તમારે કલ્યાણ સાધવું હોય તો, તમારી ક્રિયાવિધિઓ ફેંકી દો અને જીવતા ઈશ્વરને કે માનવ-ઈશ્વરને ભજો; માનવશરીરધારી દરેક જીવને પૂજો. ઈશ્વરના વિશ્વરૂપ તેમ જ માનવરૂપમાં તેને ભજો. તેનું વિશ્વરૂપ એટલે આ જગત; અને તેને ભજવું એટલે તેની સેવા કરવી. આ જ ખરો ધર્મ છે, વિધિઓમાં રચ્યાપચ્યા રહેવું એ નહિ. ભગવાન સમક્ષ ભોગ દસ મિનિટ ધરાવવો કે અર્ધો કલાક એવો વિચાર કરવો તે ધર્મ નથી, એ ગાંડાઈ જ છે. કાશી અથવા વૃંદાવનનાં મંદિરનાં દ્વાર આખો દિવસ ઉઘાડતી અને બંધ કરાતી વખતે સંગીતના સૂરો છેડાય તે માટે લાખો રૂપિયા ખર્ચાયા છે! અત્યારે ભગવાન સ્નાન કરે છે, હવે તે ભોજન લે છે, હવે તે અમે નથી જાણતા તેવા બીજા કામમાં પ્રવૃત્ત છે. … જ્યારે જીવંત ઈશ્વર ખોરાક વિના અને કેળવણી વિના મરે છે ત્યારે આ બધું ચાલ્યા કરે છે!.. આવી સાદી બાબત સમજવાને તમારા મગજ નથી કે આ જ આપણા દેશની મરકી છે. અને બધે સ્થળે આવી ગાંડાની ઇસ્પિતાલો વધતી જ જાય છે. . . . તમારામાંના કેટલાક આગની પેઠે ફરી વળો અને ઈશ્વરના આ વિશ્વરૂપના પૂજનનો પ્રચાર કરો. આવું કાર્ય અગાઉ કદીયે આ દેશમાં આરંભાયું નથી. આપણે લોકો સાથે ઝઘડવું નહિ; આપણે બધાના મિત્રો થવું છે….

વિચારોનો પ્રચાર કરો; ગામડે ગામડે જાઓ, ઘેર ઘેર ફરો, તો જ ખરું કામ થશે. નહિતર આત્મસંતુષ્ટ રહી પથારીમાં પડ્યા પડ્યા ઘંટા વગાડ્યા કરીએ એ તો ચોખ્ખી બીમારી જ છે…. સ્વતંત્ર થાઓ અને સ્વતંત્ર નિર્ણય લેતાં શીખો. ‘અમુક તંત્રના આટલામાં પ્રકરણમાં લખ્યું છે કે ઝાલરના હાથાની લંબાઈ આટલી જ હોવી જોઈએ’—તેનું મારે શું? ઈશ્વરની કૃપાથી તમારા મોઢામાંથી જ કરોડો વેદો, તંત્રો અને પુરાણો નીકળશે … હવે તમે આ વાત આચરણમાં મૂકી શકો, અને એક વર્ષમાં ભારતમાં ત્રણચાર લાખ શિષ્યોને તૈયા૨ કરી શકો, તો જ મને કંઈક આશા બંધાય..

ગામડે ગામડે જાઓ, માનવજાતનું અને દુનિયા આખીનું ભલું કરો. બીજાને માટે મુક્તિ મેળવવા સારુ તમારે નરકમાં જવું પડે તો જાઓ. માણસ જેને પોતાની જ કહે તેવી મુક્તિ આ દુનિયામાં છે જ નહિ. જ્યારે તમે પોતાનો જ વિચાર કરો ત્યારે તમે જરૂર અસ્વસ્થ લાગવાના.વત્સ! તમારે શાંતિનું શું કામ છે? તમે સર્વસ્વ છોડી દીધું છે. ચાલો, હવે શાંતિ અને મુક્તિ માટેની ઝંખના ત્યજવાનો વારો છે! લેશમાત્ર ચિંતા ન કરો. સ્વર્ગ કે નરક, ભક્તિ કે મુક્તિ, કશાની દરકાર ન કરશો. પરંતુ મારા વત્સ! બારણે બારણે જઈને ઈશ્વરના નામનો પ્રચાર કરો! અન્યનું કલ્યાણ કરવાથી જ પોતાનું કલ્યાણ થાય છે. બીજાને ભક્તિ અને મુક્તિને પંથે દોરવાથી જ પોતાને તે બંને મળે છે. તમારી જાતને ભૂલી જઈને એ વિચાર પકડી લો અને તેની પાછળ ગાંડા બનો. જેવી રીતે શ્રીરામકૃષ્ણ તમને ચાહતા, જેવી રીતે હું તમોને ચાહું છું, તેવી રીતે તમે જગતને ચાહો.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.