ત્યાર પછી આ છબિની ઘરે ઘરે પૂજા થશે

શ્રીઠાકુરની મહાસમાધિ પહેલાંના કેટલાક દિવસ પૂર્વેની એક ઘટના છે. એ વખતે એમને કેન્સર થયું હતું. ભાતને ગાળીને બનાવેલ પ્રવાહી પણ ગળે ઉતારવું કઠિન હતું. કેટલું કષ્ટ થતું! એમનો માનસપુત્ર (રાખાલ મહારાજ) પણ કાશીપુર ઉદ્યાનગૃહમાં હતા. શ્રીઠાકુરે એમને પાસે બોલાવીને પોતાની સમાધિ અવસ્થાની છબિ અને થોડાં ફૂલ લાવવા માટે કહ્યું. રાજા મહારાજે શ્રીઠાકુરની આજ્ઞા પ્રમાણે છબિ અને થોડાં પુષ્પ લાવીને મૂક્યાં. શ્રીઠાકુરે છબિને પોતાની છાતીએ રાખીને પૂજા કરતાં કહ્યું: ‘અરે, મા જગદંબાએ કહ્યું છે – હવે પછી આ છબિની ઘરે ઘરે પૂજા થશે.’

રાજા મહારાજે મને આ ઘટના ઈ.સ. ૧૯૦૯માં મદ્રાસમાં કહી હતી. એ વખતે શ્રીઠાકુરનો જયંતી મહોત્સવ હતો. શ્રીઠાકુરની છબિની આટલી બધી પૂજા થશે એવી મને એ વખતે કંઈ ખબર હતી ખરી! (શિલોંગ મિશન, ૧૯.૩.૫૭)

છોકરાઓ તો કેવળ માને જ બોલાવે છે

રજસ્‌ અને તમસ્‌વાળી અવસ્થા સાધક જીવનમાં ભરતી-ઓટ જેવી છે. ત્યાર પછી જ શુદ્ધ-સત્ત્વ અવસ્થા આવે છે. સાધનાકાળે વચ્ચે વચ્ચે શુષ્કતા અનુભવાય છે, બધું નિરસ લાગે છે. એ વખતે અનેક સાધકો જપધ્યાન કે સાધના છોડી દે છે. પણ સાધના છોડવાથી કંઈ મળવાનું નથી. ધંધાદારી ખેડૂત સૂકું અને પાણીવાળું એવું કંઈ ગણતો નથી, એ ખેતી કરતો જ રહે છે. એવી જ રીતે સાધકે પણ નિષ્ઠા સાથે મંડી રહેવું પડે. લક્ષ્યને સ્થિર રાખીને આગળ વધવું પડશે.

સ્વામી તુરીયાનંદજી શ્રીઠાકુરના પુત્ર. એમને કેટલીયેવાર ગાતા સાંભળ્યા છે :

બીજા કોને બોલાવું શ્યામા!
છોકરો તો કેવળ માને જ બોલાવે!
તને છોડીને મા, હું બીજાને બોલાવું,
એવો છોકરો તો નથી!
મા સિવાય બાળક બીજા કોને ઓળખે!
કંઈ જાણેય નહિ અને કંઈ સમજેય નહિ;
મા સિવાય બીજે ક્યાંય રહી શકે નહિ!
તો હું વળી તમને છોડીને કેવી રીતે રહું!
મા જ બાળકને મારે,
અને બાળક મા, મા કહી પોકારે!
ગળચી પકડીને મારે હડસેલો મા!
ગમે તે કરે તોયે બાળક છોડે ન મા;
જગત જનની છો, પુત્રભાર સંભાળો!
ગમે તેટલું માગું હું, સહ્યા કરે બધું તું!
એટલે જ તને મા કહું તને હું.
શ્રીરામપ્રસાદે ગાયું છે –
ભૂતલે લાવી મા, મને ઘણો માર્યો પીટ્યો;
છતાંયે કાલી કહીને મા, પોકારું તને;
એ છે શક્તિ મારા હૃદયની.

સંસારમાં અમને શ્રીમા લઈ આવ્યાં છે, અને હજારો દુ:ખ આપ્યાં હોવા છતાં પણ શ્રીમા જગદંબાને ત્યજીને શું બીજાંને ‘મા’ કહી પોકારશું? આવી જ ઉત્કટતા જોઈએ. (રામકૃષ્ણ મિશન, સેવાશ્રમ, શિલચર, ૧૩.૪.૫૭)

ચુંબક અને લોખંડ

એકવાર દક્ષિણમાં કાવેરીધોધ જોવા ગયા. ત્યાં જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઘણાં યંત્રો કામે લગાડ્યાં હતાં. ત્યાંના એક અમેરિકન ઇજનેરે મને પૂછ્યું: ‘આપની પાસે છરી છે?’ મારી પાસે પાંચ-છ આનામાં ખરીદેલી એક છરી હતી. એ છરી મેં એના હાથમાં મૂકી. તે છરીને એક ચાલુ યંત્રમાં મૂકીને તેનું ચુંબક બનાવી દીધું. લોખંડની છરી ચુંબક બની ગઈ. એ જ લોઢું ચુંબક બનીને બીજા લોઢાને આકર્ષે છે.

એવી રીતે શ્રીઠાકુરની આધ્યાત્મિક અનુભૂતિઓએ કેટલાય લોકોને ચુંબક જેવા બનાવી દીધા. એમણે સ્વામીજીને પણ ચુંબક જેવા બનાવી દીધા. સ્વામીજીએ પાશ્ચાત્ય વિશ્વમાં જે વાણી ઉચ્ચારી હતી, એ બુદ્ધિ કે તર્કની વાણી ન હતી; એ તો હતી અનુભૂતિની વાણી. એમણે કહ્યું છે : ‘પહેલાં મૂર્તિપૂજાની વિરુદ્ધમાં હું કેટકેટલું બોલ્યો હતો! તેના પ્રાયશ્ચિત રૂપે જેમને મૂર્તિપૂજા દ્વારા જ સર્વકંઈ સાંપડ્યું હતું એવા એક માનવના પગ તળે બેસીને મારે કેળવાવું પડ્યું! જો મૂર્તિપૂજા કરીને એક રામકૃષ્ણ મળે તો હું હજાર-હજાર મૂર્તિઓની પૂજા કરવા તૈયાર છું.’ (રામકૃષ્ણ મિશન સેવાસમિતિ, કરિમગંજ, ૧૯.૪.૫૭)

ચિત્રકૂટ ધામમાં

ચિત્રકૂટ ધામમાં મહાત્મા તુલસીદાસે શ્રીરામચંદ્રજીનાં દર્શન કર્યાં હતાં. 

એક વખત ચિત્રકૂટ જવાની બહુ ઇચ્છા થઈ. કાશીથી અલ્લાહાબાદ થઈને એ યાત્રાધામે ગયા હતા. યાત્રાએ જતાં પહેલાં જ પ્રાર્થના કરતો હતો : ‘ઠાકુર, ચિત્રકૂટમાં તુલસીદાસે પોતાના આરાધ્યદેવનાં સાક્ષાત્‌ દર્શન કર્યાં હતાં. એવી જ રીતે હું પણ આપનાં દર્શન પામું!’ રસ્તામાં પણ આ જ પ્રાર્થના થતી રહી. જેમ જેમ ચિત્રકૂટની નજીક જતો હતો તેમ તેમ મારા અંતરની વ્યાકુળતા પણ એટલી જ વધતી જતી હતી.

શ્રીઠાકુર હૃદયપ્રાણની પ્રાર્થના સાંભળે છે એની અનુભૂતિ મને ત્યારે થઈ. શ્રીઠાકુરે ચિત્રકૂટમાં મને દર્શન આપીને ધન્ય બનાવ્યો. મેં કેટલી ઉત્કટતાથી એમનાં દર્શનની ઝંખના સેવી હતી!

ચિત્રકૂટમાં ત્રણ રાત્રી રહ્યા હતા. પ્રત્યેક ક્ષણ દર્શનના આનંદથી ભરપૂર બની રહી. જાણે કે એક અનન્ય મદહોશમાં સમય વીતી ગયો. એ ઘટનાને આજે પણ યાદ કરું છું ત્યારે મારાં હૃદયપ્રાણ આનંદવિભોર બની જાય છે. ત્યાં એક પંડાના ઘરમાં અમે ઊતર્યા હતા. (સેવાશ્રમ, કાશી, ૫.૧૦.૫૭)

ગ્રામ્યકન્યા

(બપોરપછી દર્શન સમયે કોઈ ભક્ત છોકરો શ્યામબજારથી એક બીલું, બે-ચાર કારેલાં, થોડી ફણસી લાવ્યો અને મહારાજને દીધાં. આ ઘટનાના અનુસંધાને મેં એક વાત કહી.)

૧૯૧૬માં હું દ્વારકાધામ ગયો હતો. ત્યાંથી શ્રીમા માટે છ આના આપીને એક પીત્તળની વીંટી ખરીદી લાવ્યો. એમાં ચાર-ધામની છબિ અંકિત હતી. કાશી થઈને જયરામવાટી પહોંચીને એ વીંટી માના હાથમાં મૂકી. વીંટી મેળવી અને બધી ભત્રીજીઓને બોલાવીને કહ્યું: ‘અરે! જોવા માટે અહીં આવો. છોકરો મારા માટે કેવી સુંદર વસ્તુ લાવ્યો છે!’ સામાન્ય વસ્તુ મેળવીને પણ કેટલો આનંદ આહ્‌લાદ! ગ્રામકન્યા હતાં ને! (ભક્તે લાવેલ નૈવેદ્ય જોઈને) બે આનાયે નહિ આપવા પડ્યા હોય! એમાંથી બીલું દરરોજ થોડું થોડું ખાતો.

રાજા મહારાજ એ વખતે કાશીમાં હતા. દશાશ્વમેધ ઘાટની નજીકમાં કાલીમંદિર છે. ત્યાં તાજેતાજાં શાકભાજી મળે છે. કેદારબાબા (સ્વામી અચલાનંદ) દરરોજ ગંગાસ્નાન પછી રાજા મહારાજની સેવા માટે બે-ચાર પૈસાની કડવી ભાજી (હિંચે શાક) અને અન્ય શાકભાજી લાવતા. રાજા મહારાજ પણ ઘણો આનંદ પ્રગટ કરતા અને કેદારબાબાને પણ કેટલી શુભાશિષ સાંપડતી. (અતિથિભવન, બેલૂર મઠ, ૨૭.૨.૫૮)

પ્રત્યેક રજકણ પવિત્ર

(કોલકાતાના ભક્ત દંપતી શ્રી શ્રીમા માટે એક વખત મુર્શિદાબાદી સાડી લાવ્યા. લાલ કિનારવાળી આછા પીળા રંગની સાડી આ ફકીરપુત્ર (લેખક સ્વામી વિશુદ્ધાનંદ)ને ખૂબ ગમી. તેણે કહ્યું: ‘ત્યાં મારું નામ દઈને કિશોરીને કહેજો, આ સાડી શ્રીમાએ અત્યારે જ પહેરવી પડશે.’ શ્રીમાએ આ સાડી ત્રણ દિવસ સુધી પહેરી રાખી.

ભક્તદંપતી શ્રીધામ જયરામવાટી થઈને પાછા ફર્યા ત્યારે મેં કહ્યું: ‘શ્રીમાને (એ સાડીમાં) જોયાં ને! કેવાં લાગતાં હતાં!’ એમને આનંદિત જોઈને ભક્તના હાથમાં ‘ઉદ્‌બોધન’ પત્રિકા મૂકીને ‘ગંડીભાગા મા – જાતિપાંતિના ભેદને દૂર કરનાર મા’ લેખ વાંચવા કહ્યું. લેખનું વાચન સાંભળીને શ્રી શ્રીમાનાં નામગુણકીર્તન કરવા લાગ્યો.

આ જ છે શ્રીમા! એમનાં પ્રથમ દર્શન મેં ૫૩ વર્ષ પહેલાં કર્યાં હતાં, આ જ જયરામવાટીમાં! શ્રીમાના પ્રથમ (સાંભળેલા) ઉદ્‌ગારો: ‘કેમ છો ભાઈ, રસ્તામાં કંઈ મુશ્કેલી તો નથી પડી ને?’ બાજુમાં બેસવા કહ્યું. ઘણા દિવસ પછી દીકરો ઘરે પાછો આવે અને કોઈ પણ મા જેમ એની સાથે વાત કરે તેમ શ્રીમાએ વાત કરી.

જન્મજન્માંતરનાં મા! પગે ચાલીને કાશી જઉં છું. અમને વિદાય આપવા માટે શ્રીમા ગામના સીમાડાના તાલપુકુર સુધી આવ્યાં. અમે માને પ્રણામ કરીને ઊભા થયા. એમનાં નેત્રોમાં જળજળિયાં આવી ગયાં. પછી એ સ્નિગ્ધ, શાંત નયનોમાંથી આંસું વહેવાં માંડ્યાં. અરે! એ દૃશ્ય ક્યારેય નહિ ભૂલી શકું!

કેદારબાબા સાથે કાશીથી આવ્યો છું. રાત્રે બધા ભક્તો એક સાથે જમવા બેઠા હતા. સૂતી વખતે અમને બંનેને બોલાવ્યા. અંદર જઈને જોયું તો શ્રીમા બે હાથમાં બે ગ્લાસ દૂધ લઈને ઊભાં છે! તેમણે કહ્યું: ‘પીઓ, ભાઈ! બીજાને તો ઘરમાંયે ખાવાનું મળશે. તમને કોણ આપશે, ભલા?’

આ જીવનમાં અહૈતુક પ્રેમના આસ્વાદનનું સૌભાગ્ય તો શ્રીમા પાસે આવીને જ સાંપડ્યું. જેણે આવું આસ્વાદન કર્યું હોય એ જ એ જાણે. એની અભિવ્યક્તિ શબ્દોમાં ન થઈ શકે. જયરામવાટી અને કામારપુકુર તો મહાતીર્થ છે. આ બંને સ્થળોની રજેરજ પવિત્ર છે. (શ્રીરામકૃષ્ણ મઠ, કામારપુકુર, ૨૫-૧-૫૯)

(કાશી વિશ્વનાથ) બાબાના દરબારમાં

કાશીધામ, શિવ ચતુર્દશીના દિવસે મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) વિશ્વનાથ મહાદેવનાં દર્શને જઈ રહ્યા છે. પહેલેથી જ તેઓ ભાવગંભીર અને કરજપ કરતાં કરતાં જઈ રહ્યા છે. એક ઝાડુવાળો વિશ્વનાથ મહાદેવના આંગણમાં વાસી ફૂલ-બિલીપત્ર વગેરે વાળી રહ્યો હતો. મહારાજે ઝાડુવાળા તરફ વળીને સાવરણી આપવા માટે હાથ લાંબો કર્યો. એમનો ભાવગંભીર ચહેરો જોઈને તે ગભરાઈ ગયો અને સાવરણી મહારાજના હાથમાં આપી દીધી. મહારાજ ભક્તિભાવપૂર્વક બાબાનું આંગણું વાળવા માંડ્યા. ત્યાર પછી મંદિરમાં પ્રવેશ કર્યો.

‘અહા! બાબાના દરબારમાં હું અને ઝાડુવાળો બંને એક જ, જાણે હું વિશ્વનાથ બાબાનો દીનહીન સેવક!’ આ ભાવ એમના આચરણમાં સ્પષ્ટપણે જોવા મળ્યો. એ દિવસે બનેલી આ ઘટનાથી પણ અમને કેટલો મોટો બોધપાઠ મળ્યો! તમે તો આ બધું પુસ્તકો કે છાપામાં વાંચ્યું હશે, અમે તો સગી આંખે નિહાળીને ધન્ય બન્યા છીએ. (રામકૃષ્ણ મિશન, નવી દિલ્હી, ૧૬.૧૦.૫૯)

મુખ્ય છે શ્રદ્ધા
શ્રદ્ધા એ જ સાર.

શ્રીઠાકુર એક દિવસ સ્વામીજીને કહે છે: ‘લસણની વાટકીને ગમે તેટલી ઘસીએ પણ એની ગંધ ન જાય.’ આ વાક્ય ગિરિશબાબુના સંબંધે બોલ્યા હતા. ભક્તભૈરવ ગિરિશ પાસે કાનોપકાને આ વાત પહોંચી. ગિરિશબાબુ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. શ્રીઠાકુરની સાથે મુલાકાત થતાં જ ક્રોધાવેશમાં બોલી ઊઠ્યા: ‘તમે મારા વિશે આવી વાત કરી? આવું કહ્યું છે કે કેમ, એ મને સાચેસાચું કહો.’

એને ભાવાવેશમાં આવેલ જોઈને શ્રીઠાકુરે પણ ભાવાવેશમાં આવીને કહ્યું: ‘હા, એમ કહ્યું હતું ખરું. પણ હવે કહું છું કે એ વાટકીને અગ્નિમાં તપાવીએ તો ગંધ-બંધ ચાલી જાય. શ્રદ્ધારૂપી અગ્નિમાં બધું શુદ્ધ. અને શું એમાં ગંધ રહે ખરી!’

જુઓ, ગિરિશબાબુની કેટલી બધી શ્રદ્ધા! આ ઘટના એમના જ મુખે પ્રથમવાર સાંભળેલી. તમે આ હકીકત કથામૃતમાં વાંચો છો. ગિરિશબાબુ પાસે બેસીને શ્રીઠાકુર સાથેના એમના પ્રથમ મિલનની વાત, શ્રીઠાકુરની બાગબજારમાં આવનજાવનની કથા, વગેરે વાતો સાંભળી હતી. કેટલાય રખડુ-રઝળુ છોકરાઓ તો પાનના ગલ્લે આમ તેમ બેઠા હોય છે, તેઓ બધા શ્રીઠાકુર અને એમના અંતરંગને જોઈને અવગણનાનો ભાવ પ્રગટ કરે છે. તે છોકરાઓ તો પોતાની જ ધૂનમાં મસ્ત બનીને ચાલ્યા જાય છે. એમના તરફ એ રખડુ-રઝળુ છોકરાઓ નજરેય ન નાખે.

ગિરિશબાબુએ કહ્યું: ‘એકવાર ઘરના વરંડામાં વડીલો સાથે બેઠો હતો. શ્રીઠાકુર મારા ઘર પાસેથી પસાર થતા હતા ત્યારે ચાલતાં ચાલતાં હાથ ઉપર કરીને મને નમસ્કાર કર્યા. પછી હું શું કરું? મેં પણ હાથ ઊંચા કરીને, જોડીને નમસ્કાર કર્યા. એ જોઈને એમણે ફરીથી નમસ્કાર કર્યા. મને થોડું આશ્ચર્ય થયું! એક વ્યક્તિ મને નમસ્કાર કરે છે, તેને પ્રતિ નમસ્કાર ન કરીએ તો ચાલે ખરું? એટલે જ ફરી પાછા પ્રતિ નમસ્કાર કર્યા. પણ એમણે તો ત્રીજી વાર નમસ્કાર કર્યા. આ વખતે મેં પ્રતિ નમસ્કાર ન કર્યા. જેમ હતો તેમ જ બેસી રહ્યો. તેઓ ચાલ્યા ગયા.

શું કહેવું તમને? થોડીવાર પછી અંતરમાંથી કોઈ આકર્ષણ થયું, કોઈ પણ રીતે સ્થિર રહેવાયું નહિ; આ અદૃશ્ય ખેંચાણથી હું અમારા વિસ્તારમાં જે ભક્તને ઘરે તેઓ ગયા હતા ત્યાં હું પણ એમની પાસે ગયો. એ જ મારો એમની સાથેનો પ્રથમ સાક્ષાત્કાર. એવું તો આકર્ષણ કે એનો પ્રતિરોધ કરવો અશક્ય. તેમને આપણે કેટલુંક સમજ્યા છીએ!’ (સેવાશ્રમ, કાશી, ૩૧.૧૦.૫૯)

અનિર્વચનીય સ્નેહ

કોઈ એક સમયે મહારાજની પાસે રહેતો અને થોડીઘણી સેવા કરતો. 

બહાર જવાના છે. એમણે કહ્યું: ‘ત્યાં રસોઈ પણ કરવી પડે, કરી શકીશ ને?’ એક જણને સાથે લેવાનો, હતો તેથી મહારાજે તેને પૂછી રાખ્યું. આ પહેલાં શોખથી પણ મેં ક્યારેય રાંધ્યું ન હતું. એમની આ સ્નેહભરી વાત સાંભળીને કંઈ વિચાર્યા વગર હું બોલ્યો: ‘હું રસોઈ કરી શકીશ.’ એ વખતે મારા મનમાં દિવસ-રાત રસોઈની જ ચિંતા રહેતી. કેમ કરવાથી રસોઈ સારી થાય? કઈ વાનગી રાંધવાથી તેઓ પ્રસન્ન થાય? આવું જ બધું વિચારતો રહેતો. તેમના (શ્રીઠાકુરના) આદરણીય પુત્રને જરાય અગવડતા કે દુ:ખ ન થાય એવી શ્રીઠાકુર અને શ્રીમા પાસે પ્રાર્થના કરતો રહેતો.

એક દિવસ ક્યાંક ગયા હતા અને ખૂબ મોડું થઈ ગયું. એમનો ભોજનનો સમય પણ વીતી ગયો હતો. એમને ભૂખ લાગી હશે એમ વિચારીને હું અધીર બની ગયો. વારંવાર જોયું તો એમનું મોઢું જાણે કે સૂકાઈ ગયું છે, એ જોઈને મારા મનને ઘણું દુ:ખ થાય છે. વળી એમને ‘ચાલો નીકળીએ’ એમ પણ ન કહેવાય, અને એમને છોડીને હું પણ ન નીકળી શકું. એ દિવસે એમનું કાર્ય પણ કંઈક જટિલ હતું.

જે હોય તે, કાર્ય પૂરું થયું અમો નિવાસ સ્થાને પાછા આવ્યા. મેં પણ ઝડપથી રાંધવાનું શરૂ કર્યું અને બધી ચીજવસ્તુઓ મૂકીને એમની પાસે જઈને ઊભો રહ્યો. એમણે કહ્યું: ‘તારું પોતાનું મોઢું તો જોઈ શકતો નથી. જો તો ખરો, મારાથીયે વધારે સુકાઈ ગયું છે.’ એમને મારા અંતરની વાતનો ખ્યાલ આવી ગયો છે એ જાણીને હું લજ્જિત થઈ ગયો. તેમના સ્નાનની વ્યવસ્થા કરીને ગમે તેમ કરીને એક શાક, બાફેલાં કાચાં કેળાં, દૂધ અને ભાત પીરસ્યાં. ગરમ ભાત પર હાથપંખો જોરથી નાખવા લાગ્યો. મનમાં માત્ર આટલું જ વિચારતો હતો: ‘શ્રીઠાકુર અને શ્રીમાને આજે ઘણું દુ:ખ થતું હશે – પોતાના પુત્રને આજે જમવામાં ઘણું મોડું થયું એટલે.’ મને અન્યમનસ્ક જોઈને તેમણે સ્નેહપૂર્ણ સ્વરે કહ્યું: ‘અરે! તારા મનમાં આજે જ્યારે રાંધવાની ચિંતા થઈ ત્યારે જ તો મારે માટે ખાવાનું થઈ ગયું હતું! અને હવે જ્યારે તેં રસોઈ કરી નાખી છે એટલે ફરીથી જમવા બેસું છું! હવે તુંયે જમવા બેસ, તારેય તે મોડું થયું છે ને!’ એમની સામે જ હું જમવા બેઠો. તેમણે અત્યંત આગ્રહ સાથે પોતાનાં થાળીવાટકામાંથી મોટા ભાગનાં દૂધ, કેળાં અને મિષ્ટાન્ન મારી પાતળમાં મૂક્યાં. ખાવાનું મોઢામાં મૂક્યું અને હું ચમકી ઊઠ્યો. અરે! આ શું શાક, બાફેલાં કાચાં કેળાં, બધાંમાં મીઠું વધારે પડી ગયું! ખવાય નહિ એવું થઈ ગયું. તેમણે કહ્યું: ‘જિતેન, જલદી જલદી રાંધવામાં મીઠું બે-ત્રણવાર નખાઈ ગયું છે, પણ એમાં શું થઈ ગયું? એ બધું હવે તું ખાતો નહિ. આજે તો દૂધ, કેળાં અને ભાત-રોટલી જ ખાઈ લે.’ આ દૃશ્ય આજે પણ મારી નજર સમક્ષ તરી આવે છે. અરે! તેમનો કેટલો તો પ્રેમ! (અતિથિ ભવન, બેલુડ મઠ, ૫.૧.૧૯૬૦)

(ક્રમશ:)

Total Views: 77

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.