વિવેકાનંદ નામનો ઈતિહાસ

(ગતાંકથી આગળ)

વેણીશંકર શર્મા લખે છે : ‘આ વાતચીતના પ્રત્યક્ષ સાક્ષી મુનશી જગમોહનલાલ હતા અને જ્યારે પંડિતજી આ પુસ્તક લખતા હતા ત્યારે તેઓ જીવિત હતા અને એમણે આ ઘટનાનું વર્ણન ઉપર્યુક્ત પુસ્તકના લેખકને કર્યું હતું.’ (‘સ્વામી વિવેકાનંદ : એ ફરગોટન ચેપ્ટર ઓફ હિઝ લાઈફ’, ૧૯૮૨, પૃ.૫૧; અને ‘એ કોમ્પ્રિહેન્સિવ બાયોગ્રાફી ઑફ સ્વામી વિવેકાનંદ’, લે. શૈલેન્દ્રનાથ ધર, મદ્રાસ, ૧૯૭૫, ભાગ-૧, પૃ.૪૦૧-૪૦૨)

વેણીશંકરજીના નામે પંડિત જાબરમલજી શર્માના એક તારીખ વિનાની પત્રલિપિ દિલ્હીના તીનમૂર્તિ ભવનના અભિલેખાગારમાં સંરક્ષિત છે. એમાં એમણે પોતાના હસ્તાક્ષરોમાં લખ્યું છે : ‘સ્વામીજીને રાજાસાહેબ સાથે મુલાકાત કરી આપનાર એમના અંગત સચિવ મુનશી જગમોહનલાલજી હતા. સ્વામીજીના ‘વિવિદિશાનંદ’ નામની ક્લિષ્ટતાને ધ્યાનમાં રાખીને રાજાસાહેબ સાથે જે પ્રશ્નોત્તરી થઈ એ પ્રશ્નોત્તરીના સાક્ષી મુનશી જ હતા… મુનશીના મત પ્રમાણે સ્વામીજીના નામ વિશેની રાજાસાહેબની વાતચીત આબૂમાં જ થઈ ચૂકી હતી.

નિષ્કર્ષ

પંડિત જાબરમલજી શર્મા મુનશી જગમોહનલાલ સાથે અત્યંત ઘનિષ્ઠ રૂપે પરિચિત હતા. એમણે સ્વામીજી વિશેની અનેક વાતો પ્રત્યક્ષ રૂપે એમના જ મુખે સાંભળી હતી. સ્વામીજી સર્વપ્રથમ ખેતડી નરેશ સાથે ૪ જુલાઈ, ૧૮૯૧ના દિવસે મળ્યા હતા. જો તેની પહેલાંના કોઈ પ્રામાણિક કાગળ કે પત્રમાં ‘વિવેકાનંદ’ એવું નામ મળી જાય તો આ અભિપ્રાયમાં પરિવર્તન કરવું યોગ્ય ગણાશે. અન્યથા માઉન્ટ આબૂમાં ૧૮૯૧ના જૂન મહિનામાં રાજા સાહેબ સાથે પરિચય થયા પછી કેટલાક સમય બાદ એમના જ અનુરોધથી સ્વામીજીએ ‘વિવેકાનંદ’ નામ ધારણ કર્યું હતું, એમ માનવું યોગ્ય ગણાશે.

૧૮૯૩માં મદ્રાસથી પાછા ફરતી વખતે ખેતડી રાજા સાથેના પુનર્મિલન પહેલાં જ મુંબઈમાં ઊતરીને એમણે ટિકિટ લીધી હતી. આ ટિકિટનું આરક્ષણ કરાવવા એમની સાથે મુનશી જગમોહનલાલ પણ ગયા હતા અને એમણે જ સંભવત: ટિકિટ આરક્ષણનું ફોર્મ વગેરે ભર્યું હતું. તેઓ સ્વામીજીને ‘વિવેકાનંદ’ નામથી જાણતા હતા. એટલે એમણે એ જ નામે ટિકિટ લીધી હતી. જો સ્વામીજી મદ્રાસથી જ અમેરિકા જવા રવાના થયા હોત તો એવું બનત કે સ્વામી ‘સચ્ચિદાનંદ’ના નામે તેઓ વિશ્વવિખ્યાત બન્યા હોત. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે સ્વામીજીએ રાજા અજિતસિંહના નામે ૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૩ના રોજ લખેલ પત્રમાં ‘સચ્ચિદાનંદ’ એ નામે હસ્તાક્ષર કર્યા હતા.

નર્તકીનું એ ભજન – ૧

સ્વામીજીના ખેતડી નિવાસનો પ્રસંગ પૂરો થવા પૂર્વે હવે આપણે ત્યાં ઘટેલી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ઘટના પર આવીએ છીએ – અને આ ઘટના છે એમણે એક નર્તકીનું ભજન સાંભળ્યું તે. આ પહેલાંના સમય સુધી એમણે દીનદુ:ખી, દલીતપતીતને નજરે જોયા હતા, એમની સાથે રહ્યા પણ હશે. એ બધાં પ્રત્યે સંવેદના અને સહાનુભૂતિનો ભાવ પણ તેઓ રાખતા. પરંતુ આ ઘટના પછી તો જીવન પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. આ દૃષ્ટિએ આ ઘટના એમના જીવનની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એક છે.

વિભિન્ન લેખકોએ આ ઘટનાને કેટલીયે રીતે મૂલવી છે એને લીધે કેટલીક વાતો અસ્પષ્ટ થઈ ગઈ છે. જેમ કે – આ ઘટના ખેતડીમાં બની કે જયપુરમાં; આ ઘટના સ્વામીજીના પ્રથમ ખેતડીઆગમન સમયે એટલે કે ૧૮૯૧માં ઘટી કે એમના બીજી વખતના ખેતડી પ્રવાસ દરમિયાન ૧૮૯૩માં ઘટી. એ સમયે શું એક જ ભજન ગવાયું હતું કે વધારે? વગેરે વગેરે.

આ ઘટનાનું સૌથી જૂનું વર્ણન નાટ્યસમ્રાટ ગિરિશચંદ્ર ઘોષના ૧૯૧૦ના એક વ્યાખ્યાનમાં જોવા મળે છે. ત્યાર પછી બીજું વર્ણન આપણને સ્વામી વિરજાનંદજી મહારાજ દ્વારા સંકલિત અને ૧૯૧૩માં પ્રકાશિત સ્વામીજીની જૂની અંગ્રેજી જીવનકથામાં મળે છે. સ્વામીજી પાસેથી સાંભળીને આ ઘટના વિશે કેટલીક વાતો ભગિની નિવેદિતા તથા ભગિની ક્રિસ્ટીને પણ લિપિબદ્ધ કરી છે. વળી પંડિત જાબરમલ શર્મા તથા વેણીશંકર શર્મા, શ્રી અરુણકુમાર વિશ્વાસે પણ પોતાના સંશોધનાત્મક ગ્રંથોમાં આ ઘટનાનું વર્ણન આપ્યું છે. મુખ્ય સ્રોતોના આધારે ફ્રાંસના વિદ્વાન મોશ્યો રોમાં રોલાં તથા સ્વામી ગંભીરાનંદજી જેવા મહાન જીવનકથાકારોએ પણ એનાં વિવરણ લખ્યાં છે. આ ઉપરાંત બિકાનેરના શ્રી ધન્નારામજી રાજપુરોહિતે ઉપર્યુક્ત નર્તકી ગાયિકા મૈના બાઈની વૃદ્ધાવસ્થામાં એમની સાથે મુલાકાત કરીને એનું એક વિવરણ પ્રકાશિત કર્યું છે.

આ બધામાંથી સ્વામી વિરજાનંદ, ગિરિશઘોષ, નિવેદિતા, ક્રિસ્ટીન, વગેરેએ સ્વામીજીના મુખેથી પ્રત્યક્ષ રૂપે આ ઘટના સાંભળી હતી. પંડિત જાબરમલ શર્માએ પ્રકાશિત વિવરણો અને જનશ્રુતિના આધારે આ ઘટનાનું વર્ણન મેળવ્યું હતું. વળી રોમાં રોલાં, સ્વામી ગંભીરાનંદજી જેવા જીવનકથાકારોએ આ વિવરણોમાંથી જે કંઈ મળ્યું અને સમીચીન લાગ્યું તે અપનાવ્યાં છે.

અહીં યથાશક્ય પ્રાપ્ત બધાં વિવરણોનું સંકલન કરીને એમનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીશું.

(૧) ગિરિશચંદ્ર ઘોષનું વર્ણન

બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર તથા અભિનેતા શ્રીગિરિશચંદ્ર ઘોષ સ્વામીજીના અંતરંગ મિત્ર હતા. આ વર્ણન એમણે પોતે જ સ્વામીજીને મુખે સાંભળ્યું હતું અને ૧૯૧૦માં યોજાનારી એક સભામાં એનું વાચન કરવા માટે એ લખાણને લિપિબદ્ધ કર્યું હતું. પ્રત્યક્ષ રીતે સ્વામીજી પાસેથી જ સાંભળેલ હોવાને કારણે એની પ્રામાણિકતા માટે કોઈ સંદિગ્ધતા નથી. વારાણસીના ‘રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ’માં વિવેકાનંદ જન્મજયંતી પ્રસંગે ૨૯ જાન્યુઆરી, ૧૯૧૦ના રોજ એમણે ‘વિવેકાનંદની સાધનાનું ફળ – વિવેકાનંદેર સાધનાર ફલ’ (‘ઉદ્‌બોધન’, વર્ષ ૧૩, વૈશાખ ૧૩૧૮ બંગાબ્દના અંકમાં પ્રથમવાર પ્રકાશિત અને સાહિત્યસંસદ, કોલકાતા દ્વારા પ્રકાશિત ‘ગિરિશગ્રંથાવલી’ ખંડ-૫, પૃ.૨૮૩) વિશે પોતે વાંચેલ નિબંધમાં આમ લખ્યું હતું: ‘અભિમાન કેટલું સુદૃઢ હોય છે. આ સમજાવવા માટે ઉદાહરણ રૂપે એમણે (સ્વામીજીએ) એક અન્ય ઘટનાનો પણ અમારી સમક્ષ ઉલ્લેખ કર્યો હતો. એ દિવસોમાં તેઓ ખેતડી રાજાના અતિથિ હતા. તે વખતે એક દિવસ રાજાએ એક પ્રૌઢ ગાયિકાને ગાવા માટે બોલાવી. સ્વામીજીએ વિચાર્યું કે સંગીતનો વ્યવસાય કરવાવાળી આવી સ્ત્રી ક્યારેય સારા ચારિત્ર્યવાળી ન હોઈ શકે. વળી તેઓ સ્ત્રીઓનાં ગીતો ક્યારેય ન સાંભળતા. તેઓ ત્યાંથી ચાલ્યા જશે એમ વિચારીને ઊભા થયા. ખેતડીના રાજાએ એમને વિશેષ આગ્રહ કરીને ગીત સાંભળવા પ્રાર્થના કરી. સ્વામીજીએ વિચાર્યું કે જો રાજા અનુરોધ કરે છે તો પછી એક ગીત સાંભળીને ઊભો થઈ જઈશ. ગાયિકાએ ગીત ગાવાનું શરૂ કર્યું. મને તો એ ગીતની એક જ પંક્તિ યાદ છે : ‘પ્રભુ, મેરો અવગુણ ચિત્ત ન ધરો, સમદરશી હૈ નામ તુમ્હારો’… ગીતનો ભાવ કંઈક આવો હતો : હે પ્રભુ, તમે તો દોષગુણનો વિચાર કરતા નથી, ગંગામાં અપવિત્ર જળ આવતું હોવા છતાં પણ એ ગંગાજળ હોય છે.

સ્વામીજીએ દર્શાવ્યું હતું: ‘મેં આ ગીત સાંભળીને વિચાર્યું કે શું આ જ મારો સંન્યાસ છે! હું સંન્યાસી છું અને એ એક સામાન્ય ગાયિકા છે – આ જ્ઞાન મારામાં રહેલું છે. વિશ્વવ્યાપિની જગદંબાનું દર્શન આજે પણ મને થયું નથી!’

ત્યારથી તેઓ ગાયિકાને મા કહીને સંબોધિત કરતા. જ્યારે ક્યારેય પણ ખેતડી જતા ત્યારે એમને બોલાવીને ભજન સાંભળતા. એ ગાયિકા પણ સ્વામીજીના આવા માતૃભાવના સંબોધનથી માતૃભાવે પરિપૂર્ણ બનીને એમને એ જ નજરે જોતાં. આ ઘટના સાધન-અભિમાની માટે એક અંકુશસમી છે. ઈશ્વર કોને કયા માર્ગે લઈ જાય છે એ સમજવું સામાન્ય માનવ બુદ્ધિની બહાર છે. જો કોઈ સાધન-અભિમાની આ ગાયિકાની યૌવનાવસ્થા જોઈને એને નરકની ખાણ કહીને ઘૃણા કે તિરસ્કાર કરે તો તેઓ આ ઘટના જોઈને નિશ્ચિતપણે આટલું સમજી જવાના કે એમની ધારણા ભ્રાંતિમૂલક ધારણા છે. ઈશ્વરકૃપા જ મૂળ વસ્તુ છે. સાધારણ ગાયિકા પણ અનાયાસે વાત્સલ્ય પ્રેમની અધિકારિણી બની ગઈ.’

(૨) પ્રથમ અંગ્રેજી જીવનકથા

ઈ.સ. ૧૯૧૩માં પ્રકાશિત થયેલ સ્વામી વિરજાનંદ દ્વારા સંકલિત એક જૂની જીવન કથા (ખંડ-૨, પૃ.૧૫૨-૫૪)માં આવું વર્ણન આવે છે : 

ગ્રીષ્મકાળની એક સંધ્યાના સમયે રાજા તથા એમના કેટલાક અંતરંગ મિત્રો મહેલના સુંદર ઉદ્યાનમાં બેસીને શીતળ વાયુની લહેરીઓ માણી રહ્યા હતા. બાજુમાં જ આવેલા હૉલમાં કેટલીક નર્તકીઓ બીજાં વાદ્યયંત્રોની સાથે ધીમા સૂરે વીણાવાદન કરી રહી હતી. આકાશમાં તારા ઝગમગતા હતા અને રાત ઘણી શીતળ અને સુંદર હતી. મહારાજને ત્યાં બેઠાં બેઠાં એકાંકીપણું જણાતું હતું. તેઓ હૉલમાં ગયા અને પોતાના અંગત સચિવને એમના ગુરુદેવ (સ્વામીજી)ને બોલાવવા મોકલ્યા. સ્વામીજી પોતાનું ધ્યાન છોડીને આવ્યા અને રાજાની પાસે બેસીને આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરવા લાગ્યા. એ પછી મહારાજાએ એક નર્તકીને કંઈક ગાવાનું કહ્યું. પરંતુ, સ્વામીજી તો ક્યારેય નારીને કંઠે ગવાયેલું ગીત ન સાંભળતા. એટલે જ્યારે નર્તકીએ પોતાના ગાયનનો આરંભ કર્યો ત્યારે તેઓ ઊભા થયા અને ત્યાંથી ચાલી નીકળવા તૈયાર થયા. મહારાજાએ દૃઢતાપૂર્વક એમને અહીં જ રહેવા અનુરોધ કરતાં કહ્યું: ‘સ્વામીજી, આમનું ગીત સાંભળી લો! એ ગીતથી આપના મનમાં કેવળ સદ્‌ભાવનાઓનો જ ઉદય થશે.’ કિંકર્તવ્યવિમૂઢ બનીને સ્વામીજી આ એક ગીત સાંભળીને ચાલ્યો જઈશ એમ વિચારીને બેસી ગયા અને ત્યારબાદ મહાન વૈષ્ણવસંત સુરદાસના એક ભજનની પંક્તિઓ સંધ્યાની વાયુલહેરીઓમાં તરતી તરતી ચારેય તરફ ફેલાયેલી નિરવતાને ભેદતી વાદ્યોની સંગતી સાથે નર્તકીના સ્વરે ગુંજવા લાગી – પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો.

ભજનમાં નિબધ્ધ આ સુંદર શબ્દો સર્વોચ્ચ અનુભૂતિ માટે એક વિનમ્ર ભક્તના હૃદયના અંતર્નાદને વ્યક્ત કરે છે. અને વળી એક એવી નારીના કંઠેથી આ શબ્દો નીકળ્યા કે જે પોતાની પરિસ્થિતિઓની દાસી બનીને પોતાનું જીવન વિતાવી રહી હતી. પરંતુ તે નારી ભજનના ભાવોને જાણે કે પોતાના પૂરેપૂરા હૃદયને નીચોવીને ગાતી હતી. સ્વામીજી તો ચકિત બની ગયા. મનમાં વિચાર કરવા લાગ્યા કે આ નર્તકીનું ભજન સર્વ કંઈ બ્રહ્મ છે અને બધાં પ્રાણીઓમાં દિવ્યતા છુપાયેલી છે એ સત્યને વ્યક્ત કરે છે. એમણે પોતે જ કહ્યું હતું: ‘આ ભજન સાંભળીને હું વિચારવા લાગ્યો કે શું આ જ મારો સંન્યાસ છે! સંન્યાસી બનીને પણ મારા મનમાં પોતાના તથા આ નારી વિશે આવો ભેદભાવ આવ્યો જ કેમ!’ અને એ નર્તકીનું ભજન સાંભળતાં જ સ્વામીજીના મુખમંડળ પર એક બ્રહ્મજ્ઞાનીનું તેજ પ્રગટ્યું. એમના મનમાંથી નરનારીનાં બધાં ભેદો મટી ગયા હતા અને એમણે પણ પોતાના ગુરુદેવની જેમ દુનિયાની દૃષ્ટિએ નિમ્નમાં નિમ્ન ગણાતા લોકોમાં પણ બ્રહ્મનાં દર્શન કર્યાં હતાં. નર્તકીએ એટલી કોમળતા અને ભાવનાઓની ગંભીરતા સાથે એ ભજનગાન કર્યું કે એમના શબ્દેશબ્દ સ્વામીજીના અંતરાત્મામાં અગ્નિની જેમ પ્રવેશી ગયા. એમણે ‘બધું એક અને અખંડ છે’ એ સ્પષ્ટ રૂપે જોયું. અને એ જ દિવસથી તેઓ એ નારીને ‘માતા’એ નામે સંબોધિત કરવા લાગ્યા…

ખેતડી નરેશના મહેલમાં શંકરાચાર્યના જીવનની ઘટના જેવો જ અનુભવ થયો. એના પરિણામે એમણે સૌથી ઉચ્ચ અને સૌથી નિમ્નની વચ્ચેના બધા ભેદભાવનો ત્યાગ કરી દીધો. એટલે સુધી કે એમણે એક નર્તકીના આ ભજન દ્વારા પણ એક સઘન તથા અલૌકિક આલોકિત રૂપે અદ્વૈતનો અનુભવ કર્યો. આ ભજન દ્વારા વિસ્મય વિમુગ્ધ સંન્યાસીની સમક્ષ સર્વોચ્ચ સત્ય જાગી ઊઠ્યું. પરમેશ્વરની લીલા કેવી અને કેટલી વિચિત્રતાસભર છે!

(૩) પંડિત જાબરમલ શર્મા

સ્વામી અખંડાનંદજીની પ્રસ્તાવનાથી વિભૂષિત ઈ.સ. ૧૯૨૭માં પ્રકાશિત વિદ્વાન લેખકનું પુસ્તક ‘ખેતડીનરેશ ઔર વિવેકાનંદ’ (પૃ.૭-૧૦)માં એવું વર્ણન જોવા મળે છે કે જે સંભવત: સ્વામીજીની જૂની જીવનકથાના વર્ણન પર આધારિત છે :

‘એક દિવસની ઘટના છે. ગરમીની ઋતુ હતી. ભગવાન સૂર્યનારાયણ અસ્તાચળ પર ગયા પછી ધીમે ધીમે નિ:સ્તબ્ધતા વધતી જતી હતી. આકાશમાં તારાઓના ચમકારા રાત્રીના નિબિડ અંધકારમાં અપૂર્વ રીતે શોભી રહ્યા હતા. સુગંધયુક્ત મંદવાયુની મંદમંદ લહેરો પરસેવાથી તરબતર થયેલા લોકોના દેહને શીતળતા આપતી હતી. ખેતડીનરેશ પોતાના સાથીમિત્રોની સંગાથે ઉદ્યાનમાં આવેલા બંગલામાં વિરાજમાન હતા. એ સમયે રાજાએ સ્વામીજીને પણ ત્યાં બોલાવવાની ઇચ્છા પ્રગટ કરી. આદેશ થતાં જ એક સેવક દોડી ગયો અને આદર સાથે સ્વામીજીને લાવવામાં આવ્યા. પોતાના આસન પર બેઠા પછી થોડીવાર સુધી ધર્મચર્ચા ચાલતી રહી. એટલામાં નર્તકીઓનું એક વૃંદ ‘સલામ માલૂમ’ કરવા માટે ઉપસ્થિત થયું. રાજ્યના આશ્રિતો, સેવકો અને કોઈ પદના આકાંક્ષી ઉમેદવારો માટે પ્રાત:કાળ તેમજ સાયંકાલ એ બંને સમય રાજાજીની સેવામાં અભિવાદન કરવા નિમિત્તે ઉપસ્થિત હોવાનો એક સામાન્ય નિયમ ચાલ્યો આવે છે. આ અભિવાદનને જ ‘સલામ માલૂમ’ કહે છે. આવેલ નર્તકીઓના વૃંદની એક સારી ગાયિકાનું યૌવનસુલભ ચાંચલ્ય પ્રૌઢતાની ગંભીરતામાં પરિવર્તિત થઈ ચૂક્યું હતું. એમણે એક ગીત સંભળાવવાનો આદેશ માગ્યો. ગીત શરૂ થવાનું હતું જ ત્યાં સ્વામી વિવેકાનંદજી જવા માટે પોતાના સ્થાન પરથી ઊભા થયા. ગણિકાએ હાથ જોડીને નિવેદન કર્યું : ‘મહારાજ, આપ અહીં જ વિરાજજો. હું એક ભજન સંભળાવવા ઇચ્છું છું.’ પોતાને નીચવેશ્યા સમજીને સ્વામીજી અહીંથી ઊઠીને જઈ રહ્યા છે એ વાત ગણિકા બરાબર સમજી ગઈ હતી. એટલે જ એની વિનંતીમાં દયાર્દ્રતાનો ભાવ સ્પષ્ટ રૂપે દેખાતો હતો. આ બાજુએ રાજાજીએ પણ આગ્રહપૂર્વક બેસવાનો અનુરોધ કરતાં કહ્યું: ‘સ્વામીજી, આનું ગીત સાંભળીને બધા પ્રસન્ન થાય છે. આપ પણ એનું ગીત સાંભળવાની કૃપા કરો. તે એક ભજન સંભળાવશે.’ સ્વામીજી રાજાની વિનંતીને ટાળી ન શક્યા અને અન્યમનસ્ક બનીને બેઠા રહ્યા. રાતના સમયે ભજન ખૂબ જામ્યું છે. સ્વામીજી પોતે એક સંગીતનિપુણ અને સારા ગાયક પણ હતા. એકાંતમાં જ્યારે મનમાં ઉમળકો આવતો ત્યારે તેઓ ભગવદ્‌ ગુણાનુવાદનાં કીર્તન કરતા. એમના સુમધુર આલાપને સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા. અંતે ગણિકાના ભજનનો આરંભ થયો. ગાયિકાએ તાલસૂર સાથે ભક્તકવિ સૂરદાસનું એક પદ ગાયું. પદગાનમાં એ તન્મય બની ગઈ. સાંભળનારા મંત્રમુગ્ધ બની ગયા. જાણે કે કોઈ વિલક્ષણ વીજળી ઝબકતી વહી ગઈ. ભક્ત હૃદયના આત્મનિવેદનભાવથી સંપુટિત એ પદ છે –

હમારે પ્રભુ ઔગુન ચિત ન ધરો,
સમદરસી હૈ નામ તિહારો, અબ મોહિ પાર કરો.
ઇક લોહા પૂજા મેં રાખત, ઇક ઘર બધિક પરો,
પારસ ગુણ ઔગુન નહિં ચિતવૈ કંચન કરત ખરો.
એક નદિયા ઇક નાર કહાવત, મૈલો હિ નીર ભરો,
જબ દોઉ મિલિ એક બરન ભયે સુરસરિ નામ પરો.
યહ માયા ભ્રમ જાલ નિવારો, સૂરદાસ સગરો,
અબકી બેર મોહિ પાર ઉતારો, નહિ પ્રન જાત ટરો.

ભજન પૂરું થયું. સ્વામીજી ગદ્‌ગદ્‌ થઈ ગયા. એમનાં નેત્રોમાંથી આંસુંની ધારા વહેવા લાગી. સ્વામીજીના મુખમાંથી તત્કાળ આ શબ્દો સરી પડ્યા: ‘અરે! આ પતિતા સ્ત્રીએ એક ભક્તનું પદ ગાઈને ‘સર્વં ખલુ ઇદં બ્રહ્મ’ ના તત્ત્વને હૃદયંગમ કરાવી દીધું છે.’ સ્વામીજીએ પોતે જ લખ્યું છે: ‘એ પદ સાંભળીને શું આ જ મારો સંન્યાસ છે, એ સમજ્યો! હું સંન્યાસી છું અને આ ગણિકા પતિતા નારી છે, આ ઉચ્ચનીચની ભાવના, આ ભેદભાવબુદ્ધિ આજેય મારામાંથી દૂર નથી થઈ? બધાં પ્રાણીઓમાં બ્રહ્માનુભૂતિ કરવી એ અત્યંત કઠિન કાર્ય છે. ચાંડાળની વાતો સાંભળીને ભગવાન શંકરાચાર્યના મનમાંથી ભેદબુદ્ધિ લુપ્ત થઈ ગઈ હતી. આવી સામાન્યાતિ સામાન્ય ઘટનાઓમાંથી પણ કેટલું મહાન ફળ નીપજે છે, એની ગણના કોણ કરી શકે?

એ વારાંગનાને સંબોધતાં સ્વામીજીએ કહ્યું: ‘મા, મેં એક મોટો અપરાધ કર્યો છે. ક્ષમા કરો, મા; હું તમને તિરસ્કારની દૃષ્ટિએ જોઈને અહીંથી ઊઠીને ચાલ્યો જતો હતો. પરંતુ તમારું જ્ઞાનસભર ભજન સાંભળીને મારી આંખો ખૂલી ગઈ છે.’ ત્યાર પછી એ ગાયિકાને સ્વામીજી ‘માતા’ કહીને સંબોધતા.

નર્તકીના જીવન પર પ્રભાવ

અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિન્દી માસિક ‘સમન્વય’ના ૧૯૨૭ના અંક ૮, પૃ.૩૮૪માં પ્રકાશિત એક લેખ ‘સ્વામી વિવેકાનંદ ઔર એક ગણિકા’ પ્રમાણે આ ઘટનાનો પ્રભાવ માત્ર સ્વામીજીના મન પર જ નહિ પણ એક ગણિકાના હૃદય પર પણ પડ્યો હતો. એણે બધી સાંસારિક વાસનાઓને પોતાના મનમાંથી દૂર હડસેલીને પ્રભુસ્મરણ અને ઈશ્વરચિંતનમાં પોતાના મનને લગાવી દીધું. જો કે આજે એ ગણિકા આ સંસારમાં નથી, પરંતુ સ્વામીજીના જીવનની એક ઘટના સાથે સંબંધિત હોવાને કારણે એ અમર બની ગઈ છે. એટલું યાદ રાખવું જોઈએ કે મહાત્માઓના સંસર્ગ પતિતને પણ ચિરસ્મરણીય બનાવી દે છે – સત્સંગનો મહિમા ન ગાઈ શકાય.

સ્વામીજીના અમેરિકી શિષ્યા ભગિની ક્રિસ્ટીન પોતાનાં સંસ્મરણોમાં આ ઘટનાનું સંક્ષેપમાં વર્ણન કર્યા પછી નર્તકીના જીવન પર એમના પડેલા પ્રભાવનું વર્ણન કરતાં લખે છે: ‘ભજન સાંભળીને યુવા સંન્યાસી અવર્ણનીય ભાવથી વિભોર બની ગયા. એમણે ગાયિકાને આશીર્વાદ આપ્યા અને નર્તકીએ એ જ દિવસથી પોતાનો આ વ્યવસાય ત્યજી દીધો, તેમજ ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ અપનાવ્યો.. શું પ્રત્યેક નારી એમને માટે જગદંબાની જ કોઈને કોઈ રૂપે અભિવ્યક્તિ ન હતી! જેમણે ધનોપાર્જન માટે પોતાની દિવ્યતાને પણ વેંચી નાખી હતી એવી ગણિકાઓ પણ એની અભિવ્યક્તિ નથી? શું એમણે ખેતડીની નર્તકીમાં દિવ્યતાનાં દર્શન કર્યાં ન હતાં? અને ત્યાર પછી તેણે પોતે પણ સ્વામીજી દ્વારા અનુભૂત પોતાના સાચા સ્વરૂપને જાણીને પોતાનો વ્યવસાય છોડી દીધો. પવિત્રતાનું જીવન વિતાવવા લાગી અને સ્વયં મહાન અનુભૂતિની અધિકારિણી બની ગઈ.’ (‘રેમિનન્સીસ ઑફ સ્વામી વિવેકાનંદ’, ૧૯૯૪, પૃ.૧૮૨, ૧૯૮)

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.