ખેતડીનિવાસની કેટલીક ઘટનાઓ – ૨

રાજા અજિતસિંહનો પરિવાર

સ્વામીજીને રાજા સાહેબ સાથે જીવનભરનો સારો એવો અંતરંગ સંબંધ બંધાઈ ગયો હતો અને સ્વામીજીએ માઉન્ટ આબુ તથા ખેતડીમાં ત્રણવાર રાજાસાહેબ સાથે કુલ મળીને છ મહિના જેટલો નિવાસ કર્યો હતો. આને લીધે એમના પરિવારના લોકો પણ સ્વામીજીના સંપર્ક-સંબંધમાં આવ્યા. આગળ જણાવેલ તથ્યોથી એવું જાણવા મળે છે. એટલે રાજા સાહેબના પરિવારનો યત્કિંચિત પરિચય અહીં દેવો સુયોગ્ય બની રહેશે. આ વિશે અધિકાંશ તથ્યોનું સંકલન પંડિત જાબરમલ શર્માના ‘આદર્શ નરેશ’ ગ્રંથમાં થયું છે.

તત્કાલીન રાજાઓમાં બહુવિવાહની પ્રથા હતી. પરંતુ રાજા અજિતસિંહે માત્ર એક જ લગ્ન કર્યાં હતાં. એમનાં લગ્ન સંવત ૧૯૩૨ (ઈ.સ. ૧૮૭૫)માં ઠાકુર દેવીસિંહજી ચાંપાવતની પુત્રી સાથે થયાં હતાં. આને લીધે તેઓ મહારાણી ચાંપાવતજીથી જાણીતાં હતાં. એમને કુલ ત્રણ સંતાન હતા, બે પુત્રીઓ અને ત્યાર પછી એક પુત્ર. પુત્રીઓનાં નામ સૂર્યકુમારી અને ચંદ્રકુમારી હતાં. પુત્ર જયસિંહનો જન્મ બે પુત્રીઓ પછી થયો હતો.

મહારાણી ચાંપાવતજી

મહારાણી ચાંપાવતજી એક પતિવ્રતા, ઉદાર દિલના, સ્વધર્મપરાયણ, તેજસ્વિની નારી હતાં. વિવાહ પછી રાજા સાહેબની જેમ જ એમણે પણ વિદ્યાભ્યાસ કર્યો હતો. તેઓ હિંદી ઉપરાંત થોડું સંસ્કૃત, અંગ્રેજી અને ઉર્દૂ પણ જાણતાં હતાં. એમણે ડ્રોઈંગ-પેઈન્ટિંગ, સીવણ, વણાટકામ જેવી કળાઓમાં કૌશલ્ય મેળવ્યું હતું. પોતાના અંગત પુસ્તકાલયમાં એમણે ૨૦૦૦ થી વધારે ઉત્તમોત્તમ પુસ્તકો વસાવ્યાં હતાં… એમને ડાક્ટરીનો પણ સારો એવો અનુભવ હતો. તેઓ સાધારણ બીમારીઓને ઓળખી જાણીને એલોપથીની દવાઓ અને પીવાનું મિશ્રણ વગેરે બરાબર તોલમાત્રા પ્રમાણે બનાવી દેતાં. પોતાના ધર્મમાં એમને પૂરી શ્રદ્ધા હતી. પ્રાચીન મર્યાદાનું પાલન કરવામાં તેઓ એટલાં દૃઢ હતાં કે ખેતડીની બહાર પ્રવાસે જવામાં પણ તેઓ પડદાનું ચુસ્તતાથી પાલન કરતાં. એમનું દેહાવસાન ૧૬ મે, ૧૯૦૪ના રોજ થયું હતું.

સ્વામીજી જ્યારે ૧૮૯૧માં ખેતડીમાં આવ્યા ત્યારે રાજાસાહેબની મોટી પુત્રી સૂર્યકુમારી નવ વર્ષની હતી અને નાની દીકરી ત્રણ વર્ષની હતી. પુત્ર જયસિંહનો હજુ જન્મ જ થયો ન હતો.

જ્યેષ્ઠપુત્રી સૂર્યકુમારી (૧૮૮૨-૧૯૧૩)

રાજા અજિતસિંહની જ્યેષ્ઠપુત્રી સૂર્યકુમારીનો જન્મ ૧૮૮૨ (સંવત ૧૯૩૯)માં થયો હતો. તેમના વિવાહ ૧૮૯૪ (સંવત ૧૯૫૧)માં થયા હતા. અને એમનું અવસાન ૧૯૧૩ (સંવત ૧૯૭૦)માં થયું. સ્વામીજી ૧૮૯૧, ૯૩ અને ૯૭માં એમ ત્રણવાર ખેતડી ગયા હતા. રાજાની મોટી પુત્રી સૂર્યકુમારીએ સંભવત: ત્રણેયવાર સ્વામીજીનાં દર્શન કર્યાં હતાં. એ સમયે એમની ઉંમર ક્રમશ: ૯, ૧૧ તથા ૧૫ વર્ષની હતી. રાજકુમારીની સ્વામીજી પર આજીવન અસીમ ભક્તિ રહી હતી. પંડિત જાબરમલ શર્મા એમને વિશે આમ લખે છે : ‘શ્રીમતી સૂર્યકુમારીજીનું જીવન ધર્મભાવયુક્ત દયા, ઉદારતા અને પરોપકારમય હતું. હિંદી પ્રત્યે એમને કેટલો અનુરાગ હતો એ જાણવા માટે એમણે કરેલ હિંદી પુસ્તકોનો સંગ્રહ જ પર્યાપ્ત છે. આ સંગ્રહ શાહપુરાના રાજમહેલમાં આજે પણ સુરક્ષિત જળવાયેલો છે. તેઓ હિંદી પણ ઘણું સારું લખતાં. એમણે રચેલાં રંગરંજિત ચિત્ર (ઓઈલ પેઇન્ટિંગ્સ) અને હાથ કારીગીરીની ચીજવસ્તુઓ એમના કૌશલ્યનો પરિચય આપે છે. પિતાના ઘરે સ્વામી વિવેકાનંદજીના ઉપદેશો સાંભળીને અને પછીથી એમનાં વ્યાખ્યાનો તથા લેખો વાંચીને શ્રીમતી સૂર્યકુમારીજીની ભક્તિ અદ્વૈતવેદાંત પર દૃઢ બની… કેટલાંક વર્ષો બાદ શ્રીમતી સૂર્યકુમારીજીના સ્મારકમાં રાજાધિરાજશ્રી ઉમેદસિંહજી સાહેબે ૧ લાખ રૂપિયા દાનમાં આપ્યા. એ રૂપિયાના વ્યાજની આવકમાંથી સત્તર હજાર રૂપિયા ‘કાશી નાગરી પ્રચારિણી સભા’ને દાન રૂપે આપીને રાજાજીએ ‘સૂર્યકુમારી પુસ્તકમાલા’ના પ્રકાશનની વ્યવસ્થા ગોઠવી હતી. આ વ્યવસ્થા પ્રમાણે ‘સૂર્યકુમારી પુસ્તકમાલા’માં કેટલાંયે ઉત્તમોત્તમ પુસ્તકો પ્રકાશિત થયાં અને આજે પણ થઈ રહ્યાં છે. (આદર્શ નરેશ, પૃ.૨૯૦-૯૨)

હિંદીના સુપ્રસિદ્ધ લેખક તથા કથાકાર શ્રી ચંદ્રધર શર્મા ગુલેરીએ આ ગ્રંથમાળાના સંપાદન કાર્યનો ભાર પોતે જ ઘણા ઉત્સાહ સાથે સ્વીકાર્યો હતો. સ્વામી વિવેકાનંદજીના પુસ્તક ‘જ્ઞાનયોગ’ પણ શ્રી જગન્મોહન વર્મા દ્વારા હિંદીમાં અનૂદિત થઈને ‘નાગરી પ્રચારિણી સભા’ દ્વારા ‘વિવેકાનંદ ગ્રંથાવલી’ના પ્રથમ બે ખંડના રૂપે ક્રમશ: ૧૯૨૧ તથા ૧૯૨૩માં પ્રકાશિત થયું હતું. ગ્રંથમાળાની ભૂમિકામાં ગુલેરીજી પોતે આમ લખે છે: ‘શ્રીમતી સૂર્યકુમારીજી ઘણાં શિક્ષિત હતાં. એમનું અધ્યયન ઘણું વિશાળ હતું. એમનું હિંદી પુસ્તકાલય પરિપૂર્ણ હતું. તેઓ હિંદી એટલી સારી રીતે લખતાં અને એમના હસ્તાક્ષર એટલા સુંદર મરોડદાર હતા કે એ જોનાર આશ્ચર્યચકિત થઈ જતા. સ્વર્ગવાસના થોડા સમય પહેલાં શ્રીમતી સૂર્યકુમારીજીએ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદનાં બધાં ગ્રંથો, વ્યાખ્યાનો, લેખોનો પ્રામાણિક હિંદી અનુવાદ હું છપાવીશ. બાલ્યકાળથી જ સ્વામીજીના લેખો અને અધ્યાત્મ અને એમાંય વિશેષ કરીને અદ્વૈત વેદાંત પ્રત્યે એમને ઘણી રુચિ હતી. એમના નિર્દેશ અનુસાર એનો એક કાર્યક્રમ પણ તૈયાર થયો હતો. સાથે ને સાથે એમણે એવી ઇચ્છા પ્રગટ કરી હતી કે આ વિશે હિંદીમાં ઉત્તમોત્તમ ગ્રંથોના પ્રકાશન માટે એક અક્ષયનિધિની વ્યવસ્થાનો પણ પ્રારંભ થઈ જાય. આ વ્યવસ્થાપત્ર બનતાં બનતાં જ રાજકુમારીનો સ્વર્ગવાસ થઈ ગયો. રાજકુમાર શ્રી ઉમેદસિંહજીએ પોતાનાં પત્નીની અંતિમ ઇચ્છાનુસાર આશરે ૧ લાખ રૂપિયા રાજકુમારીના આ સંકલ્પની પૂર્તિ માટે આપ્યા. ‘કાશી નાગરી પ્રચારિણી સભા’ દ્વારા આ ગ્રંથમાળાના પ્રકાશનની વ્યવસ્થા થઈ છે. સ્વામી વિવેકાનંદજીના પ્રાપ્ય નિબંધો ઉપરાંત બીજા પણ ઉત્તમોત્તમ ગ્રંથ આ ગ્રંથમાળામાં છપાશે અને એના ખર્ચથી થોડીક વધારે કીમત પર સર્વસામાન્ય માણસો માટે આ ગ્રંથ સુલભ બનશે.’ એવું જણાય છે કે નાગરી પ્રચારિણી સભાએ આ એક માત્ર ગ્રંથના પ્રકાશન કાર્ય ઉપરાંત ‘વિવેકાનંદ ગ્રંથાવલિ’ના પ્રકાશન કાર્યને આગળ ન વધાર્યું.

કનિષ્ઠ કન્યા ચંદ્રકુમારી (૧૮૮૮)

રાજા અજિતસિંહની નાની પુત્રી ચંદ્રકુમારીનો જન્મ ૧૮૮૮માં થયો હતો. તેમનાં લગ્ન પોતાના પિતા રાજા અજિતસિંહના અવસાન પછી ૧૯૦૨માં દેવળિયા-પ્રતાપગઢના રાજકુમાર માનસિંહજી સાથે થયાં હતાં. ચંદ્રકુમારી પણ પરમ વિદૂષી, દયાળુ અને સ્વધર્મપરાયણ હતાં. પોતાના પિતા રાજા અજિતસિંહની જીવનકથા લખાય એવી એમની ઘણી ઉત્કટ ઇચ્છા હતી. આ માટે ગુલેરીજીએ શ્રી જાબરમલજીને પત્ર લખીને આ કાર્ય માટે પ્રેર્યા. ચંદ્રકુમારીજીએ જ આ ગ્રંથ માટે સાધનસામગ્રી પૂરી પાડી. (રાજસ્થાન અને નહેરુ પરિવાર, સંવત ૧૯૮૧, પૃ.૬૬) 

મહારાજાની પુત્રકામના

મહારાજા જે સમયે સ્વામીજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા હતા તે સમયે એમને બે પુત્રીઓ હતી. પરંતુ એમને ઉત્તરાધિકારી રૂપે કોઈ પુત્ર ન હતો. તેઓ પોતે પણ દત્તક રૂપે આવ્યા હતા અને એમના પિતા રાજા ફતેહસિંહ પણ દત્તક રૂપે આવ્યા હતા. એમના વંશનું સૂત્ર કેવી રીતે આગળ ચાલશે એ વિશે એમને ઘણી ચિંતા રહેતી. ગુરુદેવના આશીર્વાદથી અવશ્ય પુત્ર મળશે એવી એમની શ્રદ્ધા હતી. એક દિવસ સ્વામીજીના પગ દબાવતી વખતે એમની સમક્ષ પોતાની મનોવેદનાને વ્યક્ત કરતાં આવું બોલી ઊઠ્યા: ‘મહારાજ, મારે ત્યાં એક પુત્ર જન્મે એવા આશીર્વાદ આપો. આપના શ્રીમુખેથી ‘તથાસ્તુ’નું ઉચ્ચારણ માત્ર થવાથી મારી ઇચ્છા પૂર્ણ થઈ જશે એવી મારી પાકી શ્રદ્ધા છે.’ રાજાના હૃદયની વિનંતી સાંભળીને સ્વામીજી થોડા ચિંતિત બન્યા પરંતુ એમનો અતૂટ વિશ્વાસ જોઈને સ્વામીજીનું હૃદય દ્રવી ઊઠ્યું. રાજાની આર્તભરી પ્રાર્થનાની ઉપેક્ષા કરવામાં અસમર્થ બનીને સ્વામીજીએ કહ્યું: ‘સારુ, મહારાજ, ભગવાન શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી આપની મનોકામના પૂર્ણ થશે.’ આગળ ઉપર આપણે જોઈશું કે આશરે દોઢેક વર્ષ પછી સ્વામીજીનો આ આશીર્વાદ અક્ષરશ: ફળ્યો.

સ્વામીજીની પઠનશૈલી

સ્વામીજી જ્યારે કોઈ પણ પુસ્તક વાંચતા ત્યારે તેઓ એ પુસ્તક તરફ જોતાં જોતાં ઝડપથી એનાં પાનાં પલટતા. આ જોઈને એક દિવસ મહારાજાએ પૂછ્યું: ‘સ્વામીજી, આટલી ઝડપથી આપ કેવી રીતે વાંચી લો છો?’ સ્વામીજીએ પ્રત્યુત્તરમાં કહ્યું: ‘કોઈ બાળક જ્યારે નવું નવું વાંચન શરૂ કરે છે ત્યારે તે એક એક અક્ષરનું બેત્રણવાર ઉચ્ચારણ કર્યા પછી જ પૂરેપૂરો શબ્દ ઉચ્ચારે છે. એ સમયે એનું ધ્યાન પ્રત્યેક અક્ષર પર રહે છે, પરંતુ જ્યારે એ બાળકનો અભ્યાસ આગળ વધી જાય છે ત્યારે તેની દૃષ્ટિ અક્ષર પર નહિ પણ એક એક શબ્દ પર પડે છે. અને તે બાળક અક્ષરો પર ધ્યાન રાખ્યા વિના જ સીધેસીધું શબ્દોનું જ્ઞાન મેળવે છે. જ્યારે એનો અભ્યાસ હજુ પણ આગળ વધે છે ત્યારે તેની નજર સીધેસીધી એક એક વાક્ય પર પડે છે અને એનો અર્થ પણ જાણી લે છે. આ અભ્યાસમાં હજુ પણ વધુ વૃદ્ધિ થાય તો એક એક પૃષ્ઠનું જ્ઞાન થવા લાગે છે. આ કેવળ મન:સંયમ તથા અભ્યાસનું પરિણામ છે. આપ પણ પ્રયાસ કરો તો આપને પણ એવું જ લાગશે.’

સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ

ખેતડીનિવાસ દરમિયાન જ સ્વામીજીનો પરિચય ત્યાંના રાજપંડિત નારાયણ દાસ શાસ્ત્રી (૧૮૪૫-૧૯૨૪) સાથે થયો હતો. પંડિતજીનો જન્મ ૧૮૪૫માં અલવર રાજ્યના ‘ગાજીકા થાના’નામના સ્થળે થયો હતો. એમણે કાશીમાં જઈને પંડિત ગોવિંદ શાસ્ત્રી તથા મહામહોપાધ્યાય પંડિત શિવકુમાર શાસ્ત્રી પાસેથી સંસ્કૃત વ્યાકરણનું જ્ઞાન શિક્ષણ મેળવ્યું હતું. આ વિષય પર તેઓ પોતાના સમયકાળમાં મહાનતમ વિદ્વાનોમાંના એક હતા. ૧૮૮૩માં તેઓ ખેતડીની રાજકીય સંસ્કૃત પાઠશાળામાં શિક્ષક હતા. અષ્ટાધ્યાયી અને સિદ્ધાંત કૌમુદી એમને કંઠે હતી. (આદર્શ નરેશ, પંડિત જાબરમલ શર્મા, સંવત ૧૯૪૦, પૃ.૬૯)

સ્વામીજીએ જયપુરમાં પણ કેટલાક દિવસો સુધી સંસ્કૃત વ્યાકરણનું અધ્યયન કર્યું હતું. ખેતડીમાં એ માટેનો સુયોગ જોઈને એમણે પોતાનો અધ્યયનક્રમ ફરીથી આરંભ્યો. સ્વામીજી પંડિતજી પાસેથી પતંજલિ રચિત મહાભાષ્યનું અધ્યયન કરવા લાગ્યા. પેલા દિવસે અધ્યયન કરાવ્યા પછી પંડિતજી બોલી ઊઠ્યા: ‘સ્વામીજી, આપના જેવા વિદ્યાર્થી મળવા કઠિન છે. જો મેં આપને જોયા ન હોત તો આપના જેવી પ્રતિભા મનુષ્યમાં સંભવ છે કે કેમ એવો વિશ્વાસ કદાચ મને ન થાત.’ એક દિવસ પંડિતજીએ થોડુંક વધારે ભણાવી દીધું. પછીના દિવસે એ જ વિષયને સંબંધિત પ્રશ્ન પૂછતાં સ્વામીજીએ પૂરેપૂરા પાઠની જ આવૃત્તિ કરીને સંભળાવી દીધી અને એની સાથે પોતાનો મત પણ જોડીને દર્શાવી દીધો. પંડિતજી મુગ્ધ બનીને એમને હજુ પણ વધુ ને વધુ માત્રામાં ભણાવવા લાગ્યા. થોડા દિવસો પછી સ્વામીજી જે કોઈ પણ પ્રશ્ન પૂછતાં તેનો પંડિતજી ઉત્તર ન આપી શકતા. એટલે થોડા દિવસો પછી સ્વામીજીને લાગ્યું કે હવે તેઓ પંડિતજી પાસેથી કંઈ વધુ શીખી રહ્યા નથી અને પંડિતજીએ પણ જોયું કે સ્વામીજી પોતે જ પ્રશ્ન પૂછીને તેઓ પોતે જ એની મીમાંસા કરી રહ્યા છે ત્યારે પંડિતજીએ કહ્યું: ‘સ્વામીજી, હવે આપને શીખવવા માટે કંઈ શેષ રહ્યું નથી. હું જે કંઈ પણ જાણતો હતો તે બધું આપને શીખવી દીધું છે અને આપે પણ એ બધું આત્મસાત્‌ કરી લીધું છે.’ સ્વામીજીએ પંડિતજીને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને કૃપાપૂર્વક શિક્ષણ આપવા માટે એમના પ્રત્યે હૃદયની કૃતજ્ઞતા પણ પ્રગટ કરી. જે ખંડમાં જઈને સ્વામીજી પંડિત નારાયણ દાસજી પાસેથી વ્યાકરણ શીખતા અને વાચતા હતા તે ખંડ ખેતડીની સંસ્કૃત કોલેજમાં આજે પણ જોવા મળે છે.

સ્વામી અખંડાનંદજીએ આ ઘટના વિશે આમ કહ્યું હતું: ‘સ્વામીજી એવા વિદ્વાન! આમ છતાં પણ એમણે ખેતડીમાં પંડિત નારાયણ દાસ પાસેથી પાણિનિ વ્યાકરણ ભણવાનું શરૂ કર્યું. ખેતડીમાં એમના (સ્વામીજી)થી વધુ સન્માનનીય બીજું કોણ હતું! રાજાના ગુરુ હોવાને લીધે તેમજ પોતાનાં ત્યાગ, તપસ્યા તથા વિદ્વત્તાને લીધે પણ ખરા. એમણે મને કહ્યું હતું: ‘નારાયણ દાસ પાસેથી એક વિદ્યાર્થીની જેમ ભણવાનું શરૂ કર્યું હતું.’ (અખંડાનંદ કથા (બંગાળી), ઉદ્‌બોધન, એપ્રિલ, ૧૯૮૦, પૃ.૭)

સ્વામીજીએ પંડિતજી પ્રત્યે આજીવન શ્રદ્ધાપ્રીતિનો ભાવ જાળવી રાખ્યો હતો. પછીથી ૧૩ નવેમ્બર, ૧૮૯૫ના રોજ લંડનથી સ્વામી અખંડાનંદજીના નામે પોતાના એક પત્રમાં આમ લખ્યું હતું: ‘પંડિત નારાયણ દાસજીને મારા પ્રેમાલિંગન પાઠવશો. તેઓ ઘણા ઉદ્યમી છે અને સમય આવ્યે તેઓ વિશેષ કાર્યક્ષમ સાબિત થશે.’

પંડિતોનો તર્ક

સ્વામી અખંડાનંદજીએ ખેતડીમાં બનેલી એક બીજી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે: ‘અમારા સ્વામીજીની તુલના થઈ ન શકે. તેઓ ‘અક્રોધ-પરમાનંદ’ હતા. હું રાજપુતાના ગયો હતો અને ત્યાં વાળંદ મારું મુંડન કરતો હતો, સાથે ને સાથે કહેતો હતો: ‘મહારાજ, આપ લોકોના સ્વામીજીની કોઈ જોડ નથી. અમે તો અભણ છીએ, એમની વિદ્વત્તાને ભલા અમે કેમ સમજી શકીએ? પરંતુ એનું ધૈર્ય અને ક્રોધ સંવરણ કરવાની ક્ષમતા બીજા કોઈમાં મને જોવા નથી મળી.’ એક વખત જોવા મળ્યું કે કેટલાક પંડિતો એમને તર્કાતર્કમાં પરાજિત કરવા આવ્યા છે, એમના પ્રત્યે અપમાનજનક વાતો કરી રહ્યા છે અને તેઓ પણ હસતાં હસતાં એ બધા પંડિતોને ઉત્તર આપી રહ્યા છે. છેવટે જે લોકો એમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા હતા તેઓ જ એમના અનુગત બની ગયા. (અખંડાનંદ કથા (બંગાળી), ઉદ્‌બોધન, એપ્રિલ, ૧૯૮૦, પૃ.૭)

અનુરાગી પંડિત શંકરલાલ શર્મા

પંડિત શંકરલાલ પણ ખેતડીમાં સ્વામીજીના અનુરાગી ભક્તોમાંના એક હતા. સ્વામીજીએ અનેકવાર એમને ઘરે જઈને એમની ભિક્ષા ગ્રહણ કરી હતી. પછીથી એમણે સ્વામીજી સાથે પત્ર-વ્યવહાર પણ કર્યો હતો. એક વર્ષથી પણ વધુ સમયકાળ પછી સ્વામીજીએ મુંબઈથી એક પત્ર લખ્યો હતો. આ પત્રની ચર્ચા હવે પછી આવશે. અહીં એમનો થોડોઘણો પરિચય માત્ર આપીએ છીએ:

પંડિત શંકરલાલનો જન્મ ૧૮૬૪માં મેરઠમાં થયો હતો. એમણે અલ્લાહાબાદની મ્યોર સેન્ટ્રલ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. ૧૮૮૮માં ખેતડીના નરેશ અજિતસિંહજી સાથે એમની જયપુરમાં મુલાકાત થઈ. પહેલેથી જ રાજાસાહેબ એક આધુનિક કેળવણી મેળવનાર કોઈ સુયોગ્ય વિદ્વાનની શોધમાં હતા. પંડિત શંકરલાલને દરેક રીતે સુયોગ્ય અને ઉપયોગી સમજીને ૧૮૮૯માં ખેતડી સ્કૂલનો કાર્યભાર સોંપી દીધો. આ શાળામાં પહેલેથી જ અનેક વિદ્વાનો હતા પણ અભ્યાસનો કોઈ નિયમિત ક્રમ ન હતો. રાજાજીના નિર્દેશ પ્રમાણે શંકરલાલજીએ ઘણી તત્પરતા સાથે રાજ્યની શિક્ષણપ્રણાલીને સુવ્યવસ્થિત કરી. રાજકીય પાઠશાળાના – ખેતડી હાઈસ્કૂલ અને સંસ્કૃત પાઠશાળા – એવા બે વિભાગ કરવામાં આવ્યા. હાઈસ્કૂલનું શિક્ષણ પ્રયાગ વિશ્વવિદ્યાલયના પાઠ્યક્રમ પ્રમાણે થવા લાગ્યું. સંસ્કૃત પાઠશાળામાંથી કાશીની પ્રથમા અને મધ્યમાની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને મોકલવા લાગ્યા. પછીથી શંકરલાલજીને ખેતડીના શિક્ષણ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવી દીધા. ત્યાર પછી એમણે સમગ્ર રાજ્યમાં હિંદી અને અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી કેટલીક મિડલ સ્કૂલ અને પ્રારંભિક હિંદી શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે અનેક પાઠશાળાઓ સ્થાપી. બધાં વિદ્યાલયોમાં મફત કેળવણીની વ્યવસ્થા હતી. એના નિયમિત રૂપે નિરીક્ષણ માટે એક સ્કૂલ ઇન્સ્પેક્ટરની પણ નિમણૂક થઈ. વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જાળવવા વ્યાયામ તથા રમતગમતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પછીથી સ્વામીજીના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજીએ પણ ખેતડી પધારીને શિક્ષણ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. રાજાજીએ સ્થાપેલી ખેતડી હાઈસ્કૂલ માત્ર શેખાવાટીમાં જ નહિ પણ સમગ્ર જયપુર મંડળમાં પ્રથમ કક્ષાની હતી.

ખેતડીના સામાન્યજનોની વચ્ચે

ઉપર્યુક્ત વાતો પરથી કોઈ એવું ન ધારી લે કે સ્વામીજી પોતાનો પૂરેપૂરો સમય રાજાના મહેલમાં કે વિદ્વાનોની સાથે પસાર કરતા. તેઓ પ્રાય: ત્યાંના નિર્ધન ભક્તોને ઘરે જઈને દર્શન આપતા. એમને માટે રાજા અને પ્રજા બધા એક સરખાં સ્નેહપ્રેમનાં પાત્ર હતાં. સંપૂર્ણ ખેતડી નગરના લોકો સ્વામીજીના ગુણો પર વારી જતા. સ્વામીજી મહારાજાને જેવા સ્નેહભાવની દૃષ્ટિએ જોતા એવી જ દૃષ્ટિએ દીનતમ પ્રજાજનને પણ જોતા. તેઓ એ બધા લોકોની સાથે અવસર મળ્યે કેટલીયેવાર ધર્મચર્ચા કરતા. ચર્ચાના વિષયને સરળ, સરસ અને સ્પષ્ટ કરવા માટે વચ્ચે વચ્ચે સ્વામીજી પોતાના ગુરુદેવ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનની ઘટનાઓ તથા તેમના ઉપદેશોનો પણ ઉલ્લેખ કરતા. એ બધા લોકોને પરમહંસદેવનાં દર્શન કરવાનું સૌભાગ્ય તો સાંપડ્યું ન હતું પરંતુ સ્વામીજીની દૈનંદિન જીવનમાં પવિત્રતા અને મધુરતામાં એમને પરમહંસદેવના જ જીવનની એક ઝલક જોવા મળતી.

ચમારના હૃદયની ગુણવત્તા

ખેતડીમાં રહેતી વખતે એવું જણાય છે કે સ્વામીજી વચ્ચે વચ્ચે એકાંતવાસ તેમજ તપસ્યા માટે આજુબાજુમાં ક્યાંક નીકળી જતા અને કેટલાય દિવસો પછી પાછા ફરતા. અહીંના વાકયાત રજિસ્ટરમાં પ્રતિદિન સ્વામીજીનો ઉલ્લેખ જોવા નથી મળતો એનું કારણ પણ એ જ છે. ખેતડી કે તેની આસપાસ ક્યાંક બનેલી એક ઘટના સ્વામીજીએ ગિરિશચંદ્ર ઘોષને વર્ણવી હતી:

‘હું એક સ્થળે બેઠો હતો. ત્યાં લોકો મારી પાસેથી ઉપદેશ સાંભળવા ટોળાબંધ આવતા. ત્રણ દિવસ સુધી નિરંતર આવી રીતે લોકસમાગમ ચાલ્યો. સત્સંગ કર્યા પછી બધા લોકો ઊઠીને ચાલ્યા જતા, પણ મેં ભોજન લીધું છે કે નહિ એ વિશે કોઈએ એકવાર પણ પૂછ્યું નહિ. ત્રીજી રાતે જ્યારે બધા લોકો ચાલ્યા ગયા ત્યારે એક દીનહીન વ્યક્તિએ આવીને મને પૂછ્યું: ‘મહારાજ, આપ ત્રણ દિવસથી લગાતાર વાતચીત ચર્ચા કરો છો; પરંતુ આપે જલપાન સુધ્ધાં નથી કર્યું; એથી મને ઘણું દુ:ખ થાય છે.’ મેં વિચાર્યું: ‘નારાયણ પોતે જ આ દીનના વેશે મારી સમક્ષ આવ્યા છે.’ મેં એને પૂછ્યું: ‘તું મારા માટે થોડું ખાવાનું લાવીશ?’ એ વ્યક્તિ અત્યંત દયામણાભાવે બોલ્યો: ‘મારું હૃદય તો એમ જ ઇચ્છે છે, પણ મારા હાથનો બનાવેલ રોટલો હું આપને કેવી રીતે આપું? જો આપ આજ્ઞા કરો તો હું લોટ દાળ લાવી દઉં અને તમે જ દાળ-રોટલો બનાવી લો.’ એ દિવસોમાં સંન્યાસના નિયમ પ્રમાણે હું અગ્નિનો સ્પર્શ ન કરતો. મેં એને કહ્યું: ‘તારો બનાવેલો રોટલો મને આપ, હું એ જ ખાઈશ.’ આ સાંભળીને એ માણસ ભયથી અભિભૂત થઈ ગયો. તે ખેતડીના રાજાનો પ્રજાજન હતો. પોતે ચમાર થઈને પણ પોતાને હાથે બનાવેલો રોટલો સંન્યાસીને દીધો છે એની ખબર રાજાને પડે તો રાજા એને કઠોર દંડ કરવાના અને એને પોતાના દેશમાંથી બહાર પણ કાઢી મૂકે ખરા. મેં કહ્યું: ‘ભાઈ, તારે કંઈ ડરવાની જરૂર નથી. રાજા તને સજા નહિ કરે.’ મારી આ વાત ઉપર એને પૂરો વિશ્વાસ ન આવ્યો, પણ દયાની પ્રબળ લાગણીને કારણે પોતાના પર ભવિષ્યમાં આવનાર અનિષ્ટની ઉપેક્ષા કરીને પણ તે ખાવાની ચીજવસ્તુઓ લાવ્યો. સ્વામીજી કહે છે: ‘એ સમયે દેવરાજ ઇન્દ્ર સુવર્ણના પાત્રમાં અમૃત લાવીને આપે તો પણ એ અમૃત એટલું તૃપ્તિકર બનત કે કેમ એ વાતમાં સંદેહ છે.’

સ્વામીજીનાં નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી. પેલા માણસની દયા-ભાવના જોઈને સ્વામીજીએ એ દિવસે મનોમન વિચાર્યું: ‘ઉચ્ચભાવોથી સંપન્ન એવા લાખો લોકો ઝૂંપડીઓમાં રહે છે અને આપણે એમને હીન કહીને એમનો તિરસ્કાર કરીએ છીએ.’ આ ઘટનાને લીધે સ્વામી વિવેકાનંદના હૃદયમાં નીચલી જાતિઓ પ્રત્યે અસીમ સહાનુભૂતિ સવિશેષ રૂપે ઉદ્દીપિત થઈ. તેઓ કહેતા કે એમને નિરભિમાની બનાવવા માટે જ આ બોધપ્રદ ઘટના ઘટી હતી… 

ચમારના મનમાં ભય ઉપજ્યો કે તેણે સ્વામીજીને ભોજન આપ્યું છે એ વાતની ખેતડીના રાજાને જો ખબર પડી તો તેનો સર્વનાશ થઈ જશે. ચમારના એ ભયની વાત જાણીને પણ સ્વામીજીએ ખેતડીના રાજાને એ બધી વાત વિસ્તારપૂર્વક બતાવી દીધી. એના પરિણામે થોડા દિવસો પછી ખેતડીના રાજા તરફથી એ ચમારને રાજા સમક્ષ આવવાનું કહેણ આવ્યું. ચમાર તો કાંપતો કાંપતો રાજા સમક્ષ આવી પહોંચ્યો. પણ રાજાની કૃપા પામીને હવે ચમારને ભવિષ્યમાં પોતાનું પહેલાંનું કામ કરવું ન પડ્યું. આ ઘટનાથી એ સિદ્ધ થાય છે કે દાન નિષ્ફળ જતું જ નથી. ચમારનું દાન નિષ્કામ ભાવના સાથેનું હતું. પરંતુ કામના પૂર્વક ઈશ્વર નિમિત્તે દાન કરવાથી પણ એકનું સો ગણું પ્રાપ્ત થાય છે એ વાતનું આ ઘટના એક ઉજ્જ્વળ દૃષ્ટાંત છે. (‘વિવેકાનંદેર સાધનફલ’, રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીમાં વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૨૯ જાન્યુઆરી, ૧૯૧૦ના રોજ વંચાયેલ તેમજ ‘ઉદ્‌બોધન’ પત્રિકાના ૧૩મા વર્ષના વૈશાખના અંકમાં પ્રકાશિત તેમજ સાહિત્ય સંસદ, કોલકાતા દ્વારા પ્રકાશિત ‘ગિરિશ ગ્રંથાવલિ’ ખંડ-૫, પૃ.૨૮૨-૮૪)

પ્રમથનાથ બસુ લિખિત ‘સ્વામી વિવેકાનંદ’, ભાગ પ્રથમ, પૃ.૨૬૯-૭૦ના આધારે ‘યુગનાયક વિવેકાનંદ’ (ભાગ-૧, પૃ.૨૮૯) ગ્રંથમાં ગિરિશચંદ્ર ઘોષ દ્વારા વર્ણવેલ આ ઘટના રાજસ્થાનના કોઈ સ્ટેશને ટ્રેઈનની રાહ જોતી વખતે ઘટી હતી એવું વર્ણવ્યું છે અને એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ત્યાં ઉપસ્થિત કેટલાક ઉચ્ચવર્ણના લોકોએ એનો વિરોધ પણ કર્યો હતો. સ્વામીજીએ એ લોકોને ફટકારતાં ચમારની સહૃદયતાની પ્રશંસા કરી હતી. પછીથી પાદટિપ્પણીમાં ખેતડીમાં રેલવે સ્ટેશન ન હોવાને લીધે ખેતડીની આસપાસ એ ઘટના ઘટવાની અસંભવતા બતાવતાં એ ક્યાંક બીજે ઘટી હશે એવું વર્ણવવામાં આવ્યું છે. પરંતુ ગિરિશ ગ્રંથાવલિમાં આ ઘટના રેલવે સ્ટેશને બની હોય એવો ઉલ્લેખ નથી.

(ક્રમશ:)

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.