(ગતાંકથી આગળ)

બેલૂર મઠ, ૨૧-૩-૬૨

સાંજના દર્શનાર્થીઓ માટેનો સમય થઈ ગયો. પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) બીજા માળના ગંગાભિમુખ વરંડામાં આવીને બેઠા. ભાગીરથીનું નયનાભિરામ દૃશ્ય જોઈને પોતાની નજીકના સેવકસાધુને કહ્યું:

‘નૌકાનો નાવિક મજબૂત હાથે શઢને પકડીને યાત્રીઓને નદી પાર લઈ જાય છે. યાત્રીઓ નિશ્ચિંત મને નૌકામાં બેઠા હોય છે. એમને ક્યાંય ભયચિંતા નથી. એમનો તો એટલો વિશ્વાસ છે કે જળવૃષ્ટિ થાય કે પાણીનું તોફાન આવે તો આ નાવિક બધાને સંભાળી લેશે. એવી જ રીતે તેઓ (શ્રીઠાકુર) જીવન રૂપી નૌકાનો શઢ પકડીને આશ્રિતોને ભવપાર લઈ જાય છે.

અમે એમના આશરે રહ્યા છીએ. તેમણે પોતે જ શઢ પકડી રાખ્યો છે. એટલે જ અમે તો નિશ્ચિંત અને નિર્ભય છીએ. મુશ્કેલીઓ કે વિઘ્ન ગમે તેટલાં આવે તેઓ બરાબર જીવનનદીની પાર લઈ જશે.’

દર્શનાર્થીઓ નીચે રાહ જોઈ રહ્યા હતા. એક સહાયકે ઈશારો કરતાં ભક્ત લોકો બીજે માળે આવીને પરમાધ્યક્ષશ્રીનાં ચરણે બેસી ગયા. તેમણે બધાના કલ્યાણ માટે વાત કરતાં કહ્યું:

‘બીજા બધાં કાર્ય કરવા માટે આપણને ઘણો બધો સમય મળી રહે છે, મુખે માત્ર ‘સંસારમાં હવે રહેવાતું નથી, હવે વધુ રહેવાતું નથી’ એમ બોલવા છતાં સંસાર યાત્રા સારી ચાલે છે. માત્ર એમને પોકારવામાં સમયનો અભાવ રહે છે. સાંસારિક સફળતા માટે પ્રાણપણે પરિશ્રમ કરીએ છીએ, દુનિયાનું સર્વ કંઈ પોતાના પ્રયત્નથી જ થતું રહે છે. પણ ભજન વેળાએ ચિંતા રહે છે એમણે સુયોગ ન રચી આપ્યો તો પછી એમને કેમ પોકારવા? છટકવાના કેટકેટલા ઉપાય કે બહાના કાઢીએ છીએ!’

બેલૂર મઠ, ૨૨-૩-૬૨

બપોર પછી પરમાધ્યક્ષ મહારાજશ્રી બીજા માળના વરંડામાં દર્શન આપે છે. એક મહિલા પોતાની બાલિકાને લક્ષ્યમાં લઈને અત્યંત લાગણીપૂર્વક ફરિયાદ કરે છે: ‘આ કોઈની સામે માથું નમાવતી નથી. અમને મમ્મી, ડેડી એમ કહીને સંબોધે છે.’

પરમાધ્યક્ષશ્રીએ કહ્યું: ‘તમે તો એમ.એ. થયાં છો. એને કોન્વેન્ટ સ્કૂલમાં શા માટે ભણવા મોકલી? ભૂલ એની નથી, ભૂલ તો છે તમારી. એ તો બાળક છે, જેવું વાતાવરણ મળે એવો ભાવ એ સહજ રીતે સ્વીકારે છે. તમે બીજાનાં સંતાનોને ભણાવીને પૈસા રળો છો અને તમારા એકમાત્ર સંતાનને તમે વિલાયતી સ્કૂલમાં દાખલ કરી દીધું!

આ તો એક માનું કામ ન થયું. આપણી પોતાની ભાવધારાથી વંચિત કરીને એને દૂર રાખી દીધી! તમારી પાસેથી થોડુંઘણુંયે શીખવાનો અવસર એને ન મળ્યો! એને બીચારીને શું કામ દોષો છો!

તમે એક સાચી માની જેમ મા બનશો તો આ દેશ ફરીથી જાગશે. એક પિતા કરતાં માતાની જવાબદારી વધારે છે. બધા શું ઘરસંસાર છોડીને સંન્યાસી બનવાના છે? જે જે સ્થળે હોય એ સ્થળેથી પોતપોતાનાં કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજાવે તો જીવન સાર્થક થાય.’ (મહારાજશ્રીનું મુખ ગંભીર બની ગયું. થોડીક ક્ષણ શાંત રહીને પછી કહ્યું:)

‘આજકાલ શાળાકોલેજમાં ભણીને છોકરા-છોકરીઓનો મનોભાવ બીજી જ રીતે તૈયાર થઈ રહ્યો છે. જે શિક્ષણ પોતાની જાતિની વિશિષ્ટતાને ભૂલી જાય એનું પરિણામ ક્યારેય શુભ ન હોઈ શકે.

અમે માનું ધાવણ ધાવીને મોટા થયા છીએ. પહેલાં બાળકને સરસવનું તેલ શરીરે લગાવીને તુલસીના છોડ નીચે હળવા સૂર્ય તાપમાં સુવાડી દેતા. અત્યારનાં છોકરાં કરતાં આવાં બાળકોનું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેતું. આજે તો બધું વિપરીત જ જોવા મળે છે. બાળકને મા સ્તનપાન પણ કરાવતી નથી! આ રીતે તેઓ માતૃવાત્સલ્યથી વંચિત રહે છે. બાળકનાં દેહમનનાં પોષણ માટે આનું સવિશેષ પ્રયોજન છે. બાળકને ગમે તેટલાં સુખ અને લાલનપાલન ભલે આપો, પણ માના ખોળાની હૂંફથી દૂર રહેવાથી બાળકોનાં દેહમન સારી રીતે ઘડાતાં નથી. નાનું બાળક મુખે તો કંઈ પ્રગટ કરી શકતું નથી પણ અંતરમાં તો એ હરપળે ભયંકર અભાવ અનુભવે છે. આ રીતે માના કર્તવ્યમાં વધારે પ્રમાણમાં ઉપેક્ષા જોવા મળે છે. એનાથી સમાજને ઘણું મોટું નુકસાન થાય છે. એટલે જ આ વિશે માતાઓએ સવિશેષ ચિંતા સેવવી જોઈએ.

બેલૂર મઠ, ૨૩-૩-૬૨

સવારનો સમય.

મહારાજ : ‘તમને તો ઘણા દિવસ પછી જોયા. કહો, કેમ છો?’

ભક્ત : ‘મનમાં શાંતિ નથી, મહારાજ.’

મહારાજ : ‘એ શું વળી; શાંતિનો ખજાનો તો હૃદયમાં રાખીને ભમો છો. તો પછી શાંતિ કેમ રહેતી નથી? તમને કેવા મોટા મહાપુરુષ (રાજા મહારાજ)ની કૃપા મળી છે, એ કંઈ જેવા તેવા ન હતા, તેઓ તો ઠાકુરના સાક્ષાત્‌ માનસપુત્ર હતા; ઈશ્વરકોટિ. આવો દીનભાવ તમને છાજતો નથી. લોકો શું કહેશે?’

ભક્ત : ‘હાજી, મહારાજ. હું તો બીજા કોઈને આવું કહેતો નથી, બહુ ઓછા લોકો આ વાત જાણે છે.’

મહારાજ : ‘કાલીનો ભક્ત, જીવન્મુક્ત છે, સદા આનંદમય છે. આવો ભાવ અંતરમાં લાવવો, હરપળે હૃદયમાં આવો ભાવ જાગતો રાખવો. નિરાનંદભાવને એકબાજુએ ફેંકી દો. આપણે તો શ્રીમા જગદંબાના સંતાન, સદાનંદમયીના સંતાન છીએ. તો પછી અમારામાં દુ:ખ ક્યાંથી હોય? દીનતા ક્યાંથી હોય?’ મનમાં અવસાદને ક્યારેય આવવા ન દેવો!’

પરમાધ્યક્ષશ્રીની આનંદવાણી સાંભળીને નિરાભિમાની જૂના ભક્ત હર્ષોન્મિત થઈ ગયા.

બેલુર મઠ, ૨૫-૩-૬૨

તુલસી જબ જગ મેં આયે, જગ હસે તુમ રોઈ
ઐસી કરની કર ચલો કિ તુમ હસે જગ રોઈ

તુલસી દાસે પોતે કહ્યું છે : ‘હે તુલસી, તારા જન્મ સમયે તું રડતો હતો અને તમારા ઘરના અને પાડોશીઓ બધાં આનંદ માણતાં હતાં. આ વખતે આ દુર્લભ મનુષ્યદેહ પામીને એવાં બધાં કાર્ય કરો કે જેથી અંતિમ દિને તમે હસતાં હસતાં જગત છોડી દો અને જગતના લોકો એ દિવસે તમારા માટે આંસું વહાવતાં રહે.’

આવા જ ભાવે પ્રાત: સ્મરણીય મહાપુરુષો ચાલ્યા ગયા છે આ જગતમાં અક્ષયકીર્તિ રાખીને. સ્વામીજીએ કહ્યું છે કે જગતમાં આવ્યા છો તો તમે કંઈક નિશાની રાખીને જાઓ. એટલે એ મહાપુરુષોના મહાન આદર્શને નજરસમક્ષ રાખીને આપણે બધાએ આગળ વધવું પડશે.

બેલુર મઠ, ૨૯-૩-૬૨

(પ્રણત બ્રહ્મચારીવૃંદને ઉદ્દેશીને) અહીં સ્વાધ્યાય અને અનુશીલન દ્વારા જે શિક્ષણલાભ મેળવ્યો છે તેને તમારા જીવનમાં ઉતારજો, આ છે સાચી વાત; એ માટે તમે સદૈવ પ્રયત્નશીલ રહેજો, અને શ્રીઠાકુરને પ્રાર્થના કરતા રહેજો. પુરુષાર્થ વિના કૃપાભિક્ષા મળવી અશક્ય.

ભાવનો આશ્રય લઈને સેવા ધર્મનું પાલન કરવાથી ભીતરના તમસ્‌નો નાશ થાય છે અને પછી ક્રમશ: સત્ત્વગુણનો વિકાસ થાય છે. બ્રહ્મચર્ય, નિ:સ્વાર્થ ભાવના અને સત્યનિષ્ઠા – આ ત્રણ બાબતો સાધુ જીવનની મુખ્ય આધારશિલા છે.

પહેલાં શ્રીઠાકુર અને પછી બીજાં બધાં કાર્યો. એમનાં શ્રીચરણકમળમાં આશ્રય લઈને સેવાકાર્ય કરતા રહો. એનાથી ઊલટું કરવાથી પરિશ્રમ વ્યર્થ જાય છે.

આ ત્યાગનો પથ ઘણો કઠિન છે. અસ્ત્રાની ધાર પર ખૂલા પગે ચાલવા જેવો કપરો છે. એટલે જ તો આ વખતે (શ્રીઠાકુરે) એ કાર્યને ઘણું સહજસરળ બનાવી દીધું છે. બીબું ઢાળીને તૈયાર રાખ્યું છે. એ બીબામાં જીવન ઢાળીને જીવનઘડતર કરો. શરણાગત બનવું જોઈએ. શરણાગતની તેઓ સર્વભાવે અને સર્વરીતે રક્ષા કરે છે. તમે લોકો એમના અંતરંગ – આપ્તજન.

(ક્રમશ:)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.