૧૯૬૮ થી ૨૦૦૩ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દુષ્કાળ, પૂર, રાહતકાર્યો, પુનર્વસનકાર્યોમાં પોતાની સેવાઓ આપનાર સ્વામી પ્રમાનંદજી મહારાજે (સુબોધ મહારાજ) તા. ૯ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે બેલુર મઠમાં પોતાનું શરીર છોડી દીધું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેકહૉલમાં એમની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. અહીંના ભક્તોએ એક શોકસંદેશ રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજને મોકલ્યો હતો તેનો પ્રત્યુત્તર તેમજ રામકૃષ્ણ-વિવેકાનંદ સેન્ટર ઑફ ન્યૂયોર્કના અધ્યક્ષ પૂજ્ય સ્વામી આદીશ્વરાનંદજી મહારાજે મોકલેલા તેમની સાથેના સંસ્મરણોનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ભક્તોને રામકૃષ્ણ મઠ-મિશનના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજનો સ્વામી પ્રમાનંદજીના અવસાન પછી લખેલો પત્ર

વ્હાલા ભક્તો,

તમારો ૧૪ સપ્ટેમ્બરનો પત્ર મળ્યો. મારા સંન્યાસી બંધુના નિધનથી થયેલા તમારા શોકમાં હું મારો સૂર પુરાવું છું. મારા આશ્વાસનને સ્વીકારશો.

આરોગ્યભવનમાં તેમના બે વર્ષના નિવાસ દરમિયાન બેલુરમાં તેમની તબિયત સુધારા પર હતી અને છેલ્લા દિવસોમાં તો તે ઘણી સુધરી ગઈ હતી. લગભગ તેઓ સાવ સામાન્ય, સ્વસ્થ બની ગયા હતા અને કોઈએ એવું ધાર્યું ન હતું કે તેઓ જલદી ચાલ્યા જશે. તેઓશ્રી પોતાની લાંબા સમયની વાંછા પ્રમાણે શ્રીરામકૃષ્ણલોકમાં પહોંચી ગયા છે. અહીં હું ભારપૂર્વક એટલું કહું છું કે દરેકે તેમની લીલા કોઈકના કોઈક દિવસે સંકેલવી જ પડશે અને એ સમય ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. તેથી આપણે પોતાને તેનો સામનો કરવા માટે સજ્જ અને સાવધાન બનાવીએ કે જેથી આપણે અહીંથી શાંતિપૂર્વક શ્રીરામકૃષ્ણનું નામ લેતાં લેતાં વિદાય થઈ શકીએ. આવા પવિત્ર આત્માઓ આપણો આધ્યાત્મિક વિકાસ કરવા માટે આપણને પ્રેરણા આપે છે.

હું શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના કરું છું કે તમે બધા આ શોકના વાતાવરણમાંથી મુક્ત થાઓ અને હૃદયમનની સ્વસ્થતા મેળવો.

તમને બધાને મારા આશીર્વાદ અને પ્રેમ સાથે,

તમારો શ્રીરામકૃષ્ણમાં,
સ્વામી ગહનાનંદ
અધ્યક્ષ
રામકૃષ્ણ મઠ-મિશન, બેલૂર

૨૩ સપ્ટેમ્બર, ૨૦૦૬

સ્વામી આદીશ્વરાનંદજી મહારાજે લખેલ સ્વામી પ્રમાનંદજી મહારાજ (સુબોધ મહારાજ)નાં સંસ્મરણો

પરમ પૂજ્ય સ્વામી પ્રમાનંદજી મહારાજ (સુબોધ મહારાજ)ના નિધનથી મને ઘણો જ આઘાત થયો છે. હું પૂજ્ય સુબોધ મહારાજ સાથે ઘનિષ્ઠ પરિચયમાં આવ્યો છું. અને તેમની સાથે સત્સંગ કરવાની મને તક મળી છે. મારા પહેલાંના સાધુજીવનમાં મને જે સ્વામીજીઓના સત્સંગનો અને આશીર્વાદનો લાભ સાંપડ્યો છે તે પૈકીના તેઓ એક હતા. તેમના નિધનથી મેં એક મહાન મિત્ર ગુમાવ્યો છે. એમનો પ્રેમ, એમની સલાહ અને એમની વિવેક બુદ્ધિ મારે માટે વર્ષો સુધી પ્રેરણાદાયી બની છે.

હું ૧૯૫૪થી ૧૯૬૫ સુધી શારદા પીઠ કેન્દ્રના વિદ્યામંદિર વિભાગમાં, બેલુર મુકામે કામ કરતો હતો અને ત્યાં મને સ્વામી પ્રમાનંદજી મહારાજનો સંપર્ક થયો. લગભગ માંડ પાંચેક ફૂટ ઊંચા, સાધારણ કદના પણ વિશાળ હૃદયના તેઓશ્રી શારદાપીઠ કેન્દ્રના બધા જ કર્મચારીઓમાં ખૂબ જ માનીતા હતા. એમના પરિચયમાં આવતો કોઈ પણ મનુષ્ય એવો નહિ હોય કે એ એમની ઊંડી ઈશ્વરશ્રદ્ધાને, એમની મીઠી વાણીને અને એમની મૈત્રીની વિશ્વસનીયતાને ભૂલી જઈ શકે. તેમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી, મધુર અને આકર્ષક હતું.

પૂજ્ય સુબોધ મહારાજ તેમની ઊંચી હાસ્યવૃત્તિ માટે પણ જાણીતા હતા. અમારા વખતમાં શારદાપીઠ ઘણા તેજસ્વી, વિદ્વાન અને પ્રેરક સ્વામીજીઓથી ઊભરાતું એક હાસ્યનું બજાર બની હતી. અને સુબોધ મહારાજ એ મંડળના અગ્રણી હતા. બેલુર મઠના અધિકારીઓ કહેતા કે, ‘ઉપેને (સ્વામી વિમુક્તાનંદે, શારદાપીઠના વડા) તો ગ્રાન્ટ ટેન્ક રોડના દરવાજાથી બેલુર મઠ સુધી એક જાળ જ પાથરી રાખી છેકે જેથી મઠમાં જોડાવા આવતા સારા સારા માણસોને તે શારદાપીઠમાં ખેંચી જ જાય છે!’ સુબોધ મહારાજ ખરેખર એવા ઉત્તમ આત્મા હતા. પોતાની ખૂબ સાદગી, નિ:સ્વાર્થતાથી, નમ્રતાથી અને માયાળુપણાથી તેઓ સૌને આકર્ષતા હતા.

જેઓ તેમને જાણતા તે સૌ તેમને ચાહતા અને જેમ જેમ પણ જેઓ તેમને વધારે ઓળખતા જતા હતા તેઓ તેમને વધારે ને વધારે ચાહવા લાગતા હતા!

સુબોધ મહારાજનું કદ નાનું હોવાને કારણે તેઓ વારે વારે પોતાના સંન્યાસી બંધુઓના હાસ્યનું નિશાન બનતા! પૂ. હીરેન મહારાજ અને અન્ય સ્વામીજીઓ કહ્યા કરતા કે ‘સુબોધે ઠાકુરના બાલભાવની સાધના કરવાનું પસંદ કર્યું છે. અને એટલે જ તો એ ઊંચો થતો નથી.’ આ પ્રસંગે મને એક ન્યૂયોર્ક શહેરના પ્રખ્યાત યહૂદીધર્મગુરુની વાત યાદ આવે છે. એ અમારા કેન્દ્રના ગાઢ મિત્ર હતા. એ યહૂદીધર્મગુરુ નેવું વરસના અને નાના કદના હતા અને પોતાના શાણપણ અને હસમુખા સ્વભાવ માટે જાણીતા હતા એ જ્યારે બોલવા ઊભા થતા ત્યારે શ્રોતાઓને એનું ખાલી મોઢું જ જોઈ શકાતું. એ કહેતા: ‘જ્યારે હું જન્મ્યો ત્યારે ભગવાન મારી પાસે આવ્યા અને મને કાં તો ઊંચો અને બધાને દેખાઉં એવો અથવા તો ઠીંગણો અને બુદ્ધિમાન થવાની – એ બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું. ત્યારે મેં બીજી વાત પર પસંદગી ઊતારી – મારી બીજી પસંદગીને તો તમે જોઈ શકો છો.’ ભગવાને સુબોધ મહારાજને પણ કદાચ આ બેમાંથી એક પસંદ કરવાનું કહ્યું હશે અને એમણે પણ ઊંચા અને બધાના દૃશ્યમાન થવા કરતા ઠીંગણા અને શાણા થવાનું પસંદ કર્યું હશે.

સુબોધ મહારાજ માટે સંન્યાસી હોવાનું પ્રથમ પ્રમાણ તો એ છે કે તેઓ સાવ ભગવાનના માણસ હતા. એ જ બીજું કશું નહિ. પ્રસિદ્ધિની એમણે કદી પરવા ન કરી અને જ્યાં જતા ત્યાં હંમેશાં પાછલે આસને જ બેસતા અને ભગવાનનું નામ સ્મરણ કરતા, શાંતિથી અનાસક્તભાવે બેઠા રહેતા.

શારદાપીઠના આંગણને અજવાળતા એ વખતના ઘણા તેજસ્વી પુરુષો અત્યારે નથી રહ્યા. સુબોધ મહારાજના નિધનથી બીજોય એક દીવો બુઝાઈ ગયો. મહાન આત્માઓને સમાજ ભૂલી જાય, વિશ્વ એમને અવગણે, વર્તમાનકાળની પેઢી એનું માત્ર ઐતિહાસિક મહત્ત્વ જ આંકે અને આવા મહાન નિ:સ્વાર્થ આત્માઓના હાડમાંસથી આ પવિત્ર સંસ્થા જન્મી છે એની પ્રશંસા ન કરે પણ ફક્ત ઠાકુર જે હંમેશાં હાજરાહજૂર છે, જે સૂક્ષ્મદેહે હયાત જ છે, તે કદી પણ ભૂલશે નહિ; કારણ કે એ બધા તેમની પાસે આવ્યા હતા. એમણે બોલાવ્યા હતા, એમને ચાહતા હતા, એમના પ્રેમથી પ્રેરાયેલા હતા, એમની સેવા કરતાં કરતાં પોતાનો દેહ ત્યાગ્યો હતો. ઠાકુર તેમને સદાયે યાદ કરશે. ભલે સમાજ, વિશ્વ અને ભાવિ પ્રજા તેમને ભૂલી જાય.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.