સરળ રહસ્ય

બાળકના જેવી શ્રદ્ધાથી અને નિષ્કપટતાથી ઈશ્વરને પામી શકાય. કોઈ એક માણસે એક સાધુને મળતાં તેની પાસે બોધની માગણી કરી. સાધુએ સલાહ આપી : ‘તારા પૂર્ણહૃદયથી અને આત્માથી પ્રભુને પ્રેમ કર.’ જિજ્ઞાસુએ જવાબ આપ્યો : ‘મેં કદી ઈશ્વરને જોયો નથી કે એને વિશે હું કંઈ જાણતો નથી; એને પ્રેમ કરવાનું કેવી રીતે બને?’ સાધુએ પૂછ્યું, ‘તું સૌથી વધારે કોને ચાહે છે?’ જવાબ મળ્યો; ‘મારી ચિંતા કરનારું કોઈ નથી. મારી પાસે એક ઘેટું છે અને એના સિવાય બીજા કોઈને હું ચાહતો નથી.’ એટલે સાધુ બોલ્યા : ‘તો તું એનું લાલનપાલન કર અને, સદા સ્મરણમાં રાખજે કે, પ્રભુ એમાં વસે છે.’ આટલું કહીને સાધુ ચાલતા થયા. હવે પેલો જિજ્ઞાસુ પ્રેમાળ કાળજીપૂર્વક પેલા ઘેટાનું ધ્યાન રાખવા લાગ્યો. એનામાં પૂર્ણ શ્રદ્ધા હતી કે ભગવાન એ ઘેટામાં વસે છે. ઠીક ઠીક સમય વીત્યા પછી, પ્રવાસેથી પાછા વળતાં એ સાધુ, પોતે જેને સલાહ આપી હતી તે માણસને ખોળતા એની પાસે ગયા અને એને પૂછ્યું : ‘કાં, તારું કેમ ચાલે છે?’ પેલો માણસ સાધુને પગે લાગ્યો અને બોલ્યો : ‘આપની સલાહથી મારું ગાડું બરાબર ગબડે જાય છે. આપે ચીંધેલે માર્ગે જવાથી મને ઘણો લાભ થયો છે. અવારનવાર મારા ઘેટામાં મને ચતુર્ભુજ સ્વરૂપનાં દર્શન થાય છે અને મને પરમ આનંદ આવે છે.’

ધર્માંધતાના ઘંટથી તમારા કાનને બહેરા ન થવા દો

ઘંટાકર્ણની જેમ ધર્માંધ ન બનો. એક માણસ હતો તે શિવને ભજતો અને બીજા બધા દેવોને ધિક્કારતો. એક દિવસે શિવે પ્રગટ થઈ એને કહ્યું, ‘તું બીજા દેવોને ધિક્કારીશ ત્યાં લગી હું તારી પર પ્રસન્ન નહીં થઉં.’ પણ આ તો અડિયલ હતો. થોડા દહાડા પછી શિવ ફરી વાર પ્રગટ થયા. આ વેળા એમણે હરિહર – અર્ધું શિવનું અને અર્ધું વિષ્ણુનું – રૂપ લીધું હતું. આ જોઈ પેલો માણસ અર્ધો રાજી થયો અને અર્ધો નારાજ થયો. શિવરૂપ સમક્ષ એણે ભેટ ધરી પણ, વિષ્ણુરૂપને કશું ન ધર્યું. એણે શિવસ્વરૂપ સામે ધૂપ ધર્યો ત્યારે, એ ધૂપ વિષ્ણુનાં નસકોરાંમાં ન પ્રવેશે એ માટે એણે એ વિષ્ણુરૂપનાં નસકોરાં દબાવી રાખ્યાં. એટલે શિવ બોલ્યા : ‘તારી ધર્માંધતા જાય એવી જ નથી. આવું દ્વિવિધ રૂપ લઈને તને ખાતરી કરાવવા માટે હું પ્રયત્ન કરતો હતો કે બધાં દેવદેવીઓ એક જ સત્ત્વનાં જુદાં જુદાં પાસાં છે. તું એ સબક શીખ્યો નહીં એટલે, તારી ધર્માંધતા માટે તારે ભોગવવું પડશે ને તે, લાંબા કાળ સુધી.’ એ માણસ ત્યાંથી નીકળી એક ગામડે ગયો. વિષ્ણુનો એ મહાન દ્વેષી બની ગયો. આ જાણતાં, ગામનાં છોકરાંઓ એના કાન પાસે આવી મોટેથી ‘વિષ્ણુ’ એમ બોલવા લાગ્યાં. આથી ક્રોધે ભરાઈને એ માણસે પોતાના કાને બે ઘંટ ટાંગી દીધા અને છોકરાઓ ‘વિષ્ણુ, વિષ્ણુ’ એમ રાડો પાડે ત્યારે એ ઘંટ વગાડે જેથી પેલા અવાજો એના કાનમાં પ્રવેશે નહીં. એટલે પછી એ ઘંટાકર્ણ નામે ઓળખાવા લાગ્યો.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.