રામકૃષ્ણ મિશન, લીંબડીની શ્રીમા સારદા-ગાયદાન યોજના

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા રોગીનારાયણ સેવા, દરિદ્ર નારાયણ સેવા, આપત્તિ પીડિત નારાયણ સેવા, શ્રીરામકૃષ્ણ જલધારા યોજના જેવાં સામાન્ય જનોના યોગક્ષેમને ધ્યાનમાં રાખીને થતાં અને થઈ રહેલાં સેવાકાર્યોથી ભાવિકજનો પૂરેપૂરા માહિતગાર છે.

શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના ‘શિવભાવે જીવસેવા’ના ઉદાત્ત આદર્શને વરીને સેવાના વિશ્વમાં એક નવું પગલું ભરે છે અને એ નવું પગલું છે, ‘શ્રીમા સારદા-ગાયદાન યોજના’. ૧૯૮૨-૮૩ના જુનાગઢના પૂરગ્રસ્ત વિસ્તારોના ગરીબ અને સામાન્ય જનોમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૬૦૦ જેટલી ગાયોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામી આદિભવાનંદજી એ સુકાર્યમાં સામેલ હતા. એમણે સુરેન્દ્રનગર જિલ્લાની રુખીસૂકી ધરતીમાં વસતાં ગરીબ લોકો માટે આ યોજનાનો મંગલ પ્રારંભ કરી દીધો છે. ૪ જુલાઈ, ૨૦૦૮ અને ગુરુવારે અષાઢી બીજના પાવનકારી દિવસે રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજી અને ગુજરાત રાજ્યના વન-પર્યાવરણ વિભાગના મંત્રીશ્રી કિરીટસિંહજીના વરદ હસ્તે લીંબડીના માલધારી આલાભાઈ વિહાભાઈ ભરવાડને પાંચ ગાયોનું દાન કરવામાં આવ્યું હતું. આ માલધારીએ આ વર્ષે વરસાદમાં વીજળી પડતા પોતાની ગાયો સાથે ૯ પશુઓ ગુમાવ્યાં હતાં. આ પ્રસંગે નગર પાલિકાના પ્રમુખ શંકરભાઈ દલવાડી, શ્રી બલભદ્રસિંહ રાણા, નરેન્દ્રસિંહ જાડેજા અને નરેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત હતા.

આ યોજના સતત ચાલુ રહેવાની છે. એને લીધે ગરીબ અને નીચલા મધ્યમવર્ગના લોકોનાં બાળકોને દૂધ-છાશ મળશે અને સાથે ને સાથે ગૌ-સંવર્ધનના કાર્યમાં તેઓ સહાયરૂપ પણ થશે. સામાન્ય રીતે એક ગાયની કિંમત આશરે ૧૦ થી ૧૨ હજાર રૂપિયા થાય છે. ભાવિકજનો, સેવાભાવી સદ્‌ગૃહસ્થો, ગૌ-સંવર્ધન અને દરિદ્ર નારાયણ સેવામાં માનનારા રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ભક્તજનો આ સુકાર્યમાં પોતાનો ઉદાર હાથ લંબાવે તેવી હાર્દિક વિનંતી છે.

ચેક કે ડ્રાફ્‌ટ ‘શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી’ના નામે અને ‘શ્રીરામકૃષ્ણ મિશન, રામકૃષ્ણ નગર, સ્ટેશન રોડ, લીંબડી – ૩૬૩ ૪૨૧, જિ. સુરેન્દ્રનગર’ એ સરનામે મોકલવા વિનંતી. દાનનો સાભાર સ્વીકાર કરીને પહોંચ આપવામાં આવશે. આ સંસ્થાને અપાયેલ દાનની રકમ આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કપાતને પાત્ર છે.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તેજસ્વી તારલાનું સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સ વિભાગના પ્રાધ્યાપક શ્રીઆલોક ચક્રવાલ અને જી.એસ.કુમાર વિદ્યાલય, લીંબડીના આચાર્ય પ્રકાશભાઈ સોનીનાં પ્રેરણાદાયી પ્રવચન સાથે ધો.૧૦ના બોર્ડમાં પ્રથમ વિવિધલક્ષી વિદ્યાલય, પાલનપુરના સૌરભ ગોર અને એસ.જી. ધોળકિયા હાઈસ્કુલ ૧૨ના રિંકલ માખેચાના સન્માન સાથે લીંબડીની નવ હાઈસ્કૂલમાં પ્રથમ આવેલ વિદ્યાર્થી ભાઈ-બહેનોને અતિથિઓના વરદહસ્તે સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સર્વસેવાપ્રવૃત્તિઓ

* ચેન્નઈ મઠ દ્વારા મે માસમાં ૮ થી ૧૪ વર્ષની ઉંમરનાં ૪૦૦ બાળકો માટે સંસ્કારશિબિરનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર, ભજન, નૈતિક મૂલ્યો, નૈતિક બોધપાઠ કે વાર્તાઓ, યોગાસન અને ઘર-આંગણાની રમતગમત તેમજ વાર્તા-કથન જેવા કાર્યક્રમો હતા.

* રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ૧ મે થી ૭ જૂન સુધી ૪ થી ૭ વર્ષની ઉંમરનાં ૭૦ બાળકો માટે ઉપર્યુક્ત કાર્યક્રમો ઉપરાંત ચિત્રકળા, વક્તૃત્વ, લેખન, રમકડાં બનાવવાં, વાચન જેવી પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું.

* શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે થી ૩૦ મે સુધી ૮ થી ૧૩ વર્ષની ઉંમરનાં ૧૩૦ બાળકો માટે ઉપર્યુક્ત કાર્યક્રમો ઉપરાંત ચિત્રકળા, વક્તૃત્વ, લેખન,  વાચન જેવી પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું.

* ગુવાહાટી કેન્દ્ર દ્વારા અંબુબાચી મેલામાં ૨૨ થી ૨૫ જૂન સુધી એક મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં ૨૫૭૦ દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. દરિદ્ર નારાયણોને કપડાં અને નાસ્તો અપાયો હતો.

* બેલગામના શાખા કેન્દ્ર દ્વારા મે મહિનામાં ૭૪ આંખના દર્દીઓ માટે નેત્રચિકિત્સા કેમ્પ યોજાયો હતો અને ૨૧ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.

* લખનૌ કેન્દ્ર દ્વારા જૂન માસમાં ૭૬૩ આંખના દર્દીઓ માટે નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. તેમાંથી ૧૪૦ દર્દીઓનાં ઓપરેશન આ સંસ્થાની હોસ્પિટલમાં કરવામાં આવ્યાં હતાં.

* શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૬ એપ્રિલના ૮૦ આંખના દર્દીઓ માટે નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું. તેમાંથી ૧૭ દર્દીઓનાં ઓપરેશન જુનાગઢની હાટકેશ હોસ્પિટલમાં થયાં હતાં.

રામકૃષ્ણ મઠ-મિશનની શાળા મહાશાળાઓની વિદ્યાકીય સિદ્ધિ

* દેવઘર વિદ્યાપીઠના વાય. જયપ્રકાશસિંહ ધો.૯ની ‘ભારત ભરની રસ્તા પરની સલામતી’ વિશેની ૧૫મી નિબંધ સ્પર્ધામાં સર્વપ્રથમ આવ્યા છે અને એમને સુવર્ણચંદ્રક સાથે રૂપિયા પાંચ હજારનું પારિતોષિક અને વિશેષ યોગ્યતા પ્રમાણપત્ર અપાયું છે. આ જ સંસ્થાના ધો. ૧૧ના નિપુનનંદન રોય ચૌધરીએ સમગ્ર ભારત કક્ષાની ૧૦મી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમને રૌપ્યચંદ્રક સાથે વિશેષ યોગ્યતા પ્રમાણપત્ર અને ત્રણ હજારનું પારિતોષિક અપાયું હતું.

* ચંડીગઢ વિદ્યાર્થી મંદિરના અનુપમદેવ ગોયલ ઓલ ઈંડિયા એ.ઈ.ઈ.ઈ.માં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

* નરેન્દ્રપુર વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશનમાં એન્જિનિયરિંગમાં ૪થું અને મેડિકલમાં ૧૦ તથા ૧૫મું સ્થાન મેળવ્યું છે. આ જ શાળાના ૩૩ વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિકની વ્યવસાયલક્ષી પરીક્ષામાં બેઠા હતા અને તેઓ બધા પ્રથમ વર્ગ સાથે સફળ થયા છે. એમાંના ૨૦ વિદ્યાર્થીઓએ ૭૫% થી વધુ ગુણ મેળવ્યા છે.

આ સંસ્થાના માધ્યમિક વિભાગના ધો.૧૦ના ૬૫ વિદ્યાર્થીઓ પૈકી ૩૦ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ, ૨૬ દ્વિતીયવર્ગ, ૬ તૃતીયવર્ગ સાથે સફળ થયા છે. ૪ વિદ્યાર્થીઓ તારાંકિત વિદ્યાર્થીઓ બન્યા છે.

ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધો.૧૨ અંગ્રેજી માધ્યમની ચાર શાળાઓના ૧૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૯૮ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ, ૨ દ્વિતીયવર્ગ સફળ થયા છે. ૭૫ વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન સાથે સફળ થયા છે. તે જ રીતે બંગાળી અને હિંદી માધ્યમના ઝારખંડ એકેડેમિક કાઉન્સીલ હેઠળની પાંચ શાળાના ૨૯૧ વિદ્યાર્થીઓ પૈકી ૧૭૬ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ, ૧૧૦ દ્વિતીયવર્ગ, ૧ તૃતીયવર્ગ  સાથે સફળ થયા છે. ૨૪ વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન સાથે સફળ થયા છે.

* ચેરાપુંજી વિદ્યાલયના માધ્યમિક વિભાગના ૫૫ વિદ્યાર્થીઓ એસ.એસ.સી.ની પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી ૪૯ પ્રથમ વર્ગ અને ૬ વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ગ સાથે સફળ થયા હતા. કુલ ૮ વિદ્યાર્થીઓ મેઘાલય રાજ્યના જનરલ મેરિટ લિસ્ટમાં આવ્યા છે. એવી જ રીતે ઉચ્ચતર માધ્યમિકના ૬૮ વિદ્યાર્થીઓ પૈકી ૩૮ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ, ૨૭ વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ગ અને ૧ વિદ્યાર્થી તૃતીયવર્ગ સાથે સફળ થયેલ છે. એમાંથી ૭ વિદ્યાર્થીએ રાજ્યના જનરલ મેરિટ લિસ્ટમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.

* વિવેક નગર ત્રિપુરા શાળાના ૪ વિદ્યાર્થીઓએ ઓલ ઈંડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામિનેશનમાં ક્રમશ: પહેલું, ચોથું, છઠ્ઠું અને સાતમું સ્થાન મેળવ્યું છે.

રામકૃષ્ણ મઠ-મિશનનાં પુરરાહતસેવાકાર્યો

* ઝારખંડ : સુવર્ણ રેખા નદીના કિનારે વસેલ ઘાટ શિલાના ૮૨ કુટુંબીજનોને પાંચ દિવસ સુધી બે વખત ભોજન અને બે વખત ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો.

* જમશેદપુર : પૂર્વ સિંઘભૂમ અને સરૈલકેલા ખારસાવન જિલ્લાનાં પાંચ ગામના ૧૦૩૦ પૂરપીડિતોમાં કુલ ૧૨૬૦ કિ ચોખા, ૨૦૨ કિ દાળ, ૬૦ કિ. બટેટા, ૫ કિ મરીમસાલા, ૫ કિ પૌઆ, ૪ કિ ખાંડ, તેમજ એક હાંડી, એક કડાઈ, એક ખૂંટી, એક તવીથો, થાળી, પાંચ ગ્લાસના ૩૦ સેટ આપવામાં આવ્યા હતા. ૩૫૫ લોકોને કપડાં અપાયાં હતાં અને ૧૩૧ દર્દીઓની ચિકિત્સા સેવા થઈ હતી.

* પશ્ચિમ બંગાળ : બેલઘરિયા કેન્દ્ર દ્વારા દસગ્રામ, ગોકુલપુર, ગોપીનાથપુર વિસ્તારના ૧૧ ગામના ૧૮૬૨૦ પૂરપીડિતોને ૨૬૯૧૦ કિ પૌઆ, ૭૨ કિ દૂધનો પાવડર, ૨૬૯૧ કિ ખાંડ, ૩૫૭૦ બિસ્કીટ પેકેટ અને મીણબત્તી, ૭૧૪૦ બાકસ બોક્સ, ૩.૫૭ લાખ હેલોઝન ટેબ્લેટ, આ ઉપરાંત સ્પિડ બોટ દ્વારા ૨૧૯ લોકોને પૂરમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.

* પૂર્વ મેદિનીપુરમાં આવેલ ચંડીપુર કેન્દ્ર દ્વારા ભગવાનપુર ૧ અને ૨ તેમજ ચંદીપુર બ્લોકનાં ૮૩ ગામડાંના ૮૨૦૫૨ પૂરપીડિતોમાં ૩૯૫૦૦ કિ પૌઆ, ૩૫૯૦ કિ ખાંડ, ૬૩૬૦ બિસ્કીટ પેકેટ અને મીણબત્તી, ૧૦૨૦૦ બાકસ બોક્સ, ૨.૩૪ લાખ હેલોઝન ટેબ્લેટ, વગેરે અપાયાં હતાં.

* પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં આવેલ મેદિનીપુર કેન્દ્ર દ્વારા દંતાન ૧ અને ૨, કેશિયારી, નારાયણ ગઢ, સાબંગ, બ્લોકનાં ૧૩૩ ગામડાંના ૫૦૬૨૭ પૂરપીડિતોમાં ૫૧૦૦૦ કિ પૌઆ, ૫૧૦૦ કિ ખાંડ, ૩૦૦૦ બિસ્કીટ પેકેટ, ૩ લાખ હેલોઝન ટેબ્લેટ, વગેરે અપાયાં હતાં.

* નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા પતાશપુર – ભગવાનપુર ૧ અને ૨, ચંદીપુર, પાંન્સકુરાના પૂરપીડિતોમાં ૭૨૮૦૬ થાળી રાંધેલી ખીચડી, ૩૨૬૫ કિ પૌઆ, ૧૨૮૮ કિ ગોળ, ૧૭૦૦૦ ઓઆરએસ પેકેટ, ૧૭૫૦ જેરીકેન્સ,  ૭૨૦૦૦ પાણી ચોક્ખું કરવાના પેકેટ, ૪૦૦૦ કિ બ્લિચિંગ પાવડર, ૮૨૦૦૦ હેલોઝન ટેબ્લેટ, વગેરે અપાયાં હતાં.

* તમલુક કેન્દ્ર દ્વારા પીંગલા બ્લોકના ૧૭૩૬૩ પૂરપીડિતોને ૧૭૩૬૩ કિ પૌઆ, ૧૭૩૬ કિ. ખાંડ, અને ૧૭.૩૬ લાખ હેલોઝન ટેબ્લેટનું વિતરણ થયું હતું.

* પોર્ટબ્લેર કેન્દ્ર દ્વારા સુનામી પુનર્નિવાસ યોજના હેઠળ રો-બેઈઝ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ દ્વારા દરરોજના ૧૩૦૦૦ લીટર પીવાનું પાણી આપતો એક પ્લાન્ટ બાંધી આપવામાં આવ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ ઉત્સવો

૩ જૂન, મંગળવારે શ્રી ફલહારિણી કાલીપૂજાનું આયોજન શ્રીમંદિરમાં રાત્રે ૯ વાગ્યે થયું હતું.

રામકૃષ્ણ મિશન આશ્રમ, ચંડીગઢના સચિવ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજના ‘પાતંજલ યોગસૂત્ર – રાજયોગ’ પરનાં વ્યાખ્યાનો ૬ થી ૯ જુલાઈ દરરોજ સાંજે ૭.૪૫ વાગ્યે શ્રીમંદિર નીચેના હોલમાં ભાવિકજનોએ માણ્યાં હતાં.

૧૮ જુલાઈ, શુક્રવારે ગુરુપૂર્ણિમાનું મહાપર્વ ઉજવાયું હતું. શ્રીમંદિરમાં મંગલ આરતી, ભજન, વૈદિક મંત્રોચ્ચાર, ધ્યાન વિશેષ પૂજા, હવન સાથે સ્વામી સર્વસ્થાનંદજીનું ‘આપણા આધ્યાત્મિક જીવનમાં ગુરુનું મહત્ત્વ’ એ વિશે સવારે વ્યાખ્યાન પણ હતું. બપોરે આરતી પછી બહોળી સંખ્યામાં ભક્તજનોએ ભોજનપ્રસાદ લીધો હતો. સાંજના શ્રીરામકૃષ્ણનામ સંકીર્તનનું આયોજન થયું હતું.

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.