શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: “મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખ. દરેક  મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્‌ ‘ધર્મ’ વિદ્યમાન છે, તેની સરખામણીમાં એ બધું તુચ્છ છે. માનવીની અંદર જેટલા વધારે પ્રમાણમાં આ ભાવની અભિવ્યક્તિ થાય છે, તેટલા પ્રમાણમાં તે જગતનું કલ્યાણ કરવાને વધારે ને વધારે સામર્થ્યવાન થતો જાય છે. સૌથી પ્રથમ આ ધર્મધનનું ઉપાર્જન કરો. કોઈની અંદર દોષ ન જુઓ, કારણ કે બધા મત, બધા સંપ્રદાયો સારા છે. તમારા જીવન દ્વારા એમ બતાવી આપો કે ધર્મનો અર્થ કેવળ શબ્દ કે નામ અથવા સંપ્રદાય નથી; તેનો અર્થ તો આધ્યાત્મિક્તા અનુભૂતિ છે. જેમને અનુભવ થયો હોય તે જ આ વાત સમજી શકે. જેઓએ ધર્મપ્રાપ્તિ કરી છે, તેઓ જ બીજાઓમાં ધર્મનો સંચાર કરી શકે છે; તેઓ જ માનવજાતિના શ્રેષ્ઠ આચાર્યો થઈ શકે છે; માત્ર તેઓ જ જ્ઞાનની પ્રખર જ્યોતિરૂપ છે.’’

જે દેશમાં આવા મનુષ્યો વધારે જન્મશે, તે દેશ તેટલા પ્રમાણમાં વધુ ઉન્નત અવસ્થાએ પહોંચશે; જે દેશમાં આવા મનુષ્યો બિલકુલ નહીં હોય તે દેશનો નાશ થશે; તે કોઈ રીતે બચી શકશે નહીં. માટે મારા ગુરુદેવનો માનવજાતિ માટે સંદેશ આ છે કે, “પહેલાં તમે પોતે ધાર્મિક બનો અને સત્યની ઉપલબ્ધિ કરો.’’ તમે પોતાનાં ભાંડુ સમી સમગ્ર માનવજાતિના કલ્યાણ અર્થે સર્વસ્વનો ત્યાગ કરો, એમ તેઓ ઇચ્છતા. તેઓ ચાહતા હતા કે ભાતૃપ્રેમની માત્ર વાતો જ ન કરો, પરંતુ તમારા શબ્દોને યથાર્થ કરી બતાવો. ત્યાગ તથા પ્રત્ક્ષાનુભૂતિનો સમય આવી પહોંચ્યો છે, અને તેમની મદદથી જ તમે જગતના બધા ધર્મોની સંવાદિતા જોઈ શક્શો. ત્યારે જ તમને ખાતરી થશે કે આપસઆપસમાં ઝઘડાની કોઈ જરૂર નથી; ત્યારે જ તમે સમગ્ર માનવ જાતિની  સેવા કરવાને માટે તૈયાર થઈ શક્શો. સર્વ ધર્મોનું મૂળ તત્ત્વ એક જ છે, એ વાત સ્પષ્ટરૂપે બતાવવા માટે જ મારા ગુરુદેવનો અવતાર થયો હતો. બીજા ધર્મસંસ્થાપકોએ સ્વતંત્ર ધર્મનો ઉપદેશ આપ્યો હતો અને તે તે ધર્મો તેમનાં નામોથી પ્રચલિત છે. પરંતુ ઓગણીસમી સદીના આ મહાપુરુષે પોતાને માટે કંઈ પણ દાવો કર્યો નથી, તેઓ કોઈ પણ ધર્મની આડે આવ્યા નથી, કારણ કે તેમણે પ્રત્યક્ષ અનુભવ કરી લીધો હતો કે વાસ્તવમાં બધા ધર્મો એક જ સનાતન ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે.

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – સંચયન’ પૃ.૨૬૯)

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.