એક દીન સંતાન પર કરુણા દૃષ્ટિ

શ્રીમાની બીમારીની ખબર પડતાં એમનાં એક દીન સંતાન દૂર દૂરને ગામેથી આવ્યા છે અને પહેલેથી સહુને જોડે ઓળખાણ પિછાણ અને ઘનિષ્ટતા હોવાથી શ્રીમાનાં દર્શન વગેરે પણ કરી રહ્યાં છે. શ્રીમાના ઓરડામાં જઈને જરાક આઘેથી જ માનાં દર્શન કરીને તેમજ કુશળ સમાચાર પૂછીને ઝટઝટ બહાર નીકળી જાય છે, ક્યારેક વળી શ્રીમા બોલાવે તો પાસે જાય એને બેચાર વાક્યોની આપ લે થાય ખરી, પણ બને ત્યાં લગી જલદી જલદી બીતાં બીતાં બહાર જ આવતા રહે છે કે જેથી કરીને શ્રીમાને બહુ વાર લગી વાત કરીને તકલીફ ના થાય અને બીજાં લોકોની આંખે ના ચડાય. કાં તો એમ થતાં પાછું ક્યાંક આટલું આવવાનું જોવાનું યે બંધ ના થઈ જાય. માંદગીની વખતે પ્રણામ કરાય નહિ, તેથી પ્રણામ પણ નથી કરતા, ચરણસ્પર્શની વાત તો આવી રહી, બહુ બહુ તો હાથ જોડે છે. શ્રીમાના ચહેરામોરાની પ્રસન્નતા, મનપ્રાણ સ્નિગ્ધ કરનારી વાણી હજી પણ લગભગ પહેલાંના જેવી જ રહી છે. તેથી લાગતું નથી કે સંતાનોને થોડા જ વખતમાં છોડીને જતાં રહેશે. અને માણસનું મન પણ એવું છે ને કે આશા કદી છોડે નહિ. તેથી સહુના મનમાં ભરોસો છે કે શ્રીમા આ પહેલાંની માંદગીઓમાંથી સાજાં થઈને ઊઠેલાં તેમ આ વેળાએ પણ ઊઠશે અને સંતાનોના સુખના દિવસ ફરી પાછા આવશે.

જો કે શ્રીમાની પાસે જતાં હૃદય આવી રીતે આશાથી પૂર્ણ થતું પણ આઘાં જતાં જ મનમાં દુ:ખ વ્યાપી જતું. ઉપચારોની નિષ્ફળતાની વાતનો વિચાર કરતાં, ખાસ તો શ્રીમાની દેહ પ્રત્યેની ઉદાસીનતા તથા સૌથી વધારે તો રાધુ તરફના ઉપેક્ષાના ભાવને જોઈને સહુનાં અંતરમા ભારે બીક જાગતી. જે ‘રાધિ’ને ઘડીભર જુએ નહિ તો શ્રીમાનું મન આકુળવ્યાકુળ થઈ જતું, તેને હવે શ્રીમા જોવા નથી માગતાં, પાસે આવે તો ખસી જવાનું કહેતાં, એટલે લગી કે એને પોતાની પાસેથી દૂર જયરામવાટીએ જતા રહેવાનું પણ કહી દીધેલું. રાધૂનાં આંસુ પણ એમના મનને પીગળાવી શકતાં નથી. સાફ સાફ કહી દીધું છે, ‘મન ઉઠાવી લીધું છે, હવે નહિ.’ દૂર તે ગામેથી આવેલો પેલો શિષ્ય આવતો, જોઈને, એકાદ બે વાત કરીને જતો રહેતો. એટલા વડે મનને દિલાસો દેવાનો પ્રયત્ન કરવા છતાં પણ અંતરમાં દિવસે દિવસે એક પ્રબળ આકાંક્ષા આગ્રહ એને વ્યાકુળ કરતાં જતાં હતાં. ‘હાય! અમારું ફુટેલું તકદીર! કઈ ઘડીએ આ સોનેરી સ્વપ્ન ટૂટી જશે, કોણ જાણે! એક વાર પણ હૈયું ખોલીને શ્રીમાની જોડે બે ચાર વાતો કરી ના શક્યો, આંખો ઠારીને દર્શન કરવા ના પામ્યો કે ના પામ્યો ચરણસ્પર્શ કરવા! પ્રત્યક્ષ રૂપે જરા સરખી સેવા કરવાનું નસીબ પણ મળ્યું નહિ!’ આવે છે અને જાય છે, અંતરની તીવ્ર વ્યથા અંતરમાં જ ભંડારાયેલી રહી. એક દિવસેય શ્રીમાને મોઘમ રીતે પણ એકવાર મનની ઇચ્છા જણાવી નહિ. એક તો માને આટલી માંદગી અને એના ઉપરથી વળી એમને પજવવાનાં! આમે ય કેટકેટલાં દુષ્કર્મો’, પાપનો બોજો એમના પર ઢોળ્યો છે એને તો કોઈ હિસાબ નથી. અમારે લીધે જ તો આજે એમને આટલાં દુ:ખકષ્ટ સહેવાનાં થયાં છે. આવા બધા વિચાર કરીને મનમાં શરમ અને પસ્તાવો થઈ રહ્યાં છે, અને શ્રીઠાકુરની પાસે હાથ જોડીને પ્રાર્થના કરે છે, ‘ક્ષમા કરો, પ્રભો, દાસ પ્રત્યે અઢળક કૃપા કરી છે, અનેક અરમાનો પૂરા કર્યા છે, હવે વધુ કશું નહિ થાય તો પણ અફસોસ નથી. માત્ર શ્રીમાને સાજા કરી દો, નહિ તો છેવટે હજી યે થોડા વખત લગી અમને મા વિહોણાં અનાથ ના કરશો.’ શ્રીમાના બિછાનાની સામે જ ઠાકુરનું સિંહાસન છે. ત્યાં ઠાકુરને પ્રણામ કરીને, ઠાકુર તથા શ્રીમા બંનેની પાસે મનની વેદના જણાવીને તથા પ્રાર્થના કરીને રોજ પાછો ફરી જતો.

થોડાક દિવસો બાદ એક દિવસ બપોરે અચાનક કાંઈક કામસર શ્રીમાના ખંડ તરફ જવાનું થતાં એણે બારણામાંથી ઓરડામાં જરાક ડોકિયું કરતાં જ શ્રીમાએ એને સાદ દઈને સાવ પાસે બોલાવ્યો અને સામે ઊભેલી સેવિકાને એનો પંખો એના હાથમાં દઈને જવાનું કહ્યું. સંતાનના અંતરમાં આ અણાધાર્યા સંજોગોથી એક સાથે હર્ષ અને વિસ્મયનો સંચાર થયો. એને સમજ પડી કે, સેવિકા બીજા કશા કામસર જવાની રાહ જોતી હતી અને શ્રીમા પણ એને રજા આપવાનો મોકો જોઈ રહ્યાં હતાં. બપોરનું પથ્ય જમ્યા પછી એક કલાક બેઠા રહીને આરામ કર્યા બાદ આડા પડીને સૂઈ જવાનું ડૉક્ટરે કહ્યું હતું, તેથી શ્રીમા જમીને પથારી ઉપર તકિયાને અઢેલીને, પગ લાંબા કરીને બેઠેલાં છે. સેવિકા પંખો હાથમાં આપીને ચાલી ગઈ એટલે શિષ્ય શ્રીમાની પાસે ઊભો રહીને ધીરે ધીરે જરાક જરાક હવા કરી રહ્યો છે અને શ્રીમા વચમાં વચમાં એકાદ-બે વાતો કરતાં જાય છે. જરાક આંખો ઘેરાઈ રહી છે, પણ સૂશે નહિ. દીકરાની જોડે વાતોચીતો કરીને ઊંઘને હઠાવી રહ્યાં છે. કેટલાંયે દિવસ પછી આજે ‘મા-દીકરો’ અડખે પડખે છે, જમ્યા પછી સહુ આરામ કરી રહ્યાંછે, આખું યે ઘર સૂમસામ શાંત છે. કદાચ નીચેની ઓફિસમાંથી સહેજ સાજ વાત થતી સંભળાય છે. દીકરો તો બીકે બીકે પોતે થઈને કશી વાત કાઢતો નથી, પણ શ્રીમા પોતે જ એને સાવ પોતીકો કરીને, આજે એના મનપ્રાણને જાણે કે આખી જિંદગી લગી ધરવી દેવાને માટે, ઘરગથ્થુ વાતો ધીમે ધીમે બોલી રહ્યાં છે. દીકરો ડરતો ડરતો – કે જેથી કરીને શ્રીમાની બીમારી વધવા ના પામે એટલા ખાતર જ – સાવધાનીપૂર્વક જરાક છેટો જ ઊભો છે. પ્રણામ વગેરે કરવાથી રોગ કાયમ ઘર કરી જાય એવું સાંભળવાથી આ વખતે આવ્યો ત્યારથી એક દિવસ પણ શ્રીમાનો ચરણસ્પર્શ કરવાં; સાહસ એણે નથી કર્યું. આજે શ્રીમાની આટલી નજીક ઊભા રહેવા છતાં પણ વિશેષ સાવધાની વર્તી રહ્યો છે કે, શ્રીમાના દેહને સ્પર્શ ન થાય. પણ શ્રીમાએ આડીતેડી વાતો કરીને પછી પોતાની માંદગીની વાત ઉપાડી અને કહ્યું કે આટઆટલા ઉપચારો છતાં યે કશો ફાયદો થતો નથી. શિષ્ય જાણે કે બાળકને સમજાવતો હોય તેમ કહે છે કે, ‘ના, ના, ઠાકુરની કૃપાથી સારું થઈ જશે, કશી ચિંતા નથી’, વગેરે. શ્રીમાના ચહેરા પર, આંખોમાં કે વાતોમાં ક્યાંયે બીમારીને માટે કે શરીરને ખાતર રજમાત્ર દુ:ખ, ચિંતા કે ઉદ્વેગનું કશું ચિહ્‌ન દેખાતું નથી. શરીર ઉપર શ્રીમાનું જરા પણ મન નથી એમ સમજીને સંતાનના મનમાં વિષાદ અને ચિંતા થઈ રહ્યાં છે, પણ એને ભીતરમાં દબાવી રાખીને માની બીમારી મટી જવાની અને સાજા થઈને ઊઠવાની તરફ જ વાતોને વાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. શ્રીમા એના મોંઢા ભણી જોઈને દયામણી નજરે, ‘જો ને, ખાડો પડે છે’. એમ કહેતાં કહેતાં પગની પાટલી ઉપર આંગળીનું ટેરવું દબાવીને દેખાડ્યું. તો થોડોક ખાડો પડી રહ્યો. સંતાન એ ખાડા ભણી એકી ટસે જોઈ રહ્યો. એમણે કહ્યું, ‘જોને, તું પોતે તારી આંગળી વડે.’

દેહસ્પર્શ કરવાનો સંતાનને ડર હતો, તેથી પગને અડકવાની એની જરાયે ઇચ્છા કે હિંમત નહોતી. શ્રીમા કહે છે એટલે નાછૂટકે આંગળીનું ટેરવું જરાક અમથું અડાડ્યું ફક્ત. એટલાથી શ્રીમા રાજી ના થયાં અને હસતે મોઢે બોલ્યાં, ‘જોરથી દબાવીને જો ને.’ એટલે હવે સારી રીતે જોયા વિના બીજો રસ્તો ના રહ્યો. પગે સારી રીતે હાથ મૂકવો જ પડ્યો, આંગળી વડે સારી રીતે દબાવીને દીઠું કે ખાડો પડે છે. શ્રીમા એ આંગળીના નિશાન ભણી, પગની પાટલી પર પડેલા ખાડા ભણી તાકીને જોઈ રહ્યાં છે – એવી રીતે કે જાણે કોઈ બીજાનું જ શરીર હોય! પોતાના દેહનું કે દેહના રોગનું, કશાનું જાણે એમને ભાન નથી.’ આંગળી વડે દબાવેલે ઠેકાણે ‘ખાડો’ હજી પડેલો છે, ભરાઈને સરખો થતાં વાર લાગી. સંતાનને જોઈને સાફ સાફ સમજાઈ ગયું કે, શરીરમાં લોહીનું પાણી થઈ જવાથી સોજા ચઢેલા છે. એનો ચહેરો વીલાઈ ગયો અને દિલ એથી પણ વધુ. ચૂપચાપ ઊભો છે, શ્રીમા એ એના મોં ભણી જોયું. લાગે છે કે દીકરાના દિલનો વલોપાત સમજી ગયાં છે. માંદગીની વાત બદલીને બીજી વાતો કાઢી. પણ જે કાળી વાદળીએ આજે સંતાનના હૃદયાકાશે દેખા દીધી, તેણે દિવસે દિવસે વધતાં જઈને થોડાક જ દિવસોમાં બધે અંધાર ફેલાવી દીધેલો. ઘડિયાળ જોવામાં આવી, એક કલાક પૂરો થતાં શ્રીમા સૂઈને આરામ કરવા લાગ્યા. સંતાન પાસે ઊભો રહીને જરાક જરાક પંખો કરીને માખી ઊડાડતો રહ્યો. થોડીકવાર આરામ કરીને સાધારણ ઊંઘ કરીને શ્રીમા ઊઠ્યાં. મોઢું ધોવા માટે સંતાને પાણી આપીને તાંસિયું ધર્યું. શ્રીમાએ મોંમાં અડધું ખાધેલું પાન હતું તે પહેલાં તાંસિયામાં નાખ્યું, અને કોગળા કરી રહ્યાં પછી વરંડામાં જઈને નિર્બોધ સંતાને તાંસિયું ધોઈને પાણી નીચે ફેંકયું અને ત્યારે એને અચાનક હોશ આવ્યા કે, કેવી તો દુર્લભ ચીજ આજે એણે બેદરકારીથી ફેંકી દીધી. એ ચીજ તો હવે હાય, કદી માથું પટકીને પણ નહિ મળે. પ્રસાદી તાંબુલ પોતાને હાથે ફગાવી દીધું! શ્રીમાએ પછી પાણી પીવા માગ્યું. સંતાન શ્રીમાને એમની નાનકડી લોટી વડે પાણી પીવડાવી રહ્યો છે, પણ શ્રીમા ઘૂંટડો ગળે ઊતારી નથી શકતાં. બરડે ડાબો હાથ મૂકીને જમણે હાથે છાતી જરાક પસવારી ત્યારે પાણી નીચે ઊતર્યું. શ્રીમા સંતાન ભણી નિહાળી રહ્યાં છે, દીકરાએ આસ્તે આસ્તે એ જ રીતે ઘૂંટડે ઘૂંટડે કરીને પાણી પીવડાવી દીધું. શ્રીમાની સેવા કરવાની હોંશ આજે જરાક પૂર્ણ થઈ એમાં શંકા નથી, પણ સમજાઈ યે ગયું કે, ‘અમારું તકદીર ફુટી ગયું છે, હવે બહુ દિવસ બાકી નથી.’

બપોર ઢળી ગયા છે. શ્રીમા ઊઠીને બેઠાં છે. માણસો હલચલ હરફર કરવા માંડ્યાં છે. એક જણ એક કામ માટે આવ્યા. શ્રીમાએ પાલવને છેડેથી ચાવી છોડીને સંતાનના હાથમાં મૂકી અને એમની પેટીમાંથી પૈસા કાઢી આપવાને કહ્યું. શ્રીમાની એ જ પેલી, લાંબા સમયથી વપરાઈ રહેલી અતિ પરિચિત નાનકડી સ્ટીલની પેટીને (ક્યાંયે મુસાફરી કરે ત્યાંની નિત્યસંગી – એમાં ઠાકુરની છબી વગેરે રાખતાં) હાથ અડાડીને અને એને ખોલીને અંદર ગોઠવીને મૂકેલી બધી વસ્તુઓ જોઈને સંતાનના મનમાં વારંવાર થવા લાગ્યું, ‘શ્રીમા મહામાયા, તમારી આ અદ્‌ભુત સંસાર-લીલા, જેને કૃપા કરીને દીન સંતાનોને દેખાડી છે, તેને શું આટલી જલદીથી સમેટી લેશો? એની જો કલ્પના સુદ્ધાં આ પહેલાં કરી શક્યો હોત તો, હજીયે વધારે સારી રીતે જોઈ લેત ને, મા!’

સાંજના ચાર ઉપર વાગી ગયા છે, બીજાં જણ સેવાને માટે આવી ગયા છે, સંતાનને વિદાય લેવી પડી. મુખ પર હર્ષ, અંતરે વિષાદ, ચિંતા, ઉદ્‌બોધનનો દરવાજો વટાવીને રસ્તા ઉપર આવતાં સંતાનના મનમાં થયું, જોઉં તો પ્રસાદી પાનમાંથી જરાક પણ મળે છે કે નહિ! શોધી શોધીને જરાક જેટલું મળ્યું, એટલાથી પણ તૃપ્તિ અને આનંદ મળ્યાં. વધુ શોધાશોધ કરવાની જિગર ચાલી નહિ, વળી પાછું કોઈકને અણસારો પડી જાય. તે જ વખતે દીઠું કે પાસે જ સુધીરાદેવી પહેરેલી સાડીનો પાલવ ગળે વીંટાળીને અતિ ભક્તિપૂર્વક શ્રીમાના મકાનની સીડી ઉપર માથું ટેકવીને, ઘૂંટણભેર થઈને પ્રણામ કરી રહ્યાં છે. શ્રીમાના દર્શન કરવા ઉપર જશે. શ્રીમાએ સંતાનને છેલ્લવેલું પાથેય ઘણું ઘણું દીધું, પરંતુ ‘કંગાળને રત્ન મળે તો યે શું તે કદી રાખી શકે?’

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.