(ગતાંકથી આગળ)

પાઠક : આપે પહેલાં તો કહ્યું કે ‘હું’ નામની જે વસ્તુ છે તે ‘હું’ નથી પણ તેઓ છે. તો પછી પાછા આ ‘હું’ને આપ દુષ્ટ ‘હું’ કહો છો, તો પછી તેઓ દુષ્ટ કેવી રીતે બન્યા?

ભક્ત : માયાનો ખેલ ભયંકર છે. જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી પાપ-પુણ્ય, સારું-ખરાબ, સત્‌-અસત્‌ આ બધું દ્વન્દ્વ જણાય છે. ઈશ્વરની પ્રાપ્તિ થયા પછી ખરાબ કે દુષ્ટ એવું કંઈ જ બાકી રહેતું નથી. ‘દુષ્ટ – હું’ ક્યાં સુધી રહે છે, તે તમે જાણો છો? જ્યાં સુધી એ પાકો ‘હું’ જોવામાં આવતો નથી ત્યાં સુધી જ. એને જોઈ લીધા પછી દુષ્ટ-હું રહેતો જ નથી. દુષ્ટાવસ્થામાં ‘હું’ અહંકારથી ભરેલો હોય છે. આ અહંકાર જ માયા છે. આ અહંકાર નષ્ટ થવાથી ‘હું’ ‘તું’ બની જાય છે. જ્યારે ‘હું’ ‘તું’ બની જાય છે પછી તે માયાનો અહંકાર રહેતો નથી. ‘હું’ ને જાણી લેવાથી પછી અહંકાર એવો ગાયબ થઈ જાય છે, કે ત્રણેય લોકમાં એને શોધવામાં આવે તો પણ તેનો ક્યાંય પત્તો મળતો નથી. શ્રીરામકૃષ્ણદેવ વારંવાર કહેતા કે ‘હું’ ને શોધવા ગયો, પણ શોધવા છતાં તે ક્યાંય ન મળ્યો. તે એકમેવ અદ્વિતીય શક્તિશાળી ભગવાન જ માયાને સાથે લઈને આ જીવ જગતની સૃષ્ટિ રચીને તેમાં અગણિત ‘હું’ બનીને ખેલ કરી રહ્યા છે. તે એક જ તત્ત્વ અસંખ્ય ઘડાઓમાં પ્રવેશીને ‘અગણિત હું’ બન્યા છે. દરેક ઘડાની દરેક સ્થિતિમાં એમના સિવાય બીજું કોઈ છે જ નહીં. આ જ્ઞાન થવાથી પછી ‘દુષ્ટ હું’ રહેતો નથી. જે રહે છે, તે તે જ છે – તે જ ફક્ત ઈશ્વર.

જ્ઞાનીઓ જ્યારે ‘હું’ને ઓળખી લે છે, ત્યારે તેઓ સોડહં કહે છે. અને ભક્તો ‘તું’ કે ‘તેઓ’ કહે છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ અંતરથી પૂર્ણજ્ઞાની હતા. પરંતુ મનુષ્યોના શિક્ષણ માટે તેઓ ભક્તિભાવ પ્રગટ કરતા હતા. ઠાકુરની મૂર્તિ છે તો જ્ઞાનમય, પણ જાણે ભક્તિનાં વસ્ત્રોથી આવૃત્ત થયેલી છે.’ ઠાકુર જાણતા હતા કે ‘કળિયુગમાં જ્ઞાનમાર્ગ ઘણો જ કઠિન છે, જ્યારે ભક્તિમાર્ગ સહજ છે.’ આથી તેમના શરીરે હંમેશા ભક્તિની ચાદર ઓઢેલી રહેતી. એનો અર્થ એ છે કે તેમણે હંમેશા બધાંને ભક્તિમાર્ગે ચાલવાનો ઉપદેશ આપ્યો હતો.

‘હું’નું દર્શન એટલે જ આત્મદર્શન. આત્મદર્શન થવાથી આ ‘દુષ્ટ-હું’ ભાગી જાય છે. તે હવે વધુ વખત રહી શકતો જ નથી. પૂર્ણજ્ઞાન થવાથી આત્મ-દર્શન થાય છે અને આત્મદર્શનથી પૂર્ણજ્ઞાન થાય છે. પૂર્ણજ્ઞાન થવાથી ‘હું’ કેવી રીતે નથી રહેતો, તે જાણો છો? જેવી રીતે જ્યાં સુધી બપોરનો સમય નથી થતો ત્યાં સુધી સૂર્ય માથા ઉપર આવતો નથી. ત્યાં સુધી દરેકનો પડછાયો પડે છે પણ જ્યારે સૂર્ય ઉપર આવે છે, ત્યારે ચારેબાજુ જોવા છતાં ક્યાંય પડછાયો દેખાતો નથી; બરાબર એ જ રીતે જ્ઞાનસૂર્યનો પૂર્ણ રૂપે વિકાસ થતાં જ આ ‘દુષ્ટ-હું’ ક્યાંય જોવામાં આવતો નથી. ત્યારે બરાબર સમજાય છે કે આટલા દિવસો સુધી પડછાયા જેવો આ ‘દુષ્ટ-હું’ હતો. જેમ પડછાયો મિથ્યા છે, એમ ‘હું’ પણ મિથ્યા છે. અજ્ઞાનમય સ્થિતિમાં ‘હું’ પડછાયા જેવો હોય છે. જ્ઞાનની સ્થિતિમાં એ ઓગળી જાય છે એટલે કે ‘દુષ્ટ-હું’ ચાલ્યો જાય છે. ત્યારે રહે છે કોણ? ફક્ત તે જ રહે છે, જેણે પડછાયાને પકડી રાખ્યો હતો. આ દર્શન બધો જ વખત કંઈ રહેતું નથી. સંસારનાં કામોમાં લાગતાં જ ‘હું’ ફરીથી આવી જાય છે. પણ હવે તે પોતાની કરામત સર્જી શકતો નથી.

આ આત્મદર્શન થવાને પરિણામે આ લીલામય સૃષ્ટિમાં કેવળ ભગવાન જ એક હોવા છતાં અનંતરૂપે વિદ્યમાન છે, એ સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે. આ દર્શનને કહે છે : ‘વિરાટરૂપ-દર્શન’ તમે યાદ કરો, શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે શ્રીરામકૃષ્ણદેવનું એક વિરાટ-રૂપ છે, તો આ છે એમનું વિરાટ-રૂપ. જે રામકૃષ્ણદેવ સાડાત્રણ હાથના માપવાળા જેવા છે, તેમને જ હવે હું આ જગતની બધી જ વસ્તુઓમાં જોઈ રહ્યો છું. આ જગત રામકૃષ્ણમય છે. રામકૃષ્ણ સાડાત્રણ હાથના માપવાળા અને વિરાટ રૂપવાળા પણ છે. જેઓ મૂર્તિપૂજાને હીન માને છે અને તેને ભ્રમ કહી વખોડી કાઢે છે, તેમનું અજ્ઞાન આ આત્મદર્શન દ્વારા સારી રીતે જાણી શકાય છે. કેશવસેને શરૂઆતમાં ઠાકુરની મા કાલી પ્રત્યેની શ્રદ્ધાભક્તિ જોઈને પૂછ્યું હતું : ‘મહાશય, આપની કાલી માતા કેટલી મોટી છે? ઠાકુરે કહ્યું : ‘કેશવ, તમે વિલાયત ગયા છો. તમે સમુદ્ર જોયો છે ને? મારી કાલી માતા એનાથી પણ મોટી છે.’ વળી એક વખત કેશવબાબુ પોતાના શિષ્યો સહિત ઠાકુરની સાથે કોઈ રસ્તા પરથી જઈ રહ્યા હતા. એ વખતે કોઈ માણસ રસ્તાની ધારે આવેલા એક ઝાડની ડાળી કાપી રહ્યો હતો, આ જોઈને ઠાકુર ભારે વેદનાથી ચિત્કાર કરતા રડવા લાગ્યા ને કહ્યું : ‘અરે, મારી માને કાપી રહ્યો છે.’ આ દ્વારા તેમણે કેશવને બતાવ્યું કે મા કાલી જ સૃષ્ટિમાં વ્યાપ્ત છે, તે બ્રહ્મમયી છે. તે કંઈ સાડાત્રણ ગજની છે, એવું નથી. પાછું એમણે એ પણ અનેક રીતે બતાવ્યું કે મા કાલી સાડા ત્રણ ગજની છે. એમણે મા કાલીની મૂર્તિના નાક પાસે રૂ રાખીને જોયું હતું અને બતાવ્યું હતું કે મા કાલીના શ્વાસ ચાલી રહ્યા છે. એક દિવસની વાત છે, સાંભળો.

ઠાકુર પોતાની નાની પાટ પર બેઠા હતા. પાસે ઘણા ભક્તો પણ બેઠા હતા. એકાએક તેઓ પૂર્વ તરફના બારણેથી નીકળીને દોડતાં દોડતાં મંદિરના ચોગાનમાં જઈ પહોંચ્યા. ત્યાંથી કાલીમંદિર આખું દેખાતું હતું. ઠાકુર ખૂબ જ ભયભીત થઈને મંદિરની છત તરફ ઊર્ધ્વદૃષ્ટિ કરી, હાથ ઊંચા કરીને જોરથી બોલવા લાગ્યા, ‘જુઓ જુઓ મા, નીચે પડી જશે, નીચે પડી જશે.’ આટલું બોલતામાં તો તેઓ બેહોશ થઈને પડી ગયા. પાછળથી આ અંગેનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું : ‘મા, શરાબીની જેમ ઝૂમતી ઝૂમતી ગુંબજની છતની ધારે ધારે ઘૂમી રહી હતી. તે પડી ન જાય એ બીકે મને એવું થઈ ગયું હતું.’

રામકૃષ્ણદેવની લીલા સાંભળીને સાકારવાદીઓ કેટકેટલા પ્રકારનો રસાસ્વાદ કરી રહ્યા છે, એ જાણી લો, તેઓ માને સાડાત્રણ ગજની પણ જુએ છે અને વળી પાછી તેને વિશ્વમયી અને બ્રહ્મમયી રૂપે પણ જુએ છે. કોઈએ ઠાકુરને પૂછ્યું હતું : ‘બ્રાહ્મોધર્મ અને હિંદુધર્મમાં તફાવત શું છે?’ ઠાકુરે જવાબ આપ્યો : ‘શરણાઈ વાગતી સાંભળી છે?’ શરણાઈ વગાડવાવાળા બે માણસો હોય છે. એક તો શરણાઈમાંથી ફક્ત પોં પોં જ વગાડતો હોય છે. બીજો રાગ-રાગિણી વગાડે છે. બાહ્ય લોકો ફક્ત પોં પોં વગાડે છે. પરંતુ સાકારવાદીઓ રાગ-રાગિણી વગાડે છે.’

રાગ-રાગિણી વગાડવાનો અર્થ એ છે કે સાકારવાદીઓ ભગવાનનો, પરમેશ્વર, અખિલેશ્વર, સાકાર-નિરાકાર- વગેરે જુદા જુદા રૂપો દ્વારા અનેક રીતે આસ્વાદ કરે છે. રામકૃષ્ણદેવે જુદાં જુદાં પ્રકારની સાધનાઓ કરીને ભગવાનનો આસ્વાદ દરેક પ્રકારે કર્યો અને કહ્યું : ‘ભગવાનમાં બધું જ સંભવ છે, તેઓ બધું જ બની શકે છે. અને બધું જ બન્યાં છે.’ બીજી એક વાત પણ તેમણે વારંવાર કહી છે : ‘ભગવાનને કોઈ સીમામાં પૂરે નહીં કે તેઓ આ જ છે, બીજું નહીં, અથવા તો બીજું હોઈ જ ન શકે એવી વાતનો હઠાગ્રહ કરી શકાય નહીં.’ ભગવાન વિષે કોઈ એક વિશેષ સિદ્ધાંતનો પ્રચાર કરવો એ તો અસીમને સીમામાં પૂરવા જેવું છે. એમની સર્વશક્તિમત્તાને કુંઠિત કરવા જેવું છે.

અહીંના વ્યાવસાયિક ધર્મોપદેશકોમાં એક માન્યતા ખૂબ જ પ્રબળ જોવા મળે છે, તેઓ કહે છે કે ‘અમારો જે મત છે અથવા તો અમે જે કહીએ છીએ તે જ સત્ય છે, બાકી બીજાઓ જે કરે છે, કહે છે, એ મિથ્યા છે. આવી બુદ્ધિવાળા વ્યાવસાયિકોને નમસ્કાર!!

હું-પણાના મરી  જવાથી જ મનુષ્ય મુક્ત બને છે. ભગવાન રામકૃષ્ણદેવનું વાક્ય છે : ‘મુક્ત થઈશ ક્યારે? – હું મરશે જ્યારે’; બદ્ધ અને મુક્ત આ બે અવસ્થાઓને જાણવાવાળું કોણ છે, તે જાણો છો? તે છે મન. જો મન તમને કહી દે કે તમે મુક્ત છો, તો તમે મુક્ત થઈ જાઓ છો. બધો જ મનનો ખેલ છે. મન જ તેનું ઈંદ્રિય સ્વરૂપ છે. જ્યાં સુધી મન બંધનમાં છે, ત્યાં સુધી તે હંમેશા સંશયયુક્ત જ હોય છે. આ અવસ્થામાં મનનું નામ છે- સંશય અને મુક્તાવસ્થામાં તેનું નામ છે, ચૈતન્ય. મન અને બુદ્ધિ બે વસ્તુઓ છે, પણ શુદ્ધાવસ્થામાં બંને એક જ બની જાય છે. અને ત્યારે તેનું નામ બને છે, ચૈતન્ય. ભગવાન મન અને બુદ્ધિથી અગોચર હોવા છતાં પણ મન અને બુદ્ધિથી ગોચર પણ છે. એનો અર્થ એ છે કે, મનની સંશયયુક્ત અવસ્થામાં તેઓ અગોચર છે. અને શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ કે ચૈતન્યાવસ્થામાં તેઓ ગોચર છે. શુદ્ધ બુદ્ધિ, મન અથવા ચૈતન્યની સહાયથી એ ચૈતન્યમયનો સાક્ષાત્કાર થઈ શકે છે કે જેના ચૈતન્યથી આ જગત ચૈતન્યમય થયું છે. અને તે સ્થિતિમાં મન-બુદ્ધિ (કે જે ખંડ ચૈતન્ય છે) તે એ ચૈતન્યની સાથે એકરૂપ પણ થઈ શકે છે. એક ગીતની કડી સંભળાવું છું, આ ગીત ઠાકુર ઘણીવાર ગાતા –

‘મગન હુઆ મન ભઁવરા મેરા, શ્યામાકે પદ-નીલકમલ મેં’
પદ કાલા – ભઁવરા ભી કાલા, મિલકર દોનોં એક હો ગયે.’

જ્યારે મન શ્યામાનાં નીલકમલ સમાં ચરણમાં મગ્ન થઈ જાય છે, ત્યારે તે ચૈતન્યની સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. પછી તે મન, મન નથી રહેતું પણ તે બની જાય છે, શુદ્ધ મન કે ચૈતન્ય. ત્યારે તેનો પહેલાંનો રંગ બદલાઈને શ્યામાનાં ચરણોનો રંગ તેને લાગી જાય છે. પછી મા ચૈતન્યમયીની સાથે મન ચૈતન્ય સાથે એકરૂપ થઈ જવાથી જાણે કાળામાં કાળું ભળી જાય છે. આ મિલનથી બધી જ ઝંઝટ મટી જાય છે. સંસારનો ખેલ પૂરો થઈ જાય છે. અને તત્ત્વની સાથે તત્ત્વ મળી જતાં બધું એકાકાર થઈ જાય છે.

મન જ્યારે શુદ્ધ બનીને એકવાર ચૈતન્ય પ્રાપ્ત કરી લે છે, ત્યારે ચૈતન્યમય તેને પકડી લે છે. તેનો અર્થ એ છે કે મન ચૈતન્ય પ્રાપ્ત કરતાં તે ચૈતન્યમયની જાતિનું બની જાય છે અને સમાન જાતિનું હોવાથી મિલન નિશ્ચિત જ બની જાય છે. સમાન જાતિ ન હોવાથી પરસ્પર મિલન થતું નથી. દૂધની સાથે દૂધ મળી જાય છે, પણ દૂધની સાથે ઘી નથી મળતું. ભલે તે બન્યું છે તો એ દૂધમાંથી જ. દૂધમાં ઘી નાંખવાથી તે જુદું જ તરી આવે છે. પણ જો એ દૂધમાંથી ઘી બનાવવામાં આવે તો બંનેનું જુદાપણું દૂર થવાથી સમાનપણું થશે, એટલે કે બંને મળી જશે. ચૈતન્યમય સાથે માયા ભળવાથી જ આ જીવ-જગત્‌ થયાં છે. આ જીવ-જગત માયાથી મુક્ત થતાં જ પાછાં ચૈતન્ય બની જશે. આ સ્થિતિમાં તેઓ બહુરૂપી ફરી એક બની જાય છે. આ કેવી રીતે તે તો ફક્ત તેઓ જ જાણી શકે.

તે ચૈતન્યમય માયાને ધારણ કરીને જીવ-જગત્‌ બન્યા છે. અને આ જીવ-જગતમાં જે અનંત શ્રેણીઓ છે, તે બધી જ તેમના સિવાય બીજું કંઈ જ નથી. જુઓ કે, કઈ રીતે આ જગત તે એકમેવનો જ ખેલ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા, જીવાત્મા. આ બધાં જુદાં જુદાં નામ તે એકનાં જ છે.

પાઠક : આત્મા અને જીવાત્મા આ બંને કઈ રીતના છે?

ભક્ત : આત્મા અને જીવાત્મા આ બંનેને લઈને તો આ આખોય ખેલ ખેલાઈ રહ્યો છે. આત્માને આત્મા પણ કહે છે, અને પરમાત્મા પણ. બ્રહ્મજ્ઞાનીઓનું બ્રહ્મ, યોગીઓનો આત્મા અને ભક્તોનો ભગવાન – આ ત્રણેય વસ્તુ એક જ છે. આ એકનાં જ ત્રણ નામ છે. જે રીતે વિરાટ અગ્નિમાંથી અસંખ્ય જ્વાળાઓ અને તણખાઓ ઉત્પન્ન થાય છે, એવી જ રીતે આત્મા કે પરમાત્મામાંથી જીવાત્માઓની સૃષ્ટિ સર્જાય છે. એક જ પરમાત્મા પોતાની મહાશક્તિ માયાથી અનેક જાતિઓ, આકારો, ગુણો, વર્ણોના જીવાત્માઓ બન્યા છે. અથવા તો તેઓ જ આ બધાના સૃષ્ટા છે. જીવાત્મા પરમાત્મામાં જ રહે છે. અને તેમાંથી જ ઉત્પન્ન થાય છે અને પછી તેમાં જ લીન થઈ જાય છે. જીવાત્મા કઈ રીતે પરમાત્માની અંદર છે, તે ઉદાહરણ દ્વારા સમજાવું છું. પરમાત્મા જાણે કે કોઈ કિનારા વગરના અસીમ સાગર છે કે જેનો આદિ કે અંત નથી. આ સાગરમાં જીવાત્મા કેવી રીતે રહેલા છે, જાણો છો? જેમકે કરોડો જાતના કરોડો ઘડાઓ આ સાગરના પાણીમાં ડૂબેલા છે. જળથી ભરેલો એક એક ઘડો એ જાણે એક એક જીવાત્મા છે.

આ જીવાત્માઓના જે કરોડો પ્રકારનાં શરીરો રહેલાં છે, તેમનાં રૂપ, રંગ, આકાર એ બધું પણ જાણે આ જલથી જ બન્યું છે. તમને પહેલાં જ કહ્યું હતું કે સૂક્ષ્મ જ સ્થુળ બન્યું છે – જેમકે વરાળ ઘણી સૂક્ષ્મ છે. પણ આ વરાળથી વાદળ બને છે, વાદળથી પાણીનાં કણો, પાણીનાં કણોથી પાણીનાં ટીપાં, પાણીનાં ટીપાંઓથી પાણી અને પછી પાણીમાંથી બરફ બને છે. આ રીતે અત્યંત સૂક્ષ્મ પરમાત્મા જ સ્થૂળ આધાર રૂપ બન્યા છે. આ આધારની અંદર જલરૂપ પરમાત્મા જ વિદ્યમાન છે. જીવાત્માનો તો નથી જન્મ કે નથી મૃત્યુ. તે ઉત્પન્ન થાય છે પરમાત્મારૂપી જલથી. પછી જળમાં જ રહે છે, ને જળમાં જ વિલિન થઈ જાય છે. ઘડાની અંદર જે જળરૂપ જીવાત્મા છે, તે ઘડાના ફૂટી જવાથી પરમાત્મારૂપી સાગરના જળમાં મળી જાય છે, એ જ રીતે તે ઘડો પણ સ્થૂલથી સૂક્ષ્મ થઈને એ જળમાં વિલિન થઈ જાય છે. મૃત્યુ કોને કહે છે તે જાણો છો? જેમકે ઘડાનું જળ, ઘડો ફૂટી જવાથી સમુદ્રમાં મળી જાય છે અને પછી તે બીજા ઘડામાં પ્રવેશે છે, એનું નામ છે મૃત્યુ. જેમ સૂક્ષ્મ સ્થૂલ બને છે, એમ સ્થૂલ પણ સૂક્ષ્મ બને છે. જેમકે બરફ પીગળવાથી પાણી, પાણીથી વરાળ વગેરે.

મેં પરમાત્માને સાગરની ઉપમા આપી, એવી રીતે મહાકાશની પણ ઉપમા આપી શકાય. વેદોમાં, તેને મહાકાશ કહ્યા છે, એવું સાંભળ્યું છે.

દે છે આભાસ વેદ, કે તું છે મહાકાશ,
અને ઘટનાશને કહે છે મૃત્યુ.
ખયાલોમાં ડૂબીને, સકલ શૂન્યમાં
ગણતા રહે છે પાપ-પુણ્યને.

જેવી રીતે વરાળનું સ્થુળ સ્વરૂપ વાદળ, જલકણ, જળ અને બરફ છે, એ જ રીતે મહાકાશનું સ્થુળ સ્વરૂપ ‘પંચમહાભૂત’ છે. પછી આ પંચમહાભૂત પંચીકૃત બનીને જીવ-જગત બન્યા છે. જેવી રીતે સૂક્ષ્મથી સ્થુલ અને સ્થુલથી સૂક્ષ્મની સ્થિતિ છે, એવી જ રીતે નિત્યથી લીલા અને લીલાથી નિત્યની અવસ્થા છે. અહીં થઈને ત્યાં જઈ શકાય છે. ત્યાંથી અહીં પણ આવી શકાય છે. આને જ પરમહંસદેવ અનુલોમ-વિલોમ કહે છે. તેઓ એક બીજી સરસ વાત કહેતા હતા કે જેનું નિત્ય છે, એની જ લીલા છે અને જેની લીલા છે, એનું જ નિત્ય છે. ઠાકુરે શંકરાચાર્યની જેમ એ નથી કહ્યું કે જીવ-જગત્‌ મિથ્યા છે. પરંતુ તેમણે શંકરાચાર્યના મતનો અસ્વીકાર પણ નથી કર્યો.

રામકૃષ્ણદેવ જીવાત્મા વિષે જેવું સમજાવતા અને બતાવતા હતા, તે હું તમને બીજી રીતે જણાવું છું; સાંભળો, જીવાત્મા બીજું કોઈ નથી. તે પરમાત્મા જ છે. તફાવત ફક્ત એટલો જ છે કે પરમાત્મામાં માયા નથી, અને જીવાત્મામાં માયા છે. માયાને લઈને જ પરમાત્મા જીવાત્મા બન્યા છે. પરમાત્મામાં માયા રહેવા છતાં પણ નથી. – એમની માયા એમના માટે માયા નથી. માયા તેમને ભુલવામાં નાખી શકતી નથી. સાપના મોઢામાં રહેલું ઝેર સાપને કંઈ જ નુકશાન કરતું નથી, એવી જ રીતે પરમાત્મામાં રહેલી માયાની એમના ઉપર કોઈ જ અસર થતી નથી. એનો કોઈ જ પ્રભાવ પરમાત્મા પર પડતો નથી. પણ તે જીવાત્માને મોહમાં ડૂબાડી દે છે. પરમાત્મામાં નિર્લેપતા છે. જ્યારે જીવાત્મામાં લિપ્તભાવ છે. પરમાત્મા સાક્ષી સ્વરૂપ છે ત્યારે જીવાત્મા કર્મફળ ભોગવનારો છે. જીવાત્મા સુખ-દુ:ખ, પુણ્ય-પાપ, સારું-ખરાબ બધું જ ભોગવે છે. જ્યારે પરમાત્મા પાસે કોઈ જ દ્વન્દ્વ ટકતું નથી. એ કેવી રીતે? જાણો છો? – જેમકે જો ભીંત ઉપર ધૂમાડો લાગે તો તે કાળી પડી જાય છે, પણ જો આકાશમાં એ ધૂમાડો જાય તો તેમાં કોઈ કાળાશ લાગતી નથી. જે માયામુક્ત પરમાત્મા શિવ છે, એ જ છે માયામુક્ત જીવાત્મા જીવ. માયાનો ત્યાગ કરવાથી જ આ જીવાત્મા પોતાના સાચા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે કે શિવત્ત્વને પામે છે. જીવ શિવ બનીને જન્મ-મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ જાય છે.

પાઠક : પરમાત્મા સાક્ષીરૂપ છે અને જીવાત્મા ફળનો ભોક્તા છે, આ કેવી વાત છે?

ભક્ત : ઠાકુર રામકૃષ્ણના મુખે આ વિષયમાં જે સાંભળ્યું છે, તે કહું છું, સાંભળો. એક દિવસ ઠાકુરે કહ્યું : ‘એક દિવસ સાધન-ભજનના સમયે હું પંચવટીની નીચે બેઠો હતો ત્યારે એકાએક મારી દૃષ્ટિ વૃક્ષ તરફ ગઈ. મેં જોયું કે વૃક્ષની ડાળી પર બે પક્ષીઓ બેઠેલાં છે. એક સ્થિરતાથી બેઠું છે. જરાય હલ-ચલ કરતું નથી, જાણે કે કાગળનું બનાવેલું પક્ષી ન હોય! અને બીજું તેના કરતાં તદ્દન વિપરિત સ્વભાવનું છે. તે ક્યારેક પડી જાય છે, ક્યારેક કૂદે છે, ક્યારેક રમત કરે છે, તો ક્યારેક ટહુકા કરે છે. થોડીવાર પછી જે પક્ષી સ્થિરભાવમાં હતું, તેણે પોતાનું મોઢું ખોલ્યું અને પેલું ચંચળ પક્ષી તેના મોઢામાં પેસી ગયું, જેવું તે તેના મોઢામાં ઘૂસ્યું કે સ્થિર પક્ષીએ પોતાનું મોઢું બંધ કરી દીધું.’

આ જોઈને ઠાકુરને એ સમજાયું કે પરમાત્મા સ્થિર, સાક્ષી સ્વરૂપ છે અને જીવાત્મા હસતો-રડતો, ગાતો-નાચતો અને સુખ-દુ:ખનો ભોગ કરનારો છે. પણ સમય આવ્યે તે પરમાત્મામાં લીન થઈ શકે છે.

પાઠક : જ્યારે પરમાત્મા જ જીવાત્મા બન્યા છે, તો પછી બંનેની જુદાઈનું કારણ શું? અને જીવાત્મા તેમાં કઈ રીતે લય પામે છે?

ભક્ત : મેં તમને થોડો સમય પહેલાં જ કહ્યું છે કે તેઓ એક, અનાદિ, અનંત, નિર્વિકાર, નિરાકાર, નામરહિત પરમાત્મા જ છે, જે સર્વમાં અંત:ર્નિહિત છે અને આ જીવ-જગતની સૃષ્ટિના નિયામક છે. તેઓ એકમેવાદ્વિતીયમ્‌ હોવા છતાં પણ પોતાની મહાશક્તિના પ્રભાવથી લીલાઓમાં અગણિત રૂપો, વર્ણો, ગુણો, રસો, શબ્દો, ગંધો અને સ્પર્શોમાં વિભક્ત થયા છે. માયાશક્તિ દ્વારા એક એક રૂપ ધરીને તેઓ જુદી જુદી અવસ્થા પ્રાપ્ત કરે છે. ઉદાહરણ રૂપે ગિરીશબાબુને જ લઈએ – એમનું નામ ગિરીશ છે, જાતિથી તેઓ કુલીન કાયસ્થ છે. નાટકકાર, વિદ્વાન, કવિકુલતિલક, રંગમંચના વ્યવસ્થાપક, શિક્ષક વગેરે પણ તેઓ છે. આ બધાં તેમનાં એક એક રૂપ છે. પણ વાસ્તવમાં તો તેઓ આ સઘળાં રૂપોથી પર છે. પરંતુ આ વિવિધ રૂપોનાં બંધનમાં તેઓ જીવાત્મા બનીને રહ્યા છે. જ્યારે તેઓ પોતાના સ્વરૂપને ઓળખીને આ રૂપોનો એટલે કે આ બંધનોનો ત્યાગ કરી દેશે, એ જ ક્ષણે તેઓ પરમાત્મામાં લીન થઈ જશે. તમે મોટાં ભૂખંડો જોયાં છે ને? એક એક ભૂખંડમાં હજારો ખેતરો હોય છે. આ ખેતરો બીજું કંઈ નથી પણ આ વિશાળ ભૂખંડનો જ ભાગ છે. આ ખેતરો વાડને લઈને અલગ અલગ જણાય છે. જો આ વાડોને દૂર કરી દેવામાં આવે તો ભૂખંડ વાડોને લઈને હજારો ખેતરોમાં વહેંચાયેલો હતો તે ફરી એક વિશાળ ક્ષેત્ર બની જશે. આ જ રીતે જીવાત્મા રૂપોથી મુક્ત થતાં જ અસીમ, અનંત પરમાત્મામાં લીન થઈ જશે. જીવાત્મા રૂપોને છોડીને આ સ્થિતિ પ્રાપ્ત કરે તેને જ લય કહે છે.

પાઠક : તમારા મંતવ્ય મુજબ શું પરમાત્મા નિરાકાર અને મન બુદ્ધિથી અગોચર છે?

ભક્ત : તેઓ નિરાકાર પણ છે અને સાકાર પણ છે. આકાશ અને વાયુ જે રીતે નિરાકાર હોવા છતાં પણ એક રીતે સાકાર છે, એ જ રીતે પરમાત્મા પણ નિરાકાર થઈને એક રૂપે સાકાર છે. તેનો અર્થ એ કે તેઓ જે જે આધારોમાં છે, તે આધારોના રૂપમાં તેઓ સાકાર છે. તેઓ મનુષ્યના પાત્રમાં મનુષ્યનું રૂપ લઈને ગાયના પાત્રમાં ગાયનું રૂપ લઈને, વૃક્ષના પાત્રમાં વૃક્ષનું રૂપ લઈને રહ્યા છે. પાણીને તો કોઈ આકાર જ નથી, પણ તેને થાળીમાં રાખો તો થાળી જેવું ગોળ, કળશમાં રાખો તો કળશ જેવું લાંબુ, અને ઘડામાં રાખો તો ઘડા જેવું બની જાય છે. અહીં પણ એવું જ છે.

તેઓ મન-બુદ્ધિથી અગોચર હોવા છતાં પણ મન-બુદ્ધિથી ગોચર છે. જ્યાં મન-બુદ્ધિ અશુદ્ધ છે, ત્યાં તેઓ અગોચર છે. પરંતુ બીજી બાજુ શુદ્ધ મન અને શુદ્ધ બુદ્ધિથી ગોચર છે. આ રીતે તેઓ અનંત હોવા છતાં માયાને લઈને સાન્ત પણ છે. નિર્વિકાર હોવા છતાં પણ વિકારથી યુક્ત છે. નામરહિત હોવા છતાં પણ નામથી યુક્ત છે. અર્થાત્‌ પરમાત્મા હોવા છતાં પણ જીવાત્મા છે, પણ અલગ રૂપે. એટલા માટે વિશ્વગુરુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ આ બધા વિષયોની ચર્ચા કરતા હસતાં હસતાં કહે છે, – ‘આ પણ બરાબર છે, પેલું પણ બરાબર છે, વળી આ બંને સિવાય પણ જે કંઈ પણ છે, તે ય બરાબર છે.’ ઠાકુરે આ ભાવ દ્વારા સઘળા સંદેહોનો નાશ કરી દીધો છે. તેમણે સર્વધર્મોનો સમન્વય કર્યો અને વૈશ્વિક સ્તરે સમાન ધર્મની આધારશીલા નાખી. પ્રચલિત ધર્મોમાં એકબીજા પ્રત્યે જે દ્વેષભાવ હતો, તેને નિર્મૂળ કરીને એમણે રામકૃષ્ણ અવતારમાં ‘વિવાદ-વિભંજન’ નામ ધારણ કર્યું. ઠાકુરે જે કંઈ પણ કર્યું કે કહ્યું, એ બધું શાસ્ત્ર-સંમત તો છે જ, પણ એ સાથે એમાં એક વિશેષ નાવીન્ય રહેલું છે, તે એ છે કે તેમણે કોઈને પણ ત્યાજ્ય નથી ગણ્યું. લોકશિક્ષણના ઉદ્દેશથી તેઓ કહે છે; ‘બધું જ સત્ય છે, બધું જ સત્ય છે. તમે બધા ઝઘડો નહીં જે મતે, જે પથે, જેની જવાની ઇચ્છા છે, તે મત અને પથ પર સરળ મન અને વ્યાકુળ હૃદયથી ચાલ્યા જાઓ. કોઈને બે દિવસ વહેલી, તો કોઈને બે દિવસ મોડી પણ ઈશ્વરપ્રાપ્તિ અવશ્ય થશે જ.’ ઠાકુરની પાસે બધા જ ધર્મોના અનુયાયીઓ આવતા અને તેઓ બધાની મનોકામના પૂરી કરતા. જેમણે પણ ઠાકુરને ઈશ્વર પ્રાપ્તિના સહાયક તરીકે સ્વીકાર્યા, તેમણે ઈશ્વરને મેળવ્યા. ઈશ્વર-તત્ત્વ જાણે કે આપણા ઠાકુરના ભંડારના ચણા-મમરા જેવું છે. ઇચ્છા કરવાથી જ છાબડી ભરી દેશે. તેઓ ભાવાવસ્થામાં કહેતા: ‘જો ધન-પુત્ર ઇચ્છતા હો તો તારકેશ્વર જાઓ અને જો ભગવાન ઇચ્છતા હો તો અહીં આવો.’

પાઠક : તમે ઠાકુરને શી પ્રાર્થના કરો છો? અથવા તો એની પાસેથી કઈ વસ્તુની માંગણી કરો છો?

ભક્ત : હું એ પ્રાર્થના કરું છું કે ઠાકુર તમારા પ્રત્યે મને ક્યારેય અભાવ ન જાગે અને તમારી સેવા-પૂજા છોડી દેવાની ભાવના મારા મનમાં ક્યારેય ન આવે. આ બે પ્રાર્થનાઓ કરું છું.

પાઠક : ભગવાન, ભગવાન ફક્ત સાંભળવામાં જ આવે છે. વળી એ પણ સાંભળું છું કે લોકો ભગવાનને પ્રાપ્ત કરે છે. એમની સાથે વાતો કરે છે, ખેલ કરે છે, આ બધું પણ સાંભળ્યું છે. બીજા કોઈ કોઈ વળી એમ પણ કહે છે કે તેઓ નિરાકાર છે, મન-બુદ્ધિથી પર છે. વળી યોગીઓ એમ કહે છે કે તેમને યોગસાધના દ્વારા મેળવી શકાય છે. જો આ બધું હોય તો ભગવાન પછી છે શું?

ભક્ત : તમારો પ્રશ્ન એ જ તમારો ઉત્તર છે. તમે એમને જે કહેશો, જેવા ધારશો, બરાબર તેવા જ તેઓ છે. મેં ઠાકુર પાસેથી સાંભળ્યું હતું કે એક ખૂબ જ ભક્તિભાવવાળા ભક્તે ગુરુને પૂછ્યું : ‘સાધન-ભજન કેવી રીતે કરું?’ ગુરુએ પૂછ્યું : ‘તને કોના ઉપર સહુથી વધારે પ્રેમ છે?’ શિષ્યે કહ્યું : ‘મારી કાળી ભેંસ મને બહુ વહાલી છે.’ આ વાત સાંભળીને ગુરુએ શિષ્યને આદેશ આપ્યો કે ‘તું તારી એ ભેંસનું ધ્યાન કર.’ ગુરુની આજ્ઞા પ્રમાણે શિષ્ય ભેંસનું ધ્યાન કરવા લાગ્યો અને તેણે ભેંસના રૂપમાં ભગવાનને પ્રાપ્ત કર્યા. આ બાજુ ઋષિ-મુનિઓ, તપસ્વીઓ, યોગીઓ, યુગોથી સાધના-તપસ્યામાં રત છે. તેમણે પોતાનાં ધ્યાન અને તપસ્યાના બળ પર ભગવાનને એવા વિરાટ રૂપમાં જોયા છે કે તેઓ તેમની મહાનતા કે વિશાળતાની તસુભાર પણ સીમા આંકી શક્યા નથી. જે એક સ્થળે અનંત અને અસીમ છે. તે જ બીજી જગ્યાએ સાકાર રૂપે રહેલા છે. વામન, વરાહ વગેરે અવતારોની કથા સાંભળી છે ને? કૃષ્ણાવતારમાં તેઓ યશોદાના કહાન્‌ હતા. ગોવાળિયાઓના સખા હતા. રામ રૂપમાં તેમણે સાવકી માતાના ષડ્‌યંત્રને લઈને વનમાં વનગમન કર્યું. જેઓ જીવના હૃદયકમળમાં બિંદુ રૂપે રહેલા છે, તેઓ જ સૃષ્ટિના અધિષ્ઠાતા છે. તથા એમના એક એક રોમમાં કોટિ કોટિ બ્રહ્માંડ રહેલાં છે. રૂપ, રસ, શબ્દ, સ્પર્શ અને ગંધ જેમની પાસે પહોંચી શકતાં નથી. તેઓ જ આ પાંચ રૂપોમાં પરિણમ્યા છે. અને પોતે જ આ પાંચેયના ભોક્તા છે. જે વજ્રથી પણ વધારે કઠોર છે. તેઓ જ પાછા ખીલેલાં કમળ પુષ્પ કરતાંય વધારે કોમળ છે. જેઓ જે ભાવે તેમને જુએ છે, અને તેમનું ચિંતન કરે છે, તેમની સમક્ષ તેઓ બરાબર એવા જ છે. આનાથી સમજી  જાઓ કે ભગવાન કેવા છે!

(ક્રમશ:)

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.