(ગતાંકથી આગળ)

મનુષ્યનું મન પાંચમા પડદા પર જેવું મન આવે છે. ત્યારે જીવનો પૂર્વ સ્વભાવ લગભગ બદલાઈ જાય છે. હવે તેને જોતાં તે પહેલાંનો મનુષ્ય નથી જણાતો.

હવે તે કામ-કાંચન લઈને પડ્યા રહેવાનું ઇચ્છતો નથી. જેમ દારૂડિયાને દારૂનો નશો ચડે છે, તેમ તેને હવે ભગવાનની કથા અને કીર્તનના શ્રવણનો નશો ચડે છે. હવે તેનું મન સાચું મન બને છે. હવે તે અવિદ્યાની કુરુપતાને જોઈ શકે છે, મનના ખેલના ચક્રાવાને સમજી શકે છે. મનની સાથે યુદ્ધ કરવાનું શીખી લે છે, મનનો પીછો કરવા સમર્થ બની જાય છે. મનની લુચ્ચાઈને પકડી પાડવા સક્ષમ બની જાય છે. મનની ઢીંગલા-ઢીંગલીની રમતને જાણી લે છે. જ્યારે મન છઠ્ઠા પડદા પર પહોંચે છે, ત્યારે જીવ ઈશ્વરદર્શન કરી શકે છે. પણ તે તેનો સ્પર્શ કરી શકતો નથી. ઠાકુર કહેતા હતા કે જેમ ફાનસની અંદર પ્રજ્જવલિત જ્યોતને બહારથી જોઈ શકાય છે. પણ જો કોઈ તેને અડકવા ઇચ્છે તો ફાનસની ચીમનીનો કાચ વચ્ચે આવી જાય છે, તેથી તે તેમ કરી શકતો નથી. આ અવસ્થા જીવ માટે દુર્લભ છે. ઠાકુર કહેતા હતા, પાંચમા અને છઠ્ઠા ઘરની વચ્ચેની નૌકા-દોડની રમતમાં ખૂબ આનંદ રહેલો છે.

આ નૌકા-દોડ શું છે તે જાણો છો? જેમ ઘોડા-દોડની હરિફાઈ થાય છે, તેમ ગંગામાં નૌકા-દોડની હરિફાઈ થાય છે. તેમાં આ કિનારેથી સામે કિનારે અને સામા કિનારેથી પાછું આ કિનારે – એમ નિશ્ચિત સમયમાં આવન-જાવન કરવાનું હોય છે. તેને નૌકા-દોડ કહે છે. અહીં આગળ મનની નૌકા-દોડ છે – એક વખત છઠ્ઠા ઘર પર તો વળી પાછું પાંચમા ઘર પર. એટલે કે એકવાર ઈશ્વરનું દર્શન કરવું. પાછું પાંચમા ઘરમાં ઊતરીને એ દર્શનનું કીર્તન કરવું. એની નીચે એટલે કે ચોથી ભૂમિકામાં કંઈ મઝા નથી. કેમકે અવિદ્યા – માયા અનેકવાર તેને પોતાની શક્તિથી ઢાંકી દેતી હોય છે. જ્યારે સર્વોચ્ચ ભૂમિકા એટલે કે સાતમી ભૂમિકા ઉપર મન પહોંચે છે, ત્યારે જીવની ભોગ ભોગવવાની કે આસ્વાદ કરવાની કોઈ શક્તિ જ નથી રહેતી. અહીં મન લુપ્ત થઈ જાય છે અને જીવને સમાધિ લાગી જાય છે. આને જ મનનો લય થવો એમ કહે છે. મનનો લય કેવો છે તે તમે જાણો છો? – જેમ પાણીનું એક ટીપું ગંગાજીમાં પડે તો તે પોતાનાં રૂપ-ગુણ ખોઈને ગંગાજળ બની જાય છે. મનરૂપી નમકની પૂતળી જાણે ગંગાજળમાં ઓગળી જાય છે. આટલા વખત પછી આખરે એ મનનો ખેલ પૂરો થઈ જાય છે.

પાઠક : આપ તો અભણ છો. કોઈ શાસ્ત્રો આપે વાંચ્યા નથી, એવું બધા કહે છે, તો પછી આ બધું આપે કેવી રીતે જાણ્યું?

ભક્ત : મેં તમને શરૂઆતમાં જ જણાવ્યું હતું કે રામકૃષ્ણદેવનાં દર્શન કરવાથી બધાં જ દર્શન થઈ જાય છે. સઘળા અવતારોનાં દર્શન થાય છે. એમને સમજવાથી સઘળાં શાસ્ત્રોનાં ગૂઢ રહસ્યો પણ સમજી શકાય છે. એ દર્શનથી મનુષ્યને સાધન-ભજનનું ફળ અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. એમનાં દર્શનનો એવો પ્રભાવ છે કે એક અભાન બદ્ધજીવ પણ ચૈતન્યરૂપ થઈ જાય છે. નિદ્રાધીન મનુષ્ય જાગી જાય છે. મૂર્ખ પંડિત બની જાય છે. આંધળાને પ્રકાશની પ્રાપ્તિ થાય છે. બહેરો સાંભળવા લાગે છે. લંગડો સમુદ્ર પાર કરી જાય છે અને મૂંગો વક્તા બની જાય છે. એમનાં વાક્યો મહામંત્ર સમા છે. આ બધાં વાક્યોનો પ્રભાવ પ્રચંડ છે. જ્યાં એમનાં વચનો પડે છે, તે સ્થળ ગમે તેટલું અંધકારથી ભરેલું કેમ ન હોય, એકદમ પ્રકાશવંતુ બની જાય છે. ઠાકુર કહેતા હતા, એક ઓરડામાં લાંબા સમયથી અંધારું રહેલું છે, પણ ફક્ત એક જ દિવાસળી ત્યાં જલાવો તો એક ક્ષણમાં જ આખો ઓરડો પ્રકાશથી ભરાઈ જશે. એ જ રીતે ઈશ્વરની કૃપા થતાં મનુષ્યની સદાય અંધારી રહેલી અંતરગુફા ક્ષણમાત્રમાં પ્રકાશથી ઝળાંહળાં થઈ જાય છે.

જે રીતે ફોડવાનો દારૂ અને અગ્નિના સંયોગથી તોપના મોઢામાંથી નીકળેલો એક નાનકડો ગોળો સમગ્ર પહાડને તોડી નાખે છે, એ જ રીતે ઠાકુરની વાતોમાં એવી શક્તિ છે કે ઈશ્વર અને ઈશ્વરનાં સમગ્ર તત્ત્વોને ઢાંકી રાખનાર માયાનાં ગૂઢ આવરણને તોડી નાખે છે. ઠાકુરની વાતો દારૂના ગોળા જેવી શક્તિ ધરાવે છે.

ઠાકુરનાં વચનોનો એક વધારે મહિમા કહું છું, સાંભળો – લોકો જે વાતો કરે છે, તે જાણે હવાઈ વાતો છે. જે હવામાં લહેરાય છે, હવામાં ડૂબે છે અને પછી હવામાં જ ખોવાઈ જાય છે. પણ ઠાકુરની વાતો એવા પ્રકારની નથી. એમનાં વાક્યો જેવા નીકળ્યાં કે કાનમાં પ્રવેશીને સીધાં હૃદયમાં પહોંચી જાય છે અને બસ પછી તો તેમણે જે કહ્યું હોય છે, તેનું પ્રતિબિંબ હૃદયમાં પડી જાય છે. કઈ રીતે જાણો છો! જેવી રીતે આ બાજુ કેમેરાની સ્વીચ દબાવી ને પેલી બાજુ તુરત જ ફોટો પડી ગયો! જેના હૃદયમાં આ ચિત્ર અંક્તિ થઈ ગયું હોય છે, તે ઠાકુરની વાતને સાંભળીને એ ચિત્રને અંતરમાં જોઈને વિષયવસ્તુને સારી રીતે સમજી લે છે અને પછી હંમેશ માટે તેને સાચવીને રાખે છે. બાકી તો લોકો જે વાતો કરે છે, તે હવાઈ વાતો છે. આ કાનમાં ઘૂસે છે ને પેલા કાનમાંથી બહાર નીકળી જાય છે. એનું કોઈ નિશાન પણ નથી રહેતું. જેમકે એક સ્ટીમર પાણીમાંથી જ્યારે પસાર થાય છે, ત્યારે પાણીમાં તેના જવાની નિશાની થતી રહે છે. પણ પછી તુરત જ એ નિશાની અદૃશ્ય થઈ જાય છે. પાણીમાં બધું એકાકાર થઈ જાય છે. આટલી મોટી સ્ટીમરે પાણીને બે ભાગમાં જે વહેંચી દીધું હતું, તેનું પણ કોઈ નામનિશાન રહેતું નથી. એ જ રીતે બોલતી વખતે તો માણસની વાતો તો ભારે જોરશોરથી થતી હોય છે. પણ પછી તેનું નામનિશાન રહેતું હોતું નથી. તે માણસોની અંદર ઘૂસી શકતી નથી અને જો અંદર ઊતરે છે, તો તેને ટકવા માટે જગ્યા મળતી નથી. છોકરાઓ પાણીની અંદર માટીના ઘડાના ટુકડાથી છિનિમિનિ1છિનિમિનિ બંગાળની એક રમત છે. જેમાં માટીના ઘડાના કે કોલસાના ટુકડાઓને તળાવના પાણીમાં એવી રીતે ફેંકવામાં આવે છે કે તે પાણીની સપાટી ઉપરથી સરકતા બહાર નીકળી જાય છે. પાણીની અંદર જતા નથી.ની રમત રમે છે, કે જેમાં ઘડાના ટુકડાઓ પાણીની સપાટી પર જ કૂદતા  બહાર નીકળી જાય છે, પાણીની અંદર જતા નથી. એવી રીતે જ એ વાતો સપાટી ઉપરથી જ બહાર નીકળી જતી હોય છે.

ઠાકુરના મહિમાની એક બીજી વાત કહું છું, સાંભળો – એમની વાતોથી હૃદયમાં જે ચિત્ર સર્જાય છે, તે જીવંત હોય છે. જીવંત હોઈને તે મધુરકંઠે રામકૃષ્ણદેવની મહિમાના ગીતો ગાય છે, અત્યંત મધુર ગીત, જેને સાંભળીને દાવાનળ પણ પાણી થઈ જાય. તે ક્યારે ગાય છે તે જાણો છો? જ્યારે તમે દુ:ખથી ઘેરાઈ જાઓ છો, જ્યારે તમારા હૃદયમાં અવિદ્યા માયા આગ લગાડવા તત્પર હોય છે, આવા મુશ્કેલીના સમયમાં તે ગાવા લાગે છે. અને જાણો છો કે તે શું કરે છે? જ્યારે ચોર-ડાકુઓ હુમલો કરવા માટે આવે છે, તો તમારા બોલાવ્યા પહેલાં જ તે પરમ હિતૈષીની જેમ અસ્ત્ર-શસ્ત્રો લઈને પોતે જ બહાર આવીને એવી તો ગર્જના કરે છે કે ડાકુઓ ભયના માર્યા ભાગવાનો રસ્તો પણ શોધી શકતા નથી. અવિદ્યાના રાજ્યમાં ચોર-ડાકુઓની કોઈ કમી નથી. કેમકે એ તો ફક્ત ચોર-ડાકુઓનું જ રાજ્ય છે. તેઓ બધી બાજુથી હુમલો કરવા તૈયાર બેઠા છે આવો મદદકર્તા ન મળે તો શું રક્ષણ થઈ શકે ખરું? આ ચોર-ડાકુ કોણ છે, તે તમે જાણો છો? – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને તેનાં બાળ-બચ્ચાંઓ!

રામકૃષ્ણનાં દર્શન કરવાથી, તેમની કૃપા પ્રાપ્ત કરવાથી જે ભગવાન ગુપ્ત હતા તે પ્રગટ થઈ જાય છે. જે ભગવાન દૂર હતા, તે નજીક થઈ જાય છે. જે ભગવાન ત્યાં હતા, તે અહીં આવી જાય છે. જે ભગવાન તે હતા, તે આ થઈ જાય છે. અને બધાં દેવી-દેવતાઓ પરિવારનાં સ્વજનો સમા પ્રતીત થાય છે. હવે જાણી લો કે રામકૃષ્ણ શું છે! તમે રામકૃષ્ણનાં દર્શન કર્યાં છે, એમનો આશ્રય લીધો છે ધીમે ધીમે તમે જાણી જશો.

પાઠક : તમે મન વિષે કહ્યું હતું, પણ મન તો ખૂબ જ શક્તિશાળી છે. જોઉં છું કે મન જ સર્વ કંઈ છે. શું મન ઉપર રામકૃષ્ણદેવનો કોઈ અધિકાર નથી?

ભક્ત : મન સર્વેસર્વા નથી. સર્વેસર્વા તો રામકૃષ્ણદેવ છે. જે રીતે મન જ્ઞાનેન્દ્રિયોના મોઢામાં લગામ લગાવી ને એના ઉપર સવાર થઈને હરે ફરે છે, એ જ રીતે રામકૃષ્ણદેવ મનના મોઢામાં લગામ લગાવીને તેની પીઠ ઉપર સવાર થઈને હરે છે, ફરે છે. રામકૃષ્ણ મનને જે કહે છે એ જ મન કરે છે. મન, કે જે આટલા કૂદકા મારતું ફરે છે, નાચતું, કૂદતું બડાઈ  મારતું જાતજાતના ઢોંગ દેખાડતું ફરે છે, તે ફક્ત રામકૃષ્ણદેવની ઇચ્છાથી, તેમની શક્તિથી તે કઈ રીતે જાણો છો? હાંડલામાં પાણી નાખીને, તેમાં દાળચોખા નાખીને તેને અગ્નિ ઉપર મૂકવાથી થોડીવારમાં જ દાળચોખા ઉછળવા લાગે છે. તેઓ જે કૂદે છે તે પોતાના જોર ઉપર નહીં પણ આગના જોર ઉપર. એ જ રીતે શરીરરૂપી હાંડલામાં મન અને બુદ્ધિ જે ઉછાળાં મારી રહ્યાં છે તે પોતાના જોર ઉપર નહીં પણ રામકૃષ્ણદેવની શક્તિના જોર ઉપર. આ ઉપમા ઠાકુરે જ આપેલી છે.

પાઠક : જ્યારે ઠાકુરે આ ઉપમા આપીને સમજાવ્યું ત્યારે શું તેમણે કહ્યું હતું કે જીવના શરીરમાં મન બુદ્ધિ જે કૂદકા મારે છે તે તેમના બળ પર કે મા કાલીના બળ પર? તેઓ તો મા કાલી સિવાય કંઈ જાણતા ન હતા.

ભક્ત : એમણે કહ્યું હતું, તેઓ મા કાલીના બળ ઉપર કૂદે છે. જેવી રીતે ઈશુ ખ્ર્રિસ્ત પોતે જ પિતા હોઈને, બધી જ બાબતોમાં પિતાની શક્તિ, પિતાની ઇચ્છા, પિતાનો મહિમા જણાવીને પિતાની આણ વર્તાવી હતી. એ જ પ્રકારે રામકૃષ્ણદેવ પોતે જ મા હોઈને, એ જ રામ અને એ જ કૃષ્ણ હોઈને માની શક્તિ, માની ઇચ્છા, માની મહત્તા કહેતા; વળી કૃષ્ણની ઇચ્છા, કૃષ્ણની શક્તિ એમ કહેતા. અથવા તો ક્યારેક ક્યારેક રામની શક્તિ, રામની ઇચ્છા કહેતા. તેઓ ભલે જુદાં જુદાં નામોનો ઉલ્લેખ કરીને કહેતા પણ એમણે મને બતાવ્યું હતું કે તેઓ તે જ છે. હું તો નથી કાલીને જાણતો, નથી રામને કે નથી કૃષ્ણને. હું તો જાણું છું એક રામકૃષ્ણને. પણ પછી રામકૃષ્ણને પકડીને કાલીને પણ જાણું છું, રામને પણ જાણું છું, કૃષ્ણને પણ જાણું છું.

રામકૃષ્ણને છોડીને મને બીજું કોઈ જ્ઞાન નથી. એક સમયે મેં એમને સાકાર રૂપે જોયા હતા. હવે હું એમને વિરાટ રૂપે જોઉં છું. આ જીવ-જગતમાં એમને જ જોઈ રહ્યો છું. તમે તો સારી રીતે જાણો છો કે હું ખાસ ભણેલો નથી. મેં રામાયણ મહાભારત પણ વાંચ્યા નથી. કોઈ સાધના પણ કરી નથી કે નથી કર્યાં કોઈ ક્રિયા કર્મ. મારા આશ્રયદાતા રામકૃષ્ણદેવ છે. તમે ઈશ્વરનું કોઈપણ નામ ભલે લો પણ હું એ નામની અંદર રામકૃષ્ણને જ જોઉં છું. આથી રામકૃષ્ણ અને એમની શક્તિને છોડીને ભલા હું બીજું શું કહું?

પાઠક : મનની દુષ્ટતા દૂર કર્યા વગર કંઈ પણ કામ કરી શકાતું નથી ત્યારે મનને સમજવું કઈ રીતે અને પકડવું કઈ રીતે? મનને જાણવા માટે મને ખૂબ જ ઇચ્છા થઈ રહી છે.

ભક્ત : રામકૃષ્ણદેવનો મહિમા જુઓ એમના દર્શનલાભનો મહિમા જુઓ. એમનાં લીલા-શ્રવણ-કીર્તનનું માહાત્મ્ય જુઓ! જાણે મહાનતાનું સાક્ષાત્‌ મૂર્તિમંત રૂપ!

આ લાખો-કરોડો લોકોની વચ્ચે શાસ્ત્રોમાં પારંગત ઊંચી પદવીવાળા કેટલાય પંડિતો છે. કેટલાય રાજભાષાવિદ્‌, નીતિજ્ઞ, વૈજ્ઞાનિકો વગેરે ઉચ્ચ પદાધિકારી, ગણનામાન્ય વ્યક્તિઓ છે, કુબેર જેવા વિપુલ ધનસંપત્તિ ધરાવનારા કેટલાય શ્રીમંત લોકો પણ છે, જુદી જુદી વેશભૂષાવાળા કેટલાય વંદનીય ધર્મવેત્તાઓ પણ છે, પરંતુ થિયેટરના માણસ હોવા છતાં પણ તમે ઈશ્વરીય તત્ત્વને સમજવા અને જાણવા માટે જે વ્યાકુળતા દર્શાવી છે અને આતુરતા બતાવી રહ્યા છો એવી વ્યાકુળતા આ લાખો કરોડો લોકોમાંથી કેટલા લોકોને થઈ છે? ખરેખર તમે ખૂબ જ ભાગ્યશાળી છો. તમે ધન્ય છો અને ધન્ય છે રામકૃષ્ણદેવનો મહિમા. ભગવાન રામકૃષ્ણની કૃપાશક્તિના પરિણામે તમારા મનમાં આ રીતે મહાન તત્ત્વનો ઉદય થયો છે તો હવે એ જ કૃપાશક્તિ તમને મન વિષે સમજાવી દેશે. રામકૃષ્ણદેવ પરમ દયાળુ છે. એમના પ્રત્યે શરણાગત થવાથી તેઓ મનની દુષ્ટતા દૂર કરી દેશે. તમે ફક્ત એમને પકડીને બેસી રહો.

પાઠક : એમને પકડીને કેવી રીતે બેસી રહીએ?

ભક્ત : ઠાકુરની મૂર્તિનું સ્મરણ કરો. એમનામાં ભક્તિ-વિશ્વાસ જાગે એ માટે પ્રાર્થના કરો અને એમનાં લીલાગુણનું કીર્તન અને શ્રવણ કરો.

પાઠક : શું આમ કરવાથી જ થઈ જશે? બીજું વધારે કંઈ નહીં કરવું પડે? મેં તો સાંભળ્યું છે કે ખૂબ જ સાધન ભજન કરીએ એ પછી કાંઈક થાય છે.

ભક્ત : ભાઈ! તમે હજુ પણ રામકૃષ્ણનાં દર્શનોનાં ફળને લેશમાત્ર પણ સમજી શક્યા નથી રામકૃષ્ણ-લીલા-ચરિત્રનું શ્રવણ-મનન જ એક ઉચ્ચ પ્રકારનું સાધન ભજન છે. તે તમે હજુ પણ જાણી શક્યા નથી. શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિને તમે બધાં ફૂલો અને માળાથી જે સજાવો છો એનાથી વધારે સારી ઉચ્ચ સાધના બીજી કોઈ હું જાણતો નથી. હા એ હું જાણું છું કે સાધન ભજન વગેરે કંઈ થતું નથી અને એ પણ જાણું છું કે રામકૃષ્ણદેવ પણ કંઈ સાધન ભજન કરાવ્યા વગર છોડતા નથી. પરંતુ રામકૃષ્ણદેવ જે સાધના કરાવે છે તે ખૂબ આનંદપૂર્ણ સાધના છે. એ સાધનામાં મનુષ્યને પરિશ્રમ પડતો નથી અને તેમાં ભારે ઉત્સાહ અને ખૂબ આનંદ રહે છે. તે કઈ રીતે જાણો છો? જેમકે એક માણસને વૃંદાવન જવાની ઇચ્છા થઈ. પછી રાધાકૃષ્ણનાં દર્શનની ઉત્કટ અભિપ્સા જાગી. પણ એની પાસે જવાના પૈસા નથી. ચાલીને જવા જેટલી શક્તિ પણ નથી. માત્ર જવાની ઇચ્છા જ છે. હવે તે ફરતા ફરતા દૈવયોગે એક શ્રીમંત માણસની પાસે આવી પહોંચ્યો. તેની ઇચ્છા જાણીને તે શ્રીમંતે કહ્યું. ‘આવો મારી સાથે.’ પછી તે શ્રીમંત તેને હાવડા સ્ટેશને લઈ ગયા અને તેને વૃંદાવનની એક ટિકિટ કપાવી આપી. એક ટોપલીમાં ખાવાપીવાની વસ્તુઓ પણ ખરીદી દીધી અને પછી એક ચાદરની પણ વ્યવસ્થા કરી દીધી અને કહ્યું : ‘હવે તમે વૃંદાવન જાવ.’ રામકૃષ્ણદેવ પણ આ જ રીતે બધી વ્યવસ્થા કરી અને ઈશ્વર દર્શન માટે મોકલી દે છે. શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી આ રીતે અશક્ય પણ શક્ય અને સિદ્ધ થઈ જાય છે.

ઠાકુર કહેતા હતા કે સરકારી હવા ચાલતી હોય તો પછી હાથપંખાની હવાની જરૂર નથી હોતી. હમણાં સરકારી હવા વહી રહી છે, તેથી સાધન ભજન રૂપ હાથપંખાની હવાની જરૂરત નથી. સરકારી હવા શું છે,

સમજ્યાં? તે છે રામકૃષ્ણદેવની કૃપા – તેઓ કહે છે  અતિશય વધારે તાણ કરવાની જરૂર નથી. મહેનત કર્યા વગર જ ધાન્યની ઉપજ મેળવી શકશો. એક દિવસ હરીશ (ઠાકુરના એક સેવક) પંચવટીની નીચે બેસીને ધ્યાન કરી રહ્યા હતા. આ બાજુ ઠાકુર પોતાના ઓરડામાંથી જ આ જાણી ગયા. એ વખતે ઠાકુરે પંચવટીમાં જઈને હરીશની છાતી ઉપર હાથ રાખીને એનું ધ્યાનભંગ કરાવી દીધું અને હસતાં હસતાં કહેવા લાગ્યા, ‘અરે! તું કોનું ધ્યાન કરી રહ્યો છે? આવ મારી સાથે આવ અને પાકેલી કેરી ખા.’

તમે બતાવો તો ખરા કે કોઈપણ કાળમાં જીવને આવી હિંમત અને આવી આશા કોઈએ ક્યારેય આપી છે ખરી? ફક્ત આ ઠાકુરને જોયા છે જે ગુરુ સહજપણે જીવને ઈષ્ટદર્શન કરાવી દે છે એમનો મહિમા હું શું કહી શકું? એમની વાત કરતી વખતે વાણી મૂક બની જાય છે.

પ્રતાપચંદ્ર હાજરા ઠાકુરની પાસે તે જ કાલીવાડીમાં રહેતા હતા. હાજરા તપસ્વી હતા. તેઓ જપ તપને વધુ મહત્ત્વ આપતા હતા. માળા લઈને જપ કરવામાં જ જાણે એમનું સર્વસ્વ હતું. બધો જ વખત તેમના જપ ચાલુ રહેતા. કેટલીયવાર ઠાકુરે એમના હાથમાંથી માળા છીનવી લીધી હતી અને માળા જપવામાં અવરોધ પણ ઉભો કરતા અને કહેતા – ‘અહીં જ્યારે આવ્યા છો તો માની ઇચ્છાથી બધું જ આપોઆપ થઈ જશે. ત્રણ ચપટીમાં કામ થઈ જશે. આટલી બધી મહેનત શા માટે?’ પરંતુ હાજરાને તેમની વાત ઉપર વિશ્વાસ નહોતો. તેઓ ઠાકુરની પાસે જઈને માળા પાછી માગી આવતા અને ફરીથી જપમાં બેસતા. હાજરા ઠાકુરની પાસે ઘણાં લાંબા સમયથી હતા. જ્યારે ઠાકુર શિહડ ગામમાં વચ્ચે વચ્ચે હૃદયને ત્યાં જઈને ત્રણ ચાર મહિના રોકાતા ત્યારથી હાજરા દક્ષિણેશ્વરમાં આવી ગયા હતા. રામકૃષ્ણ-લીલામાં હાજરા એક મજાનું પાત્ર હતા. ઠાકુરે હાજરાની સાથે લીલા કરીને તેના માધ્યમ દ્વારા અવિશ્વાસુ અને શંકિત જીવને ઘણું મોટું શિક્ષણ આપ્યું છે અને પોતાના ભક્તોને એક લીલા બતાવી છે. હાજરા એ વિશ્વાસ નહોતો કરી શક્યા કે ઠાકુરની કૃપાથી મનુષ્ય ખેતી કર્યા વગર જ સોળ આના પાક મેળવી લે છે. હાજરાની સાથે ઠાકુરે કરેલી લીલા સાંભળીને આ વિલક્ષણ રામકૃષ્ણ મહિમાને ખૂબ જ સાહજિકતાથી વિસ્તારપૂર્વક જોઈ શકાય છે. એ જોઈને ગમે તેવા અવિશ્વાસુ હૃદયમાં પણ ઠાકુરનાં ચરણકમળમાં અતૂટ વિશ્વાસ જાગે છે. વેદ-વાક્યોના કરતા પણ ગુરુ વાક્યની મહાનતા, ગંભીરતા અને તત્ક્ષણ ફળ આપવાની શક્તિ જોવા મળે છે અને બીજી એક વિશેષ વાત; ઠાકુરના શરણાગત થવાથી ક્ષણમાત્રમાં ઈશ્વર-લાભ થાય છે. આ વિષયમાં જરા સરખી પણ શંકા નથી રહેતી.

કર્મની પાછળ-સાધન-ભજનની પાછળ જેમને કોઈ કામના હોય તો ઠાકુર એ કામનાની પૂર્તિ માટે કોઈને કહેતા – ‘તમે કાલીમંદિરમાં ત્રણ દિવસ સુધી તપ કરો;’ કોઈ બીજાને કહેતા – ‘જો તમે ત્રણ દિવસ સુધી ન કરી શકો તો એક દિવસ કરો’; કોઈ ત્રીજાને વળી કહેતા, ‘જો તમે કોઈ બીજું જપ ધ્યાન ન કરી શકો; તો અહીંનું (અર્થાત્‌ ઠાકુરનું) સ્મરણ મનન કરો’; કોઈ ચોથાને કહેતા ‘તમારે કંઈ નહીં કરવું પડે. અહીં આવવા જવાથી જ થઈ જશે – આજે જેવી રીતે આવ્યા; એવી રીતે બે દિવસ વધારે આવજો.’ કોઈ પાંચમાને કહેતા – ‘તમે એક દિવસ મંગળવારે કે શનિવારે આવો એનાથી થઈ જશે.’ ક્યારેક ક્યારેક ભાવાવેશમાં કહેતા, ‘અહીં આવીને જે સરળ મન પ્રાણથી કહેશે કે ‘હે ઈશ્વર તમારા તત્ત્વને કે તમને હું કઈ રીતે જાણું’, તે ચોક્કસપણે એનાં તત્ત્વોને મેળવશે, મેળવશે અને મેળવશે’ એમના શ્રીમુખે એકવાર કહેવાનું જ પર્યાપ્ત હતું. તો પછી એમણે ત્રણવાર કેમ કહ્યું : એનો અર્થ એ છે કે આજનો જીવ સાવ વિશ્વાસહીન ભક્તિવિહીન છે. અવિદ્યા – રોગનો રોગી છે. વિષય-વિષથી જર્જરિત થયેલો છે. તો પણ એનામાં વિશ્વાસ ઉત્પન્ન થાય એટલા માટે એમણે ત્રણવાર કહ્યું. ઠાકુર કહેતા હતા – કળિયુગના જીવને સોળ નાચ દેખાડવાથી થઈ શકે છે. ત્યારે તેઓ એક નાચ તો નાચે. એટલા માટે ઠાકુરે સાધના અને કર્મમાં સોળ નાચ બતાવ્યા. જે ઠાકુરની એવી વાણી છે તો વિચારો કે એમની દયા અને કરુણા કેટલી અસીમ છે. તો પણ, મનુષ્યોએ ઠાકુરને સ્વીકાર્યા નહીં. એમની વાણી સાંભળી નહીં. એનું નામ તો જીવ. એનું નામ તો મનુષ્ય. ‘હે રામકૃષ્ણદેવ! વધારે જે આપવું હોય તે આપો. જ્યાં રાખવો હોય ત્યાં રાખો પણ હે ઠાકુર! મનુષ્યની સમાન બુદ્ધિ નહીં આપતા અને એવા મનુષ્યના સંગમાં પણ નહીં રાખતા. આ મનુષ્યો તો ધન માન, યશ અને પદવી માટે તડપે છે. પરંતુ હે પ્રભુ તમે ક્યાં છો? તમને કેવી રીતે મેળવવા આ વાત કોઈ જ કરતું નથી. મનુષ્યની બુદ્ધિ જ એવી છે કે તે સોનાને ફેંકી દઈને કાચને પકડે છે. મણિમાણેકના હારને ફેંકીને વિષધર સાપને ગળામાં ધારણ કરે છે. જીવની વાતોથી પ્રાણ ફફડી ઊઠે છે. ભાઈ! મન-પ્રાણથી બોલો, ‘જય રામકૃષ્ણદેવની જય’.

સાંભળો, પ્રાણોને શીતળ કરનારી ઠાકુરની વાણી સાંભળો. ઠાકુરનો ભંડાર કેવો છે, સાંભળો; ઠાકુર કેવા દયાળુ છે, સાંભળો; ઠાકુરની વાણી કેવી આશા અને વિશ્વાસની વાણી છે, સાંભળો; ઠાકુરનો મહિમા! એક દિવસ ભાવાવેશમાં તેઓ કહે છે – ‘અરે; જો એકવાર આવીને નમસ્કાર કરશે એને પછી ભય શાનો? અરે, જો. શરણાગત થશે એને કંઈ કરવાનું રહેશે નહીં. મેં લાંબા સમય સુધી કઠોર તપશ્ચર્યા સાધન-ભજન કરીને મારી અંદર એક સંચો તૈયાર કરી રાખ્યો છે. એ સંચામાં નાખી દઈશ. બસ એમ જ ઘડાઈ જશે.’ આ સંચાને ટંકશાળના મશીનની સાથે સરખાવી શકાય. ટંકશાળના મશીનમાં એકબાજુથી ચાંદીનો ટુકડો નાખ્યો કે તરત જ બીજી બાજુથી રાણીની છાપવાળો રૂપિયો ઝગમગતો બહાર આવે છે. ઠાકુરનો સંચો પણ એવા જ પ્રકારનો છે. હવે સમજી લ્યો ભાઈ કે ઠાકુર કેવા છે! ઠાકુર કોણ છે! ઠાકુર ક્યાંના છે! હવે વિચાર કરીને જુઓ કે તમે ક્યાં ઠાકુરનાં દર્શન કર્યા છે? કોનો મહાપ્રસાદ ખાધો છે? સાધના માટે શું તમે કંઈ બાકી રાખ્યું છે? પૂર્વજન્મોમાં ભગવાનનાં દર્શન માટે તમે કેટલીયેવાર માથું કાપીને ચડાવ્યું હતું જેના પરિણામે તમને ઠાકુરનાં દર્શન થયા. અવિદ્યાના નશામાં તમે ઘણાં દિવસો સુધી ભટકતા રહ્યા છો હવે એમનાં દર્શનથી નશો દૂર થયો છે. ફક્ત થોડી એની અસર બાકી છે. ઠાકુરનાં લીલા ચરિત્રોનું ચિંતન મનન કરો, એમની મૂર્તિને હૃદયપૂર્વક સજાવો, પ્રેમપૂર્વક ભોગ ધરાવો અને આનંદપૂર્વક નાચો અને બોલો જય રામકૃષ્ણદેવ કી જય. હવે તમે મુક્ત પુરુષ છો.

(ક્રમશ:)

  • 1
    છિનિમિનિ બંગાળની એક રમત છે. જેમાં માટીના ઘડાના કે કોલસાના ટુકડાઓને તળાવના પાણીમાં એવી રીતે ફેંકવામાં આવે છે કે તે પાણીની સપાટી ઉપરથી સરકતા બહાર નીકળી જાય છે. પાણીની અંદર જતા નથી.
Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


  • 1
    છિનિમિનિ બંગાળની એક રમત છે. જેમાં માટીના ઘડાના કે કોલસાના ટુકડાઓને તળાવના પાણીમાં એવી રીતે ફેંકવામાં આવે છે કે તે પાણીની સપાટી ઉપરથી સરકતા બહાર નીકળી જાય છે. પાણીની અંદર જતા નથી.