ભારતના અધ:પતન વિશે આપણે ઘણું ઘણું સાંભળીએ છીએ. એક સમય એવો હતો, કે જ્યારે હું પણ તેમ જ માનતો. પણ આજે અનુભવની ઉચ્ચ ભૂમિકા ઉપર ઊભો રહીને આડે આવતા પૂર્વગ્રહોથી મુક્ત થયેલી દૃષ્ટિથી, અને ખાસ તો બીજા દેશોનાં અતિ રંજીત ચિત્રોનાં પ્રકાશ અને છાયાને જાતઅનુભવ દ્વારા સાચે સ્વરૂપે જોતાં, મારે નમ્રતાપૂર્વક કબૂલ કરવું પડે છે કે હું ખોટો હતો. આર્યોની પુણ્યભૂમિ, ઓ ભારત! તારું અધ:પતન કદાપિ થયું જ નથી. એક પછી એક રાજદંડોને તોડીને ફેંકી દેવામાં આવ્યા છે, સત્તાનો દોર એકમાંથી બીજા હાથમાં ફરતો રહ્યો છે, પણ ભારતમાં રાજાઓ અને તેના દરબારીઓ માત્ર થોડાક લોકસમૂહને જ સ્પર્શી શકતા હતા. ઉચ્ચમાં ઉચ્ચથી લઈને હલકામાં હલકા સુધીનો વિશાળ સમુદાય તેના અચૂક માર્ગે ચાલ્યા કરતો હતો; રાષ્ટ્રીય જીવનનો પ્રવાહ ક્યારેક ધીમો અને અર્ધજાગ્રત, તો ક્વચિત દ્રુત અને જાગ્રત બનીને વહેતો હતો. અનેક ઉજ્જવળ સૈકાંઓથી ચાલ્યા આવતા પ્રવાહ સામે હું સ્તબ્ધ બનીને જોઈ રહું છું; અહીંતહીં કોઈક સ્થળે એ આખી શૃંખલામાં એકાદ કડી ઢીલી નિહાળું છું, પણ બીજી જ ક્ષણે તે વધારે તેજથી ઝબકી ઊઠે છે. અને આમ મારી આ માતૃભૂમિ ગૌરવભર્યાં પગલાં માંડીને આગળ ચાલતી જાય છે-પશુમાનવને દેવમાનવની સ્થિતિએ લઈ જવાની પોતાની ગૌરવમય નિયતિને પૂર્ણ કરવા આગળ જાય છે; તેની એ ગતિને પૃથ્વીની કે સ્વર્ગની કોઈ પણ સત્તા રોકી શકશે નહીં.

મારા બંધુઓ! આ તો ઉજ્જવળ ભાવિ છે! ઉપનિષદોના પ્રાચીન યુગથી આપણે જગતને આહ્‌વાન આપ્યું છે: ન પ્રજયા ધનેન ત્યાગેનૈકે અમૃતત્વમાનશુ: ‘સંતતિથી નહીં, ધનથી નહીં, કેવળ ત્યાગથી જ અમરતા પ્રાપ્ત થાય છે.’ એક પછી એક જાતિએ આ આહ્‌વાહન સ્વીકાર્યું છે અને જગતની સમસ્યાને વાસનાઓની ભૂમિકા પરથી ઉકેલવાનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. સત્તા અને સુવર્ણનો લોભ પોતાની સાથે જે દુષ્ટતા અને દુ:ખના પહાડો લાવે છે, તેની તળે પ્રાચીન યુગના લોકો ચગદાઈને નાશ પામ્યા છે, અને અર્વાચીનો પણ પડુંપડું થઈ રહ્યા છે. શાંતિ જીતશે કે યુદ્ધ, સહનશીલતા જીતશે કે અસહિષ્ણુતા, સાધુતા જીતશે કે દુષ્ટતા, શરીરબળ જીતશે કે બુદ્ધિબળ, ભૌતિક શક્તિ જીતશે કે આધ્યાત્મિક શક્તિ: આ પ્રશ્નનો નિકાલ લાવવાનો તેમને હજુ બાકી છે. આપણે આપણા પ્રશ્નનો ઉકેલ યુગો પહેલાં આણ્યો છે; સુખમાં કે દુ:ખમાં આપણે તેને વળગી રહ્યા છીએ અને કાળના અંત સુધી તેને વળગી રહેવા ધારીએ છીએ. આપણો ઉકેલ છે સંસારવિમુખતા—ત્યાગ.

સમગ્ર માનવજાતને આાધ્યાત્મિક કક્ષા ઉપર પહોંચાડવી એ ભારતનું જીવનકાર્ય છે, તેના શાશ્વત સંગીતનું હાર્દ છે, તેના જીવનનો પાયો છે, તેના અસ્તિત્વની કરોડરજ્જુ છે. ભલે તેના ઉપર તાર્તરો કે તુર્કો, મોગલો કે અંગ્રેજો શાસન ચલાવી ગયા, છતાં પોતાના આ જીવનક્રમમાંથી તે કદીય ચલાયમાન થયેલ નથી.

– સ્વામી વિવકાનંદ
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-સંચયન’, પૃ.૩૨૮-૨૯)

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.