(ગતાંકથી ચાલું)

રામકૃષ્ણદેવનું એક નામ છે – અભયદાતા. એ નામના મહિમાથી તમારાં આશા અને વિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. રામકૃષ્ણદેવ આનંદમય છે. એમની લીલાના વર્ણનમાં આનંદનો સ્રોત વહે છે. એટલા માટે તમને આનંદ થઈ રહ્યો છે. તમે લોકો ભાગ્યશાળી છો કે તમે તેમનાં પ્રત્યક્ષ દર્શન કર્યા છે, એમને સ્પર્શ કર્યો છે, જેની કોઈ તુલના જ નથી. એમનો મહાપ્રસાદ મેળવ્યો છે. તમને તો એમની લીલા-કથા સાંભળીને આનંદ થવાનો જ. એમની લીલા-કથાનાં શ્રવણ-કીર્તનનું એવું મહત્ત્વ છે કે જો કોઈ બદ્ધજીવ પણ તેને સાંભળે કે કીર્તન કરે તો તે પણ આનંદ સાગરમાં ડૂબકી લગાવશે. ટૂંકમાં, તમને કહું છું, સાંભળો – જગતમાં એવો કોઈપણ મનુષ્ય નથી કે જે સરલ હૃદયે રામકૃષ્ણનું નામ લેવાથી પરમ-આનંદને પ્રાપ્ત ન કરે. જગતમાં આજ સુધી એવી પાપની દુનિયા નથી સર્જાણી કે જે એકવાર સરલ હૃદયથી રામકૃષ્ણનું નામ લેવાથી તુરત જ તેની પાપની એ દુનિયા ભસ્મીભૂત ન થઈ જાય. વળી હજુ સુધી જગતમાં ત્રિવિધ તાપોની એવી જ્વાળા નથી ઉત્પન્ન થઈ કે જે એકવાર રામકૃષ્ણનું નામ લેવાથી શમી ન જાય!

પાઠક : જેમણે રામકૃષ્ણદેવનું દર્શન કર્યું, પણ જેઓ તેમને ભગવાન રૂપે ઓળખી શક્યા નહીં, તો એવી સ્થિતિમાં એ દર્શકોને ભગવાનનાં દર્શન થયાં કે નહીં?

ભક્ત : એમને પણ ભગવાનનાં દર્શન થયાં. ધારો કે તમે ઠંડીની ઋતુમાં રાત્રે કાશ્મીર પહોંચ્યા. તમે પરદેશી છો. તમે નિવાસની શોધ કરી રહ્યા છો. એવા સમયે તમને ત્યાંનો એક કોટવાળ મળ્યો. તેમણે તમને તાત્કાલિક એક ધર્મશાળાનું સરનામું આપ્યું. તમને ખબર છે, એ કોટવાળ કોણ છે? એ છે કાશ્મીરના રાજા, જેઓ કોટવાળના વેશમાં, પોતાના એક-બે માણસો સાથે સિપાહીનો વેશ પહેરીને નગરના ભ્રમણ માટે નીકળ્યા છે. હવે હું પૂછું છું કે તમે જેમની સાથે વાત કરી, જેમણે તમને ઉતારાની જગ્યા બતાવી, એ વ્યક્તિ ખરેખર કોણ છે? એ કહો જોઈએ. તમે એને ઓળખી ન શક્યા, એટલે એમ કહેશો કે તે રાજા નથી? તેઓ રાજા છે. ફક્ત તેમનો વેશ કોટવાળનો છે. એવી જ રીતે રામકૃષ્ણ સમગ્ર વિશ્વના રાજા છે. ફક્ત વેશ રામકૃષ્ણનો છે, ફક્ત એટલું જ. એમણે પણ પોતાના પાર્ષદોને પોતાના જેવો મનુષ્ય વેશ ધારણ કરાવીને, તેમની સાથે આ ધરાધામમાં પ્રવેશ કર્યો છે. હવે તમે વિચાર કરીને જુઓ કે રામકૃષ્ણદેવનાં દર્શનથી એ લોકોને ભગવાનનું દર્શન થયું કે નહીં?

પાઠક : આ તો ઘણી સુંદર વાત છે. ખૂબ આનંદની વાત છે. પરંતુ ઓળખ્યા વગર ભગવાનનું દર્શન કરવાથી શું ભગવદ્‌-દર્શનનું ફળ મળે ખરું?

ભક્ત : એક માણસ ચૂલા પાસે સૂઈ રહ્યો છે. રાત્રિના વખતે ઊંઘમાં જો તેનો હાથ આગમાં પડી જાય તો તે હાથ બાળશે કે નહીં? જો અજાણતાં પણ આગમાં હાથ પડી જાય તો હાથ બળી જાય છે, તો અજાણતાં પણ ઈશ્વરનું દર્શન થઈ જાય તો ઈશ્વર-દર્શનથી લાભ કેમ ન થાય?

પાઠક : આપની વાત સાંભળીને મારા હૃદયમાં ન જાણે શું થઈ રહ્યું છે. મને એવું લાગે છે કે જાણે હું હમણાં જ રામકૃષ્ણદેવને ઓળખી લઈશ. એકવાર ફરી કહો કે એમને ઓળખવાનો ઉપાય શું છે?

ભક્ત : તમારો આગ્રહ જોઈને હું સારી રીતે સમજી શકું છું કે તમારા ઉપર રામકૃષ્ણદેવની અપાર કૃપા છે. ભાઈ, મેં હમણાં જ તમને જણાવ્યું કે ભગવાનના અવતારના કોઈ વિશેષ લક્ષણ નથી. જો તેઓ ઓળખાણ કરાવી દે તો જ તેઓને ઓળખી શકાય છે. નહીંતર તેમને ઓળખવાની શક્તિ ભલા કોનામાં હોઈ શકે? રામકૃષ્ણદેવના શ્રીમુખે સાંભળ્યું છે કે જ્યારે રામ વનમાં ગયા, ત્યારે એમને ફક્ત બાર ઋષિઓ જ ઓળખી શક્યા હતા કે તેઓ પૂર્ણ બ્રહ્મ સનાતન છે. અને બાકી બધા એ જ જાણતા હતા કે તેઓ રાજા દશરથના પુત્ર છે. ‘શ્રીકૃષ્ણ રહસ્ય’ નામનું એક પ્રાચીન સંસ્કૃત નાટક છે. એમાં આવે છે કે કૌરવોની સભામાં શ્રીકૃષ્ણ ભગવાન હતા કે નહીં એના ઉપર બહુ જ વાદ-વિવાદ થયો હતો.

પાઠક : જ્યારે પરમહંસદેવ આવા મનુષ્ય છે, તો પછી લોકો વિપરીત વાતો શા માટે કરે છે? કોઈ કોઈ તેમને મહાત્મા કહે છે, કોઈ-કોઈ કહે છે કે તેઓ સાધુ છે, કોઈ એમને સિદ્ધ કહે છે, તો વળી કોઈ-કોઈ તો એમના વિષે એવી વાતો કહે છે કે જે ન તો મોઢેથી બોલી શકાય કે ન તો કાનથી સાંભળી શકાય.

ભક્ત : મનુષ્યો આકારમાં સમાન હોવા છતાં સ્વભાવમાં જુદા જુદા પ્રકારના હોય છે. જેને જેવું મળ્યું છે, જેની અંદર જેવો ભાવ છે તે તેવી જ વાત કરે છે. રામકૃષ્ણદેવનું એક દૃષ્ટાંત સાંભળો. એક મહાત્મા ભાવમાં મગ્ન થઈને બાહ્યભાન ગુમાવીને રસ્તાની એક બાજુએ પડ્યા હતા. તે સમયે એક સાધુએ તેમને જોયાને ઓળખી લીધા કે તેઓ મહાત્મા છે. સાધુએ એમની ચરણરજ લીધી અને તેમની સમાધિ છૂટવાની રાહ જોતા ત્યાં બેસી રહ્યા. એ પછી થોડા સમય બાદ એક શરાબી ત્યાં આવ્યો અને તેના લથડતા પગે ઊભા રહીને તેણે એકવાર તે મહાત્મા તરફ જોયું અને બોલી ઊઠ્યો. 

વાહ! ભાઈએ તો મારી જેમ જ પીધો છે!

ઠાકુરની એક બીજી પણ વાત છે – જે સૂતરનો વેપાર કરે છે, તે સૂતર જોઈને જ કહી શકે છે, ક્યું સૂતર કેટલા નંબરનું છે. સાધુ, સાધુને જોઈને જ ઓળખી જાય છે.

તેઓ એક બીજી ઉપમા પણ આપે છે – જેણે મૂળો ખાધો છે. જેના પેટમાં મૂળો રહેલો છે, તે એક માત્ર ઓડકાર ખાય તોય તેના મોઢામાંથી મૂળાની ગંધ નીકળશે. એ જ રીતે જેમનામાં કામ-કાંચન ભારોભાર ભરેલાં છે, જેઓ સંસારી કીડા છે, જેઓ બદ્ધજીવ છે, એમના મોઢામાંથી અવિદ્યાની વાતો સિવાય ભલા બીજું શું નીકળશે? તેઓ વાત કરે, ત્યારે કાનમાં આંગળી ખોસવી પડે છે. તેઓ જ્યાં રહે છે, ત્યાં ગયા હોઈએ તો એ સ્થળ તુરત જ છોડી દેવું પડે છે. ઈશ્વર અને અવિદ્યામાયા (કામ-કાંચન) આ બે વસ્તુઓ છે. આ બંનેમાંથી જેવી જેની રુચિ તેવું તે ગ્રહણ કરે છે. નદી જે રીતે બંને કિનારાને કાયમ એક સાથે રાખી શકતી નથી, એ જ રીતે જીવ પણ બંનેને એક સાથે મેળવી શકતો નથી. કાં તો અમીરી સ્વીકારો, નહીં તો ફકીરી. કાં તો પાંચતલા જાઓ નહીં તો વૃક્ષતલા જાઓ. જેઓ હૃદયથી કામ-કાંચન ઇચ્છે છે, એમને માટે ભગવાનનો રસ્તો કાંટાઓથી ભરેલો છે. કામ-કાંચનનો એક નશો હોય છે, જે મનુષ્યને ઉન્મત્ત બનાવીને પોતાના વર્તુળમાં જકડી રાખે છે, તેને પોતાનું મસ્તક ઊંચું કરવા દેતો નથી. જેમકે સેવાળ જળને ઢાંકી દે છે, વાદળ ચંદ્રને છૂપાવી દે છે, એવી જ રીતે માયા ઈશ્વરને છૂપાવી દે છે. કમળાના રોગીને જેમ બધું પીળું પીળું જ દેખાય છે. એ જ રીતે માયારૂપી કમળાથી ઘેરાઈને કામ-કાંચનના રંગ સિવાય બીજું કંઈ દેખાતું નથી.

અવિદ્યા માયાના નશાની એક બીજી પ્રશંસા કરું છું, સાંભળો આ નશો બુદ્ધિનો નાશ કરીને, જ્ઞાનેન્દ્રિયોનો બલિ ચઢાવીને મનુષ્યને એકદમ ઘેટાં જેવો બનાવી દે છે. તેને જાણ પણ થવા દેતો નથી કે કેવી રીતે તેની સંપૂર્ણપણે દુર્દશા અને સર્વનાશ થયાં!

એક બીજી વધુ વાત, જો કોઈ ગાંડા કે ભૂત-પ્રેતથી ઘેરાયેલા માણસને પૂછવામાં આવે કે ભાઈ, તમે કેમ છો? તો જેવી રીતે તેઓ કહે છે, ખૂબ મઝામાં છું, એવી જ રીતે આ લોકો પણ કહે છે – અમે ખૂબ મઝામાં છીએ.’

અત્યાર સુધી તમે જે પૂછ્યું હતું, તેનો જવાબ આપ્યો. સારી રીતે વિચાર કરીને જુઓ, કામ-કાંચનનો નશો જો દૂર ન થાય તો ભગવાનના માર્ગે આગળ વધવાનો અને ભગવાનને પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય નથી. આ નશામાં ડૂબેલો માણસ કોઈ સિદ્ધ પુરુષનું દર્શન કરે તો તેના પ્રત્યે શ્રદ્ધાભક્તિ પ્રગટ કરવાની વાત તો દૂર રહી પણ એમની કટુ નિંદામાં જ રચ્યોપચ્યો રહે છે. જેઓ પૂરેપૂરા બદ્ધજીવ છે. તેઓ જ પરમહંસદેવની નિંદા કરે છે.

(ક્રમશ:)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.