સ્વામી વિમોક્ષાનંદજીના દક્ષિણ આફ્રિકામાં આગમનની આતુરતાથી રાહ જોતા સેંકડો ભક્તોને માટે એક આનંદની પળ હતી. તેઓ ૨૬મી માર્ચ, ૨૦૦૭ ને સોમવારે સવારે દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આવી પહોંચ્યા. ડરબનના આંતરરાષ્ટ્રિય હવાઈ મથક પર એકઠા થયેલા રામકૃષ્ણ કેન્દ્ર દક્ષિણ આફ્રિકાના પદાધિકારીઓએ તેમનું પ્રસંગોચિત અભિવાદન કર્યું હતું. ત્યાર પછી તેમને ગ્લેન એનિલના આશ્રમમાં લઈ જવામાં આવ્યા. અહીં ભક્તજનો એમને મળવા એકઠા થયા હતા. એ જ દિવસે સાંજે એમનું ઔપચારિક રીતે ઉષ્માભર્યું અભિવાદન થયું. સાંજની પૂજામાં એકઠાં મળેલા ૪૦૦ જેટલા ભક્તજનો ઉપસ્થિત થયા હતા. બીજે દિવસે સવારે ૨૭ માર્ચના રોજ રામનવમીનો પવિત્ર દિવસ હતો. તે દિવસે સ્વામી વિમોક્ષાનંદજીએ આ કેન્દ્રના અધ્યક્ષ રૂપે પોતાનું કાર્ય સંભાળ્યું. તે સાંજે પણ ૪૦૦ થી વધુ ભક્તજનો સાંજની પૂજામાં આશ્રમમાં ઉપસ્થિત હતા. આ કેન્દ્રના ટ્રસ્ટીઓએ પ્રાર્થનાસભામાં એમનું વિધિવત્‌ બહુમાન કર્યું હતું અને એમને આવકાર્યા હતા. ભારતના પ્રણાલીગત પોશાકમાં સજ્જ થઈને ત્રણ બાળકો આગળ આવ્યા અને સ્વામી વિમોક્ષાનંદજીને દક્ષિણ આફ્રિકાના અનેક અનન્ય પુષ્પોનો પુષ્પગુચ્છ અર્પણ કર્યો. પુષ્પગુચ્છ રૂપી પ્રતીકે આ કેન્દ્રના ભાવિ કાર્યનો સૂર રચી દીધો. ડરબનના અગ્રગણ્ય લોકો સાથે આ સભાને સંબોધતાં સ્વામી વિમુક્ષાનંદે સર્વ પ્રથમ તો આ દક્ષિણ આફ્રિકાના કેન્દ્રને શ્રીરામકૃષ્ણ સંઘના એક કેન્દ્ર તરીકે જાહેર કર્યું અને રામનવમીના અવસરને અનુરૂપ સંદેશ પણ પાઠવ્યો. એમના આ સંદેશે ભાવિકજનોના હૃદયને આનંદ અને સંતોષ અર્પ્યા. આરતી પછી બધા ભક્તજનોએ એમને પ્રણામ કર્યા અને એમના વરદ હસ્તે સૌએ પ્રસાદ લીધો.

૧૫મી એપ્રિલ, ૨૦૦૭ના રોજ આ કેન્દ્રનો ૬૫મો સ્થાપનાદિન હતો. સ્વામી વિમોક્ષાનંદજીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે તેમજ ૬૫મા વાર્ષિકોત્સવની ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરવા લેડી સ્મિથ ઈન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ૩૦૦૦ જેટલા ભક્તજનો અને શુભેચ્છકો એકઠા થયા હતા. વૈદિક મંત્રોચ્ચાર, ભજન, ગીત અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય (કથક) પછી આ સમારંભના મુખ્ય મહેમાન સન્માનનીય જસ્ટીશ પી. એન. લાંગા (દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી)એ સભાજનોને સંબોધ્યા હતા. છેલ્લા છ દાયકાથી આ કેન્દ્રે વિવિધ ધર્મકલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી તેને બિરદાવી હતી. આ કેન્દ્રમાં બધાં કાર્યો જેવાં કે ભોજન, આરોગ્ય ચિકિત્સા સેવા અને શૈક્ષણિક સેવામાં ગ્રામ્ય વિસ્તારના હબસી ભાઈઓએ ઘણી સહાય કરી છે. રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારામાં બે અગત્યના સંદેશ – નિ:સ્વાર્થ સેવા અને સર્વધર્મસમભાવ – પર જસ્ટીશ લાંગાએ ઘણો ભાર મૂક્યો હતો. વિકસી રહેલા દક્ષિણ આફ્રિકા માટે આ બંને સંદેશ અત્યંત મહત્ત્વના છે.

ભક્તજનો સ્વામી વિમુક્ષાનંદજીના સંબોધનની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. સર્વ પ્રથમ તો તેમણે શ્રીરામકૃષ્ણ સંઘના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના શુભાશીર્વાદ સૌને પાઠવ્યા હતા. પછી એમણે સ્વામી નિશ્ચચલાનંદજી અને આ કેન્દ્રના સ્થાપકો તેમજ સ્વયં સેવકોને હાર્દિક અભિનંદન આપ્યા હતા. રામકૃષ્ણદેવના સંદેશમાંથી તેમણે ઉદ્ધરણ આપીને કહ્યું હતું કે બધા જીવોમાં દિવ્યતા રહેલી છે. આપણા ભૌતિક સંબંધો તેમજ માનવીય અહંકાર આ અનુભૂતિથી દૂર થઈ જાય છે. સ્ત્રીઓનું મહત્ત્વ પુરુષ જેટલું જ છે. ભારતમાં અને દક્ષિણ આફ્રિકામાં આજે પણ સ્ત્રીને ઊતારી પાડવાનું દુર્વલણ છે. સ્ત્રીઓ સમાજમાં અર્થપૂર્ણ ભાગીદારી નીભાવે અને પોતાનું પ્રદાન કરી શકે તે માટે આવાં દુર્વલણો અને બંધનોમાંથી એમને મુક્ત કરવી જોઈએ. સર્વમાં દિવ્યતા રહેલી છે, એ જાણીને આપણે બધા સંબંધોને પવિત્ર બનાવી શકીએ અને આપણાં કાર્યો પણ એક પ્રભુપૂજા બની રહે છે. તેમણે જણાવ્યું હતું કે ઈશ્વર પ્રત્યે દોરી જતા બધા ધર્મોના પથોને રામકૃષ્ણે ઓળખ્યા હતા. આજના યુગની તાતી આવશ્યકતા છે લોકોના સર્વસમભાવ સાથેના સહ અસ્તિત્વની. અરસપરસના માન-આદર તેમજ બધા ધર્મપથો પ્રત્યેની પૂજ્યભાવનાથી આપણી સામે દેખાતા દ્વૈતોને આપણે માણી શકીએ છીએ. સ્વામીજીના સંદેશને સર્વ કોઈ માન-આદર આપે છે. ત્યાર પછી શ્રીરામકૃષ્ણ વિશેનાં ભાવગીતો અંગ્રેજી અને ઝૂલુ ભાષામાં લેડી સ્મિથના કોરલ કલાકારોએ રજૂ કર્યાં હતાં. ત્યાર પછી નૃત્યકારોએ ‘કૃષ્ણ આરતી’નું નૃત્ય રજૂ કર્યું હતું. શાંતિ પ્રાર્થના પછી કાર્યક્રમ પૂરો થયો હતો. 

આ કાર્યક્રમમાં જુદા જુદા ધાર્મિક અગ્રણીઓ, મુખ્ય ન્યાયમૂર્તિશ્રી, ક્વા ઝૂલુ નાતાલના અધ્યક્ષશ્રી, લેડી સ્મિથના મેયરશ્રી, મિલિટ્રીના અધિકારીઓ અને લશ્કરના વરિષ્ઠ લોકો, મ્યુનિ.ના સભ્યો અને બીજા શુભેચ્છકો ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ ખરેખર વિવિધ સંસ્કૃતિઓથી ભરપૂર અને અનન્ય હતો. લેડી સ્મિથના મેયરે આ કાર્યક્રમ સૌને માટે શાંતિ અને સદ્‌ભાવના લાવ્યો તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. બધા લોકો સાથે કાર્ય કરે અને સમભાવથી જીવે તેની પૂર્તિ આ કાર્યક્રમથી થતી હતી. કાર્યક્રમના અંતે ૩૦૦૦ જેટલા ભાવિકોને ભોજન અને રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનાં પુસ્તકો આપવામાં આવ્યાં હતાં.

આ સંસ્થાની નિયમિત પ્રવૃત્તિઓ

* મંદિરમાં દરરોજ ધ્યાન, મંત્રોચ્ચાર, ભજન-ગાન, પૂજા આરતી, શાસ્ત્રવાંચન. શાસ્ત્રોના વર્ગો, ચર્ચાસભા, સેમિનાર દૃશ્યશ્રાવ્ય સાધનો સાથે આફ્રિકાની પ્રાચીન ધર્મપ્રણાલીઓ અને વેદાંતિક વિચારોની ચર્ચા. * શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને બીજા વૈશ્વિક ધર્મપયગંબરોની જન્મતિથિ તેમજ દુર્ગાપૂજા. * નિયમિત રીતે ૬૦૦૦ જેટલાં ગરીબ આફ્રિકન બાળકોને ભોજન. * આફ્રિકાના ૭૫૦૦ ગરીબોને વિશેષ દાક્તરી સેવા અને ઓપરેશન વગેરે સાથે નેત્રચિકિત્સા કેમ્પ અને આંખનાં ઓપરેશનો થાય છે. * ૫૩ વર્ષથી ચાલતું ત્રિમાસિક પત્ર ‘ધ જ્યોતિ’ (અંગ્રેજી) તેમજ ઝૂલુ અને આફ્રિકન ભાષામાં પુસ્તક પ્રકાશન. * હિંદુ ધર્મશાસ્ત્રો, રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્ય, બાળકોનાં પુસ્તકો, સીડી અને છબિઓનું દૈનિક વેંચાણ પુસ્તકવેંચાણ કેન્દ્ર દ્વારા થાય છે. * ગ્રામ્ય અને ગરીબ વિસ્તારના કુટુંબીજનો માટે ભોજન અને આરોગ્ય ચિકિત્સા સેવા. સંશોધન પુસ્તકાલય, પશુ ચિકિત્સા સેવા. * ૧૪ વકીલો અને એટર્ની સાથેનું કાયદાકીય સલાહમંડળ. વરિષ્ઠ નાગરિકો, અનાથ લોકો અને વિસ્થાપિત લોકોને કાયદાકીય સલાહ અપાય છે. * ભારતીય આધ્યાત્મિક-સાંસ્કૃતિક વારસાનું અભ્યાસકેન્દ્ર: અપ્રત્યક્ષ શિક્ષણ રૂપે એક વર્ષનો યુનિ. કક્ષાનો બે સેમેસ્ટરનો અભ્યાસક્રમ ચાલે છે. * વાર્ષિક કસોટી નોંધણી સાથે ૪૦૦ વિદ્યાર્થીઓના મૂલ્યનિષ્ઠ કેળવણીના વિવિધ સ્તરે વર્ગો. * વરિષ્ઠો, બહેનો અને બાળકો માટે વેદાંત સંદેશ વિશે આધ્યાત્મિક શિબિર નિયમિત ચાલ છે. * ઘર-ઉદ્યાન માટે સામુહિક ખેતી તેમજ અન્ય ખેતી વિષયક સેવાઓ ગ્રામ્ય વિસ્તારમાં આપવામાં આવે છે. * કોમ્પ્યુટર શિક્ષણ અને સીવણ કામનાં ૧૫ સ્થળે વર્ગો ચાલે છે.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.