(એપ્રિલ ૦૮થી આગળ)

બેલુર મઠ, ૧-૪-૬૨

સાંજે પ્રબુદ્ધભારતના નવા તંત્રી સ્વામી ચિદાત્માનંદજી મહારાજે આવીને એમણે સંપાદિત કરેલ પ્રથમ અંક પરમ પૂજ્ય અધ્યક્ષશ્રી વિશુદ્વાનંદજી મહારાજના કરકમળમાં અર્પણ કર્યો. પત્રિકા મુખપૃષ્ઠનું સૌષ્ઠવ જોઈને તેઓ પ્રસન્ન થયા અને કહ્યું: ‘શ્રીઠાકુરે પોતે જ આ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે, ‘એની બધી જાણ મા જગદંબાને છે’. એમનો આવો ભાવ હતો – હું યંત્ર અને તમે યંત્રી, નાહં નાહં તુહી તુહી – અંતરમાં આ ભાવ રાખીને ચાલીએ તો બધું બરાબર ચાલતું રહેશે એ આપણને જોવા મળશે. મૂળકથા એમના હાથનું યંત્ર બની જશે.

બેલુર મઠ, ૩-૪-૬૨

સાંજના દર્શનનો સમય થઈ ગયો છે. પરમ પૂજ્ય અધ્યક્ષ મહારાજ બીજા માળની ઓસરીમાં બેસીને ભક્તવૃંદની રાહ જુએ છે. ગંગા પર વહેતી નૌકાના શઢને જોઈને સેવક સાધુને એમણે કહ્યું:

‘ઠાકુર કહેતા – ‘કૃપાનો વાયુ વહી રહ્યો છે. તમે નૌકાની જેમ શઢ ચડાવી દો.’ અને આપણે શું કરી રહ્યા છીએ, શઢને વાળીને જ બેઠા છીએ! મન રૂપી શઢને આસક્તિની દોરીથી સખત રીતે બાંધીને રાખી દીધું છે. પાલમાં પેલી ઈશ્વરની કૃપાના વાયુનો સ્પર્શ તો થાય છે પણ શઢ વીંટળાયેલ હોવાથી નૌકા આગળ જતી નથી. સાનુકૂળ વાયુ અને આટલી બધી ઉમદા તક હોવા છતાં પણ આપણે બધા નિશ્ચેષ્ટ થઈને બેઠા છીએ. આવી છે આપણી હાલની હાલત.’

બેલુર મઠ, ૪-૪-૬૨

આ વખતે હરિદ્વારમાં પૂર્ણકુંભ મેળો યોજાયો હતો. બપોર પછી આવેલા દર્શનાર્થીઓમાં કેટલાક લોકો પૂર્ણકુંભ મેળામાં થઈને આવ્યા છે. એમણે કહ્યું: ‘અમારા કેટલાક સાથીઓ કુંભમેળામાંથી કેદારનાથ અને બદ્રીનાથનાં દર્શને ગયાં છે.’ એમની વાત સાંભળીને પરમાધ્યક્ષ મહારાજે કહ્યું:

‘આજે કથામૃત વાંચતી વખતે શ્રીઠાકુરનો એક વિશેષ ઉપદેશ નજરે ચડ્યો. એમાં શ્રીઠાકુરે કહ્યું છે: ‘ભગવાનના નામમાં જેને રુચિ હોય તેમને તીર્થે તીર્થે ભમવાની જરૂર નથી.’ એમ કહીને એક ગીત ગાય છે:

ગયા ગંગા પ્રભાસાદિ કાશી કાંચીને કોણ ચાહે;
કાલી કાલી બોલે અજપાજપ ખતમ થાય ભલે.

મન જો એમના નામે ડૂબેલું રહે તો પછી તીર્થોમાં ભટકવાની જરૂર શી? એમનાં ચરણકમળમાં મનને લીન કરવા અને બેસાડવા તીર્થાટન આદિ કરવાં પડે.’

બેલુર મઠ, ૫-૪-૬૨

બપોર પછી દર્શન સમયે એક વયોવૃદ્ધે કહ્યું: ‘સંસારમાં કામકાજનું એટલું બધું દબાણ રહે છે કે ભગવાનનું નામસ્મરણ કરવાનો સમય જ મળતો નથી.’

આ સાંભળીને પરમાધ્યક્ષ મહારાજે સતેજ બનીને કહ્યું: ‘એ વળી શું? ભણવા-ગણવા માટે કેટલો બધો પરિશ્રમ કરવો પડે? શાળાંત પરીક્ષા પાસ કરતાં જ દસ વર્ષ વીતી જાય. ચિત્રકામ શીખતાં પણ કેટલો બધો સમય લાગે છે? સંગીત વિદ્યા પ્રાપ્ત કરવા માટે પણ દીર્ઘકાળની સાધના જરૂરી છે. અને અધ્યાત્મ વિદ્યા તો ‘વિદ્યાની વિદ્યા’ છે, ભગવાનપ્રાપ્તિ શું વળી સહજમાં થઈ જાય ખરી?

જુઓ તો ખરા! સંસારમાં જેમને જ્યાં રુચિ હોય એ મેળવવા માટે અથાક પરિશ્રમ કરે છે માનવી! પરંતુ ઈશ્વરપ્રાપ્તિ માટે આપણી કેટલી બધી અલ્પ તૃષ્ણા છે, કહો જોઈએ! એમના સિવાય બીજા બધા માટે સમયકાળ હોય છે. ૩૦ વર્ષ પછી જે કામ થાય તે એટલું સહજસરળ નથી. જાગતિક પ્રવૃત્તિમાં પણ એક નિયમ છે, વિદ્યાનું ઉપાર્જન, કર્મનો આરંભ, ગૃહસ્થજીવનમાં પ્રવેશ, આ બધું ૩૦ વર્ષ સુધીમાં થાય.

બેલુર મઠ, ૮-૪-૬૨

રવિવારની સવાર છે. પહેલાં આવેલ કેટલાક દર્શનાર્થીઓ નીચેના માળે સ્વામી ચિત્તસુખાનંદજી મહારાજના ઓરડા પાસે રાહ જોઈ રહ્યા છે. અંગત સચિવ સ્વામી ચિત્તસુખાનંદજીએ બહારથી આવેલા એક ભક્તને કહ્યું: ‘ઉનાળાની ઋતુને લીધે સવારે ૯ થી ૧૦ સુધી એટલે કે એક કલાક પહેલાં દર્શન થશે. બપોર પછીનો સમય ૫.૩૦ થી ૬.૩૦ રહેશે.’ જોતજોતામાં બીજા અનેક ભક્તો આવીને ત્યાં બેઠા હતા. યથા સમયે અંગત સચિવ મહારાજની સૂચનાથી બીજા માળની ઓસરીમાં જઈને ભક્તોએ પરમાધ્યક્ષશ્રીનાં દર્શન કર્યાં.

અધ્યક્ષ (એક વયોવૃદ્ધ દર્શનાર્થીને) : ‘તમે તો માલદામાં હતા ને! ઘણા દિવસ સુધી કેમ ન આવ્યા? તમારો ચહેરો ઊતરી ગયો હોય એવું લાગે છે. શું તમે નવું મકાન બનાવ્યું ખરું?’

વૃદ્ધ ભક્ત : ‘નિવૃત્ત થઈને ટાલીગંજમાં મકાન બાંધ્યું છે. આ મારી દીકરી કોલેજમાં ભણાવે છે. માલદામાં જ્યારે મળી હતી ત્યારે તેને આપે સંસ્કૃત શીખવા કહ્યું હતું.’

અધ્યક્ષ (શિક્ષિકાને ઉદ્દેશીને) : ‘કથામૃત વાંચે છે?’

વૃદ્ધ ભક્ત : ‘સ્વામીજીની ગ્રંથાવલિ વાંચે છે.’

અધ્યક્ષ : ‘રેતીમાં ખાંડ ભળી હોય તો કીડી એમાંથી ખાંડ જ વીણીને ખાય. એમાં જ એમને આનંદ આવે છે અને સંતોષ થાય છે. ચોર સુખની આશાએ ચોરી કરે છે. બધાને સુખશાંતિ જોઈએ છે. તેઓ બધા એમ સમજે છે કે વિષયસુખમાં જ સુખશાંતિ મળશે! પણ શું વિષય સુખશાંતિ આપી શકે ખરો?’

એક યુવક ભક્ત : ‘વિષય રહેવાથી વાદવિવાદ, મામલા મુકદ્દમા થાય જ.’

અધ્યક્ષ : ‘શું મામલા મુકદ્દમા જ થાય એટલું જ! પણ અંતે તો બધે દાઝવું જ રહ્યું! કેટલાકને મોડે મોડે પણ ભાન આવે છે. ઠોકરો ખાઈ ખાઈને વિષયમાં સુખ નથી એવું શીખે છે. પણ શુભસંસ્કાર હોય તો ઘણું થઈ શકે છે. તમે સ્વામીજીની ગ્રંથાવલિ વાંચો છો એ તો ઘણું સારું. પણ શું એથી તમારું મન એમાં બેસશે ખરું? મન તો વિષયમાં બંધાઈ ગયેલું છે.’

* * *

કાશી જઈને આવેલ એક જૂના સંન્યાસી (સત્યેન મહારાજ) ધીમે ધીમે આવીને એમનાં ચરણકમળમાં એક બિલું મૂકીને પૂજ્ય પરમાધ્યક્ષશ્રીને કહ્યું: ‘કાશીથી હું ત્રણ બિલ્વફળ લઈ આવ્યો છું. શ્રીઠાકુર અને શ્રીમા અને આપને માટે.’ અધ્યક્ષ મહારાજે કાશીના સાધુઓના કુશળ સમાચાર પૂછ્યા અને ત્યારપછી પેલા જૂના સંન્યાસી નીચે ચાલ્યા ગયા.

કેટલાક દર્શનાર્થીના આગમનથી બીજા માળની ઓસરી ખચોખચ ભરાઈ ગઈ. અધ્યક્ષશ્રીએ ધ્રુવસ્મૃતિ સાથે એક વૃદ્ધસ્ત્રીને પૂછ્યું: ‘તમે કેવી રીતે આવ્યાં?’ વૃદ્ધાએ કહ્યું: ‘આગરપાડામાં આ દીકરીના ઘરે આવી છું. ત્યાંથી બે-ત્રણ ગાડી બદલાવીને આપની પાસે આવી છું.’ વાત સાંભળીને અધ્યક્ષ મહારાજે કરુણા સાથે કહ્યું: ‘અહીં મળવું એટલું સહજસરળ નથી. સમયનું બંધન છે. ૮૦ વર્ષ થઈ ગયાં છે ને! એટલે જ આટલું ચુસ્ત બંધન છે. વારુ, મા! ભજનમાં તમારું મન લાગે છે ને?’ વૃદ્ધાએ કહ્યું: ‘માયા અને આસક્તિના હાથથી બચવાનો પ્રયત્ન તો કરું છું પણ થવું જોઈએ એટલું થતું નથી.’

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.