(મે ’૦૮થી આગળ)

આદેશ અને યાત્રાની તૈયારી

(૧૮૯૧માં સ્વામી વિવેકાનંદ ઉત્તર પશ્ચિમ ભારતના પરિભ્રમણ દરમ્યાન તેઓ ત્યાંના અનેક લોકો વિશેષ કરીને ખેતડી નરેશ રાજા અજિતસિંહજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. ત્યાર પછી સ્વામીજી કન્યાકુમારી તથા મદ્રાસ ગયા. ત્યાંથી અમેરિકા જવાની તૈયારી કરવા લાગ્યા. પછીથી એમની અમેરિકા યાત્રા અને સંપૂર્ણ જીવનકાર્યમાં રાજસ્થાન અને એમાંય વિશેષ કરીને ખેતડી નરેશનું કેવું સ્થાન અને પ્રદાન રહ્યું – એ વિશે હવે આપણે ક્રમશ: ચર્ચા કરીશું.)

ઠાકુર શ્રીરામકૃષ્ણનું દર્શન અને એમણે આપેલ આદેશ

મદ્રાસમાં સ્વામીજી અમેરિકા જવા માટે જ્યારે દૈવી આદેશની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે એમના મનમાં વિચાર આવ્યો કે શ્રીમા સારદાદેવી તો પોતાના ગુરુદેવ ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસહધર્મિણી અને એમના સાક્ષાત્‌ પ્રતિરૂપ છે. એટલે આ વિશે એમને એક પત્ર કેમ ન લખવો! તેઓ જ મને ખરેખરું માર્ગદર્શન આપી શકશે. અને જે કંઈ આદેશ થશે એને હું હસતે મુખે શિરોમાન્ય ગણીશ.

એમના મનમાં આવો વિચાર પ્રવાહ ચાલતો હતો ત્યારે એક દિવસ અચાનક એમને એક દર્શન થયું. એ દર્શનના ફળ સ્વરૂપે વસ્તુસ્થિતિ પૂરેપૂરી બદલી ગઈ – એમને અમેરિકા જવા માટે શ્રીરામકૃષ્ણનો પ્રત્યક્ષ આદેશ મળી ગયો અને એ વિશે એમના મનમાં રહેલી બધી શંકાઓ સદાને માટે દૂર થઈ ગઈ. આ ઘટના આવી છે:

એક રાત્રે સૂતી વખતે તેઓ તંદ્રાવસ્થામાં હતા. એ વખતે એમને એક અદ્‌ભુત સ્વપ્ન દેખાયું : ‘શ્રીરામકૃષ્ણ જ્યોતિર્મય દેહે સમુદ્ર કિનારેથી સમુદ્રના જળ પર થઈને ચાલતા જઈ રહ્યા છે અને પોતાના હાથે એમને પણ પાછળ પાછળ આવવાનો ઈશારો કરી રહ્યા છે.’ નિદ્રા ભંગ થયા પછી એમનું હૃદય એક અવર્ણનીય આનંદથી પૂર્ણ થઈ ગયું. એ સમયે એમના કાનમાં એક દૈવીવાણી પણ ગુંજી ઊઠી : ‘જાઓ.’ સ્વપ્નનાં આ દર્શન તથા આદેશ પછી એની (સ્વામીજીના મનની) દ્વિધાનો ભાવ દૂર થઈ ગયો. શ્રીરામકૃષ્ણની ઇચ્છા જાણી લીધા પછી હવે એમનો પાશ્ચાત્ય દેશોમાં જવાનો સંકલ્પ દૃઢ થઈ ગયો. (શ્રીરામકૃષ્ણે સ્વામીજીને સમુદ્ર યાત્રાનો જે આદેશ આપ્યો હતો એ વિશે એક બીજી રોચક સૂચના પણ જાણવા મળે છે. એ વાત રામકૃષ્ણ સંઘના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી શંકરાનંદજી મહારાજ પાસેથી જાણવા મળી. એમણે દર્શાવ્યું હતું: ‘જુઓ, સ્વામીજી વિશે ઘણી વાતો આજે પણ લોકો જાણતા નથી. એક ઘટના તમને હું વર્ણવું છું. આ ઘટના મેં આર.એ. નરસિંહાચાર્ય પાસેથી સાંભળી હતી. સ્વામીજી વિશ્વધર્મ મહાસભામાં જશે કે નહિ એ વિશે તેઓ વિમાસણમાં હતા. આમ હોવા છતાં પણ એમનો મદ્રાસી મિત્રસમૂહ એમને શિકાગો મોકલવા માટે ઘણા પ્રયત્ન કરી રહ્યો હતો. મદ્રાસમાં સ્વામીજી જ્યાં રહેતા હતા, શ્રીનરસિંહાચાર્ય પણ એમના પાસેના ઓરડામાં રહેતા. એમણે બે-ચાર દિવસ સુધી લગાતાર સાંભળ્યું – સ્વામીજી મોડી રાત સુધી કોઈની સાથે વાદવિવાદ કરી રહ્યા છે અને આ ચર્ચા લાંબો સમય ચાલતી રહેતી. કેટલાય દિવસો સુધી આવું ચાલતું રહ્યું એટલે શ્રીનરસિંહાચાર્યે સ્વામીજીને પૂછ્યું: ‘સ્વામીજી, આટલી રાત સુધી આપ કોની સાથે આ વાદવિવાદ કરતા હતા?’ પહેલાં તો સ્વામીજીએ એની સમક્ષ કંઈ પ્રગટ કરવા ઇચ્છ્યું નહિ. નરસિંહાચાર્ય પણ કંઈ એમ છોડી દે તેવા ન હતા. ઠીક ઠીક પ્રમાણમાં અનુરોધ કર્યા પછી સ્વામીજીએ કહ્યું: ‘મારી શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં જવાની ઇચ્છા ન હતી. મનમાં ને મનમાં મેં ત્યાં ન જવાનો નિશ્ચય કરી લીધો હતો. પરંતુ શ્રીરામકૃષ્ણ કેટલાક દિવસોથી મને વારંવાર દર્શન આપીને કહે છે: ‘તું મારા કાર્ય માટે આવ્યો છે. તારે જવું જ પડશે. તારા માટે જ એ સભાનું આયોજન થઈ રહ્યું છે. તારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. તારી વાતો સાંભળીને લોકો મુગ્ધ બની જશે.’ હું જેટલી ના પાડું, તેઓ એટલા જ પ્રમાણમાં મને ત્યાં જવા માટે હઠ કરતા. આમ બે-ચાર દિવસ આવી જ ચર્ચાવિચારણા થતી રહી. આખરે શ્રીઠાકુરનો આદેશ શિરોધાર્ય કરીને જવા માટે હું તૈયાર થયો છું.’ – સ્વામી વિવેકાનંદ : એ ૧૦૦ યર્સ સિન્સ શિકાગો, બેલૂર મઠ, ૧૯૯૪ – વિવેકાનંદ ઓન ધ વે ટુ શિકાગો, સ્વામી ચેતનાનંદ, પૃ.૧૦-૧૧)

શ્રીમાના આશીર્વાદ

પરંતુ ગુરુમાતા શ્રીમા સારદાદેવીના આશીર્વાદ લઈને જ તેઓ કોલકાતાથી આ યાત્રાપ્રવાસે નીકળ્યા હતા. હવે આ વિદેશયાત્રા પહેલાં પણ એમને માટે શ્રીમાને જાણ કરવી તથા એમનાં સ્વીકૃતિ, આશીર્વાદ તેમજ કૃપા મેળવવા આવશ્યક હતાં. આ પત્ર શ્રદ્ધા, મૃદુતા તથા પ્રેમભાવથી પરિપૂર્ણ હતો. એમાં એમણે પોતાના સંકલ્પ વિશે શ્રીમાને સુચિત કરતાં બતાવ્યું હતું કે શ્રીઠાકુરના નામે હનુમાનજીની જેમ (તેઓ) સમુદ્ર પાર કરવા જઈ રહ્યા છે અને તેઓ એવું પણ અનુભવી રહ્યા છે કે નિયતી જ એમને આગળ લઈ જઈ રહી છે. અંતે એમણે પ્રણામ પાઠવીને આશીર્વાદની યાચના શ્રીમા પાસે કરી હતી. પત્રમાં એમણે એક અનન્ય મહત્ત્વપૂર્ણ અનુરોધ પણ કર્યો હતો : અમેરિકાથી એમનો પછીનો પત્ર આવતાં સુધી તેમના આ સંકલ્પની વાતની કોઈનેય જાણ ન થાય. પત્રને કવરમાં નાખીને ચોંટાડી દીધા પછી એમને પ્રણામની મુદ્રામાં એ પત્રને પોતાના શિરે ચડાવ્યો અને પછી મોકલી દીધો.’ (લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ, ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ, ૧૯૧૩, વો.૨, પૃ.૨૫૨)

સ્વામી સારદાનંદજીના ૨૮ ફેબ્રુઆરી, ૧૮૯૩ના પત્રમાં આમ લખ્યું છે: ‘ઘણા દિવસોથી નરેન્દ્રનાથના હાથે લખેલ કંઈ મળ્યું નથી. પરંતુ લોકોના મુખે સાંભળ્યું છે કે તેઓ રામેશ્વર ધામની યાત્રા કર્યા પછી અત્યારે મદ્રાસમાં નિવાસ કરી રહ્યા છે. (બંગાળી ગ્રંથ, સ્વામી સારદાનંદ – જીવનકથા, બ્ર. પ્રકાશચંદ્ર, વસુમતી સાહિત્ય મંદિર, કોલકાતા, ૧૯૩૬, પૃ.૯૧)

આના પરથી એવો નિષ્કર્ષ તારવી શકાય કે શ્રીમાને પત્ર લખવાની ઘટના ફેબ્રુઆરી પછી જ માર્ચના પ્રારંભમાં બની હશે.

શ્રીમાની પ્રતિક્રિયા

સ્વામીજીનો એ પત્ર શ્રીમાને જયરામવાટીમાં જ મળ્યો હતો, કારણ કે શ્રીમાની જીવનકથામાં સ્વામી ગંભીરાનંદજી આમ લખે છે : ‘ઓક્ટોબર ૧૮૮૦ થી ૧૮૯૩ સુધી જયરામવાટીમાં રહીને શ્રીમા કોલકાતા આવ્યા અને બેલૂરમાં ગંગા તટે નિલાંબર મુખોપાધ્યાયના મકાનમાં રહેતાં. (શ્રીમા સારદા, અદ્વૈત આશ્રમ, નવું સંસ્કરણ, પૃ.૧૩૯)

સ્વામીજીએ વિદેશ જવાની અનુમતિ માગતાં શ્રીમાને જે પત્ર લખ્યો હતો એ વિશે કેટલીક જાણકારી કિરણચંદ્ર દત્તની એક સ્મૃતિકથામાં મળી આવે છે. સ્વામી તુરીયાનંદજી પાસેથી સાંભળેલી એ ઘટના આવી છે : ‘સ્વામીજી એ દિવસોમાં મદ્રાસમાં હતા. શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં જવાની તૈયારી ચાલતી હતી. મદ્રાસવાસી ભક્તવૃંદ આલાસિંગાના નેતૃત્વ હેઠળ સ્વામીજીને અમેરિકા મોકલવાની વ્યવસ્થામાં રત હતા. એવો નિર્ણય થયો કે તેઓ મદ્રાસથી જ રવાના થશે. એ દરમિયાન સ્વામીજીને સ્વપ્નમાં શ્રીરામકૃષ્ણનું દર્શન થયું. એમાં એમણે સંકેતથી તેમને સમુદ્ર પાર જવા કહ્યું હતું. વચ્ચે વચ્ચે સ્વામીજીના મનમાં શંકા-દ્વિધા થતી અને તેઓ ચિંતિત બની જતા. મનમાં ને મનમાં વિચારતા – શું આ નિર્દેશ ખરેખર રામકૃષ્ણનો જ છે?… એ સમયે એમને યાદ આવ્યું કે શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું: ‘તેઓ (શ્રીમા) હશે, જ્યારે ક્યારેય સંદેહ થાય તો એમને પૂછી લેવું.’ એમણે તત્કાળ નિર્ણય કર્યો કે તેઓ એક પત્ર લખીને શ્રીમાનો અભિપ્રાય પૂછશે અને તેઓ જે કહેશે એ જ કરશે.

સ્વામીજીને શ્રીમા એ સમયે ક્યાં છે, તેઓ કોલકાતામાં છે કે જયરામવાટીમાં, એનો ખ્યાલ ન હતો. એટલે એમણે આલામબજાર મઠમાં શરત મહારાજ (સ્વામી સારદાનંદજી)ને એક પત્ર લખ્યો અને એ જ કવરમાં એમણે શ્રીમાના નામે લખેલી ચિઠ્ઠી પણ મોકલી દીધી, જેથી શરત મહારાજ એ પત્ર શ્રીમાને મોકલી શકે. શ્રીમા એ સમયે જયરામવાટીમાં હતાં. શરત મહારાજે એ પત્ર ટપાલ દ્વારા જયરામવાટી મોકલ્યો.

એ દિવસે સવારે શ્રીમાએ કાલીમામાને કહ્યું: ‘જા, આજે એક પત્ર આવશે. નરેનનો પત્ર આવશે. તું લઈ આવ.’.. જઈને એમણે જોયું તો ટપાલી તો કેવળ એક જ પત્ર લઈ આવ્યો છે અને એ બેઠો છે. એ જ શ્રીમાને લખેલ સ્વામીજીનો પત્ર હતો. ટપાલીએ કહ્યું: ‘સારું થયું આપ આવી ગયા. આપનાં દીદીનો પત્ર છે…’ પત્ર પર લખ્યું હતું: ‘અર્જન્ટ’. કાલીમામાએ પાછા આવીને શ્રીમાને કહ્યું: ‘દીદી તમારો પત્ર આવ્યો છે.’ શ્રીમા એ સમયે શાકભાજી સુધારતાં હતાં. તેમણે કહ્યું: ‘પત્ર ખોલીને વાંચ.’ સાંભળ્યા પછી શ્રીમાએ કહ્યું: ‘કાગળ અને કલમ લઈ આવ. લખ – અવશ્ય જજે. આ ઠાકુરનું કાર્ય છે. એનાથી જગતનું મંગલ થશે.’ નાની મા (શ્યામાસુંદરી દેવી) એક ખૂણામાં બેઠાં બેઠાં જપ કરી રહ્યાં હતાં. તેઓ બોલી ઊઠ્યાં: ‘ક્યાં મોકલે છે? સાત સમુદ્ર, તેર નદીઓની પાર!’ શ્રીમાએ કહ્યું: ‘શ્રીઠાકુરે કાલ રાતે મને દર્શન આપીને કહ્યું હતું : ‘કાલે નરેનનો પત્ર આવશે. આ મા જગદંબાનું કાર્ય છે. એનાથી જગતનું કલ્યાણ થશે. એને જવાનું કહી દેજે.” (યુગદિશારી વિવેકાનંદ, બંગાળી, ઉદ્‌બોધન, કોલકાતા, સં.૨૦૦૧, પૃ.૩૩૩-૩૪)

શ્રીમાને થયેલ અદ્‌ભુત દર્શન

શ્રીરામકૃષ્ણના મુખ્ય શિષ્ય રૂપે જ શ્રીમા નરેન પર શ્રદ્ધાવિશ્વાસ રાખતાં હોય એવું કંઈ નથી. શ્રીરામકૃષ્ણના દેહત્યાગ પછી એમને એક અદ્‌ભુત દર્શન થયું. એમાં તેઓ (શ્રીઠાકુર) નરેન્દ્રના શરીરમાં પ્રવેશ કરીને એકાકાર થઈ ગયા હતા. એનાથી તેઓ સમજી ગયાં કે શ્રીરામકૃષ્ણ હવે નરેન્દ્રના માધ્યમથી જ કાર્ય કરશે. આ દર્શનનું વિવરણ આ પ્રમાણે છે :

વૃંદાવનથી પાછા ફરીને જ્યારે તેઓ કામારપુકુરમાં હતાં, એ દિવસોમાં તેઓ વિચારતાં: ‘અહીં ગંગાજી નથી, કેવી રીતે રહીશ?’ એક દિવસ એમણે જોયું તો સામેના રસ્તેથી આગળ આગળ શ્રીરામકૃષ્ણ આવી રહ્યા છે, એની પાછળ નરેન, બાબુરામ, રાખાલ, બીજા ઘણા ભક્તો આવી રહ્યા છે. એમણે જોયું તો શ્રીરામકૃષ્ણનાં ચરણમાંથી જલધારા નીકળી રહી છે અને તે એક પ્રવાહના રૂપે એમની આગળ આગળ વહી રહી છે. એમના મનમાં થયું – અરે! આ જ તો બધું છે, એમનાં ચરણકમળમાંથી જ ગંગાજી નીકળે છે! તેઓ તત્કાળ મૂઠીભરીને ફૂલ ચૂંટી લાવ્યાં અને ગંગાજીને ચડાવવાં લાગ્યાં. ત્યાર પછી યોગીનમાને એનું વર્ણન કરતાં શ્રીમાએ કહ્યું હતું: ‘એ સમયે પીપળાના થડની પાસે શ્રીરામકૃષ્ણ ઊભા હતા. અંતે મેં જોયું – શ્રીઠાકુર નરેનના દેહમાં વિલીન થઈ ગયા.’ વળી પાછું તેમણે યોગીનમાને કહ્યું: ‘અહીંની ધૂળ લો અને પ્રણામ કરો.’ (માઁ કી બાતેં, નાગપુર, પ્રથમ સંસ્કરણ, ૧૯૨૭, ભાગ-૧, પૃ.૧૪૪)

આ દર્શનનો સમય જાણવા મળતો નથી. પરંતુ સ્વામીજીનો પત્ર મળ્યા પહેલાના દિવસે એમણે જે દર્શન કર્યું હતું એના વિશે સ્વામીજીના જીવનચરિત્રકાર પ્રમથનાથ બસુ લખે છે :

જે સ્વપ્ન સ્વામીજીએ જોયું હતું, એમણે (શ્રીમાએ) પણ લગભગ એવું જ સ્વપ્ન જોયું. શ્રીરામકૃષ્ણ સમુદ્રના તરંગ પર પગે ચાલીને જઈ રહ્યા છે અને નરેન્દ્રનાથને પોતાની પાછળ પાછળ ચાલ્યો આવવા સંકેત કરી રહ્યા છે. એમને નરેન્દ્ર વિશે શ્રીરામકૃષ્ણે કરેલ ભવિષ્યવાણી પણ યાદ આવી. તેઓ સમજી ગયાં કે નરેન્દ્ર શ્રીરામકૃષ્ણના યુગધર્મસ્થાપનના કાર્યને સંપન્ન કરવા માટે જ વિદેશયાત્રાએ જઈ રહ્યો છે. અત: એમને સ્વામીજીની સુદીર્ઘ યાત્રા વિશે કોઈ આશંકા ન હતી. એમણે નરેન્દ્રને પોતાના સ્વપ્નનો વૃત્તાંત બતાવીને એક આશીર્વાદનો પત્ર મોકલી દીધો. એની સાથે એમણે સ્વામીજીને કેટલાક ઉપદેશ પણ લખ્યા હતા. (સ્વામી વિવેકાનંદ, બંગાળી, પ્રથમ ભાગ, પાંચમું સંસ્કરણ, પૃ.૨૯૨)

સ્વામી અપૂર્વાનંદજીના મતાનુસાર શ્રીમાએ આશીર્વાદ દેતાં આમ લખાવ્યું હતું: ‘બેટા, વિશ્વવિજયી થઈને પાછો ફરજે. તારા મુખમાં મા સરસ્વતી બિરાજમાન રહો. (શ્રીમા સારદા, નાગપુર, સં.૨૦૦૨, પૃ.૨૩૮)

આ ઘટનાના થોડા મહિના પછી શ્રીમાને સ્વામીજી વિશે એક બીજું દર્શન પણ થયું હતું. મે, ૧૮૯૩માં સ્વામીજીના અમેરિકા પ્રસ્થાનના થોડા કાળ પછી આ ઘટના બની હતી. શ્રીમાના જ શબ્દોમાં આ વાત જોઈએ :

એ દિવસે પૂર્ણિમા હતી. ચંદ્ર નીકળ્યો હતો. હું સીડી પર બેસીને ગંગાને નીરખી રહી હતી. જોયું તો પાછળથી શ્રીઠાકુર આવીને ઝડપથી પગથિયા ઊતરીને ગંગામાં વિલીન થઈ ગયા. મને અદ્‌ભુત રોમાંચ થયો. વિસ્મીત થઈને હું જોવા માટે ઊભી થઈ ગઈ. ત્યાં જ કોણ જાણે ક્યાંથી નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ) ગંગાતટ પર આવ્યો અને બંને હાથે એ જળને છાંટવા લાગ્યો. મેં જોયું તો અસંખ્ય લોકો કોણ જાણે ક્યાં ક્યાંથી આવીને નરેનના હાથમાંનું જળ મેળવીને મુક્તિ પામી રહ્યા છે. આ દૃશ્ય જોયા પછી હું કેટલાય દિવસ સુધી ગંગામાં ઊતરી ન શકી.’ (આશુતોષ મિત્ર, મા શ્રી સારદાદેવી, વિવેક જ્યોતિ, જાન્યુ., ૨૦૦૬, પૃ.૨૯; સ્વામી સારદાનંદજીના મતાનુસાર આ દર્શન સ્વામીજીના અમેરિકા પ્રસ્થાન પહેલાં જ થયું હતું. એમણે કહ્યું હતું: ‘સ્વામીજીના અમેરિકા પ્રસ્થાન પૂર્વે શ્રીમાએ આ વિશે એક સ્વપ્ન જોયું હતું. આ સ્વપ્ન આવું છે : શ્રીઠાકુર અને સ્વામીજી ગંગામાં ઊતર્યા. શ્રીઠાકુર ગંગામાં વિલીન થઈ ગયા અને સ્વામીજી એ જ જળને ખોબામાં લઈને ઉપર છાંટવા લાગ્યા. (અર્થાત્‌ જીવોના ઉદ્ધાર માટે શ્રીઠાકુરના ભાવનો પ્રસાર કરવા લાગ્યા)’ સ્વામી સારદાનંદેર સ્મૃતિકથા, સ્વામી ચેતનાનંદ, ઉદ્‌બોધન, કોલકાતા, ૨૦૦૬, પૃ.૧૦૩)

શ્રીમાનો ઉત્તર મળતાં સ્વામીજીએ અનુભવેલ હર્ષોન્માદ

મદ્રાસમાં પત્ર મળ્યા પછી સ્વામીજી સમજી ગયા કે હવે એમનો સંકલ્પ અને એમનું વ્રત સફળ બનીને જ રહેશે. તેમજ તેઓ આનંદથી પ્રફુલ્લિત બની ગયા. આ ઘટના વિશે સત્યેન્દ્રનાથ મજૂમદાર લખે છે:

પત્રને પરમભક્તિ સાથે મસ્તક પર ધારણ કરીને સ્વામીજી ભાવાવેગપૂર્વક અશ્રુપૂર્ણ નેત્રે એક બાળકની જેમ આનંદવિહ્‌વળ બનીને ઓરડામાં નાચવા લાગ્યા. આવી સ્થિતિમાં જોઈને લોકો શું સમજશે – એમ વિચારીને એમણે પોતાના સતત ધબકતા હૃદયને શાંત કરવા માટે બીજાની નજર ન પડે એ રીતે સમુદ્ર કિનારે ચાલ્યા ગયા. મન્મથ બાબુના ભવનમાં નિયમિત સમયે એમના શિષ્ય તથા ભક્તવૃંદ એમની રાહ જોતા હતા. થોડીવારમાં સ્વામીજી ત્યાં પહોંચી ગયા અને એ લોકોને સંબોધીને કહ્યું: ‘વત્સવૃંદ, શ્રીમાની આજ્ઞા મને મળી ગઈ છે. હવે બધા સંદેહ અને બધી ચિંતાઓ દૂર થઈ ગયાં છે. હું અમેરિકા જવા માટે તૈયાર છું. દયામયી માએ આશીર્વાદ દઈ દીધા છે – હવે ચિંતા શી વાતની! (વિવેકાનંદ ચરિત, નાગપુર, નવસંસ્કરણ, પૃ.૧૨૪)

આ આશીર્વાદના વિશે એમણે પોતે જ લગભગ એક વર્ષ પછી અમેરિકાથી પોતાના એક ગુરુભાઈને આમ લખ્યું હતું: ‘માની કૃપા, માના આશીષ મારા માટે સર્વોપરિ છે.. શ્રીમાની આજ્ઞા થતાં આપણે – એમના ભૂતપ્રેત કંઈ પણ કરી શકીએ છીએ. અમેરિકા માટે પ્રસ્થાન કરતાં પહેલાં મેં એક પત્ર લખીને શ્રીમાને આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. એમના આશીર્વાદ આવ્યા અને હું એક જ છલાંગમાં સમુદ્ર પાર કરી ગયો.’ (વિવેકાનંદ સાહિત્ય)

બીજીવાર ધન એકઠું થયું

શ્રીમા સારદાદેવીના આશીર્વાદ આવતાં જ સ્વામીજીને વિશ્વાસ થઈ ગયો કે હવે એમની યાત્રામાં કોઈ બાધાવિઘ્ન આવી ન શકે. સ્વામીજીના આશીર્વાદ લઈને તે લોકો (ભક્તો) ઘરે ઘરે જઈને ધન એકઠું કરવાના કાર્યમાં લાગી ગયા.

સ્વામીજીના કેટલાક જીવનકથાકારોએ સ્વામીજીના યાત્રા ખર્ચ વિશે તરેહ તરેહની વાતો લખી છે. પરંતુ તેઓ અનેક લોકો દ્વારા એકઠી કરેલ આર્થિક સહાયતાથી અમેરિકા ગયા હતા. એમણે પોતે જ પોતાના ‘મારું જીવન અને કાર્ય’ વ્યાખ્યાનમાં આમ કહ્યું હતું: ‘મેં વિચાર્યું કે ભારતદર્શન તો કરી લીધું. ચાલો, હવે કોઈ બીજા દેશને અજમાવીએ. એ સમયે તમારી વિશ્વધર્મ મહાસભા યોજાવાની હતી અને ત્યાં ભારતમાંથી કોઈને મોકલવાના હતા. હું એ દિવસોમાં પરિભ્રમણ કરી રહ્યો હતો. મેં કહ્યું: ‘જો મને મોકલવામાં આવે તો હું જઈશ. એમાં મારું કંઈ બગડવાનું તો નથી. અને કંઈ બગડે તો મને એની પરવા નથી.’ પૈસા એકઠા કરવા મુશ્કેલ હતા. ઘણી મુશ્કેલી સાથે રૂપિયા એકત્ર થયા અને તે પણ મારા ભાડા પૂરતાં જ. બસ, હું અહીં આવી ગયો.’ (કં.વ., વો.૭, પૃ.૮૪-૮૫)

ધન એકઠું કરવામાં પડતી મુશ્કેલીને જોઈને સ્વામીજીએ પગપાળા જ અફઘાનિસ્તાનના માર્ગે ઈંગ્લેન્ડ જવાનો પ્રસ્તાવ મૂક્યો. મુનશી જગમોહનલાલે ખેતડી નરેશને જાણ કરી હતી કે એમની યાત્રા માટે ધન એકત્ર કરે છે અને તેમાં સફળતા ન મળવાની હાલતમાં સ્વામીજી અફઘાનિસ્તાનના રસ્તે પગે ચાલીને યુરોપ જવા તૈયાર છે.

સ્વામીજીના અમેરિકા પ્રસ્થાનના થોડા મહિના પછી એમના એક ગુરુભાઈ સ્વામી શિવાનંદજી મદ્રાસ પહોંચ્યા અને થોડો સમય ત્યાં રહ્યા. સૌભાગ્યવશ એમના એ કાળના કેટલાક પત્રો મળે છે. પછીના સમયે પણ વાર્તાલાપ દરમિયાન સ્વામી શિવાનંદે આ વિશે કેટલીક વાતો કરી હતી.

૧૩ ફેબ્રુઆરી, ૧૮૯૪ના રોજ મદુરાઈથી એમણે એક પત્રમાં લખ્યું છે : ‘મદ્રાસમાં એમના (સ્વામીજીના) અનેક મિત્રો છે.. એ લોકોએ લગભગ ૪૦૦૦ રૂપિયા ફંડ એકત્ર કરીને એમને અમેરિકા મોકલ્યા.’ રૂપિયા કેવી રીતે એકત્ર થયા, ઉપર્યુક્ત સ્વામી શિવાનંદજીના આ પહેલાં ઉદ્ધૃત કરેલ વાર્તાલાપમાં કહેવામાં આવ્યું છે : ‘અહીં મન્મથબાબુએ સ્વામીજીની વાત સાંભળી અને સુબ્રમણ્ય ઐયર વગેરેને કહ્યું: ‘આવી વ્યક્તિ જો આપણી વચ્ચેથી ચાલી જાય તો એ મોટા દુ:ખની વાત હશે. આપણે લોકો જ કેમ દસ હજાર રૂપિયા એકત્ર ન કરી દઈએ! સુબ્રમણ્ય અને મન્મથબાબુ પોતે પાંચસો-પાંચસો દઈને બાકીના રૂપિયાની વ્યવસ્થામાં લાગી ગયા.. હવે મન્મથબાબુ બધા રાજ્યોના રાજા-મહારાજાઓને પત્ર લખીને રૂપિયાની વ્યવસ્થા કરવા લાગ્યા. એ લોકોએ જોયું કે સરકારના અનેક મોટા મોટા કર્મચારીઓ પણ આપે છે. અત: જો કોઈ સંકટ આવે તો બધા એકી સાથે જ ભોગવશે. એટલે રામનદના રાજાએ પણ પાંચસો રૂપિયા મોકલ્યા.. (‘સ્વામી શિવાનંદ સાથે વાર્તાલાપ’, વિવેકજ્યોતિ, જાન્યુઆરી, ૧૯૯૪, પૃ.૧૧૫-૧૭; બંગાળી માસિક ઉદ્‌બોધન, વર્ષ ૩૬, અંક-૧૨, અને વર્ષ ૭૫, અંક-૯, પૃ.૫૩૦-૩૧)

જી. જી. નરસિંહાચાર્યનું કહેવું આમ છે: ‘એમના કેટલાક અનુરાગીઓ ફંડ એકઠું કરવા નીકળી પડ્યા. આ સૂચિમાં સૌથી ઉપર પાંચસો રૂપિયાની રકમ સાથે એક એવા વ્યક્તિનું નામ હતું જે સમગ્ર દક્ષિણ ભારતમાં પોતાની પરોપકારિતા માટે વિખ્યાત હતા. અને એનાથી પણ એક ધનાઢ્ય વ્યક્તિએ રાતી પાઈ આપવાનો ઇન્કાર કરી દીધો અને એમણે સંન્યાસીઓ અને વિશેષ કરીને સ્વામીજીની યોગ્યતા વિશે જ શંકા વ્યક્ત કરી.’ (લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ, ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ, માયાવતી, ૧૯૯૫, ભાગ-૧, પૃ.૩૭૨)

ઉપર્યુક્ત પત્રની સૂચિમાં સૌથી ઉપરનું નામ સંભવત: જસ્ટિસ સર સુબ્રમણ્ય ઐયરનું હતું અને બીજી ટિપ્પણી સંભવત: રામનદના રાજા વિશેની હતી.

સ્વામીજીની જસ્ટિસ સર સુબ્રમણ્ય ઐયરના બંગલે જવાની ઘટનાનું વર્ણન કરતાં સી. રામાનુજાચાર્યે લખ્યું છે: ‘એક દિવસ સવારમાં તેઓ હાથમાં દંડ ધારણ કરીને અત્યંત ભવ્યતા સાથે માયલાપુર, મદ્રાસના લૂઝચર્ચ રોડ પર ટહેલતાં ટહેલતાં પશ્ચિમ તરફ જઈ રહ્યા હતા. લગભગ ૧૫-૨૦ યુવક પણ એમની પાછળ પાછળ જઈ રહ્યા હતા. એ લોકો સર સુબ્રમણ્ય ઐયરના ઘરે એમને મળવા અને એમની સમક્ષ સ્વામીજીને વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા માટે અમેરિકા મોકલવાનો પ્રસ્તાવ રાખવાના હતા… મેં સડકના અંત સુધી એમનું અનુસરણ કર્યું, પરંતુ તેઓ જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ મોટી ભીડ એકત્ર થતી ગઈ અને જ્યારે મુખ્ય વૃંદ સર સુબ્રમણ્ય ઐયરના ઘરમાં પ્રવેશ્યું ત્યારે એ લોકોની સાથે મારે પણ બહાર જ રહેવું પડ્યું. એ સમયે મને કેવળ એટલું જ સાંભળવા મળ્યું કે તેઓ એક મહાન સંન્યાસી છે અને એમને વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા અમેરિકા મોકલવામાં આવી રહ્યા છે. (લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ, ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ, માયાવતી, ૧૯૯૫, ભાગ-૧, પૃ.૩૬૨-૬૩)

સર સુબ્રમણ્ય ઐયર પાસેથી પાંચસો રૂપિયાનું પહેલું મોટું ફંડ મળ્યું. એની સાથે મન્મથ ભટ્ટાચાર્યે પણ પાંચસો રૂપિયાનું પોતાનું અંશદાન આપ્યું હશે. આ રીતે ૧૦૦૦ રૂપિયા ભેગા થઈ ગયા પછી બાકીના રૂપિયા ત્રણ હજારની વ્યવસ્થા કેવી રીતે થઈ, એ વિશે અમે સ્વામીજીની અંગ્રેજી જીવનકથાના એક અંશનું ઉદ્ધરણ આપી શકીએ છીએ:

‘માર્ચ તથા એપ્રિલ મહિનામાં સ્વામીજીના મદ્રાસી શિષ્યોએ એમને અમેરિકા જવા માટે ફંડ એકઠું કરીને યાત્રા ખર્ચ એકત્ર કરવાના હેતુ સાથે કેટલાંક નિશ્ચિત પગલાં લીધાં. આ ઉદ્દેશ્ય સાથે એમનામાંથી કેટલાક મૈસૂર, રામનદ અને હૈદરાબાદ સુધી ગયા. જેમને સ્વામીજીએ શિષ્ય બનાવ્યા હતા અથવા તો જે લોકો એમના નિષ્ઠાવાન પ્રશંસક હતા એવા લોકો પાસે તેઓ ગયા. ફંડ એકઠું કરવા માટેની બનેલી સમિતિના આગેવાન હતા, સ્વામીજીના એકનિષ્ઠ શિષ્ય આલાસિંગા પેરુમલ. એમને ઘરે ઘરે જઈને ભીખ માગવામાં જરાય ખચકાટ ન થતો. તેઓ તથા એમના અનુગામી યુવકોએ જ મોટા ભાગનું ધન એકઠું કર્યું. તેઓ મુખ્યત: મધ્યમવર્ગના લોકો પાસે ગયા, કારણ કે સ્વામીજીએ એમને કહ્યું હતું: ‘જો માની ઇચ્છા છે કે હું જાઉં તો મારે સામાન્યજનો પાસેથી જ ધન પ્રાપ્ત કરવું પડશે. કારણ કે ભારતની આમજનતા – નિર્ધન જનતા માટે જ હું પશ્ચિમની યાત્રા કરી રહ્યો છું.’ (લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ, ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ, માયાવતી, ૧૯૯૫, ભાગ-૧, પૃ.૩૭૯)

(ક્રમશ:)

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.