રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ વડોદરાની મુલાકાતે

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ વડોદરાની મુલાકાતે ૧૪ થી ૨૦ નવેમ્બર સુધી પધાર્યા હતા.

મહારાજશ્રીની નિશ્રામાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. એમની નિશ્રામાં યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં ભક્તોના પ્રશ્નોના મર્મસ્પર્શી ભાષામાં ઉત્તર આપ્યા હતા. દિલારામ બંગલામાં રોજ ભક્ત સમુદાય મળતો. સાંજે ભક્તો એમના દર્શનનો લાભ લેતા. ૧૬, ૧૮ અને ૨૦ નવેમ્બરે મહારાજશ્રીએ જિજ્ઞાસુ ભક્તોને મંત્રદીક્ષા આપી હતી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૯મી નવેમ્બરના રોજ મહારાજશ્રીનું સન્માન કરવા ‘મહાત્મા ગાંધી નગરસભાગૃહ’માં એક નાગરિક અભિવાદન સમારંભનું આયોજન થયું હતું. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી સુનિલભાઈ સોલંકીએ મહારાજશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તેમજ મહારાજશ્રીને વડોદરાના નગરજનો વતી સ્મૃતિચિહ્‌ન અર્પણ કર્યું હતું. આ સભાને સંબોધતા મેયર શ્રી સુનિલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે : ‘અહીં વડોદરામાં રામકૃષ્ણ મિશન શરૂ થાય તે માટે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે અથાક પ્રયત્નો કર્યા હતા. એમના પ્રયત્નોના ફળસ્વરૂપે જ આ દિલારામનો બંગલો રામકૃષ્ણ મિશનને મળ્યો છે. ૮૮ વર્ષની ઉંમરે પણ તેઓશ્રી દેશવિદેશમાં ફરીને જિજ્ઞાસુ ભક્તજનોને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડે છે. મહારાજશ્રીએ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા લીધી હતી.’

નાગરિક સન્માનનો પ્રત્યુત્તર તથા આશીર્વચન આપતાં મહારાજશ્રીએ કહ્યું હતું : ‘ગુજરાતના પ્રજાજનો માત્ર વેપાર કરી જાણે છે એવું નથી, પણ એમનામાં ઈશ્વર પ્રત્યે પ્રેમભક્તિ અને શ્રદ્ધા પણ એટલાં જ રહેલાં છે. આ પ્રેમભક્તિ અને શ્રદ્ધા મેં મારા પોતાના શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના કાર્યકાળ દરમિયાન અનેક પ્રસંગે અનુભવ્યાં છે. આ પ્રસંગે તેઓશ્રીએ ગુજરાતના સંત અને ભક્તકવિ નરસિંહ મહેતા, વીરપુરના શ્રી જલારામબાપાને યાદ કર્યા હતા. આ પળે તેઓશ્રીએ દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણ અને સોમનાથના મહાદેવનું પણ સ્મરણ કર્યું હતું. ‘હરિને ભજતાં, હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે.’ એ ભજનને એમણે વિશેષ યાદ કર્યું હતું.

મહારાજશ્રીના અભિવાદન સમારંભમાં ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ અને પ્રોટોકોલ વિભાગના મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા, ગુજરાત રાજ્ય વિધાનસભાના ભાજપના દંડક શ્રી જિતેન્દ્રભાઈ સુખડિયા, મ્યુનિ. કોર્પો.ની સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ ચોકસી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રી શંકરલાલ ત્રિવેદી, ઉપાધ્યક્ષ શ્રી નંદાબહેન જોશી, વડોદરા રાજ પરિવારના ડૉ. શ્રીમતી મૃણાલિનીદેવી પવાર, રામકૃષ્ણ મઠ-મિશન, મુંબઈના અધ્યક્ષ સ્વામી વાગીશાનંદજી મહારાજ ઉપસ્થિત હતા. આ સમારંભમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ મહારાજશ્રીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે સુપ્રસિદ્ધ શહેરીજનો, આમંત્રિત મહેમાનો અને ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ‘સ્વામી વિવેકાનંદના જીવન અને ઉપદેશ’ વિશે જાહેરસભા પણ યોજાઈ હતી. આ સભાના વક્તા સુપ્રસિદ્ધ લેખિકા શ્રીમતી જ્યોતિબહેન થાનકી તેમજ રામકૃષ્ણ મિશન- વિવેકાનંદ મેમોરિયલ વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ઉપસ્થિત ભાવિકજનોને સંબોધ્યા હતા. 

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે તા. ૨૬ નવેમ્બર ને રવિવારે પધાર્યા હતા. 

તેઓશ્રી ૨૬ થી ૩૦ નવેમ્બર સુધી આશ્રમમાં રહ્યા હતા. દરરોજ સવારે અને સાંજે ભક્તજનોએ એમનાં દર્શનનો લાભ લીધો હતો. તા.૨૮ મંગળવારે અને તા.૩૦ ને ગુરુવારે જિજ્ઞાસુ ભક્તજનોને તેઓશ્રીએ શ્રીરામકૃષ્ણ મંદિરમાં સવારના ૭-૦૦ થી ૧૨-૩૦ સુધી મંત્રદીક્ષા આપી હતી.

૨૬ નવેમ્બર, રવિવારે સાંજે સંધ્યા આરતી પછી શ્રીરામકૃષ્ણ આશ્રમ, ‘વિવેક હોલ’માં રાજકોટના નાગરિકો દ્વારા શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ને સન્માનવા એક સન્માન સમારંભનું આયોજન થયું હતું. આ સમારંભનો મંગળ પ્રારંભ શ્રીરામકૃષ્ણ સંઘના અંતેવાસીઓના વૈદિક મંત્રોચ્ચાર અને ભજનથી થયો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ પૂજ્ય મહારાજશ્રીને પ્રણામ કરીને ઉપસ્થિત ભાવિકજનોનું સ્વાગત કર્યું હતું. મહારાજશ્રીની આ આશ્રમ માટે હંમેશાં અમીકૃપા રહી છે. એમના પુરુષાર્થથી જ સૌરાષ્ટ્રના, કચ્છના, સુરત વગેરે સ્થળે આદર્શ રાહતકાર્યો થયાં હતાં. અમારા સૌ માટે તેઓશ્રી એક પ્રેમશ્રદ્ધા અને પ્રેરણાનો અનન્ય સ્રોત છે.

ત્યાર પછી ડેપ્યુટી મેયરશ્રી જસુબહેન વસાણી; સૌ.યુનિ. તરફથી ડૉ. ગિરિશ ભીમાણી અને ડૉ. દિલીપ ભટ્ટ; એસ.એન.કે. સ્કૂલના શ્રી કિરણભાઈ વાલજીભાઈ પટેલ; વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટના પ્રિન્સીપાલ એન્ડ ડાયરેક્ટર ડૉ. કવિતાબહેન સૂદ દ્વારા શાલ અને પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓશ્રીની ગુજરાતની અનન્ય સેવા બદલ સરગમ ક્લબ, રાજકોટના શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા તરફથી પ્રશસ્તિપત્ર અપાયું હતું. શ્રીમાવજીભાઈ અરજણભાઈ માતાએ ધાણેટીની સુખ્યાત હસ્તકલાનો એક નમૂનો આપીને મહારાજશ્રીનું અભિવાદન કર્યું હતું. ધાણેટીનાં બે બહેનોએ કચ્છની હાથવણાટની શાલ અને ગૂંથેલું લેટર બોક્સ આપીને મહારાજશ્રીનું સન્માન કર્યું.

આ પ્રસંગે ઉપસ્થિત ગણ્યમાન્ય નાગરિકો જેવા કે, રાજકોટની ચેમ્બર્સ ઓફ કોમર્સના શ્રી હિતેશભાઈ બગડાઈ; એન્જિનિયરીંગ એસો.ના શ્રી ધરમશીભાઈ પટેલ; શ્રી કિશોરભાઈ શાહ અને શ્રીગોડાભાઈ, જિનેન્દ્ર ફાઉન્ડેશન, યુ.કે.; સૃજલોનના પ્રતિનિધિ શ્રી મનુભાઈ પાંભર; હરગંગાબહેન દેસાઈ, રાજકોટ; શ્રી કાર્તિક શાહ; યંગમેન ગાંધીયન એસોશિયેશન તરફથી શ્રી બળવંત દેસાઈ; ડૉ. સંજય ગદ્રે, રાજકોટ; ડૉ. એલ. કે. ચાવડા, રામકૃષ્ણ સેવાસમિતિ; શ્રી જી.ટી. જાની અને ઉષાબહેન જાની, રાજકોટ; ગિરિશભાઈ મારુ, રાજકોટ. શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિદ્યાર્થી મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી જગદીશભાઈ પરસાણિયા અને શ્રી રમેશ દુધાત્રાએ સ્વામીજીનું પુષ્પહાર અને શાલથી અભિવાદન કર્યું હતું.

ગુજરાતના રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર-પ્રસાર પરિષદના સભ્યો – શ્રી સાતાભાઈ, જૂનાગઢ; સંયુક્ત સંવાહક, રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર-પ્રસાર પરિષદ,ગુજરાત; ડૉ. ધડુક, જૂનાગઢ; શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, જામનગર; શ્રી માવજીભાઈ સોરઠિયા, આદીપુર; શ્રી ગૌરાંગભાઈ રાણા, ભૂજ; શ્રી નારાયણભાઈ અને શ્રીરાણાભાઈ, ધાણેટી; પ્રૉ. એસ. કે. પરમાર, ઉપલેટા; ગાંધીનગર કેન્દ્રના શ્રી રજનીકાંતભાઈ ભટ્ટ અને ભાવનગર કેન્દ્રના શ્રી સુરમ્યભાઈ મહેતા દ્વારા શાલ અને પુષ્પહારથી મહારાજશ્રીનું સન્માન થયું હતું.

ત્યાર પછી મહારાજશ્રીના વરદ્‌હસ્તે સ્વામી લોકેશ્વરાનંદજીએ અંગ્રેજીમાં લખેલ ‘પ્રશ્ન ઉપનિષદ’ના શ્રી કેશવલાલ વી. શાસ્ત્રીએ કરેલા ગુજરાતી અનુવાદ; ‘ગોડ લીવ્ડ વીથ ધેમ’ સ્વામી ચૈતન્યાનંદ કૃત પુસ્તકના આધારે શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલા અનુવાદના પુસ્તકો ‘સ્વામી શિવાનંદ’ અને ‘સ્વામી વિજ્ઞાનાનંદ’ તેમજ ‘ઈન લેપ ઓફ હિમાલયાઝ’ના આધારે શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન કૃતિ ‘દેવતાત્મા હિમાલય’નું વિમોચન થયું હતું. પુસ્તકોના વિમોચન બાદ પૂજ્ય મહારાજશ્રીએ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી અને શ્રી મનસુખભાઈ મહેતાનું સન્માન કર્યું હતું. 

ત્યાર પછી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપતાં કહ્યું હતું : ‘વડોદરા, લીંબડી અને અહીં રાજકોટમાં ભક્તજનોએ જે પ્રેમભક્તિભાવ બતાવ્યો છે એ ક્યારેય ભૂલી ન શકાય તેવો છે. મારા અહીંના કાર્યકાળ દરમિયાન થયેલાં રાહતકાર્યો અને અન્ય સેવાકાર્યોમાં ગુજરાતની પ્રજાએ બતાવેલ પ્રેમભક્તિ અને ઉષ્મા અનન્ય રહ્યાં છે. હું શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીનાં ચરણકમળમાં આટલી પ્રાર્થના કરું છું કે તમે સૌ ગુજરાતના ભાવિકજનો સુખેથી રહો અને આનંદથી જીવન જીવો.’ 

કાર્યક્રમના અંતે એસ. એન. કે. સ્કૂલના લોકકલાકાર શ્રી નિતિનભાઈ દેવકા, જીતુભાઈ અંતાણીનાં ભજનો ભાવિકોએ મનભરીને માણ્યાં હતાં. વાદ્યવૃંદમાં શ્રી હિરેનભાઈ દવે અને અન્ય સાથીમિત્રો હતા. આભાર દર્શન શ્રી ગિરિશભાઈ મારુએ કર્યું હતું. સભાના અંતે ૧૦૦૦ ભક્તોએ પ્રસાદનો આનંદ માણ્યો હતો.

શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદીપુર

શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદીપુરના શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરમાં મા શારદાપ્રેરણા કેન્દ્રનો પ્રથમ સત્રાંત સમારોહ ઉજવાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. કેન્દ્રમાં મંત્રગાન, ભાવગીત, યોગાસન, સર્જનાત્મક ચીજવસ્તુઓ બનાવવી, સમૂહચર્ચા, મહિતીપત્ર જેવી પ્રવૃત્તિઓ થાય છે. કાર્યક્રમને અંતે ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને સ્વામી વિવેકાનંદની છબિનું વિતરણ કર્યું હતું.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.