સાચી સફળતાનું – સાચા સુખનું પરમ રહસ્ય આ છે : જે માણસ બદલાની આશા રાખતો નથી, પૂરેપૂરો નિ:સ્વાર્થી છે એ જ સૌથી વધુ સફળ થાય છે. આ વાત વિરોધભાસી જણાય. ભલો, ભોળો અને નિ:સ્વાર્થી માણસ શું જીવનમાં છેતરાતો નથી? લોકો એને પરેશાન નથી કરતા? બાહ્ય દૃષ્ટિએ એ તદ્દન સાચું છે. ‘ઈશુખ્રિસ્ત તદ્દન નિ:સ્વાર્થી હતા અને છતાં, એમને વધસ્તંભે ચડાવવમાં આવ્યા.’ વાત સાચી છે, પણ આપણે જાણીએ છીએ કે એમની નિ:સ્વાર્થતા એ મહાન વિજયનું, લાખો લોકોના જીવનને સાચી સફળતાની ધન્યતાથી ભરી દેવાનું કારણ બની.. નિ:સ્વાર્થતા વધુ કલ્યાણકારી છે પરંતુ તેને જીવનમાં ઉતારવાનું ધૈર્ય મનુષ્યમાં નથી હોતું.

કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખો નહિ, બદલાની આશા રાખશો નહિ. તમારે જે કંઈ આપવાનું હોય એ આપો. આપમેળે એ તમારી પાસે પાછું આવશે; પણ અત્યારે તો એના વિશે કશું જ વિચારો નહિ. તમને હજારગણું થઈને મળશે. પણ એના ઉપર તમારું ધ્યાન ન રાખો. આપતાં શીખો અને આપીને જ સંતોષ માનો. શીખી લો કે સમગ્ર જીવન એટલે ‘આપવું’; ‘આપવું’, પ્રકૃતિ પણ આપવાની તમને ફરજ પાડશે, માટે રાજીખુશીથી આપો. વહેલું કે મોડું તમારે આપવું તો પડશે જ. સંચયની વૃત્તિ સાથે જ તમે જન્મ લો છો. મુઠ્ઠી ભરી ભરીને તમારે ભેગું કરી લેવું છે પણ પ્રકૃતિ તમારું ગળું દબાવીને તમને મુઠ્ઠીઓ ખોલવાની ફરજ પાડશે. ઇચ્છો કે ન ઇચ્છો તમારે આપવું જ પડશે. જે ક્ષણે તમે અહંથી પોકારો છો કે ‘હું કશું જ આપીશ નહિ’ એ જ ક્ષણે પ્રકૃતિનો ફટકો તમારા ઉપર પડે છે અને તમે ઘાયલ થઈ જાઓ છો. એવી કોઈ વ્યક્તિ નથી કે જેને લાંબે ગાળે સર્વસ્વ છોડી દેવું ન પડે! પ્રકૃતિના આ કાયદાની વિરુદ્ધ જે કોઈ બાથ ભરવા જાય છે એ દુ:ખી થઈ જાય છે. આપવાની હિંમતનો આપણામાં અભાવ છે, પ્રકૃતિની આ ભવ્ય માગણીનો સ્વીકાર કરવા જેટલી સમર્પણવૃત્તિ આપણે દાખવી શકતા નથી માટે જ આપણે દુ:ખી છીએ. જંગલનો નાશ થાય છે, પણ બદલામાં આપણને બળતણ મળે છે. સૂર્ય મહાસાગરમાંથી પાણી લે છે, પણ તે વર્ષા રૂપે પાછું આપવા માટે. તમે તો આદાન-પ્રદાનનું યંત્ર છો; તમે પાછું આપવા માટે લો છો. માટે બદલાની અપેક્ષા રાખો નહિ, પરંતુ જેમ જેમ તમે વધુ આપશો, તેમ તેમ તમને તે પાછું મળશે. ઓરડાની હવાને જેટલી ઝડપથી તમે દૂર કરશો, એટલી જ બલકે વધારે ઝડપથી બહારની શુદ્ધ હવા ઓરડામાં પ્રવેશશે. ઓરડાનાં બધાં જ બારીબારણાંને જો તમે બંધ કરશો, તો અંદરની હવા જે બહાર જઈ શકતી નથી તે બંધિયાર અને દૂષિત થશે તથા ઝેરી બનશે. નદીનાં પાણી અવિરતપણે દરિયામાં ઠલવાતાં જાય છે અને નદીમાં તાજાં પાણી ભરાતાં જાય છે. મહાસાગર તરફ લઈ જતા માર્ગને બંધ કરશો નહિ. તમે એવું કરશો તે જ ક્ષણે મૃત્યુ તમને ઝડપી લેશે.

– સ્વામી વિવેકાનંદ
(‘કેળવણી’, પૃ.૪૨-૪૩)

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.