‘શ્રીરામકૃષ્ણની અંત્યલીલા’ અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ-૧’નો શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે વિમોચનવિધિ

૨૨ એપ્રિલ, ૨૦૦૭ રવિવારે સાંજે ૭.૪૫ કલાકે મળેલી જાહેરસભામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિર નીચેના હૉલમાં રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કોલકાતાના સચિવ તેમજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજના વરદ હસ્તે ઉપર્યુક્ત બંને ગ્રંથોનો વિમોચન વિધિ સંપન્ન થયો હતો. 

સ્વામી પ્રભાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણની અંત્યલીલા’ના મૂળ લેખક છે. શ્રીરામકૃષ્ણદેવના પ્રમાણભૂત ગ્રંથ સ્વામી શારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ (ભાગ-૫)ના મોટાભાગના જીવનપ્રસંગોથી ગુજરાતી વાચકો સુપરિચિત છે. માસ્ટર મહાશયની અપ્રકાશિત નોંધપોથી તેમજ અન્ય અનેક સ્રોતમાંથી સંગૃહિત માહિતીના આધારે શ્રીરામકૃષ્ણદેવના જીવનની અંત્યલીલાના પ્રસંગો આ પુસ્તકમાં એમણે લિપિબદ્ધ કર્યા છે. એનો ગુજરાતી અનુવાદ પ્રથમવાર ગુજરાતી વાચક સમક્ષ અમે મૂકીએ છીએ. આ અનુવાદ પોરબંદરના સુપ્રસિદ્ધ લેખિકા જ્યોતિબહેન થાનકીએ કર્યો છે. રામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આપેલ ધારાવાહિક વ્યાખ્યાનોનો મૂળ બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ-૧’નો ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતાએ કર્યો છે. 

વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યાર પછી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદે સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજે ભક્તજનોને અંગ્રેજી ભાષામાં પોતાની આગવી શૈલીમાં સુંદર અને ભાવવાહી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પુસ્તકના વિમોચનથી એમને ઘણો આનંદ થયો કારણ આ પુસ્તકની રચના વખતે એમને શ્રીરામકૃષ્ણના અદ્‌ભુત જીવન અને ખાસ કરીને એમના અંત્યલીલાના કેટલાક અગત્યના પ્રસંગો ઉપર ચિંતન-મનન અને ધ્યાન કરવાનું અનન્ય સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું. તેમણે કહ્યું કે આ ગુજરાતી અનુવાદના વાંચનથી એવું જ સદ્‌ભાગ્ય શ્રીરામકૃષ્ણદેવના ગુજરાતી ભાવિકજનોને સાંપડશે અને તેઓ એમાંથી પ્રેરણા મેળવશે એમાં કોઈ સંદેહ નથી. ત્યાર પછી મહારાજે શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલાના બલરામ ભવન, શ્યામપુકુર તેમજ કાશીપુરના કેટલાક અગત્યના પ્રસંગોની પ્રાસંગિકતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે આ પ્રવચનો ગુજરાતી ભાવાર્થ અત્રે ઉપસ્થિત ભાવિકજનો સમક્ષ રજૂ કર્યો હતો. આ પ્રસંગે જામનગરના શ્રીદુષ્યંતભાઈ પંડ્યા, પોરબંદરના પ્રૉ. જ્યોતિબહેન થાનકી, શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીજી તથા શ્રીમનસુખભાઈ મહેતાનું સ્વામી પ્રભાનંદજી મહારાજે સન્માન કર્યું હતું. સભાના અંતે સ્વામી સર્વસ્થાનંદજી મહારાજે આભાર દર્શન કર્યું હતું. 

*****

૨૫ અને ૨૬ માર્ચના રોજ મંદિર નીચેના હૉલમાં રામકૃષ્ણ કુટિર, આલમોડાના અધ્યક્ષ સ્વામી ચિન્મયાનનંદજી મહારાજના દરરોજ સાંજે ૭.૪૫ કલાકે ‘શ્રીરામકૃષ્ણદેવ અવતારવરિષ્ઠ શા માટે ગણાય છે’ અને ‘સીતાથી મા શારદા’ વિશેનાં બે વ્યાખ્યાનો; ૨૭ માર્ચે રામનવમીના પવિત્ર દિવસે ‘ચિર યુવા વિવેકાનંદ’ વિશેનું વ્યાખ્યાન ભાવિકજનોએ માણ્યાં હતાં. ૩૧ માર્ચ, શનિવારે ભગવાન મહાવીર જન્મજયંતી નિમિત્તે આરતી પછી પ્રવચન યોજાયું હતું. 

લીંબડીનું રામકૃષ્ણ મિશન ઉનાળામાં જલધારા વહાવે છે!

આપણે સૌ જાણીએ છીએ કે અહીં સાર્વજનિક દવાખાનું, યુવસંમેલન, બાલ સંસ્કાર અને શિક્ષણના કાર્યક્રમો, ગરીબ પરિવારોને અનાજ સહાય, પુસ્તકાલય નિયમિત ચાલે છે. ભૂકંપ પછી ૨૪ જેટલાં વિવેકાનંદ વિદ્યાલયોનું નિર્માણ તેમજ અન્ય રાહતકાર્યો સંસ્થા દ્વારા થયાં છે. સૌથી વધારે ઝાલાવાડની રૂખીસૂકી ધરતી માટે ચાલતો ‘રામકૃષ્ણ જલધારા પ્રકલ્પ’ ઝાલાવાડના ગ્રામ્યજનો માટે આશીર્વાદરૂપ નીવડ્યો છે. આ પ્રકલ્પ હેઠળ ૨૦૦૨-૨૦૦૩ના વર્ષમાં ૧૧; ૨૦૦૪ના વર્ષમાં ૧૦; ૨૦૦૫માં ૯; ૨૦૦૬-૨૦૦૭ના વર્ષમાં ૭ – એમ કૂલ મળીને ૩૭ ગામડાંમાં બારેમાસ પીવાના પાણીની સુવ્યવસ્થા થઈ છે. ગ્રામજનોના સહકારથી સાકાર કરવામાં આવતી આ યોજનાને આર્થિક સહાય મિશન દ્વારા અપાય છે. લીંબડી ગામમાં સાત બોર, ગોપાલનગર અને બોલાણા ગામમાં હાથે ચાલતી ડંકીની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે એક કૂવા માટે પચાસ હજાર રૂપિયા; તળાવ માટે દોઢલાખ રૂપિયા અને બોર માટે અઢીલાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ જલધારાને જીવંત રાખવા ચેક કે ડ્રાફ્‌ટ ‘રામકૃષ્ણ મિશન, લીંબડી’ના નામે અને ‘રામકૃષ્ણ મિશન, શ્રીરામકૃષ્ણ નગર, લીંબડી – ૩૬૩ ૪૨૧, જિ. સુરેન્દ્રનગર’ એ સરનામે મોકલવા વિનંતી.

રામકૃષ્ણ મિશન, લીંબડીની શૈક્ષણિક પ્રવૃત્તિઓ

રામકૃષ્ણ કુટિર આશ્રમ, આલમોડાના અધ્યક્ષ સ્વામી ચિન્મયાનંદજી મહારાજની નિશ્રામાં ૨૩ માર્ચના રોજ શિવાંગી કન્યા વિદ્યાલય, લીંબડીમાં યુવસંમેલનનું આયોજન થયું હતું. રાત્રે ૮ કલાકે એમનું ‘સ્વામી વિવેકાનંદ- જીવન અને સંદેશ’ પર પ્રવચન હતું.

૨૪ માર્ચે સવારે કોટડા ગામમાં તળાવ ઊંડું કરવાનું ખાત મુહૂર્ત સ્વામી ચિન્મયાનંદજીએ કર્યું હતું. ૧૨૦ જેટલા પ્રાથમિક શિક્ષકો અને ગામના પ્રતિષ્ઠિત ગૃહસ્થોની ઉપસ્થિતિમાં તેમણે ‘શિક્ષકની કર્તવ્યનિષ્ઠા’ વિશે અને રાત્રે ૮ કલાકે ઈંદ્રાબા ઝાલાએ શ્રીમા શારદાદેવીના જીવન પર વ્યાખ્યાન આપ્યું. 

૨૫ માર્ચે સ્વામી આદિભવાનંદજીએ ગુજરાતભરમાંથી આવેલા ભક્ત મિલનના ભાવિકોનું સ્વાગત કર્યું હતું. સ્વામી ચિન્મયાનંદજી અને અન્ય મહાનુભાવોએ પ્રવચનો આપ્યાં હતાં.

રામકૃષ્ણ મઠ, ઉલસૂરમાં સાર્વજનિક દવાખાનાનો મંગલ પ્રારંભ

રામકૃષ્ણ મઠ, ઉલસૂર (બેંગલોર)માં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે ૧ એપ્રિલ, ૨૦૦૭ ને રવિવારે ૯૦૦ જેટલા ભક્તજનો, ૪૫ સંન્યાસીઓએ અને આજુબાજુના ૨૦૦ જેટલા ગરીબ ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં ‘વિવેકાનંદ ચેરીટેબલ ડિસ્પેન્સરીનું મંગળ ઉદ્‌ઘાટન થયું હતું. ઉલસૂરની આજુબાજુના ઝૂંપડપટ્ટી વિસ્તારના અને આરોગ્યની સુવિધાવિહોણા ગરીબ લોકોની સેવા આ સંસ્થા દ્વારા થશે. આ સંસ્થા દર બે મહિને નેત્રયજ્ઞ તો ચલાવે જ છે, મઠના પ્રાંગણમાં એક નાનું નિ:શૂલ્ક દવાખાનું પણ સપ્તાહમાં બે દિવસ ચાલતું હતું.૨૦૦૨-૩માં ૪૭૫૯ દર્દીઓ; ૨૦૦૬-૭માં ૬૧૩૧ દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ મળ્યો હતો. ઉપર્યુક્ત નવનિર્મિત ડિસ્પેન્સરીમાં નિદાન કેન્દ્ર, ફિઝીયોથેરપી યુનિટ અને નિ:શૂલ્ક નેત્રકેમ્પનું આયોજન થશે. ગરીબ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સહાયક વર્ગો, યોગાસન અને વ્યક્તિત્વ વિકાસના વર્ગોનું સંચાલન પણ આ જ ભવનમાં થશે.

૧૯ એપ્રિલના રોજ યોજાયેલ નિ:શૂલ્ક નેત્રચિકિત્સા કેમ્પમાં કુલ ૭૩ દર્દીઓ (૩૦ ભાઈઓ અને ૪૩ બહેનો – ૩૨ શહેરી વિસ્તારના અને ૪૧ ગ્રામ્ય વિસ્તારનાં)ને ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૫૮ દવા વગેરે અપાયાં હતાં અને ૧૫ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.

Total Views: 43

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.