સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ ઈ.સ. ૧૮૯૨માં સ્વામીજીને શોધતા ગુજરાત દોડી આવ્યા હતા અને લીંબડી, જૂનાગઢ, દ્વારકા, કચ્છ-માંડવી, નારાયણ સરોવર, એમ બધે ભટક્યા પછી માંડવીમાં એ સ્વામીજીને મળી શક્યા. પણ સ્વામીજીએ ગુરુભાઈ અખંડાનંદને પોતાની સાથે કે પાછળ આવવાની સ્પષ્ટ ના પાડી દીધી. આમ છતાં, એ બંને ગુરુભાઈઓ પોરબંદરમાં ભેગા થઈ ગયા અને પછી છૂટા પડી ગયા. ત્યાંથી સ્વામીજી નડિયાદ, વડોદરા, મુંબઈ વ. સ્થળોમાં ફરી દેશને દક્ષિણ છેડે ગયા અને ત્યાંથી પછી એમણે અમેરિકાની વાટ પકડી. સ્વામી અખંડાનંદ જેતપુર, ગોંડલ, રાજકોટ થઈ જામનગર પહોંચ્યા અને નવાઈ લાગે એવી વાત એ બની કે તેઓ ત્યાં લગભગ એક વર્ષ રોકાયા.

સ્વામીનો ઉતારો મુખ્યત્વે બે સ્થળોએ હતો: એક તે સુવિખ્યાત વૈદ્યરાજ ઝંડુભટ્ટને ત્યાં અને બીજો જામનગરના તે સમયના એક શ્રેષ્ઠી શંકરજી શેઠને ત્યાં. શંકરજી શેઠની અટક માંકડ હતી. એ વડનગરા નાગર હતા પણ ધીરધારનો ધંધો કરતા હતા માટે ‘શેઠ’ કહેવાતા. એ વિધુર અને અપુત્ર હતા. એમના બે ભત્રીજાઓ એમની સાથે રહેતા હતા. એમનું ઘર ડેલીફળિયામાં હતું એ ઝંડુભટ્ટના ઘરથી દસેક મિનિટને ચાલવાને અંતરે આવેલું હતું.

શંકરજી શેઠ ધાર્મિક વૃત્તિના હતા અને ઉદાર હતા. એક સંન્યાસીને રોજ જમાડવા, એ નિયમ એમણે લીધો હતો. અખંડાનંદજી જામનગર ગયા ત્યારે પ્રથમ એ ઝંડુભટ્ટના નાના ભાઈ સાથે – કદાચ ઝંડુભટ્ટને જ ઘેર – રહેવા ગયા હતા અને પછીથી એ શંકરજી શેઠને ઘેર ગયા હતા. એ શંકરજી શેઠ સ્વામી અખંડાનંદની અને એમની પાસેથી સાંભળેલી એમના ગુરુ, પૂજ્ય ઠાકુર વિશેની વાતોથી એટલા પ્રભાવિત થઈ ગયા કે એમણે અખંડાનંદને કહ્યું કે ‘આપ અહીં રોકાઈ જાઓ. હું જમીન ખરીદી તેની ઉપર શ્રીરામકૃષ્ણનું મંદિર બંધાવી આપું.’ પણ ત્રણ વાર તિબેટ જનાર, બે-એક વાર કેદારનાથ-બદ્રીનાથ જનાર અને કૈલાસ-માનસરોવરની પણ યાત્રા કરનાર સ્વામી અખંડાનંદનો ખીલે બંધાઈ રહેવાનો સ્વભાવ નહિ તેથી તેઓ બોલ્યા: ‘પાની બહતા ભલા, સાધુ ચલતા ભલા.’ અને જગતનું પ્રથમ શ્રીરામકૃષ્ણદેવનું મંદિર બનવાનું માન જેને મળત તે શ્રીઠાકુરનું મંદિર, ૧૮૯૨માં જામનગરમાં વણબંધાયું રહી ગયું.

પછી ૧૯૭૯-૮૦ આસપાસ બીજી એક તક ઊભી થઈ. સ્વ. જયંતીભાઈ અંજારિયા અને સ્વ. શાંતિભાઈ અંજારિયા, દેશના દુર્ભાગી વિભાજન પછી કરાચી છોડી જામનગરવાસી બન્યા ત્યારે પોતાની સાથે ઠાકુરની ભક્તિનો અને ઠાકુરના બે આધ્યાત્મિક વંશજો એવા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના સંન્યાસીઓની ભક્તિનો વારસો પોતાની સાથે કરાચીથી લેતા આવેલા. પૂ. સ્વામી રંગનાથાનંદજી મહારાજનો પ્રભાવ એમના કુટુંબ પર ખૂબ જ હતો. એ શાંતિભાઈની ૫૫૦૦ ચો.ફૂ.ની જગ્યા હતી અને તેને અડીને જ ૩૫૦૦ ચો.ફૂ.ની જગ્યા સાર્વજનિક હેતુ માટેની હતી. એ બે મળી ૯૦૦૦ ચો.ફૂ.ની જમીન મળતી હતી અને સ્વ. શાંતિભાઈ મંદિર પણ બંધાવી આપવા તત્પર હતા. પણ એ વાત પણ હવામાં ઊડી ગઈ.

જામનગરનું રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દિના વર્ષથી, ૧૮૬૩થી કાર્યરત હતું. વચ્ચેના ગાળામાં સંજોગવશ મંદીનો ગાળો પણ આવી ગયો અને એ દરમિયાન પણ સ્વ. શ્રી મનોહરસિંહજી જાડેજાએ અને એમનાં બહેનોએ પોતાને ત્યાં શ્રી ઠાકુરની ભક્તિનો દીપ પ્રજ્વલિત રાખ્યો હતો.

પણ કોઈને ઘેર આવું કેન્દ્ર સતત ચાલુ રાખવું એ ઉચિત નહિ. આ દરમિયાન રામકૃષ્ણ મઠને પણ વિવિધ સ્થળોએ કાર્ય કરતાં આવાં રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રોમાં એકવાક્યતા આપવાનો વિચાર આવ્યો અને એમણે આવાં કેન્દ્રો માટે માર્ગદર્શક નિયમો બનાવ્યા. એ નિયમો અનુસાર જામનગરના અમારા કેન્દ્રને અમે વ્યવસ્થિત કર્યું, ટ્રસ્ટ તરીકે એનું પંજીકરણ કરાવ્યું અને પૂજ્ય સ્વામી રંગનાથાનંદજી મહારાજને વરદ્‌ હસ્તે એનું ઉદ્‌ઘાટન ૧૯૯૬ના જૂનમાં થયું.

ત્યારથી કેન્દ્ર માટે જમીનની અમારી તજવીજ ચાલતી હતી. એક સરસ મજાની જમીન મળું મળું થતી હતી પણ એ ભાગ્યમાં ન હતી. બીજા એક દાતા, શ્રી અરવિંદભાઈ કાંતિલાલ શાહે જમીન આપી પણ, સાર્વજનિક હેતુ માટેના એ મોટા પ્લોટ પર કાયદેસર અમે અમુક પ્રવૃત્તિઓ માટે મકાન બાંધી શકીએ એમ ન હતા.

અચાનક અમારી ઘા ઠાકુરે સાંભળી અને જામનગરના પ્રખ્યાત બિલ્ડર ભાઈશ્રી મૂળુભાઈ કંડારિયાના હૃદયમાં ઠાકુરે પ્રેરણા આપી તે એવી કે એમને જરા અમથી વાત કર્યા ભેગી એમણે ૩૦,૦૦૦ ચો.ફૂ. જમીનનો પ્લોટ અમારા કેન્દ્રને દાનમાં આપી દીધો. એ જમીન સંપાદન અંગેની બધી વિધિ કર્યા પછી મકાનોના નક્શા વગેરે તૈયાર કરાવ્યા પછી, નગરપાલિકાએ પ્લેન પાસ કર્યો. આ જમીન સંપાદનના કાર્યમાં, પોરબંદરના શ્રીરામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલના સચિવ પૂજ્ય સ્વામી અવ્યયાત્માનંદજીએ પણ સારો રસ લીધો અને એમના વેણે જમીનના દાતા શ્રી મૂળુભાઈએ કંપાઉંડની દીવાલ બાંધી આપવાની પણ હા પાડી.

પૂજ્ય શ્રી રામકૃષ્ણદેવની ૧૭૩મી જયંતીના પછીના દિવસે એટલે કે, તા.૧૦ માર્ચ, ૨૦૦૮ ને દિવસે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજને વરદ્‌ હસ્તે મંદિર-પ્રાર્થનાગૃહના મકાનના શિલાન્યાસનો વિધિ સંપન્ન થયો. સ્વામી સર્વસ્થાનંદજી મહારાજ પણ એમાં જોડાયા હતા તે અમારે માટે વિશેષ આનંદની વાત હતી. અમારા આ કાર્યમાં વડોદરાના રામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ, લીંબડીના રામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી આદિભવાનંદજી મહારાજ તેમજ પોરબંદરના સ્વામી અવ્યયાત્માનંદજી મહારાજના શુભ આશીર્વાદ સાંપડ્યા હતા.

જામનગરના રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રના ટ્રસ્ટી ડૉ. જયેશભાઈ જોશીએ પૂજ્ય સ્વામીઓનું તથા સૌ અતિથિઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. પછી પૂજ્ય સ્વામી સર્વસ્થાનંદજીએ સદી જૂના ઇતિહાસને ઉખેડી, સને ૧૮૯૨માં સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ અને એ કાળના જામનગરના પ્રસિદ્ધ નાગરિક શંકરજી શેઠ વચ્ચેની વાતનો ઉલ્લેખ કર્યો હતો અને આજે આરંભાતા કાર્યને તેમણે આશીર્વાદ આપ્યા. સ્વામી સર્વસ્થાનંદજીએ પોતાના પ્રવચનમાં આગળ બોલતાં, આ કેન્દ્રના અધ્યક્ષ દુષ્યંત પંડ્યાની લેખન પ્રવૃત્તિને પણ બિરદાવી હતી. આશ્રમ તરફથી પ્રકાશિત થતા અનુવાદોમાં તેમનો ફાળો સારો અને ખૂબ ઝડપી છે તેમ પણ એમણે જણાવ્યું હતું.

ત્યાર બાદ સમારંભના અધ્યક્ષ અને મંદિર-પ્રાર્થનાગૃહની કોણશિલા રોપનાર સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે પોતાનું મંગલ અને ભાવસભર પ્રવચન કર્યું હતું. જામનગરના આ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રના અધ્યક્ષ દુષ્યંત પંડ્યા પ્રત્યેના તેમના સ્નેહાશીર્વાદ તથા આ કેન્દ્ર માટેની શુભેચ્છા તેમને બોલે બોલે નીતરતા હતા. શ્રી પંડ્યાના ૧૮૪૨થી કરાચીથી, શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથેના સંપર્કની વાત તેમણે કરી હતી. એમણે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સાથેના શ્રી પંડ્યાના નિકટના સંબંધનો તેમજ આશ્રમના વિવિધ ગ્રંથોના અનુવાદનો ઉલ્લેખ કરી પંડ્યા પર પોતાની સ્નેહવર્ષા કરી હતી. એમણે આ જૂના કેન્દ્રને, એ કેન્દ્ર સાથે સંકળાયેલ સૌ ભાઈબહેનોને તથા ત્યાં ઉપસ્થિત જામનગરના આગેવાન નાગરિકોને શુભ આશીર્વાદ આપ્યા હતા.

જામનગર મહાનગર પાલિકાના માનનીય અધ્યક્ષ મેયર શ્રી મનહરભાઈ ઝાલાએ આ શુભ પ્રસંગે હાજરી આપી પોતાના પ્રવચનથી સૌને પ્રોત્સાહિત કર્યા હતા અને આ કાર્યમાં સહાયરૂપ થવા વચન આપ્યું હતું. શ્રી અશોકભાઈ પંડ્યાએ આપેલા દાનની માહિતી આપી હતી.

ત્યારબાદ મહાનગર પાલિકાના માનનીય કમિશ્નર શ્રી કૌશિકભાઈ ભટ્ટ સાહેબે પોતાનો આનંદનો પ્રતિભાવ આપ્યો હતો. આ કેન્દ્રના કાર્યમાં પોતે સહાયભૂત થતાં આનંદ પામશે તેમ એમણે વચન આપ્યું હતું.

અંતમાં, કેન્દ્રના અધ્યક્ષ શ્રી દુષ્યંત પંડ્યાએ પાછલાં ૧૧૬ વર્ષોમાં કેન્દ્રના મકાન માટે થયેલા પ્રયત્નોની ટૂંક માહિતી આપી હતી. શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી સાથેના પોતાના સંબંધના સૌભાગ્યનો એમણે ઉલ્લેખ કર્યો હતો. જે વિવિધ લોકોએ આર્થિક સહાય આપી છે તથા તે સમયે મંડપમાં જાહેર કરી છે તે સૌનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો. આ મંદિર વગેરે માટે વિશાળ જમીનના દાતા શ્રી મૂળુભાઈનો તેમણે હાર્દિક આભાર માન્યો હતો. અને વિશેષે કરીને સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજનો તથા સ્વામી સર્વસ્થાનંદજીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

શ્રી મયૂર બક્ષીએ સભાસંચાલન કર્યું હતું. કેન્દ્રના મંત્રીશ્રી બળવંતસિંહ સરવૈયા, ટ્રસ્ટીઓ ડૉ. જયેશભાઈ જોશી, શ્રી સુમનભાઈ માધાણી તથા શ્રી હરસુખભાઈ મારવાડીએ તથા કેન્દ્રના બીજા સૌ સભ્યોએ જહેમત ઉઠાવી હતી અને તેને કારણે જ આ કાર્યક્રમ સુંદર રીતે પાર પડ્યો હતો. ડૉ. કે.એમ. આચાર્ય, શ્રી નટુભાઈ બદિયાણી તથા શ્રીમતી ગીતાબહેન બદિયાણી, શ્રી ઈન્દુભાઈ વોરા, શ્રી બિપિનભાઈ ઝવેરી, શ્રી ભરતભાઈ ઝવેરી, શ્રી જીતુભાઈ વ્યાસ, ડૉ. અરુણાબહેન માધાણી, શ્રી હર્ષવદનભાઈ બૂચ, શ્રી જ્યોતીન્દ્રભાઈ રિંડાણી, શ્રી મૂળવંતભાઈ પંડ્યા, શ્રી સંજયભાઈ સ્વાદિયા, શ્રી પારુલબહેન અંજારિયા, શ્રી હસમુખભાઈ વિરમગાળ, ગીતા વિદ્યાલયના અધ્યક્ષ ડૉ. કિશોરભાઈ દવે, પ્રાચાર્ય દિલીપભાઈ આશર, પ્રા. પ્રતાપભાઈ આશર, ડૉ. જગદીશભાઈ જાની, શ્રી જયંતીભાઈ જાની તથા અન્ય આગેવાન નાગરિકો ઉપસ્થિત હતાં.

ખાતમુહૂર્ત પહેલાં શ્રી અજય સરવૈયા તથા શ્રીમતી સરવૈયા, શ્રી નિર્મલ ઠાકર તથા શ્રીમતી ઠાકર; શ્રી પાર્થ પંડ્યા અને શ્રીમતી પંડ્યાએ ગણેશપૂજન કર્યું હતું. કેન્દ્રના મંત્રીશ્રી બળવંતસિંહ સરવૈયાની મહેનત અથાક હોય એની નવાઈ નથી. શ્રી હસમુખભાઈ ઠાકર, ડૉ.જોશી, શ્રી મયૂરભાઈ બક્ષી, સુમનભાઈ માધાણી, શ્રી મારવાડીભાઈ વગેરે સૌએ સાથ આપ્યો હતો.

આમ ઠાકુરના મંદિરનું સ્વપ્ન એકસો સોળ વર્ષે સાકાર થશે.

અપીલ

એકસો સોળ વર્ષના ગાળા પછી આકાર લેવા મથતા જામનગરના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રના નવા મકાનના બાંધકામમાં આર્થિક સહાય આપવા આ સામયિકના સૌ વાચકોને નમ્ર અપીલ છે. આ સેન્ટર ટ્રસ્ટને અપાતી સહાય આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કપાતને પાત્ર છે.

સહાય મોકલવાનું સરનામું
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેન્ટર ટ્રસ્ટ
C/o. ‘સન્નિધિ’,૫, પટેલ કોલોની, માર્ગ-૪
જામનગર – ૩૬૧ ૦૦૮

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.