પાઠક : જેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે, તેમની અવસ્થા કેવી હોય છે?

ભક્ત : બાફેલાં બટેટાં-રીંગણાંની જે સ્થિતિ હોય છે એવી સ્થિતિ, ભગવાનની પ્રાપ્તિ કરનાર મનુષ્યની હોય છે. ભગવાનની પ્રાપ્તિ થયા પછી પશુભાવ રહેતો નથી. તેનો સ્વભાવ જુદા જ પ્રકારનો થઈ જાય છે. તેમાં મનુષ્યની પ્રવૃત્તિઓ પણ રહેતી નથી. મનુષ્યો એટલે કે બદ્ધજીવો, તેને જોઈને પાગલ થઈ ગયો છે, એમ કહે છે. આ બાજુ બધા લોકો એક જ જાતના અને પેલી બાજુ તે એકલો જુદા જ પ્રકારનો. જો દશ માણસોની સાથે એકનો મેળ ન બેસે તો તે વ્યક્તિ પાગલ સાબિત થશે. આ વાત મેં તમને ઘણાં વખત પહેલાં એકવાર કહી હતી. અને તે એવા એક મનુષ્યને બહુ જ ઓછા લોકો માન આપે છે. આ ઓછા લોકોમાં જે આવે છે, તેઓ ભગવત્પરાયણ સાધક હોય છે. આ લોકો પણ ઈશ્વરને શોધી રહ્યા છે. પણ હજુ તેમણે તેને મેળવ્યા નથી. લાખો સાધકોમાંથી કોઈ એકાદ જ ભગવાનને મેળવે છે. એટલા માટે રામપ્રસાદે ગીતમાં કહ્યું છે : ‘લાખો પતંગમાં કપાય છે ક્યાંક એકાદ જ અને ત્યારે હે મા, તું હસતી હસતી તાળી પાડે છે.’ આનાથી સમજી જાઓ કે કેટલા મનુષ્યો છે, ને કેટલા અમનુષ્યો છે!

પાઠક : આત્માના વિષયમાં વાતો થઈ રહી હતી. મારું મન એમાં જ રમી રહ્યું છે. આથી એ વિષયમાં બે-ચાર વાત પૂછવાનો લોભ જતો કરી શકતો નથી.

પહેલી જિજ્ઞાસા એ છે; જો જીવાત્મા પરમાત્મા સિવાય બીજું કંઈ નથી તો પછી તે એક અદ્વિતીય પરમાત્મા આટલા બધા અગણિત પ્રકારના રૂપ-ગુણવાળા જીવાત્મામાં કેવી રીતે પરિણમ્યા?

ભક્ત : આ વિષયમાં તો કોઈ શંકા નથી કે આ તત્ત્વ ઘણું જ મુશ્કેલ, દુર્બોધ્ય અને જટિલ છે. આ એક મોટો કોયડો છે. મેં તમને આ વિષે એકવાર ઘણું કહ્યું હતું. પણ ફરીથી કહું છું, સાંભળો; – વરસાદ વખતે તમે જોયું હશે કે સરોવરમાં પાણીના અનેક પરપોટા ઉત્પન્ન થાય છે. તમે વિચારો કે આ પરપોટા શું છે? તે શેમાંથી બન્યા છે? તેની અંદર કઈ વસ્તુ રહેલી છે? એનું પ્રત્યક્ષ દર્શન કરી અને પછી વિચાર કરતાં તમને જણાશે કે પરપોટા પાણીથી બન્યા છે અને તેની અંદર પણ પાણી જ રહેલું છે. બરાબર એ જ રીતે સમજો કે જીવાત્મા પરમાત્મામાંથી ઉત્પન્ન થયા છે, અને પરમાત્મા જ એમની અંદર રહેલા છે.

અહીં એક વાત બરાબર સમજી લો કે પરપોટા સરોવરના પાણીમાંથી જ સર્જાયા છે. પણ કોઈ પરપોટા સરોવર નથી. એ રીતે એકમેવાદ્વિતીય, સર્વના આધાર એવા પરમાત્મામાંથી જે કરોડો જીવાત્મા થયા છે, એમાંથી કોઈ જીવાત્મા પરમાત્મા નથી એટલે કે સરોવર અને પરપોટા વચ્ચે જે અંતર રહેલું છે, એવું જ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે અંતર રહેલું છે. સરોવરને બદલે સમુદ્રની ઉપમા આપવી વધારે યોગ્ય છે. પણ તમને પ્રત્યક્ષ દૃષ્ટાંત દ્વારા સમજાવવા માટે મેં સરોવરનું ઉદાહરણ આપ્યું. સમુદ્ર જે રીતે અનાદિ – અનંતકાળથી સમુદ્રરૂપે જ રહેલો છે, એમાં કોઈ પરિવર્તન નથી થતું, એવી રીતે પરમાત્મા અનાદિકાળથી અપરિવર્તન રૂપે પોતાના સ્વરૂપમાં રહેલા છે. સમુદ્રમાં જેમ મોજાંઓ ઊઠે છે, તે રીતે, વિશ્વમાં જન્મ, સ્થિતિ અને મૃત્યુનો ખેલ થતો રહે છે, એ રીતે પરમાત્મામાં સર્જક વસ્તુઓની નિત્યક્રીડા ચાલતી રહે છે.

અહીં તમે પૂછી શકો છો કે વરસાદનું પાણી પડવાથી સમુદ્રમાં તો અસંખ્ય પરપોટાઓ સર્જાય છે, પરંતુ અહીં એક અદ્વિતીય પરમાત્મા સિવાય બીજી કોઈ જ વસ્તુનું અસ્તિત્વ નથી, તો પછી આ પરિવર્તનશીલ જીવ-જગતની સૃષ્ટિ કઈ વસ્તુના પડવાથી સર્જાઈ? એનો જવાબ એ છે કે વરસાદનું પાણી બીજું કંઈ જ નથી, એ સમુદ્રનું જ જળ છે. આટલા દિવસો સુધી જે વાદળાંના રૂપે રહેલું હતું, તે હવે પાણી બનીને, જેનું પાણી હતું એમાં જ જઈ પડ્યું. તેના પરિણામે મોજાંઓ અને પરપોટાઓની સૃષ્ટિ સર્જાણી. અહીં પણ બરાબર એ જ વાત છે – પરમાત્મામાંથી શક્તિ ઉદ્‌ભવી અને જ્યારે એ જ શક્તિ પરમાત્માની પાસે પાછી જઈને મળી, તેમાંથી સર્જાયું આ જીવ-જગત. સમુદ્રના પાણી અને વરસાદના પાણીમાં કોઈ ભેદ નથી. બંને એક જ છે. પરંતુ સ્થળ અને ભાવની દૃષ્ટિથી તે જુદાં જુદાં નામે ઓળખાય છે. જેમકે, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, મહામાયા કાલી, કૃષ્ણ, રામ, જિસસ, અલ્લા વગેરે. જુદા જુદા મતના લોકો તેમને જુદાં જુદાં નામે પોકારે છે. ભક્ત અને સાધક નામ અને ભાવની દૃષ્ટિથી ભલે જુદા જુદા જણાય પણ આખરે તો બધાં મૂળમાં જઈને આપસમાં મળી જાય છે.

એક સિવાય બીજી વસ્તુ છે જ નહીં. તે જ એક લીલામાં અનેક થયા છે. અનેક એ એકમાં જ સ્થિત છે, અને પાછળથી એ એકમાં જ લય પામી જશે. સૃષ્ટિની વસ્તુઓ ચિરકાળથી થઈ રહી છે. તે થોડા દિવસ ટકે છે, પછી એ એકમાં જ લય પામી જાય છે. સૃષ્ટિની કોઈપણ વસ્તુનો નાશ નથી. ફક્ત વચ્ચે વચ્ચે એનાં ગુણ, રંગ, સ્વરૂપ અને લોકમાં પરિવર્તન થતું રહે છે. એટલા માટે સૃષ્ટિને પરિવર્તનશીલ કહે છે.

ભગવાનની કૃપાથી જેમને આ જ્ઞાન મળે છે, તેઓ જન્મ કે મૃત્યુથી પ્રસન્ન કે દુ:ખી થતા નથી. આ જ્ઞાન જ સંસાર સાગરને પાર કરવાની નૌકા છે. આ જ્ઞાન જ ત્રિવિધિ તાપની જ્વાળાઓનું રક્ષાકવચ છે. આ જ્ઞાનના પ્રભાવથી મનુષ્યો મુક્ત બને છે અને સુખ-દુ:ખ બંનેથી પર થઈ જાય છે. આ જ્ઞાન થવાથી જીવનાં ભવબંધનો છૂટી જાય છે. અને પછી તેનો જન્મ થતો નથી. આ અવસ્થાને જ ઠાકુર પાકા ઘડાની અવસ્થા કહે છે. કાચી અવસ્થામાં જો ઘડો ફૂટી જાય તો કુંભાર તેને ફરીથી ઘડે છે. પરંતુ ઘડો પકાવ્યા પછી જો ફૂટી જાય તો તેને પાછો ઘડી શકાતો નથી. એ રીતે આ જ્ઞાનાગ્નિ જીવને પકાવીને એવી સ્થિતિમાં લાવી મૂકે છે, કે પછી તેના દેહત્યાગ બાદ પાછો તેનો જન્મ થતો નથી. આ સ્થિતિએ પહોંચેલા જીવને ઠાકુર શેકેલા ધાન્યની સાથે સરખાવે છે. ધાન્યને અગ્નિમાં શેકી દેવાથી પછી તેનામાં અંકુરિત થવાની શક્તિ રહેતી નથી, એ રીતે જે પુણ્યશાળી મનુષ્ય જ્ઞાનાગ્નિની આગમાં શેકાય જાય છે, પછી તેનો પુનર્જન્મ થતો નથી. તે એટલે સુધી કે જો આ જ્ઞાની સ્વેચ્છાએ દેહત્યાગ કરે તો પણ આત્મહત્યાનું મહાપાપ તેને લાગતું નથી.

એક જ વસ્તુ કેવી રીતે આટલા જુદા જુદા પ્રકારની થઈ છે, કેવી રીતે રૂધિર અને વીર્યમાંથી અસ્થિ બન્યાં, એ બધું તો ફક્ત મા-લીલાશક્તિ જ જાણે. પ્રત્યેક પદાર્થમાં તેની એકની જ સત્તા છે. જે શક્તિભેદના પરિણામે નાનાં-મોટાં, વધારે-ઓછાં રૂપોમાં પરિણમી છે. જ્યાં વધારે શક્તિ છે, ત્યાં વધારે વિકાસ છે, જ્યાં ઓછી શક્તિ છે, ત્યાં ઓછો વિકાસ છે.

અહીં આગળ એક મોટો કોયડો છે, અને તે એ છે કે જ્યાં વધારે શક્તિનો વિકાસ છે, ત્યાં જે રીતે અનંત અને અસીમ શક્તિ છે, એ રીતે જ્યાં ઓછી શક્તિનો વિકાસ છે ત્યાં પણ એ અનંત અને અસીમ શક્તિ જ છે. જ્યાં જશો ત્યાં એ મૂળશક્તિની જેમ જ અનંત અપાર છે. જેવું મોટું છે, એવું જ નાનું છે. અખંડમાં ખંડ નથી હોતા. લીલામાં ભલે ખંડ દેખાતા હોય પરંતુ આ ખંડ પણ અખંડ સ્વરૂપ, અનંત અને અસીમ છે. એટલા માટે ઠાકુર શ્રીરામકૃષ્ણ કહેતા હતા : ‘તું ન તો ભગવાનના ક્ષુદ્ર ભાવને લઈ શકે કે ન તો એના મહત્‌ ભાવને.’

પાઠક : લીલાશક્તિના પ્રભાવથી જ્યાં પરમાત્મા ખંડ ખંડ રૂપે વિભક્ત થયા છે, ત્યાં વળી પાછા અખંડ કેવી રીતે થયા?

ભક્ત : ઠાકુર કહેતા હતા, પિચકારીની અંદર જેમ પિચકારીની ભૂંગળી હોય છે, બરાબર એવી રીતે પરમાત્મા નિર્લેપપણે રહેલા છે. આ અવસ્થામાં એ અખંડ પરમાત્માનું કાર્ય હોતું નથી. તેઓ તો ફક્ત સાક્ષીરૂપ હોય છે. અને અંશરૂપે રહેલો જીવાત્મા સુખ-દુ:ખનો ભોગ કરે છે.

પાઠક : આપના મંતવ્ય પ્રમાણે પરમાત્મા જ મૂળવસ્તુ છે, અને તે પરમાત્મા જ પ્રકૃતિનાં અગણિત આકારો અને રૂપોમાં જીવાત્માના રૂપે પરિણમ્યા છે, તો પછી આ મન, બુદ્ધિ, વગેરે બધું શું છે?

ભક્ત : પરમાત્માએ પોતાના તથા સૃષ્ટિના રસનો આસ્વાદ કરવા માટે મન, બુદ્ધિ, ઈંદ્રિય વગેરે સઘળાં યંત્રો આપ્યાં છે. આ બધા જીવાત્માના રસ લેવા માટેનાં સાધનો છે.

જીવાત્મા માયાને લઈને પરમાત્માથી જુદો થઈ ગયો છે. એટલા માટે જીવાત્મા એ જાણી શકતો નથી કે તે તે જ વસ્તુ છે. જીવાત્મા માયાને લઈને ‘હું હું’નું રટણ કરી રહ્યો છે. અને આ બાજુ પરમાત્મા રૂપ રસની વસ્તુઓ તેની આંખોની સામે મૂકીને એની જ અંદર છૂપાઈ ગયો છે. જીવાત્માએ મોજથી ભરેલી દુનિયા મેળવી છે અને વળી એ રસોનો આસ્વાદ કરવા માટેનાં જરૂરી સાધનો પણ મેળવ્યાં છે. પછી ભલા, પરમાત્માને કોણ મેળવે? આ જીવાત્મા તો આ સંસારને જ સુખનું કારણ સમજીને ખેલી રહ્યો છે. પરંતુ સૃષ્ટિનો સર્જક સૃષ્ટિ છોડીને ક્યાંય ગયો નથી. જો કોઈને ક્યારેક તેનો આભાસ મળે છે તો તે એ સૃષ્ટિના સર્જક પરમાત્માને એ જ સાધનોની મદદથી પકડી લે છે. આ સાધનોમાં એવો ગુણ છે કે તેમને જે બાજુ ચલાવશો, એ તરફ જ એ લઈ જશે. જો રૂપ-રસમાં લગાડશો તો તેઓ રૂપ-રસ જ દેખાડશે અને જો પરમાત્મામાં લગાડશો તો પરમાત્માને જ બતાવી દેશે. પણ એક વાત છે; એકવાર રૂપ-રસમાં લગાડયા પછી એ સાધનોને બીજી તરફ લઈ જવાં મુશ્કેલ છે. એક વાત ધ્યાનમાં રાખો : જીવાત્મા માયાના ચક્કરમાં વિચારે છે કે તેઓ જુદા જુદા છે, સ્વતંત્ર છે. પરંતુ એવી વાત નથી. બધાંનાં મોઢાંની લગામ એ માલિકના હાથમાં છે. તેઓ જ્યારે ઇચ્છા કરે ત્યારે પોતાના ભંડારમાં બીજાં જે જે સાધનો છે, એની સહાયતાથી રૂપ-રસમાં મગ્ન મનની ગતિને થંભાવી પણ દે. આ સાધનોનાં નામ છે – વિવેક, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ. જે મન બુદ્ધિએ જીવાત્માને આ સંસારરૂપી વમળમાં ડૂબાડ્યો છે, તે જ પાછાં એનો ઉદ્ધાર કરી દેશે. આથી હવે એ જાણી લો કે મન બુદ્ધિ જીવાત્મામાં કઈ રીતે રહેલાં છે અને તે શું છે.

પાઠક : જ્ઞાન ભક્તિ શું છે?

ભક્ત : ભક્તિ શું છે, એ મુખથી વર્ણવી શકાય નહીં. પણ ભક્તિની એક લહેર ઊઠે છે, આ લહેર વિષે કંઈક કહી શકાય છે. આ લહેર શું છે, તે જાણો છો? – તે છે ભગવદ્‌દર્શન અને ભગવત્સેવાની નિ:સ્વાર્થ, એકનિષ્ઠ પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ જે મૂળવસ્તુમાંથી ઉત્પન્ન થાય છે, તેને ભક્તિ કહે છે. એ ભગવાનના ભંડારનો એકમાત્ર રત્નમણિ છે. એટલે તેમને એના પ્રત્યે ખૂબ અનુરાગ છે. તેમને તે વસ્તુ (ભક્તિ) તો પ્રિય છે જ, પણ સાથે સાથે આ વસ્તુને તેઓ જે પાત્રમાં રાખે છે, એ પાત્ર પણ તેમને પ્રિય છે. ભક્તિ મેળવવાનો કોઈ ઉપાય નથી. એ તો એકમાત્ર ભગવાનની કૃપા ઉપર જ આધારિત છે. એમની કૃપા એ જ એમની ભક્તિ છે. તેઓ પોતાની ઇચ્છાથી તે મનુષ્યને આપે છે. તે કેવી રીતે જાણો છો? ભગવાનનો સ્વભાવ એક બાળક જેવો જ છે. પિતા બાળકના હાથમાં જેવો એક લાડુ મૂકે છે કે તુરત જ બાળક એ લાડુને બરાબર જોરથી પકડી રાખે છે. એ વખતે પિતા કે બીજું કોઈ સગું જો લાડુ માંગે તો દેવાની વાત તો બાજુએ રહી પણ તે આખો હાથ જ પહેરણની નીચે છૂપાવી દેશે અને અધીર થઈને બોલી ઊઠશે કે ‘ના, ના, હું લાડું નહીં આપું.’ પણ પાછળથી (બાળકનો જેવો સ્વભાવ હોય છે) બની શકે છે કે તે રસ્તે ચાલતા હોઈ અજાણ્યા માણસને હાથ હલાવીને બોલાવીને, પોતાના હાથમાં રહેલો લાડુ તેને આપી પણ દે છે. ભક્તિ આપવા વિષે ભગવાનની પણ આવી જ રીત છે. તેઓ જેને આપે છે, તેને પોતાનો બનાવી લે છે. પહેલાં તેઓ ભક્તિનું દાન કરે છે, પછી ભક્ત બનાવી દે છે. એટલે કે ભક્તિ આપીને ભક્ત બનાવે છે. આ ભક્તિ ઠાકુર રામકૃષ્ણ પાસે કસોટી સમાન હતી. જો તે રામકૃષ્ણદેવના મનને અનુરૂપ જણાતી તો તેઓ તેનો સ્વીકાર કરતા નહીંતર છોડી દેતા. જેમકે કોઈના પણ હાથમાં સોનું હોય તો વાણિયો તેને ચાહે છે, એમ ઠાકુર પણ જેમનામાં ભક્તિ જોતા એમને ચાહતા. – પછી તે હિંદુ હોય કે મુસલમાન, બ્રાહ્મણ હોય કે ખ્ર્રિસ્તી. અરે, વેશ્યા, લંપટ, દારૂડિયો, જે કોઈની અંદર તેઓ ભક્તિ જોતા તેમના ઉપર પ્રેમ વરસાવવા લાગતા.

રામકૃષ્ણદેવ ભગવાન છે, એનું પ્રમાણ એમની આ ભક્તિપ્રિયતા જ છે. મનુષ્ય પછી કોઈપણ સ્થિતિનો હોય, કોઈપણ સ્વભાવનો હોય, કોઈપણ દેશ કે જાતિનો કે ધર્મનો હોય, પણ જો એની અંદર ભક્તિ દેખાય તો તે ઠાકુરનો પોતાનો બની જતો. શું તમે ઠાકુરનો એક બીજો સ્વભાવ જોયો છે? એમને જે જુએ તે સહેલાઈથી સમજી જાય છે કે ઠાકુર પોતે જ જાણે ભક્તિપ્રેમી ભગવાન છે. જે જે પાત્રોમાં ભક્તિ છે, તેમાં જાણે ઠાકુર જ વસી રહ્યા છે. એક મનુષ્યના હૃદયમાં ભક્તિ છે, પણ તેણે રામકૃષ્ણના જીવનકાળમાં ક્યારેય તેમનાં દર્શન કર્યાં નથી. ઠાકુર એકવાર પણ જો એને ક્યાંય પણ જોત તો તેને દોડીને પકડી લેત અને થોડા વખતમાં જ પોતાનો બનાવી લેત. જેવી રીતે રાજ્યમાં દૂર દૂર સુધી અનેક તારઘર છે. અને એ બધાં મુખ્ય તારઘર સાથે જોડાયેલાં છે. બરાબર એ જ રીતે હું સ્પષ્ટ રીતે જોઈ રહ્યો છું કે જ્યાં ક્યાંય પણ કોઈ ભક્તિમાન મનુષ્ય છે તેનું ઠાકુર રામકૃષ્ણ સાથે પ્રત્યક્ષ જોડાણ થયેલું છે. આ બાબતના પ્રમાણ માટે હું ‘નવ્ય ભારત’ના વીસમા ખંડની ચતુર્થ સંખ્યા, પૃષ્ઠ ૨૧૦ પર છપાયેલ ‘સાધ્વી શબરી’ શીર્ષકવાળો લેખ છે, તેમાંથી વાંચુ છું, સાંભળો.’

‘પાર્લામેન્ટના સભ્ય ડિગ્વી સાહેબે પરમહંસ રામકૃષ્ણદેવ વિષે જે લખ્યું છે, તે વાંચીને એવો ક્યો ભારતનો સપૂત છે કે જેનામાં આશાનો સંચાર ન થાય? ડિગ્વી સાહેબ લખે છે; ‘રોબર્ટ બ્રાઉનિંગ અને જહોન રસ્કિન વર્તમાન સૈકાના ઈંગ્લેન્ડના મુખ્ય ચિંતકો છે. તો પણ તેઓ નિરક્ષર રામકૃષ્ણની સરખામણીમાં તો અંધારામાં ફાંફા મારી રહ્યા છે.’

ભાઈ, ભક્તિનો મહિમા જુઓ અને ઠાકુર રામકૃષ્ણનો મહિમા જુઓ. ક્યાં ઠાકુર રામકૃષ્ણ અને ક્યાં ડિગ્વી સાહેબ! એ સાહેબની અંદર ઠાકુરે એવી વસ્તુ મૂકી આપી છે કે તેઓ મુગ્ધ થઈ ગયા અને પોતાના દેશના બે વિદ્વાનોને ક્ષુદ્રથી પણ ક્ષુદ્ર સમજી રહ્યા છે. ધન્ય છે, ઠાકુર રામકૃષ્ણ અને ધન્ય છે, તેમની ભક્તિ! જેવી રીતે અંધકારથી પ્રકાશનો મહિમા જાણી શકાય છે, એવી રીતે ભક્તિહીન હૃદયોની વચ્ચે ભક્તિમાનનું માહાત્મ્ય જાણી શકાય છે.

ક્યાં સાત સાગરની પેલે પાર રહેલા ડિગ્વી સાહેબ, જેમણે રામકૃષ્ણદેવનું ફક્ત નામ જ સાંભળ્યું છે. અને તેમનાં જીવન તથા ઉપદેશ વિષેની થોડી ઘણી વાતો સાંભળી છે. ફક્ત એ દ્વારા જ તેમણે ઠાકુરનો મહિમા જાણ્યો અને ઠાકુરને પોતાના પરમ આરાધ્ય બનાવીને પોતાના હૃદયમાં બિરાજમાન કર્યા, એમનો મહિમા વર્ણવતા કેટલાક લેખો લખ્યા અને અહંકારરહિત થઈને નિ:સ્વાર્થભાવે સામાન્ય જનતામાં એનો દૃઢતાપૂર્વક પ્રચાર કર્યો.

અને આ બાજુ આપણા સ્વદેશી ભાઈઓ કે જેઓએ ઠાકુરની આટલી સમીપ રહીને, પોતાના જ કાનોથી એમની વાતો સાંભળી હતી, તેઓએ એમના અલૌકિક જીવનની આલોચના કરીને એમને ઉન્મત્ત પાગલ જાહેર કરી દીધા! વળી ઠાકુરને પાગલ જાહેર કરીને જ તેઓ જંપ્યા નહીં, પણ સાથે સાથે પોતાની પણ જાહેરાત કરી. શું જાહેરાત કરી તે જાણો છો? એવી જાહેરાત કરી કે તેઓ બધા ખૂબ શાણા, બુદ્ધિશાળી, ગુણવાન, ધૈર્યવાન્‌ વીર્યવાન્‌, શ્રીમાન્‌ એટલે કે જેટલા પણ માન્‌ કે વાન્‌ છે એ બધાના એક છત્ર સ્વામી છે!

અંગ્રેજોએ ઠાકુરનો મહિમા જાણ્યો, જ્યારે સ્વદેશી ભાઈઓ એમને જુદી રીતે સમજ્યા, એનું કારણ એ કે અંગ્રેજોના હૃદયમાં ભક્તિ છે, અને આ લોકોનાં હૃદય ભક્તિહીન છે. આપણા ઠાકુર ચતુરના પણ ચતુર છે. એકબાજુ, તેઓ એટલા દયાળુ છે કે કોઈને પણ ભૂખ્યું જોઈને રડી રડીને ધરતી ભીંજાવી દે છે, પણ બીજી બાજુ ભક્તિ આપવામાં કંજૂસથી પણ વધારે કંજૂસ છે. એમને છેતરીને કોઈ એમની પાસેથી કંઈ લઈ જાય, એવો મનુષ્ય સંસારમાં આજ સુધી જન્મ્યો નથી. જ્યાં સુધી ભક્તિદાનની વાત છે, તો તે દાન જેને તેને મળતું નથી. તેઓ ભાવાવેશમાં કહે છે; ‘હું ઇચ્છું તો આંબળાને કેરી બનાવી શકું, પણ ભલા મારે એની જરૂર શી? મારો તો કેરીનો બગીચો છે.’ કોઈ જો ભક્તિ આપવા માટે પ્રાર્થના કરતું તો તેઓ એક ગીત ગાતા –

‘મુક્તિ દેને મેં હૈ મુઝકો ડર નહીં,
લગે ડર યદિ ભક્તિ માંગે કોઈ.
ભક્તિ પાયે જો, ઉસકા પાર ન પાયે કોઈ,
સદા ત્રિભુવનમેં વહી હોતા જયી.
એક મેરી ભક્તિ વૃંદાવનમેં હૈ,
સિવા ગોપી-ગોપકે ન જાને કોઈ.
નન્દકે આંગન ફિરું ઉન્હેં પિતા માન,
ભાર ઉનકા અપને માથે પર ધરી.
ભક્તિ મૈં કહતા સુનો ચન્દ્રાવલી,
મુક્તિ મિલતી હૈ બહુત, ભક્તિ નહીં.
ભક્તિ હેતુ હી મૈં રહૂં પાતાલમેં,
રાજા બલિકે દ્વારકા બન પ્રહરી.

ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, વૃંદાવનનાં ગોપ-ગોપીઓ. હવે તમે સમજો કે ભક્તિ શું છે. ભક્તિ જે વસ્તુ છે, જ્ઞાન પણ એ જ વસ્તુ છે. પરંતુ બંનેના સ્વાદમાં થોડો ફેર છે. એ હું એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરું છું : ‘તમે તો રસગુલ્લાં પણ ખાધાં છે અને સાકર પણ ખાધી છે. જો કે બંને મીઠાં જ છે, તો પણ રસગુલ્લાં અને સાકરના સ્વાદમાં ફેર છે. એ રીતે જ્ઞાન અને ભક્તિમાં પણ ફેર છે. ભક્તિ છે રસગુલ્લાં અને જ્ઞાન છે સાકર.

આ બંનેના તફાવતની એક બીજી વધારે વાત હું તમને દૃષ્ટાંત આપી સમજાવું છું : સાંભળો, તમે હાવડા બ્રિજ, એટલે કે ગંગા પરનો પુલ તો જોયો છે ને? પુલની બંને બાજુએ લોકોની અવરજવર માટે ફૂટપાથ છે, અને ફૂટપાથની પેલી બાજુએ મજબૂત રેલિંગ છે. રેલિંગ રાખવાનું કારણ એ  કે મનુષ્ય ફૂટપાથ ઉપર ભલે ગમે રીતે ચાલે પણ પુલ પરથી નીચે ગંગામાં ન પડે. તેથી રેલિંગ રાખેલ છે. ભક્તિ પુલ પરની ફૂટપાથ સમાન છે અને જ્ઞાન રેલિંગ સમાન. ભક્તિપથ પર ચાલતાં ચાલતાં જો કોઈનો પગ અસાવધપણે ફસકી જાય તો એ સ્થિતિમાં જ્ઞાન તેનું રક્ષણ કરે છે. જ્યાં ભક્તિ છે, ત્યાં જ્ઞાન પણ છે. અગ્નિ એની યોગ્ય ઉપમા છે. જ્યાં પણ અગ્નિ જલે છે, ત્યાં વાયુ અવશ્ય હોય છે. ભક્તિની સાથે સાથે જે જ્ઞાન હોય છે, તેને ભક્તિમિશ્રિત જ્ઞાન કહે છે. અને જ્યાં કેવળ જ્ઞાન છે, તે સાકર જેવું ચોખ્ખું, કઠોર અને ભારેખમ હોય છે. ઠાકુરના શ્રીમુખે જે જ્ઞાન અને ભક્તિની તુલના થઈ છે; તેમાં તેઓ જ્ઞાનને પુરુષ પ્રકૃતિવાળું કહે છે, અને ભક્તિ સ્ત્રી પ્રકૃતિસંપન્ન કહે છે.

(ક્રમશઃ)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.