કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ

નરેન્દ્ર સાકાર ઈશ્વરમાં માનતા ન હતા એટલે, આરંભમાં એ કાલીનો અસ્વીકાર કરતા. આ ખ્યાલ બાબત એણે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ સાથે કેટલાંક વર્ષો સંઘર્ષ કર્યો હતો. પણ ઠાકુરે એમને કહ્યું હતું કે, ‘તું માતાજીનો સેવક થઈશ.’ અને અંતે એમણે નરેન્દ્રને મા કાલીને અર્પણ કર્યા. કેટલાંક વર્ષો પછી, વિવેકાનંદે પોતાનાં આઈરિશ શિષ્યા ભગિની નિવેદિતા સાથે આ વિશે ચર્ચા કરી. ભગિનીએ પ્રશ્ન કર્યો કે : ‘આપ કહો છો કે અનેક લોકો રામકૃષ્ણ પરમહંસને કાલીનો અવતાર કહેશે?’ સ્વામીજીએ ઉત્તર આપ્યો કે : ‘હા, પોતાના હેતુ માટે મા કાલીએ શ્રીરામકૃષ્ણના શરીરને કામે લગાડ્યું હતું તે વિશે જરીયે શંકા નથી તેમ હું માનું છું.’

દક્ષિણેશ્વરમાં એક વેળા મધરાતે ઠાકુર ભાવાવિષ્ટ દશામાં આંટા મારી રહ્યા હતા. એમને નિહાળતાં ગોલાપ માએ ઠાકુરને સ્થાને કાલીનાં દર્શન કર્યાં. એ ખૂબ ચક્તિ થઈ ગયાં હતાં અને એનાં રૂંવાડાં ખડાં થઈ ગયાં હતાં. સ્વામી બ્રહ્માનંદે એકવાર નીચેનો પ્રસંગ વર્ણવ્યો હતો :

ત્યારે હું કોલકાતામાં વારાણસી ઘોષ સ્ટ્રીટમાં રહેતો હતો અને નિયમિતપણે ઠાકુર પાસે આવતો. એકવાર વહેલી બપોરે હું દક્ષિણેશ્વર ગયો. કાલી મંદિર બંધ હતું અને, બપોરનું જમ્યા પછી ઠાકુર આરામ કરતા હતા. ઓરડામાં હું દાખલ થયો તેવો જ તેમણે મને પોતાના પલંગ પર બેસવા કહ્યું. મારી સાથે થોડીવાર વાત કર્યા પછી એમણે મને પોતાના પગ દબાવવા કહ્યું. મેં કહ્યું : ‘મહાશય, મને માફ કરો. એ હું નહીં કરી શકું. આપ મને અદ્‌ભુત વાર્તાઓ કહેતા હતા તે કહેવાનું ચાલુ રાખો.’ આમ છતાં તેઓ બોલ્યા કે : ‘જો, મારા પગ જરા દબાવી દે. તને સાધુસેવાનું પુણ્ય મળશે.’ આમ એમણે બેત્રણ વાર કહ્યા પછી, આખરે એમને પગે મેં હાથ લગાડ્યા. અચાનક એવી ચમત્કારી ઘટના બની કે હું મૂંગોમંતર બની ગયો. મારી ઉઘાડી આંખોએ મેં જોયું કે, સાત આઠ વર્ષની નાની બાળાનું સ્વરૂપ લઈને, મા કાલી તરત જ ત્યાં દાખલ થયાં. ઠાકુરના પલંગની એમણે કેટલીકવાર પ્રદક્ષિણા કરી. એમનાં ઝાંઝર ઝમ ઝમ કરતાં હતાં. પછી એ ઠાકુરના દેહ સાથે એકરૂપ થઈ ગયાં. જરા મલકીને ઠાકુર બોલ્યા કે : ‘જોયું ને! સાધુસેવાનું ફળ તને તરત જ મળી ગયું.’

કેન્સરની સારવાર માટે ૧૮૮૫ના સપ્ટેમ્બરમાં શ્રીરામકૃષ્ણ શ્યામપુકુર આવ્યા. કાલીપૂજાને આગલે દિવસે કેટલાક ભક્તોને એમણે કહ્યું કે ‘પૂજા માટેની જરૂરી બધી સામગ્રી એકઠી કરો. આવતીકાલે કાલીપૂજા છે.’

સ્વામી શારદાનંદે લખ્યું છે કે :

સૂર્યાસ્ત સાથે સંધ્યાનું આગમન થયું. ભક્તોએ સાંજે ૭-૦૦ વાગ્યે રોજની માફક ઠાકુરને પોતાના પલંગમાં શાંતિથી બેઠેલા જોયા. પછી પૂજા વિશે એ કશું વધારે બોલ્યા નહીં. એમની જમણી તરફ એ સૌએ જગ્યા સાફ કરી અને પૂજાની સામગ્રી બધી ત્યાં ગોઠવી. ચંદન અને પુષ્પોથી પોતાની જાતની કોઈવાર પૂજા કરતા ઠાકુરને કેટલાક શિષ્યોએ અગાઉ જોયા હતા. આજે તેઓ સૌ એ નિર્ણય પર આવ્યા હતા કે, વૈશ્વિક ચેતનાના પ્રતીક અને દિવ્યશક્તિના મૂર્ત રૂપ તરીકે, શાસ્ત્રોક્ત રીતે ઠાકુર આજે પોતાની પૂજા કરવા ચાહે છે. એટલે પૂજાપાની બધી સામગ્રી તેમણે એમના પલંગની બાજુમાં મૂકી તેમાં નવાઈ નથી. ઠાકુરે એમને એમ કરતા જોયા પણ કશો વિરોધ ન કર્યો.

બધું એ ઓરડે આણવામાં આવ્યું તે પછી કોઈએ દીપ પ્રગટાવ્યો અને ધૂપ સળગાવ્યો. આખો ખંડ પ્રકાશથી અને સુગંધથી ભરાઈ ગયો. ઠાકુરને હજી સુધી શાંત બેઠેલા જોઈને, ભક્તો એમની સમીપ બેઠા. એમની સૂચના માટે કોઈ તેમના ભણી ઉત્કંઠાથી જોવા લાગ્યા; કોઈ માતાજીનું ધ્યાન કરવા લાગ્યા. વખત વીતવા લાગ્યો પણ ઠાકુર મૌન જ રહ્યા. ન તો એ જાતે પૂજા કરવા ઊઠ્યા કે ન અમારામાંથી કોઈને એમણે તેમ કરવા કહ્યું.

મહેન્દ્ર, રામ, દેવેન્દ્ર, ગિરીશ અને બીજા કેટલાક મોટેરા ભક્તો સાથે યુવાન ભક્તો પણ હતા. ‘સૌ ભક્તોમાં ગિરીશને સવાસો ટકા શ્રદ્ધા છે’, એમ ઠાકુર કોઈવાર કહેતા. ઠાકુરના મૌનથી મોટાભાગના ભક્તો મૂંઝવણ અનુભવતા હતા. પણ ગિરીશને ઠાકુરમાં ઊંડી શ્રદ્ધા હતી એટલે એને અચાનક એક વિચાર ઝબક્યો : ‘પોતાની જાત માટે દેવીપૂજા કરવાની ઠાકુરને કશી જરૂર નથી. એમના વિશુદ્ધ પ્રેમે એમને પૂજા કરવા પ્રેર્યા છે તો, કશું કર્યા વિના તેઓ આમ શાંત શા માટે બેઠા છે? એ યોગ્ય નથી લાગતું. ઠાકુરના જીવંત રૂપમાં ભક્તો કાલીપૂજા કરી આશીર્વાદ મેળવે એ માટે શું આ બધી તૈયારીઓ કરવામાં આવી છે? એમ જ હોવું જોઈએ.’ આ વિચારે એ આનંદથી છલકાઈ ગયા અને તરત જ, પુષ્પો અને ચંદન લઈને એમણે એ ઠાકુરને ચરણે ચડાવ્યાં અને બોલ્યા : ‘માનો જય હો!’ ઠાકુરના દેહમાંથી ઝણઝણાટી પસાર થઈ ગઈ અને તેઓ ઊંડી સમાધિમાં સરી પડ્યા. એમનું મુખ ઝળાંહળાં થઈ ગયું અને, એમને મુખે દિવ્ય સ્મિત રમવા લાગ્યું. કાલીની પ્રતિમા જેમ એમના હાથે વર અને અભયની મુદ્રા ધારણ કરી અને, એમના દેહ દ્વારા દેવી એમનામાં પ્રગટ થયાં છે તે દર્શાવ્યું. આ બધું એટલી ઝડપથી બની ગયું કે, પાસે બેઠેલા ભક્તોને લાગ્યું કે, ઠાકુરને સમાધિસ્થ જોયા પછી ગિરીશે તેમને ચંદનપુષ્પ અર્પણ કર્યાં છે. જે લોકો થોડે આઘે બેઠા હતા તેમને લાગ્યું કે દેવીનું ઝળહળતું રૂપ એમની સામે પ્રગટ્યું છે અને એ રૂપે ઠાકુરના દેહનો પૂર્ણ કબ્જો લીધો છે.

કાશીપુરના ઉદ્યાનગૃહમાં ઠાકુર ગંભીર માંદગીમાં હતા ત્યારે, પૂજ્ય શ્રીમા શોકમાં ડૂબી ગયાં હતાં. લાંબા  કાળા કેશવાળી અને શ્યામ સ્વરૂપની એક છોકરી પૂ.માને દર્શનમાં દેખાઈ. એ એમની પાસે બેઠી. એ મા કાલી છે એમ જાણતાં મા બોલી ઊઠ્યાં :

‘અરે, આપ પધાર્યાં છો?’

મા કાલી : ‘હા, હું દક્ષિણેશ્વરથી આવી છું.’

થોડી વાતો પછી એ છોકરીએ પોતાની ડોક એક તરફ નમાવી તે પૂ. શ્રીમાએ જોયું. એમણે પૂછ્યું : ‘આપની ડોકને શું થયું છે?’

મા કાલી : ‘મારા ગળામાં પીડા થાય છે.’

પૂજ્ય શ્રીમા : ‘હે ભગવાન! ઠાકુરને ગળાની પીડા છે અને આપને પણ શું તેમ જ છે?’

મા કાલી : ‘હા, એમ જ છે.’

જગજ્જનની અને ઠાકુર એક જ છે તેની સમજ પૂ.શ્રીમાને આ રીતે મળી.

શ્રીરામકૃષ્ણનું અવસાન થયું ત્યારે પૂ. શ્રીમા પોકારી ઊઠ્યાં હતાં : ‘હે મા કાલી, અમને છોડીને તમે ક્યાં ચાલી ગયાં?’

શિવ સ્વરૂપે શ્રીરામકૃષ્ણ

કામારપુકુરમાં શ્રીરામકૃષ્ણ કુમાર અવસ્થામાં હતા ત્યારે શિવરાત્રીના તહેવાર પ્રસંગે પાઈનના ઘર તરફથી (રામલીલા જેવી) શિવલીલા રાખવામાં આવી હતી. બાજુના ગામડાની નટમંડળી શિવના મહિમા પર આધારિત યાત્રા (ધાર્મિક નાટક) ભજવવાની હતી. સાંજ વીત્યા બાદ અર્ધા કલાક પછી લીલા શરૂ થવાની હતી. સાંજ પડતાં ગામમાં ખબર આવ્યા કે લીલામાં શિવનો પાઠ કરનાર છોકરો ગંભીર માંદો પડ્યો છે એટલે, કાર્યક્રમ રદ કરવો પડશે. ‘તું આ શિવનો પાઠ કરી શકીશ ને?’ એમ કામારપુકુરના મોટેરાઓએ ગદાધરને પૂછ્યું. એણે હા પાડી. પછી જે બન્યું તેનું વર્ણન નીચે મુજબ સ્વામી શારદાનંદે કર્યું છે :

વેશ પહેર્યા પછી ગદાધર તૈયાર થવાને ઓરડે બેઠા અને શિવનું ચિંતન કરવા લાગ્યા. એમને મંચ પર આવવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે, એમનો એક મિત્ર એમને ત્યાં લઈ ગયો. એ મિત્રની વિનંતીથી એ મંચ પર ચડ્યા. બેધ્યાનપણે, કોઈપણ દિશા તરફ જોયા વિના એ મંચની મધ્યમાં ગયા અને ત્યાં સ્થિર ઊભા રહ્યા. જટા સાથે, માળાઓથી શણગારાયેલા અને ભસ્મચર્ચિત દેહ સાથે ગદાધરને ત્યાં ઊભેલા જોઈ પ્રેક્ષકવર્ગ સ્તબ્ધ થઈ ગયો. ધીમે અને સ્થિર પગલે એમણે પ્રવેશ કર્યો ને પછી, દિવ્ય, અંતર્મુખી, અપલક દૃષ્ટિથી તથા મુખ પર મધુર હાસ્ય સાથે એ અડગ ઊભા રહી ગયા. ગામડાના રિવાજ પ્રમાણે, પ્રેક્ષકો મોટે અવાજે ‘હરિ’ બોલવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ મંગલ ધ્વનિઓ કરવા લાગી અને કોઈએ શંખ ફૂંક્યા. આ ઘોંઘાટ શાંત પાડવાના હેતુથી, પ્રયોજક શિવસ્તોત્રનો પાઠ કરવા લાગ્યો. આથી પ્રેક્ષકો જરા શાંત થયા પણ, એકબીજાને બોલાવતાં ને આંગળી ઘોંચતો પ્રેક્ષકગણ ધીમા સ્વરમાં બોલવા લાગ્યો કે : ‘ગદાઈ કેવો સુંદર દેખાય છે! એ બાળક આટલી અદ્‌ભુત રીતે શિવનો પાઠ કરશે એ આપણે કદી ધાર્યું ન હતું. એ છોકરાને આપણે સાચવી શકીએ તો, આપણી પોતાની જ યાત્રામંડળી આપણે બનાવી શકીએ.’

આ બધો વખત ગદાધર ત્યાં જ સ્થિર ઊભા રહ્યા, ‘વળી, એમની છાતી પર આંસુની ધારા સતત પડવા લાગી. આમ થોડો સમય વીતી ગયો પણ, ગદાધર ન તો પોતાને સ્થાનેથી ખસ્યા કે ન કશું બોલ્યા. પછી સંચાલક અને ગામના બેએક વડીલો ગદાધર પાસે ગયા અને જોયું તો, ગદાધરના હાથપગ નિર્જીવ જેવા થઈ ગયેલા લાગ્યા અને એમનું બાહ્ય ભાન સંપૂર્ણપણે જતું રહ્યું હોય એમ લાગતું હતું. એ પળે પ્રેક્ષકોમાં ઘોંઘાટ ખૂબ જ વધી પડ્યો. કોઈએ બૂમ મારી : ‘પાણી! એની આંખો પર અને એને મોઢે પાણી છાંટો!’ કોઈ બોલ્યું : ‘એને પંખો કરો!’ કોઈ બરાડ્યું કે : ‘એનામાં ભગવાન શિવ આવ્યા છે, શિવનામ બોલો.’ અને કોઈ ગણગણવા લાગ્યું કે : ‘આ છોકરાએ બધી મજા બગાડી નાખી. હવે યાત્રા અહીં જ પૂરી થઈ ગઈ!’ ગદાધરને ભાનમાં લાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ જતાં, લાંબા સમય પછી પ્રેક્ષકો ઊઠી ગયા. કેટલાક લોકો ગદાધરને પોતાને ખભે ઊંચકીને એને ઘેર લઈ ગયા. ઘરનાં લોકોની બધી કોશિશો છતાં, ગદાધરની સમાધિને દૂર કરવામાં આખી રાત સફળ ન થતાં એ સૌ રોયાં હતાં, એમ અમે સાંભળ્યું છે. બીજે દિવસે સૂર્યોદય પછી ગદાધર સ્વસ્થ થયા.

૧૮૮૩ના ઓગસ્ટની ૧૮મીએ સમાધિભાવમાં ઠાકુરે રાખાલને કહ્યું હતું કે : ‘આ (પોતાનો) ધાર્મિક ભાવ વર્ષાઋતુમાં જોરથી, આવીને જોરથી ચાલ્યા જતા ઝાપટા જેવો નથી. માનવહાથોએ ઘડેલી શિવપ્રતિમા જેવા નહીં પણ, જાણે ધરતીના પેટાળમાંથી ઊઠેલી એ નૈસર્ગિક પ્રતિમા છે.’

વૈકુંઠનાથ સન્યાલને શ્રીરામકૃષ્ણમાં શિવનું દર્શન કેવી રીતે થયું હતું તેનું વર્ણન સ્વામી શારદાનંદે શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ (૫.૭)માં કરેલું છે. પોતાના પુસ્તક શ્રીરામકૃષ્ણ લીલામૃતમાં વૈકુંઠે પોતે પણ આ પ્રસંગ વર્ણવ્યો છે :

ઠાકુરે વૈકુંઠને કહ્યું કે : ‘જુઓ, ભૈરવી બ્રાહ્મણી, વૈષ્ણવચરણ, ઈંદેશના ગૌરી પંડિત અને, બર્દવાનના રાજસભાના પંડિત પદ્‌મલોચન – આ સૌએ મને અવતાર જાહેર કર્યો છે; આ બધું સાંભળી હું ત્રાસી ગયો છું. વારુ, તમે મારે વિશે શું ધારો છો?’

વૈકુંઠ : ‘આપને અવતાર કહેનાર લોકો સૌ હલકી જાતના છે.’

ઠાકુર (હસીને) : ‘તમે શું કહેવા માગો છો? મને અવતાર કહી એ લોકોએ મારી પ્રશંસા કરી છે અને તમે એમને હલકી જાતના કહો છો?’

વૈકુંઠ : હું સમજું છું ત્યાં સુધી, અવતાર ઈશ્વરનું પૂર્ણ નહીં પણ આંશિક રૂપ છે.’

ઠાકુર : ‘એ સાચું છે. પણ તો પછી તમે શું માનો છો?’

વૈકુંઠ : ‘આપ સાક્ષાત ભગવાન શિવ છો, અંશ નથી. આપે મને શિવનું ધ્યાન કરવા કહ્યું હતું પણ, હું રોજ કોશિશ કરું છું તો પણ એમ કરી શકતો નથી. જ્યારે પણ ધ્યાનમાં બેસું છું ત્યારે આપનું પ્રેમાળ અને કરુણાળુ મુખ તેજસ્વી રૂપે મારી સામે પ્રગટ થાય છે. એને સ્થાને હું શિવના રૂપને મૂકી શકતો નથી તેમ જ હું મૂકવા પણ માગતો નથી. એટલે આપને હું શિવ જ માનું છું.’

ઠાકુર (મલકતા) : ‘તો વાત એમ છે? પણ તમારા માથાના વાળ જેટલો નકામો હું છું તે હું જાણું છું.’ (બંને હસી પડ્યા.)

(ક્રમશ:)

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.