સ્વામી પ્રભાનંદજી મહારાજ કોલકાતાની પ્રખ્યાત ‘રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર’ના વડા અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તથા સંઘના ઈતિહાસ પરનું તેમનું સંશોધન કાર્ય માટે સારી રીતે ખ્યાતિ પામેલ છે. તેમણે બંગાળીમાં અને અંગ્રેજીમાં ઘણાં પુસ્તકો લખ્યાં છે અને વિવિધ સામાયિકોમાં અસંખ્ય લેખો લખીને પોતાનું યોગદાન આપ્યું છે. International Bureau of Education (Vol: XXXIII, No.2, June 2003) દ્વારા પ્રસિદ્ધ ‘Prospects’ (Quarterly review of Comparative Education, No. 126) ના ઓપન ફાઈલમાંથી ‘Education and Religion : The Paths of Tolerance’ તેમના સ્વામી વિવેકાનંદ વિશેનો અંગ્રેજી લેખનો પ્રો. સીમા માંડવિયાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

એક રાજા જેવું ભવ્ય-મોભાદાર વ્યક્તિત્વ, પ્રભાવશાળી ઉપસ્થિતિ બહોળું શિક્ષણ તેમજ ઊંડી દૃષ્ટિ ધરાવતા એવા સ્વામી વિવેકાનંદ, ત્યારે ભાગ્યે જ ત્રીસ વર્ષના હતા. જ્યારે તેમણે ઈ.સ. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં હલચલ મચાવી દીધી. ત્યારબાદ સાડા ત્રણ વર્ષ પછી તેઓ જ્યારે પોતાની માતૃભૂમિ – ભારત પાછા ફર્યા ત્યારે તો તેઓ જાણે બળ, હિંમત, વિશ્વાસ, પ્રેમ અને પૌરુષત્વનું એક મહાન મૂર્તિમંત રૂપ જ જોઈ લો. પોતે પ્રચાર કરેલ ‘માનવ-નિર્માણ અને ચરિત્ર-ઘડતર’ના આદર્શનું ઘનીભૂત સ્વરૂપ તેઓ હતા.

સ્વામી વિવેકાનંદ કોલકાતાના એક મધ્યમવર્ગના સંસ્કારી કુટુંબમાં નરેન્દ્રનાથ દત્ત તરીકે ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ જન્મેલા. તેમના પિતા વિશ્વનાથ દત્ત વ્યવસાયે વકીલ હતા તેમજ કલા અને સાહિત્યના ચાહક હતા. મુક્તમનના હોવા છતાં વિશ્વનાથ ધાર્મિક સાધના બાબતે શંકાશીલ હતા. જ્યારે બીજી બાજુ, નરેન્દ્રના મા ભુવનેશ્વરી દેવી હિંદુ પરંપરાને વરેલ એક પવિત્ર, માયાળુ હૃદયનાં સ્ત્રી હતાં. આમ, નરેન્દ્ર ઉપર પોતાના માતા-પિતાનો પ્રભાવ જુદી જુદી રીતે પડેલ હતો. છતાં બંનેએ સાથે આ દૈવાધીન બાળકને ઉચ્ચ આદર્શો સાથેના એક શક્તિશાળી યુવાનમાં વિકાસ પામવા માટે સુસંગત-સાનુકૂળ વાતાવરણ પૂરું પાડેલ.

ઘડતરના શરૂઆતનાં વર્ષોમાં જ આ બાળકે અસામાન્ય માનસિક શક્તિઓનો વિકાસ કરેલ. જેની કેટલાંક લોકો ક્યાં તો ગેરસમજણ કરતા અથવા તો અવગણના કરતા. પરંતુ બીજા કેટલાક લોકો પણ હતા, જેઓ તેને ધ્યાનાકર્ષક વ્યક્તિ તરીકે લેખી તેની પ્રશંસા કરતા. બાલ્યાવસ્થામાં તેમને ધ્યાનની રમત ગમતી અને સરળતાથી તેઓ તેમાં નિમગ્ન થઈ જતા. એક વખત જ્યારે તેઓ આ રીતે પોતાના કેટલાક બાળમિત્રો સાથે ધ્યાનમાં બેઠેલા. ત્યાં અચાનક જ નીકળેલ સાપે, ધ્યાનમાં ગરકાવ બેસી રહેલ નરેન્દ્ર સિવાય બધા જ બાળકોને ભગાડી મૂક્યા.

નરેન્દ્રની એકાગ્રતા – બધી જ બાબતમાંથી મનને અળગું કરી એક જ વસ્તુ પર તેને કેન્દ્રિત કરવાની શક્તિ બધાનું ધ્યાન ખેંચે તેવી હતી. તેમની પાછળની જિંદગીમાં એક વખત તેમણે ક્યારેય બંદૂક હાથમાં ન લીધી હોવા છતાં નદીના પાણીમાં ઉપર નીચે તરતા બાર ઈંડાના કાચલા (છીપલા)ને એકી સાથે વીંધી નાખ્યા. તેમનો આત્મ-સંયમ પણ ઓછું ધ્યાન ખેંચે તેવો નહોતો. ગમે તેવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં પણ પોતે અત્યંત શાંત અને સ્થિર રહેતા.

બાળપણથી જ નરેન્દ્રને પરિવ્રાજક સાધુ-સંન્યાસીઓનું એક જબરદસ્ત આકર્ષણ હતું અને પોતે પણ એક દિવસ સાધુ બનશે એવું વિચારવામાં તેમને ખૂબ જ આનંદ આવતો. પરંતુ તેમની આ મહત્ત્વાકાંક્ષા તો સ્કોટીશ ચર્ચ કોલેજના ભણતરના દિવસો દરમિયાન જ સ્પષ્ટ દેખાઈ આવી. તેમણે પોતાના પ્રશ્નોના ઉત્તરો માટે વિદ્વાનો તથા આધ્યાત્મિક સંતો-મહંતોની શોધ કરવા માંડી. પરંતુ તેમાંના કોઈએ તેમની જીજ્ઞાસા સંતોષી નહિ.પરંતુ પોતાની જ કોલેજના આચાર્ય પાસેથી એક દિવસ તેમણે દક્ષિણેશ્વરના સંત શ્રીરામકૃષ્ણદેવ વિશે સૌ પ્રથમ સાંભળ્યું. શ્રીરામકૃષ્ણદેવ સાથેની તેમની પ્રથમ મુલાકાત ૧૮૮૧માં થઈ. જે તેમના જીવનને એક નવો જ વળાંક આપનાર ઘટના બની રહી. આ મુલાકાત વિશે નરેન્દ્રનાથના શબ્દો આવા છે : ‘તેઓ (શ્રીરામકૃષ્ણ) એક સામાન્ય વ્યક્તિ જેવા લાગતા હતા. તેમનાં વિશે કંઈ ખાસ ધ્યાન ખેંચે તેવું કશું જ નહિ. તેમની ભાષા એકદમ સાદી, તેથી મેં વિચાર્યું, ‘શું આ વ્યક્તિ મહાન ગુરુ હોઈ શકે?’ – હું તેમની નજીક સરક્યો અને અત્યાર સુધીના મારા જીવનમાં બીજાને મળીને પૂછતો પ્રશ્ન મેં તેમને પણ પૂછ્યો, ‘શું આપે ઈશ્વરને જોયા છે?’ તેમણે કહ્યું: ‘હા.’ મેં પૂછ્યું: ‘શું આપ તે સાબિત કરી આપશો?’ તેમણે કહ્યું: ‘હા.’ મેં પૂછ્યું: ‘કઈ રીતે?’ તેમણે કહ્યું: ‘કેમ રે, તને જેમ જોઈ રહ્યો છું – કદાચ તેનાથી પણ વધુ સ્પષ્ટ રીતે હું તેને જોઉં છું.’ આ વાતથી હું એકદમ જ પ્રભાવિત થઈ ગયો.. દિવસો પછી દિવસો.. મેં તેમની પાસે જવાનું શરૂ કર્યું. અને મેં ખરેખર જોયું કે ‘ધર્મ’ આપી શકાય છે. એક સ્પર્શ, એક નજર આખા જીવનને બદલી શકે છે.’ (ગ્રંથમાળા, ભાગ.૪ – પૃ.૧૭૯)

શ્રીરામકૃષ્ણદેવનું જીવન આધ્યાત્મિક અનુભૂતિ અને સિદ્ધિઓથી ભરેલું હતું. તેમણે મહાન સામાજિક મર્મનાં સત્યની ખોજ કરેલી. તે વિશે તેઓ પોતે જ કહેતા, ‘મેં બધાં જ ધર્મો – હિંદુ, ઈસ્લામ, ખ્રિસ્તી – તેમજ હિંદુ ધર્મનાં જ જુદા જુદા માર્ગોનું પણ અનુસરણ કર્યું છે. મેં એ જોયું છે કે બધાં જ લોકો જુદા જુદા રસ્તેથી તે એક જ ઈશ્વર તરફ પ્રયાણ કરી રહ્યા છે.’ (કથામૃત, ૩૫)

શ્રીરામકૃષ્ણદેવે કાળજીપૂર્વક નરેન્દ્ર અને તેની સાથેના બીજા સંનિષ્ઠ યુવા-શિષ્યોને માર્ગદર્શિત કર્યા અને એ જૂથના નેતા તરીકે નરેન્દ્રને પસંદ કર્યો. ગુરુની મહાસમાધિ બાદ, કોલકાતાની ઉત્તરે આવેલ બારાનગર નામના પરામાં એક ખંડેર મકાનમાં – જે પછીથી રામકૃષ્ણ સંઘનું સૌ પ્રથમ કેન્દ્ર બન્યું – આ યુવાન ભક્તો સાથે મળીને રહેવા લાગ્યા. કોઈ પણ ભૌતિક સગવડો કે સંપત્તિ વિના, પોતાના ગુરુ અને તેમના ઉપદેશમાં નિષ્ઠા રાખી તે લોકો અત્યંત હાડમારી સહન કરીને આધ્યાત્મિક સાધનામાં રત રહેવા લાગ્યા.

આખા ભારતદેશને અહીંથી તહીં ખૂંદી વળીને – તે પણ મોટે ભાગે પગપાળા, નરેન્દ્ર પોતાના જીવનના હેતુને ખોળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રસ્તે ચાલતા જ, ક્યારેક તેને ભૂખ વેઠવી પડતી, વળી કેટલીય વાર તો પોતાને ક્યાં રોકાણ કરવું તેનું પણ ઠેકાણું નહોતું. નરેન્દ્રને માટે તો દેશ અને દેશની જરૂરિયાતનો અભ્યાસ કરવાની આ એક પ્રાથમિક તક સાંપડી હતી. તેમણે જોયું કે પોતાના દેશ પાસે અમૂલ્ય આધ્યાત્મિક વારસો છે, પરંતુ તેનો લાભ લેવામાં દેશ નિષ્ફળ ગયો છે. તેના નબળા મુદ્દાઓ હતા – ગરીબી, જ્ઞાતિવાદ, આમજનતાની અવહેલના, સ્ત્રીઓને દબાવવી અને શિક્ષણની ભૂલભરેલી પદ્ધતિ. ભારતનું પુનનિર્માણ કઈ રીતે કરવું? તેઓ કંઈક આવા તારણ પર આવ્યા: ‘આપણે રાષ્ટ્રને તેની ખોવાયેલી ઓળખ પાછી આપવી જ પડશે. તેથી જ આમજનતાને ઉપર ઉઠાવવી પડશે.. વળી તેમને ઉઠાવવા માટેનું બળ આપણે અંદરથી જ પૂરું પાડવું પડશે.’ (કં.વ., ૬.૨૫૫)

અત્યાર સુધીમાં નરેન્દ્રનાથ દત્તનું સ્વામી વિવેકાનંદમાં રૂપાંતર થઈ ગયેલું. તેમના જીવનનાં આગળના તબક્કામાં ઊંડાણથી જોઈએ તો, આપણને લાગશે કે તેમના વ્યક્તિત્વ અને વિચારધારાને ઘડવામાં ચાર પ્રકારનાં પરિબળોએ ભાગ ભજવ્યો છે:

૧. તે વખતનું ભારત બ્રિટિશ રાજધૂરાની નીચે હતું, અને તે તેનાં સાંસ્કૃતિક જીવનમાં ઉથલપાથલ અનુભવી રહ્યું હતું. બ્રિટિશ રાજે ભારતને વિશ્વસમુહમાં મૂકી દીધેલું તેમજ અંગ્રેજી શિક્ષણ અને આધુનિકતાએ નવી જ આશાનો સંચાર કરેલ. તેમ છતાં, આ બધાના વાસ્તવિક પરિણામ ઉપર વિચારતા સ્વામી વિવેકાનંદે કહ્યું: ‘આધુનિક અંગ્રેજી ભારત એટલે થોડાંક આધુનિક, અર્ધશિક્ષિત, તેમજ રાષ્ટ્રિયતાના સંસ્કારથી અળગા થયેલા લોકો – બીજું કંઈ નહિ.’ (કં.વ., – ૮.૪૭૬) પોતાની યુવાનીના કાળમાં નરેન્દ્રને હર્બર્ટ સ્પેન્સરના ઉત્ક્રાંતિવાદ તરફ આકર્ષણ થયેલું. તેમજ સ્પેન્સરના શિક્ષણ ઉપરના પુસ્તકનો, તેના પ્રકાશક ગરુદાસ ચટ્ટોપાધ્યાય માટે બંગાળીમાં અનુવાદ પણ કરેલો. (દત્તા : ૧૯૯૩ : ૮૮-૨૮૬) એવું પણ કહેવાય છે કે નરેન્દ્રે હર્બર્ટ સ્પેન્સર સાથે કેટલોક વખત પત્ર-વ્યવહાર પણ કરેલ. (ગંભીરાનંદ : ૧૯૯૬ : વૉ. ૧.૭૪) પરંતુ, સ્પેન્સર તથા બીજા પાશ્ચાત્ય તત્ત્વચિંતકોના પોતાના અભ્યાસની સાથે તેમણે ભારતીય સંસ્કૃત શાસ્ત્રોનું ઊંડાણથી અવગાહન કરેલું.

૨. દક્ષિણેશ્વરના સંત શ્રીરામકૃષ્ણદેવનો પ્રભાવ નરેન્દ્ર તેમજ તેના સમકાલીન, આધુનિક ભારતના ઘડવૈયાઓ ગણાતા લોકો પર ખૂબ જ ઊંડો હતો. ખુદ અભણ તેમજ બિલકુલ ગામઠી, તળપદી ભાષા બોલતા હોવા છતાં, તેમનાં આધ્યાત્મિક ઊંડાણ અને ઉપદેશની શક્તિથી ફેડરીક મેક્સમૂલર જેવા બૌદ્ધિક ધૂરંધરો પણ તેમનાથી પ્રભાવિત થયેલા. સ્વામી વિવેકાનંદના અનુમાન મુજબ, તેમના ગુરુએ માનવ-માત્રમાં રહેલ બૌદ્ધિક, લાગણીપ્રધાન નૈતિક તેમજ આધ્યાત્મિક તત્ત્વોને સંપૂર્ણ રીતે સુસંવાદિત કરેલ અને તેઓ ભાવિ પેઢી માટેનાં ઉચ્ચતમ આદર્શરૂપ હતા.

૩. સ્વામી વિવેકાનંદના પરિવારે પણ તેમના જીવનનો નૈતિક તેમજ સાંસ્કૃતિક પાયો દૃઢ કરવામાં ફાળો આપેલ. ઉછેર દરમિયાન તેમના રસના વિષયો વિવિધ હતા અને પસંદગી ક્રાંતિકારી હતી. હકીકતે પોતાની યુવાનીમાં પ્રગટેલી જ્ઞાન-પિપાસાએ તેમને પછીથી જેટલું વધુ જ્ઞાન મેળવી શકાય તે મેળવવા પ્રેરિત કરેલા – પછી પોતે ભલે ગમે ત્યાં હોય – ભારતમાં કે પશ્ચિમનાં દેશોમાં.

૪. ભલે વધુ ભાગ ન ભજવ્યો ન હોય છતાં અગત્યનું એક એવું પરિબળ હતું – સ્વામીજીએ ભારત-ભ્રમણ દરમિયાન પોતાની રીતે મેળવેલું ભારત વિશેનું પાયાનું જ્ઞાન. આ પરિભ્રમણે તેમનું રૂપાંતર કરી નાખેલું. તેઓ માનવના સાચા ચાહક બની ગયેલા અને સર્વભૂતહિતે રત: – માનવ જાતની સુખાકારી માટે પ્રયત્નશીલ રહેવા માટેનું અધિકારત્વ પ્રાપ્ત કરી લીધું.

જ્યારે વિવેકાનંદે સમગ્ર ભારતવર્ષનું ભ્રમણ પૂરું કર્યું, બરાબર તે જ સમયે શિકાગોમાં તે વર્ષે (૧૮૯૩માં) ભરાનાર વિશ્વધર્મપરિષદમાં તેમને હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવાનું કહેવામાં આવ્યું. વિવેકાનંદને પણ લાગ્યું કે કદાચ આ પોતાના દેશ માટે કશુંક કરી છૂટવાની તક પૂરી પાડશે, તેથી તેઓ શિકાગો જવા માટે સંમત થયા. અને જ્યારે ૧૮૯૩ના સપ્ટેમ્બરમાં આ ધર્મ-પરિષદ ભરાઈ ત્યારે વિવેકાનંદે તેમાં હલચલ મચાવી દીધી. જ્યારે બીજા પ્રતિનિધિઓ પોતપોતાના સંપ્રદાય તથા મત વિશે બોલ્યા ત્યારે વિવેકાનંદ તો સર્વના ઈશ્વર વિશે – દરેક મત કે સંપ્રદાયના સ્રોત તેમજ નિચોડ – વિશે બોલ્યા. ધાર્મિક સંવાદિતા તેમજ બધા જ ધર્મોના સ્વીકારના આહ્‌વાને તેમને વધાવી લીધા. પરિષદ પૂરી થયા બાદ, તેઓ મધ્ય પશ્ચિમના દેશો તેમજ યુ.એસ.ના પૂર્વ કિનારે પ્રવચન-પ્રવાસમાં નીકળી પડ્યા. તેઓ જ્યાં પણ જતાં ત્યાં લોકો તેમને સાંભળવા બહોળી સંખ્યામાં ઊમટી પડતા. આમ તેમના ગુરુએ ભાખેલી ભવિષ્યવાણી કે તેઓ એક દિવસ ‘વિશ્વગુરુ’ બનશે, તે સાચી પડી.

વિવેકાનંદના યુ.એસ.ના આ પ્રવાસની ભારતમાં પણ ચૈતન્યવંતી અસર થઈ. ભૂતકાળમાં, ભારતમાંથી પશ્ચિમમાં ગયેલા લોકોને પોતાના દેશની સ્થિતિ માટે અપરાધની ભાવના હતી. જ્યારે સ્વામીજી માટે તેવું ન હતું. તેઓ તો હંમેશાં પોતાના રાષ્ટ્ર વિશે ગૌરવ અને અભિમાનથી બોલતા. આમ, પશ્ચિમમાં તેમના કાર્યથી ભારતના માનસમાં આત્મ-સન્માન અને આત્મવિશ્વાસનો સંચાર થયો. જેનાથી ભારતને પોતાની ઓળખ માટેની ખોજ કરવામાં મદદ મળી. તેમજ તેનાથી પશ્ચિમના મનોજગતમાં ભારત વિશે જડ કરી ગયેલા એક જ પ્રકારના પૂર્વ ગ્રહોમાંથી મુક્ત થવામાં પણ મદદ મળી.

પોતાનો પ્રવચન પ્રવાસ પૂરો કરી, સ્વામીજીએ ન્યૂયોર્કમાં વેદાંત અને યોગનાં નિ:શૂલ્ક વર્ગો શરૂ કર્યા. પરિણામે ત્યાં વેદાંત સોસાયટીની સ્થાપના થઈ ગઈ. ૧૮૯૫ના ઉનાળામાં ઈ.ટી. સ્ટર્ડી અને હેનરીયેટા મૂલરનાં આમંત્રણથી તેઓ ઈંગ્લેન્ડ ગયા. ત્યાં તેમના પ્રવચનો ખૂબ જ સફળ રહ્યાં. ૧૮૯૫ના ડિસેમ્બરમાં તેઓ યુ.એસ. પાછા ફર્યા. જ્યાં ન્યૂયોર્કનાં વર્ગો આગળ ધપાવ્યા તેમજ બીજા શહેરોમાં પ્રવચનો પણ કર્યા; અને ફરીથી ૧૮૯૬ના એપ્રિલમાં યુરોપ ગયા. ૧૮૯૬ના મે મહિનામાં ઓક્સફોર્ડ ખાતે તેઓ મેક્સમૂલર અને તેમનાં પત્નીને મળ્યા. ૧૮૯૬ના ડિસેમ્બરના અંત ભાગમાં તેઓ યુરોપથી ભારત પરત આવવા રવાના થયા.

સ્વામી વિવેકાનંદના ભારત પાછા ફરવાના સમાચાર જેવા મળ્યા કે તરત જ આખા દેશમાંથી લોકો તેમને એક વીરને છાજે તેવો આવકાર આપવા તૈયારી કરવા લાગ્યા. ૧૮૯૭ના જાન્યુઆરીમાં સ્વામીજી તેમના ત્રણ પશ્ચિમી શિષ્યો સાથે દક્ષિણ ભારત પહોંચ્યા. તેઓ જ્યાં પણ જતા ત્યાં આવકાર-પ્રવચનો અપાતા. તેમજ તેમને જોવા માનવ-મહેરામણ ઉભરાતો. આ પ્રવચનોના જવાબમાં કહેતા કે આમજનતાના ઉત્થાનમાં મદદરૂપ થાય તેવી યોજના તેમના મનમાં આકાર લઈ રહી છે. ખરેખર તો ૧૮૯૪માં ૨૪ ડિસેમ્બર આસપાસ તેમણે એક પત્રમાં લખેલું, ‘મારા જીવનની એક માત્ર અભિલાષા કે મહત્ત્વાકાંક્ષા એ છે કે એક એવું ચક્ર ગતિમાં મૂકવું કે જે દરેક માણસનાં ઘરે ઘરે ઉદાત્ત આદર્શો વહેતા મૂકે, જેના દ્વારા ભાઈઓ અને બહેનો પોતપોતાનાં નસીબ ઘડી શકે.’ (ગ્રંથમાળા, ૫.૨૯)

કોલકાતા આવ્યા બાદ થોડા જ મહિનાઓ પછી, ૧૮૯૭ની ૧લી મેએ તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને પોતાની કાર્યયોજના જણાવી. આ એક વ્યવસ્થિત રીતે ચાલુ થયેલ ચળવળની શરૂઆત હતી, જેના દ્વારા પીડિત આમજનતાને શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી તેમજ રાહતકાર્યોની મદદ મળવાની હતી. રામકૃષ્ણ મિશનની સ્થાપના બાદ થોડાં જ અઠવાડિયામાં સ્વામી વિવેકાનંદના એક ગુરુભાઈ -સ્વામી અખંડાનંદ – બંગાળનાં મુર્શિદાબાદમાંથી પસાર થઈ રહ્યા હતા; ત્યારે ત્યાંના દુષ્કાળથી પીડિત લોકોની દયનીય સ્થિતિથી તેઓ અત્યંત દુ:ખી થઈ ગયા. તેમણે તરત જ રાહત-કાર્ય શરૂ કરી દીધું. ત્યારથી જ રામકૃષ્ણ મિશને કુદરતી કે માનવ-સર્જિત આફતો વખતે લોકોને મદદ પહોંચાડવી ચાલુ કરી દીધી.

અહીં યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ફ્રેડરીકો મેયરે ૧૯૯૩માં આપેલ પ્રવચનનાં કેટલાંક અંશો ઉદ્ધૃત કરવા અસ્થાને નહિ ગણાય : ‘મને એ ખરેખર આશ્ચર્યજનક લાગે છે કે સ્વામી વિવેકાનંદ દ્વારા ૧૮૯૭માં સ્થાપિત રામકૃષ્ણ મિશનનાં બંધારણ તેમજ ૧૯૪૫માં યુનેસ્કો દ્વારા રેખાંકિત બંધારણમાં કેટલું સામ્ય છે! બંનેએ પોતાના વિકાસ-કાર્યોના પ્રયત્નોમાં માનવને કેન્દ્ર-સ્થાને મૂક્યો છે. શાંતિ અને લોકશાહીના ઘડતરના એજન્ડામાં બંનેએ સહિષ્ણુતાને અગ્રક્રમે મૂકેલ છે. બંને સરખા જ વારસ માટેના જરૂરી પાયા તરીકે માનવીય સંસ્કૃતિ અને સમાજની વિવિધતાને ઓળખ આપે છે.’

સ્વામીજી જ્યારે પશ્ચિમમાં હતા ત્યારે આલમબજાર મઠને તેમના ગુરુભાઈઓ ચલાવતા હતા. સ્વામીજીના ભારતમાં પુનરાગમનના લગભગ બે વર્ષ બાદ આ મઠને કોલકાતાથી થોડે દૂર નદીકાંઠે આવેલ બેલુર નામની જગ્યાએ વિશાળ જમીન લઈને ત્યાં બદલવામાં આવ્યો. તે રામકૃષ્ણ મિશનનું મુખ્ય મથક બન્યું. સ્વામીજીએ ભારપૂર્વક કહેલું કે મિશનનો ઉદ્દેશ છે – ‘માનવનિર્માણ’. તેમની ઇચ્છા હતી કે પછીથી તે મિશનનાં જ એક ભાગ રૂપે ત્યાં વિશ્વવિદ્યાલય વિકાસ પામે. તે જ સમયગાળામાં સ્વામીજીને સર જમશેદજી ટાટા દ્વારા સ્થપાયેલી ‘રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ના વડા તરીકેનું પદ સંભાળવાનો વિનંતી-પત્ર મળ્યો; પરંતુ આ માગણી પોતાના આધ્યાત્મિક આદર્શ સાથે બંધ બેસતી ન હોવાથી તેમણે તેનો અસ્વીકાર કર્યો.

૧૮૯૯ના જૂન માસમાં સ્વામીજી પોતાના એક ગુરુભાઈ તેમજ આઈરીશ શિષ્યા – ભગિની નિવેદિતા સાથે ફરીથી યુરોપ ગયા. લંડનના ટૂંકા રોકાણ બાદ, તેઓ ન્યૂયોર્ક ગયા. થોડા મહિનાઓ બાદ કેલિફોર્નિયા ગયા જ્યાં પ્રવચનોની શૃંખલા તથા વર્ગોના આયોજનબદ્ધ કાર્યક્રમથી સાન્ફ્રાંસિસ્કોની ‘વેદાંત-સોસાયટી’ની સ્થાપના થઈ શકી. તેઓ પ્રસંગોપાત્ત ન્યૂયોર્ક જતા પરંતુ ૧૯૦૦ના જુલાઈ માસમાં તેઓ પેરિસ ગયા જ્યાં ત્રણ મહિના રહ્યા. આ સમયગાળા દરમિયાન ત્યાં ભરાયેલ વૈશ્વિક પ્રદર્શનમાં આયોજિત ‘ધર્મોનાં ઇતિહાસની મહાસભા’માં તેમણે ભાગ લીધો.

૯મી ડિસેમ્બર, ૧૯૦૦ના રોજ સ્વામીજી કોલકાતા પાછા ફર્યા. પોતાના જીવનના અંતિમ દિવસો મોટે ભાગે તેમણે બેલુરના કેન્દ્રમાં પોતાના યુવાન શિષ્યોને તાલિમબદ્ધ કરવામાં તેમજ સંઘને માર્ગદર્શન આપવામાં વીતાવ્યા. તેઓ ઇચ્છતા કે તેમના અનુયાયીઓ આદર્શ માનવનો દાખલો બેસાડે. તે લોકોને પ્રેરણા આપતાં કહેતા : ‘તમે શું કર્યું તે મને કહો. બીજાને માટે તમે લોકો આ એક જીવન નહિ આપી શકો?.. બીજાની સેવામાં આ શરીર ભલે પડી જાય – અને ત્યારે હું સમજીશ કે તમારું મારી પાસે આવવું નિષ્ફળ નથી ગયું.’ (રોમાં રોલાં : ૧૯૯૨, પૃ.૧૩૩)

૧૯૦૨ની ૪થી જુલાઈના દિવસે તો, તેઓ છેલ્લાં કેટલાય દિવસોમાં હતા તેના કરતાં પણ વધુ કાર્યશીલ અને શક્તિશાળી જણાતા હતા. પોતે આખો દિવસ જુદી જુદી પ્રવૃત્તિઓમાં મગ્ન રહ્યા. સાંજે ધ્યાનમાં બેઠા અને પોતાનું શરીર છોડી દીધું; જેમ પોતે ભાખેલું કે યોગની અવસ્થામાં તેઓ શરીર છોડશે – તેમજ. ત્યારે તેઓ ફક્ત ૩૯ વર્ષના હતા.

શિક્ષણ – તેનો ખરો અર્થ શું?

ભગિની નિવેદિતા હંમેશાં એવું કહેતા કે જે લોકો સ્વામીજીને જાણે છે તે એટલું તો સમજે જ છે કે તેઓ એક એવી વ્યક્તિ હતા જે પોતે પોતાનાં જીવનમાં અનુભવેલા સત્યો વિશે જ બોલતા. જ્યારે આપણે શિક્ષણ ઉપરના તેમનાં પ્રવચનો જોઈએ છીએ ત્યારે આ બાબત વ્યાજબી ઠરે છે. તેમના મતે સમાજનાં દૂષણોને દૂર કરવા શિક્ષણ અગત્યનો ભાગ ભજવે છે, તેમજ શિક્ષણ માનવજાતના ભવિષ્યને ઘડનારું પરિબળ પણ છે. જો કે વિવેકાનંદે શિક્ષણ ઉપર કોઈ પુસ્તક લખ્યું નથી, છતાં તેમના વિવિધ પ્રવચનોમાં શિક્ષણ ઉપરના જે વિચારો રજૂ થયા છે, તે અત્યારે એકદમ જ પ્રસ્તુત અને વ્યવહારુ જણાય છે. તેમના વિચારોને સમજવા માટે સૌ પ્રથમ તો આપણે તેમની વારંવાર બોલાતી શિક્ષણની વ્યાખ્યા ઉપર વિચાર કરીએ – ‘શિક્ષણ એટલે માનવની અંતર્નિહિત પૂર્ણતાનું પ્રગટીકરણ’. (ગ્રંથ., ૪.૩૫૮)

વિવેકાનંદની શિક્ષણની આ વ્યાખ્યા ધ્યાનાકર્ષક છે. સૌ પ્રથમ તો ‘પ્રગટીકરણ શબ્દ એ દર્શાવે છે કે ‘કંઈક’ અસ્તિત્વમાં છે જ જે પ્રગટ થવાની રાહ જોઈ રહ્યું છે. શીખવવામાં મુખ્ય ધ્યાન શીખનારની છુપાયેલી શક્તિને અભિવ્યક્ત કરવા ઉપર હોવું જોઈએ. જેમ તેઓ કહેતા: ‘માણસ જે શીખે છે તે તો ખરેખર તે જે શોધે છે તે છે. પોતાનો આત્મા કે જે અનંત જ્ઞાનની ખાણ છે, તેના ઉપર રહેલ પડદાને તે હટાવે છે. (ગ્રંથમાળા : ૧.૨૮) વેદાંત વિચારની દૃષ્ટિએ, જે રીતે ચકમકના એક ટુકડામાં અંગારા રહેલા જ છે પરંતુ તેને એકબીજા સાથે ઘસવાની જરૂર છે. તે જ રીતે માનવીમાં જ્ઞાન અંતર્નિહિત છે જ. પ્રગટીકરણ સ્વત: સ્ફૂરિત વિકાસ બતાવે છે, શરત એટલી જ કે કોઈ વિઘ્નો કે અડચણો હોય તો તેને દૂર કરવા.

સ્વામીજીની શિક્ષણની વ્યાખ્યામાં બીજો મહત્ત્વનો મુદ્દો છે ‘માનવમાં જે પડેલ જ છે’ તેની અભિવ્યક્તિનો. આ માનવની ‘ગર્ભિત શક્તિ’નો ઉલ્લેખ કરે છે કે જે માનવ જન્મ્યો ત્યારથી પોતાના જાણતા કે અજાણતા પોતાની અંદર પડેલી શક્યતાઓ અને શક્તિઓની હારમાળા છે. ગર્ભિત શક્તિ એટલે સુષુપ્ત પડેલ કંઈકને જાગૃત કરવાની શક્તિ. ઇઝરાયેલ રોફલર પોતાના પુસ્તક ‘ઑફ હ્યુમન પોટેન્શીયલ’માં આવા ત્રણ પાસા બતાવે છે – (૧) કોઈ ચોક્કસ લાક્ષણિકતા કેળવવાની ક્ષમતા – અથવા તો ‘કંઈક’ બનવું કે જે અંદર પડેલું જ છે. દા.ત. અમલમાં વિશ્વ વિખ્યાત ‘સોસર’ રમતનાં રમતવીર બનવાનું સામર્થ્ય છે. (૨) અભિરુચિ કે સામાન્ય વલણ – એવો ગુણ કે જે એવું બતાવે છે કે કોઈ વ્યક્તિ, જો તેને તક મળે અને તેને પોતાની પસંદગીની સ્વતંત્રતા હોય તો તે વ્યક્તિને પોતે જે ઇચ્છે તે કરવું શક્ય છે. આમ, તે વ્યક્તિનું ચાલકબળ સૂચિત કરે છે. જેમ કે ‘ગીતાંજલિ’માં અભિવ્યક્ત થયેલ રવીન્દ્રનાથ ટાગોરની અભિરુચિ એ આ કૃતિમાં રહેલ ‘અદ્‌ભુત’ની ખોજ માટેની તેમની તીવ્ર ઇચ્છા દર્શાવે છે. (૩) કાબેલિયત – એટલે કે નક્કી કરેલ ધ્યેયને પહોંચી વળવા માટેનું ચાલકબળ તેમજ કુશળતા (પ્રાવીણ્ય) જે માણસની કશુંક શીખવાનાં કાર્યમાં આવતા દરેક પ્રકારના વિઘ્નો દૂર કરવાનું સામર્થ્ય તથા બળ.

(ક્રમશ:)

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.