રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નેત્રયજ્ઞ

૨૧ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞમાં ૧૦૪ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. જેમાં ૫૪ ભાઈઓ અને ૫૦ બહેનો હતા. તેમાં ૬૧ દર્દીઓ શહેરી વિસ્તારના અને ૪૩ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના હતા. એમાંથી ૯ ભાઈઓ અને ૧૨ બહેનોનાં સૌરાષ્ટ્ર સેન્ટ્રલ આઈ હોસ્પિટલ, વીરનગરમાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. બાકીના ૪૫ ભાઈઓ અને ૩૮ બહેનોને મફત દવા વગેરે અપાયાં હતાં. આ સંસ્થા દ્વારા અવારનવાર આવા નેત્રયજ્ઞ યોજાય છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઉજવાયેલા વિવિધ મહોત્સવો

૨૪ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ નાતાલની પૂર્વસંધ્યાની ઉજવણી શ્રીરામકૃષ્ણ મંદિરમાં ભક્તજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સંધ્યા આરતી પછી ૭.૦૦ વાગ્યાથી ઈશુ ખ્રિસ્તની પૂજા-આરતી, શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ દ્વારા કેરોલ્સ અને ભજન રજૂ થયાં હતાં. સ્વામી સર્વસ્થાનંદે બાઈબલમાંથી વાચન કર્યું હતું. પાદરી ફાધર જેવિયર અમૃતમે ‘ઈશુ ખ્રિસ્તનું જીવન અને કવન’ એ વિશે પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના અંતે કોઈર ચર્ચ દ્વારા કેરોલ્સ-ગાન રજૂ થયાં હતાં.

૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ પોતાની મહાસમાધિ પહેલાં કાશીપુર ઉદ્યાનગૃહમાં પોતાના ભક્ત શિષ્યો, સંન્યાસી શિષ્યો પર ભગવાન શ્રીરામકૃષ્ણદેવે અમીવૃષ્ટિ કરી હતી અને સૌની મનોવાંછા પૂર્ણ કરવા આશીર્વચન ઉચ્ચાર્યાં હતાં. આ ઐતિહાસિક અને પાવનકારી પર્વની ઉજવણી ‘કલ્પતરુ દિન’ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧લી જાન્યુઆરીના રોજ થઈ હતી. બપોરે ૨.૩૦ થી ૪.૦૦ સુધી ધ્યાન અને ત્યાર બાદ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માંથી વાચનનો કાર્યક્રમ યોજાયો હતો.

૭ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ સંધ્યા આરતી પછી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસના લેક્ચરર ડૉ. ગૌરાંગ ભાવસારનો તબલાવાદનનો કાર્યક્રમ ભાવિકજનોએ માણ્યો હતો.

સ્વામી વિવેકાનંદ જન્મતિથિના ઉપલક્ષ્યમાં ૧૦મી જાન્યુઆરીના રોજ જન્મજયંતી મહોત્સવ ઉજવાયો હતો. સવારે મંગલ-આરતી પછી વિશેષ પૂજા-હવન, ભજન, કઠોપનિષદમાંથી વાચનનો કાર્યક્રમ શ્રીરામકૃષ્ણ મંદિરમાં યોજાયો હતો. ભોગ આરતી પછી ૧૫૦૦ જેટલા ભક્તજનોએ પ્રસાદ લીધો હતો. સાંજે ૫.૧૫ વાગ્યે ‘શ્રીશિવનામ સંકીર્તન’ અને સંધ્યા આરતી પછી રામકૃષ્ણ આશ્રમ, મૈસૂરના સ્વામી જિતકામાનંદજીનું ‘સ્વામી વિવેકાનંદ : જીવન અને સંદેશ’ વિશે પ્રવચન તેમજ સુપ્રસિદ્ધ ગાયક શ્રી હરિકાંતભાઈ સેવક અને અરુણકાંતભાઈ સેવકનો ધ્રુપદ ગાયનનો કાર્યક્રમ ભાવિકોએ માણ્યો હતો.

જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુ. યાદવગિરિ મૈસુર દ્વારા સંચાલિત ત્રિદિવસીય મૂલ્યલક્ષી શિક્ષણ-શિબિરનું આયોજન થયું હતું.

તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૦૭, બુધવારે, સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી ‘મૂલ્યલક્ષી શિક્ષણની વિભાવના, આવશ્યકતા અને મહત્ત્વ’ વિશે ડૉ. સી. ગુરુમૂર્તિનું પ્રવચન યોજાયું હતું. ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી ‘મૂલ્યલક્ષી શિક્ષણના હેતુઓ’ વિશે ડૉ. એ. આર. સીતારામે મનનીય પ્રવચન આપ્યું હતું. ૧૧.૩૦ થી ૧૨.૪૦ વાગ્યે ‘ઉત્તમ શિક્ષકના ગુણો’ સ્વામી જિતકામાનંદજીનું પ્રવચન શિબિરાર્થીઓએ માણ્યું હતું.

૧૧ જાન્યુઆરી, ૨૦૦૭, ગુરુવારે સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી ‘મૂલ્યલક્ષી શિક્ષણની પદ્ધતિઓ’ વિશે ડૉ. એ. આર. સીતારામે વિશદ ચર્ચા કરી હતી. ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી ‘મૂલ્યલક્ષી શિક્ષણના હેતુઓ’ વિશે ડૉ. સી. ગુરુમૂર્તિએ પોતાનું વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપ્યું હતું. ૧૧.૩૦ થી ૧૨.૪૦ વાગ્યા સુધી ‘શિક્ષણ અને વ્યક્તિત્વ (સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વ વિકાસના સિદ્ધાંતો પ્રમાણે) વિશે સ્વામી જિતકામાનંદજીએ વિગતવાર અને ઉદાહરણો સાથે ચર્ચા કરી હતી.

૧૨ જાન્યુઆરી, ૨૦૦૭, શુક્રવારે સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી ‘વર્ગમાં મૂલ્યલક્ષી શિક્ષણ’ એ વિષય પર ડૉ. સી. ગુરુમૂર્તિ શિબિરાર્થીઓને માહિતીપ્રદ જ્ઞાન પીરસ્યું હતું. ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા દરમિયાન પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ઘણો માહિતીપ્રદ અને રસપ્રદ રહ્યો હતો. ૧૧.૩૦ થી ૧૨.૪૦ વાગ્યા સુધી ‘યોગદ્વારા કૌશલ અને જીવનનો વિકાસ’ એ વિશે આસન-પ્રાણાયામના નિદર્શન સાથે ડૉ. એ. આર. સીતારામે સરળ-સહજ અને શિબિરાર્થીઓને ગળે ઉતરી જાય તેવી ભાષામાં પોતાના વિષયની રજૂઆત કરીને સૌને મુગ્ધ બનાવી દીધા હતા.

૧૧ જાન્યુઆરી, ૨૦૦૭ ગુરુવારે, બપોરે ૪ થી ૬ વાગ્યા સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હૉલમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુ. યાદવગિરિ, મૈસૂરના નિવૃત્ત પ્રિન્સીપાલ અને યોગાચાર્ય ડૉ. એ. આર. સીતારામની નિશ્રામાં ‘યોગ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર’નું આયોજન થયું હતું. આજના અતિ ઔદ્યોગિક સ્પર્ધાના યુગમાં માનસિક તાણમાં જીવતા લોકોને યોગ દ્વારા પોતાના માનસિક તાણને દૂર કરવા અને પોતાનું કાર્યકૌશલ્ય વધારવા શું શું કરવું જોઈએ તેની વાત નિદર્શન દ્વારા ડૉ. એ. આર. સીતારામની આદર્શ રજૂઆતને શિબિરાર્થીઓએ માણી હતી.

૧૨ જાન્યુઆરી, ૨૦૦૭ શુક્રવારે સંધ્યા આરતી પછી સાંજે ૭.૩૦ થી ૮.૩૦ વાગ્યા સુધી વિવેક હૉલમાં ‘સ્વામી વિવેકાનંદનો યુવાનોને સંદેશ’ વિષય પર એક જાહેર સભાનું આયોજન થયું હતું. સભાના વક્તાઓ સ્વામી જિતકામાનંદજી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી કમલેશભાઈ જોશીપુરાનાં ભાવવાહી વક્તવ્યો ભાવિકોએ માણ્યાં હતાં.

૨૧ જાન્યુઆરી, ૨૦૦૭ રવિવારે સવારે ૯ વાગ્યે રાજકોટની સિવિલ હોસ્પિટલના દર્દીઓની ફળ વિતરણ દ્વારા નારાયણ સેવાનો કાર્યક્રમ યોજાયો હતો. તે જ દિવસે સાંજે ૭ વાગ્યે વિવેક હૉલમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ દ્વારા ‘સ્વામી વિવેકાનંદ લીલાગાન’નો કાર્યક્રમ ભાવિકજનોએ શ્રદ્ધાભક્તિપૂર્વક માણ્યો હતો.

૨૩ જાન્યુઆરી, ૨૦૦૭ મંગળવારે શ્રી મંદિરમાં સરસ્વતી પૂજાનું વિશેષ આયોજન થયું હતું. આ પ્રસંગે મંગલ-આરતી પછી વિશેષ પૂજા, હવન, સરસ્વતી વંદનાના કાર્યક્રમો યોજાયા હતા. ૧૦૦૦ થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.

ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-પ્રચાર પરિષદની વડોદરા મુકામે મળેલ અર્ધ-વાર્ષિક બેઠકનો અહેવાલ

તા. ૬ઠ્ઠી ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ શ્રીરામકૃષ્ણ મિશન- વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા ખાતે ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-પ્રચાર પરિષદનું અર્ધવાર્ષિક સંમેલન સમસ્ત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના માનનીય જનરલ સેક્રેટરી મહારાજ પૂ. પાદ શ્રીમદ્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં અને તેમના આશીર્વાદ સાથે યોજાયું હતું.

સંમેલનનો પ્રારંભ વડોદરા કેન્દ્રના સ્વામીજીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવ્યો અને પૂ. સ્વામી સ્મરણાનંદજી મહારાજે દિપ-પ્રાગટ્ય કર્યું હતું. પરિષદના કન્વિનર શ્રી કેશવભાઈ ગોરે પૂ.પા. સ્વામી સ્મરણાનંદજીનું ફૂલહાર અને પરિષદ વતી શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું અને પ્રાથમિક અહેવાલ આપ્યો હતો. પરિષદના અધ્યક્ષ સ્વામી આદિભવાનંદજી, ઉપાધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી અવ્યયાત્માનંદજીએ પોતાના વક્તવ્ય દ્વારા શ્રીઠાકુર, શ્રીશ્રીમા અને સ્વામીજીનો સંદેશો ફેલાવવાની હાકલ કરી હતી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. પૂ.પાદ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ૧૯૮૦ના બેલૂર મઠ ખાતે મળેલ બીજા કન્વેન્શન વખતેની વિશાળ હાજરીને જોઈને ગૃહસ્થ ભક્તો દ્વારા ચલાવાતા ખાનગી કેન્દ્રોને એકત્રિત કરવા પરિષદની રચના કરવાનું નક્કી થયું અને આજે સમગ્ર દેશમાં ૨૨ પરિષદો નીચે ૭૦૦ નિયમિત કેન્દ્રો કાર્ય કરી રહ્યા છે. ગુજરાત પરિષદ પણ ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ સાથે માર્ગદર્શન આપ્યું હતું.

વિવેકાનંદ યુનિવર્સિટી કોલકાતાના કુલપતિ સ્વામી આત્મપ્રિયાનંદજી મહારાજે મિશનના શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે છણાવટ કરી હતી.

પરિષદના સંમેલનમાં ૧૪ કેન્દ્રોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી પોતાના કેન્દ્રોના અહેવાલ આપ્યા હતા. દસ મિનિટનું વાંચન શ્રી એમ. જે. સાતા જોઈન્ટ કન્વીનરે કર્યું હતું. ઉપલેટા-ધરમપુર અને ધાણેટી કેન્દ્રોને નવા સભ્યો તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. આવતા બે વર્ષ માટે પરિષદના કન્વીનર તરીકે ભુજ કેન્દ્રના શ્રી કેશવભાઈ કે. ગોર ને અને જોઈન્ટ કન્વીનર તરીકે જૂનાગઢ કેન્દ્રના શ્રી મૌલેશભાઈ જે. સાતાને ચાલુ રાખવાનું સર્વાનુમતે નક્કી થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુજ કેન્દ્રના શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ કર્યું હતું.

વડોદરા ખાતે રામકૃષ્ણ મઠનો થયેલ પ્રારંભ

વડોદરા ખાતે સને ૧૯૬૯માં રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રની સ્થાપના કરવામાં આવેલી, જેની સોંપણી રામકૃષ્ણ મઠને કરી દેવાઈ છે. હવે વડોદરા ખાતે રામકૃષ્ણ મઠનો પ્રારંભ થયો છે.

આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી ખાસ કલકત્તાથી પધારેલ, જેમને રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રની સોંપણી કરી દેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દેશ વિદેશમાં ઘણાં બધા રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રો રામકૃષ્ણ મઠ મિશનનો પ્રારંભ થાય તેમ હજુ ઇચ્છે છે, જ્યારે વડોદરા શહેર આ બાબતમાં ભાગ્યશાળી છે કે જ્યાં રામકૃષ્ણ મિશન અને મઠ બંનેનો પ્રારંભ થયો છે.

મ.સ. યુનિવર્સિટીના સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે એક વિશેષ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ મઠના પ્રારંભ પ્રસંગે સ્વામી સ્મરણાનંદજીએ રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા તથા ભાવધારાની આધુનિક યુગમાં પ્રસ્તુતતા વિષય પર પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામકૃષ્ણ દેવનો સર્વ ધર્મ સમભાવનો ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. સ્વામી વિવેકાનંદજીએ આપેલ માનસિક શાંતિના ઉપદેશથી આજની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે. રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજને વડોદરા રેલ્વે સ્ટેશનથી ૭ કિલોમીટર દૂર આવેલ કલાલીની ૯,૬૦૦ ચોરસમીટર ભૂમિના દસ્તાવેજો રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રના અધ્યક્ષ શ્રી પ્રકાશ જોશીએ સોંપ્યા હતા. રામકૃષ્ણ મઠના અધ્યક્ષ તરીકે વડોદરાના સ્વામી નિખિલેશ્વરાનંદજીની વરણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ યુનિવર્સિટી, બેલૂર મઠ, હાવડાના કુલપતિ સ્વામી આત્મપ્રિયાનંદજી, લીંબડીના સ્વામી આદિભવાનંદજી, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી, પોરબંદરના સ્વામી અવ્યયાત્માનંદજી, રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્રના પ્રમુખ શ્રી પ્રકાશ જોષી, આમંત્રિત મહેમાનો, નગરજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામકૃષ્ણ મઠ, વડોદરા કેન્દ્રનું કામચલાઉ સરનામું આ પ્રમાણે રહેશે.

રામકૃષ્ણ મઠ, C/o. રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, દિલારામ બંગલો, સર્કીટ હાઉસ સામે, આર.સી. દત્ત રોડ, અલ્કાપુરી, વડોદરા.

વડોદરામાં યુવસંમેલન

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા તથા મ.સ. યુનિવર્સિટી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે સી. સી. મહેતા ઓડિટોરિયમ ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી તથા અનેક શાખાઓના યુવાન ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો.

વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર ઘડતરના સ્વામી વિવેકાનંદના સંદેશની યાદ અપાવી હતી. પ્રવચન બાદ પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ રહ્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે ફેકલ્ટી ઑફ સોશ્યલ વર્કના ડીન શ્રી અરુણા ખાસગીવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપકુલપતિ પ્રૉ. એસ. એમ. જોષીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રૉ. મગનભાઈ પરમારે આભારવિધિ કરી હતી.

આદિપુરનો અહેવાલ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સંચાલિત શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર ખાતે કાર્યરત મા શારદા પ્રશિક્ષણ કેન્દ્રની સિવણ વર્ગની જરૂરિયાતમંદ ૧૦ બહેનોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂજ્ય સ્વામી ધ્રુવેશાનંદજીના વરદ્‌ હસ્તે ૧૦ સિવણ મશીનનું વિતરણ તા. ૭ ડિસેમ્બર, ૨૦૦૬નાં રોજ થયું હતું.

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.