(ગતાંકથી આગળ)

બેલૂર મઠ, ૯-૩-૬૨

સવારના ૯.૩૦ વાગ્યા છે. બે ત્રણ ચતુર ભક્તો બે માળના પૂર્વ તરફના વરંડામાં સચેત બનીને આમતેમ ફરે છે. વૃદ્ધ સંન્યાસી (સ્વામી વિશુદ્ધાનંદ) આ વખતે મઠમાં આવ્યા છે પણ હજુ સુધી દરરોજના નિયમ પ્રમાણે દૈનંદિન દર્શન આપતા નથી. એટલે જ આ ભક્તોના મનમાં પણ દર્શન માટેની આશા નિરાશાનાં મોજાં આવતાં હતાં.

અહોભાગ્ય! દસ વાગતાં જ અંગત સચિવ સ્વામી ચિત્તસુખાનંદજીએ ઉપર્યુક્ત વરંડામાં આવીને એક આનંદભર્યા સમાચાર આપ્યા : ‘બધા સાંભળો, દર્શન માટેનો સમય આ પ્રમાણે નિશ્ચિત થયો છે : સવારે ૧૦ થી ૧૧ અને સાંજે ૫.૩૦ થી ૬.૩૦ સુધી. મહારાજ આજથી આ જ સમયે દર્શન આપશે. ત્યાં એક શિક્ષિકા બહેન આવ્યાં છે અને એમને કોલેજ જવું છે, એટલે એમને દર્શન કરવાની વ્યવસ્થા પહેલાં કરું છું અને પછી તમારા બધાની.’ સચિવ ઉતાવળા ત્યાંથી ચાલ્યા ગયા.

એ વખતે સ્વામી અબ્જજાનંદજી મહારાજ પરમાધ્યક્ષના ખંડમાં પ્રવેશ્યા. એમનાં શ્રી કરકમળમાં એક નવપ્રકાશિત પુસ્તક અર્પણ કર્યું. સાંન્ફ્રાંસિસ્કોમાં વેદાંતના પ્રચારકાર્યમાં રત સ્વામી શ્રદ્ધાનંદજી કૃત એ પુસ્તક ‘ઘરેચલો’ હતું. શિક્ષિકા બહેને પણ તત્કાળ દર્શન કરી લીધાં.

સેવક સંન્યાસી તરત જ એક ખુરશી લાવ્યા અને ઉપર્યુક્ત વરંડાની પશ્ચિમની દિવાલના છજા નીચે રાખી. ત્યાર પછી પરમાધ્યક્ષ મહારાજ ત્યાં આવ્યા અને એ ખુરશી પર બેઠા.

એ વખતે આઠ ભક્તજનો હતા. વધુ તો બહેનો જ હતાં. મહારાજ એકેએક વ્યક્તિ વિશે જાણવા ઇચ્છા હતા એટલે ભક્તોને કહ્યું: ‘તમે લોકો પોતાનો પરિચય આપો. મારી આંખ સામે જ પ્રકાશ આવે છે એટલે હું કોઈને જોઈ-ઓળખી શકતો નથી.’ એમનાં નામઠામ સાંભળીને કહ્યું: ‘ભગવાન બુદ્ધ પોતાનાં સહધર્મિણીને છોડીને ચાલ્યા ગયા હતા. ચૈતન્ય મહાપ્રભુએ પણ આમ જ કર્યું હતું. પણ શ્રીઠાકુરનું જીવન જુઓ. શ્રીશ્રીમાની એમણે ભવતારિણી રૂપે પૂજા કરી હતી, એમણે શ્રીમાને નિકટમાં જ રાખ્યાં હતાં! એમના જીવનની એકેએક ઘટનાને ધ્યાનમાં લઈએ તો કેટકેટલું જ્ઞાન-શિક્ષણ મળે! તો પછી આટલાં બધાં પુસ્તકો વાંચવાની કે લેક્ચર સાંભળવાની જરૂર ન રહે. આજથી હું જે કંઈ કહીશ તે એકાદ-બે વાતથી પૂરું કરીશ.’

દક્ષિણ બાજુએ ફરીને એકાદ-બે છોકરોઓને ઉદ્દેશીને થોડા ધીમા અવાજે કહે છે : ‘મેં કેવી મૂર્ખામી કરી એ હું જ જાણું! એક માસ સુધી સતત ચિંતન-મનન કરીને એક રાતે આવો તાર કર્યો -Regret inability to accept presidentship અંતે આ લખાણને ફેંકીને બીજો આવો તાર કર્યો-Presidentship accepted. Thakur’s will be done.

‘અને વળી સંસારનાં કામકાજેય કરવાં ખરાં ને! સંસારમાં રહીને કર્તવ્યપાલન પણ કરવું અને પછી પક્ષીની શરીરમાંથી સંસારરૂપી પાણી ખંખેરીને શ્રીઠાકુરની પાસે આવીને બેસવું. જેમણે એમના નામે મંત્રદીક્ષા લીધી છે એમણે તો આમ કરવું જ પડે. કહેવાનો અર્થ આ છે – એમનો આશ્રય કરીને સંસારનાં કામકાજ કરવાથી સંસાર રૂપી જળ દેહે વળગે નહિ. એટલે કે વિષયો પ્રત્યેની આસક્તિ છૂટી જાય. જેવી રીતે જળકુકડી પાણીમાં રહે છે, પાણીમાં ડૂબકી મારીને માછલાં પકડે છે. પછી પાણીમાંથી નીકળીને પાણી ખંખેરીને પોતાનાં બચ્ચાં પાસે વૃક્ષ પરના માળામાં આવીને બેસી જાય છે.

બરાબર પાંચ વર્ષના નાના બાળક જેવું બનવું પડે. માને વળગીને જ રહેવું પડે. તો જ મા એને ખોળામાં લેશે ને! પરંતુ મોટો છોકરો માનો આધાર રાખતો નથી, એટલે મા એને પોતાના ખોળામાં લેતી નથી. અને પેલું નાનું બાળક તો મા સિવાય કોઈને ઓળખતું નથી, એટલે જ મા એને ખોળામાંથી દૂર કરતી નથી. શ્રીઠાકુરે જેમ નિર્વિકલ્પ સમાધિભાવમાંથી નીચે ઊતરીને નાના બાળકની જેમ મા જગદંબાનો આશરો લીધો હતો. શ્રીઠાકુરને હાથતાળી વગાડીને હરિનામ કીર્તન કરતાં જોઈને તોતાપુરી હસીને બોલ્યા: ‘શું રોટલા ટીપે છે?’ માના હાથમાં બધું સોંપી દેવાથી કે છોડી દેવાથી જ સુમંગલ થવાનું.’ 

વળી પાછા ધીમા અવાજે કહે છે : ‘પ્રેસિડન્ટ-પરમાધ્યક્ષ અને હું – બંનેને સમ્યક્‌ અંતરે રાખવા પડે.’

પછી એકેએક ભક્તનાં ખબર-અંતર પૂછે છે. પછી પૂછ્યું: ‘ભાઈ, કેટલા વાગ્યા?’ એક ભક્તે કહ્યું: ‘૧૦.૫૪ થયા છે.’ દર્શનનો સમય પૂરો થતાં બધાએ એમની ચરણરજ લીધી અને વિદાય થયા.

બેલૂર મઠ, ૧૧-૩-૬૨, રવિવાર

આજે જાહેર ઉત્સવના ઉપલક્ષ્યમાં શ્રીઠાકુરને પુષ્પના આભરણથી સજ્યા છે. પરમાધ્યક્ષ સવારે શ્રી મંદિરમાં ગયા અને એમને પ્રણામ કર્યા. પોતાના સેવક સંન્યાસીને કહ્યું: ‘વાહ, શ્રીઠાકુરનો શણગાર કેટલો સુંદર થયો છે! આજે એમના કેટકેટલા ભક્તજનો આવશે! બધા લોકો એમનાં દર્શન કરીને કેવો બધો તૃપ્તિ-આનંદ અનુભવશે!’ 

પછી પ્રાંગણમાં સજાવેલા મંડપમાં શોભાયમાન શ્રીઠાકુરની વિશાળ પ્રતિમાની સામે જઈને એમની સમક્ષ પોતાનું મસ્તક નમાવ્યું. પછી ક્રમશ: શ્રીશ્રી મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી), શ્રીશ્રીમાતા ઠાકુરાણી અને શ્રી સ્વામીજીના મંદિરમાં જઈને પ્રણામ કર્યા. 

એ વખતે પુણ્યસલિલા ભાગીરથીના તીરે ટહેલતાં ટહેલતાં સ્વામી અભયાનંદજી મહારાજ સાથે મુલાકાત થઈ અને ઉત્સવ વિશે એક-બે વાત કરી. 

સવારના ૮-૯ વાગ્યા છે. સાધુબ્રહ્મચારીઓ અને ભક્તસમૂહ આજના પાવનકારી દિવસે પરમાધ્યક્ષના ખંડમાં આવીને એમનાં દર્શન કરીને જઈ રહ્યા છે. બે-એક ભક્તને પુષ્પાદિ અર્પણ કરતાં જોઈને એમણે કહ્યું: ‘એક દિવસ ગિરીશબાબુએ ડાળી સાથે પૂર્ણ રીતે ખીલેલ ગુલાબ લાવીને શ્રીઠાકુરના હાથમાં ધર્યું. શ્રીઠાકુરે એ પુષ્પ પોતાના માથે તથા છાતીએ મૂકીને એમના હાથમાં મૂકીને કહ્યું – ‘આવાં પુષ્પનો અધિકાર તો દેવોનો કે કોલકાતાના બાબુઓનો!’ વાહ! વાહ! એમનું કેવું Keen observation – સૂક્ષ્મ નિરીક્ષણ! એમનો ઉપદેશ અને સંદેશ માત્ર અધ્યાત્મ પૂરતો સીમિત ન હતો. બધાના પ્રસ્તુત જીવનમાં ઉપયોગી કેટલી મજાની વાતો કહી છે!

મઠના જૂના સંડાસમાંથી આવતી વખતે રાજા મહારાજે એક દિવસ જોયું તો રસ્તામાં એક ઈંટ પડી હતી. પોતાનું શરીર ભારે હોવા છતાં પણ ત્યાં નમીને તે ઈંટને લઈને એક બાજુએ મૂકીને કહ્યું: ‘આ બધું શ્રીઠાકુર પાસેથી શીખ્યો છું. આ ઈંટથી જ કોઈને ઠેંસ લાગવાની શક્યતા છે.’

આજે ઉત્સવના સમયે સ્વામીજીએ વાવેલ આમ્રવૃક્ષની નીચે શ્રીરામકૃષ્ણનું લીલાકીર્તન થયું. આ લીલાકીર્તન રાહરાના બાલક-આશ્રમના અધ્યક્ષ સ્વામી પુણ્યાનંદજી કરે છે. પરમાધ્યક્ષ મહારાજ બીજા માળે ઊભા રહીને બારીના સળિયા પકડીને નિમગ્ન મને ભગવલ્લીલા સાંભળી રહ્યા છે. થોડી વાર પછી કહ્યું: ‘પુણ્યાનંદ ઘણું સુંદર લીલાકીર્તન કરે છે. પણ એને હું જોઈ શકતો નથી, કહો કેમ? ક્યાં બેઠા છે? એમને એક ઉચ્ચાસને બેસાડવા જોઈતા હતા. બધા લોકો કીર્તનકારને જુએ તો કીર્તનનો વધુ આનંદ મળે. વારુ, એકાદ પુષ્પમાળા લાવી શકો? કોઈ એક એમની નજીક જઈને એ માળા પહેરાવીને એમને અત્યંત ધીમે અવાજે કહેજો: ‘જિતેન મહારાજે આ માળા તમારા માટે મોકલી છે.

માળા તો સહજ રીતે મળી ગઈ. પરંતુ શ્રોતાજનોની ભીડને લીધે કીર્તનકાર મહારાજ પાસે જવું અશક્ય બની ગયું. એક સાધુએ અનેક પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ થઈને પાછા આવ્યા. પરમાધ્યક્ષ મહારાજે કહ્યું: ‘થોડા સમય પહેલાં આ વિચાર મારા મનમાં આવી જાત તો ઘણું સારું થાત!’

(ક્રમશ:)

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.