તમારા વ્યક્તિત્વને પ્રબળ અને ઉત્કટ જુસ્સાવાળું બનાવવા માટે સારી રીતે જીવન જીવવું એ જ એક માત્ર માર્ગ છે. સદ્‌ જીવન સદ્‌ વિચારથી શક્ય બને છે, કારણ કે બધી પ્રવૃત્તિઓમાં વિચાર સૌથી અગ્રક્રમે હોય છે. સદ્‌ વિચાર તમને તમારી પ્રવૃત્તિઓમાં સાચું દિશાભાન કરાવે છે. એને લીધે તમારી ભીતર છુપાયેલ શક્તિનાં પ્રબળ સંસાધનો અને વિપુલ પ્રમાણમાં શક્યતાઓને શોધી કાઢવા તમે શક્તિમાન બનો છો. સાથે ને સાથે તમારી પોતાની આવશ્યકતાઓ પ્રમાણે તમે તમારું ભાગ્ય ઘડી શકો છો. તમારું પ્રબળ અને ઉત્કટ વ્યક્તિત્વ વિકસાવવા માટે તમારે અહીં આપેલા કેટલાક પાયાના સિદ્ધાંતોને વળગી રહેવું જોઈએ :

(૧) આત્મસન્માન : આત્મસન્માન એટલે તમારા પોતા માટેનો વિવેકપૂર્ણ સારો અભિપ્રાય. દરેક વ્યક્તિમાં પોતાની પ્રતિભા, કેળવણી અને વિશિષ્ટ લાક્ષણિકતા હોય છે. આત્મસન્માનમાં પોતાની ભીતરની શક્તિઓનું જ્ઞાન અને તેને પૂર્ણ કરવાની શક્તિમત્તાનો સમાવેશ થાય છે. એને માટે તમે જે કંઈ પણ કરવા શક્તિમાન હો એની વાસ્તવિક પ્રતીતિ સાથેની સાચી જાણની જરૂર છે. તમે તમારી જાતને સાચા સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કરો. ક્યારેય પોતાની નિષ્ફળતાને તમે તમારી શક્તિમત્તા કે પાત્રતા સાથે સરખાવતા નહિ. ક્યારેય તમારી જાતને ધિક્કારતા નહિ કારણ કે તમે આવા-તેવા કે જેવા-તેવા નથી. તમે પોતે ‘તમે જ’ બનો, તમારી જાતને ઓળખો-સમજો. તમારી પોતાની વ્યક્તિમત્તાની સાચી ઓળખાણ જ તમારી જાતને ઘડવાની શક્તિ આપે છે. પોતાના પ્રત્યેના આદરભાવ અને પોતાની શક્તિમત્તાની ભાવના હંમેશાં કેળવતા રહો. આ તમારી પાયાની મનોવૈજ્ઞાનિક આવશ્યકતા છે.

નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ)ને તેમની માતા ભુવનેશ્વરીદેવીએ એક શિખામણ આપી હતી: ‘આજીવન પવિત્ર રહેજે, પોતાની મર્યાદાની રક્ષા કરજે, અને બીજાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરજે, ખૂબ શાંત રહેજે, પરંતુ જરૂર પડયે હૃદયને કઠણ કરજે.’ માતાના આ શિક્ષણની સાથે સ્વામીજીએ બાળપણથી એ શીખી લીધું હતું કે આત્મસન્માનની રક્ષા કઈ રીતે થાય છે. બીજાને યોગ્ય સન્માન આપવામાં તેઓ કોઇ કચાશ ન રાખતા તેવી જ રીતે કારણ વગર કોઈ તેમનું અપમાન કરે તો તે પણ સહન કરી શકતા નહીં. એક વખત તેમના પિતાના એક મિત્રે બાળક નરેન્દ્રનાથની અવગણના કરી. માતા-પિતા તેમને બાળક સમજીને કદી અવગણના કરતા નહીં. એટલે તેમના માટે આ પ્રકારનો વ્યવહાર નવો હતો. તેઓ એ કારણે અવાક્‌ થઈ ગયા અને વિચારવા લાગ્યા: ‘કેવું આશ્ચર્ય કે મારા પિતા પણ મને તુચ્છ ગણતા નથી, જ્યારે આ વ્યક્તિ મને આટલી તુચ્છ ગણે છે.’ આ કારણે ઘવાયેલ સાપની જેમ તેઓ ફૂત્કાર કરીને બોલી ઊઠયા: ‘આપના જેવા કેટલાક લોકો એમ સમજે છે કે નાના બાળકોની કોઈ ગણના નથી, પરંતુ આપની આ ધારણા ભૂલભરેલી છે.’ નરેન્દ્રનાથનું રુદ્ર સ્વરૂપ જોઈને પેલા મહાશયને ભૂલ સ્વીકારવી પડી.

કઠોપનિષદના બાળક નચિકેતામાં પણ આવી જ આત્મશ્રદ્ઘા દૃષ્ટિગોચર થાય છે. નચિકેતાએ કહ્યું હતું: ‘ઘણાની વચ્ચે પ્રથમ અથવા મધ્યમ છું પરંતુ હું અધમ કદાપિ નથી.’ સ્વામીજીને નચિકેતાનું ચરિત્ર ઘણું પ્રિય હતું.

તમારા જીવન સાથે સંકળાયેલ અને પ્રભાવ પાડનાર દરેક બાબત પર સૌથી વધારે ધ્યાન આપો; પછી ભલે તે તમારો પોશાક, તમારો ખોરાક, તમારા વ્યાયામો, મિત્રો, પુસ્તકો, વગેરે હોય.

સંક્ષેપમાં :

* હંમેશાં તમારા પોતા માટેનો સારો અભિપ્રાય રાખો અને પોતાના આદરભાવ અને શક્તિમત્તાની ભાવના કેળવવાનો પ્રયત્ન કરો.

* તમારી શક્તિમત્તા સાથે તમારી નિષ્ફળતાઓને ક્યારેય ન સરખાવો અને તમારી જાતને ક્યારેય ન ધિક્કારો.

* આટલું યાદ રાખો કે નિષ્ફળતાઓ સફળતાનાં સોપાનો છે.

* તમે ‘તમે જ’ બનો એટલે કે કોઈનુંયે અનુકરણ ન કરો. દરેક વ્યક્તિને પોતાની આગવી પ્રતિભા, કેળવણી અને વિશિષ્ટ લાક્ષણિકતા હોય છે.

* પોતાના વિશેષ ગુણોને તમારે ઓળખીને એને કેળવવામાં પોતાની જ શક્તિને વાપરવી જોઈએ.

(૨) આત્મનિરીક્ષણ : તમે તમારી દૈનંદિન પ્રવૃત્તિઓ કેવી રીતે કરો છો તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા રહો. તમારી નિરીક્ષણ શક્તિઓને વિકસાવો અને એને વધુ ને વધુ ધારદાર બનાવો. આપણાં ઉપનષદો કહે છે:

‘ૐ આપ્યાયન્તુ મમાંગાનિ વાક્પ્રાણશ્ચક્ષુ: શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ ।

‘મારા બધા અવયવો મજબૂત થાઓ. તેવી જ રીતે મારા શ્વાસ, મારી વાણી, આંખ, કાન અને બીજાં બધાં અંગો બળવાન બનો.’

જીવનને તો જોવું જોઈએ, સ્પર્શવું-અનુભવવું જોઈએ, એનો સ્વાદ માણવો જોઈએ, એને સુંઘવું જોઈએ અને સાંભળવું જોઈએ. દરેકેદરેક વસ્તુ સજાગ બનીને અને ઉદ્દેશ્યપૂર્ણ રીતે કરવી જોઈએ. વધુ ને વધુ સાર્વત્રિક રીતે જાગ્રત રહો. તમે તમારી જાતને ક્યારેય દિવાસ્વપ્નમાં ડૂબાડી ન દો.

સંક્ષેપમાં :

* તમારા જીવનધ્યેયને ધ્યાનમાં રાખીને બધી પ્રવૃત્તિઓ જાગ્રતપણે કરવાનો પ્રયત્ન કરો.

* નિરીક્ષણ શક્તિને વધુ ધારદાર બનાવવી.

* તમારા ગુણ-અવગુણને જાણો અને દિવાસ્વપ્નો ન જુઓ.

(૩) આત્મનિર્ભરતા – સ્વાવલંબન : તમે પોતે કરી શકો તેવાં કાર્યો અને તમારે જ કરવાં જોઈએ એવાં કાર્યો તમારા માટે બીજા કોઈ કરી દે તેવી અપેક્ષા ન રાખો. આવી કુટેવથી તમે તમારા ચારિત્ર્યની અવહેલના કરો છો. તમારે હંમેશાં પૂર્ણપણે પોતાની ક્ષમતા અને પ્રયાસો પર આધાર રાખવો જોઈએ. આટલું હંમેશાં યાદ રાખજો કે સ્વમેળે કેળવાયેલ વ્યક્તિઓ જ મહાન બને છે.

નરેનને એમના પિતા વિશ્વનાથ એમને કેટલાંક મહત્ત્વનાં ગુણ-લક્ષણોના પાઠ ભણાવતા. એક દિવસ નરેન એમના પિતા પાસે ગયા અને એક પ્રશ્ન પૂછ્યો: ‘તમે મારા માટે શું કર્યું છે?’ સામાન્ય રીતે આવો પ્રશ્ન સૌ કોઈ પોતાના વડીલોને પૂછતાં હોય છે. પિતા વિશ્વનાથ દત્તે એનો વળતો ઉત્તર આપતાં કહ્યું: ‘જા, અને તારી જાતને અરીસામાં જોઈ આવ.’ આ સાંભળતાં જ પુત્ર નરેનને તરત જ બધું સમજાઈ ગયું.

માતપિતાનું કાર્ય પોતાનાં સંતાનોની ભીતર રહેલી શક્તિઓનું બાળકોને નિરીક્ષણ કરતાં કરવાનું છે. પછી એની મેળે એ હૃદયના કમાડ ખોલશે અને પોતાની ભીતર રહેલી શક્તિઓના ખજાનાને નિહાળતાં થશે.

સંક્ષેપમાં :

* તમે કરી શકતા કે તમારે કરવાં જોઈતાં કાર્યો માટે બીજાની અપેક્ષા ન રાખો.

* આત્મનિર્ભરતામાં જ પરમ આનંદ છે અને પરાવલંબન એટલે દુ:ખપીડા છે.

* પોતાની જાતને ઘડનારા જ મહત્તાને વરે છે.

(૪) આત્મદાયિત્વબોધ – પોતાની મેળે સ્વીકારેલી કર્તવ્યનિષ્ઠા : તમારું જીવન જીવવા માટે તમે શક્તિવાન બનો. તમારાં બધાં કાર્યોની પૂર્ણ જવાબદારી સ્વીકારી લો. એને અસરકારક અને સાહસપૂર્ણ રીતે સાકાર કરવા તમારી ક્ષમતાને પૂરેપૂરી કામે લગાડો. એને લીધે તમારી ભીતરની શક્તિઓ પૂર્ણપણે ઊજાગર થશે. આ વાત હંમેશાં તમારે યાદ રાખવી જોઈએ કે તમારું ભાગ્ય તમારા હાથમાં છે. સાથે ને સાથે કોઈ પણ કાર્યની જવાબદારી તમારે વ્યક્તિગત રીતે ઉપાડી લેવી જોઈએ; અને તમારા ભાગ્યનું નવવિધાન તમારી પોતાની ક્ષમતા, આવશ્યકતા, મહત્ત્વાકાંક્ષા અને આદર્શો અનુસાર કરવું જોઈએ.

નરેન્દ્ર બહુ સારી રીતે વાર્તા કહી શકતા હતા. તેમની વાતો અને વ્યક્તિત્વ એવાં આકર્ષક હતાં કે વાર્તાની શરૂઆત થાય કે તરતજ સૌ પોતપોતાનું કામ મૂકીને તેમની વાતો જ સાંભળ્યા કરતા. સ્કૂલમાં એક દિવસ બે તાસની વચ્ચેના સમયમાં તેઓ વાત કરતા હતા. જમાવટ એવી થઈ હતી કે શિક્ષકે આવીને ભણાવવાનું શરૂ કર્યું પરંતુ કોઈનું એ તરફ ધ્યાન નહોતું. બધા નરેન્દ્રની વાત સાંભળવામાં મગ્ન હતા. થોડી વાર પછી શિક્ષકે કાનફૂસિયાં સાંભળ્યાં અને બધો તાલ પામી ગયા. ખીજાઈને તેઓ એક એકની પરીક્ષા કરવા લાગ્યા કે તેઓ જે પાઠ શીખવી ગયા હતા તે સૌ સાંભળતા હતા કે નહીં. કોઈ જવાબ આપી શકયું નહીં. પરંતુ નરેન્દ્રનું મન તો દ્વિમુખી હતું એટલે વાત કરતાં કરતાં પણ તેમનું ધ્યાન તો ભણવામાં જ હતું. જ્યારે શિક્ષકે નરેન્દ્રને પૂછયું ત્યારે ભૂલ વગર તેમણે જવાબ આપ્યો. ‘આટલો વખત સુધી કોણ વાત કરતું હતું’, એમ શિક્ષકે પૂછયું ત્યારે સૌએ નરેન્દ્ર તરફ ઇશારો કર્યો. શિક્ષકને ખાતરી ન થઈ. તેમણે નરેન્દ્ર સિવાય સૌને ઊભા રહેવાની શિક્ષા કરી. બધાની સાથે નરેન્દ્ર પણ ઊભા થઈ ગયા. શિક્ષકે તેમને કહ્યું કે તારે ઊભા રહેવાની જરૂર નથી ત્યારે નરેન્દ્રે કહ્યું કે ‘મારે ઊભા રહેવું જોઈએ કારણ કે હું પણ વાતો કરતો હતો.’ તે ઊભા રહ્યા.

સંક્ષેપમાં :

* માનવી પોતાનો ભાગ્યવિધાતા છે.

* તમારા દોષ માટે કોઈને નિંદતા નહિ. હિંમતપૂર્વક પૂર્ણ જવાબદારી સ્વીકારો.

* ભયંકર મુસીબતોને ભગાડવા તેમનો સામનો કરો.

(૫) આત્મપ્રેરણા – સ્વમેળે કાર્યારંભ : કાર્યના આરંભ માટે તમારી અંત:પ્રેરણાનો ઉપયોગ કરો. કોઈ પણ કાર્ય કરવાનો આરંભ કરવો એટલે કોઈ બીજા કહે તેની રાહ જોયા વગર કંઈક ઉત્તમ કરવું. બીજાઓ તમને આંગળી ચીંધે એના કરતાં તમે પોતે જ તમારી જાતને આંગળી ચીંધતા બનો. સૌ પ્રથમ તો તમે તમારી જાતના સાચા સ્વામી બનો. એને લીધે તમારી સામે આવતી કોઈપણ સમસ્યાને પ્રભાવક રીતે હલ કરી શકશો.

નરેન્દ્રનાથમાં નેતૃત્વ જન્મજાત હતું.. એ છ વર્ષના હતા ત્યારે એક દિવસ કોઈ નાના કુટુંબની સાથે તેઓ  આનંદના મેળામાં ગયા… ઉજાસ ઓછો થયે એ અને એનો બાળમિત્ર, બંને ઘેર પાછા વળતા હતા ત્યારે, ટોળામાં બંને છૂટા પડી ગયા. એ વેળા ખૂબ ઝડપથી દોડતી એક ગાડી આવી રહી હતી. નરેનને હતું કે પેલો છોકરો પોતાની પાછળ છે એટલે ગાડીનો અવાજ સાંભળી એમણે પોતાની પાછળ નજર કરી. પેલો છોકરો રસ્તાની બરાબર વચ્ચે ભયથી ખોડાઈ ઊભો હતો; ગાડી નીચે આવી જવાના ભયમાં હતો. આ જોઈ નરેન્દ્ર ગભરાયા પણ, પોતાના રમકડાંને ડાબી બગલમાં દબાવતા પેલા છોકરાની મદદે દોડયા અને પોતાના જમણા હાથેથી તેને પકડી, લગભગ ઘોડાની ખરી નીચેથી તેને ખેંચી કાઢયો. આજુબાજુના લોકો આથી આશ્ચર્યચકિત થઈ ગયા. બીજા બધાં બૂમો પાડી રહ્યા હતા પણ કોઈએ મદદ કરવા માટે પહેલ કરી નહિ.

સંક્ષેપમાં :

* આત્મપ્રેરણાથી કાર્યારંભ કરો. કાર્યારંભ માટે બીજાના આદેશની રાહ ન જુઓ.

* તમે પોતે જ તમારી દિશા શોધો.

* તમે તમારી જાત પર પ્રભુત્વ મેળવો.

(૬) આત્મશ્રદ્ધા : કોઈ પણ ભગીરથ કાર્યની સફળતામાં આત્મશ્રદ્ધા અનિવાર્ય અંગ છે. આત્મશ્રદ્ધા એટલે પોતાની જાતમાં દૃઢ વિશ્વાસ. તમારી જાતમાં શ્રદ્ધા રાખો. તમારી જાતમાં શ્રદ્ધા રાખવી એટલે તમારા ધ્યેયને સાકાર કરવા બધાં સંસાધનો તમારી ભીતર છે એ જાણવું અને માનવું. જેવું તમે માનશો તેવું જ બધું થશે. નિષ્ફળતાના વેરાન રણમાં પણ આત્મશ્રદ્ધાવાન માનવી કંઈક સુંદરનું સર્જન કરી શકે છે. કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવા પોતાની જાતને મહદંશે હોમી દેવી એ જ આત્મશ્રદ્ધા કેળવવાની ગુરુચાવી છે. તમારા મનમાં તમારા ધ્યેયને સ્પષ્ટપણે કોતરી નાખો. તમારી મુશ્કેલીઓ તમારા પર સવાર થઈ જાય એવું ક્યારેય ન કરો. તમે હંમેશાં શીખતા રહો, વિકસતા રહો અને તમારી જાતને સુધારતા રહો.

જીવન છે તો આશા છે. એનો અર્થ એ થયો કે શ્રદ્ધા અને આશા જીવનનાં પ્રબળ ચાલકબળ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘લોકોમાં શ્રદ્ધાના, પોતાની જાતમાં આત્મશ્રદ્ધાના અભાવે આપણા દેશમાં સર્વ કંઈ વિનાશની કરાલ ધાર ઉપર આવી ગયું છે.’ શ્રદ્ધા અને આશાના તિખારા વિનાનો માનવી મરેલા જેવો જ છે. આશાના ચમકારા વિનાનું કોઈ ક્યારેય ન હોઈ શકે. કંઈક કરી શકાય તેવું હંમેશાં તમારી સમક્ષ રહે જ છે. એટલે જ તમારી જાતમાં શ્રદ્ધા રાખો. જ્યારે ક્યાંય માર્ગ ન હોય ત્યારે શ્રેષ્ઠ માનવજાતે હંમેશાં આશાઓ સેવી હતી; જીવવું અશક્યવત્‌ બની ગયું ત્યારે તેઓ જીવ્યા હતા; અને જ્યારે નહિવત્‌ ઘડતર થયું હતું ત્યારે નવ ઘડતર કરવાનો પ્રયત્ન એમણે કર્યો હતો.

ભારત પરિભ્રમણ કરતી વખતે એક વાર થાકથી સ્વામીજીને ચક્કર આવવા લાગ્યાં અને તેઓ આગળ ચાલી શકયા નહીં. સૂર્યનો તાપ અસહ્ય હતો. એક ઝાડ નજીક પહોંચી તેઓ એની નીચે બેઠા. કહ્યો ન જાય એવો થાક તેમના અવયવો પર સવાર થઈ ગયો. પછી, અંધારામાં પ્રકાશ ઝબકે એમ એમને વિચાર આવ્યો: ‘બધી શક્તિ આત્મામાં સ્થિત છે. એ શું સાચું નથી? ઇન્દ્રિયો અને શરીર એની પર આધિપત્ય કેમ ભોગવી શકે? મારામાં અશક્તિ કેમ આવી શકે?’ તે સાથે જ તેમના આખા શરીરમાં સ્ફૂર્તિનું મોજું સંચાર થયું. એમના મનમાં પ્રકાશનાં પૂર આવ્યાં; એમની ઇન્દ્રિયો પુન: ચેતનવંતી બની. ઊભા થઈ એ ચાલવા લાગ્યા. નિર્ધાર કર્યો  કે ફરીથી પોતે નબળાઈને વશ થશે નહીં. પોતાના પરિભ્રમણ દરમિયાન એવી સ્થિતિમાં તેઓ અનેક વાર મૂકાયા હતા; પણ પોતાની ઉચ્ચતર પ્રકૃતિને તેઓ પ્રગટ કરતા. એમનામાં શક્તિ પુન: વહેવા લાગતી. પછીથી, કેલિફોર્નિયામાં પોતાના એક વ્યાખ્યાનમાં સ્વામીજીએ કહેલું : ‘ભૂખથી, પગમાં ચીરા પડયા અને થાકથી હું અનેક વાર મૃત્યુના મોંમાં પડયો છું; દિવસો ને દિવસો સુધી મને ખાવાનું નથી મળ્યું. આગળ ડગલું ભરવાની શક્તિ રહી ન હતી; કોઈ ઝાડ નીચે ધબ્બ દઈને પડું. ચેતના ક્ષીણ થતી જાય. બોલી શકાય નહીં, વિચાર પણ ભાગ્યે જ કરી શકાય. પણ, આખરે  અંતરમાંથી પ્રકાશ અને શક્તિનો ધોધ વરસે: ‘મને ભય નથી કે મૃત્યુ નથી, હું અજન્મા છું, અમર છું, મને ભૂખ-તરસ લાગતાં નથી ; હું તે છું! હું તે છું! સમસ્ત પ્રકૃતિ મને કચડી શકશે નહીં:  એ  મારી  ગુલામ છે. આત્મબળને પ્રગટ કર.  દેવાધિદેવ! તારા  સામ્ર્રાજ્યને  પાછું  મેળવી  લે! ઊભો થા! ચરૈવેતિ! આગે કૂચ! આગળ  ચાલતાં  ક્યાંય  અટકીશ માં! હૃદયમાં સ્ફૂર્તિ-વંત બનીને હું ઊભો થતો; અને આજે અહીં જીવતો ઊભો છું!’ આમ, જ્યારે પણ અંધકાર આવે ત્યારે, સત્ય પ્રગટાવો અને બધી પીડા દૂર થશે. કારણ, એ તો માત્ર સ્વપ્ન છે. મુશ્કેલીઓ પહાડ જેવી લાગે, બધી વસ્તુઓ ભયંકર અને વિષાદમય લાગે, એ બધી માયા છે. નિર્ભય બનો! એ બધી  દૂર થશે. એને પગતળે કચડી નાખો; એ નાશ પામશે.’

સંક્ષેપમાં :

* આત્મશ્રદ્ધા સફળતાની ગુરુચાવી છે.

* ક્યારેય નિરાશ બનો અને મુસીબતોને તમારા પર સવાર થવા નો દો.

* અતિવિષમ પરિસ્થિતિને પણ જીતવાનો પ્રયત્ન કરો. મુસીબતો એટલે તક ઝડપવાની પળ.

* ભીતરની અનંત શક્તિમાં શ્રદ્ધા રાખો.

(૭) આત્મપરિશ્રમ – જાતમહેનત : માત્ર ઇચ્છાના ઘોડે સવાર થવાથી કે સ્વપ્નની દુનિયામાં રાચવાથી આત્મશ્રદ્ધા કેળવાતી નથી. તમારા સ્વપ્નને વાસ્તવિક રૂપ આપવા માટે તમારે જાતમહેનતનો આશરો લેવો પડે છે. આત્મસંયમ એટલે તમારી ઊર્જાઓને આત્મશ્રદ્ધા વિકસાવવા સંયત કરવી.

પ્રમાદી કે ‘આવતીકાલે કરશું’વાળા ન બનો. તમે જે કંઈ કરો તેમાં પૂર્ણતા માટેની ઉત્કટતા કેળવો. સારી ગુણવત્તાવાળું કાર્ય કરવા માટેની દૃઢ નિર્ણયશક્તિ જીવનમાં સર્વોત્કૃષ્ટતા લાવે છે.

બે અઠવાડિયાં માટે સ્વામીજી જયપુર હતા ત્યારે, તેમને સંસ્કૃત વ્યાકરણના એક વિખ્યાત વિદ્વાન મળ્યા. એમની પાસેથી સ્વામીજીએ પાણિનીની અષ્ટાધ્યાયી ભણવાનું નક્કી કર્યું. પણ એ પંડિત જાતે ખૂબ વિદ્વાન હોવા છતાં એમની પાસે અધ્યયન શક્તિ ન હતી. ગ્રંથના પ્રથમ સૂત્ર પરની ટીકા સમજાવવા તેમણે ત્રણ દિવસ પ્રયત્ન કર્યો પણ, વિફળ. ચોથે દિવસે પંડિતે કહ્યું: ‘મને ડર છે કે મારી પાસે અભ્યાસ કરવાથી તમને કાંઈ પ્રાપ્ત થતું નથી. કારણ કે, ત્રણ દિવસની કડાકૂટ પછીયે હું તમને એક સૂત્રનો અર્થ સમજાવી શકયો નથી.’ એ ટીકાને જાતે ગળે ઉતારવાનું સ્વામીજીએ નક્કી કર્યું. પંડિત જે ત્રણ દહાડામાં ન કરી શકયા તે તેમણે ત્રણ કલાકમાં કર્યું. તરત જ તેઓ પંડિત પાસે ગયા અને સહજ રીતે ટીકા અને તેનો અર્થ સમજાવ્યાં. પંડિત આભા બની ગયા. તે પછીથી સૂત્ર પછી સૂત્ર અને અધ્યાય પછી અધ્યાય પર પ્રભુત્વ મેળવવા પાછળ સ્વામીજી પડ્યા. આ અનુભવ વિશે વાત કરતા પાછળથી સ્વામીજી કહેતા: ‘મનમાં તીવ્ર ઉત્કંઠા હોય તો, બધું પ્રાપ્ત કરી શકાય છે – પહાડોને પણ અણુ જેવડા કરી શકાય છે.’

માત્ર ને માત્ર સ્વ-પરિશ્રમથી જ તમે તમારી જાતને સમૃદ્ધ બનાવી શકો.

સંક્ષેપમાં :

* માત્ર ઇચ્છાઓ આત્મશ્રદ્ધા આપી ન શકે. સ્વપ્નને સાકાર કરવા જાતમહેનત આવશ્યક છે.

* પ્રમાદી ન બનો. દૃઢ નિર્ણયથી કાર્યમાં મંડી પડો.

* આત્મસંયમથી ધ્યેયપ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરો.

(૮) આત્મસંકલ્પ – આપ મેળે નિર્ણય લેવાની શક્તિ : દૃઢ નિર્ણય શક્તિવાળા લોકો જ જીવનમાં સફળતાનો સ્વાદ ચાખે છે. એટલે જ તમારે તમારા બધા પ્રયાસોને તમારા મન અને દેહની શક્તિઓને કેળવવા તરફ વાળવા જોઈએ. બધી નિષ્ફળતાઓ અને ભોંય પછડાટ મળવા છતાં પણ શાંતિ, ઉત્સાહ અને ખંતથી કાર્ય કરો. કોઈ વહેમનો ડર ન રાખીને, આપ મેળે નિર્ણય લેવાની શક્તિ કેળવો. સ્વામીજીના જીવનની આવી જ એક ઘટના જોઈએ :

ખૂબ નાની વયથી જ નરેન વહેમ અને બીક સાથે અકળામણ અનુભવતો, પછી ભલેને એ વહેમને લોક પરંપરાએ પવિત્રતાના વાઘા ચડાવ્યા હોય. મોટી વયે પોતાના એક શિષ્યને એમણે કહ્યું હતું: ‘બાળપણથી જ હું ઉફાંડી હતો; નહીં તો, ખીસામાં એક પૈસો ન હોવા છતાં આખા જગતની સફરનો પ્રયત્ન મેં કર્યો હોત ખરો?’ એના ઉફાંડીપણાના અર્થાત્‌ હિમ્મત અને વિચાર તથા કર્મમાં સ્વતંત્રતાના ઉદાહરણનો એમના બાળપણનો એક કિસ્સો છે. નાના છોકરાઓને પણ કંટાળો આવે તેવે કોઈ કોઈ સમયે તે પોતાના એક મિત્રને ત્યાં જતા. એ લોકોના આંગણામાં ચંપકનું એક ઝાડ હતું ને એની  ડાળ પરથી ઊંધે માથે  લટકવું તેમને ગમતું. એ ઘરના વૃદ્ઘ અને ઓછું ભાળી શકતા દાદાજીને બીક હતી કે કાં, ઝાડ પરથી આ છોકરો પડશે, કાં, ઝાડને નુકસાન થતાં પોતાને ફૂલ નહીં મળે. એટલે એક દિવસ એમણે નરેનને બોલાવી કહ્યું: ‘આ ઝાડ પર ચડતો નહીં.’ નરેને કારણ પૂછયું: ડોસાએ ઉત્તર વાળ્યો: ‘એ ઝાડ પર એક બ્રહ્મરાક્ષસ રહે છે; રાતે એ સફેદ કપડાં પહેરી ફરે છે ને દેખાવે ભયંકર છે.’ નરેન માટે આ નવીન હતું. રખડવા સિવાય એ બ્રહ્મરાક્ષસ બીજું શું કરી શકે તે જાણવાની એની ઇચ્છા હતી. ‘ઝાડ પર જે ચડે છે તેની ડોક એ મરડે છે,’ ડોસા બોલ્યા.

નરેન કશું બોલ્યો નહીં અને, વિજેતાના હાસ્ય સાથે એ ડોસા ત્યાંથી ચાલ્યા ગયા. એ જેવા થોડે દૂર ગયા કે, બ્રહ્મરાક્ષસ હોવા  છતાંય  નરેન  ઝાડ પર ચડ્યા. એના મિત્રે ચેતવણી આપી: ‘બ્રહ્મરાક્ષસ તને પકડશે ને તારી ડોક મરડી નાખશે.’ ખડખડાટ હસી નરેને કહ્યું: ‘કેવો મૂરખ છે તું! કોઈ કહે એટલે એની વાત એમ માની લેવી નહીં, દાદાજીની વાત સાચી હોત તો, મારી ડોક તો ક્યારનીયે ભાંગી ગઈ હોત.’ આ પ્રસંગ સૂચક અને ભાવિની અગમવાણી જેવો છે; જ્યારે, સ્વામી વિવેકાનન્દ તરીકે મોટા શ્રોતાગણોને તેઓ કહેવાના હતા : ‘પોથીમાં વાંચી માટે એ વાતને સાચી નહીં માની લો! કોઈએ કહ્યું માટે એને સ્વીકારી નહીં લો! જાતે જ તમે સત્યને શોધો! એ જ સાક્ષાત્કાર છે!’

સંક્ષેપમાં :

* વ્યાવહારિક સંકલ્પો કરો અને એને વળગી રહો.

* અનેક નિષ્ફળતાઓ છતાં ધૈર્ય, ખંત અને શાંતિથી નિર્ણયોને વળગી રહો.

* મન સહાય ન કરે તો પણ દેહબળથી કાર્ય કરો. એનાથી ઇચ્છાશક્તિ વધશે.

(૯) આત્મત્યાગ – આત્મબલિદાન : પરદેશથી આવ્યા પછી તાવની બીમારીને કારણે સ્વામીજી અત્યંત નબળા પડી ગયા હતા. ડોકટરોના કહેવાથી તેઓ દાર્જીલિંગ ગયા. ત્યાં થોડા દિવસ રહ્યા પછી સ્વામીજીને સમાચાર મળ્યા કે કલકત્તામાં પ્લેગ ફેલાયો છે. આ પહેલાં જ સ્વામીજી પ્લેગના ફેલાવાની આશંકાથી ઉદ્વિગ્ન હતા. એ સમયની તેમની મન:સ્થિતિની જાણકારી દાર્જીલિંગમાં મેકલાઉડને લખેલ ચિઠ્ઠી પરથી મળી રહે છે. સ્વામીજીએ એમને લખ્યું હતું: (૨૯ એપ્રિલ ૧૮૯૮) ‘જે શહેર મારું જન્મસ્થાન છે ત્યાં જો પ્લેગ ફેલાશે તો તેના વિરોધમાં હું આત્મબલિદાન કરીશ. આ મારો નિશ્ચય છે. આ દુનિયામાં જે મહાપુરુષોએ પ્રકાશ પાથર્યો છે તેમના માટે બલિદાન દેવા કરતાં મારા નિર્વાણ માટેનો આ જ સૌથી ઉત્તમ ઉપાય છે.’ જ્યારે સમાચાર મળ્યા કે કલકત્તામાં ખરેખર પ્લેગનો ઉપદ્રવ થયો છે તે રોગચાળાના રૂપમાં ફાટી નીકળવાની તૈયારીમાં છે ત્યારે તેઓ તરત જ કલકત્તા ચાલ્યા ગયા. આવીને તેમણે જોયું કે ખરેખર  પ્લેગના રોગથી જેટલા લોકોના મૃત્યુ થયાં છે તેના કરતાં ધણો વધારે  ભય લોકોના મનમાં ઘર કરી ગયો છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકો શહેર છોડીને ભાગી રહ્યા છે. આ પરિસ્થિતિમાં માણસોને માનસિક હિંમત દેવા માટે સ્વામીજીએ ઘોષણાપત્રનું વિતરણ કરીને એ બતાવી આપ્યું: ‘રામકૃષ્ણ મિશન તેમની મદદ કરવા હંમેશા તેમની સાથે છે. મિશન તેમની સેવા પૂરા તન-મન-ધનથી કરશે.  આ સિવાય સ્વામીજીએ નિર્ણય કર્યો કે જૂદી જુદી જગ્યાએ પ્લેગથી પીડિત લોકો માટે સેવા કેન્દ્રો શરૂ કરવાં. એક ગુરુભાઇએ પ્રશ્ન કર્યો કે આ બધા કામ માટે તો પુષ્કળ ધનની જરૂરત પડશે. પૈસા કયાંથી આવશે? સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો: ‘કેમ? જરૂર પડશે તો મઠ માટે જે જમીન લીધી છે તે વેચી નાખીશ. આપણે તો ફકીર છીએ. ભિક્ષા માગીને, વૃક્ષની છાયામાં રહીને  દિવસો પસાર કરી દઈશું. જો જમીન વેચીને સેંકડો માણસોને બચાવી શકાતા હોય તો પછી તે જમીન રાખી મૂકેલી શું કામ આવવાની છે? પરંતુ પૈસા મળી ગયાં એટલે જમીન વેચવાની જરૂરત ન પડી. સ્વામીજી કેવા મહામાનવ હતા તેનો ખ્યાલ તો આપણને સ્વામીજીના બોલાયેલા શબ્દોમાંથી મળી રહે છે. બેલુર મઠની સ્થાપના માટે તેમણે જીવ તોડીને મહેનત કરી. લોહી પસીનો એક કરીને એક એક પૈસો ભેગો કરીનેે આ મઠની સ્થાપના કરી. પરંતુ તેમણે જેવી દુ:ખી મનુષ્યોની દુર્દશા જોઈ કે તરત જ મઠની જમીન વેચી નાખવાની વાત કરતાં જરા પણ હિચહિચાટ ન અનુભવ્યો.

સંક્ષેપમાં :

* જીવનમાં મહત્તા પ્રાપ્ત કરવા માટે આત્મત્યાગ કે સ્વાર્પણની ભાવના જરૂરી છે.

* નિ:સ્વાર્થ ભાવનાનો બદલો ઘણો મોટો હોય છે. અલબત્ત, લોકોમાં એને અમલમાં મૂકવાની ધીરતા-સ્થિરતા હોતી નથી.

* સ્વાર્થી વ્યક્તિ હંમેશાં દુ:ખીપીડિત હોય છે. લોકો સ્વાર્થીઓને ધિક્કારે છે.

* બીજાને સહાય કરવાનો પ્રયત્ન કરો. બીજાને સહાય કરીને વાસ્તવિક રીતે તો તમે તમારી જાતને જ મદદ કરો છો.

(૧૦) આત્મગૌરવ : તમારા જીવનને પારદર્શક બનાવો. સીધા, સરળ અને પ્રામાણિક વ્યક્તિ ડરતો નથી. સંનિષ્ઠા અને પ્રામાણિકતા જેવા ઉદાત્ત ગુણોમાં ક્યારેય બાંધછોડ ન કરવી. તમે શેના પર મક્કમ રહો છો, એ અગત્યનું છે. જેમણે  ઉચ્ચતર વિચારો અને આદર્શો, ઉચ્ચતર સંકલ્પનાઓ અને ચોક્કસ સિદ્ધાંતો માટે પોતાના જીવન સમર્પિત કર્યાં છે એવાં ઉદાહરણોથી માનવજાતનો ઇતિહાસ ભરપૂર ભર્યો છે.

અમેરિકાના પશ્ચિમ પ્રાંતના એક નગરમાં એક વખત સ્વામીજીએ ભાષણમાં કહ્યું હતું: ‘જે સર્વોમ સત્ય સુઘી પહોંચી શકે છે તેને કંઈ વિચલિત કરી શકતું નથી.’ કેટલાક ભરવાડોએ આ વાત સાંભળી તેઓએ નક્કી કર્યું કે સ્વામીજીની આ વાતનો પ્રયોગ તેમની ઉપર જ કરવો. જ્યારે સ્વામીજી તેમના ગામમાં આવ્યા ત્યારે એક ટબ ઊંધું કરી નાખ્યું અને તેના પર ઊભા રહીને સ્વામીજીને ભાષણ કરવા કહ્યું. કોઈ પણ જાતના ખચકાટ વગર સ્વામીજી તૈયાર થઈ ગયા અને થોડી વારમાં અડગ ઊભા રહીને ભાષણ દેવામાં મગ્ન થઈ ગયા.  એટલામાં  જ  તેમના કાન પાસેથી અવાજ કરતી બંદૂકની ગોળીઓ પસાર થવા લાગી. સ્વામીજીએ તલભાર  પણ વિચલિત થયા વગર ભાષણ ચાલુ રાખ્યું. અંતમાં ભાષણ પૂરું થયું ત્યારે તે ભરવાડોએ સ્વામીજીને ઘેરી લીધા અને તેમની સાથે હાથ મિલાવીને કહ્યું: ‘હાં તમે ખરેખર મરદ માણસ છો.’

સ્વામીજી શિકાગોની વિશ્વધર્મ પરિષદ પછી અમેરિકાના સમાજમાં પ્રખ્યાત થઈ ગયા હતા. કોઈ એક સ્ટેશને તેઓ ટ્રેનમાંથી ઊતરતા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું હતું. એટલામાં એક નિગ્રો કુલીએ પોતાનો હાથ તેમની તરફ લંબાવ્યો અને કહ્યું કે મેં સાંભળ્યું છે તે કે આપણે એક જ જાતિના છીએ. તમારા ગૌરવથી નિગ્રો સમાજ પણ ગૌરવ અનુભવે છે. એટલે હું તમારી સાથે હાથ મિલાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા ઇચ્છું છું. સ્વામીજીએ તરત તે કુલી તરફ હાથ લંબાવીને કહ્યું: ‘ધન્યવાદ ભાઈ, તને અનેક ધન્યવાદ!’ તેમણે કુલીને એમ ન કહ્યું  કે તેઓ નિગ્રો નથી. અમેરિકાની કેટલીયે હોટલોમાં તેમને  નિગ્રો  માનીને  પ્રવેશ નહોતો મળતો; અપમાનિત પણ થવું પડતું હતું. તે  છતાંય  તેમણે કદી એમ ન કહ્યું કે તેઓ નિગ્રો નથી. એક વખત એક પશ્ચિમના શિષ્યે તેમને પૂછયું  કે આ  મામલામાં શા માટે તેઓ પોતાનો સાચો પરિચય નથી આપતા? સ્વામીજીએ કહ્યું હતું: ‘શું  આપણે બીજાને હલકા દેખાડીને પોતે ઊંચા બની શકીશું? મેં તો આ માટે જન્મ ધારણ કર્યો નથી.’

સંક્ષેપમાં :

* સંનિષ્ઠ અને પ્રામાણિક વ્યક્તિને ભય હોતો નથી.

* નિમ્નકક્ષાએ જઈને કોઈની નિંદા ન કરો. એનાથી આપણે ગુણવત્તામાં નીચે ઊતરીએ છીએ.

* દુનિયાના લોભલાલચથી લલચાયા વિના મહાપુરુષો ઉચ્ચતર આદર્શ અને સિદ્ધાંતોને વળગી રહે છે.

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.