(ફેબ્રુ.૦૮થી આગળ)

સ્વામીજીનો મદ્રાસથી લખેલો પત્ર

મદ્રાસ
૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૩

મહારાજ,

હું આપને બે વાત સુચિત કરી રહ્યો છું – પહેલી કુંભકોણમ ગામમાં જોયેલી એક ઘણી વિચિત્ર ઘટના છે અને બીજી વાત મારા પોતાના વિશેની છે.

ઉપર્યુક્ત ગામમાં ચેટ્ટી જાતિની એક વ્યક્તિ રહે છે. એને સામાન્ય રીતે લોકો ભવિષ્યવેત્તા માને છે. બીજા બે યુવકો સાથે હું એમને મળવા ગયો. તે મનુષ્યના મનની કોઈ પણ વાત બતાવી દે છે એ વાત જાણીતી હતી એટલે હું પણ એની પરીક્ષા કરવા ઇચ્છતો હતો. બે માસ પહેલાં મેં મારા સ્વપ્નમાં જોયું કે મારાં માતાનું અવસાન થયું છે અને હું એમને વિશે ઘણો ચિંતિત હતો. મારા ગુરુદેવે (મારા વિશે) જે કંઈ બતાવ્યું હતું, એ બધું ખરેખર સાચું છે, આ મારી બીજી જિજ્ઞાસા હતી. અને તિબ્બતી ભાષામાં એક બૌદ્ધમંત્રના અંશના રૂપે મારો ત્રીજો પ્રશ્ન એની પરીક્ષા માટે હતો. આ ગોવિંદ ચેટ્ટીની પાસે જતાં અગાઉ બે દિવસ પહેલાં જ મેં આ પ્રશ્નો નિર્ધારિત કરી લીધા હતા, (મારી સાથેના) એક અન્ય યુવકની ભાભીને કોઈ (અજ્ઞાત વ્યક્તિ)એ ઝેર આપી દીધું હતું. એનાથી તે બચી ગઈ હતી, પરંતુ આ દુષ્કર્મ કોણે કર્યું છે, તે વાત એ જાણવા ઇચ્છતો હતો. અમારી મુલાકાત થતાં પહેલાં તો એ વ્યક્તિ ઠીક ઠીક નારાજ જણાયો. તેણે કહ્યું કે મૈસૂરના દીવાનને સાથે લઈને કેટલાક યુરોપિયન લોકો તેને મળવા આવ્યા હતા. ત્યારથી એ લોકોની દોષદૃષ્ટિને કારણે એને તાવ આવી ગયો છે અને આ કારણને લીધે અમારી સાથે તે બેઠક કરી શકશે નહિ, પણ જો અમે દસ રૂપિયા દેવા રાજી થઈએ તો તે અમારા પ્રશ્નના ઉત્તર આપવા તૈયાર છે. મારી સાથે આવેલ યુવક એની ફી દેવા તૈયાર હતો. તે પોતાના ઓરડામાં ગયો અને તત્કાલ આવીને કહ્યું કે જો હું એના તાવને ઉતારવા માટે થોડી ભભૂત આપું તો તે અમારી સાથે બેસવા તૈયાર છે. મેં એને દર્શાવ્યું કે મારામાં બીમારીઓને દૂર કરવાની ક્ષમતા નથી. પરંતુ તેણે કહ્યું: ‘કાંઈ વાંધો નહિ, બસ, મને ભસ્મ આપી દો.’ મારી સહમતિ પછી તે અમને પોતાના ઓરડામાં લઈ ગયો. એણે એક કાગળ પર થોડું લખ્યા પછી અમારામાંથી એકને આપીને એના પર મારા હસ્તાક્ષર કરાવ્યા અને તેને મારા એક સાથીના ખિસ્સામાં રખાવી દીધો. ત્યાર પછી તે સીધો મારી સન્મુખ થઈને કહેવા લાગ્યો: ‘એક સંન્યાસી થઈને પણ આપ શા માટે તમારા માતા વિશે ચિંતા કરો છો?’ ઉત્તરમાં મેં કહ્યું કે મહાન શંકરાચાર્યે પણ પોતાના માતાના કુશળ-અંતર પૂછ્યા હતા. ત્યારે તેણે કહ્યું: ‘તેઓ સકુશળ છે અને મેં એમનું નામ આપના મિત્રની પાસે રાખેલા કાગળ પર લખી દીધું છે.’ ત્યાર પછી તે કહેવા લાગ્યો: ‘આપના ગુરુનો દેહાંત થઈ ગયો છે. એમણે આપને જે કંઈ બતાવ્યું છે, એમાં આપે શ્રદ્ધા રાખવી જોઈએ, કારણ કે તેઓ એક ઘણા મહાન વ્યક્તિ હતા.’ અને તે એમનું અત્યંત અદ્‌ભુત રીતે વર્ણન કરવા લાગ્યો. અને ત્યાર પછી તેણે કહ્યું: ‘તમારા પોતાના ગુરુદેવ વિશે આપ વધુ શું જાણવા માગો છો?’ મેં કહ્યું: ‘જો આપ એમનું નામ બતાવી દો તો મને ઘણો સંતોષ થશે.’ તેણે પૂછ્યું: ‘કયું નામ? સંન્યાસીને તો કેટલાંય નામ હોય છે.’ મેં કહ્યું: ‘જેના દ્વારા તેઓ લોકોમાં વિખ્યાત બન્યા હતા તે નામ કહો.’ તેણે કહ્યું: ‘એ અદ્‌ભુત નામ મેં પહેલેથી જ લખી દીધું છે અને આપ તિબ્બતી ભાષામાંના એક મંત્ર વિશે જાણવા ઇચ્છતા હતા, તે પણ એ કાગળમાં છે.’ ત્યાર પછી એણે મને કોઈ પણ ભાષામાં કંઈ પણ વિચારીને બતાવવા કહ્યું. મેં કહ્યું: ‘ૐ નમો ભગવતે વાસુદેવાય.’ તે બોલ્યો: ‘એ પણ આપના મિત્રની પાસે રાખેલા કાગળ પર લખેલું છે. હવે એને કાઢીને જોઈલો.’ અને ઘણી અદ્‌ભુત વાત હતી. એણે જે કહ્યું હતું એ બધું તે (કાગળ)માં હતું. મારા માતાનું નામ સુધ્ધાં હતું. એમાં લખ્યું હતું – આપનાં અમુક નામવાળા માતા સકુશળ છે. તેઓ અત્યંત પવિત્ર અને ભલાં છે. પરંતુ આપના વિયોગમાં મૃત્યુ જેવી પીડા ભોગવે છે. બે વર્ષમાં એમનો દેહાંત થઈ જશે. અત: જો આપ એમને મળવા ઇચ્છતા હો તો બે વર્ષની અંદર જ એમ કરવું પડશે.

ત્યાર પછી આગળ લખ્યું હતું – આપના ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસનું દેહાવસાન થઈ ચૂક્યું છે, પરંતુ તેઓ સૂક્ષ્મ શરીરે અત્યારે પણ વિદ્યમાન છે તથા આપની સાર-સંભાળ લે છે, વગેરે વગેરે. ત્યાર પછી તિબ્બતી ભાષામાં લખ્યું હતું, ‘લામાલા કૈપ્સેચુઆ’. ત્યાર બાદ અંતે લખ્યું હતું : ‘મેં જે કંઈ લખ્યું છે તેના સત્યાપન માટે હું એ મંત્ર પણ આપું છું, એ આપ મારા લખ્યા પછીના એક કલાક બાદ બતાવશો – ૐ નમો ભગવતે વાસુદેવાય.’ વગેરે. આ રીતે તે મારા મિત્ર સાથે પણ સફળ થયા.

ત્યાર પછી મેં જોયું કે દૂરસુદૂરના ગામથી લોકો આવે છે અને તે એમને જોતાં જ કહે છે : ‘આપનું નામ અમુક છે અને આપ ફલાણા ગામથી અમુક ઉદ્દેશ સાથે આવ્યા છો.’ મારા મનની વાતો વાંચતાં વાંચતાં તે ઠીક ઠીક પ્રમાણમાં નરમ થઈ ગયો અને કહ્યું: ‘હું આપની પાસેથી પૈસા નહિ લઉં. પરંતુ આપે જ મારી પાસેથી કંઈક ‘સેવા’ સ્વીકારવી પડશે.’ મેં એના ઘરમાં થોડું દૂધ લીધું. તે પોતાના સમગ્ર પરિવારને મને પ્રણામ કરાવવા લઈ આવ્યો અને મેં એણે લાવેલી થોડી ‘વિભૂતિ’ને સ્પર્શ કર્યો. ત્યાર પછી એની આ અદ્‌ભુત શક્તિનું રહસ્ય પૂછ્યું. પહેલાં તો એ કંઈ કહેવા રાજી ન થયો. પરંતુ થોડીવાર પછી તેણે આવીને કહ્યું: ‘મહારાજ, આ દેવી સહાયતાથી ‘મંત્રસિદ્ધિ’ દ્વારા થાય છે.’ ખરેખર જ જેમ શેક્સપિયરે કહ્યું છે : ‘ધરતી અને આકાશમાં એવી અનેક વસ્તુઓ છે, જેમની કલ્પના તમારાં દર્શન શાસ્ત્ર સુધ્ધાં કરી શક્યાં નથી.’ (આ ઘટનાનું અન્ય વિવરણ વિવેકાનંદ સાહિત્ય, ખંડ-૬ પૃ.૭૦ અને બંગાળીમાં વિવેકાનંદ સ્વામીજીર્‌ જીવનેર્‌ ઘટનાવલિ, મહેન્દ્રનાથ દત્ત, ભાગ-૨, પૃ.૨૦૪-૨૦૮ તેમજ બંગાળી ગ્રંથ ‘વિવેકાનંદ ઓ સમકાલીન ભારતવાસી’, ૧૯૭૭, ખંડ-૧, પૃ.૧૧૯-૨૦ ની પાદટીપ)

બીજી વાત મારા પોતાના વિશેની છે. રામનદના એક જમીનદાર અહીં મદ્રાસમાં રોકાયા હતા. તેઓ મને યુરોપ મોકલવાના છે અને જેમ તમે જાણો છો તેમ મને પણ એ સ્થાન જોવાની ઘણી ઇચ્છા છે. એટલે મેં યુરોપ તથા અમેરિકાના પ્રવાસે જવા માટે આ તકનો ઉપયોગ કરવાનો નિશ્ચય કર્યો છે. પરંતુ મહારાજ, આ ધરતી પર આપ જ મારા એકમાત્ર મિત્ર છો અને આપને પૂછ્યા વિના કંઈ પણ કરી શકતો નથી. એટલે કૃપા કરીને આ વિશે મને આપનો અભિમત બતાવજો. હું આ સ્થળોનો એક નાનો એવો પ્રવાસ કરવા ઇચ્છું છું. એક બાબતમાં હું નિશ્ચિત છું અને તે એ છે કે હું એક પવિત્ર એવી ઉચ્ચતર શક્તિના હાથનું યંત્ર છું. જ્યાં સુધી મારો સવાલ છે, મને શાંતિ નથી, જ્યાં ક્યાંય પણ હું જાઉં છું સેંકડો લોકો અને મદ્રાસ વગેરેમાં ક્યાંક ક્યાંક હજારો લોકો દિવસરાત મારી પાસે આવે છે અને પોતાનાં સંશય તથા નાસ્તિકતાથી મુક્ત થાય છે, પરંતુ હું! હું સદૈવ દુ:ખોપભોગ જ કરું છું!! એટલે મને એ ખબર નથી કે આ શક્તિ યુરોપમાં મારી પાસે શું કરાવવા ઇચ્છે છે. હું આજ્ઞા પાલન કરવા લાચાર છું. ‘જે કંઈ થશે એમની જ ઇચ્છાથી થશે!!’ બચવાનો કોઈ ઉપાય નથી. મહારાજ, પુત્ર તથા ઉત્તરાધિકારીના જન્મ પર હું આપને વધામણી પાઠવું છું. અને પ્રાર્થના કરું છું કે નવજાત કુમાર પોતાના પરમ સજ્જન પિતા જેવા જ બને અને પ્રભુ સદા-સર્વદા એના પર તથા એનાં માતપિતા પર આશિષો વરસાવતાં રહે. એટલે બે કે ત્રણ સપ્તાહમાં હું યુરોપ જઈ રહ્યો છું. મારા પોતાના આ દેહના ભવિષ્ય વિશે હું કંઈ કહી શકતો નથી. મહારાજ પાસે મારી એટલી જ પ્રાર્થના છે કે જો તમને યોગ્ય લાગે તો મારાં માતાનો થોડો ખ્યાલ રાખજો કે જેથી તેઓ ભૂખના દુ:ખે દુ:ખી ન થાય. સત્વરે ઉત્તર મેળવીને હું ઘણો આભારી થઈશ અને મહારાજ પાસે મારો અનુરોધ છે કે આ પત્રનો ઉત્તરાર્ધ તથા મારા ઈંગ્લેન્ડ જવાની વાતને ગોપનીય રાખે. આપ તથા આપનો પરિવાર આજીવન ધન્ય બનો, દિવસરાત હું એ જ પ્રાર્થના કરતો રહું છું.                        

સચ્ચિદાનંદ દ્વારા એમ. ભટ્ટાચાર્ય એસ્ક્વાયર
ઉપમહાલેખાધિકારી, માઉન્ટ સેંટ થામસ, મદ્રાસ (એ દિવસોમાં સ્વામીજીએ ‘સચ્ચિદાનંદ’ નામ ધારણ કર્યું હતું.)

ઉપરોક્ત પત્ર પરથી આપણે આ પ્રમાણે નિષ્કર્ષ કાઢી શકીએ. (૧) ૧૫ ફેબ્રુઆરીના રોજ સ્વામીજી મદ્રાસમાં હતા અને માર્ચના બીજા સપ્તાહમાં યુરોપ જવા માટેની તૈયારી કરતા હતા. (૨) ૨૧ ફેબ્રુઆરીના રોજ સ્વામીજીએ હૈદરાબાદથી લખેલા પત્રની તારીખ સાચી છે. પરંતુ એ પત્ર પરથી એવું પ્રતીત થાય છે કે ૨૦ ફેબ્રુઆરીના રોજ તેઓ હૈદરાબાદ પહોંચ્યા. અત: કાલીચરણ ચેટર્જીએ લખેલ અથવા સ્વામીજીની જીવનકથામાં વર્ણવેલ હૈદરાબાદના પ્રસંગની તારીખોને દસ દિવસ આગળ – ૨૦ થી ૨૭ ફેબ્રુઆરી સુધી વધારવી પડે. (સંભવત: કાલીબાબુના હસ્તલેખની અસ્પષ્ટતાને લીધે ૨ના આંકડાને ૧ વંચાઈ ગયો હતો.) આ પત્ર પરથી એટલું જાણવા મળે છે કે સ્વામીજીનો પછીના બે-ત્રણ સપ્તાહની અંદર જ ઈંગ્લેન્ડ તથા અમેરિકા માટે પ્રસ્થાન કરવાનો ઈરાદો હતો. એમને રામકૃષ્ણદેવ પાસેથી જે સંકેત મળ્યો હતો – પાશ્ચાત્ય દેશોમાં જવાનો – એટલે સંભવત: એમનો વિચાર એવો હતો કે પહેલાં ઈંગ્લેન્ડ જઈને થોડા મહિના ત્યાંના લોકો સાથે હળીમળીને પ્રચાર-પ્રસાર કર્યા પછી સપ્ટેમ્બરમાં શિકાગોની વિશ્વધર્મપરિષદના પ્રારંભ પૂર્વે જ અમેરિકા પહોંચી જવું. પરંતુ આપણે આગળ જોઈશું તેમ રામનદના મહારાજા દ્વારા યાત્રાનો ખર્ચ દેવામાં ખચકાટ અને ખેતડી નરેશ અજિતસિંહના અંગત સચીવ જગમોહન લાલના આવી પહોંચવાને કારણે સ્વામીજીને પોતાની સંપૂર્ણ કાર્યયોજનામાં પરિવર્તન કરીને ઈંગ્લેન્ડ જવાની યોજનાને સ્થગિત કરવી પડી. તેઓ અંતે ૩૧ મેના રોજ સીધા અમેરિકા જવા રવાના થયા.

સ્વામીજીનો ૧૫ ફેબ્રુઆરીનો આ પત્ર રાજા સાહેબને એક અઠવાડિયામાં જ મળી ગયો હશે અને હવે પછી આપણે જોઈશું કે એમણે તત્કાળ પોતાના અંગત સચિવ મુનશી જગમોહનલાલને સ્વામીજીને વિનંતી કરીને ખેતડી લાવવા માટે મદ્રાસ મોકલી દીધા. તેઓ એ માસના અંતે ત્યાં પહોંચી ગયા હતા.

મન્મથનાથ ભટ્ટાચાર્ય (૧૮૬૩-૧૯૦૮)

જે ભટ્ટાચાર્ય મહોદય સાથે સ્વામીજીની ત્રિવેન્દ્રમમાં મુલાકાત થઈ હતી અને જેમની સાથે તેઓ ત્યારથી મદ્રાસ સુધી લગભગ ૪ મહિના રહ્યા હતા. એમનો સંક્ષિપ્ત પરિચય આપણે જોઈએ.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના ઉત્તરાધિકારી રૂપે ૧૮૭૭ થી ૧૮૯૫ સુધી કોલકાતાના સંસ્કૃત કોલેજના પ્રાચાર્ય પદને શોભાયમાન કરનારા મહામહોપાધ્યાય મહેશચંદ્ર ન્યાયરત્ન એમના પિતા હતા. ત્રણ ભાઈ અને એક બહેનમાં મન્મથનાથ સૌથી મોટા હતા બાકીનાં ક્રમશ: મણીન્દ્રનાથ, મહિમાનંદ અને બહેન મનોરમા હતાં. મન્મથનાથે સંસ્કૃત કોલેજમાંથી વિદ્યારત્નની ઉપાધિ સાથે બી.એ. પાસ કર્યું હતું અને પ્રેસિડન્સી કોલેજમાંથી ગણિત વિષયમાં એમ.એ. થયા હતા. સંભવત: કોલેજના કાળથી જ એમનો સ્વામીજી સાથે પરિચય હતો. ૧૮૮૫માં તેઓ કોલકાતામાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ બન્યા. ત્યાર પછી મદ્રાસ, લાહોર, રંગૂન, શિલોંગ અને નાગપુર વગેરે સ્થળોમાં એ જ પદ પર રહ્યા. ૧૯૦૮માં એક ભારતીય રૂપે પહેલીવાર એમને પંજાબના એકાઉન્ટન્ટ જનરલ બનાવવામાં આવ્યા. એમનાં પત્નીનું નામ થાકમણિદેવી અને પુત્રીનું નામ સરમા (૧૮૮૫ થી ૧૯૪૭) હતું. એમ કહેવાય છે કે સ્વામીજીએ કન્યાકુમારીમાં આઠ વર્ષની આ બાલિકાની દેવીના રૂપે કુમારીકાપૂજા કરી હતી. સર વિલિયમ હંટર દ્વારા લિખિત ‘ભારતવર્ષનો સંક્ષિપ્ત ઇતિહાસ’નો એમણે બંગાળીમાં અનુવાદ કર્યો હતો. આ પુસ્તકનાં અનેક સંસ્કરણ પ્રકાશિત થયાં હતાં. ૧૮૯૮માં એમણે બેલૂર મઠ આવીને સ્વામીજીની મુલાકાત લીધી હતી. ૬ ડિસેમ્બર, ૧૯૦૦ના દિવસે મુંબઈથી કોલકાતાની યાત્રા દરમિયાન સંજોગવશાત્‌ એમની મુલાકાત સ્વામીજી સાથે ટ્રેઈનમાં થઈ ગઈ અને એક સાથે તેમણે યાત્રા થઈ હતી. (યુગનાયક વિવેકાનંદ, ભાગ-૩, પૃ.૩૦૭)

(ક્રમશ:)

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.