(ગતાંકથી આગળ)

પાઠક : ભગવાનનાં દર્શન કરવાથી તો સંશયનો નાશ થાય છે પણ ઠાકુરની પાસે હંમેશા રહેવા છતાં પણ મથુરબાબુમાં આટલો બધો સંશય કેમ હતો?

ભક્ત : મથુરબાબુ હતા મા કાલીના પરમ ભક્ત, તેઓ હતા  સદા કાળના ભક્ત, જન્મ જન્માંતરના ભક્ત. આ વખતે તેઓ રામકૃષ્ણ-લીલામાં યોગદાન આપવા માટે ઠાકુરની સાથે આવ્યા હતા. એમના મનમાં કોઈ સંદેહ નહોતો. પણ જીવોને જ્ઞાન આપવા માટે ઠાકુર મથુરબાબુના મનમાં સંદેહ જગાવીને આ પ્રકારના ખેલ કરતા હતા. તેઓએ બતાવ્યું છે કે જુઓ, મનુષ્યની દુર્બળતા કેટલે દૂર સુધી રહેલી છે. ઉપરાંત તેઓ બતાવે છે કે જુઓ, મનુષ્યનું મન કેવું છે અને પછી પોતે પરીક્ષા આપીને બતાવે છે કે જોઈ લો ભગવાન કેવા છે!’ માનવ દેહમાં આવીને તેઓ કેવી લીલા કરે છે એ જુઓ! ભાઈ મનુષ્યની અંદર આ જે મન રહેલું છે ને એ ભારે અટપટી વસ્તુ છે પણ જો એ જ મન સરલ હોય તો એનાથી વધારે સારી બીજી કોઈ વસ્તુ નથી.

પાઠક : મન છે શું? આપણે મન મન એમ રોજ કહીએ છીએ પણ ખરેખર કઈ વસ્તુ છે એ કંઈ જોવામાં કે સાંભળવામાં આવતું નથી.

ભક્ત : વચ્ચે વચ્ચે તમે ઘણી જ મુશ્કેલ વાતો મૂકી દો છો, હું રહ્યો મૂરખ માણસ તમને મનની તો શું વાત કરું? તો પણ ઠાકુર જેવું બતાવે છે એ કહું છું સાંભળો.

વિલાયતી જાદુગરોમાં વિલ્સન એક ઉત્તમ જાદુગર છે. વિલ્સન બધા જ પ્રકારના જાદુ જાણે છે. પણ એકલો તો જાદુના ખેલ બતાવી શકતો નથી એટલે એણે પોતાનું જાદુ બીજાને શીખવવું પડે છે. જે લોકો એ જાદુ શીખે છે એમાંથી કોઈ કોઈ તો એવા કુશળ હોય છે કે વિલ્સનની જેમ જ નિષ્ણાંત બની જાય છે. એવી જ રીતે અહીં પણ રામકૃષ્ણદેવની એક શક્તિ છે. આ વિશ્વમાં જાદુ દેખાડવો તે એ શક્તિનું કાર્ય છે. આ શક્તિ જેને જાદુ બતાવે છે એમાં મુખ્ય શિષ્ય છે આ મન. મન જ આ શક્તિનો મુખ્ય ખેલાડી છે. મનનો ખેલ જોઈ શકવાથી કે સમજી શકવાથી તમે જગતનો ખેલ સમજી શકશો અને જોઈ શકશો.

પાઠક : આપ આને સ્પષ્ટ કરીને સમજાવો. આ તો કોયડા જેવું લાગે છે.

ભક્ત : આ મન એક સુંદર મજાની વસ્તુ છે. એનું એક કામ છે રમત કરવી. એ ફક્ત રમવાનું જ જાણે છે. દરેક મનુષ્યની અંદર, દરેક પ્રાણીની અંદર એ જુદા જુદા પ્રકારના ખેલ કરે છે. એના ખેલના પ્રકારો પણ ઘણા જ જુદા છે. તેને જોવાથી તે સહેલાઈથી સમજાતા નથી પણ તે બધા એક જ મનના ખેલ છે. આ મન છે તો એક જ, પણ જુદા જુદા ખેલ કરવા માટે તે અનેક રૂપે બન્યું છે. તેનો ખેલ અનેક જન્મોમાં પણ પૂરો થતો નથી. એક શરીરમાં જેટલો ખેલ ખેલાય છે તેટલો ખેલ કરે છે અને પછી એ શરીરનો નાશ થતાં તે પોતાની ખેલ સામગ્રી લઈને બીજા નવા શરીરમાં પ્રવેશ કરે છે. અને તે શરીરમાં ફરી પાછો ખેલ શરૂ કરે છે. મનને સૂવા માટે એક શૈયા છે. જ્યાં સુધી તે ત્યાં જઈને ઘોર સુષુપ્તિમાં સૂઈ નથી જાતું ત્યાં સુધી તેના ખેલને કોઈ વિરામ નથી. એકવાર શૈયામાં જઈને સૂઈ ગયું તો પછી ઉઠવાનું નામ નહીં.

મનનું કોઈ વિશેષ રૂપ કે સ્વભાવ નથી ને જે જે શરીરમાં ખેલ કરે છે તે તે શરીરનું રૂપ તેનું પોતાનું બની જાય છે અને તે શરીરનો સ્વભાવ પણ તેનો પોતાનો બની જાય છે. આ વસ્તુ શું છે એ બધું જોઈને, સાંભળીને સમજી લેવું પડે છે. મન શરીરની અંદર છે. પોતાની મોજ-મસ્તીમાં ખેલ કરી રહ્યું છે. પણ જો તેને પકડવાનો કે જોવાનો પ્રયત્ન કરો તો તે એવું છુપાઈ જાય છે કે ત્રણેય લોકમાં તેને શોધવા છતાં પણ તેને મેળવવું કે જોવું મુશ્કેલ બની જાય છે. આ રીતે તેનું છુપાઈ જવું તે પણ તેના ખેલનો એક ભાગ છે.

મન શરીરની અંદર સર્વવ્યાપી બનીને રહેલું છે. જાણો છો કેવી રીતે? જેમ તલની અંદર તેલ સર્વત્ર રહેલું છે બરાબર એમ જ. તમે એમ નથી કહી શકતા કે તે અમુક જગ્યાએ નથી મન જો શરીરમાંથી અથવા તો શરીરના કોઈ ભાગમાંથી નીકળી જાય તો શરીર કે શરીરનો એ ભાગ જડ બની જાય છે.

વિલ્સનના જાદુમાં ઘોડાનો ખેલ જોયો છે ને? મનનો પણ એવી જ રીતનો ઘોડાનો ખેલ છે. ઘોડા સંપૂર્ણ રીતે એના કાબુમાં હોય છે. તે જે કહે છે તે જ ઘોડા સાંભળે છે. આ મન જ જાણે ઘોડાનો પ્રાણ છે. જ્યારે ઘોડા તબેલામાં હોય છે ત્યારે તો જાણે મરેલા જેવા બની જાય છે. પણ જેવું મન એની પીઠ પર સવાર થઈને લગામ સંભાળે છે કે તેઓ જાણે ઉચ્ચૈશ્રવા ની જેમ (ઈંદ્રનો દિવ્ય ઘોડો – સમુદ્ર મંથનમાંથી નીકળેલો) વીજળી જેવી ગતિથી દોડવા લાગે છે. મનના આ ઘોડાઓ પાંચ છે. એના નામ તમે જાણો છો? તે છે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. જો એની પીઠ ઉપર મન સવાર ન થાય તો તેઓ કોઈ કામ કરી શકતાં નથી. આંખો જોઈ શકતી નથી. કાન સાંભળી શકતા નથી. નાક સૂંઘી શકતું નથી. ત્વચા સ્પર્શનો અનુભવ કરી શકતી નથી. આ ઘોડાઓનો ખેલ એ મનનો સીધો સાદો ખેલ છે. મનના બીજા પણ ઘણાં દાવ-પેચવાળા ખેલો છે. એમાંના કેટલાકની વાત કરું છું. સાંભળો-

સમુદ્રમાં જેમ અનેક પ્રકારનાં રત્નો છે, એમ મન સમુદ્રમાં પણ અનેક પ્રકારની વસ્તુઓ રહેલી છે. આ બધી વસ્તુઓનું નામ છે વિષય-જ્ઞાન. મન ઘોડાઓ ઉપર ચડીને જે કાંઈ જોઈ – સાંભળીને શીખે છે, એ બધું વિષયજ્ઞાન છે. મન આ વિષયજ્ઞાનને પોતાની અંદર રાખીને સમુદ્રની જેમ તેની સાથે એકરૂપ થઈને રહે છે. પછી જ્યારે જે વસ્તુની જરૂર હોય છે, તે શોધવા માટે પોતે જ મરજીવો બનીને પોતાની અંદર ડૂબકી લગાવે છે, અને તે વસ્તુને શોધીને બહાર લાવે છે. જ્યારે તે મરજીવાનું કામ કરે છે ત્યારે લોકો તેને ‘સ્મૃતિ’ કહીને ઓળખાવે છે. પછી પાછું એ જ મન જ્યારે સારું-ખરાબ, સત્‌-અસત્‌નો વિચાર કરવા માટે બે થઈને આપસમાં ઝગડા કરે છે અને અંતે સમાધાન કરે છે, ત્યારે લોકો તેને બુદ્ધિ કહે છે. વળી પાછું એ જ મન એક થઈને વિષયોનું સમગ્ર ચિત્ર પોતાની અંદર અંકિત કરે છે, ત્યારે લોકો તેને ચિત્ત કહે છે. અને જ્યારે તે હું – હું કરતું મદમસ્ત બનીને વિહરે છે, ત્યારે એ જ મનને અહંકાર કહેવામાં આવે છે.

મનના સાજ-શણગાર પણ અનેક પ્રકારના છે. તમે તો ‘થિયેટર’ સાથે સંકળાયેલા માણસો છો. તમે એ સારી રીતે જાણો છો કે એક જ અભિનેતા જુદા જુદા વેષ પહેરીને જુદાં જુદાં પાત્રો ભજવે છે. એ જ રીતે મન પણ જુદા જુદા વેષ ધારણ કરીને જુદા જુદા પ્રકારનો ખેલ બતાવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેનાં વસ્ત્રો પહેરીને તે જે બધાં રૂપ અને સ્વભાવ પ્રગટ કરે છે તે છે આસુરિક રૂપ અને સ્વભાવ, પણ આ સઘળાં રૂપ અને સ્વભાવને છોડીને જ્યારે તે ઈશ્વર – આરાધનામાં પ્રવૃત્ત બને છે, ત્યારે એ જ મન દેવમૂર્તિ બની જાય છે. મનની આસુરિક મૂર્તિ દેહધારીની પરમ શત્રુ છે અને દેવમૂર્તિ તેની પરમબંધુ છે. મનનું આસુરિક રૂપ મલિન રૂપ છે, અને તે જીવને બાંધે છે. જ્યારે મનનું દેવરૂપ શુદ્ધ રૂપ છે, તે જીવને મુક્ત કરે છે. મલિનાવસ્થામાં મનનો સ્વભાવ કેવો હોય છે, તે તમે જાણો છો? – ઠાકુર કહેતા હતા કે – બરાબર કૂતરાની પૂંછડી જેવો. હમણાં ખેંચી તો સીધી બની ગઈ. પણ જેવી છોડી દીધી કે પાછી વાંકી ને વાંકી. મનની પણ બે અવસ્થા છે. મલિન-શુદ્ધ. મલિન અવસ્થામાં મન પર વિશ્વાસ રાખી શકાતો નથી. શુદ્ધ અવસ્થામાં જો તેને ઈશ્વરનાં ચરણકમલમાં બાંધીને રાખી દીધું હોય તો તો તે ખૂબ જ સારું રહે છે. નહીંતર સંસારમાં તેને છોડી દેવાથી તે પાછું મલિન અવસ્થામાં જઈ પડે છે. ઠાકુર કહેતા હતા કે, ‘હાથીને નવડાવ્યા – ધોવડાવ્યા પછી તેને હાથીખાનામાં લઈ જઈને બાંધી દેવામાં આવે તો જ તે સ્વચ્છ રહે છે. પણ જો તેને ખુલ્લો છોડી દેવામાં આવે તો તે ફરીથી પોતાના શરીરમાં ધૂળ રગડીને પહેલાંની જેવો જ ગંદો બની જાય છે. શુદ્ધ અવસ્થામાં મનનું નામ પછી મન નથી રહેતું, પણ પછી તેને કહે છે, ચૈતન્ય. ચૈતન્ય બનવાથી પછી તે એ ચૈતન્યમયનો સાક્ષાત્કાર કરે છે, કે જેની ચેતનતાથી સમગ્ર વિશ્વ ચૈતન્યમય બન્યું છે. પછી તે નીચે ઉતરીને બદમાશી કરતું નથી.

મનનો એક સ્વભાવ છે, – તમે તેને જ્યાં રાખશો, તે સમયે તે તેના જેવું બની જાય છે. જો તમે તેને જડની સાથે રાખશો તો તે જડ થઈને રહેશે અને જો તમે તેને ચૈતન્યની સાથે રાખશો તો તે ચૈતન્ય થઈને રહેશે – જેમ તમે અંગારાને રાખમાં રાખો તો તે રાખ બની જશે અને તેને આગમાં રાખો તો આગ બની જશે, મનનું પણ બરાબર એવું જ છે.

જેવી રીતે તારને ઝણઝણાવવાથી તેમાં જુદા જુદા પ્રકારના સૂરો નીકળે છે. એ જ રીતે મન પોતે જ પોતાના ઉપર ઝંકાર કરીને જુદા જુદા પ્રકારના સૂરોમાં ગાય છે. મનુષ્યનું શરીર જ મનની વાણી છે. શરીરના ચાર પ્રકાર છે. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. જ્યારે મન સ્થૂલ શરીરમાં ખેલ કરે છે, ત્યારે કામ-કાંચનની પાછળ દોડતું ફરે છે. એ વખતે કામ-કાંચન સિવાય કોઈ બીજી વસ્તુઓ પણ રહેલી છે, એનો એને વિચાર સરખો ય આવતો નથી. ત્યારે તે ખાવું-પીવું, સૂવું અને ઈંદ્રિયોના ભોગ ભોગવવામાં જ ડૂબેલું રહે છે, એ સિવાય જાણે તે બીજું કંઈ જાણતું જ નથી.

જ્યારે મન સૂક્ષ્મ શરીરમાં ખેલ કરે છે, ત્યારે શરીર ધારણ કરનાર જીવ શરીરમાં ઉષ્માનો અનુભવ કરે છે. તે તે સમયે મનના ખેલને જોઈ શકે છે. તે મનની સાથે લડાઈ કરી શકે છે. લડાઈ કરતાં કરતાં ક્યારેક તે હારી જાય છે, તો ક્યારેક જીતે છે. મન જીવને પોતાને બતાવીને તેની સાથે લડાઈ કરવામાં મઝા માણતું હોય છે.

કારણ – શરીરમાં મન સંયત અને શાંત બનીને રહે છે. અને જીવને ઈશ્વરદર્શનના આનંદનો અનુભવ કરાવે છે. મહાકારણમાં તે પોતે સુષુપ્ત થઈને જીવને નિદ્રામાં મૂકી દે છે. આ નિદ્રામાં મન પોતાનાં રૂપ, ગુણ, રંગને ખોઈને જીવને પરમ શાંતિની અવસ્થામાં પહોંચાડી દે છે.

આને સારી રીતે સમજાવતાં કહું છું, સાંભળો – સિતારમાં જેમ સોળ પડદા હોય છે. અને પ્રત્યેક પડદામાંથી અલગ અલગ સ્વર નીકળે છે. એ જ રીતે દેહરૂપી સિતારના સાત પડદા છે. મન એમાંના દરેક પડદામાં જુદા જુદા સ્વરોમાં ગાતું ફરે છે. પરમહંસદેવ કહેતા હતા કે શરૂઆતના ત્રણ પડદામાં ખામી એ છે કે મન જ્યારે આ પડદા પર હોય છે, ત્યારે તે જીવને એકદમ બેસૂરો બનાવી દે છે. ત્યારે જીવનું લક્ષ્ય આહાર, નિદ્રા અને માત્ર ઈંદ્રિય સુખ જ હોય છે. જીવ કામ-કાંચનને જ સર્વસ્વ માનીને ભાન ભૂલીને પડ્યું રહે છે. મન જ્યારે ચોથા પડદા ઉપર હોય છે, ત્યારે જીવની નિદ્રા તૂટી જાય છે ને થોડીવારમાં પાછી આવે છે. થોડીકવાર નિદ્રામાં સરી પડે છે, ને ફરી જાગે છે, ત્યારે તે ચોંકી ઊઠે છે. હવે તે જાણી શકે છે, કે કામ-કાંચનને છોડીને આનંદ મેળવવાની બીજી વસ્તુઓ પણ છે. આ તો છે ચૈતન્યનું ઘર. અહીંથી જ જીવને ઈશ્વરના રાજ્યનો આભાસ મળે છે. આ આભાસ પહેલાં તો વીજળીના ઝબકારા જેવો ક્ષણિક હોય છે. એ પછી ભાન ભૂલીને સૂઈ જવાનું તેના માટે હોતું નથી. આ અવસ્થામાં થોડા દિવસ વધુ રહેવાથી તેનું શરીર વધારે ચૈતન્યમય બની જાય છે. પહેલાં ઈશ્વરના રાજ્યનો જે આભાસ મળ્યો હતો, તે ઝબકારા જેવો ઝબુક ઝબુક હતો. પણ હવે તે પ્રકાશમય જણાય છે. પણ મનની ચંચળતા અને સ્થિરતામાં કોઈ વિશેષ અંતર નથી રહેતું, એટલે તે ભગવત્કથામાં એકાગ્રચિત્ત બનીને રહી શકતું નથી. તે માખીની જેમ કંદોઈની દુકાને મિઠાઈના થાળ પર પણ બેસે છે, અને તે મહેતરની વિષ્ટાની ટોપલી પર પણ જઈ બેસે છે. પણ પાંચમા પડદા પર જેવું મન આવે છે. ત્યારે જીવનો પૂર્વ સ્વભાવ લગભગ બદલાઈ જાય છે. હવે તેને જોતાં તે પહેલાંનો મનુષ્ય નથી જણાતો.

(ક્રમશ:)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.