જીવનમાં કોનાં પુણ્ય કઈ રીતે ફળશે? તે સામાન્ય માણસની બુદ્ધિ સમજી નથી શકતી. માતાઠાકુરાણીની કૃપા અનેક પુણ્યશાળીઓનાં જીવનમાં અકસ્માત્‌ આવીને ઉપસ્થિત થયેલી છે. અમારો એક ખાસ ઓળખીતો યુવક ત્યારે કલકત્તામાં ડૉક્ટરીનું ભણી રહ્યા હતા. એમનો જન્મ વૈષ્ણવ કુટુંબમાં થયેલો, ઠાકુર-માની વાત સાંભળી છે, એમના પ્રત્યે ભક્તિ-શ્રદ્ધા છે. મંત્રદીક્ષા લેવાને માટે એના મનમાં કદીક કદીક ઇચ્છા જાગતી રહેતી, પણ ક્યાં જઈને કોની પાસેથી દીક્ષા લેવી એ બાબતમાં કશું નક્કી કરેલું નહિ. કુળગુરુના વંશજો પ્રત્યે મનમાં એક પ્રકારનું આકર્ષણ બાળપણથી હતું એ વાત ખરી, પણ પાછળથી એ ઘસાતું ગયેલું. કોલકાતામાં ડૉક્ટરી ભણતી વેળાએ જે વીશીમાં રહેતો હતો ત્યાં અચાનક એના એક પહેલાંના ઓળખીતા માતાજીના શિષ્ય આવી ચઢ્યા. તેઓ માતાજીનાં દર્શન કરવાને માટે જયરામવાટી જઈ રહ્યા હતા. એમની જયરામવાટી જવાની વાત સાંભળતાં વેંત એ જુવાનના હૃદયમાં પણ માતાજીનાં દર્શન કરવાની તેમજ એમની પાસેથી દીક્ષા લેવાની હોંશ જાગી અને એ અધીરો બની ઊઠીને બીજી તમામ તાણ તંગી અગવડ સગવડને અવગણીને જયરામવાટી જવાને એમની જોડે જ ચાલી નીકળ્યો. ત્યાં પહોંચતાં એની મનોકામના પૂર્ણ થઈ. માતાજીનાં દર્શન અને કૃપા પામીને એનું જીવન ધન્ય બન્યું. ત્યારથી માંડીને એનો જીવનપ્રવાહ ભગવાનની દિશામાં એકીધારે વહેવા માંડ્યો. ક્રમે ક્રમે એને ઠાકુર-માની અપરંપાર સ્નેહકૃપાની અનુભૂતિ થતી રહી. પાછળથી એના કુટુંબનાં સહુએ ઠાકુર-માનાં ચરણોનો આશ્રય પ્રાપ્ત કરેલો.

એક બીજા ભક્ત શ્રીમાના કૃપાપ્રાપ્ત સંતાનોની પાસેથી એમની અપાર કરુણાની વાતો સાંભળીને એમનાં દર્શન કરવાને માટે અત્યંત આતુર બની ઊઠેલા. મા ત્યારે દેશમાં (જયરામવાટી) હતાં. એ દિવસોમાં વિષ્ણુપુર થઈને બળદગાડામાં જયરામવાટી જવું આવવું તે અઘરી વાત હતી. મનમાં ને મનમાં ચિંતા ઘોળાઈ રહી હતી, એ ટાણે એક દિવસે સ્વપ્નમાં દીઠું કે પોતે માની પાસે જયરામવાટીમાં પહોંચ્યા છે, મા એમને ભારે સ્નેહપૂર્વક પોતાનાં પ્રસાદી દૂધભાત ખાવાને દઈ રહ્યાં છે.

સ્વપ્નમાં થયેલા આવા દિવ્ય દર્શનને પરિણામે એમના મનની આકાંક્ષા વધુ તીવ્ર બની ઊઠી અને તકલીફ વહોરીને પણ જયરામવાટીએ જવા નીકળ્યા. એમના દિલમાં દીક્ષા લેવાની ઝાઝી ખેવના હતી નહિ. માનાં દર્શન કરીને અને એમનાં અપાર સ્નેહ-મમતાનું આસ્વાદન કરીને જ એમનું હૃદય પૂર્ણ થઈ ગયું. સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો એ કે, બપોરે ભોજન બાદ આરામ કરી રહ્યા હતા ત્યારે માએ બોલાવીને એમના હાથમાં પોતાના જમતાં બચેલાં દૂધભાત એક વાડકીમાં આપ્યા અને પરમ સ્નેહથી બોલ્યાં, ‘બેટા, ખાઓ’. ભક્તનાં અંતર-મન આનંદે ઊભરાઈ ઊઠ્યાં, અંતરના અરમાનોને ધરવતાં ધરવતાં માનો સ્નેહામૃત પ્રસાદ ગ્રહણ કર્યો. ન્હાયા પછી એમણે ભીનાં કપડાં તડકે સૂકવવા નાંખેલાં. બપોરના આરામ બાદ જ્યારે લેવા ગયાં ત્યારે કપડાં જોવામાં ના આવતાં ફિકર થઈ. પછી જોયું કે માએ પોતે ઊપાડીને એમનું ધોતિયું કલ્લી કરીને સુંદર સજાવીને મૂકેલું છે. માએ એમને કપડાં આપ્યાં અને કહ્યું કે, ‘બેટા, તડકામાં બહુવાર સૂકાય તો કપડાં ખરાબ થઈ જાય એટલે લઈને મૂકી રાખ્યાં છે.’ થોડા જ વખતમાં આવી અનેક રીતે માની કૃપા અને સ્નેહમમતાથી સંપૂર્ણ પરિતૃપ્ત થઈ જઈને તેઓ માને ઘેરથી પાછા ફર્યા. પહેલાં તો સાંભળેલું, હવે પોતાની નજરે દીઠું કે મા સંતાનોને ખાતર કેટલી મહેનત કરે છે, કેટલું કષ્ટ ઊઠાવે છે. અને એટલે જ બહુ દિવસ રહેવું ઠીક નથી એમ એમને લાગ્યું. માનાં દર્શન તથા સ્નેહમમતાની પ્રાપ્તિને જ એમણે જીવનની પરમ સાર્થકતા માનેલી. દીક્ષાગ્રહણને માટે એમના અંતરમાં કદી ઇચ્છા થઈ જ નહિ. માનાં સાક્ષાત્‌ દર્શન તે જ દીક્ષા તથા સાધનાની ફળ પ્રાપ્તિ છે – એવી ધારણા થવાથી પરમ સંતોષ પામીને પાછા ફરેલા. મા એમનાં જે સંતાન જે મુજબ ઇચ્છે તે જ પ્રમાણેની કૃપા એના પર કરતાં. એમનાં કૃપાકટાક્ષ તે જ મોક્ષ – ‘મા – સંતાન’ પ્રત્યયનો અપરોક્ષ અનુભવ.

માનો એક જન્મોત્સવ

જયરામવાટીમાં મા સહુ દીકરાઓને જમાડ્યા પછી બૈરાંઓ જોડે જમવા બેસતાં, એથી એમના ભોજન પછી દીકરાઓને પ્રસાદ મળવો ભારે મુશ્કેલ હતો. એકવાર માના જન્મદિવસે દીકરાઓએ માની પાસે હઠ લીધી કે, માના જમી લીધા પછી એ સહુ પ્રસાદ લેશે. માએ એ દિવસે વાંધો લીધો નહિ. માએ શ્રીઠાકુરને ભોગ ધરાવ્યો પછી એમને નલિનીદીદીના ઓરડામાં સરસ આસન પર બેસાડ્યાં અને એમની સામે સમસ્ત ભોગની વાનગીઓ પદ્ધતિસર સજાવીને મૂકવામાં આવી, બરાબર જે રીતે દેવીદેવતાઓને નૈવેદ્ય ધરાવાય એવી રીતે. મા એકલાં જ જમવા બેઠાં, પણ બે ત્રણ કોળિયા મોંમાં મૂકતાં જ સામે, બધી દેખરેખ કરી રહેલા એક સંતાનને ગળગળે અવાજે કહ્યું, ‘છોકરાઓના જમ્યા પહેલાં ગળે કોળિયો ઊતરતો નથી.’ માના મુખ ભણી જોઈને અને એમનો દુ:ખી ભાવ જોઈને સંતાનને હવે હોશ આવ્યા કે બહુ ખોટું કર્યું છે. માને દેવી સજાવવા જતાં આજે એમને ખાવાનું જ બન્યું નહિ. છોકરાઓને પહેલાં જમાડી લીધા બાદ સ્ત્રીઓની સંગાથે એમને એમના સ્વાભાવિકભાવે જમવા દીધાં હોત તે જ યોગ્ય હતું. ‘ચાલો, તમારા લોકોની જમવાની તૈયારી કરો ઝટઝટ’ -એમ કહેતાં જ મા ઊભાં થઈ ગયાં. બધી વાનગીઓ જરાક તરાક ચાખી એટલું જ માત્ર.

તે દિવસની ઘણી ઘણી વાતોએ ચિત્તને આકર્ષિત કરેલું. એમાંની બે વિશેષ વાતોનો ઉલ્લેખ કરીશ. એ વખતે માની જન્મતિથિ ઉપર ઘણા શિષ્યો અને સાધુભક્તો જયરામવાટીમાં ભેગાં થયેલાં અને સારી એવી ધામધૂમપૂર્વક ઉત્સવનું આયોજન કરેલું. સવારે શ્રીઠાકુરની પૂજા પછી મા ખાટલામાં બિછાના પર બેસીને સંતાનોની પૂજા ગ્રહણ કરતાં રહ્યાં. ઉદ્‌બોધનથી કપિલ મહારાજ નવું લૂગડું, ફળ, મિઠાઈ વગેરે ઘણી બધી ચીજો લઈને આવ્યા હતા. પૂજ્ય શરત્‌ મહારાજ, યોગીન-મા, ગોલાપ-મા અને બીજાં લોકોએ ઘણી કાળજીથી અનેક ચીજવસ્તુઓ મોકલી હતી. મા નવી સાડી પહેરીને પશ્ચિમાભિમુખ થઈને ખોળામાં બેઉ હાથ રાખીને પગ લટકાવીને સુપ્રસન્ન કરુણાપૂર્ણ દૃષ્ટિપૂર્વક બિરાજ્યાં એટલે કપિલ મહારાજે એમના ગળામાં એક સંતાને માના બાગનાં કેસરી અને કથાઈ રંગના ગલગોટાનો ગૂંથેલો સુંદર હાર પહેરાવી દીધો. એ લાંબી માળા, સફેદ છાયલ અને કાળાભમ્મર વાળ ઉપર થઈને નીચે ઝૂલી પડતાં અતિશય શોભી ઊઠેલો. માનું મુખમંડળ પણ આજે અસાધારણ રૂપશ્રીથી મંડિત જણાતું હતું. ઓરડાની અંદર સજાવાયેલાં નૈવેદ્ય, સુંદર પુષ્પો, સુગંધી ધૂપ અને ઉજ્જવળ દીપ વગેરે શોભા પ્રસારીને દેવલોકનો ભાવ આણી રહ્યાં હતાં. સૌથી પહેલાં વરિષ્ઠ સંન્યાસીઓ, તેમના પછી બ્રહ્મચારીઓ અને ભક્તો – સહુએ માનાં પાદપદ્‌મોમાં પુષ્પાંજલિ દઈને ભક્તિભર્યા પ્રણામ કર્યા. બીજાં કામોસર આવેલા બહારના લોકો, જે હાજર હતા એમણે પણ મુગ્ધ થઈને હાથ જોડીને દર્શન કર્યાં, કોઈ કોઈએ પુષ્પાંજલિ આપી, ચરણસ્પર્શ કરીને પ્રણામ કર્યા. મા આજે કલ્પતરુ છે – સહુની ઉપર વણમાગી કૃપા વરસાવી રહ્યાં છે. એ ખરું, પણ પછી સંતાનોમાંથી કોઈ કોઈના મનમાં થયું કે આ કાંઈ ઠીક નથી થયું, માના પવિત્ર દેહને જેણે તેણે સહુએ કરેલા આવા સ્પર્શની પ્રતિક્રિયા કષ્ટ કર બનશે, અને એવું થયેલું પણ ખરું. એ દિવસે બપોર પછી માને તાવ ચડ્યો અને શરીરમાં ભારે બળતરા અને પીડા થવા માંડેલી.

એ દિવસે મધ્યાહન થવાની થોડીવાર અગાઉ જ્યારે ઘરમાં સહુ ઉત્સવના આનંદમાં વ્યસ્ત હતાં; બહારના બેઠકના ખંડમાં ભારે ઉલ્લાસપૂર્વક ખૂબ ભજન-કીર્તન ચાલી રહ્યાં હતાં, અને અંદરને ભાગે ભોગને માટે જાતજાતની રસોઈ થઈ રહી હતી, ત્યારે જોવામાં આવ્યું કે મા પોતાને હાથે શાકભાજી સમારીને રસોડાવાળી ઓસરીને એક ખૂણે એક નાનકડા ચૂલા ઉપર વચેટ મામીને માટે રસાદાર શાકનું પથ્ય રાંધી રહ્યાં છે. પછી એક વાડકામાં રાખીને પોતેજ લઈને મામીને ઘેર જઈને એમને આપી આવ્યાં. મામી પ્રસૂતિગૃહમાં હતાં, માંદા હતાં. થોડાક દિવસો પહેલાં એમના સૌથી નાના પુત્ર વિજયનો જન્મ થયો હતો. મામીના ઘરમાં બીજું કોઈ બાઈમાણસ નથી, મા જ પ્રેમપૂર્વક બધી દેખરેખ સારસંભાળ રાખે છે. માનો આવો અદ્‌ભુત વ્યવહાર જોઈને મનમાં સવાલ ઊઠ્યો, આજે કોના જન્મદિવસ નિમિત્તો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કોને ખાતર આ બધી ધામધૂમ થઈ રહી છે? કમળપાત્ર પરના જળના જેવી નિર્લિપ્તતા તે આ જ શું? મોટા માણસના ઘરની ચાકરડી થઈને રહેવું તે શું આવી જ રીતે? માને ઉદ્દેશ્ય કરીને સંતાનો જ મસ્તી મોજ કરી રહ્યાં છે, પોતે તે સંપૂર્ણપણે નિર્લિપ્ત છે. એમના અંતરમાં જરાક સરખી પણ ચંચળતા નથી.

માનો અન્નપ્રસાદ અને પ્રબોધબાબુ

માનો અન્નપ્રસાદ પામવો બહુ મુશ્કેલ હતો છતાં કોઈ કોઈ ભાગ્યશાળીને અણધારી રીતે એ મેળવીને પુલકિત થતાં દીઠેલાં છે. એ પ્રકારની એક ઘટનાનું વર્ણન કરવાનો પ્રયાસ કરું. શ્યામબજારના પ્રબોધબાબુ માના ખાસ સ્નેહપાત્ર હતા. બદનગંજ હાઈસ્કૂલના સંસ્થાપક અને પ્રધાન શિક્ષક પ્રબોધબાબુ આ પ્રદેશમાં સહુના સન્માનિત અને સુપરિચિત હતા. કામારપુકુરમાં શ્રીઠાકુરના જન્મસ્થાનને અડીને આવેલી જમીન ‘ગોંસાઈનો વાડો’ ખરીદી લઈને મંદિર-આશ્રમ વગેરેની પ્રતિષ્ઠા કરવાનો આગ્રહ પૂજનીય શરદ મહારાજના મનમાં જાગેલો. એને માટે જમીનના માલિક લાહાબાબુની જોડે વાતચીત ચલાવવાનો ભાર એમણે પ્રબોધબાબુ ઉપર મૂકેલો. પ્રબોધબાબુ એને અંગે ખાસ પ્રયત્નો કરી રહ્યા હતા અને વચમાં વચમાં કામારપુકુર અવરજવર કરતા હતા. માતાજીની પણ એ બાબતમાં ઇચ્છા હતી તેથી પ્રબોધબાબુ વખતોવખત આવીને એમને ખબર આપી જતા કે વાત કેટલે આવી છે. આજે લાહાબાબુઓ સંગાથે વાતચીત કરીને ભાવતાલ બધું મોટેભાગે ઠરાવી દઈને ઘેર પાછા જતાં રસ્તામાં માને ઘેર એમનાં દર્શન અને પ્રણામ કરીને બધી વાત કહેવા સારું જવાના હતા. કામારપુકુરેથી આવતાં આવતાં મોડું થઈ ગયું છે એમ જોઈને એમને થયું કે માને ઘેર મધ્યાહન પહેલાં પહોંચાશે નહિ. કટાણે જઈને ઊભા રહેવાથી માને તેમ જ સહુને તકલીફ થશે, એટલે ઘેર પાછા ફરીને જ પોતે જમશે. માત્ર માને ખબર જણાવીને જશે. માને ઘેર છોકરાઓ બપોરનું ભોજન કરીને બેઠકખાનામાં બેઠાં બેઠાં ગપ્પાં મારી રહ્યા છે અને મા સ્ત્રીઓને લઈને જમવા બેઠાં છે. એવે વખતે પ્રબોધબાબુ દબાતે પગલે છાનામાના આવીને બેઠકખાનામાં પેઠા અને બારણું વાસીને બેઠા. પાન ચગળતાં ચગળતાં બોલ્યા, ‘તમે લોકો મારા ખાવાની કશી ફિકર ના કરશો, હું ઘેર જઈને જમીશ, ત્યાં ખાસ જરૂરી કામ છે. તરત જ નીકળી જઈશ, ખાલી માને પ્રણામ કરીને કહીને જઉં કે, કામારપુકુરના સમાચાર ઘણા સારા છે, લાહા લોકો જોડેની વાતચીત લગભગ પાકી થઈ ગઈ છે.’ પ્રબોધબાબુ ઘણા બુદ્ધિમાન અને હોશિયાર માણસ, ખબર કાઢતાં જ્યારે જાણ્યું કે, મા જમવા બેઠાં છે ત્યારે પછી જરા હુક્કાનો બંદોબસ્ત કરવાને કહ્યું. માનું જમવાનું પૂરું થાય નહિ ત્યાં લગી રાહ જોશે. બધાંને ખાસ કરીને સાવધાન કરી દીધાં કે, કોઈ એમના આવ્યાના ખબર માને આપે નહિ. નહિ તો પાછાં મા ઊંચાંનીચાં થઈ જઈને પોતાનું ખાવાનું છોડીને એમને જમાડવા બેસશે. મોડું થશે એવો વિચાર કરીને પોતે પહેલેથી જ ખૂબ ભરપેટ નાસ્તો કરીને આવ્યા છે. જુઓને, હજી યે પાન મોઢામાં છે એમ દેખાડીને બધાંને નિશ્ચિંત કર્યાં. પ્રબોધબાબુનો હુક્કાનો શોખ સહુ જાણે, સારો મજાનો હુક્કો ભરાયો. એક મૂંઢા પર બેસીને તેઓ આરામથી હુક્કો ગગડાવી રહ્યા છે એટલામાં અંદરથી માનો સાદ સંભળાયો, ‘બેટા, પ્રબોધને અંદર મોકલી આપો. ભાણામાં ભાત પીરસાઈ ગયો છે, હાથ મોઢું ધોઈને જમવા બેસવાનું કહો.’ પ્રબોધબાબુ ફડાક કરતાંકને ચલમના અંગારાને આઘો કર્યો અને હસતે મોઢે બોલ્યા, ‘પછીથી આવીને આરામથી હુક્કો પીશ. માને કેમ કરીને અણસારો આવી ગયો કે હું આવ્યો છું. લાગે છે કે મારી બોલચાલ કાને પડી છે.’ ઝટઝટ ઘાટે હાથ મોં ધોઈને અંદર જઈને દીઠું તો, મા એમના ઓરડાની ઓસરીમાં બેસીને બૈરાંઓ જોડે એક તરફ જમી રહ્યાં છે અને ઓસરીની બીજા છેડે આસન, પાણી અને પાતળમાં ભાત શાક પીરસેલાં છે. હાથ જોડીને પ્રબોધબાબુ વરંડાની પાસે જઈને ઊભા તેવાં જ મા મૃદુ હસીને બોલ્યાં, ‘આવો બેટા’, અને પોતાના ભાણામાંથી દાળભાત શાકમાંથી થોડાંક ચોળીને એક કોળિયો એમના હાથમાં મૂકતાં કહ્યું, ‘ખા બેટા’. પછી પાસેનું ભાણું દેખાડીને કહ્યું, ‘ત્યાં બેસ અને જમી લે, તારે માટે પીરસેલું છે. ભાત શાક બધું યે ઘણું હતું, જોઈએ તેટલું છે, કશી ચિંતા કર નહિ અને નીરાંતે પેટ ભરીને ખા!’

પ્રબોધબાબુનાં તો મન પ્રાણ આનંદે છલાછલ! વિસ્મિત અને પુલકિત ચિત્તો આસને બેસીને જમવાનું શરૂ કર્યું. મા પણ દીકરાની જોડે વાતો કરતાં કરતાં થોડું થોડું ખાઈ રહ્યાં છે, દીકરો પણ માની સામે બેસીને માની જોડે વાતો કરતાં કરતાં આનંદપૂર્વક જમી રહ્યો છે.

કામારપુકુરના સારા સમાચાર સાંભળીને મા ઘણાં રાજી થયાં છે. જમ્યા પછી ગલોફાં ભરીને પાન ચાવતાં ચાવતાં બેઠકખાનામાં આવીને પ્રબોધબાબુ ફરી પાછા મૂંઢા પર બેઠા અને બોલ્યા, ‘હવે તમાકુ માટે સરસ મજાના અંગારા આણો, નીરાંતે પીઉં. તમને લોકોને તો બનાવી ગયો, પણ માને છેતરી ના શકયો. અહીંયા પ્રસાદ જમીશ એમ ધારીને જ સવારે કામારપુકુરેથી નીકળેલો, પણ રસ્તામાં આની ને પેલાની જોડે વાતો કરવામાં મોડું થઈ ગયું, તેથી ગામમાં પેસીને સારી રીતે હાથમોઢું ધોઈને પાન લઈને મોઢામાં મૂકેલું કે જેથી કરીને મોઢું સૂકાયેલું ના જણાય. છાનોમાનો બેઠકખાનામાં પેઠો કે જોઉં કે તમારું જમવાનું પતી ગયું છે કે નહિ. મનમાં હતું કે તમો લોકો જમ્યા નહિ હો તો તમારી જોડે જમીશ, નહિ તો પછી ઘેર જઈને ખાઈશ. પણ આજે મોડું થવાથી નસીબજોરે બહુ લાભ થઈ ગયો- માનો પ્રસાદ એ રીતે મળ્યો, વહેલો આવ્યો હોત તો ના મળત. આવી રીતે પ્રસાદ પામવાનું કદી ય નસીબમાં બન્યું નથી અને બનશે પણ નહિ. માની કૃપાથી આજ અંતરના અરમાન પૂરા થયા છે. આવો, હવે આરામથી તંબાકુ પીએ. અને ગપ્પાં મારીએ.

(ક્રમશ:)

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.