શિષ્ય : સ્વામીજી! શ્રીરામકૃષ્ણ કહેતા કે માણસ પહેલાં કામ અને કાંચનનો ત્યાગ ન કરે તો આધ્યાત્મિક અનુભૂતિમાં બહુ આગળ ન વધી શકે. જો એમ હોય તો પછી બિચારા ગૃહસ્થાશ્રમીઓની શી ગતિ? કારણ કે તેમનું સમગ્રમન તો આ બે વસ્તુઓ ઉપર જ ચોટેલું હોય છે.

સ્વામીજી : એ ખરું છે કે જ્યાં સુધી કામ અને કાંચનની વાસના મનમાંથી નીકળી ગઈ ન હોય ત્યાં સુધી કદી મન ઈશ્વરાભિમુખ થાય નહિ, પછી એ માણસ ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય. આ એક હકીકત તરીકે જાણી લેજો કે જ્યાં સુધી મન આ બે બાબતોમાં અટવાઈ રહ્યું હોય ત્યાં સુધી સાચી ભક્તિ, નિષ્ઠા અને શ્રદ્ધા કદી આવી શકે નહિ.

શિષ્ય : તો પછી ગૃહસ્થાશ્રમીઓ ક્યાં જાય? એમને માટે રસ્તો શો?

સ્વામીજી : એમણે નાની નાની ઇચ્છાઓ સંતોષીને પૂરી કરી લેવી અને મોટી મોટી વાસનાઓનો વિવેક દ્વારા ત્યાગ કરવો, એ તેમને માટે રસ્તો છે. ત્યાગ વિના ઈશ્વરનો સાક્ષાત્કાર કદી થઈ શકે નહિ. યદિ બ્રહ્મા સ્વયં વદેત્ । ‘પછી ભલે ને બ્રહ્મા એમ કહે’

શિષ્યઃ ‘પરંતુ સાધુ થતાંવેત જ શું તમામ બાબતોના ત્યાગ સિદ્ધ થઈ જાય?’

સ્વામીજી : સંન્યાસીઓ કાંઈ નહિ તો ત્યાગને માટે તૈયાર થવાનો પ્રયત્ન તો કરી જ રહ્યા છે, જ્યારે ગૃહસ્થોની દશા તો લાંગરેલી હોડીને હલેસાં માર્યા કરવા જેવી છે. ભોગવાસના શું કદીય તૃપ્ત થઈ શકે છે? ‘ભૂય એવાભિવર્ધતે। ’એ તો વધુ ને વધુ પ્રબળ બનતી જાય છે.’ ન તુ કામઃ કામાનામુપભોગેન શામ્યતિ । હવિષા કૃષ્ણવર્ત્મવ ભૂય એવાભિવર્ધતે ॥

(શ્રીમદ્ ભાગવત ૧૦: ૧૯:૧૪)

ભોગ્ય પદાર્થોના ઉપભોગથી ઇચ્છા કદી શાંત પડતી નથી; પરંતુ ઘી નાખવાથી વધતા અગ્નિની જેમ તે વધ્યા જ કરે છે.

શિષ્યઃ કેમ ભલા? લાંબા કાળ સુધી ઇંદ્રિયોના ભોગો ભોગવ્યા પછી સંસારનો કંટાળો ન આવે?

સ્વામીજી : કહો જોઈએ, કેટલાને એ આવે છે? સતત વિષયસંગથી મન મલિન થાય છે અને તેની છાપ તેના ઉપર કાયમને માટે પડે છે. ત્યાગ અને કેવળ ત્યાગ જ સર્વ પ્રકારના આધ્યાત્મિક અનુભવનો મૂળ મંત્ર, સાચું રહસ્ય છે.

શિષ્ય : પરંતુ શાસ્ત્રોમાં ઋષિઓનાં એવાં વચનો પણ છે ને કે ‘ગૃહેષુ પંચેન્દ્રિયનિગ્રહસ્તપઃ। સ્ત્રીપુત્રાદિની સાથે ઘરમાં રહીને પાંચે ઇંદ્રિયોનો નિગ્રહ કરવો એ તપ છે.’ તથા ‘નિવૃત્તરાગસ્ય ગૃહં તપોવનમ્। જેના મનમાંથી આસક્તિ નીકળી ગઈ છે એવા માણસને માટે ઘર જ તપોવન બને છે.’

સ્વામીજી : જેઓ ઘરમાં કુટુંબની સાથે રહીને પણ કામ અને કાંચનનો ત્યાગ કરી શકે તેઓ જરૂર ધન્ય છે! પરંતુ એમ કેટલા કરી શકે?

શિષ્ય : પરંતુ, અત્યારે સંન્યાસીઓનું શું છે? શું તેઓ બધાય કામ અને કાંચનના ભોગની ઇચ્છાનો સંપૂર્ણ રીતે ત્યાગ કરી શકે છે?

સ્વામીજી : મેં તમને હજી હમણાં જ કહ્યું તેમ સંન્યાસીઓ ત્યાગને રસ્તે છે, ઓછામાં ઓછું તેઓ ધ્યેય સારુ લડવા માટે મેદાનમાં તો ઊતર્યા જ છે, પરંતુ બીજી બાજુએ ગૃહસ્થાશ્રમીઓ તો કામ અને કાંચનમાંથી ઉત્પન્ન થતા ભયનો હજી કશો પણ ખ્યાલ ન હોવાથી આત્મસાક્ષાત્કારનો પ્રયત્ન સરખોય કરતા નથી. કામ અને કાંચનનો ત્યાગ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એ ખ્યાલ સરખોય હજી તેમના મનમાં આવતો નથી.

શિષ્ય : પરંતુ તેમાંના ઘણા એ માટેનો પ્રયત્ન કરી રહ્યા છે.

સ્વામીજી : હા; અને જેઓ એમ કરે છે તેઓ ક્રમે ક્રમે ત્યાગ કરશે; કામ-કાંચન માટેની તેમની તીવ્રઆસક્તિ ધીમે ધીમે ઓછી થતી જશે. પરંતુ જેઓ “અરે! અત્યારથી શું કરવા? વખત આવે ત્યારે જોઈશું,” એમ કહીને ટાળાટાળ કરે છે. એમનાથી આત્મસાક્ષાત્કાર ઘણો જ દૂર છે.

શિષ્ય : પરંતુ શ્રીરામકૃષ્ણ નહોતા કહેતા કે ‘મનુષ્ય જો ઈશ્વરની પ્રાર્થના કરે તો તેમની કૃપાથી તેની આ બધી આસક્તિ દૂર થઈ જાય?’

સ્વામીજી : હા, ઈશ્વરની કૃપાથી એમ થાય એમાં શક નથી, પરંતુ એ કૃપા મેળવતાં પહેલાં માણસે વિચાર, વાણી અને કર્મથી બધી રીતે પવિત્ર થવાની જરૂર છે. ત્યારે જ ઈશ્વરની કૃપા થાય.

(સ્વા. વિ. ગ્રં.સંચયન – પૃ.૩૦૮-૯)

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.