નીતિમત્તા અને નિ:સ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે તમારા વિચારને નીચે ઉતારવાની જરૂર નથી, પરંતુ બીજી બાજુએ નીતિશાસ્ત્ર અને ચારિત્ર્યના સાચા આધારે પહોંચવા માટે તમારી પાસે ઉચ્ચમાં ઉચ્ચ દાર્શનિક અને વૈજ્ઞાનિક વિચારો હોવા જોઈએ. માનવજ્ઞાન માનવ-કલ્યાણનું વિરોધી નથી. ઊલટું, એક માત્ર જ્ઞાન જ જીવનના સર્વ વિભાગોમાં આપણો ઉદ્ધાર કરશે, કારણ કે જ્ઞાનમાં જ ઉપાસના રહેલી છે. આપણે જેમ વધારે જ્ઞાન પ્રાપ્ત કરીએ તેમ આપણે માટે વધારે સારું. વેદાંતી કહે છે કે ઉપલક દૃષ્ટિએ જે કંઈ અનિષ્ટ દેખાય છે તેનું કારણ છે અમર્યાદિત તત્ત્વનું મર્યાદિકરણ. જે પ્રેમ નાનાં ક્ષેત્રોમાં મર્યાદિત થઈ જાય છે અને અનિષ્ટરૂપે દેખાય છે, તે અંતે તેમાંથી બહાર આવીને પોતાને ઈશ્વરરૂપે પ્રગટ કરે છે. વળી વેદાંત એમ પણ કહે છે કે આ બધાં ઉપરથી દેખાતાં અનિષ્ટનું કારણ આપણામાં જ છે. પ્રકૃતિની બહારના કોઈ તત્ત્વ ઉપર દોષારોપણ કરો નહિ, તેમ જ નિરાશ અને નિરુત્સાહી પણ બનો નહિ. એમ પણ ન ધારશો કે આપણે એવા સ્થાનમાં આવી પડયા છીએ કે કોઈક હાથ પકડીને આપણો ઉદ્ધાર ન કરે ત્યાં સુધી આપણે કદી પણ તેમાંથી છૂટી શકવાના નથી. વેદાંત કહે છે, એમ બને જ નહિ; આપણે રેશમના કીડા જેવા છીએ. આપણા પોતાના જ શરીરમાંથી આપણે લાળ કાઢીએ છીએ, કોશેટો બનાવીએ છીએ અને સમય જતાં તેની અંદર પુરાઈ જઈએ છીએ. પરંતુ એ કાયમને માટે રહેવાનું નથી. એ જ કોશેટામાં આપણે પ્રગતિ કરીને આત્માનો સાક્ષાત્કાર કરીશું અને રેશમના કીડામાંથી બનેલા પતંગિયાની પેઠે મુક્ત થઈને કોશેટાની બહાર નીકળી આવીશું. કર્મની આ જાળ આપણે જ આપણી આસપાસ ગૂંથી છે; આપણા જ્ઞાનને લીધે આપણને લાગે છે કે આપણે બદ્ધ છીએ, રોદણાં રડીએ છીએ તથા સહાયને માટે બૂમો પાડીએ છીએ. પરંતુ મદદ બહારથી નથી આવતી; એ આપણી અંદરથી જ આવે છે. દુનિયા આખીના બધાય દેવતાઓ પાસે પોકાર કરી જુઓ. મેં વરસો સુધી આવો પોકાર કરી જોયો છે; મને લાગ્યું કે અંતે મદદ મળી છે. પણ મદદ આવી હતી અંદરથી જ. એટલે મેં જે ભૂલથી કરેલું તે બધું ભૂંસી નાખવું પડ્યું. એ એક જ રસ્તો છે, મેં જે જાળ મારી આસપાસ ગૂંથેલી તે મારે જ કાપવી પડી; અને એમ કરવાની શક્તિ અંદર જ રહેલી છે. એક બાબતની મને ખાતરી થઈ ચૂકી છે કે મારા જીવનમાં સારા કે ખોટા માર્ગે દોરાયેલી, મારી એક પણ અભિલાષા વ્યર્થ ગઈ નથી, પરંતુ હું મારા સારા અને ખરાબ, સમગ્ર ભૂતકાળનું પરિણામ છું. મારા જીવનમાં મેં ઘણીયે ભૂલો કરી છે; પણ યાદ રાખજો કે એ એકેએક ભૂલો વિના આજે હું છું તે ન જ થઈ શક્યા હોત એની મને ખાતરી થઈ છે; અને તેથી એ ભૂલો કર્યાનો મને પૂરો સંતોષ છે. મારા કહેવાનો અર્થ એવો નથી કે ઘેર જઈને તમારે જાણીજોઈને ભૂલો કરવા માંડવી; મારા કહેવાનો એવો ઊલટો અર્થ લેશો નહિ. પરંતુ તમારાથી ભૂલો થઈ ગઈ હોય તો એને માટે અફસોસ કરતા બેસી રહેતા નહિ; પરંતુ જાણજો કે અંતે બધું સારું થઈ રહેશે. બીજી રીતે બની શકે જ નહિ, કારણ કે માંગલ્ય આપણો સ્વભાવ છે, પવિત્રતા આપણી પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિનો કદી નાશ ન થઈ શકે. આપણો મૂળ સ્વભાવ સદાય એક સરખો જ રહે છે.

આપણે જે સમજવાનું છે તે આ છે, કે આપણી કહેવાતી ભૂલો કે પાપ આપણી નબળાઈને કારણે થયેલી છે; અને આપણે નબળા છીએ તેનું કારણ છે આપણું અજ્ઞાન. પાપને હું ભૂલ કહેવાનું પસંદ કરું છું. પાપ શબ્દ, મૂળે બહુ જ સારો શબ્દ હતો, પણ તેની સાથે રહેલી એક દુર્ગંધ મને ગભરાવે છે. આપણને અજ્ઞાની બનાવે છે કોણ? આપણે પોતે જ, આપણી આંખો આડા હાથ રાખીએ છીએ અને પછી અંધારું છે, અંંધારું છે એમ કહીને રડીએ છીએ! હાથ લઈ લો એટલે અજવાળું ચોમેર દેખાશે! પ્રકાશ આપણે માટે સદાય રહેલો છે જ; એ છે માનવઆત્માની સ્વયંપ્રકાશ પ્રકૃતિ. તમારા આધુનિક વૈજ્ઞાનિકો શું કહે છે તે તમે સાંભળતા નથી? ઉત્ક્રાંતિનું કારણ શું છે? ઇચ્છા. પશુ કંઈક કરવાની ઇચ્છા રાખે છે, પરંતુ તેને અનુકૂળ સંયોગો મળતા નથી તેથી તે નવું શરીર લે છે. શરીર કોણ લે છે? તે પોતે જ, તેની ઇચ્છાશક્તિ નીચામાં નીચી કોટિના એકકોશી જીવ (અમીબા)માંથી ઉત્ક્રાંતિ કરતા કરતા તમે માનવ સ્વરૂપ પામ્યા છો. તમારી ઇચ્છા શક્તિનો તમે ઉપયોગ કરો તો એ તમને એથીયે વધુ ઊંચે લઈ જશે. ઇચ્છાશક્તિ સર્વશક્તિમાન છે.

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.