(સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૬૯ના ત્રીજા અંક (પૃ.૩૬૬)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વિના અધ્યાત્મ પથ પર એક ડગલુંયે આગળ ભરી શકાતું નથી. આધ્યાત્મિક ઉન્નતિ કે પ્રાપ્તિ વિના આપણને સ્થાયી શાંતિ મળી શકતી નથી. નૈતિકતાની પરિણતિ પૂર્ણત: અંતર્બાહ્ય શુચિતા છે. શુદ્ધ અને પવિત્ર અંત:કરણમાં જ સ્થાયી શાંતિનો આવિર્ભાવ થાય છે. સ્વાર્થ એવં વાસનાવિહીન થવાથી અંત:કરણ શુદ્ધ થાય છે. અને ત્યારે જ કોઈ પણ માનવ શુચિતામાં પ્રતિષ્ઠિત થઈ શકે છે.

આપણા જીવનમાં આપણે સ્વેચ્છાએ લીધેલ પ્રત્યેક નિર્ણય અને સ્વેચ્છાએ કરેલ પ્રત્યેક કાર્ય આપણી પોતાની નૈતિકતાની કસોટી છે. આ પ્રકારનું પ્રત્યેક કાર્ય અને વિચાર આપણને નૈતિક કે અનૈતિક બનાવે છે. આપણાં કર્મની પાછળ રહેલ ઉદ્દેશ્ય જ આપણી નૈતિકતાની સાચી ઓળખાણ છે. જો આપણાં કર્મોની પાછળ આપણો હેતુ શુભ હોય તો આપણું આચરણ પણ શુદ્ધ જ રહેવાનું. જો કર્મની સાથે આપણો ઉદ્દેશ્ય મલિન હોય કે અશુભ હોય તો ઉપર-ઉપરથી શુદ્ધ દેખાતું આપણું આચરણ પણ વસ્તુત: અશુદ્ધ, અનૈતિક અને અશુભ જ હોવાનું. એટલે કર્મની પાછળ રહેલો આપણો ઉદ્દેશ્ય જ અત્યંત મહત્ત્વનો છે. આ ઉદ્દેશ્ય જ ચારિત્ર્ય નિર્માણમાં આપણો સહાયક બને છે. કેટલીયે વાર બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો બે વ્યક્તિઓનાં કર્મ એક સરખાં લાગે છે. પરંતુ એમનાં કર્મોની પાછળ રહેલ ઉદ્દેશ્યને કારણે એ વ્યક્તિઓના જીવનમાં આકાશ-પાતાળનું અંતર આવી જાય છે.

દેવગુરુ બૃહસ્પતિના મેધાવી પુત્ર કચે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. કચ શુક્રાચાર્યના આશ્રમમાં રહીને ગુરુની સેવા અને વિદ્યાભ્યાસ કરતો. એના જેવા બુદ્ધિમાન, ચારિત્ર્યશીલ અને પરિશ્રમી શિષ્યને મેળવીને આચાર્ય ઘણા ખુશ હતા. તેઓ સવિશેષ ભાવે એને વિદ્યાભ્યાસ કરાવતા હતા. શુક્રાચાર્યને એક અત્યંત સુંદર-સુશીલ કન્યા હતી. તેનું નામ હતું દેવયાની. શુક્રાચાર્યને પોતાની પુત્રી પર અગાધ પ્રેમભાવ હતો. ગુરુના સ્નેહભાગી દેવયાની કચની પણ સ્નેહપાત્ર બની. કચ ગુરુપુત્રીને બહુ સારી રીતે આનંદમાં રાખતો. વનમાંથી એને માટે વિવિધ પ્રકારનાં ફળફૂલ પણ લાવતો. એની સાથે રમતો, એની સુખસુવિધાઓનું ધ્યાન રાખતો. દેવયાની પણ કચના આવા વ્યવહારથી પ્રસન્ન અને મુગ્ધ બની જતી. તે પણ કચનાં કાર્યોમાં શક્ય એટલી મદદ કરતી.

કચનું શિક્ષણ પૂરું થયું. તે દુર્લભ વિદ્યાનો એક નિષ્ણાત અધિકારી બની ગયો. ગુરુદેવે એને પોતાને ઘરે જવા માટે અનુમતિ પણ આપી દીધી. કચે આશ્રમના બધા સહયોગીઓ અને નિવાસીઓને મળીને એમની વિદાય લીધી. પરંતુ દેવયાની ક્યાંય જોવા ન મળી. એની વિદાય લેવા એ એને શોધવા લાગ્યો. એણે જોયું તો આશ્રમથી થોડે દૂર એક એકાંત કુંજમાં દેવયાની એકલી જ ઊભી છે. કચને થોડું આશ્ચર્ય થયું. તેની પાસે પહોંચીને પૂછ્યું : ‘અહીં આમ એકાંતમાં શા માટે ઊભી છો? હું તો તને આશ્રમમાં ખોળતો હતો. ગુરુદેવે મને કૃપાપૂર્વક ઘરે પાછા જવાની અનુમતિ આપી દીધી છે. મારી વિદ્યાપ્રાપ્તિ પૂર્ણ થઈ ગઈ છે. હવે હું મારે ઘરે પાછો ફરું છું. મેં બધા આશ્રમવાસીઓની વિદાય લઈ લીધી છે અને તારી વિદાય લેવા આવ્યો છું. મને વિદાય આપ અને મારા માટે કોઈ સેવાકાર્ય હોય તો તે કહેજે.’

દેવયાનીએ કહ્યું: ‘હે બ્રાહ્મણકુમાર! આ એકાંત કુંજમાં હું તમારી જ રાહ જોઈ રહી હતી. પિતાજી તમને ઘરે પાછા જવાની અનુમતિ આપી દેશે એ વાત હું પહેલેથી જ જાણતી હતી. પણ હું તમને કંઈક કહેવા ઇચ્છું છું, એટલે જ આ એકાંતમાં તમારી રાહ જોતી ઊભી છું. તમે મને મળ્યા વગર જશો નહિ, એવી મને ખાતરી હતી.’

કચે કહ્યું: ‘દેવયાની! તું તો ગુરુપુત્રી છો. તારી વિદાય લીધા વિના હું ઘરે પાછો કેમ જઈ શકું? તારી પ્રસન્નતામાં જ ગુરુની પ્રસન્નતા સમાયેલી છે. કહે, શું કહેવા માગે છે.’

દેવયાનીએ કહ્યું: ‘કચ, તમારાં સેવા અને સદ્વ્યવહારથી હું મુગ્ધ છું. હું પણ હવે તમારી આજીવન સેવા કરવા ઇચ્છુ છું. તમે મને પોતાની અર્ધાંગિની રૂપે સ્વીકારી લો.’

દેવયાનીની વિનંતી સાંભળીને કચ અવાક્ થઈ ગયો. સ્વપ્નમાં પણ દેવયાનીના આવા વ્યવહારની એણે આશા રાખી ન હતી. એ તો એની ગુરુપુત્રી હતી અને ગુરુપુત્રી તો સહોદરી એટલે બહેન જ ગણાય. કચ સદૈવ એને બહેનની નજરે જ જોતો. પોતાની નાની બહેન માનીને જ એણે દેવયાનીની સેવા કરી હતી, આટલો બધો પ્રેમભાવ આપ્યો હતો, એને આનંદમાં રાખી હતી અને મધુર સ્નેહભાવે વર્ત્યો હતો. કચનું મન તો નિર્મળ અને પવિત્ર હતું. દેવયાનીને સહોદરી સિવાય અન્ય કોઈ પણ ભાવે જોવી એને માટે અશક્ય હશું.

કચે કહ્યું: ‘દેવયાની! આ તું શું કહે છે? તું તો મારા ગુરુની પુત્રી છો. ગુરુપુત્રી પૂજ્ય ગણાય છે. ધર્મ પ્રમાણે તમે મારી સહોદરી-બહેન જ છો. તમારા મોઢે આવી અનુચિત વાત શોભતી નથી. તમે મને એક ભાઈની દૃષ્ટિએ જુઓ એ યોગ્ય છે.’

આ સાંભળીને રોષ સાથે દેવયાનીએ કહ્યું: ‘કચ, મારે તમારા આદર્શ અને ઉપદેશની આવશ્યકતા નથી. હું તમને ચાહું છું. કહો, તમે મારો સ્વીકાર કરો છો કે નહિ? અને જો નહિ કરો તો હું તમને શાપ આપીશ કે પિતાજીએ આપેલી સંજીવની વિદ્યા પ્રયોગ સમયે નિષ્ફળ જશે.’

કચે શાંતિથી કહ્યું: ‘દેવયાની! મેં તને હૃદયથી બહેન જ ગણી છે. મારી વિદ્યા અફળ જાય એવો અભિશાપ તો શું પણ મારું માથું કપાવી નાખો તો પણ હું તમને બીજી કોઈ દૃષ્ટિએ જોઈ ન શકું. મારા હૃદયની પવિત્રતા જ મારી વાસ્તવિક કેળવણી છે, મારા વિદ્યાભ્યાસની ઉપલબ્ધિ છે. એને મારી પાસેથી કોઈ છીનવી ન શકે!’

કચે અત્યંત કઠોર પરિશ્રમપૂર્વક પ્રાપ્ત કરેલી પોતાની જીવનસાધનાની પરમ ઉપલબ્ધિ સમી સંજીવની વિદ્યાને પણ પોતાનાં આદર્શ અને અંત:કરણની પવિત્રતા ખાતરી છોડી દીધી.

ભારતીય ઋષિઓની આ એક વિશેષતા રહી છે કે એમણે માનવ જીવનને કેવળ ભૌતિક દૃષ્ટિકોણથી જ નહિ પરંતુ તેને માનસિક અને આધ્યાત્મિક રીતે નવા શુદ્ધ ભાવે જોવાનો વિચાર કર્યો. એ જીવનના વાસ્તવિક સત્ય સ્વરૂપની મોટી ઉપલબ્ધિ છે. આ ઉપલબ્ધિના આધારે એ બધા ઋષિઓએ જીવનને પૂર્ણતા અર્પનારી જીવન યોજનાની સંરચના પણ કરી. શરીરથી આગળ વધતા આપણી મુખ્ય સમસ્યા છે આપણું મન. મનનું સુયોગ્ય પ્રશિક્ષણ અને શોધન જ જીવનમાં પરિપૂર્ણતાની પ્રાપ્તિને સંભવ બનાવે છે. આ પ્રશિક્ષણમાં યૌનવૃત્તિ એક જટિલ સમસ્યા છે. આ સમસ્યાનું સુયોગ્ય નિરાકરણ કરી લેવાથી જીવનસંગ્રામમાં આપણને અડધી સફળતા મળી જાય છે. આ યૌનવૃત્તિનાં એકાએક વિનાશ કે દમન થઈ શકતાં નથી. પરંતુ એનું ઊર્ધ્વીકરણ કરીને એને પરિશુદ્ધ બનાવીને મનને યથાસમયે નિર્મળ બનાવી શકાય છે.

યૌનવૃત્તિનું ઊર્ધ્વીકરણ તેમજ તેના પરિશોધન માટે વિપરીત લિંગવાળા વ્યક્તિઓ પ્રત્યે પરસ્પર શ્રદ્ધા તેમજ પૂજ્યભાવ કે પવિત્ર નિ:સ્વાર્થ સ્નેહભાવ અત્યંત આવશ્યક બને છે. એટલે જ આપણે આપણા મન સમક્ષ એ વ્યક્તિનું શ્રદ્ધાપૂત, પવિત્ર બુદ્ધિયુક્ત અને નિર્મળ નિર્હેતુક સ્નેહપૂર્ણ ચિત્ર રાખવું પડે. આ માનસિક ચિત્ર અનુસાર એ વ્યક્તિ પ્રત્યે પોતાના બાહ્ય વ્યવહારોનું નિયંત્રણ, સંયોજન અને પરિમાર્જન કરવું પડે છે. આમ છતાં પણ વ્યક્તિ પ્રત્યેની આપણી ભાવના અને દૃષ્ટિકોણ પણ મહત્ત્વપૂર્ણ અને અગત્યની વાત છે. બાહ્ય વ્યવહાર તો ગૌણ છે. કચના મનમાં દેવયાની પ્રત્યે ભગિની જેવો શુદ્ધભાવ હતો. ગુરુપુત્રી હોવાને લીધે એના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ પણ હતી. આ જ કારણે દેવયાનીના સંપર્કથી એક બાજુએ કચની ચિત્તશુદ્ધિ થઈ, એનું અંત:કરણ પવિત્ર બન્યું તો બીજી બાજુએ પોતાની ભાવના શુદ્ધ ન હોવાને કારણે, દૃષ્ટિકોણમાં ભેદભાવ હોવાને લીધે દેવયાનીના મનમાં એના વ્યવહારનું વિપરીત પરિણામ આવ્યું. તે વાસનાજનિત કહેવાતા પ્રેમમાં પ્રવૃત્ત બની અને આદર્શથી નીચે ઊતરી ગઈ.

એટલે જ ચારિત્ર્ય ઘડતરના પથ પર ચાલનાર પ્રત્યેક પથિકનું આ કર્તવ્ય છે કે જ્યારે અને જ્યાં એનો સંબંધ કોઈ બીજી વ્યક્તિ સાથે થાય કે તરત જ એણે પોતાના મનની ભાવનાઓ તરફ નજર નાખીને આત્મનિરીક્ષણ કરી લેવું જોઈએ. એ પ્રમાણે પોતાની ભાવનાઓનું પરિમાર્જન કરીને પોતાના દૃષ્ટિકોણને સદૈવ પવિત્ર જ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાધના કોઈ પણ સાધકને આદર્શ તરફ સતત આગળ ને આગળ દોરી જાય છે.

Total Views: 43

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.