બેંગલોર આશ્રમમાં દ્વારોદ્‌ઘાટન

મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) મયલાપુર મઠમાં ૧૯૦૮ના ઓક્ટોબરના અંતે આવ્યા હતા. થોડા દિવસના વિરામ પછી તેમણે રામેશ્વરધામ અને મદુરાતીર્થનાં દર્શન કર્યાં હતાં. જાન્યુઆરી (૧૯૦૯)માં બેંગલોરમાં આશ્રમના મુખ્યાલયના દ્વારનું મંગળ ઉદ્‌ઘાટન એમના વરદ હસ્તે થયું. મદ્રાસમઠમાં એમની સાથે મને ૭ મહિના સુધી રહેવાનો સુયોગ સાંપડ્યો હતો.

દ્વારોદ્‌ઘાટનનાં પ્રસંગે નાનું એવું પ્રવચન આપવા માટે શ્રીનિવાસ આયંગરે થોડા દિવસ પહેલાં જ મદ્રાસમાં વિનંતી કરી હતી. મહારાજ વ્યાખ્યાન દેવા રાજી ન હતા. આયંગર પણ કંઈ એમને છોડે તેમ ન હતા. ના છૂટકે એમણે એક અંગ્રેજી વક્તવ્યનું લખાણ મહારાજની સમક્ષ ધરીને કહ્યું: ‘મહારાજ, કૃપા કરીને આપશ્રી સભામાં આજ થોડું ઘણું કહી દેશો તો અમે સૌ ધન્ય બનીશું.’ ભક્તનો આટલો આગ્રહ જોઈને મહારાજ અંતે વક્તવ્ય આપવા રાજી થયા.

ત્યાર પછી દરરોજ એકાદ બે વખત એ કાગળના લખાણનું વાચન કરતા, વચ્ચે વચ્ચે મને (સ્વામી વિશુદ્ધાનંદ) કહેતા: ‘બરાબર થાય છે કે કેમ, એ તું સાંભળીને જોઈ લે.’ મેં સાંભળીને કહ્યું: ‘મહારાજ! બધું બરાબર છે…’

અનુષ્ઠાન જેટલું નજીક આવતું ગયું તેટલા જ તેઓ વ્યગ્ર બની ગયા. રેલવેમાં બેંગલોર જતાં રસ્તામાં તેમણે કહ્યું: ‘શશીભાઈ, આવું બધું મારાથી નહિ થાય. હું તો પાછો ચાલ્યો જવા ઇચ્છું છું.’ ગાડીમાં પણ કેટલીયવાર વક્તવ્યનું પઠન કરીને મને સંભળાવ્યું. બેંગલોર સ્ટેશને સવારે સાડા છ વાગ્યે ઊતર્યા.

બે કલાક પછી બરાબર ૮.૩૦ વાગ્યે અનુષ્ઠાન શરૂ થશે. નવાઈની વાત તો એ છે કે બે કલાક પહેલાં વક્તવ્ય આપવા વિશે ચિંતા સેવતા મહારાજે સભાખંડમાં ઊભા રહીને એક પ્રખર વક્તાની જેમ પોતાનું પ્રવચન આપ્યું. સભા પૂરી થયા બાદ શશી મહારાજને મહારાજે ઉલ્લેખ કરતાં કહ્યું: ‘અચાનક શ્રીઠાકુરની ‘માનવ છો કે કીડા!’ની વાત યાદ આવી. બસ પછી કંઈ અસ્વસ્થતા ન રહી, સમજ્યા!’

દેવમાતાનો સેવાભાવ જોઈએ મહારાજે એમને વરદાન આપવાની ઇચ્છા પ્રગટ કરી મને અવારનવાર પૂછતાં : ‘કહે તો, શું દેવું જોઈએ?’ મેં ઘણું વિચાર્યું પણ કોઈ નિર્ણય ન લઈ શક્યો પછી એમણે પોતે જ કહ્યું: ‘હવે પછી પુનર્જન્મમાં ભારતમાં જ જન્મીને શ્રીઠાકુરના અનુરાગિણી બનીને બ્રહ્મચારી જેવું જીવન જીવજો; એ જ સારું ગણાય.’ મેં કહ્યું: ‘વળી એક જન્મનો ફેરો શા માટે કરાવવો! એ બધું તો આપના જ હાથમાં છે.’ તેમણે કહ્યું: ‘ના, ના. હજુ થોડા ઘણાં ભાવભક્તિ થાય છે, સમજ્યો ને! પરંતુ એમણે મારી ઘણી સેવા કરી છે.’

એક વખત એક સાધુ મને (સ્વામી વિશુદ્ધાનંદજી) પૂછે છે: ‘મહારાજ, પછી વરદાન ફળ્યું કે નહિ?’ સ્વામી વિશુદ્ધાનંદજીએ કહ્યું: ‘અવશ્ય ફળ્યું. એવા લોકોના મુખેથી આવાં વરદાન ઉચ્ચારવાની પણ આવશ્યકતા રહેતી નથી. સત્યસંકલ્પ મહાપુરુષો જે ઇચ્છા કરે તે જ થાય અને એ ઇચ્છા ફળે. (સેવાશ્રમ કાશી, ૨૨ નવે., ૧૯૫૧)

વિલિયમ ભટ્ટ

મદ્રાસ મઠમાં રહેતા હતા ત્યારે મહારાજે ફળ, દહીં, મીઠાઈ, ખીર કે દાળ-શાકભાજી વગેરેનું એકીસાથે મિશ્રણ કરીને એક અત્યંત સ્વાદિષ્ટ પંચવસ્તુભોજન તૈયાર કરતા. બધા ભક્તોને બોલાવીને એનો પ્રસાદ પણ આપતા. આ મિશ્રિત વાનગીનું નામ એમણે ‘વિલિયમ ભટ્ટ’ આપ્યું હતું. વિલિયમ ભટ્ટ એટલે William+Bhattacharya આવા એક પ્રસાદનું ભરેલું પાત્ર બતાવીને કહ્યું: ‘આ જિતેન (સ્વામી વિશુદ્ધાનંદ) માટે રાખું છું.’ એ દિવસે એમના મનમાં કેવો ભાવ ઉદ્‌ભવ્યો હશે એ વિશે મને કંઈ ખ્યાલ ન આવ્યો. પરંતુ આ વાત એમણે એક નાના શિશુસહજભાવે કરી હતી. એમની સામે જ હાથ ધરીને ઊભા રહીને શશી મહારાજ વારંવાર કહેતા હતા: ‘રાજા, મને પણ થોડુંક આપોને. તમારો પ્રસાદ લઉં.’ મહારાજે શિશુ સહજભાવે કહ્યું: ‘ના, ના. તને નહિ આપું.’ એમ કહીને વિલિયમ ભટ્ટનું પ્રસાદીપાત્ર છુપાવવા લાગ્યા. ઘડીક એકબાજુએ લઈ જાય તો વળી ઘડીક બીજી બાજુએ. શશી મહારાજે અનેકવાર વિનંતી કરી ત્યાર પછી એમણે પોતાની આંગળી બોળીને અતિઅલ્પપ્રસાદ આપીને કહ્યું: ‘ભાઈ, આટલું જ મળશે, વધારે નહિ.’ આટલું પણ શશી મહારાજે ભક્તિભાવપૂર્વક સ્વીકાર્યું. શશી મહારાજ સ્વામી બ્રહ્માનંદજીને કેવા દૃષ્ટિકોણથી જોતા આ બધાનો ખ્યાલ આવી નાની નાની ઘટનાઓ જાણવાથી આપણને આવે છે.

મદ્રાસ મઠમાં શશી મહારાજ રોજ ઓછામાં ઓછો એકવાર ઠપકો આપતા. એમની પાસે રહેવા માટે સોંપેલા કામકાજ નિપુણતાપૂર્વક થવાં જોઈએ. અત્યંત જાગ્રત રહીને કામકાજ કરવાં પડતાં. શ્રીઠાકુરની સેવાપૂજામાં અલ્પાતિ અલ્પ ત્રૂટિ સહન ન કરતા. અમે ભલેને ગમે તેટલા સાવધાન રહેતા પણ કંઈક ખામી તો રહી જ જતી. એટલે એમના ઠપકા-ગુસ્સાનો ભોગ તો બનવું પડતું. પરંતુ મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) મદ્રાસ મઠમાં હતા ત્યારે તેઓ (શશી મહારાજ) કંઈ જુદા જ માનવ બની ગયા. મઠમાં છે કે કેમ એનો ય ખ્યાલ ન રહેતો.

મહારાજ પોતાના હાથે શ્રીઠાકુરની સેવાપૂજા કરે એવી શશી મહારાજે એક દિવસ ઇચ્છા પ્રગટ કરી. મહારાજને પૂજા-અનુષ્ઠાનનો પૂરો અભ્યાસ ન હતો. તેઓ તૈયાર ન થયા. આ બાજુ શશી મહારાજ પણ એમને છોડવાના ન હતા. વારંવાર વિનંતી કરી: ‘આટલા દિવસ સુધી મેં જેમ તેમ કરીને ‘પ્રાણા-રામ’ (શ્રીઠાકુર)ની પૂજા કરતો રહ્યો છું. હવે જો તમે તમારા જ હસ્તે શ્રીઠાકુરની સેવાપૂજા એકવાર કરો તો મારી મનોકામના પૂર્ણ થાય.’ એક દિવસ સ્નાનાદિ પછી મહારાજ પોતાના ઓરડામાં આવતા હતા. શશી મહારાજે બે હાથ જોડીને એમનો રસ્તો રોકીને ફરી પાછી પોતાની મનોકામના પ્રગટ કરી. મહારાજે કોણ જાણે કેમ પણ આજે એનો વાંધો વિરોધ ન કર્યો. બંને ગુરુબંધુઓ શ્રીઠાકુર મંદિરમાં પ્રવેશ્યા. શશી મહારાજે તો બારણાં બંધ કરી દીધાં. મહારાજ (સ્વામી બ્રહ્માનંદ)ની શ્રીઠાકુરપૂજા જોવા માટે મારી ઘણી વ્યાકુળતા હતી, પણ દુ:ખની વાત તો એ છે કે કંઈ જોવા ન મળ્યું.

ત્યાર પછી હું બેંગલોરમાં હતો. પોતાની મહાસમાધિના બે માસ પૂર્વે શશી મહારાજ બેંગલોર હવાફેર કરવા આવ્યા હતા. એ વખતે ભયંકર ક્ષયરોગથી એમનું શરીર ભાંગી પડ્યું હતું. થોડાએક વખતથી એમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. શ્રીમા દક્ષિણમાં આવ્યાં તે પહેલાં એમના દેહે આરોગ લાગુ પડ્યો હતો. એ વખતે તેઓ સારવાર માટે તૈયાર કે રાજી ન હતા.

ઓરીની ખાટ પર બેસીને શશી મહારાજે એક દિવસ શાંતિનો શ્વાસ લઈને કહ્યું: ‘મારા મનમાં બે ઇચ્છા હતી. એક વાર શ્રીમાને બોલાવીને આ દેશના (દક્ષિણના) ભક્તોને એમનાં શ્રીચરણોમાં સોંપી દેવા અને મહારાજને એકવાર દક્ષિણના ભક્તોના કલ્યાણાર્થે અહીં લાવવા. આ બંને મારા પર કૃપા કરી મારે એ બે ઇચ્છાઓ પૂર્ણ કરી. હવે આ દેહ રહે કે જાય એમાં કશોય ફેર નથી પડવાનો.’ (સેવાશ્રમ, કાશી, ૨૩ નવે., ૧૯૫૧)

સાધુસંગના લાભાલાભ

મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) રામેશ્વર દર્શને જઈ રહ્યા છે. સાથે છે – શશી મહારાજ અને ત્રણ સ્વામી ધીરાનંદ, નિરદ મહારાજ અને હું. એ યાત્રામાં અમારે ત્રણેયને ઘણો આક્રોશભર્યો ઠપકો સહન કરવો પડ્યો હતો. એની વાત આજે કરું છું.

ઠંડીની ઋતુ છે. ગાડીમાં મહારાજે મારી પાસેથી એમની ગરમ ટોપી માગી મેં શોધી પણ મળી નહિ. પાસે જ સેકન્ડ ક્લાસના ડબ્બામાં સ્વામી ધીરાનંદ અને નિરદ હતા. મહારાજની ઉપયોગી વસ્તુઓ એમની પાસે રહેતી. હું પછીના સ્ટેશને ઊતર્યો અને એમની પાસેથી મહારાજની ટોપી માગી. પરંતુ સ્વામી ધીરાનંદે ચાવી ખોઈ નાખી હતી. ટોપી હાથમાં ન આવી, આ સાંભળી મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) અત્યંત ઠપકો આપવા લાગ્યા. આ થયું પહેલું પર્વ. 

વચ્ચેના સ્થળે ગાડી બદલવા એક સ્ટેશને ઊતરવું પડ્યું. અમે ત્રણેય ગાડીમાંથી સામાન ઉતારીને એક જગ્યાએ રાખી એ બંનેથી (સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી રામકૃષ્ણાનંદ) થોડે દૂર બેઠા હતા. સાધુઓને જોઈને લોકો ઉમટવા લાગ્યા. અમે પણ એ બધા સાથે વાતચીતમાં મગ્ન હતા. ભીડમાંથી એક જણે એકાએક કહ્યું: ‘અહીં ચોરના ઘણા અડ્ડા છે, બહુ સાવધ રહેજો.’ આ વાત મહારાજના કાને પડતાં અમને ત્રણેયને અત્યંત આક્રોશ સાથે ઠપકો આપ્યો. એનું કારણ એ હતું કે અમે સામાન દૂર રાખીને લોકો સાથે વાતચીતમાં પડ્યા હતા. આ હતું બીજું પર્વ.

ત્યાં એક ધર્મશાળામાં ભોજન તેમજ થોડા વિશ્રામની વ્યવસ્થા હતી. એ બંને ગુરુબંધુઓએ તરત જ ભોજન પતાવ્યું. એ સમયે સ્વામી ધીરાનંદ અને નિરદ મહારાજને ન જોતાં મહારાજે મને એ બંનેને શોધી લાવવા કહ્યું. તેઓ બંને સ્નાનાદિ કરવા ગયા છે એ સાંભળીને એકદમ ગુસ્સે થયા અને કહ્યું: ‘સેકન્ડ ક્લાસના ડબ્બામાં આવ્યા છો, અને સ્નાનાદિ ગાડીમાં જ કેમ ન પતાવ્યાં?’ એમ કહીને ભયાનક ગર્જન કરી ઊઠ્યા. હું તો ભયથી જડવત્‌ બની ગયો. એ હતું ત્રીજું પર્વ.

રામેશ્વરમાં તેઓ રામનદના મહારાજાના અતિથિ હતા. રાજા સાહેબે એમને માટે એક મહેલ જ આપી દીધો હતો. રાજા મહારાજ ત્યાં પહોંચીને તરત જ શશી મહારાજને સાથે લઈને ધૂળિયા પગે દેવદર્શને નીકળ્યા. એ બંને ગુરુબંધુઓ પાછા આવે પછી અમે મંદિર-દર્શને જઈશું એમ માનીને એમનો સામાન ગોઠવી દીધો હતો. એ લોકો અમારી રાહ જોતાં જોતાં બે કલાક પછી મંદિરેથી દર્શન કરીને પાછા ફર્યા. મહારાજે પહેલાં સ્વામી ધીરાનંદને ઠપકો આપવાની શરૂઆત કરી: ‘અહીં બેસી આટલો સમય શું કરતા હતા? તમારી આટલી ઉંમર થઈ છે અને તીર્થસ્થાનમાં આવીને ધૂળિયા પગે દેવદર્શનાર્થે જવું જોઈએ એની પણ ખબર નથી?’ હું ભય સાથે બોલ્યો: ‘અમે લોકો આ બધો સામાન ગોઠવતા હતા.’ એ સાંભળીને રાજા મહારાજે કહ્યું: ‘શશીભાઈ, એક દીવાસળી લઈ આવ. આને અત્યારે જ સળગાવી દઈએ, કાયમને માટે આપત્તિ દૂર થઈ જાય.’

એમનું રુદ્ર રૂપ જોઈને હું વિચારવા લાગ્યો: ‘મહાપુરુષો સાથે હવે વધુ તીર્થદર્શને નહિ જઈએ. અમારો સેવાપરાધ તો થયો છે અને વળી એના પર આવા ઠપકા ખાઈને જીવ નીકળી જાય છે.’ આ તો એકબાજુનીવાત થઈ પણ એમની સાથે પરિભ્રમણ કરવાથી અનેક અમૂલ્ય લાભ પણ થાય છે.

પછીના દિવસે સવારથી અમે રાજા મહારાજને જોયા નહિ. શશી મહારાજ અને અમે ત્રણેય શોધવા લાગ્યા. મહારાજ આવી રીતે એકલા ક્યારેય અને ક્યાંય પણ ન જતા. આજુબાજુ નકામાં ફાંફાં માર્યાં. પછી શશી મહારાજે અનુમાન કરીને કહ્યું: ‘મહારાજ કદાચ મંદિરે ગયા હશે.’ અમે તરત જ મંદિરે દોડી ગયા અને જોયું તો શશી મહારાજનું અનુમાન સાચું જ હતું.

મંદિરમાં જઈને જે જોયું એ વાત હું તમને કેવી રીતે સમજાવું! એનું અલ્પાતિ અલ્પ વર્ણન કરી શકું. જોયું તો તેઓ શિવજીના સાંનિધ્યમાં ધ્યાનમગ્ન છે, બાહ્યજ્ઞાન પણ નથી અને નિસ્પંદ અવસ્થામાં છે. શશી મહારાજે અમને ઈશારો કરીને એમને ઘેરીને બેસી જવા કહ્યું, જેથી કરીને મંદિરમાં ભીડ થાય ત્યારે એમના દેહને જરાય હાનિ ન થાય. શશી મહારાજ નજીકમાં જ એકબાજુએ એમનું સંરક્ષણ કરતા હોય તેમ આગળ બેઠા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે અમે હજુ થોડો સમય બેઠા ત્યાં અમે પણ ગહન ધ્યાનમાં લીન થઈ ગયા. જુઓ કેવી અદ્‌ભુત અવસ્થા! ઉચ્ચ આધ્યાત્મિક-શક્તિસંપન્ન મહાપુરુષના સાંનિધ્યમાં જે કોઈ પણ આવે તે પ્રભાવિત થવાના જ; હૃદયમાં આધ્યાત્મિક ભાવનું સ્ફૂરણ સ્વયંભૂ થઈ જવાનું જ. એટલે જ શાસ્ત્રો અવિરતપણે સાધુસંગનું મહિમાગાન કરતાં રહે છે.

જે હોય તે, પણ આ ભાવાવસ્થામાં લગભગ બે કલાક વીતી ગયા. મહારાજ ધીમે ધીમે બાહ્યભાનમાં આવતા ગયા. અમે પણ સહજ અવસ્થામાં આવ્યા. તેઓ હજુ અડધો કલાક વધારે આસન પર બેઠા રહ્યા. એમના મુખ પરનો ભાવ શાંતિ અને ગંભીર હતો. પછી શશી મહારાજે અત્યંત સાવધાનીપૂર્વક એમને એક ગાડીમાં બેસાડીને નિવાસસ્થાને પાછા ફર્યા. સાત આઠ દિવસ રામેશ્વરમાં રોકાયા. મદ્રાસી ભક્ત રામુ અમારી સાથે હતો. રામનદના રાજાના માણસો પણ અમારી સાથે હતા.

એક દિવસ બપોરે મહારાજની સ્વગતોક્તિ સાંભળી: ‘શું ભાવ નહિ થાય? સ્વયં ભગવાન રામે જ પ્રતિષ્ઠા કરી છે!’ ત્રેતાયુગમાં શ્રીરામચંદ્રે આ રામેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. મા સીતાદેવીનું નામ જ વધુ સુપ્રસિદ્ધ છે.

હવે જુઓ, પહેલાં જે આક્રોશપૂર્વક અમોને ઉધડો લેતા હતા પણ એના કરતાં આ પછી થયેલ સ્વર્ગીય આનંદની અનુભૂતિ કેટલી મહત્તર છે! જો આવી અનુભૂતિ કે દર્શન થતાં હોય તો આવા હજાર-હજાર ઠપકા સહન કરવા તૈયાર છીએ. (સેવાશ્રમ, કાશી, ૨૭ નવે., ૧૯૫૧)

(ક્રમશ:)

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.