(ઓગસ્ટ થી આગળ)

ગિરિશબાબુના જીવનમાં બનેલી એક ઘટના સાંભળો: ‘શ્રીઠાકુર એક વખત લાટુ મહારાજ અને બીજા એક-બેને સાથે લઈને એમના (ગિરિશબાબુના) થિયેટરમાં ગયા હતા. એ દિવસે એમણે થોડો વધારે નશો કરી લીધો હતો એટલે ગિરિશબાબુમાં સંતુલન ઘટી ગયું હતું. શ્રીઠાકુર જોઈને એમને ન કહેવાનાં વેણ સંભળાવ્યાં. શ્રીઠાકુર સાથે આવેલા લાટુ મહારાજ અને એમની સાથેના બીજા બંનેને આ જોઈ-સાંભળીને ઘણો આઘાત લાગ્યો અને ભયાનક ગુસ્સો આવ્યો. એમણે શ્રીઠાકુરને વિનંતી કરી કે આપણે તત્કાળ પાછા ચાલ્યા જઈએ અને કહ્યું: ‘અમે હવે ગિરિશબાબુનું મોં જોવા માગતા નથી.’ પરંતુ શ્રીઠાકુરે શાંત રહીને આ બધું સાંભળી લીધું અને એમણે નાટ્યાભિનય જોયો પણ ખરો.

ત્યાર પછી જેમને મળવાનું થતું તેઓ ગિરિશબાબુના દુર્વ્યવહાર અને લાટુની યુક્તિની વાત કરીને એ વિશે એમનો અભિપ્રાય પૂછતા. તેઓ લાટુ મહારાજની સલાહનું સમર્થન કરતા. એ વખતે એક દિવસ એક વૃદ્ધભક્ત શ્રીરામચંદ્ર દત્ત મહાશય આવ્યા હતા. ભક્તોએ શ્રીરામબાબુના મતને વધારે મહત્ત્વ આપ્યું. રામબાબુને પણ આ ઘટના કહેવામાં આવી. છતાં પણ રામબાબુએ ગિરિશનો જ પક્ષ લીધો. બધા લોકો જાણવા ઇચ્છતા હતા કે તમે ગિરિશબાબુના અક્ષમ્ય અપરાધની ઉપેક્ષા શા માટે કરી? આવી બધી વાતો શ્રીઠાકુરની સન્મુખ જ થતી હતી. રામબાબુએ શ્રીઠાકુરને કહ્યું: ‘જુઓ, દ્વાપરમાં તમારા સખાઓ જમુનાજળનું પાન કરીને સંજ્ઞાવિહીન બનીને પડી ગયા હતા. એનું કારણ એ હતું કે એ જમુનાજળમાં કાલીનાગનું કાતીલ ઝેર ભરેલું હતું. જ્યારે તમે કાલીયદમન કરવા કૃષ્ણ રૂપે તત્પર બન્યા ત્યારે એણે તમને વિનંતી કરીને કહ્યું: ‘હે પ્રભુ, તમે વિના કારણે મારા પર ક્રોધે ભરાઈને મને સજા કરવા આવ્યા છો. હું તો સતતપણે વિષવમન કરતો રહ્યો છું, એ જ છે મારો અપરાધ? પણ હે પ્રભુ, તમે મને માત્ર વિષ જ આપ્યું છે. હું અમૃત ક્યાંથી કાઢું?’ ગિરિશને પણ તમે જે આપ્યું છે એ જ તમને પાછું વાળશે.’ રામબાબુની આ પ્રયુક્તિ સાંભળીને બધા આલોચકો ચૂપ થઈ ગયા.

આ બાજુએ નશાની અસર ઓછી થતાં ગિરિશબાબુ અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પોતાના ઘરે બેસીને વ્યાકુળ ભાવે પ્રાર્થના કરવા લાગ્યા: ‘હે ઠાકુર, તમે જો ખરેખર અંતર્યામી હો તો મને તમારી ચરણરજ અહીં જ આપીને મને ક્ષમા કરો, મને પવિત્ર કરો.’ આ વ્યાકુળ હૃદયની પ્રાર્થના શ્રીઠાકુરે સાંભળી. એટલે એમણે કહ્યું: ‘રામ, ચાલો તમારી ગાડીમાં બેસીને આપણે ગિરિશના ઘરે જઈએ.’ રામબાબુએ ગિરિશના ઘરે પહોંચીને તરત જ દરવાજો ખખડાવીને શ્રીઠાકુર પધાર્યા છે એવા સમાચાર ગિરિશને આપ્યા. દરવાજો ખોલીને ગિરિશબાબુ શ્રીઠાકુરના ચરણોમાં પડી ગયા અને એમના ચરણ પકડીને મોટે અવાજે આક્રંદ કરવા લાગ્યા. શ્રીઠાકુરે મહામુસીબતે એમને શાંત કર્યા.

પ્રથમ પરિચય પછી ગિરિશબાબુએ શ્રીઠાકુરને આવો પ્રશ્ન કર્યો હતો : ‘ગુરુ કોણ?’ શ્રીઠાકુરે જવાબ આપ્યો : ‘ગુરુ એટલે લગ્નમેળ કરી આપનાર બ્રાહ્મણ. ગુરુ તો એ મહારાજની જેમ ભગવાનની સાથે જીવનો મેળ કરાવી દે.’ આ ઉત્તર સાંભળીને ગિરિશબાબુ અત્યંત ખુશ થયા.

શ્રદ્ધાનું મૂર્તસ્વરૂપ

શ્રદ્ધા એટલે આસ્થા, એ વાત તો બધા જાણે છે. વાળંદ પર વિશ્વાસ છે એટલે જ આપણે એને માથું નમાવી દઈએ છીએ. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આસ્થા કે શ્રદ્ધા વિના એક ડગલુંયે ન મંડાય. આ આસ્થા કે શ્રદ્ધાનું સ્થાન ધર્મજીવનમાં સૌથી વિશેષ છે. અહીં વિશ્વાસ કે શ્રદ્ધા એટલે શાસ્ત્રોપદેશ કે મહાપુરુષોના કથનમાં નિ:સંશય આસ્થા. જેમ કે સત્યલાભ માટે સ્વામીજી શ્રીઠાકુર સમક્ષ ઉપસ્થિત થયા. એમના ઉપદેશમાં આસ્થા રાખીને સાધનામાં ડૂબી ગયા અને ઈષ્ટપ્રાપ્તિ કરીને કૃતાર્થ બન્યા.

આ એક વાત પૂછું છું, તેના પર વિચાર કરીને તમે જવાબ આપજો. શ્રીઠાકુરે સ્વામીજીને કહ્યું હતું કે ‘હું જેમ તને જોઉં છું એમ જ મેં ઈશ્વરને જોયા છે, જોઉં છું. જો તું મારા કહ્યા મુજબ ચાલીશ તો તું પણ તેનાં દર્શન કરી શકીશ.’ પોતાની સન્મુખ જ શ્રીઠાકુર નરેન્દ્રનાથને જુએ છે, એમ છતાં પણ એનાથી વિશેષ રૂપે તેઓ ઈશ્વરને જુએ છે, એનો અર્થ શું? શ્રીઠાકુરે તો ઈશ્વરનાં સગુણ-નિર્ગુણ રૂપે દર્શન કર્યાં છે. આ દર્શન સ્થૂળદર્શન કરતાં કરોડગણું વધારે સ્પષ્ટ છે. સન્મુખે ‘નરેન’ને સ્થૂળ દૃષ્ટિએ જુએ છે પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ ‘નરેન’નાં અસલ સ્વરૂપ અને સત્તાને અનેકગણી સ્પષ્ટતાથી જુએ છે. મને એવું લાગે છે કે એટલે જ શ્રીઠાકુરે એમ કહ્યું હશે.

મારા મનમાં આ પળે આવે છે રસિક મહેતરની વાત. આ વાત પહેલાં રામલાલ દાદાના મુખેથી મેં સાંભળી હતી. રસિક દક્ષિણેશ્વરના કાલીઉદ્યાનમાં કામ કરતો હતો. કેટકેટલા ભક્તો શ્રીઠાકુરના નાનકડા ખંડમાં આવે છે અને આનંદ-તૃપ્તિથી ભરપૂર બનીને પાછા ફરે છે. આ દૃશ્ય રસિક દરરોજ દૂરથી જોતો અને વિચાર કરતો : ‘અહા, આ બધા કેટલા સદ્‌ભાગી! એમની પદરજ લઈને, એમની કથા સાંભળીને આ લોકો પોતાનાં દેહમન પવિત્ર અને શુદ્ધ કરે છે. મારો જન્મ તો હીનકુળમાં થયો છે, હું તો આ સૌભાગ્યથી કાયમને માટે વંચિત રહ્યો!’ પ્રતિદિન તે આ એક જ વિચાર ચિંતા કર્યા કરતો. ધીમે ધીમે આ ભાવ દૃઢ શ્રદ્ધા બની ગયો અને મનમાં ઉદ્‌ભવ્યું કે ‘ગમે તેમ કરીને એકવાર એમના ચરણમાં પડીને જીવનને સાર્થક કરીશ જ.’ ત્યારથી આ સુભગ પળની રાહ જોતો હતો.

એક વખત ઝાઉતલા જઈને શ્રીઠાકુર આવતા હતા. રામલાલ દાદા પાણીનો લોટો લઈને સાથે હતા. આ સુભગ પળની રાહમાં ગંગા કિનારે આવેલ ફૂલઝાડની આડશમાં રુંધાયેલા શ્વાસે ઊભો હતો. તેઓ પાસેથી પસાર થતાં તરત જ એમને દંડવત્‌ પ્રણામ કર્યા. એમના ચરણને બે હાથે પકડી રાખીને આર્તભાવે બોલ્યો: ‘હે પ્રભુ, મારું શું થશે?’ તેના આર્તભાવને જોઈને શ્રીઠાકુર સમાધિભાવમાં આવી ગયા અને વરાભયમુદ્રામાં ઊભા રહ્યા. આ અવસ્થામાં અનેક ક્ષણ વીતી ગઈ. ત્યાર પછી બાહ્યભાનમાં આવીને રસિકને ઊભો કરીને હૃદયસરસોં ચાંપીને કહ્યું: ‘જા, આજથી તારું બધું થઈ ગયું.’ રસિકની પ્રાણેચ્છા આજે પૂર્ણ થઈ ગઈ. એનો માનવજન્મ સાર્થક બન્યો. આનંદસાગરમાં તરવા લાગ્યો. કોણ કહે છે કે તે દીનહીન છે? કોટિજન્મની સાધનાથી પણ જેઓ ન મળે તેમણે એને પોતાના હૃદયસરસોં ચાંપ્યો છે.

આ ઘટના પછી રસિક કેટલાંક વર્ષો જીવ્યા પરંતુ મહેતરનું કાર્ય હવે તેને કરવું પડ્યું ન હતું. દક્ષિણેશ્વરની પાસે એક ઝૂંપડીમાં તે રહેવા લાગ્યા. કાલીમંદિરમાંથી એમના માટે પ્રસાદની થાળી જતી. તુલસી ક્યારા પાસે સભાન અવસ્થામાં તે મૃત્યુ પામ્યા.

કલાકાર એન.સી. દાસને રસિક મહેતર શ્રીઠાકુરને સાષ્ટાંગ પ્રણામ કરે છે તેવું ભાવહૃદયક એક ચિત્ર દોરવાનું કહ્યું હતું. તેમણે આવું એક ચિત્ર તૈયાર કર્યું હતું. એ ચિત્રમાં રસિકનો મનોભાવ બહુ સુંદર રીતે વ્યક્ત થયો છે. સેવાશ્રમમાં અને બેલૂર મઠમાં આ છબિ તમે જોઈ શકો છો. 

રામલાલ દાદા પાસેથી એક બીજી વાત સાંભળી હતી. આ ઘટના શ્રીઠાકુરની મહાસમાધિના દોઢેક મહિના પછી દક્ષિણેશ્વરમાં ઘટી હતી. એ વખતે રામલાલ દાદા મા ભવતારિણીના પૂજારી હતા. એક દિવસ સવારે મંદિરમાં જતી વખતે આંગણામાં એક જટાધારી સૌમ્યમૂર્તિ સંન્યાસીને એમણે જોયા. ભારતના પશ્ચિમના લોકો જેવો જ સુદૃઢ બાંધાવાળો દેહ. સંન્યાસીએ વ્યગ્રભાવે પૂછ્યું: ‘પરમહંસજી કહાઁ હૈ?’ સાધુને ભાવાવસ્થામાં જોઈને રામલાલ દાદાએ એ વખતે એમને કંઈ ન કહ્યું. પરંતુ ઠાકુરના ઓરડાના વરંડા તરફ આંગળી ચીંધીને ત્યાં બેસવાનું કહ્યું. પોતે મંદિરમાં પૂજા વગેરે પતાવીને પછી બધી વાત કરશે એમ કહીને તેઓ ચાલ્યા ગયા. પૂજા પૂરી કર્યા પછી સાધુને લઈને રામલાલ દાદા શ્રીઠાકુરના ઓરડામાં પ્રવેશ્યા. પરમહંસ દેવે ઉપયોગમાં લીધેલી બધી ચીજવસ્તુઓ બતાવીને એમની મહાસમાધિની વાત એ સાધુને કરી. આ વાત સાંભળીને સાધુ અચાનક બેસી ગયા. એમને આ વાત પર કોઈ પણ રીતે વિશ્વાસ બેસતો ન હતો. એમણે કહ્યું: ‘વો કૈસે હોગા જી? પરમહંસજીને મુઝે યહાઁ પર બુલાયા હૈ. મૈં છ મહિના પૈદલ ચલકર યહાઁ આયા હૂઁ.’ આમ કહીને તેઓ ખૂબ રડવા લાગ્યા.

ઉત્તરના વરંડામાં અનાહારવ્રત રાખીને ત્રણ દિવસ સુધી ઊંઘ્યા પણ નહિ. ચોથે દિવસે વહેલી પ્રભાતે બીજું એક દૃશ્ય જોવા મળ્યું. સંન્યાસીનાં દેહમન આનંદથી ભરપૂર હતાં. હાથમાં માટીની એક કુલડી છે. રામલાલ દાદાને કહે છે: ‘પરમહંસજીને મુઝે કૃપા કરકે દર્શન દીયા. પહેલે મુઝે ગંગાજીમેં ઉતરાકર આશીર્વાદ દીયા. બાદ મેં ખીર પ્રસાદી ભી દીયા.’ રામલાલ દાદાએ જોયું કે સાધુના હાથે અને મુખે પાયસ-ખીર ચોંટેલ છે. પ્રસાદીનું પાત્ર હાથમાં છે. શ્રીઠાકુરનાં દિવ્યદર્શન અને કૃપાદૃષ્ટિ પામીને સાધુ ધન્ય બનીને દક્ષિણેશ્વરથી નીકળી ગયા.

શ્રદ્ધાની એક ઘટના બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદ) ના મુખેથી સાંભળી હતી. તેઓ એક દિવસ દક્ષિણેશ્વર આવ્યા હતા. શ્રીઠાકુર એક નાની ખાટ ઉપર બેઠા છે. એકાએક ભાવાવસ્થામાં આવીને ગીત ગાવા લાગ્યા :

‘હું દુર્ગા દુર્ગા દુર્ગા બોલીને જો જાઉં મરી,
અંતે તમે કેમ નહિ તારો મને, જોઈ લઈશ હું શંકરી.’

આ ગીત ગાતાં ગાતાં શ્રીઠાકુર ગહન સમાધિભાવમાં લીન થઈ ગયા. ધીમે ધીમે ઉત્તેજિત થઈને, ખાટ પરથી નીચે ઊતરીને, ધોતિયું ખોલીને, આમળીને, સખત રીતે કમરે બાંધતાં બાંધતાં ગીત ગાય છે. ભાવોન્મત્ત અવસ્થામાં છે.

બાબુરામ મહારાજે કહ્યું: ‘એ દિવસે શ્રીરામકૃષ્ણ પ્રયત્ક્ષ શ્રદ્ધા રૂપે આવિર્ભૂત થયા છે એવો અનુભવ થયો.

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.