(ગતાંકથી આગળ)

નર્તકીનું ભજન – ૨

વૈકુંઠનાથ સંન્યાલનું વિવરણ

વૈકુંઠનાથ સંન્યાલ શ્રીરામકૃષ્ણના મુખ્ય શિષ્ય તથા સ્વામીજીના ઘનિષ્ઠ મિત્ર અને ગુરુભાઈ હતા. તેમણે આ ઘટના જેવી સાંભળી એવા શબ્દોમાં તેઓ તેનું વર્ણન કરતાં કહે છે: રાજાએ સ્વામીજીને ભજન સંભળાવવા માટે બે પ્રસિદ્ધ ગાયિકાઓને બોલાવી હતી. સંન્યાલ મહાશયે એમણે ગાયેલ સુરદાસજીના બે પદોનો પણ ઉલ્લેખ કર્યો છે :

પ્રભુજી! અવગુણ ચિત ન ધરો,
સમદરશી તુ હી હૈ.
એક લોહે મૂરતિ પૂજાવે,
ઔર ઘર બધિક કે,
પરશ કી મન મેં દ્વિધા નહિ હૈ
દુહુ સોના કરે.

હે સમદર્શી પ્રભુ! તમે મારા દોષ ન જોતા. લોખંડનો એક ટુકડો મૂર્તિ બનીને પુજાય છે અને બીજો ટુકડો શસ્ત્રના રૂપે કસાઈના હાથે હત્યાનું કાર્ય કરી રહ્યો છે. પણ પારસમણિના મનમાં કોઈ દ્વિધા કે સંદેહ નથી હોતાં, એ તો સ્પર્શમાત્રથી જ બંનેને સુવર્ણમાં પરિવર્તિત કરી દે છે.

દયાનિધે! તોરિ ગતિ લખિ ન પડે,
પિતા કો વચન જો ટારે સો પાપી,
વહી પાપ પ્રહ્‌લાદ કરે,
તાકે લિએ સ્ફટિક ખંબા સે,
નરસિંહ રૂપ પ્રકટ કરે.

હે દયાનિધિ! તમારી ગતિ સમજવી અત્યંત કઠિન! પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ પાપ છે પણ પ્રહ્‌લાદે એ જ કર્યું! પ્રહ્‌લાદે આમ કર્યું છતાં પણ સ્ફટિકના થાંભલામાંથી તમે પોતે જ ભગવાન નરસિંહના રૂપે પ્રગટ થયા. 

‘નરેન્દ્રનાથ વર્ણવે છે કે જળોના મુખ પર મીઠું પડે અને જે અસર થાય તેવો જ અનુભવ મને થયો. તેઓ કહેતા – જીવનમાં (મારો) આ પહેલો પરાભવ હતો!’ (‘શ્રીરામકૃષ્ણ લીલામૃત’ બંગાળી, બીજી આવૃત્તિ, પૃ.૨૯૪)

સંન્યાલ મહાશયના વિવરણમાં ઉલ્લેખ બે ગાયિકાઓની વાત કોઈ બીજા પ્રમાણભૂત સૂત્રથી પ્રસ્થાપિત થાય તો જ સ્વીકાર્ય બને. પણ મુખ્ય ગાયિકાએ બે ભજન ગાયાં હતાં એની પ્રમાણભૂતતા બીજાં સૂત્રોમાંથી પણ સિદ્ધ થાય છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે એ બંને ભજનોના ભાવમાં સામ્યતા છે અને બંનેનો સંદેશ એક જ છે.

સ્વામીજીની નોંધપોથીનું સાક્ષ્ય

સ્વામીજીએ પોતાના હાથે જ લખેલ એક નોટબુક આ ઘટનાનું મહત્ત્વપૂર્ણ સાક્ષ્ય છે. ભારત પરિભ્રમણ દરમિયાન સ્વામીજીની પાસે એક નોટબૂક રહેતી. એમાં એમણે ૧૮૮૬થી અનેક ભજન તેની સ્વરલિપિ, રાગ વગેરેના સ્વરવિસ્તાર તેમજ મૃદંગના બોલ લખી રાખ્યા હતા. આ નોટબૂક સ્વામીજીની સાથે સમગ્ર ઉત્તર ભારત દિલ્હી, રાજપૂતાના, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, વગેરે પ્રદેશોના પરિભ્રમણ દરમિયાન એમની સંગિની બનીને રહી હતી. ક્યાંય પણ કોઈ સારું ભજન કે સંગીતના સ્વર મળી જાય તો સ્વામીજી એ નોંધ નોટબૂકમાં લખી લેતા અને ક્યારેક પોતાની ઇચ્છા થાય તો એમાંથી કેટલાંક (ગીત-ભજન) ગાતા પણ હશે. પરિભ્રમણ કરતાં કરતાં સ્વામીજી ૧૮૯૩માં મદ્રાસ પહોંચ્યા અને ત્યાં જ શ્રીમન્મથનાથ ભટ્ટાચાર્યના ઘરે કેટલાક મહિના સુધી રહ્યા. એ સમયે એમની નાની એવી દીકરી (એની ઉંમર નવદશ વર્ષની હશે) એમની પાસેથી સંગીત શીખતી અને જ્યારે સ્વામીજી મુનશી જગમોહનલાલની સાથે મદ્રાસથી ખેતડી જવા રવાના થયા ત્યારે એ નોટબૂક પેલી બાલિકા પાસે જ રહી ગઈ. અર્થાત્‌ સ્વામીજીના પોતાના ખેતડીના બીજા પ્રવાસ દરમિયાન એ નોટબૂક એમની પાસે ન હતી. આ નોટબૂકના પૃષ્ઠ ૨૬-૨૭ પર સ્વામીજીના જ હસ્તાક્ષરમાં સુરદાસના ઉપર્યુક્ત બે ભજન લિપિબદ્ધ થયાં છે. (આ નોટબૂકની ફોટોકોપી બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’ના વર્ષ ૭૭ના ૯મા અંક, વર્ષ ૭૮નો ૧લો, ૯મો અને ૧૧મો અને વર્ષ ૭૯ના પહેલા અંકમાં પ્રકાશિત થઈ છે. અંતિમ અંકના પૃષ્ઠ ૧૮, ૨૨-૨૩ પર બંને પદો ઉદ્ધૃત છે. રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર દ્વારા ૨૦૦૦માં પ્રકાશિત ‘સંગીત કલ્પતરુ’ ગ્રંથના ઉત્તરાર્ધના પરિશિષ્ટ, પૃ.૩૨૯ થી ૩૭૫,ના રૂપે આ પૂરી સામગ્રીનું પુનર્મુદ્રણ થયું છે.)

અમે એમ માનીએ છીએ કે જે દિવસે આ ઘટના ઘટી એ જ દિવસે કે ત્યાર પછીના દિવસે સ્વામીજીએ પોતાની સ્મૃતિમાંથી એ ભજન પોતાની નોટબૂકમાં ઉતારી લીધા હતા. એમણે આ ભજન બંગાળી લિપિમાં લખ્યાં છે. એનું દેવનાગરી રૂપાંતરણ આવું છે :

પ્રભુ મેરે અગુને ચિત ન ધરો
સમદરશિ નામ તુઁહારો એકઈ બ્રહ્મ કરો
એક લોહા પૂજામેં રહત હૈ એક ઘર બધિક પર્યો
પારશ કો મને – દ્વિધા નહિ કાંચન કરે સો ખર્યો
એક નદી એક નાલો કહાયે – મયલો-નીર ભરો
જાય મિલે ગંગાજલ માહિ-એકઈ રૂપ ધરો.

(કાશી નાગરી પ્રચારિણી સભા દ્વારા પ્રકાશિત ‘સૂરસાગર’ ખંડ-૧, સં.૨, પૃ.૭૨માં આ ભજન આ રૂપે જોવા મળે છે : રાગ- ખંભાવતી, તિતાલા; હમારે પ્રભુ અવગુણ ચિત ન ધરો, સમદરશી હૈ નામ તુમ્હારો, સોઈ પાર કરૌ. ઈક લોહા પૂજા મેં રાખત, ઈક ઘર બધિક પરૌ; સે દુવિધા પારસ નહિં, જાનત કાંચન કરત ખરૌ. ઈક નદિયા ઈક નાર કહાવત મૈલો નીર ભરૌ, જબ મિલિ ગયે તબ એક બરણ હ્‌વૈ ગંગા નામ પરૌ. તમ માયા જ્યો બ્રહ્મ કહાવત સૂર મિલિ બિગરૌ, કૈ ઈનકો નિરધાર કીજિયે કૈ પ્રણ જાત્‌ તરૌ.)

દયાનિધે તોરિ ગતિ લખિ ન પરે
ધર્મઅધર્મ, અધર્મ ધર્મ કરિ, અકરણ કરણ કરૈ.
જય અરુ વિજય પાપ કહકિ-નો,
બ્રા-હ્મણ શા-પ દિયા-યો
અસુર યોનિ-દિની-તા ઉપર
ધર્મ ઉચ્છેદ-કરા-યો.
પિ-તા વચન ખંડે-ત પાપી-
સો પ્રહ્‌લા-દ કિ-નો
તિન્‌કે-હે-ત્‌ સ્તમ્ભતે પ્રકટે
નરહરિ રૂ-પ જો નીન. (લીનો?)
દ્વિજકુલ પતિત અજા-મિલ વિષયી
ગણિકા-પ્રીત બડા-ઈ
યજ્ઞ કરત વિરો-ચનકે સુત
વેદ વિહિત વિધિ-કરમ
તિહિ હટ બાંધિ પાતા-લ હિ દીનો
કો-ન કૃપા-નિધિ ધરમ
પતિવ્રતા-જા-લન્ધર યુવતી
પ્રકટ સત્યતે ટારો –
અધમ પુંશ્ચલી દુષ્ટ ગ્રામકી
શુગા પરાવત તાયરો -.
દાની ધરમ ભાનુસુત સુનિયત
તુમિ તો વિમુખ કહાવે
વેદ-વિરુદ્ધ સકલ પાંડવસુત
તો તોમ્‌રે જીઉ ભાવે –
મુક્તિ હે-તુ જોગી બહુ શ્રમ કરે
અસુર વિરોધે પાવે
અકણિત કણિત તો મા રી મહિમા
સુરદા-સ કૈસે કહ ગાવે.

(કાશી નાગરી પ્રચારિણી સભા દ્વારા પ્રકાશિત ‘સૂરસાગર’ ખંડ-૧, સં.૨, પૃ.૩૩-૩૪માં આ ભજન આ રૂપે જોવા મળે છે : રાગ- ગૌરી; દયાનિધે તેરી ગતિ લખિ ન પરે; ધર્મ અધર્મ, અધર્મ ધર્મ કરિ, અકરણ કરણ કરૈ. જય અરુ વિજય કર્મ કહ કિન્હૌ બ્રહ્મ સરાપ દિવાયો. અસુર યોનિ તા ઉપર દીન્હી ધર્મ-ઉચ્છેદ કરાયો. પિતા વચન ખંડૈ સો પાપી સો ઈ પ્રહ્‌લાદહિં કિન્હૌ. નિકષે ખંભ બીચતેં નરહરિ તા હિ અભય પદ દીન્હૌ. દાનધર્મ બહુ કિયો ભાનુસુત સો તુવ વિમુખ કહાયૌ. વેદવિરુદ્ધ સકલ પાંડવકુલ સો તુમ્હરે મન ભાયૌ. યજ્ઞ કરત વૈરોચનકો સુત વેદવિહિત વિધિકર્મા. સો છલિ બાંધિ પાતાલ પઠાયૌ કૌન કૃપાનિધિ ધર્મા. દ્વિજકુલ પતિત અજામિલ વિષયી ગણિકા હાથ બિકાયૌ. સુતહિત નામ લિયો નારાયણ સો પતિવ્રત તૈં ટારી. દુષ્ટ પુંશ્ચલી અધમ સો ગણિકા સુવા પરાવત તારી. મુક્તિહેતુ યોગી શ્રમ સાધે અસુર વિરોધે પાવૈ. અવિગત ગતિ કરુણામય તેરી સૂર કહા કહિ ગાવૈ.)

સ્વામીજીની સ્મૃતિઓ

સ્વામીજીના જીવન પર આ ઘટનાએ એક એવો અમાપ પ્રભાવ પાડ્યો કે એમણે નર્તકી પાસેથી સાંભળેલ સુરદાસજીનાં ભજનો પોતાની નોટબૂકમાં લખી લીધા. અને પછીના કાળમાં તેઓ પ્રાય: આ ઘટના યાદ કરતા તથા એ ભજનને ગાતા પણ ખરા.

રાજસ્થાન પછી સ્વામીજી ગુજરાતમાં ગયા. ત્યાં પણ વિભિન્ન સ્થળોએ તેઓ એ જ ભજન ગાતા રહેતા. સ્વામી અખંડાનંદજી લખે છે: ‘સ્વામીજી જ્યારે જૂનાગઢમાં હતા ત્યારે (ઝંડુ) ભટ્ટજી સાથે એમને પરિચય થયો હતો. ત્યાં જ સ્વામીજીના મુખેથી ‘દયાનિધે તેરી ગતિ લખી ન પરે’ આ ભજન સાંભળીને ભટ્ટજી રડી પડ્યા હતા.’ (‘સ્મૃતિ કથા’, બંગાળી, તૃતીય સંસ્કરણ, પૃ.૯૬)

‘(જામનગરમાં શંકર શેઠે).. મને એ ભજન દરરોજ સંભળાવવા માટે મૂળજી નામના એક બ્રાહ્મણ ગાયકને રાખ્યા હતા. આ ગાયક સ્વામી વિવેકાનંદજીના પણ પરિચિત હતા. કાઠિયાવાડમાં ભ્રમણ કરતી વખતે જ્યારે સ્વામીજી એક સુખી-સંપન્ન ગામમાં રોકાયા હતા ત્યારે તેઓ એમના મુખેથી ભક્તકવિ સુરદાસજીનાં ‘દયાનિધે તેરી ગતિ લખી ન પરે’ અને ‘પ્રભુ મોરે અવગુણ ચિત ન ધરો’ વગેરે ભજન અને એમાંય વિશેષ કરીને પ્રાત: કાળે ‘શશધર તિલક ભાલ ગંગા જટા પર’ ભજન સાંભળવાનું પસંદ કરતા.’ (‘સ્મૃતિ કથા’, બંગાળી, તૃતીય સંસ્કરણ, પૃ.૯૨)

લગભગ એક વર્ષ પછી ૧૮૯૩ના પ્રારંભમાં આપણને જોવા મળે છે કે મદ્રાસમાં સ્વામીજી મન્મથનાથ ભટ્ટાચાર્યના બંગલામાં પણ એ જ ભજન ગાય છે. ડૉ. એમ. સી. નંજુન્દા રાવ પોતાની સ્મૃતિકથામાં આમ લખે છે: ‘રાતનો સમય હતો. સાગરતટ પર આવેલ શ્રી ભટ્ટાચાર્યના બંગલામાં મધુર ચાંદની ફેલાઈ ગઈ હતી. સ્વામીજી એ સમયે પોતાની સર્વોત્કૃષ્ટ મન: સ્થિતિમાં હતા. જાણે કે એમના મુખમંડલ પરથી જ્યોતિનાં કિરણો નીકળીને એમની ચોતરફ આભામંડળની સૃષ્ટિ કરી રહી હોય એમ એમનો ચહેરો ચમકી રહ્યો હતો. થોડા સમય પહેલાં જ તેઓ એક હૃદયસ્પર્શી ભજન ‘તેરી ગતિ લખી ન પરે’ ગાતા હતા. આ ભજનનો એમણે પોતે જ મુક્ત અનુવાદ પણ કર્યો : ‘હે પ્રભુ, આપનાં કાર્યો અમારી સમજમાં નથી આવતાં.’ આ મહાન ભજન જગદંબાની ઇચ્છા પ્રત્યે પૂર્ણ આત્મસમર્પણ તથા શરણાગતિનું દ્યોતક હતું. ગદ્‌ગદ્‌ ભાવે એમણે આ ભજનના એક એક વાક્યનો અનુવાદ કર્યો અને એ સંધ્યાસમયે એકત્ર થયેલ વૃંદ આ ગીત પૂરેપૂરું સમાપ્ત થાય ત્યાં સુધી મંત્રમુગ્ધ બનીને સાંભળતું રહ્યું.’ (‘વેદાંત કેસરી’, વૉ.૧, ક્રમ-૬, ઓક્ટોબર ૧૯૧૪, પૃ.૧૮૬-૮૭)

વળી આ ઘટનાના લગભગ ૭ વર્ષ પછી ૧૮૯૮ના ૧૪ થી ૧૬ મે સુધી જ્યારે સ્વામીજી પોતાના વિદેશી શિષ્યોની સાથે નૈનિતાલમાં ખેતડી નરેશ અજિતસિંહના અતિથિ બન્યા ત્યારે પણ નર્તકીનો પ્રસંગ ઊભો થયો. ભગિની નિવેદિતા આ વિશે આમ લખે છે: ‘ત્રણ ઘટનાએ અમારા નૈનિતાલ પ્રવાસને આનંદમય બનાવી દીધો – સ્વામીજીએ પરમ આહ્‌લાદ સાથે ખેતડીના મહારાજા સાથે અમારો પરિચય કરાવ્યો, તે પહેલી. બીજી, બે નર્તકીઓ દ્વારા અમારી પાસેથી ઠામ ઠેકાણું પૂછીને સ્વામીજીને મળવા આવવું. અને ત્રીજી, અન્ય લોકોના વિરોધ છતાં પણ સ્વામીજીએ એમનું સપ્રેમ સ્વાગત કર્યું… જો મારી ભૂલ ન થતી હોય તો નૈનિતાલની આ નર્તકીઓના સંદર્ભમાં એમણે અમને પહેલીવાર ખેતડીની નર્તકીવાળી ઘટના સંભળાવી હતી. આ ઘટના પછીથી અમને અનેકવાર સાંભળવા મળી. તેઓ (સ્વામીજી) એમના નૃત્યને જોવાનું આમંત્રણ મેળવીને પહેલાં તો નારાજ થયા હતા પણ પછી ઘણા અનુરોધ બાદ ત્યાં એમની સભામાં ગયા પછી નર્તકીએ ‘પ્રભુ મોરે અવગુણ ચિત ન ધરો’ એ ભજન ગાયું હતું… અને ત્યારે સ્વામીજીએ પોતે દર્શાવ્યું હતું કે આ ભજનની સાથે જ એમની આંખોની સામેથી જાણે કે એક પડદો ઊઠી ગયો અને એમણે જોયું કે ખરેખર બધું એક જ છે. ત્યારથી માંડીને એમણે કોઈનીયે ઘૃણા કરવાનું છોડી દીધું. (‘સ્વામી વિવેકાનંદ કે સાથ ભ્રમણ’ કોલકાતા, ૨૦૦૧, પૃ.૧૯)

સ્વામીજીના અમેરિકન શિષ્યા ઈડા આન્સેલે આ પ્રમાણે લખ્યું છે: ‘એડિથ (વિરજા)નો સ્વર સુંદર કોન્ટ્રાલ્ટો હતો. ક્યારેક ક્યારેક તે ગહનભાવ સાથે સ્વામીજી સાથે સંબંધિત કેટલાંક ભજનગીત ગાતાં. પહેલીવાર સ્વામીજી અમેરિકા આવ્યા તે પહેલાં જ્યારે તેઓ એક રાજાના મહેલમાં રોકાયા હતા અને ત્યાં એક ગણિકાએ ગાયેલ ભજનના એમણે કરેલા અનુવાદના આધારે બનાવેલું એક ગીત ગાવાનું એડિથને ઘણું ગમતું. (‘રેમિનન્સિસ ઑફ સ્વામી વિવેકાનંદ’, ૧૯૯૪, પૃ.૩૭૬)

(ક્રમશ:)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.