ખેતડીનિવાસની કેટલીક ઘટનાઓ

સ્વામીજીના ખેતડીનિવાસ દરમિયાન કોઈ એક દિવસે ઘટેલી એક રોચક ઘટનાનું વર્ણન મળે છે. પંડિત ગોપીનાથજીના જ્યેષ્ઠ પુત્ર પંડિત લક્ષ્મીનારાયણજીએ એ ઘટનાનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે: 

‘વર્ષાઋતુની વાત છે. એક દિવસ શ્રીમાન પોતાના સહચર સેવકો અને કૃપાપાત્રો સાથે શાહ પન્નાલાલજીના તળાવના પૂર્વ ખૂણે આવેલી છતરીના બીજા માળે બેઠા હતા. આ તળાવ શેખાવાટી વિસ્તારમાં અનુપમ સ્થળ છે. પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદજી સાથે વાર્તાલાપ ચાલતો હતો. એ સમયે ધર્માધ્યક્ષ મિશ્ર અંબાદત્તજીએ ઉપસ્થિત થઈને નિવેદન કર્યું કે એક સંન્યાસી બાબા શ્રીમાન (આપને)ને મળવા ઇચ્છે છે. દેહાકૃતિ અને પ્રકૃતિ બંને અદ્‌ભુત છે. મિશ્રાજી સંસ્કૃત ભાષણમાં ‘ઇદમ્‌’ શબ્દનો વધુ પ્રયોગ કરવાથી ટેવાયેલા હતા. એટલે શ્રીમાન્‌ રાજાજી એમને વિનોદમાં ‘મિદમ્‌’ નામે જ સંબોધન કરતા. આસનની વ્યવસ્થા કરીને સંન્યાસીને આદરપૂર્વક લાવવાની શ્રીમાને ‘મિદમ્‌’ને આજ્ઞા કરી.

સંન્યાસી કાંતિવાન, હૃષ્ટપુષ્ટ અને બળવાન હતા. શ્રીમાને સંન્યાસીને સુયોગ્ય અભિવાદન આદર આપ્યાં અને પછી આસન ગ્રહણ કરવા કહ્યું. પરંતુ સંન્યાસી બેઠા નહિ અને ઊભા રહીને પૂછ્યું: ‘શું અહીંના રાજા તમે જ છો?’ શ્રીમાને હસીને કહ્યું: ‘હા જી, આપ લોકોનો સેવક હું જ છું.’ આ સાંભળીને થોડા ઉત્તેજિતભાવે સંન્યાસીએ કહ્યું: ‘આ શહેરમાં રાજાનું કર્તવ્ય જ મારી નજરે આવ્યું નથી. તો પછી સેવકના કઠિનકાર્ય (સેવાધર્મ) પર પોતાની આરૂઢતા પ્રગટ કરવી એ મિથ્યાભિમાન સિવાય બીજું શું હોઈ શકે?’

સ્વામી વિવેકાનંદજી તથા ત્યાં ઉપસ્થિત મુખ્ય મુખ્ય માણસો સંન્યાસીનું આ કથન સાંભળીને આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા. રાજાએ વિનમ્રભાવે ફરીથી કહ્યું: ‘મહાત્માજી, હું તો એક ક્ષુદ્ર જીવ છું. ભૂલચૂક થવી એ જીવની સ્વાભાવિક પ્રકૃતિ છે. જો મારી કોઈ ભૂલચૂક થઈ હોય તો મહેરબાની કરીને ક્ષમાપૂર્વક આજ્ઞા કરો. હવે પછીથી એ બાબત ધ્યાનમાં રાખીશું.’ આ સાંભળીને સંન્યાસીએ ક્રોધપૂર્ણ સ્વરે ફરીથી કહ્યું: ‘રાજાજી! તમને દેખાવ કરવાનું ઘણું ગમે છે. પહેલાં મિથ્યાભિમાન અને હવે આટલી બધી નમ્રતા!’ અને જેમ જેમ પોતાના વિનમ્ર વક્તવ્ય દ્વારા રાજાજીએ સંન્યાસીને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો તેમ તેમ તે સંન્યાસી અગ્નિશર્માનું રૂપ ધારણ કરતા ગયા. આ જોઈને પંડિત આનંદીલાલજી (અંગનરામજી) વૈદ્યથી રહેવાયું નહિ, તેઓ બોલી ઊઠ્યા: ‘મહાત્માજીએ વેશ તો સંન્યાસીનો ધારણ કર્યો છે પરંતુ છે ક્રોધની મૂર્તિ.’ આ સાંભળતાં જ સંન્યાસીનો પિત્તો ગયો.

સ્વામી વિવેકાનંદજીએ શાંતિ રાખવા કહ્યું તો પેલા સંન્યાસીએ કટુ વાક્યોનો વરસાદ વરસાવ્યો. આવી રીતે મર્યાદાભંગ થતો જોઈને શ્રીમાન્‌ રાજાજીએ ગંભીરતા સાથે કહ્યું: ‘બસ, મહાત્માજી! ઘણું થઈ ગયું. મને મારા પર પૂરો અધિકાર છે, પરંતુ હું બીજા લોકોની સાથે કર્તવ્યવશ બનીને આવો અન્યાયપૂર્ણ દુર્વ્યવહાર જોઈ ન શકું. લાચાર બનીને મારે ન્યાયનો માર્ગ લેવો જ પડશે. એના પર આપ જરા ગંભીરતાથી વિચાર કરી લેજો.’

આ સાંભળીને જ સંન્યાસી હસી પડ્યા અને કહેવા લાગ્યા: ‘રાજાજી, ક્ષમા અને ન્યાય આ બંને ગુણો આપમાં જોઈને હું ઘણો રાજી થયો છું. તમે ધન્ય છો, તમારા ઉપદેષ્ટા પણ ધન્ય છે.’ આ સંન્યાસી કોઈ સાવ કોરો બાવો નથી પણ વિદ્વાન ચારિત્ર્યવાન સાધુ છે, એમ સૌને ખ્યાલ આવી ગયો. એનું નામ રામાનંદ હતું. સંન્યાસીનો શ્રીમાન્‌ રાજાજી અને સ્વામી વિવેકાનંદજી સાથે કલાકો સુધી વિવિધ વિષયો પર વાર્તાલાપ થતો રહ્યો. (પંડિત જાબરમલ શર્મા કૃત ‘આદર્શ નરેશ’ પૃ.૩૬૬-૬૮, ગાર્ગી (મેરી લૂઈ બર્ક) ને પ્રથમ ‘વિવેકાનંદ પુરસ્કાર’ અર્પણ કરતાં દશમા પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજીએ પોતાના વ્યાખ્યાનમાં આ ઘટનાનું એક અલગ વિવરણ આપ્યું હતું. ‘ઉદ્‌બોધન’, ૧૯૮૩, પૃ.૧૦૬)’

રાજાની કાવ્ય તેમજ સંગીત પ્રતિભા

રાજા અજિતસિંહજી વીણા વગાડવામાં કુશળ હતા. એમણે અનેક કવિતાઓ, ગીત અને ભજન પણ લખ્યાં હતાં. એમણે લખેલી એક ઠુમરી સ્વામી વિવેકાનંદજીને ખૂબ ગમતી અને તેઓ એ ઠુમરી અવારનવાર ગાતા. ૧૯૨૭માં પ્રકાશિત પંડિત જાબરમલ શર્માની ‘ખેતડી નરેશ ઔર વિવેકાનંદ’ પુસ્તિકાની પ્રસ્તાવનામાં આ ભજન વિશે સ્વામી અખંડાનંદજી આમ લખે છે:

‘તેઓ એક સારા કવિ હતા અને એમનું હૃદય પણ પ્રેમપૂરિત હતું. એમણે રચેલ એક મધુર પદની યાદ મારા મનમાં આજ સુધી જળવાઈ રહી છે. પદની ટેક આવી હતી- ‘ઉન બિન મોકૂ કછુ ન સુહાવૈ. તડપત જિય અતિ હી અકુલાવે.’ આ પદની સમાપ્તિમાં આવી પંક્તિ છે – ‘મરણ ન દેત આસ મિલબે કી.’ આ શેષ પંક્તિના ભાવની પ્રશંસા કરતી વખતે પદ ગાતાં ગાતાં સ્વામી વિવેકાનંદજી મહારાજ મગ્ન થઈ જતા. આ એક જ પદ રાજાજીના પ્રેમભર્યા ભાવુક હૃદયનું શ્રેષ્ઠ પરિચાયક છે. રાજાજી પોતાની પ્રજાની ઉન્નતિ માટે સદૈવ તત્પર રહેતા.’ ઉપર્યુક્ત ભજનની શબ્દ રચના આવી છે. (આદર્શ નરેશ પૃષ્ઠ ૮૦-૮૧) 

ઉન બિન મોકૂ કછુ ન સુહાવૈ,
તડપત ચિત અતિ હી અકુલાવે.
એ રી સખી, હમરે પ્રીતમ કૌ,
જાય કોઈ યહ બાત સુનાવૈ.
યહ જોવન જાવત હૈ છન-છન,
બીત ગયે પર ફિર નહીં આવૈ!!
બહુત કાલ બીતે આવન કે,
ગિનત ગિનત જિયરા ઘબરાવૈ.
હાય, દઈ અઁખિયાઁ તરસત હૈ,
વિરહ વિપત નિત મોહિ જરાવૈ.
મરન ન દેત આસ મિલબે કી,
જીવન છિન ઉન બિન નહિં ભાવૈ.
સુધબુધ સબ હી ભૂલ ગયી રી!
યહ દુ:ખ તો અબ સહ્યો ન જાવૈ.
મતલબ કૌ ગરજી જગ સારો,
અરજી મોરી કૌન સુનાવૈ.
તન મન જીતિ રીતિ સબ કરિ કૈ,
ભજિહૌ રામ કામ બનિ આવૈ.
હે જગદીશ ઈશ વિશ્વંભર,
તુમ બિન યહ દુખ કૌન મિટાવૈ.
કરી કૃપા કરુણાનિધિ મૌ પૈ,
મિલે પિયા જિય હરષ ન સમાવૈ.
જ્ઞાની યાહિ જ્ઞાન કરિ દેખૈ,
રસિક યાહિ રસ પચ્છ લગાવૈ.
જોગ ભોગ ગતિ દોય એક કરિ,
સુમતિ અજિત પદ સહજ બતાવૈ.

આ કાવ્ય રચનાનો ઇતિહાસ બતાવતા જગમોહનલાલ આમ લખે છે : ‘ટોંકના વર્તમાન નવાબ સાહેબ ઇબ્રાહિમ અલીખાનજીએ રચેલ એક ઠુમરી કોઈએ સારા રાગે ગાઈ હતી. ઠુમરીના આરંભનો ટુકડો આવો હતો : ‘તડપત જિયરા સમઝત નાહીં, બરજત હૂઁ પર માનત નાહીં.’ શ્રી રાજાજી બહાદુરે અમને દરબારીઓને આવા જ ભાવની ઠુમરીઓ બનાવવા આદેશ આપ્યો. આવી રીતે કેટલીક ઠુમરીઓની રચના થઈ, પરંતુ સૌથી શ્રેષ્ઠ ઠુમરી તો રાજા અજિતસિંહે રચેલી ઠુમરી હતી. એ ઠુમરીની ટેક આવી હતી: ‘ઉન બિન મોહિ કછુ ન સુહાવૈ. તડપત ચિત અતિ હી અકુલાવે.’ (આદર્શ નરેશ પૃ. ૩૫૮) 

રાજા અજિતસિંહજી વીણા વગાડતા હતા એ બાબતનો ઉલ્લેખ વાક્યાત રજિસ્ટરમાં વારંવાર આવે છે. યાત્રાઓ દરમિયાન પણ એમની સાથે વીણા રહેતી. અહીં વર્ણવેલ પ્રસંગ એના તરફ ઈશારો કરે છે. એ દિવસોમાં રાજા અજિતસિંહજી કોલકાતામાં આવીને શેઠ દુલીચંદજી કાંકરાનિયાને ત્યાં ઊતર્યા હતા. બાબુ શ્યામલાલજી ખત્રીના સંસ્મરણમાં આમ લખ્યું છે : ‘રાજા સાહેબ, રાગરાગિણીથી પૂરેપૂરા પરિચિત હતા. એમની પાસે બધા પ્રકારના ગુણીઓનો જમેલો રહેતો… રાજા સાહેબ વીણા વગાડવામાં ઘણા નિપુણ હતા. એમનું વીણાવાદન સાંભળીને સમજુ શ્રોતાઓ મુગ્ધ બની જતા. એકવાર પોતે વીણા વગાડતા હતા. એ સમયે સ્વામી વિવેકાનંદજી પણ હાજર હતા. સ્વામીજી માથું હલાવીને એમના વીણાવાદનને દાદ આપતા હતા. સ્વામીજીએ કહ્યું હતું : ‘રાજા સાહેબ, આપ કેવી સરસ વીણા વગાડો છો, જાણે કે મોહિનીમંત્રનો પ્રયોગ કરો છો.’ (આદર્શ નરેશ પૃ. ૩૭૯ થી ૩૮૦, ૮૧) 

સ્વામીજી અને રાજાની વચ્ચે થયેલ ચર્ચાઓ

આ રીતે આપણને જોવા મળે છે કે, સ્વામીજી તથા રાજા અજિતસિંહજી વચ્ચે ૪ જૂનથી ૨૭ ઓક્ટોબર, ૧૮૯૧ના સમયગાળા દરમિયાન આબૂ, જયપુર તેમજ ખેતડી પોણા પાંચ મહિના સુધીનો નિરંતર સંબંધ રહ્યો હતો. આ દિવસો દરમિયાન એમની વચ્ચે સેંકડોવાર વાર્તાલાપ તથા ચર્ચાઓ તો ચોક્કસ થઈ જ હશે. એમની આ મુલાકાતો દરમિયાન એ બંનેની વચ્ચે કઈ વાતો થઈ હશે એ એક અત્યંત જિજ્ઞાસાનો વિષય છે. પરંતુ દુર્ભાગ્યવશ આ વાર્તાલાપોને કોઈએ લખી રાખ્યા નથી. અને કદાચ લખીને રાખ્યા હોય તો પણ અત્યાર સુધી જાહેરમાં આવી શક્યા નથી. એમના કેટલાક પ્રશ્નોત્તરો સ્વામીજીના બાળપણના સખા શ્રી પ્રિયનાથ સિંહાએ સંભવત: મુન્શી જગમોહનલાલ પાસેથી સાંભળીને બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’, વર્ષ : ૭, અંક : ૧૪માં પ્રકાશિત કર્યા હતા. ‘વિવેકજ્યોતિ’ જુલાઈ, ૧૯૯૩ પૃ. ૪૦ થી ૫૦માં પ્રકાશિત તેનો હિન્દી અનુવાદ તથા સ્વામીજીની જીવનકથાઓમાં જે વર્ણનો કે વિવરણો લખાયા છે, એના આધારે એ બધા અંશો અહીં આપીએ છીએ.

રાજાના પ્રશ્ન અને સ્વામીજીના ઉત્તર

મહારાજા અજિતસિંહજીના ‘જીવન શું છે?’ અને ‘શિક્ષણ શું છે?’ એ બે પ્રશ્નોનો ઉલ્લેખ માઉન્ટ આબૂના પ્રસંગમાં આવી ગયો છે. ખેતડીમાં એમણે પૂછેલા બીજા બે પ્રશ્નો તથા તેના સ્વામીજીએ આપેલ ઉત્તર મળે છે. એ પ્રશ્ન-ઉત્તર આવા છે : 

મહારાજા : સ્વામીજી, સત્ય શું છે?

સ્વામીજી : સત્ય એક અને અદ્વિતીય છે. મનુષ્ય મિથ્યા છે, તે સત્ય તરફ નહીં પરંતુ આપેક્ષિક-સાપેક્ષ સત્યથી પરમ સત્ય તરફ આગળ ધપે છે. 

મહારાજા : સ્વામીજી, (પ્રાકૃતિક) નિયમ શું છે?

સ્વામીજીએ તરત જવાબ આપ્યો : ‘નિયમ પૂર્ણત: માનસિક વસ્તુ છે. બહાર એની કોઈ સત્તા નથી. એ બુદ્ધિ અને ઈંદ્રિયો દ્વારા પ્રાપ્ય પ્રત્યક્ષ જ્ઞાનથી સંચિત અનુભૂતિનું પરિણામ છે. બુદ્ધિ જ ઈંદ્રિયો દ્વારા અનુભવાયેલ વસ્તુઓને શ્રેણીબદ્ધ કરીને તેમને નિયમનું રૂપ આપે છે. પ્રત્યક્ષ અનુભવ કયા ક્રમે થશે, એ પૂર્ણત: માનસિક વ્યાપાર છે. ઈંદ્રિયો દ્વારા બાહ્ય વિષયોની જે છાપ પડે છે. તેમજ એના સંબંધમાં બુદ્ધિમાં જે ક્રમબદ્ધ તથા ક્રમિક પ્રતિક્રિયા થાય છે, એ સિવાય નિયમ બીજું કંઈ નથી. વૈજ્ઞાનિકોનો મત એવો છે કે બાહ્ય વિષય તો માત્ર સમરૂપ વસ્તુ કે સમરૂપ સ્પંદન છે. એની અનુભૂતિ તથા વર્ગીકરણ માનસિક વ્યાપાર કે આંતરિક ઘટના છે. અત: નિયમ પોતે એક બૌદ્ધિક જ્ઞાન છે તેમજ બુદ્ધિમાંથી જ તેની ઉત્પત્તિ થાય છે.’ ત્યાર પછી સ્વામીજીએ સાંખ્યદર્શનનું એક કથન વાંચી સંભળાવ્યું અને આધુનિક વિજ્ઞાન કઈ રીતે આ દાર્શનિક સિદ્ધાંતોનું સમર્થન કરે છે, એ બતાવી દીધું. (યુગનાયક વિવેકાનંદ, ખંડ-૧, પૃ.૨૭૬-૭૭)

મહારાજા સ્વામીજીના શિષ્ય બને છે

‘યુગનાયક વિવેકાનંદ’ ગ્રંથમાં આવું લખાણ આવે છે: ‘ખેતડીમાં આગમનના થોડાક જ દિવસો પછી રાજા અજિતસિંહ સ્વામીજી પાસેથી મંત્રદીક્ષા લઈને એમના શિષ્ય બની ગયા. એમની વચ્ચે ગુરુશિષ્યનો સંબંધ અત્યંત ઘનિષ્ઠ તેમજ મધુર હતો. રાજા અજિતસિંહ સ્વામીજીને પોતાના પ્રાણથી પણ વધારે ચાહતા અને એમના પર શ્રદ્ધા રાખતા. સ્વામીજીનું તેઓ ઘૂંટણીએ પડીને બે હાથ જોડીને અભિવાદન કરતા. તેઓ સ્વામીજીની દરેક પ્રકારની સેવા માટે હાજર રહેતા. આ શિષ્ય દ્વારા ભારતનું અશેષ કલ્યાણ થવાનું છે; એવી સ્વામીજી પણ આશા રાખતા. એટલા માટે જ સ્વામીજીએ મહારાજાના ધર્મજીવનનો ભાર સ્વીકાર્યો હતો. સાથે ને સાથે લૌકિક જ્ઞાનપ્રાપ્તિમાં પણ એમને વિશેષ રૂપે સહાય કરી હતી. સ્વામીજીના ખેતડીમાં પ્રાય: ત્રણ મહિના (૭ ઓગસ્ટ થી ૨૭ ઓક્ટોબર) સુધી રહેવાનો સુયોગ મેળવીને રાજાજીએ સ્વામીજી પાસેથી ભૌતિક વિજ્ઞાન, રસાયણ તેમજ ખગોળ વિજ્ઞાનનું પણ અધ્યયન કર્યું. (યુગનાયક વિવેકાનંદ, ખંડ-૧, પૃ.૨૭૬-૭૭)

સત્યેન્દ્ર મઝુમદાર પોતાના ગ્રંથ ‘વિવેકાનંદ ચરિત’માં લખે છે : ‘ધર્મપ્રાણ રાજા અજિતસિંહ તથા તેમના સેક્રેટરી મુનશીજીએ સ્વામીજીનું શિષ્યત્વ ગ્રહણ કર્યું હતું.’

વિજ્ઞાનની કેળવણી

વિજ્ઞાન વિશે એ બંનેની વચ્ચે અવારનવાર ચર્ચાઓ થતી રહેતી. એક દિવસ રાજાએ વિજ્ઞાનના વાચનની ઇચ્છા વ્યક્ત કરી એટલે સ્વામીજીએ વિજ્ઞાનનાં પ્રાથમિક જ્ઞાનનાં પુસ્તકો મગાવીને રાજાજીને વંચાવવા લાગ્યા. ત્યાર પછી એમણે એક બી.એ.માં નાપાસ થયેલ યુવકને લાવીને મહારાજાને માટે વિજ્ઞાન શિક્ષણની વ્યવસ્થા કરી દીધી. ક્રમશ: બધી જાતના વૈજ્ઞાનિક યંત્રો પણ મગાવવા લાગ્યા. વાક્યાત રજિસ્ટરમાં અહીંતહીં આ વૈજ્ઞાનિક યંત્રોનો ઉલ્લેખ આવી ચૂક્યો છે.

અંગ્રેજી દૈનિક પત્ર ‘લાહોર ટ્રિબ્યૂન’ના ૬ નવેમ્બર, ૧૮૯૭ના અંકમાં આમ લખ્યું છે: ‘ખેતડીના રાજાએ સ્વામીજી માટે ગહન કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો અને કહ્યું કે સ્વામીજીનો સંગ એમને માટે એક મહાન પ્રેરણાનો સ્રોત રહ્યો છે. એમણે ખગોળ વિજ્ઞાન તથા ભૌતિક શાસ્ત્રમાં રાજાની રુચિને જાગ્રત કરી અને એવું જણાય છે કે ત્યારથી જ રાજાજી એ વિષયોના પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરતા રહ્યા છે. આ પરથી સ્વામીજી ખરેખર કેટલા અદ્‌ભુત વ્યક્તિ છે, એટલું સમજી શકાય છે. એક રાજપૂત રાજાના મનમાં ભૌતિક વિજ્ઞાન તથા જ્યોતિર્વિજ્ઞાન જેવા વિષયોમાં અભિરુચિ ઉત્પન્ન કરવી એ કોઈ સામાન્ય વાત નથી અને વળી સ્વામીજી પોતે પણ એ બંનેમાંથી કોઈ પણ વિદ્યાના વિશેષજ્ઞ ન હતા.’ (વિવેકાનંદ ઈન કન્ટેમ્પરરી ઈંડિયન ન્યૂઝ, કોલકાતા, ૧૮૯૭, પૃ.૩૩૧-૩૨ અને શંકરી પ્રસાદ બસુ કૃત ‘સ્વામી વિવેકાનંદ : નોતુન તથ્ય નોતુન આલો’ બંગાળી, પૃ.૧૩૩)

મહારાજાની ગુરુસેવા

મહારાજા દરરોજ લગભગ બે ત્રણ વાગ્યે પથારીમાંથી ઊઠીને સ્વામીજીની પાસે આવતા અને એમની ઊંઘ ન ઊડી જાય એ રીતે અત્યંત સાવધાની સાથે એમની પદસેવા કરતા. દિવસે સ્વામીજી એમને ચરણસેવાનો અવસર ન આપતા; કારણ કે બધાની સામે આવી રીતે ચરણ સેવા કરવાથી મહારાજાની ગરિમા ઓછી થઈ જાય. સ્વામીજીની આટલી સેવા કરીને અને વારંવાર પૂછીને પણ મહારાજા ઘણા દિવસ સુધી સ્વામીજીના પૂર્વાશ્રમનો પરિચય મેળવી ન શક્યા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ રાજા અજિતસિંહની ગુરુભક્તિ પણ એટલી જ વધતી ગઈ. આ રીતે આ ગુરુભક્તિ એટલી વૃદ્ધિ પામી કે મધરાતે પણ પોતાની પથારીમાંથી ઊઠીને પોતાના ગુરુદેવની ચરણસેવા કરતા. પહેલી રાતે ઊંઘ ઊડી જતા અને રાજાને પોતાના પગ દબાવતાં જોઈને સ્વામીજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે પગ દબાવવાની ના પાડી, પરંતુ રાજાએ એમની વાત કાને ન ધરી. રાજાએ વિનયપૂર્વક કહ્યું: ‘સ્વામીજી, હું તો આપનો દાસાનુદાસ છું. આપ મને આ સૌભાગ્યથી વંચિત ન કરતા.’ દિવસે પણ ખુલ્લી રાજસભામાં આવું જ સન્માન રાજા પોતાના ગુરુદેવ પ્રત્યે બતાવવા ઇચ્છતા હતા. પરંતુ સ્વામીજીએ એવી રીતે સેવા સ્વીકાર કરવાનો ઇન્કાર કરીને કહ્યું: ‘એનાથી પ્રજાની દૃષ્ટિમાં રાજાની ગરિમા ઓછી થઈ શકે છે.’

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.