શ્રી શ્રીમહારાજ મદુરાતીર્થસ્થાને

રામેશ્વર ધામથી મદ્રાસ પાછા ફરતી વખતે રસ્તામાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) મદુરામાં ઊતર્યા અને નિધાર્રિત સ્થળે પહોંચ્યા. શશી મહારાજે પહેલેથી જ વ્યવસ્થા કરી રાખી હતી. અહીં મીનાક્ષીદેવીનું સુપ્રસિદ્ધ મંદિર છે. પરંતુ મહારાજ ધુળિયા પગે દેવીદર્શન કરવા ન ગયા.

સ્નાન કરવાના છે, તેલમર્દન કરે છે, નજીકમાં બીજું કોઈ નથી, ગંભીર મુખભાવ છે, એકાએક કહ્યું: ‘જુઓ, અહીં પગ મૂકતાં જ સમજાઈ ગયું કે અહીંની રજેરજમાં દેવીશક્તિ વિરાજેલ છે.’ હજુ સુધી શ્રીમંદિરમાં તો ગયા નથી.

બીજે દિવસે સ્વામી બ્રહ્માનંદ મહારાજ અને શશી મહારાજ સાથે અમે લોકો દેવીદર્શને ગયા. કેટલાક મદ્રાસી ભક્તો સાથે આવ્યા હતા. મહારાજ જ્યારે દર્શને જતા ત્યારે જમણો હાથ વક્ષ:સ્થળ પર રાખીને કરજપ કરતા. સામાન્ય રીતે વસ્ત્રનું આવરણ કરીને કરજપ કરવા એવી રીત છે. પણ મહારાજે એમ ન કર્યું. કપડાનું આચ્છાદન પણ ન રાખતા, તેઓ કનિષ્ઠા, અનામિકા અને મધ્યમા – એ ત્રણ આંગળીથી કરજપ કરતા. આજે દેવી દર્શન કરવા જતી વખતે પણ એ ક્રમ બદલાયો નહિ. ‘મા, મા’ એમ રટણ કરતાં કરતાં ધીમે ધીમે દેવી સમીપ જઈ રહ્યા છે. બાર-ચૌદ હાથ દૂર રહ્યા ત્યારે એકાએક ઊભા રહી ગયા. વારંવાર અશ્રુકંપપુલક જોવા મળતું, એ દૃશ્ય આજે પણ મારી નજર સમક્ષ આવી જાય છે! એમની ભાવગતિ જોઈને પહેલેથી જ મનમાં આવી ગયું કે તેઓ માને આલિંગન કરવા ઇચ્છે છે. (નાના બાળકની જેમ) માના વક્ષ:સ્થળ પર ઝળુંબવા જાણે કે આતુર બન્યા છે! હવે વિલંબ અસહ્ય બની ગયો છે. અટકી ગયા પછી મનમાં થયું જાણે કે તીવ્ર વ્યાકુળતા કોઈ સીમા ઇચ્છતી નથી. દેવી માતા સમક્ષ તેઓ ઝૂકી પડ્યા. શશી મહારાજ એમની પાછળ ઊભા રહી ગયા. અમે લોકો પણ એમની આસપાસ વીંટળાઈને ઊભા રહ્યા. આરસના ભોંયતળિયા પર લપસીને નીચે પડી જવાનો ભય હતો. થોડીક ક્ષણો બાદ અશ્રુકંપાદિ અને નમી પડ્યા હતા એ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું. હવે સંપૂર્ણપણે સ્થિર, બાહ્યજ્ઞાનશૂન્ય – સમાધિસ્થ! અહા! કેવી મુખકાંતિ! આનંદ ભીતર સમાતો નથી જાણે કે બહાર ઊછળી પડે છે. આ દિવ્યભાવ લગભગ અડધોકલાક રહ્યો. અમે આ દર્શન કરીને ધન્ય બન્યા. ક્રમશ: સહજ અવસ્થામાં આવીને અત્યંત મૃદુ સ્વરે કહ્યું: ‘શશીભાઈ, ગાડી નહિ મગાવો?’

નિવાસસ્થાને પાછા ફર્યા છતાંયે એમનો ભાવ ઓછો ન થયો. અમે બધાએ ખાધું કે કેમ, એ વિશે એક વાગ્યે તેમણે પૂછ્યું; પણ પોતાનાં સ્નાનાહાર થયાં છે કે કેમ, એનો જરાય ખ્યાલ નથી! શશી મહારાજે કહ્યું: ‘રાજા, તમે તો ખાધું નથી.’ ત્યારે મને કહ્યું: ‘તેલ માલીશ કરી દે.’ સ્નાનાહાર પત્યાં પણ ભાવનું શમન ન થયું. સંધ્યાસમયે સહજ અવસ્થામાં આવ્યા. ત્યારે શશી મહારાજે કહ્યું: ‘રાજા, આજે તમારો દિવસ ઘણો સારો ગયો. ઘણો દર્શનલાભ મેળવ્યો.’ તેમણે મૃદુ સ્વરે કહ્યું: ‘માની કૃપા! અહા! માના ખોળે કેવો આનંદમાં હતો, એ તને હું કેમ સમજાવું ભાઈ!’ પછી શશી મહારાજ સ્થિર ઊભા ન રહી શક્યા, તેમણે મહારાજને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું: ‘રાજા, તમારા ચરણની ધૂલિ આપો, દેહમન પવિત્ર કરી લઉં!’ મહારાજે કહ્યું: ‘શું કરે છે, શું કરે છે, ભાઈ?’ તરત જ શશી મહારાજે કહ્યું: ‘અરે છોકરાઓ, મહારાજના ચરણે પડો.’ અમે પણ એમના ચરણે પડીને ધન્ય બન્યા.

(ભક્તોને ઉદ્દેશીને સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ કહે છે) : ‘જુઓ, બીજું કંઈ થયું કે નહિ, પણ આ બધા મહાપુરુષોનાં દર્શનનો લાભ અમને મળ્યો હતો. તમે આ બધું પુસ્તકોમાં વાંચો છો અને અમે આ બધું નજરે જોયું છે.’

મીનાક્ષીદેવીની મૂર્તિ અત્યંત સુંદર! કાળા પથ્થરમાં કોતરેલી! અનેક રીતે કન્યાકુમારીની મૂર્તિ સાથે મળતી આવતી મૂર્તિ! અલબત્ત મા કન્યાકુમારીની મૂર્તિ જેટલી અત્યંત સુંદર મૂર્તિ ક્યાંય નથી. વિશેષ કરીને શૃંગારઆરતી સમયે શ્રીમાનાં દર્શન કરવાથી પ્રાણ પુલકિત થઈ ઊઠે! વારંવાર જોયા કરીએ તોયે તૃપ્તિ ન થાય. નાની બાલિકામૂર્તિ! ખોળામાં લઈ લેવાની ઇચ્છા થઈ આવે. (એક સાધુને ઉદ્દેશીને કહ્યું:) તું એકવાર દક્ષિણનાં તીર્થસ્થાને જઈ આવ, અત્યંત આનંદ આવશે. (સેવાશ્રમ કાશી, ૨૮ નવેમ્બર, ૧૯૫૧)

શશી મહારાજની વાત

શ્રીઠાકુરની મહાસમાધિ પછી તેમના ત્યાગી સંતાનો એક એક કરીને ચારે દિશાઓમાં પરિભ્રમણાર્થે નીકળી પડ્યા. પરંતુ શશી મહારાજ શ્રીઠાકુરની સેવાપૂજાને દૃઢભાવે પકડી રાખીને મઠના મૂળ મકાનમાં જ રહ્યા.

પશ્ચિમમાંથી પાછા ફરીને સ્વામીજીએ આલમબજાર મઠમાં આવીને કહ્યું: ‘શશીભાઈ, તમારે મદ્રાસ જવાનું છે. ત્યાં એક મઠ સ્થાપીને શ્રીઠાકુરના ભાવનો પ્રચાર-પ્રસાર કરવાનો છે.’ સ્વામીજીના અનુરોધથી શશી મહારાજ પોતાની દસ વર્ષની શ્રીઠાકુર સેવાપૂજા છોડીને દક્ષિણમાં ચાલ્યા ગયા. ત્યાં જ એમણે શ્રીઠાકુર માટે પોતાનું શરીર ઘસી નાખ્યું.

મદ્રાસ મઠમાં પણ તેઓ પોતે જ શ્રીઠાકુરની સેવાપૂજા કરતા. એક તો ગરમ હવામાનવાળો પ્રદેશ, એમાં વળી પિત્તપ્રધાન ભારે શરીર, આને લીધે ગ્રીષ્મકાળમાં એમને ઘણી પીડા થતી. બપોરે પ્રસાદ લીધા પછી ઉપવસ્ત્ર પહેર્યા વિના મંદિરની ફર્શ પર જ સૂઈ જતા. હું હાથ પંખો નાખતો. એવા ગ્રીષ્મકાળે એક વખત અચાનક ઊઠીને કહ્યું: ‘જો મને આટલી બેચેની થતી હોય તો શ્રીઠાકુરની શી દશા થતી હશે!’ ત્યારે કમર પર કપડું કસીને શ્રીઠાકુરના મંદિરમાં ગયા અને શ્રીઠાકુરની છબિને પંખો કરવા લાગ્યા. પોતાને અત્યંત ગરમી થાય છે અને કપાળ પરથી પરસેવો નીતરે છે, દેહભાન જરાય નથી. શ્રીઠાકુરને પ્રાણપૂર્વક પંખો નાખે છે અને ‘પ્રાણવલ્લભ પ્રભુ આમાર’ એમ રટણ કરતા જાય છે. બપોરે ૨ થી ૪ સુધી આવું કેટલાક દિવસ સુધી ચાલુ રહ્યું.

મદ્રાસમાં બધા લોકો એમના પ્રત્યે ઘણો શ્રદ્ધા-ભક્તિભાવ રાખતા. પ્રવચન આપીને મઠમાં પાછા ફર્યા, શરીરે અંગરખું છે, માથે પાઘડી છે, ગળામાં ફૂલની માળા છે, ભક્તો જયધ્વનિ કરે છે. મઠમાં પ્રવેશીને સ્વામીજીના ચિત્ર નીચે માથું ટેકવીને કહે છે: ‘જુઓ ભાઈ, મારા મનમાં અલ્પમાત્ર પણ અભિમાન ન જાગે.’ કેવા વ્યાકુળ નિરભિમાન મનની પ્રાર્થના! 

સૌ પ્રથમ રાજા મહારાજને મદ્રાસ મઠમાં લાવ્યા. થોડા દિવસ પછી શ્રીમા શારદાદેવીને લઈ આવ્યા. શ્રીમા માટે મઠની નજીક એક મકાન ભાડે લીધું હતું. પ્રતિ ક્ષણ એક દરવાનની જેમ તેઓ ત્યાં જ બેસી રહેતા. દરરોજ હાથ જોડીને શ્રીમાને પૂછતા: ‘મા, આપને કોઈ અગવડતા તો નથી ને!’ એ વખતે શશી મહારાજને ક્ષયરોગ થયો હતો. વચ્ચે વચ્ચે શરદી, ઉધરસ અને તાવ આવી જતાં, એ બધાની એમની કશીયે પડી નથી. શ્રીમાને કશીયે અગવડતા ન પડે એની જ પ્રત્યેક પળે ચિંતા રહેતી. શ્રીમાને રામેશ્વરનાં દર્શન કરાવ્યાં. મદ્રાસથી પાછા ફરતી વખતે પુરીમાં રોકાઈને શ્રીમા કોલકાતા પરત આવ્યાં.

થોડા દિવસ પછીની વાત, શશી મહારાજ અસ્વસ્થ દેહે બેંગલોર હવાફેર કરવા માટે આવ્યા છે. ત્યારે રોગ ઘણો વધી ગયો. હું શશી મહારાજને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે થૂંક-કફ તપાસ્યાં અને મને રોગનાં જીવાણું દેખાડ્યાં પછી કહ્યું: ‘આ શું કર્યું? છ મહિના પહેલાં આવ્યા હોત તો સારું થાત. હવે આ રોગ અસાધ્ય બની ગયો છે.’ પરંતુ શશી મહારાજે અમને કહ્યું: ‘હવે આ દેહ રહે કે ન રહે!’

ચિકિત્સા માટે તેમને કોલકાતા લાવવામાં આવ્યા. એ વખતે રાજા મહારાજ જગન્નાથ પુરીમાં હતા. એમણે ખુર્દારોડ જંકશને આવીને શશી મહારાજના ડબ્બામાં પ્રવેશીને કહ્યું: ‘શશીભાઈ, શું તે આવી રીતે દેહને ઘસી નાખ્યો? અમને એકાદવાર જણાવ્યુંયે નહિ?’ શશી મહારાજે કહ્યું: ‘રાજા, શ્રીમાને જરાય અગવડતા ન પડે એ જ મારું લક્ષ્ય હતું.’ કોલકાતા આવીને ઉદ્‌બોધનના એક મકાનમાં એક મહિના જેટલું રહ્યા. ત્યાં જ એમણે દેહત્યાગ કર્યો. (મોરાબાદી આશ્રમ, ૩૦ ઓગસ્ટ, ૧૯૫૩)

અહેતુક પ્રેમ

હું (સ્વામી વિશુદ્ધાનંદ) ગિરિશબાબુ પાસે ગયો હતો. ગિરિશબાબુએ કહ્યું: ‘મારા તરફ જુઓ, શું હતો અને શું બની ગયો! તેમણે તો મને દેવ બનાવી દીધો છે. અને એ બધું પણ મને નિંદીને નહિ પણ ચાહીને કર્યું છે. એક દિવસ હું મદ્યપાન કરીને દક્ષિણેશ્વરમાં ગયો હતો. શ્રીઠાકુર ભોજન કરતા હતા. મને બોલાવીને નજીક બેસાડીને કહ્યું: ‘તેં ખાધું નથી? આ લે, ખા.’ પોતાની થાળીમાંથી પોતાને હાથે જ લઈને મને ખાવાનું આપ્યું. આ મોંએ કેટકેટલી અસ્પૃશ્ય વસ્તુઓનો સ્પર્શ કર્યો છે! અને એમનું શરીર તો સાવ નિષ્પાપ, પવિત્ર. તેઓ પોતાને હાથે અન્નનો કોળિયો લઈને મારા અશુદ્ધ મોંમાં મૂકે છે! અને કહે છે : ‘અરે, રામલાલ! ગાડીમાં બોટલ છે એવું લાગે છે. એને લઈ આવ અને રાખી મૂક. એ પીવા માગશે ત્યારે બૂચ ખોલીને આપીશ.’

ત્યારે (શ્રીઠાકુરમાં) વાત્સલ્યભાવ હતો. મા પાસે શું સારાં-નરસાંનો વિચાર હોય ખરો? શ્રીરામપ્રસાદે કહ્યું છે: ‘સુપુત્ર કે કુપુત્ર જે હોય તે, આ કથા તો જાણો તમે. કુપુત્રના દેહાવસાને જનની ન રડે એવું ક્યારેય બને?’

એકવાર અમે ત્રણ સંન્યાસીઓ બસની આગલી સીટમાં બેસીને જયરામવાટી જતા હતા. જ્યારે ત્રણ-ચાર માઈલ રસ્તો બાકી રહ્યો ત્યારે ડ્રાઈવરે પોતે ગાડી રોકીને રસ્તાના એક અશક્ત વૃદ્ધને ગાડીમાં લીધો. એ વૃદ્ધ આવીને મારી પાસે ઊભો રહ્યો. એના શરીરની આ દશા જોઈને મારા મનમાં દયાભાવના આવી અને મેં કહ્યું: ‘તમે શા માટે આને ગાડીમાં લીધો? પડી જશે તો ક્યાંક લાગી જશે. એને તો પગે ચાલીને જવા દેવાની જરૂર હતી. એના ભાડાની રકમ હું આપી દઈશ.’ કંડક્ટરે કહ્યું: ‘ડરો નહિ, હું એને પકડી રાખીશ અને લઈ જઈશ.’ વૃદ્ધને પૂછ્યું અને જાણવા મળ્યું કે તે જયરામવાટી જતો હતો. જયરામવાટી એનું જન્મસ્થાન. મેં કહ્યું: ‘તમે શ્રીમા શારદાદેવીને જોયાં છે?’ તેણે અવાક્‌ બનીને કહ્યું: ‘શું મેં નથી જોયાં એમ? અરે, મને એમની પાસેથી પોતાના સંતાન જેવો જ આદરપ્રેમ મળ્યો છે. અમને થાળી પીરસીને ભોજન કરાવે, પંખાથી માખીઓ પણ ઉડાડતાં. તમને ખબર છે હું તો નિમ્નજાતિનો છું?’ આ કહેતાં કહેતાં એ વૃદ્ધની આંખો આંસુંથી છલકાઈ ગઈ.

શ્રીમાનો આ જે પ્રેમ તે અહેતુક પ્રેમ. (મોરાબાદી આશ્રમ, ૬ સપ્ટે., ૧૯૫૩)

શ્રીશ્રીમહારાજની અમીકૃપા

બેંગલોર જઈએ છીએ. નિરદ મહારાજ (સ્વામી અંબિકાનંદ)નાં માએ એક હાંડી ભરીને સંદેશ (મીઠાઈ), અને કેટલોક ખાદ્ય પદાર્થ અમારા હાથમાં મૂકીને કહ્યું: ‘મહારાજને આપજો. એમને પહેલાં સંદેશ ખવડાવજો અને પછી વાત કરજો.’

રસ્તામાં જગન્નાથ પુરીમાં ઊતરીને મહારાજનાં દર્શન કર્યાં. પછી સંદેશ અને ખાદ્ય પદાર્થ આપીને નિરદ મહારાજનાં માતાની વાત કરી. મહારાજ ઘણા ખુશી થયા અને કહ્યું: ‘તને તો એક ઈનામ આપવું પડશે.’ પછી ઘરમાં તરતપાસ કરતાં એક કમંડળ મળ્યું અને મહારાજે કહ્યું: ‘આ લો.’ મેં કહ્યું: ‘એનું હું શું કરું, મહારાજ? આપની પાસે અસલ વસ્તુ માગું છું – આપ મને પ્રેમ, ભક્તિ, વૈરાગ્ય આપો.’ (મોરાબાદી આશ્રમ, ૧૩ સપ્ટે., ૧૯૫૩)

અંતર્યામી (સ્વામી બ્રહ્માનંદ) મહારાજ

કાશીમાં મહારાજની સેવા કરતો હતો. થોડા સમય પછી અત્યંત થાકી ગયો, કપાળ પરથી પરસેવો દડદડ વહી રહ્યો છે. મહારાજના દેહ પર મારા પરસેવાનું બિંદુ ન પડે એટલે કાળજીપૂર્વક એને લૂછતો પણ હતો. ‘હવે બસ, ભાઈ હવે બસ કર’ એમ તેઓ ક્યારે કહે એ વિચાર કરતો હતો. હવે ધીમે ધીમે કષ્ટમાં વધારો થતો હતો અને વધારે સેવા નહિ થઈ શકે એવું લાગતું હતું. એકાએક મનમાં વિચાર આવ્યો: ‘આ હું કોની સેવા કરું છું? તેઓ તો શ્રીઠાકુરના માનસપુત્ર છે. અને જો હું ઘરે રહેત તો માથાનો પરસેવો પગ સુધી વહાવીને સંસાર ભોગવતો હોત ને! અહા! કેટલા જન્મે સૃકૃત્યોના પરિણામે આ વખતે આ જન્મમાં એમની થોડી એવી સેવા કરવાનો અવસર સાંપડ્યો છે! અને એમાંય વળી થાક અને કષ્ટ!’ આવો વિચાર મનમાં આવતાં જ ભીતરથી એક અસીમ શક્તિ આવવા લાગી. હવે ક્યાં ગયાં મારાં થાક અને કષ્ટ! હું બમણા ઉત્સાહ સાથે એમની સેવા કરવા લાગ્યો. એ જ ક્ષણે મહારાજે કહ્યું: ‘ઘણું થયું ભાઈ, હવે જરૂર નથી.’ મહારાજ તો અંતર્યામી હતા! જેવો મારા મનમાં મૂળ ભાવ ઊભો થયો કે એમણે એ વાત જાણી લીધી અને મને સેવા કરતો અટકાવ્યો. 

મહારાજ સાથે રામેશ્વર ધામ અને મદુરા તીર્થસ્થાને જવાનો સુયોગ સાંપડ્યો હતો. મદુરાના મીનાક્ષી મંદિરમાં એમની ભાવસમાધિ મેં જોઈ.

જ્યારે મહારાજે દેહત્યાગ કર્યો ત્યારે અમે લોકો એમની પાસે હતા. એમને કેટકેટલાં દર્શન* થયાં એની વાત તો હું શું કરું? (મોરાબાદી આશ્રમ, ૨૬ સપ્ટે., ૧૯૫૩) (*શ્રીરામકૃષ્ણના માનસપુત્રની જીવનકથામાં લખ્યું છે: ‘દેહત્યાગ સમયે મહારાજ કહેતા હતા: ‘શ્રીરામકૃષ્ણના કૃષ્ણ જ મને જોઈએ છે. કૃષ્ણ, આપ આવ્યા છોને! આ કષ્ટકર કૃષ્ણ નથી! આ તો છે ગોપીકૃષ્ણ, કમલકૃષ્ણ! હું તો વ્રજનો રાખાલ (ગોપબાલ)! મને ઝાંઝર પહેરાવી દો. હું કૃષ્ણના હાથ પકડીને નાચીશ!… આ વખતે મારો ખેલ પૂરો થાય છે. કૃષ્ણ, કૃષ્ણ! અહા! તમારી પાસે એ આંખો નથી, એટલે તમને જોવા મળતા નથી. મારા કમળકૃષ્ણ, પીતાંબરધારી કૃષ્ણ!’

જગદંબાએ શ્રીશ્રીઠાકુરને બતાવ્યું હતું : ‘રાખાલ તો વાસ્તવિક રીતે વ્રજનો ગોપબાલ છે.’ શ્રીશ્રીઠાકુરે પોતે જ કહ્યું છે: ‘જોયું તો ગંગા પર બાલગોપાલની મૂર્તિ! સખા રાખાલ કૃષ્ણના હાથ પકડીને નૃત્ય કરે છે.’ એમની બીજી ઉક્તિ છે: ‘રાખાલ નિત્યસિદ્ધ છે. જન્મેજન્મે પ્રભુનો ભક્ત છે. બીજાઓને અનેક સાધનાઓ કરીને આવી થોડીઘણી ભક્તિ મળે. પરંતુ એનો તો ઈશ્વર પર આજન્મ પ્રેમ. જેમ પાતાળમાંથી પ્રગટેલા સ્વયંભૂ શિવ. પથ્થરની પ્રતિષ્ઠિત મૂર્તિના શિવ નહિ.’

શ્રીમા શારદાદેવીનો અહેતુક પ્રેમ

ઉદ્‌બોધનના મકાનમાં એક દિવસ પૂર્વ બંગાળનાં એક મહિલા આવ્યાં અને શ્રીમાને પ્રણામ કર્યા. શ્રીમાએ એને બેસવા આસન આપ્યું. થોડીક ક્ષણો પછી કહ્યું: ‘હું તને શ્રીઠાકુરનું નામ આપીશ.’ ત્યારે જ એની દીક્ષા થઈ ગઈ. દીક્ષા લીધા પછી શ્રીમા પાસે બેસીને શ્રીમાનો પ્રસાદ ગ્રહણ કર્યો. હાથ-મોં ધોતી વખતે ટાંકામાંથી એક ઘડો પાણી ભરીને શ્રીમાએ તે મહિલાને કહ્યું: ‘લો મા, હાથ ધોઈ લો.’ તે સ્ત્રીએ સંકોચ સાથે કહ્યું: ‘મા, શું કરો છો? તમે મને હાથ ધોવા પાણી આપો છો?’ શ્રીમાએ કહ્યું: ‘ના. લો મા, હું કહું છું ને!’ ના છૂટકે તેણે શ્રીમાના હાથેથી પાણી લઈને પોતાનાં હાથ-મોં ધોયાં. પછી શ્રીમાએ વળી એક ઘડો પાણી ભરીને કહ્યું: ‘લો, હવે પગ ધૂઓ.’ હવે તો પેલી સ્ત્રી રડતાં રડતાં કહેવા લાગી: ‘મા, અમે આ ન કરી શકીએ. મા, એથી અમને દોષ લાગે. મા, મને ક્ષમા કરો.’ શ્રીમાએ દૃઢભાવે કહ્યું: ‘તમને હું જેમ કહું છું તેમ જ કરો. તું મારી દીકરી નથી? તારું અમંગળ થાય એવી વાત હું કેવી રીતે કરી શકું?’ પેલી બિચારી સ્ત્રી કરી પણ શું શકે! એ જ જળથી એણે પોતાના પગ ધોયા!

આ જે અહેતુક પ્રેમ, એ જ મૂળ અમારા શ્રીમાનો જ પ્રેમભાવ છે, આપણાં શ્રી શ્રીમાનો આવો તો અહેતુક પ્રેમભાવ હતો! (શ્રીરામકૃષ્ણ આશ્રમ, માલદા, ૧૧ એપ્રિલ, ૧૯૫૪)

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.