડાનંદજીએ પણ કેટલોક સમય દીવાનખાનામાં અને કેટલોક સમય બાવડી મંદિરમાં નિવાસ કર્યો હતો.

વાકયાત રજિસ્ટર પ્રમાણે મહારાજા ૧૯ ઓગસ્ટથી ૧ ઓક્ટોબર દરમિયાન, લગભગ દોઢ મહિનો પન્ના તળાવની સમીપ આવેલ પોતાના કુળદેવતા રઘુનાથજીના મંદિર સાથે સંલગ્ન મહેલમાં રહ્યા હતા. એ દરમિયાન ત્રણ વાર અજિત નિવાસ (ક્લબ) જવાનો ઉલ્લેખ છે. આ પ્રકારે વર્ષા ઋતુનો લગભગ દોઢ મહિનો મહારાજાએ પન્ના તળાવની પાસેના મંદિરમહેલમાં વિતાવ્યો હતો.

આ દિવસો દરમિયાન સ્વામીજી ક્યાં રહ્યા હતા એ વાતનું ક્યાંયથી કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. મહારાજા જો કે આટલા દૂરથી સ્વામીજીને સત્સંગ કરવા માટે જ ખેતડી લાવ્યા હતા અને એમની પાસેથી દીક્ષા વગેરે લેવાનો પ્રસંગ પણ આવે છે. એટલે આટલું સ્પષ્ટ છે કે મહારાજાએ સ્વામીજીને ક્યાંક નજીકમાં જ રાખ્યા હશે. વાકયાત રજિસ્ટરની ૨૪ ઓગસ્ટની પ્રવિષ્ટિ પ્રમાણે – ‘(મહારાજાએ) બાગમાં સ્વામી વિવેકાનંદજીના ઉતારે પધારીને એમની સાથે વાતો કરી. (રાત) આઠ વાગે પાછા તળાવ પર આવીને અંદર પધાર્યા.’

‘સ્વામીજી પોતાના ખેતડીના પ્રવાસ દરમિયાન ક્યાં રહ્યા હતા’ આવું પૂછવાથી રાજ દરબારની સાથે કેટલીયે પેઢીઓથી સંલગ્ન ખેતડીના વયોવૃદ્ધ નાગરિક શ્રી મોતિલાલ માથુરે (માર્ચ ૨૦૦૪) આ લેખકને બતાવ્યું કે પન્ના તળાવ પર જ મખ્ખનદાસ બાબાજીના આશ્રમની સામે એક નાનો એવો ઓરડો છે, તેમાં (રહ્યા હતા). એવું જાણવા મળ્યું છે કે ઉપર્યુક્ત આશ્રમ સારા એવા સમયકાળ પછી અસ્તિત્વમાં આવ્યો હતો. આ લેખકે ત્યાં જઈને જોયું કે તળાવના એક કિનારાની ચાર દિવાલથી ઘેરાયેલો એક નાનો પણ સુંદર ઓરડો છે. પાડોશના નિવાસી શ્રી અબ્દુલ હાદી ખાને બતાવ્યું કે બાળપણમાં એમણે જોયું છે કે એ આખી ચાર દિવાલવાળી જગ્યા ફૂલોના બાગથી ભરેલી હતી. (કદાચ રઘુનાથજી મંદિરમાં ફૂલ અહીંથી જતાં હોય) પછીથી ક્રમશ: આ ઉદ્યાન વેરાન થઈ ગયું અને અત્યારે ત્યાં ખાલી જમીન પડી છે.

દીવાલના ચિહ્‌ન પરથી જાણવા મળે છે કે ચારે તરફ સુંદર મજાના પરિવેશની વચ્ચે આવેલ આ ઓરડાનું એક દ્વાર વિશાળ તેમજ ભવ્ય એવા તળાવ તરફ ખૂલતું હતું. (આ દ્વાર અત્યારે સીલ કરી દેવામાં આવ્યું છે.) અને પુષ્પોદ્યાનની ભીતર બે બારીઓ ખુલતી હતી. (એમાંથી એકને કાઢી નાખીને હવે એને સ્થાને દરવાજો બેસાડી દીધો છે.) ત્યાંથી સામે પહાડ તથા એમાં પાણી લાવનારી નહેરોની સુંદર દૃશ્યાવલી જોવા મળે છે. એ દિવસોમાં એ સ્થાન સારા પ્રમાણમાં લીલુંછમ, નિર્જન અને સુરમ્ય હશે. સંભવ છે કે તળાવનું પરિદર્શન કરતી વખતે સ્વામીજીએ પોતે જ પોતાના નિવાસ માટે આ ઓરડો પસંદ કરી લીધો હોય. એકાંતવાસ તથા ચિંતનમનનની દૃષ્ટિએ સ્વામીજીના નિવાસ માટે આ સ્થાન અત્યંત ઉપયુક્ત જણાય છે.

પછી, નવરાત્રીના સમયે જીણમાતાનાં દર્શન કરીને પાછા ફર્યા બાદ સંભવત: મહારાજા દીવાનખાના સાથે સંલગ્ન મહેલમાં આવી ગયા હતા અને આસપાસ જ ક્યાંક (કદાચ વાવડી મંદિર હોઈ શકે) સ્વામીજીના રહેવાની વ્યવસ્થા કરી હશે. ૨૧ ઓક્ટોબરના વાકયાત રજિસ્ટરમાં આમ લખ્યું છે : ‘સ્વામી વિવેકાનંદજીના ઉતારે પધારીને વિરાજ્યા. વાતચીત કરતા રહ્યા. ૧૦.૩૦ વાગે ત્યાંથી ઊઠીને અંદર પધાર્યા.’

વાકયાત રજિસ્ટરમાં ઉલ્લેખિત દીવાનખાનું, ફતેહવિલાસ, છબિનિવાસ તથા જનાની દેવડી મળીને આજનો આશ્રમ છે. એમ કહેવાય છે કે સુખ મહેલની પાસે જયનિવાસની સામે પૂર્વ તરફ એક મકાન હતું. આ મકાનમાં અખંડાનંદજી રહેતા હતા. એક માઈલ દૂર ઉદ્યાન ભવન (ક્લબ હાઉસ – કોલિયાની નગર) છે. અત્યારે તે કોપર પ્રોજેક્ટની સંપત્તિ છે. અજિતસાગર બંધ ખેતડીથી લગભગ ૮ માઈલ દૂર છે.

બીજી વાર : આસમાન મહેલનો ઉલ્લેખ આવે છે. શું છબિ નિવાસ જ આસમાન મહેલ છે? ૨૨ એપ્રિલ, ૧૮૯૩, શનિવારની પ્રવિષ્ટિમાં આવી નોંધ છે: ‘૧૦ વાગે શ્રી હજુર આસમાની મહેલમાં સ્વામીજી પાસે પધાર્યા. ૧૨ વાગે ભોજન લીધું. સ્વામીજી સાથે વાતો થતી રહી.’ આગળ પાછળની કેટલી પ્રવિષ્ટિઓને જોવાથી એવું જણાય છે કે આ દીવાનખાનાની પાસે જ ક્યાંક આસમાની મહેલ આવ્યો હશે. સંભવ છે કે આ કોઈ અતિથિભવનનું પણ નામ હોય. વળી એવો સંભવ છે કે આ પર્વતપ્રદેશ પર આવેલ ભોપાલગઢ કિલ્લામાં બનેલ મહેલનું નામ પણ હોઈ શકે. એવી માહિતી છે કે એ સમયે પુત્રોત્સવ ચાલતો હતો અને ઘણા રાજા-મહારાજાઓ તથા બીજા મહેમાન આવ્યા હતા.

એવું પણ કહેવાય છે કે તેઓ ક્યારેક ભુપાલગઢમાં ઉતર્યા હતા અને વચ્ચે વચ્ચે ત્યાંથી ચાલ્યા જતા હશે.

ત્રીજીવાર : ત્રીજીવાર જ્યારે તેઓ ૧૮૯૭માં આવ્યા તો એમના કેટલાક ગુરુભાઈઓ તથા શિષ્ય પણ એમની સાથે આવ્યા હતા. એ વખતે એમને સુખમહેલમાં ઉતારો આપ્યો હતો. એવી માહિતી છે કે એ સમય સુધી સુખમહેલનો કેવળ પહેલોમાળ જ અસ્તિત્વમાં હતો. ઉપરનો માળ તો ત્યાર પછી ઘણા સમયે ૧૯૨૩ પછી શ્રીમાન કૈરોલ દ્વારા બનાવાયો હતો અને એમણે જ એનો ઉપયોગ કર્યો હતો.

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.