(ગતાંકથી આગળ)

ધીમે ધીમે ઠાકુરને ભાવ, મહાભાવ દિવસમાં કેટલીયેવાર થવા લાગ્યો. કાલીવાડીના બ્રાહ્મણોએ હવે પૂરેપૂરું માની લીધું કે ઠાકુર બેહોશી અને પાગલપણાનો ભોગ બન્યા છે. તેઓ મથુરબાબુને કહેવા લાગ્યા કે ઠાકુર હવે કોઈ કામના નથી રહ્યા. મથુરબાબુ પણ મનોમન ઘણા ઘણા વિચાર કરતા પણ મોઢેથી કંઈ કહેવાની હિંમત કરી શકતા નહીં.

રામકૃષ્ણદેવનો મહિમા તો જુઓ! એવા સમયે દક્ષિણેશ્વરમાં એક બ્રાહ્મણી આવી પહોંચી. તે ખૂબ જ શક્તિશાળી હતી. ભક્તિશાસ્ત્ર, પુરાણ, તંત્ર વગેરે તેને મોઢે હતા. ખાસ કરીને તે તાંત્રિક સાધનાની વિશેષ જાણકાર હતી. ઠાકુરે એ બ્રાહ્મણીના વિષે એકવાર કહ્યું હતું કે તે ચતુર્વેદની મૂર્તિ સ્વરૂપ હતી. બ્રાહ્મણીએ ઠાકુરનાં અંગોમાં ભાવ – મહાભાવનાં લક્ષણો જોઈને તેમને ભગવાનના રૂપે ઓળખી લીધા અને કાલીવાડીમાં તેનો પ્રચાર કરવા લાગી. પણ શરૂઆતમાં તો કોઈએ બ્રાહ્મણીની વાત માની નહીં. પણ પછી જ્યારે તે શાસ્ત્રોનું પ્રમાણ આપીને મોટા મોટા શ્લોકો ટાંકવા લાગી ત્યારે તેનું આટલું ઊંડું જ્ઞાન જોઈને મથુરબાબુ આશ્ચર્યમાં પડી ગયા અને તેની પરીક્ષા કરવા માટે તેમણે મોટા મોટા પંડિતોને બોલાવ્યા. અને બ્રાહ્મણીને તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા કહ્યું. તે વખતે બ્રાહ્મણીના કંઠમાં જાણે સરસ્વતિ પ્રગટી ઊઠી અને તેને કોઈ પંડિત શાસ્ત્રાર્થમાં હરાવી શક્યો નહીં. ભાવ-મહાભાવનાં જે લક્ષણો શાસ્ત્રોમાં વર્ણવેલા છે, એ બધાનું પ્રમાણ આપીને અને મહાભાવ વખતે પરમહંસદેવનાં અંગોમાં આ બધાં જ લક્ષણોને દર્શાવીને બ્રાહ્મણીએ ઠાકુરને ભગવાનરૂપે પ્રતિષ્ઠિત કર્યા. પંડિતોએ પણ જોયું કે શાસ્ત્ર વચનોનું પ્રમાણ અને ઠાકુરના ભાવનાં લક્ષણો બધું બરાબર મળી રહ્યું છે. તો પણ તેઓ ઠાકુરને ભગવાનરૂપે સ્વીકારી શક્યા નહીં. પંડિતોના પરાજયથી મથુરબાબુનો બ્રાહ્મણી પરનો વિશ્વાસ વધુ દૃઢ થયો અને ઠાકુર પ્રત્યે એમની શ્રદ્ધાભક્તિ ઘણી જ વધી. ત્યાર પછી તેમણે ઠાકુરને મહાકાળીની પૂજામાંથી નિવૃત્ત કરી, પોતાના બેઠકખાનામાં બીજે માળે રાખી, શ્રીકાલીની જેવી સેવા પૂજા છે એવી જ રીતે ઠાકુરની સેવાની વ્યવસ્થા પણ કરી આપી. ગમે તેટલું કરે પણ મનુષ્ય પોતાના મનનું શું કરશે? મથુરબાબુને વચ્ચે વચ્ચે સંશય થતો. રાત્રે તેઓ પરમસુંદરી વેશ્યાને ઠાકુરની પાસે મોકલીને તેમની પરીક્ષા કરતા.

પાઠક : પરમહંસદેવ વેશ્યાઓને જોઈને શું કરતા હતા?

ભક્ત : જેમ કોઈ એક નાનું બાળક નિર્જનમાં કોઈ ભયંકર રાક્ષસીને જોઈને મા મા કહીને બૂમો પાડી અને ભયથી જડ થઈ જાય એવી જ રીતે ઠાકુર પણ મા મા કહીને એકદમ બેહોશ બની જતા હતા.

પાઠક : અને તે વેશ્યાઓ?

ભક્ત : વેશ્યાઓમાંથી કોઈ ચીસ પાડીને ભાગી જતી કે કોઈ ઊભી ઊભી રડવા માંડતી. મથુરબાબુએ એકવાર વેશ્યાઓને મોકલીને ઠાકુરની ભારે કઠીન પરીક્ષા લીધી હતી. લક્ષ્મીબાઈ નામની એક વેશ્યા હતી. તે મુનિઓનું મન પણ ચલિત કરી દે તેવી સુંદરી હતી તેના સાજશ્રૃંગાર પણ જાણે અપ્સરા જોઈ લો તેવા હતા. એક દિવસ મથુરબાબુએ તેની સાથે સંતલસ કરી કહ્યું. આ દિવસે તું સાંજના સમયે તારા જેવી પંદર સુંદરીઓને સારી રીતે સજાવીને તારા ઘરમાં બોલાવી લેજે. હું નાના ભટ્ટાચાર્યને લઈને ત્યાં આવીશ. હજુ સુધી એમના મનને કોઈ આકર્ષી શક્યું નથી. જો તું એ કરી શકીશ તો તને વિશેષ પુરસ્કાર આપીશ. તેણે કહ્યું એમાં કઈ મોટી આશ્ચર્યની વાત છે? કેટલા મોટા મોટા લોકોને મેં વશમાં કરી લીધા છે તો ભલા આનું શું ગજું?

એ પછી નક્કી થયેલા દિવસે લક્ષ્મીબાઈએ તો ઘરમાં સાજ શણગારની જેટલી વસ્તુઓ હતી તે બધી શરીર પર ધારણ કરી લીધી! અને એ જ રીતે એની પંદર સુંદરીઓને પણ તૈયાર કરાવીને, બધા જ પ્રકારની તરકીબો રચીને એવી રીતે જમાવટ કરીને બેઠી કે જાણે વાધણ શિકારને પકડવા બેઠી ન હોય! સાંજના સમયે મથુરબાબુએ પોતાની ફીટન ગાડીમાં બે મોટા તગડા ઘોડા જોડાવ્યા અને ઠાકુરને કહ્યું : ‘ચાલો બાબા, કિલ્લાના મેદાનમાં ફરી આવીએ.’ ઠાકુર રાજી થઈ ગયા, કિલ્લાના મેદાનમાં મથુરબાબુએ ઠાકુરને ઘોડાગાડીમાં ફેરવ્યા અને પછી બરાબર સંધ્યા સમયે નક્કી કરેલા સ્થળે તેમને લઈ આવ્યા! બહારથી જ જાણી લીધું કે બધું બરાબર ગોઠવેલું છે કે નહીં! બધું બરાબર જણાતાં મથુરબાબુ ઠાકુરને એ ઓરડામાં મૂકીને બહાર નીકળી ગયા.

પાઠક : પછી ઠાકુરે શું કર્યું?

ભક્ત  : ઠાકુર ઓરડામાં પહોંચ્યા અને મા, મા કહેતા કહેતા ગીત ગાવા લાગ્યા અને પછી તો સમાધિમાં લીન થઈ ગયા. કમ્મર પર વીંટળેલી એકમાત્ર ધોતી પણ કમ્મર પરથી સરી પડી ને ઠાકુર તો દિગંબર થઈ ગયા!

પાઠક : અને વેશ્યાઓ?

ભક્ત : વેશ્યાઓની તો બુદ્ધિ બહેર મારી ગઈ. શું કરવું એની ભારે વિમાસણમાં પડી ગઈ. કોઈ પંખો લઈને હવા નાંખવા લાગી. હવે શું કરવું, એની સમજ ન પડવાથી કોઈ સ્તબ્ધ બની ઊભી રહી. કોઈ એમના મુખ પર પાણી છાંટવા લાગી અને કોઈ તો ‘મથુરબાબુ, મથુરબાબુ કહીને જોરજોરથી બૂમો પાડવા લાગી, બહાર રહેલા મથુરબાબુ એમની બૂમો સાંભળીને વિચારવા લાગ્યા કે જરૂર કંઈ મુસીબત ઊભી થઈ છે. તુરત જ ત્યાં ગયા ને જોયું તો ઠાકુર તો છે સમાધિમગ્ન. મથુરબાબુને જોઈને વેશ્યાઓ તેમને ધિક્કારવા લાગી અને બોલી ઊઠી : ‘અરે, આવા બાળક જેવા નિર્દોષ મનુષ્યની સાથે શું આવું કરાય?’ મથુરબાબુએ વેશ્યાઓને કોઈપણ રીતે મનાવી અને પછી જ્યારે ઠાકુરને બાહ્યભાન આવ્યું, ત્યારે ભાવાવસ્થામાં જ ઠાકુરને ગાડીમાં ચડાવી દીધા ને દક્ષિણેશ્વર લઈ આવ્યા.

એ પછી મથુરબાબુ શરમના માર્યા ઠાકુરને મોઢું બતાવી શકતા ન હતા. એવી મુસીબત તેમને થઈ ગઈ હતી!

પાઠક : આ તે કેવું આશ્ચર્ય! માણસ જો કોઈ સુંદર યુવતીને જુએ તો તેનાં લજ્જા-સંકોચ, માન-મર્યાદા વગેરે મનુષ્યના ભાવો ક્યાંય અદૃશ્ય થઈ જાય ને તે પોતાનું મનુષ્યત્વ જ ગુમાવી બેસે. અહીં આગળ તો એવી એક સુંદર યુવતી નહોતી, સોળ સોળ સુંદરીઓ હતી. આ સાંભળીને મને તો એવું લાગે છે કે ભગવાન સિવાય બીજો કોઈ આવું ન કરી શકે. અમે બધાં તો થિયેટરના માણસો છીએ અમારા માટે તો આ દૃષ્ટિથી માણસને ઓળખવો કોઈ મુશ્કેલ કામ નથી. આ પરીક્ષા તો જાણી. પણ પછી શું સંપત્તિ અંગેની પણ કોઈ પરીક્ષા થઈ હતી?

ભક્ત : એકવાર મથુરબાબુએ ઠાકુરને પચાસ હજાર રૂપિયા આપવાની ઇચ્છા વ્યક્ત કરી. ઠાકુરે તેનો અસ્વીકાર કર્યો ત્યારે મથુરબાબુએ કહ્યું : ‘બાબા જો તમે પોતે ન લો તો કંઈ નહીં હું હૃદુના નામથી કંપનીના સર્ટિફિકેટ ખરીદી લઉં છું.’ આ સાંભળીને ઠાકુર એકદમ ગુસ્સે થઈને બોલી ઊઠ્યા : ‘હું આ પણ ન કરી શકું કેમકે ભલે હૃદુના નામ ઉપર હોય તો પણ મારા મનમાં એવું થઈ શકે કે એ મારા રૂપિયા છે.’ ભાઈ, ઠાકુરના ત્યાગના આદર્શને તો જુઓ – મન, વચન અને તનથી પણ ત્યાગ. વાણીથી કહે છે નહીં લઉં તો મન પણ એ જ કહે છે અને શરીર પણ એ જ કહે છે – નહીં લઉં.’ ઠાકુરના શરીર દ્વારા થતો ત્યાગ તો આંખથી જોયેલી વાસ્તવિકતા છે. રૂપિયા કે પૈસાને હાથથી અડકવા માત્રથી હાથ વાંકોચૂકો થઈ જતો. અને જડ પદાર્થની જેમ લાંબા સમય સુધી અચેતન બની રહેતો. આવા અદ્‌ભુત ત્યાગની વાત કોઈએ ક્યારેય સાંભળી છે?

બીજા એક સમયની વાત છે. લક્ષ્મીનારાયણ મારવાડી ઠાકુરને રૂપિયા આપવા માટે ભારે આગ્રહ કરી રહ્યો હતો. પણ કોઈ રીતે ઠાકુરની સંમતિ મેળવી શક્યો નહીં. આથી એક દિવસ તો રૂપિયાનો મોટો થેલો લઈને આવી જ પહોંચ્યો. આ રૂપિયા જોતાં જ ઠાકુર નાના બાળકની માફક ચીસો પાડવા લાગ્યા અને અંતે બાહ્ય ભાન ગુમાવી બેઠા. લક્ષ્મીનારાયણ મારવાડી આ જોઈને જ મનમાં કંઈક વિચારીને ત્યાંથી થેલો ઉઠાવીને એકદમ ભાગી ગયો. મથુરબાબુએ બીજા પણ ઘણા પ્રસંગોમાં જોયું હતું કે જેવી રીતે ઠાકુર કામિની પ્રત્યે અનાસક્ત હતા, એવી જ રીતે કાંચન પ્રત્યે પણ હતા. ઠાકુરની કાંચન પ્રત્યેની અનાસક્તિ જોઈને મથુરબાબુ પોતે ઉદાર બની ગયા હતા. આ બધા પ્રસંગો વિષે હું તમને પાછળથી કહીશ.

(ક્રમશ:)

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.