શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’ પર વિશેષ પ્રવચનો

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મંદિર નીચેના હોલમાં ૯ ઓગસ્ટ, શનિવાર થી ૧૭ ઓગસ્ટ, રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૪૫ વાગ્યે રામકૃષ્ણ મિશન આશ્રમ, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના ‘શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના ત્રીજા અધ્યાયના આધારે કર્મયોગ’ વિશે વ્યાખ્યાનો યોજાયાં હતાં. બહોળી સંખ્યામાં ભાવિકજનોએ આ પ્રવચનો માણ્યાં હતાં. સાધકોને સાધના માટે તેમણે સુંદર માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રવચનોની સીડી ઉપલબ્ધ થશે.

શાળા,કોલેજ અને યુનિવર્સિટીના આચાર્યો અને શિક્ષકો માટે શિક્ષણશિબિર

સૌરાષ્ટ્રભરની શાળા કોલેજના આચાર્ય અને શિક્ષકો માટેની ૧૨-૧૩ ઓગસ્ટ (બે દિવસની) મૂલ્યલક્ષી કેળવણી શિબિરના પ્રારંભમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કમલેશભાઈ જોશીપુરાએ દીપ પ્રગટાવ્યો હતો. આજના શિક્ષણમાં જ્ઞાન સાથે સમાજ અને રાષ્ટ્રપુનનિર્માણ થાય તેવા વિદ્યાર્થી યુવાનોની જરૂર છે અને આવા યુવાનો શિક્ષકો જ આપી શકે એટલે એમની જવાબદારી ઘણી મોટી છે, એમ એમણે જણાવ્યું હતું. ત્યાર પછી શિક્ષકોએ પોતપોતાના સંશોધન પત્રોનું વાંચન કર્યું. સ્વામી સર્વસ્થાનંદજીએ કહ્યું હતું કે આજની વિષમ પરિસ્થિતિ પણ માતપિતા, શિક્ષકો અને સમાજના શુભચિંતકોના વિચારોના આદાનપ્રદાનથી બાળકોમાં મૂલ્ય કેળવવા જોઈએ અને એનું મૂલ્યાંકન થવું જોઈએ. ધ્યાનએકાગ્રતા આત્મશ્રદ્ધા અને ઇચ્છાશક્તિ કેળવાય તો નિ:સ્વાર્થ સેવા સ્વાલંબન પ્રેમ અને પરસ્પરના સહકારભાવ કેળવાય તો સમૂહશ્રમ કે સેવાના કાર્ય કરી શકાય. સ્વામી વિનિર્મુક્તાનંદજીના ભજન પછી  ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક કેળવણીની વાત કરી હતી. શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે પ્રવચનમાં કહ્યું હતું કે શિક્ષક સ્વયંબોધી હોય તો વિદ્યાર્થીને નરમાંથી નારાયણ બનાવી શકે. ‘સત્યમેવ જયતે’ પ્રમાણે જીવનનું સર્વોચ્ચ મૂલ્ય સત્ય છે. જીવનમાં અખંડ સત્યનો સ્વીકાર કરવો જોઈએ. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે જીવો ત્યાં સુધી શીખો. એ મંત્ર શિક્ષિકોએ નજર સામે રાખવો જોઈએ. પછી ડૉ. કવિતાબહેન સુદે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જાણીતા મેનેજમેન્ટ ગુરુ જી. નારાયણે દ્રોણાચાર્ય, એકલવ્ય અને અર્જુનનાં ઉદાહરણ દ્વારા કાદવમાંથી કમળ નિપજાવી શકાય તેની વાત કરી હતી. બીજા સત્રમાં સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે કહ્યું હતું કે મહાન જીવન ઉદ્દેશ સાથે જીવન સમર્પિત કરતા શીખવું જોઈએ. બાળકોને ‘હું મનુષ્ય છું’ આટલું શીખવી શકો તો ઘણું કરી શકો. શિક્ષિકોના સદાચરણને જોઈને વિદ્યાર્થીઓ જીવનમાં સદ્‌ગુણો ઉતારે છે. સર્વસ્થાનંદજીએ વિચાર અને આચરણના મહત્ત્વની વાત કરી હતી. કાર્યક્રમના અંતે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન, આત્મનિર્ભરતા, આત્મસંયમ અને આત્મત્યાગ જેવા પંચશીલ વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવાની વાત વિગતે કરી હતી.

બીજા દિવસે એકલવ્ય ફાઉન્ડેશન, અમદાવાદના શ્રીસુનિલ હાંડા અને જી. નારાયણે ભગવદ્‌ ગીતા યાત્રા દ્વારા પ્રેરક અને જવાબદાર શિક્ષક વિશે વિશદ ચર્ચા કરી હતી. સ્વામી સત્યરૂપાનંદજીએ અંત: પ્રેરણામાંથી આવતું જ્ઞાન અને જન્મતી શ્રદ્ધા જ મૂલ્યશિક્ષણનું સારું કામ કરી શકે તેમજ વિદ્યાર્થીની સાચી જ્ઞાનપિપાસાને કેળવી શકે. પછી શિક્ષકોએ પોતપોતાનાં સત્રપત્રનું વાંચન કર્યું હતું. ડૉ. કવિતા સુદે નૈતિક વાતાવરણ ઊભું કરવા શિક્ષક અને માતપિતાએ સાથે મળીને કામ કરવું જોઈએ, એ વાત કરી હતી. વિનોબા ભાવેના બાળપણના જીવનપ્રસંગોને વર્ણવીને સંસ્કારલક્ષી કુટુંબ વ્યવસ્થાને સબળ બનાવવા પરિવાર અને સમાજ દ્વારા એક અમૂલ્ય વારસા રૂપે બાળકોમાં મૂલ્ય ઉતારવા સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ એમ ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ કહ્યું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું હતું કે આધ્યાત્મિક શિક્ષણને વર્ગશિક્ષણમાં સામેલ કરીને બાળકોને મૂલ્ય કેળવતાં કરવાં જોઈએ. સ્વામી ધ્રુવેશાનંદજીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓને માતપિતા જેવાં પ્રેમ અને હુંફ આપવા માટે શિક્ષકોને હાકલ કરી હતી. સ્વામી સત્યરૂપાનંદજીએ મૂલ્ય અને શિષ્ટાચાર વચ્ચેના ભેદની સમજ આપીને સ્વામી વિવેકાનંદની જેમ બીજાનાં દુ:ખદર્દ દૂર કરવા પોતાનું જીવનસમર્પણ કરવાના આદર્શને સેવવાની વાત કરી હતી. વિદ્યાર્થીના ચૈતન્યને જાગૃત કરવાની શિક્ષકોને સાચી સમજ આપી હતી. તેમણે અંતે ચેતવણી આપતાં કહ્યું હતું કે શિક્ષકોના મૂલ્યશિક્ષણના અભાવે આજનો વિદ્યાર્થી ગેરમાર્ગે ન ચડી જાય તે જોવાની જવાબદારી શિક્ષકસમાજની છે. શિબિરના અંતે સ્વામી સર્વસ્થાનંદજીના આભારદર્શન સાથે બે દિવસની આઠ સત્રની શિબિર પૂર્ણ થઈ હતી.

શિક્ષણશિબિર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક’ હોલમાં એસ.એસ.કે. સ્કૂલ, રાજકોટના શિક્ષક ભાઈ-બહેનો માટે ૧૫ ઓગસ્ટ, ૨૦૦૮ના રોજ સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી સર્વસ્થાનંદજીની નિશ્રામાં એક વિશેષ ‘શિક્ષણશિબિરનું આયોજન થયું હતું. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ભજનથી થયો હતો. ત્રણેય મહાનુભાવોના પ્રેરક વ્યાખ્યાનોનો લાભ ૩૦૦ શિક્ષકોએ લીધો હતો. અંતે પ્રશ્નોત્તરી અને શિબિરાર્થીઓના પ્રતિભાવોનો રસપ્રદ કાર્યક્રમ પણ હતો.

યુવશિબિર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક’ હોલમાં યુવા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ૯, ૧૧ અને ૧૪ ઓગસ્ટ, એ ત્રણ દિવસ સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધીની ત્રણ યુવશિબિરનું આયોજન થયું હતું. સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી સર્વસ્થાનંદજી, શ્રી જ્યોતિબહેન થાનકીની નિશ્રામાં આયોજન થયું હતું. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ભજનથી થયો હતો. મહાનુભાવોનાં પ્રેરક વ્યાખ્યાનોનો લાભ ૧૨૦૦ યુવા ભાઈ-બહેનોએ લીધો હતો. અંતે પ્રશ્નોત્તરી અને શિબિરાર્થીઓના પ્રતિભાવોનો રસપ્રદ કાર્યક્રમ પણ હતો.

આધ્યાત્મિક શિબિર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘મંદિર નીચેના’ હોલમાં અગાઉથી નોંધાયેલ ભક્તજનો માટે ૧૭ ઓગસ્ટ, રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી ‘આધ્યાત્મિક શિબિર’નું આયોજન થયું હતું. સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ, સ્વામી આદિભવાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી સર્વસ્થાનંદજીની નિશ્રામાં આયોજન થયું હતું. કાર્યક્રમનો પ્રારંભ પૂજા, શ્રીરામકૃષ્ણદેવ અર્ચના, પુષ્પાંજલિ તથા શ્રી જીતુભાઈ અંતાણીના મધુર કંઠે ‘શ્રીરામકૃષ્ણ પુરાણ-ગાન’ રજૂ થયાં હતાં. સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે સાધકો માટે ધ્યાનની પૂર્વ તૈયારી પર માર્ગદર્શક અને મનનીય પ્રવચન આપ્યું હતું. સ્વામી આદિભવાનંદજી અને સ્વામી સર્વસ્થાનંદજીએ પોતાના પ્રવચનો દ્વારા ભક્તોની આધ્યાત્મિક ચેતનાને ઢંઢોળી હતી. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવ વિશે સ્વામી વિવેકાનંદે લખેલ ‘ૐ હ્રીં ઋતં’ સ્તોત્રના પ્રથમ બે શ્લોકનો ગૂઢાર્થ સમજાવ્યો હતો. સ્વામી વિનિર્મુક્તાનંદજીના કંઠે ગવાયેલ શ્રીમાનામ સંકીર્તન ૧૫૦ ભક્તજનોએ માણ્યું હતું. 

ભગવાન શ્રીકૃષ્ણ-જન્માષ્ટમી મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૩ ઓગસ્ટને શનિવારે જન્માષ્ટમી પૂર્વેના દિવસે સ્વામી સર્વસ્થાનંદજીનું ‘શ્રીમદ્‌ ભાગવતનો મર્મ’ એ વિશે વિશેષ પ્રવચન સંધ્યા આરતી પહેલાં ૧ કલાકે શ્રીમંદિરમાં યોજાયું હતું. રવિવારે ૨૪ ઓગસ્ટ કૃષ્ણજન્માષ્ટમીનો મહોત્સવ નિમિત્તે સવારે ૮ કલાકે સંપૂર્ણ ગીતાપાઠ, આરતી પહેલાં ૧ કલાકે શ્રીમંદિરમાં શ્રીશ્યામનામસંકીર્તન તેમજ સંધ્યા આરતી પછી વિશેષ પૂજા અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તજનોએ આ પર્વનો લાભ લીધો હતો.

બેલુર મઠમાં વિવેકાનંદ યુનિવર્સિટીના મધ્યસ્થ વહીવટી અને વિદ્યાકીય શાખાના ભવનનું મંગલ ઉદ્‌ઘાટન

રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ યુનિવર્સિટી, બેલૂર મઠના મુખ્ય પ્રાંગણમાં ચાર માળના નવા બંધાયેલ મધ્યસ્થ વહીવટી કાર્યાલય અને વિદ્યાકીય શાખાના ભવનનું મંગલ ઉદ્‌ઘાટન ૪ જુલાઈ, ૨૦૦૮, શુક્રવારે – શ્રી જગન્નાથદેવની રથયાત્રાના પવિત્ર દિને સવારે ૩૫૦ જેટલા સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓની ઉપસ્થિતિમાં થયું હતું. આ મંગલ પ્રસંગે રામકૃષ્ણ સંઘના બંને ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગીતાનંદજી મહારાજ અને શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ અને રામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજ ઉપસ્થિત હતા.

તે જ દિવસે સાંજે ઉપર્યુક્ત વિશ્વ વિદ્યાલયની સ્થાપનાના ત્રીજા વર્ષે એક વિશેષ પદવીદાન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં યુનિવર્સિટી ગ્રાંટ્‌સ કમિશનના ચેરમેન પ્રો. એસ.કે.થોરાટ મુખ્ય અતિથિ વિશેષ હતા. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનિઝેશનના ચેરમેન ડૉ. જી.માધવન નાયરના વરદ હસ્તે ‘વિવેક દિશા’નું ઉદ્‌ઘાટન થયું હતું. ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીના પ્રકલ્પ હેઠળ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ઈસરો – વિઆરસી યોજના હેઠળ ૧૪ વિલેજ રિસર્ચ સેન્ટર – ગ્રામ સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ હતી. નરેન્દ્રપુર અને રાંચી કેન્દ્રના એગ્રો બેઈઝ્‌ડ બાયોટેક્નોલોજીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં સફળ થયેલ વિદ્યાર્થીઓને ઉપર્યુક્ત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ડિપ્લોમા-પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ, ભગિની નિવેદિતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે સ્મરણીય અને ઐતિહાસિક સંશોધનકાર્ય કરનાર પ્રો. શંકરીપ્રસાદ બસુને (માનદ) ડિ.લીટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ – અર્ધવાર્ષિક સંમેલન

ગુજરાતના રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનું ૨૦૦૮-૨૦૦૯ના વર્ષનું અર્ધવાર્ષિક સંમેલન શ્રીરામકૃષ્ણ સેવાસમિતિ ધાણેટીના યજમાન સ્થાને ૫-૬ જુલાઈના રોજ રામકૃષ્ણ મિશન આશ્રમ, ચંડીગઢના સચિવ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજના આ પ્રસંગે પરિષદના અધ્યક્ષ સ્વામી આદિભવાનંદજી, ઉપાધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી અવ્યયાત્માનંદજી ઉપસ્થિત હતા. કન્વિનર શ્રી કેશવ ગોરે સ્વાગત કરીને ૧૦ માર્ગદર્શક મુદ્દા રજૂ કર્યા હતા. સંયુક્ત કન્વિનર એન. જે. સાતાએ ગઈ મિટિંગની નોંધનું વાચન કર્યું હતું. સ્વામી બ્રહ્મેશાનંદજીએ પરિષદની રચનાનું હાર્દ સમજાવ્યું હતું અને કેન્દ્રો હજુ વધુ ને વધુ આગળ વધે એ માટે પ્રેરણા આપી હતી. કુલ ૧૧ કેન્દ્રોના ૪૪ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ યુવકમંડળ ભૂજમાં વિશેષ પ્રવચનો

શ્રીરામકૃષ્ણ યુવકમંડળ ભૂજ દ્વારા જુલાઈ માસમાં શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી, રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજી તેમજ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીનાં પ્રવચનો કચ્છના ભૂજ, નખત્રાણા અને વિથોણમાં ગોઠવાયાં હતાં. ૬ જુલાઈના રોજ સ્વામી આદિભવાનંદજી અને અવ્યયાત્માનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ ભક્તો’ વિશે ભૂજના પ્રાર્થના મંદિરમાં ભક્તોને સંબોધ્યા હતા. ૭ જુલાઈના રોજ સવારે ૭.૩૦ વાગ્યે ખેતાબાપા હાઈસ્કૂલ, વિથોણના ૧૦૦૦ વિદ્યાર્થીઓને ૧૦.૩૦ વાગ્યે ટીડી વેલાણી ગર્લ્સ હાઈસ્કૂલની ૧૧૦૦ વિદ્યાર્થિનીઓને ‘ઊઠો, જાગો!’ એ વિષય પર સંબોધન કર્યું હતું. ૮ જુલાઈના રોજ સવારે ૮.૩૦ વાગ્યે જેબી ઠક્કર કોમર્સ કોલેજના ૩૦૦ વિદ્યાર્થીઓને ‘આધુનિક યુગ માટે વિવેકાનંદનો સંદેશ’ એ વિશે અને ૧૧ વાગ્યે મુક્તજીવન મહિલા કોલેજની ૪૦૦ વિદ્યાર્થિનીઓને ‘સ્વામી વિવેકાનંદના શિક્ષણ વિશેના વિચારો’ તેમજ સાંજે ૬ વાગ્યે પાટિદાર કન્યા છાત્રાલયની ૪૫૦ બહેનોને ‘ઊઠો જાગો’ એ વિષય પર સંબોધન થયું હતું.

૨૫ જુલાઈના રોજ સ્વામી સર્વસ્થાનંદજી અને સ્વામી ઈષ્ટમયાનંદજીએ બી.એડ. કોલેજના ૧૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ‘મૂલ્યલક્ષી કેળવણી’ વિશે માર્ગદર્શન પ્રવચન આપ્યું હતું. સાંજે ૭.૩૦ વાગ્યે પ્રાર્થનામંદિર ભૂજમાં ‘આધ્યાત્મિક જીવનમાં ગુરુનું મહત્ત્વ’ એ વિષય પર એમણે આપેલા વ્યાખ્યાનનો ભક્તજનોએ લાભ લીધો હતો.

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા દ્વારા ગુજરાત રાજ્ય બોર્ડના ધો.૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનું સન્માન સંસ્થાના પ્રાંગણમાં ૨૨ જૂન, ૨૦૦૮ને રવિવારે ૪.૩૦ વાગ્યે કરવામાં આવ્યું હતું. તેજસ્વી ભાઈ બહેનોને એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના કુલપતિશ્રી ડૉ. રમેશ ગોયલના વરદ હસ્તે પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી વિવેકાનંદે ચીંધેલા પથે ચાલીને પોતાનું ચારિત્ર્યનિર્માણ કરવા તેમજ એમના શિક્ષણ વિશેના વિચારોને જીવનમાં ઝીલી જીરવીને સમાજકલ્યાણ અને રાષ્ટ્ર કલ્યાણ માટે ત્યાગ અને સમર્પણભાવના કેળવવા તેજસ્વી તારલાઓને હાકલ કરી હતી. કુલપતિશ્રીએ વિદ્યાર્થીઓને પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવીને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં એક તજ્‌જ્ઞ તરીકે લાગી જવા કહ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકો, આચાર્યો અને વાલીઓ ઉપસ્થિત હતા.

સેન્ટ્રલ બોર્ડના તેજસ્વી તારલાઓનું સન્માન

૨૩ જૂન, ૨૦૦૮ના રોજ ઉપર્યુક્ત સંસ્થા દ્વારા ૧૦ અને ૧૨ની પરીક્ષામાં મોખરે રહેનારા શહેરના ૫૦ થી વધુ વિદ્યાર્થીનું સન્માન જિલ્લા કલેક્ટરશ્રીના વરદ હસ્તે થયું હતું. આ કાર્યક્રમમાં વિજય નેહરાએ સ્વામીજીની છબિ સાથે રામકૃષ્ણ સંઘના પ્રેરક અને જીવન સંવર્ધક સાહિત્યની ભેટ આપી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રના જીવનમાં ઊભા થતા પડકારોનો સમતા અને સંવાદિતાપૂર્ણ ઉકેલ લાવવા સ્વામીજીના અને શ્રીરામકૃષ્ણદેવના વિચારો અત્યંત પ્રાસંગિક બની ગયા છે. આ સંસ્થાની પ્રવૃત્તિઓ સમાજમાં અજબનું ચેતન પાથરે છે. વિદ્યાર્થીઓએ વિદ્યાકીય ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્રના નવઘડતરના કાર્યમાં લાગી જવું જોઈએ. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આપણને પ્રત્યેક પ્રભાત પરમાત્માની કૃપાથી ૮૬૪૦૦ સેંકડની સમયમૂડી આપે છે. આ સમયમૂડી વેડફાઈ ન જાય એ જોવાનું કાર્ય આજની ઊગતી પેઢીએ કરવાનું છે. આજે માત્ર બુદ્ધિઅંક એ જ જરૂરી નથી પણ એની સાથે લાગણીઓનો અંક અને આધ્યાત્મિકતાનો અંક પણ સપ્રમાણ ભળવો જોઈએ અને એ થશે તો રાષ્ટ્રકલ્યાણ તો શું પણ વિશ્વકલ્યાણ અશક્ય નથી રહેવાનું. તેજસ્વી તારલાઓ વતી અમી પ્રપન્નાએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતી આવી મહાન સંસ્થા દ્વારા થતું બહુમાન અમારા માટે અત્યંત પ્રેરણાદાયક બની રહેશે.

મૂલ્યનિષ્ઠ શિક્ષણશિબિર

૨૮ જૂન, ૨૦૦૮ના રોજ સંસ્થાના પ્રાંગણમાં રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજની નિશ્રામાં વડોદરા શહેર તથા જિલ્લાના શિક્ષક ભાઈ-બહેનો માટે એક મૂલ્યનિષ્ઠ શિક્ષણશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એમણે પરા અને અપરા વિદ્યાનું મહત્ત્વ સમજાવીને કહ્યું હતું કે દરેક શિક્ષકે પોતાના જીવનમાં મૂલ્યોનું આચરણ કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રાપ્તિ જેટલી જરૂરી છે એટલું જ એ જ્ઞાનને આચરણમાં મૂકવાનું આવશ્યક બની રહે છે. જીવનમાં નિયમિતતા, સતત જ્ઞાનોપાસના, મૂલ્યનિષ્ઠ સાદગીપૂર્ણ પવિત્ર જીવન સાથે આધ્યાત્મિકતા પણ શિક્ષકોએ જાળવી રાખવી જોઈએ. એના દ્વારા જ વિદ્યાર્થીઓનું સાચું જીવન-ઘડતર થઈ શકે. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામીજીના ચારિત્ર્યનિર્માણના આદર્શની વિગતવાર ચર્ચા કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પટેલ સાહેબે આ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આચાર્ય મકવાણા સાથે મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો.

રામકૃષ્ણ સેવાસમિતિ, ઉપલેટામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સીવણયંત્રનું વિતરણ

૯ જુલાઈ, શનિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રામકૃષ્ણ સેવાસમિતિ, ઉપલેટાના સીવણ કેન્દ્રનાં બહેનોને…. સીવણયંત્રો શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના વરદ હસ્તે અપાયાં હતાં. એ દિવસે એમણે ભક્તજનોને સંબોધ્યા હતા.

ધાણેટીના વિવેકાનંદ વિદ્યાલયમાં સ્કૂલબસ અને ૧૦ કોમ્પ્યુટર સાથેના ધો.૧૧ના વર્ગનું લોકાર્પણ

         ૨૬ જુલાઈના રોજ જીનેન્દ્ર ફાઉન્ડેશન, યુકેના સહયોગથી ૪૨ સીટવાળી સ્કૂલ બસનું લોકાર્પણ ઉપર્યુક્ત વિદ્યાલયને અપાયેલ તેની સાથે સાંસદ પુષ્પદાન ગઢવીને ગ્રાંટમાંથી મળેલ ૧૦ કોમ્પ્યુટરનો અર્પણવિધિ સ્વામી ઈષ્ટમયાનંદજી અને જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઈ આહિરના વરદ હસ્તે થયો હતો. ધો.૧૧ના સામાન્ય પ્રવાહના વર્ગનું ઉદ્‌ઘાટન માજી સાંસદ અને સરદાર સરોવર જળસંચય યોજનાના ચેરમેન શ્રીઅનંતભાઈ દવે અને સ્વામી સર્વસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે દીપપ્રગટાવીને થયું હતું.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.