શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેન્ગ્વેજિસ’નું ઉદ્‌ઘાટન

૯ જાન્યુઆરી, શનિવારે સાંજે ૬ વાગ્યે શ્રીરામકૃષ્ણ સંઘના ટ્રસ્ટીશ્રી અને શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન, મુંબઈ (ખાર)ના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેન્ગ્વેજિસ’ – ‘વિલ’નું આશ્રમના વિવેક હૉલમાં મંગલ ઉદ્‌ઘાટન થયું હતું. 

કાર્યક્રમના પ્રારંભમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનો મંગલ પ્રારંભ રામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. સૌરાષ્ટ્ર યુનિ.ની સ્ટાફ એકેડેમિક કોલેજના નિયામક ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેન્ગ્વેજિસ’ – ‘વિલ’ના અંગ્રેજી, બંગાળી અને સંસ્કૃતના મોડ્યુલ્સની વિગતે વાત કરી હતી. શિક્ષણમાં અનૌપચારિક શિક્ષણની મહત્તા વિશે પણ વાત કરી હતી. રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. સ્વામીજીના વિદેશી ભાષાઓના શિક્ષણ વિશેના વિચારોની વાત પણ કરી હતી. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ, હૈદરાબાદના સ્વામી અનુપમાનંદજી મહારાજે ‘ભાષા શિક્ષણના ક્ષેત્રમાં રામકૃષ્ણ મિશનનું પ્રદાન’ વિશેના વ્યાખ્યાનમાં હૈદરાબાદ કેન્દ્રમાં ચાલતા ૭૦૦૦ વિદ્યાર્થીઓ માટેના ૮ ભાષાના અભ્યાસક્રમ અને શિક્ષણ અનુભવોની વાત કરી હતી. ભાષાશિક્ષણ સાથે સ્વામી વિવેકાનંદના સાહિત્યનો પરિચય અને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના ઉદાત્ત વિચારોનું પરોક્ષ શિક્ષણ પણ આપવામાં આવે છે, તેમ જણાવ્યું હતું. સ્વામી વાગીશાનંદજી મહારાજે અંગ્રેજી ઉપરાંત બીજી વિદેશી ભાષાઓના શિક્ષણના મહત્ત્વ વિશે તેમજ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ હજુ વધુ ભાષાના શિક્ષણના કાર્યક્રમો વિકસાવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિ.ના સંસ્કૃતના અધ્યાપક પ્રૉ. ચોટલિયાએ સંસ્કૃત ભાષામાં આભારદર્શન કર્યું હતું.

૧૦ જાન્યુઆરી, રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં ૨૦૦ જેટલાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજે ‘ધ્યાન વિશે’, વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી અનુપમાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આદિભવાનંદજીની નિશ્રામાં યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં ભક્તોએ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને અનુભવી સંન્યાસીઓના મુખેથી આધ્યાત્મિક પથે આગળ વધવાનું પાથેય મેળવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ શ્રીજીતુભાઈ અંતાણીના ભજનથી થયો હતો. સ્વામી સર્વસ્થાનંદજી અને સ્વામી વિનિર્મુક્તાનંદજીએ ‘રામકૃષ્ણ પુંથિ’માંથી ‘શ્રીરામકૃષ્ણદેવના સાત અભય વરદાન’ વિશે ભક્તિસભર સૂરોમાં, વિવિધ રાગરાગિણી સાથે ગાન કર્યું હતું અને સરળસહજ ભાષામાં એની વિગતવાર સમજૂતી આપી હતી. કાર્યક્રમના અંતે યોજાયેલ પ્રશ્નોત્તરીમાં શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજ અને સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ભક્તજનોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

તે જ દિવસે સાંજે સંધ્યા આરતી પછી મંદિર નીચેના હૉલમાં ‘પુસ્તક વિમોચન સમારોહ’નું આયોજન થયું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદ’, ‘ભારત’ અને નવી સંવર્ધિત આવૃત્તિ ‘સાધુ નાગમહાશય’ એ ત્રણ પુસ્તકોનું વિમોચન શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. એમણે સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના જીવન અને કવન વિશે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. સ્વામી આદિભવાનંદજીએ સાધુ નાગમહાશય વિશે પોતાનું પ્રવચન આપ્યું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ભારત વિશે સ્વામીજીના વિચારો ભાવિકજનો સમક્ષ રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શન સ્વામી સર્વસ્થાનંદજીએ કર્યું હતું.

૧૨ જૂને મંગળવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી સ્વામી નિખિલેશ્વરાનંદજીની નિશ્રામાં ‘શિક્ષણ શિબિર’નું આયોજન થયું હતું. એમણે ૩૨૦ જેટલાં શિક્ષકોને આજના શિક્ષકોનો સાચો ધર્મ અને શિક્ષકોનું સાચું કાર્ય તથા તેમની સફળતાનું રહસ્ય એ વિશે સંબોધન કર્યું હતું. સ્વામી સર્વસ્થાનંદજીએ આ શિબિરની ભૂમિકા રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે શિક્ષકોને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આપ્યા હતા. સમૂહ ધ્યાન પછી કાર્યક્રમ પૂરો થયો હતો.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, બેલૂર મઠમાં ‘ફાઉન્ડેશન ઑફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી’ પર વર્કશોપ

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, બેલૂર મઠમાં ઈસરોની સહાયથી ‘કલ્પના ચાવલા સેન્ટર ફોર સ્પેસ’ અને ‘નેનોસાયન્સિસ, કોલકાતા’ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં અને એમાંય વિશેષ કરીને પૂર્વ ભારતના વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિશે જાગૃતિ લાવવા ‘ફાઉન્ડેશન ઑફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી’ પરનો ૧૧ જૂન થી ૨૨ જૂન સુધી, ૧૨ દિવસનો વર્કશોપ યોજાયો હતો. આ કાર્યશિબરમાં ચર્ચાસભાઓ ઉપરાંત સંશોધન અને પ્રકલ્પ કાર્યો માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ‘કલ્પના ચાવલા સેન્ટર ફોર સ્પેસ’ અને ‘નેનોસાયન્સિસ, કોલકાતા’એ હમણાં જ નવી અસ્તિત્વમાં આવેલ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ વિદ્યાપીઠ (બેલૂર મઠ)ની સાથે પરસ્પરની સમજૂતિનું એક જાહેરનામું બહાર પાડ્યું છે. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી અને ‘કલ્પના ચાવલા સેન્ટર ફોર સ્પેસ’ બંને સંયુક્ત રૂપે એકબીજાના સાથ-સહકાર સાથે રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, ગોલપાર્ક, કોલકાતા ખાતે ઉપર્યુક્ત કાર્યશિબિર યોજાઈ હતી. એમાં ઈસરો મુખ્યસહાયક હતું અને ‘ઇન્ડિયન એશોસિયેશન ઑફ ધ કલ્ટિવેશન ઑફ સાયન્સ’ આ કાર્યશિબિરનું સહ-સહાયક હતું. આ કાર્યશિબિરમાં ૧૯મી જૂનના રોજ ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન અને ભારતના સુખ્યાત અવકાશ વૈજ્ઞાનિક પ્રૉ. યુ.આર. રાવે રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચરના વિવેકાનંદ હૉલમાં ‘ચાંદ્રાયણ’ (ઇન્ડિયન મુન મિશન) પર પોતાનું વિશેષ વક્તવ્ય આપ્યું હતું. 

ઉપર્યુક્ત વિશ્વવિદ્યાલયે તાજેતરમાં જ ઇન્ડિયન સાયન્સ એકેડમી, બેંગલોરના નેજા હેઠળ બે અઠવાડિયાનો એટલે કે ૧૪ મે થી ૨૫ મે સુધીનો ‘ટોપિક્સ ઈન મેથેમેટિક્સ એન્ડ ફિઝિક્સ’ વિશેનો ભારત ભરના પ્રાધ્યાપકો માટેના એક ‘રિફ્રેશર કોર્સ’નું સંચાલન કર્યું હતું. ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા અને બેંગલોર; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગલોર; ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ, મુંબઈ; ઇન્ડિયન એશોસિયેશન ઑફ ધ કલ્ટિવેશન ઑફ સાયન્સ, કોલકાતા; ‘હરિશ ચંદ્ર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અલ્લાહાબાદના નિષ્ણાત અધ્યાપકોએ પોતપોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. ભારતભરમાંથી ૪૦ જેટલા પ્રાધ્યાપકોએ આનો લાભ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ યુવકમંડળ, ભૂજની પ્રવૃત્તિઓ

શ્રીરામકૃષ્ણ યુવકમંડળ, ભૂજ દ્વારા પોતાના ૩૮મા વાર્ષિકોત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરમાં રામકૃષ્ણ મિશન, નારાયણપુરના સચિવ શ્રીમત્‌ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજના ‘અવતાર રહસ્ય અને રામાવતારનું પ્રયોજન’ એ વિષય પર ૧૫ અને ૧૬ મેના રોજ સંગીતમય કથા સાથે પ્રવચનોનું આયોજન થયું હતું. પ્રારંભમાં શ્રીકેશવભાઈ ગોરે સ્વામીજીને શાલ ઓઢાડીને સન્માન્યા હતા. શ્રી ગૌરાંગ રાણા, શ્રી મનોજભાઈ સોની અને શ્રી વિનોદભાઈ અંતાણીએ હારતોરા કર્યા હતા. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આભાર દર્શન શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ કર્યું હતું અને સભાનું સંચાલન નિરુપમ છાયાએ કર્યું હતું.

વાર્ષિકોત્સવ નિમિત્તે છેલ્લાં ૪ શનિવારથી સંધ્યા આરતી પછી રામકૃષ્ણ પ્રાર્થના મંદિરમાં શ્રી રાસવિહારી દેસાઈ, શ્રીમતી વિભાબહેન દેસાઈ, શ્રીરાજેશભાઈ પઢારિયા, શ્રીકમલેશભાઈ સોલંકી, શ્રીઅનિલભાઈ સોલંકી, શ્રીકીર્તિભાઈ હાથી અને શ્રીદિશાબહેન વોરાનાં ભજનસંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.