ત્વં સ્ત્રી ત્વં પુમાનસિ ત્વં કુમાર ઉત વા કુમારી । ત્વં ર્જીણો દન્ડેન વંચસિ ત્વં જાતો ભવસિ વિશ્વતોમુખો । ‘‘તું જ સ્ત્રી છો, તું જ પુરુષ છો, તું જ છોકરો છો, તું જ છોકરી છો, લાકડીને ટેકે ચાલતો વૃદ્ધ પણ તું જ છો, તું વિશ્વમાં સર્વ રૂપ છો.’’ અદ્વૈતનો વિષય આ છે. થોડાક શબ્દો વધુ કહું. આપણે જોઈએ છીએ કે વસ્તુઓનાં સારતત્ત્વનો ખુલાસો અહીં રહેલો છે. તર્ક અને વિજ્ઞાનના બધા હુમલાઓ સામે કેવળ અહીં જ ટક્કર ઝીલી શકાય તેમ છે. તર્કને છેવટે અહીં પાકો પાયો મળે છે. અને સાથે સાથે ભારતનો વેદાન્તી પાછળની ભૂમિકાઓનો વાંક કાઢતો નથી; તે પાછું વળીને જુએ છે અને તેમને આશિષ આપે છે. કારણ કે તે જાણે છે કે તે બધી ભૂમિકાઓ સાચી હતી, ફેર માત્ર એટલો જ કે એ ખોટી રીતે ગ્રહણ કરાઈ હતી અને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. એ એનું એ જ સત્ય હતું, માત્ર માયાનાં કાચમાં થઈને જોવાયેલું હતું. ભલે એ વાકુંચૂકુ હશે પણ એ હતું તો સત્ય અને સત્ય વિના બીજું કાંઈ જ નહીં. જેને અજ્ઞાની મનુષ્ય પ્રકૃતિની બહાર જાણે છે, ઓછા જ્ઞાનવાળો મનુષ્ય વિશ્વની અંદર ઓતપ્રોત થઈ રહેલો જાણે છે અને ઋષિ જેને પોતાના આત્મા રૂપે, સમસ્ત વિશ્વ રૂપે જાણે છે, એ ત્રણે એક જ સત્ય છે. એક જ ઈશ્વર છે. જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી, જુદા જુદા માયાના કાચ દ્વારા જુદાં જુદાં મન દ્વારા જોવામાં આવે છે તે એક જ વસ્તુ છે અને ભેદ પાડનારાં કારણો આ બધાં છે…

ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ ઓમિત્યેકાક્ષરં પરમ્‌ ।
ઓમિત્યેકાક્ષરં જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત્‌ ॥

‘‘ૐ એ જ એકાક્ષર બ્રહ્મ છે; ૐ એ જ એકાક્ષર સર્વોચ્ચ સત્ય છે; જે આ ૐકારનું રહસ્ય જાણે છે તેને જે જોઈએ તે મળે છે.’’ તેથી પ્રથમ આ ૐનું રહસ્ય સમજો કે તમે જ તે ૐ છો. આ તત્ત્વમસિનું રહસ્ય સમજો; અને અત્યારે જ તમે જે ઇચ્છશો તે તમને મળશે. જો તમારે ભૌતિક જગતમાં મહાન થવું હોય તો માનો કે તમે મહાન છો. હું ભલે એક સાવ નાનો પરપોટો હોઉં, અને તમે ભલે એક પહાડ જેટલું ઊંચું મોજું હો, પણ એટલું જાણજો કે આપણા બન્નેનો આધાર છે અનંત સાગર, આપણી શક્તિ અને સામર્થ્યનો ભંડાર છે અનંત બ્રહ્મ; અને હું નાનો પરપોટો અને તમે પહાડ જેટલા ઊંચા તરંગ બન્ને, આપણે ઇચ્છીએ તેટલું સામર્થ્ય અને શક્તિ એ બ્રહ્મસાગરમાંથી ખેંચી શકીએ છીએ. માટે પ્રથમ તમારી જાતમાં શ્રદ્ધા રાખો. અદ્વૈતવાદનું રહસ્ય આ છે :

આ વિચારોને વ્યવહારિક બનાવવાનો સમય આવી પહોંચ્યો છે. હવે એ વધુ સમય માત્ર સાધુઓની પાસે ગુફાઓમાં, જંગલોમાં અને હિમાલયમાં રહી નહીં શકે; એણે હવે લોકોના રોજિંદા જીવનમાં આવવું પડશે. એનો ઉપયોગ રાજાઓના મહેલોમાં થશે, સાધુની ગુફામાં થશે, ગરીબોની ઝૂંપડીઓમાં થશે, રસ્તા પરના ભિખારીઓ સુધ્ધાં એનો ઉપયોગ કરશે; સર્વ દિશામાં અને સર્વ સ્થળે એનો ઉપયોગ થઈ શકશે. તમે સ્ત્રી છો કે શૂદ્ર છો એવો ડર રાખવાની જરૂર નથી; કારણ કે આ વેદાંત ધર્મ એટલો મહાન છે કે કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે તેમ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્‌ । ‘‘આ વેદાંત ધર્મનો જરાક સરખો અંશ પણ જો આચરણમાં ઉતારવામાં આવે તો એ મહાન ભયમાંથી ઉગારે છે.’’

માટે, ઓ આર્યોના સંતાનો! આળસુ થઈને બેસી ન રહો. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત । ‘‘ઊઠો, જાગો અને અટક્યા વગર ધ્યેય પ્રાપ્ત કરો.’’ આ અદ્વૈત વેદાંતને વ્યવહારિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાનો સમય હવે આવી પહોંચ્યો છે. ચાલો આપણે તેને ઊંચા સ્વર્ગમાંથી નીચે આ પૃથ્વી પર ઉતારીએ. આ છે અત્યારનું યુગપ્રયોજન. ઓ આર્યોનાં સંતાનો! આપણા પૂર્વજોનો અવાજ આપણને પોકાર કરી રહ્યો છે કે આ વેદાંતને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર નીચે લાવો, તમારા વેદાંતનો ઉપદેશ સમસ્ત વિશ્વમાં ફેલાવી દો, અને સર્વસાધારણ જનતાની સંપત્તિ બનાવો, આપણા જીવનના અણુએ અણુમાં એને ઉતારો, આપણી રગેરગમાં એને વહેવડાવો કે જેથી આપણા રક્તનું બિંદુએ બિંદુ એ વેદાંતની ભાવનાથી ઝણઝણી ઊઠે!

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા- સંચયન’, પૃ.૯૫-૯૮)

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.